Archive for April, 2009

નરેન્દ્ર મોદીનો એનડીટીવી પર ઇન્ટરવ્યૂ : સરદર્દ હૈ? નાક ભી બંધ? ખાંસી ભી હો ગઈ હૈ?

ન બોલે તુમ ન મૈંને કુછ કહા,

ન બોલે તુમ ન મૈંને કુછ કહા, મગર ન જાને ઐસા ક્યૂં લગા

‘આપ કો સરદર્દ હૈ?’

‘હાં.’

‘નાક ભી બંધ હૈ?’

‘હાં.’

‘ઔર ખાંસી ભી હો ગઈ હૈ?’

‘હાં ભાઈ હાં.’

‘તો કુછ લેતે ક્યોં નહીં?’

આ વિજ્ઞાપન દૂરદર્શન વખતનું છે, બહુ જાણીતું છે. તમે એક ને એક સવાલો પૂછ્યા રાખો તો ક્યારેક તો માણસ ખીજાઈને ‘હા ભાઈ હા’ એમ તો કહે ને.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો તાજેતરમાં એનડીટીવીના વિજય દ્વિવેદીએ હેલિકોપ્ટર કે પ્લેન, જે કોઈ હોય, તેમાં ઇન્ટરવ્યૂ લીધો.  (http://www.ndtv.com/news/videos/video_player.php?id=1092168) એમાં અનેક સવાલો બાદ, તેમણે બાબરી મસ્જિદ અને રામમંદિર અંગે પૂછ્યું. મોદીએ કહ્યું, ‘અમને તમે સો વાર આ સવાલ પૂછ્યો છે, કૉંગ્રેસને પાંચ વાર તો પૂછો. ‘

પેલા ભાઈએ વાતનો તંત ન મૂકતા એ જ સવાલ દોહરાવ્યો. મોદીની જગ્યાએ કોઈ પણ હોય, થોડો રોષ તો આવે જ. પરંતુ મોદીજીએ હસતા હસતા કહ્યું, ‘કૉંગ્રેસને પાંચ વાર સવાલ પૂછી આવો, પછી અમે જવાબ આપીશું.’

એટલે પેલા પત્રકારે શીખ વિરોધી રમખાણો માટે કૉંગ્રેસે માગેલી માફીનો ઉલ્લેખ કરી મોદીને પૂછ્યું કે ગુજરાતમાં 2002માં થયેલા રમખાણો માટે તમે માફી માગશો? મોદીએ કહ્યું, ‘આ સવાલનો જવાબ હું ભૂતકાળમાં સો વખત આપી ચૂક્યો છું. એટલે એ ન પૂછો.’

આદુ ખાઈને મોદીની પાછળ પડી ગયેલા વિજયે પોતાનો સવાલ દોહરાવ્યે રાખ્યો. બીજા કોઈ હોત તો તેમને ત્યાંથી, અદ્ધર આકાશમાંથી જ ફેંકી દેવાનું મન થાય, પણ મોદીએ ઉપેક્ષાનો રસ્તો અપનાવ્યો. પાણી માંગ્યું અને પછી ફાઈલો જોવા લાગ્યા.

એનડીટીવીએ આનું અર્થઘટન એવી રીતે કર્યું કે મોદીને આ સવાલના જવાબ આપતા પાણી પીવું પડ્યું…વગેરે વગરે.

આ ‘સેક્યુલર’ મિડિયા અને ‘સેક્યુલર’ બદમાશ પત્રકારો એક જ મુદ્દે સવાલ પૂછ્યા રાખે છે. અર્ધસત્ય જનતા સમક્ષ પીરસ્યા રાખે છે. ભૂતકાળમાં કરણ થાપરે પણ આવું કર્યું હતું ત્યારે મોદીએ ઇન્ટરવ્યૂ અધવચ્ચે જ અટકાવી દીધો હતો.

આ ચેનલો ગમે તે બહાને અનુગોધરાકાંડ (ગોધરાકાંડ પછીના રમખાણો)નો મુદ્દે ઉછાળ્યે રાખે છે. પરંતુ ગોધરાકાંડની ક્યારેય વાત નહીં. બાબરી મસ્જિદની વાત કરે પણ ક્યારેય આ દેશમાં તૂટેલા અનેક મંદિરોની વાત જ નહીં કરવાની. કાશ્મીરી પંડિતોની ક્યારેય વાત જ નહીં કરવાની.

એક પ્રશ્ન એ પણ છે કે શીખ વિરોધી રમખાણોને અનુગોધરાકાંડ સાથે સરખાવી શકાય ખરા?

ના. શીખ વિરોધી રમખાણો એક રાજકીય નેતાની હત્યાનું પરિણામ હતા. જ્યારે ગોધરાકાંડ પછી થયેલા રમખાણો ગોધરા પાસે સાબરમતી એક્સપ્રેસમાં અયોધ્યાથી પાછા ફરી રહેલા નિર્દોષ કારસેવકોને જીવતા સળગાવી દેવાના હિચકારા કૃત્યનું પરિણામ હતા. શીખ વિરોધી રમખાણોમાં એક જ પક્ષે (એટલે કે શીખ પક્ષે) જાનહાનિ થઈ હતી જ્યારે ગોધરાકાંડ પછીના રમખાણોમાં બંને પક્ષે ઘણી જાનહાનિ થઈ હતી. બીજું, શીખ વિરોધી રમખાણો એક રાજકીય પક્ષ દ્વારા પ્રેરિત જ્યારે ગોધરાકાંડ પછીના રમખાણો  બે ધર્મના લોકો વચ્ચે થયા હતા.

હવે તમે જ કહો શીખ વિરોધી રમખાણો અને ગુજરાતના 2002ના રમખાણો વચ્ચે ક્યાંય સરખામણી થઈ શકે તેમ છે?

સબ કો સન્મતિ દે ભગવાન!

2 comments 30/04/2009

કેનેડામાં ખ્રિસ્તી પછી સૌથી વધુ આદરપાત્ર ધર્મ હિન્દુ

યાહૂ (http://in.news.yahoo.com/43/20090424/890/twl-canadians-view-hinduism-positively-n.html)પર એક સમાચાર  વાંચવા મળ્યા. એટલે મન યાહૂ પોકારી ઉઠ્યું. જોકે  વિદેશમાં અવારનવાર સર્વે થતા હોય છે. અને તેમાંના ઘણા સ્પૉન્સર્ડ હોય છે એ પણ એક તથ્ય છે. એટલે સર્વેક્ષણના આ સમાચારને સાચા માનવા કે ન માનવા તે બ્લોગવાચકોની મરજી પર છોડું છું અને કોઈ ટિપ્પણી વગર આ સમાચાર જેમના તેમ એટલા માટે પ્રસ્તુત કરું છું કારણકે આજ-કાલ અખબારોમાં નેતાઓની આક્ષેપબાજી સિવાય કંઈ જોવા મળતું નથી અને તેમાંય કેટલા સ્પોન્સર્ડ સમાચાર હોય તે તો નેતાઓ અને  બીજા તંત્રી જાણે! એટલે આ સમાચાર અખબારો કે સમાચારચૅનલોમાં ચૂકાઈ ગયા હોય તેવી પૂરી સંભાવના છે. પ્રસ્તુત છે આ સમાચાર.

 કેનેડામાં હિન્દુ ધર્મને ખ્રિસ્તી ધર્મ પછી સૌથી વધુ હકારાત્મક રીતે જોવામાં આવે છે. કેનેડામાં ઘણા લોકો માને છે કે ઇસ્લામ હિંસાને ઉત્તેજન આપે છે અને આવું જ  કંઈક શીખ ધર્મ વિશે પણ તેઓ માને છે. આ હકીકત એક સામયિક મેકક્લીન્સએ હાથ ધરેલા સર્વેક્ષણમાં બહાર આવી છે.

 આ સર્વેક્ષણ મુજબ,

લગભગ અડધો અડધ કેનેડાવાસીઓ માને છે કે ઇસ્લામ હિંસાને ઉત્તેજન આપે છે. પા  ભાગના લોકો શીખ ધર્મને પણ હિંસાને વધારતા ધર્મ તરીકે જુએ છે.

 70 ટકા લોકો કહે છે કે તેઓ ખ્રિસ્તી ધર્મ અંગે હકારાત્મક દૃષ્ટિકોણ ધરાવે છે અને 41 ટકા લોકોએ આવું હિન્દુ ધર્મ અંગે કહ્યું.

 હવે સર્વેક્ષણની વાત. તમામ ક્ષેત્રના 1,002 કેનેડાવાસીઓને યદેચ્છ રીતે પસંદ કરાયા હતા અને વિવિધ ધર્મો પરના તેમના દૃષ્ટિકોણ અંગે પૂછાયું હતું. 

કેનેડાવાસીઓના મંતવ્ય અંગે સમાચારની વાત પૂરી થઈ. કેનેડાવાસીઓ  હિન્દુ ધર્મ પ્રત્યે ઉચ્ચ ભાવ ધરાવે છે તેની નોંધ લઈએ, પણ સવાલ એ થાય કે શીખ ધર્મ પ્રત્યે આવી માન્યતા કેમ?

તેનું કારણ આ સમાચારમાં એક શીખ નેતાને નામ આપ્યા વગર ટાંકવામાં આવ્યા છે તેમ કદાચ એ હોઈ શકે કે 1985માં એર ઇન્ડિયાની કેનેડાની ફ્લાઇટમાં બોમ્બ મૂકાયો હતો જેમાં 329 લોકો માર્યા ગયા હતા. 329 પૈકી સૌથી વધુ 270 લોકો કેનેડાવાસી હતા. આ બોમ્બકાંડ માટે શીખ અલગતાવાદીઓને જવાબદાર માનવામાં આવે છે. આ ઉપરાંત કેનેડામાં વસતા શીખ યુવાનોમાં પણ અવારનવાર હિંસક ઝઘડા થતા હોય છે. આ બધી ઘટનાઓની અસર તેમના માનસપટલ પર રહી ગઈ હોય તેવું બને.

2 comments 26/04/2009

તાકી હો તાકી, જિતેન્દ્રને સ્લિપર શું કામ મારી?

 

જિતેન્દ્ર

જિતેન્દ્ર

 

 

બિચારા જિતેન્દ્ર! 

 

મહારાષ્ટ્રમાં નંદુરબાર પાસે કોંગ્રેસના એક રોડ શોમાં તેઓ શું ગયા, કોઈક દિલીપ ઇંગળે નામના અજાણ્યા શખ્સે, ‘તાકી હો તાકી’ ગીત ગાનારા આ જિતેન્દ્ર પર તાકીને સ્લિપર ફેંક્યુ! 

 

હવે અમને આ પગરખાં મારનાર લોકોની બુદ્ધિ પ્રત્યે જરાય શંકા નથી રહી. ચિદમ્બરમ સામે બૂટ ફેંકવામાં આવ્યું હતું. નવીન જિન્દાલ સામે પણ બૂટ ફેંકવામાં આવ્યું હતું, રામમંદિર બનાવવાની વાતો કરતા અડવાણી સામે રામની પાદુકા જેવી લાકડાની ચાખડી ફેંકવામાં આવી અને જિતેન્દ્ર સામે સ્લિપર. 

ટ્રેનમાં સ્લિપર ક્લાસ સુવિધાજનક ગણાય છે, પરંતુ આજે સ્લિપર જાણે કે સ્વીપર ક્લાસ પૂરતું જ મર્યાદિત રહી છે. માત્ર ‘પેટ હલકું’ કરવા જવામાં ઘરમાં સ્લિપરનો  ઉપયોગ કરવામાં આવે છે. જોકે દવાખાનામાં લોકોના ખિસ્સા હલકા કરવાનું ‘હલકું’ કામ કરતાં કેટલાક ડૉક્ટરો પણ દવાખાનામાં-હૉસ્પિટલોમાં સ્લિપર પહેરીને આંટા મારતા કે બેઠેલા જોવા મળે છે. 

આમ હવે ‘હલકા’ સ્તર પર આવી ગયેલી  સ્લિપર મારીને દિલીપ શું સાબિત કરવા માગતો હશે? જિતેન્દ્રએ તેનું શું બગાડ્યું હતું તે કોઈ (આ કોઈ એટલે પંચાતણી મિડિયા ફોઈ)કહેશે?

જિતેન્દ્રએ તો આમ પણ કોઈનું કંઈ બગાડ્યું નથી. બિચારા જિતેન્દ્રએ પહેલી ફિલ્મ કરી તો ત્યારની ટોચની હિરોઈન રાજશ્રી (આજે વિચારીએ તો એમ થાય કે ઇમોશનલેસ રાજશ્રી ત્યારે ટોચની હિરોઈન કેમ ગણાતી હશે? પરંતુ હોય છે. આજે બિપાશાઓ, કરીનાઓ, પ્રિયંકાઓ ટોચની હિરોઈન ગણાય જ છે ને.) અને સંગીતકાર શંકર-જયકિશનને લઈ શકાય તે માટે પોતાનું મહેનતાણું ઓછું કરી નાખ્યું હતું. (જિતેન્દ્ર ત્યારથી જાણતા હતા કે વર્ષો પછી મંદી આવવાની છે અને બધાએ પોતપોતાનું મહેનતાણું ઓછું કરવું પડશે.)

તે પછી જે કંઈ ફિલ્મો કરી તે મોટા ભાગની સામાજિક. તેના કરતાં તો  હિરોઈનોનું કામ ઝાઝું  હોય! અને મોટા ભાગની ફિલ્મોમાં આપણા આ જિતુભાઈ બે પત્નીઓ વચ્ચે પીસાતા રહ્યા છે! (લોકો તો એક પત્નીથી જ ભીંસાઈ જાય છે, જ્યારે જિતુભાઈ તો બે પત્નીઓ વચ્ચે! વિચારથી જ કમકમાટી છૂટી જાય છે. ) ‘યે રાસ્તે હૈં પ્યાર કે’  હોય કે  ’એક હી ભૂલ’ કે પછી ‘માંગ ભરો સજના’ હોય કે ‘સૌતન કી બેટી’ જિતુભાઈને હંમેશાં તલવારની ધાર પર ચાલવાનું આવ્યું છે. બેધારી તલવાર! 

હા, વચ્ચે 1999 કે 2000થી જિતુભાઈની દીકરી એકતા કપૂરે ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ જેવી અનેક  ’કે’ ખ્યાત સિરિયલો કરી ત્રાસ વર્તાવ્યો હતો ,  પણ  એ બધી તો ક્યારનીય બંધ થઈ ગઈ છે. (એનો બદલો  હવે  છેક લીધો  હશે આ દિલીપે?) 

જિતુભાઈનો દીકરો તુષાર કપૂર પણ ફિલ્મોમાં લોંચ થયો  હોય તેનો કદાચ ગુસ્સો હશે આ દિલીપને. પણ હમણાં હમણાંથી તો તેની ફિલ્મો પણ ક્યાં આવી છે?

લાગે છે કે દિલીપે જૂનું વેર વાળ્યું છે. બાકી , જિતેન્દ્ર તો બિચારા જ રહ્યા છે, ઓન સ્ક્રીન અને ઓફ સ્ક્રીન બંને પર!

Add comment 23/04/2009

કુછ તો બ્લોગ કહેંગે, બ્લોગ કા કામ હૈ કહેના

પ્રીતિ ઝિંટાએ  itimes.com પર Mumbai Mirror Journalist Should Be Suspended! શીર્ષક હેઠળ બ્લોગ લખ્યો છે. હવે જોવાની વાત એ છે કે itimes.com એ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની જ નવી  બ્લોગ માટેની વેબસાઇટ છે અને તેમાં જ પ્રીતિ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના મુંબઈના ટૅબ્લોઇડ – ‘મુંબઇ મિરર’ના પત્રકારને સસ્પેન્ડ કરવાની માગણી કરતો લેખ લખે છે. 

હકીકતે ‘મુંબઈ મિરર’માં પ્રીતિના નવા ચક્કર અંગે લખાયું હતું. તેને નકારવા માટે પ્રીતિએ બ્લોગ લખ્યો છે. 

આ જ વેબસાઇટ પર થોડા સમય માટે અભિનેત્રી તરીકે દેખાયેલી, થોડા સમય માટે ટીવી ટૉક શોની એન્કર અને વધુ સમય સૅલિબ્રિટી તરીકે દેખાતી બિન્દાસ્ત પૂજા બેદીએ તેના અદનાન સામીની પત્ની સાબા સાથે થયેલા ઝઘડા અંગે સ્પષ્ટતા લખી  છે. 

અમિતાભ, આમિર, રામગોપાલ વર્મા, કરણ જોહર વગેરેના બ્લોગની તો બધાને ખબર છે જ! 

વાત એમ છે કે, ઘણી વાર પત્રકારો અખબારો કે ચૅનલોમાં સાચી વાત રજૂ કરતા નથી એવું આ સૅલિબ્રિટીઓને લાગે છે, જે ફરિયાદ ઘણા અંશે સાચી પણ છે. એટલે તો  હવે લાલકૃષ્ણ અડવાણી, ડૉ. મુરલી મનોહર જોશી, નરેન્દ્ર મોદી જેવા રાજનેતાઓ પણ બ્લોગધારકોની યાદીમાં જોડાયા છે. 

રાષ્ટ્રીય પત્રકારોમાં પૂણ્ય પ્રસૂન વાજપેયી, રાજદીપ સરદેસાઇ, ગુજરાતી પત્રકારોમાં ઉર્વીશ કોઠારી,  જપન પાઠક, યોગેશ શર્મા (આમ તો તેઓ હિન્દી અખબારના પત્રકાર છે, પણ ગુજરાતમાં વસતા હોવાથી ગુજરાતી પત્રકાર કહી શકાય ને!), પ્રણય પંચાલ, વિજય પરમાર અને તમારો આ મિત્ર જયવંત પંડ્યા પોતે, એ બધા બ્લોગ લખવા લાગ્યા છે. 

બ્લોગ એટલે અંગત વિચારો વ્યક્ત કરવાની આઝાદી! કોઈ તંત્રી કે માલિકની એમાં મરજી ન ચાલે. વાચકોને પણ તેમની ટિપ્પણી લખવાની છૂટ બ્લોગધારકની મરજી હોય તો  મળે. એટલે જેમને ગમે તે વાંચે, ન ગમે તે ન વાંચે એવી સ્વતંત્રતા પણ મળે. પણ મોટા ભાગના ઉપરોક્ત બ્લોગ પર લખાયેલી પોસ્ટની તરફેણ અને  વિરુદ્ધમાં પણ ટિપ્પણી જોવા મળે છે. 

અખબારોમાં લેખ છપાય તે પછી વાચકને મોબાઇલ, લેન્ડલાઇન કે ટપાલ સ્વરૂપે પ્રતિભાવ આપવાની સગવડ હોય છે, પણ મોટા ભાગના વાચકો પ્રતિભાવ આપવામાં સુસ્ત હોય છે. અખબારો કે સામયિકોમાં પત્ર લખનારા કેટલાક જાણીતાં નામો જ હોય, જે પાછા દરેક અખબારને કે દરેક સામયિકને લખતા હોય ! ટપાલખાતાની નિયમિતતા જાણીતી જ છે એટલે ઘણી વાર મોડી ટપાલ મળે. તેનો અખબાર કે સામયિક તરફથી શું પ્રતિભાવ છે તે જાણી શકાય નહીં. બીજા વાચકોએ શું ટિપ્પણી કરી છે તે પણ ન જાણી શકાય. ફોનમાં તો, લેન્ડલાઇન પર વ્યસ્ત આવવાની શક્યતા વધુ રહે. લાગી જાય તો પણ ઇચ્છિત વ્યકિ્ત આગળ કેટલાય કોઠાં પસાર કરીને જવું પડે! આની સામે વાચકોને બ્લોગ પર પોતાની ટિપ્પણી મૂકવાની સગવડ સારી પડે છે. ટિપ્પણી મૂકો એટલે, બ્લોગધારકે કોમેન્ટના સેટિંગમાં મૂકેલી છૂટ મુજબ, થોડી સેકંડથી લઈને એકાદ દિવસમાં તમારી ટિપ્પણી પ્રકાશિત થઈ શકે. બીજાની ટિપ્પણીઓ તમે વાંચી પણ શકો. મુક્ત ચર્ચા પણ ટિપ્પણીના સ્વરૂપે થઈ શકે. 

બ્લોગની આટલી સ્વતંત્રતા હોય ત્યારે બને કે બ્લોગધારક મનમાં આવે તે વિચાર મૂકે. (જેમ અખબારો કે સામયિકોમાં આવતી ઘણી કોલમોમાં બને છે  તેમ).  એ વિચાર ન પણ ગમે તેવો  હોય. તો શું કરવું? (1) એ બ્લોગ જ ન વાંચવો. (2) પોતાની ટિપ્પણી લખવી. જો તેનો સાનુકૂળ પ્રતિભાવ લાગે તો ઠીક છે, પરંતુ ચર્ચા લંબાતી લાગે, તેનો પ્રતિકૂળ જવાબ – પ્રતિભાવ આવતો  લાગે તો  ટિપ્પણીયુદ્ધ અટકાવી દેવું. એ બ્લોગ વાંચવાનો બંધ કરી દેવો. 

બાકી તો, કુછ તો બ્લોગ કહેંગે, બ્લોગ કા કામ હૈ કહેના!

Add comment 19/04/2009

બ્લોગનું નવું રૂપ

‘રિડ થિંક રિસ્પોન્ડ’. મારા બ્લોગને મેં નવું રૂપ આપ્યું છે એ બ્લોગમુલાકાતીઓએ જોયું હશે. જેમણે હજુ સુધી કદાચ, પોસ્ટ વાંચવા પર જ ધ્યાન આપવાના કારણે ન જોયું હોય તો જાણ માટે. બ્લોગ બનાવો એટલે વર્ડપ્રેસમાં વિવિધ થીમ (અખબાર-મેગેઝિનની ભાષામાં લે આઉટ) તમે વારાફરતી અજમાવતા રહી શકો છો. મેં પણ અજમાવી છે. એમાં હાલના તબક્કે મને આ Patricia Müller થીમ  પસંદ પડી છે. તેનું એક કારણ custom header છે. એટલે કે  તમે header તમારી મરજી મુજબનું મૂકી શકો છો. તેમાં તમને પસંદ પડે તે ફોટો મૂકી શકો છો. (જેમ અહીં મેં મારો મૂક્યો છે.)

આ ઉપરાંત widgets માં જઈને અલગ-અલગ વિજેટના નામ આપ્યાં છે ; જેમ કે, Archives નું સંગ્રહ, calenderનું તારીખીયું. તારીખીયું શબ્દ લગભગ શબ્દકોશ પૂરતો મર્યાદિત રહી ગયો છે. આ બહાને ગુજરાતી શબ્દોને યાદ કરવાનો , યાદ અપાવતા રહેવાનો  પ્રયાસ છે. 

આ સિવાય blogrollને  ’જરા નજર તો નાખતા જજો’ એવા નામ હેઠળ મેં વાંચવા જેવા કેટલીક વેબસાઇટો, બ્લોગની યાદી મૂકી છે. 

આ થીમ અને ફેરફારો કેવાં લાગ્યાં તે અંગે પ્રતિભાવો આવકાર્ય છે.

1 comment 19/04/2009

બ્રાઉઝરની દુનિયામાં એક લટાર

મોટા ભાગના લોકો ઇન્ટરનેટ શરૂ કરે એટલે e લખેલા આઇકોન પર ડબલ ક્લિક કરે અને પછી વેબએડ્રેસ લખી વેબસાઇટ ખોલે. જેમ ટૂથપેસ્ટ એટલે કોલગેટ, મોબાઇલ એટલે નોકિયા એમ બ્રાઉઝર એટલે ઇન્ટરનેટ એક્સપ્લોરર એવી છાપ છે. પરંતુ ઇન્ટરનેટ પર રહેલો માહિતીભંડાર શોધવા, જાણવા અને માણવા માટે એક નહીં પરંતુ દસથી બાર બ્રાઉઝર ઉપલબ્ધ છે!

આમાં કયાં સારાં? એ પ્રશ્નનો સચોટ ઉત્તર આપવો તો મુશ્કેલ છે પરંતુ તેના ફાયદા -ગેરફાયદા જરૂર આપી શકાય. 

ઇન્ટરનેટ એક્સપ્લોરર

ઇન્ટરનેટ એક્સપ્લોરર

ઇન્ટરનેટ એક્સપ્લોરર એ  માઇક્રોસોફટ કંપનીએ  વિકસાવેલ બ્રાઉઝર છે. મોટા ભાગે કમ્પ્યૂટર ખરીદો ત્યારે ઘણા  ઇન્સ્ટોલર પણ ઓછા જાણકાર હોય એટલે મોટા ભાગે તે આ જ બ્રાઉઝર ઇન્સ્ટોલ કરી દે. અને  આમ તો, ફાયરફોક્સ, ગૂગલક્રોમ વગેરેના આગમન પહેલાં આ જ  એકમાત્ર વિકલ્પ જેવું હતું ને.  

ફાયરફોક્સ

ફાયરફોક્સ

એ તો મોઝિલા ફાયરફોક્સે ફ્રી બ્ રાઉઝર ઉપલબ્ધ કરાવી દીધું. એટલે નવો વિકલ્પ મળ્યો. તેમાં ટેબની વ્યવસ્થા પણ કરી. ટેબ એટલે એક જાતનું  ખાનું. અલગ વિન્ડોમાં વેબસાઇટ ન ખૂલે. તેમાં ગૂગલ ટૂલબાર સાથે જ આવેલું  હોય.  ઇન્ટરનેટ એક્સપ્લોરર પર ડાઉનલોડ કરવું પડે. એટલે કંઈ શોધવું હોય તો ગૂગલ ટૂલબારમાં  જઈને લખી નાખવાનું. તરત જ મળી જાય. 

ફાયરફોક્સે તો ગુજરાતી સહિતની  અનેક ભાષામાં પણ બ્રાઉઝર બહાર પાડ્યું. એટલે ગુજરાતી જ જાણતા લોકો માટે સરળતા થઈ. 

ત્રીજી તરફ માઇક્રોસોફટને હંફાવતી  ગૂગલ કંપનીએ ગૂગલ ક્રોમ

ગૂગલક્રોમ

ગૂગલક્રોમ

નામનું બ્રાઉઝર બહાર પાડ્યું. આ પણ ઇન્ટરનેટ પરથી ફ્રીમાં  ડાઉનલોડ કરી શકાય છે. (માઇક્રોસોફ્ટની કોઈ પ્રોડક્ટ ફ્રીમાં ડાઉનલોડ કરી શકાતી નથી, ઇન્ટરનેટ એક્સ્પ્લોરરનું નવું વર્ઝન ie8 પણ ફ્રી કહેવાય છે, પરંતુ તેને ડાઉનલોડ કરો એટલે તમારી પાસે અગાઉનું એક્સપ્લોરર લાયસન્સ હોવું જોઈએ જેની વિગતો તે માગે છે. )

બીજું, કે  ઇન્ટરનેટ એક્સપ્લોરર 7 પણ ટેબ સાથેનું જ છે, પરંતુ તેનો દેખાવ કે બીજી કોઈ રીતે, અંગત રીતે તે જામતું નથી. તેને ઇન્સ્ટોલ કરો પછી તમારી સિસ્ટમ તથા ઇન્ટરનેટ સર્ફિંગ  ધીમું પડી જવાની ફરિયાદ કમ્પ્યૂટરને લગતી અનેક ઇન્ટરનેટ ફોરમ પર દેશ-વિદેશના લોકો કરે છે. જ્યારે ગૂગલ ક્રોમ  દેખાવમાં કોઈ લક્ઝરી બસ જેવું લાગે. ઉપર કોઈ જાતના ટૂલબાર નહીં. (ઇન્ટરનેટ પર ફાઇલ, એડિટ,વ્યૂ, ફેવરિટ, ટૂલ્સ વગેરે હોય છે તે) સ્પીડ પણ સારી જ છે. 

તેનો  ગેરફાયદો એ છે કે તે ગમે ત્યારે ક્રેશ થઈ જાય છે. એટલે તેને નવેસરથી ચાલું  કરવું પડે. તમે ઇન્ટરનેટ પર ત્રણ ચાર સાઇટ ખોલીને બેઠા હો, તે  બધી ઓચિંતા બંધ થઈ જાય! ત્રીજું, કે મેઇલમાં કે વેબસાઇટ પરથી તમારે ટેક્સ્ટ કોપી કરવી છે કે કોઈ જગ્યાએ કર્સર મૂકવો છે તો તેમાં પણ તકલીફ પડે છે. (કી બોર્ડ પરથી શિફ્ટ+ એન્ડ કે ખાલી એન્ડનો ઉપયોગ કરવો પડે છે). 

ઓપેરા

ઓપેરા

ઓપેરાનું 9.64 બ્રાઉઝર આમ તો  ગૂગલ ક્રોમ જેવી જ સુવિધા ધરાવે છે. તેમાં એક બીજી સગવડતા એ છે કે માનો કે તમે અલગ-અલગ ટેબમાં અલગ-અલગ વેબસાઇટ ખોલી છે તો તે ડોકાબારીની જેમ તમને તેના સ્નેપશોટ આપે જ્યારે તમે તે ટેબ પર કર્સર લઈ જાવ. બીજું એ કે માનો કે તમે કોઈ વેબસાઇટ ખોલી  જેમાં તમને કરીના કપૂર કે રણબીર કપૂરનો ફોટો જોવો છે તે ખૂલતો નથી (ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં રાઇટ ક્લિક કરી show picture વાળું બટન દાબી ફોટો ખૂલતો ન હોય તો તે ને તે પેજ પર ખોલી શકાય,) તો  ઓપેરામાં એક વિકલ્પ છે કે આ ફોટાને બીજા ટેબ પર કે બીજી વિન્ડોમાં ખોલી શકાય. 

ત્રીજી સારી બાબત એ છે કે તેમાં પણ સર્ચ માટે ટૂલબાર સાથે જ આવે છે, ફાયરફોક્સમાં માત્ર ગૂગલ ટૂલબાર છે  જ્યારે ઓપેરાના આ ટૂલબારમાં ગૂગલ, યાહૂ, એમેઝોન, વિકિપિડિયા, ઇબે, બીટ ટોરન્ટ એમ ઘણા બધા સર્ચએન્જિનમાં તેની વેબસાઇટ ખોલ્યા વગર સર્ચ કરી શકાય છે. 

માનો કે અચાનક વીજળી ગૂલ થઈ કે  કંઈ એરર આવી કે ગમે તેમ, ઓપેરા બંધ થઈ ગયું કે તમે ભૂલથી  કમ્પ્યૂટર  રિસ્ટાર્ટ કર્યું અથવા તમારું કામ પતી ગયું ને તમે કમ્પ્યૂટર શટ ડાઉન  કર્યું તો ફરી જ્યારે ઓપેરા ખોલો ત્યારે છેલ્લે તમે જે જે વેબસાઇટો ખોલી હતી તે ફરીથી આપમેળે ખૂલી જશે તેવી સગવડ પણ છે!  (ગૂગલક્રોમ પણ આવી સગવડ આપે છે.) 

ઓપેરામાં વધુ એક સગવડ એ છે કે  તમારે વેબપેજ ઝૂમ ઇન કે ઝૂમ આઉટ કરવું હોય તો સિસ્ટમ ટ્રે એટલે કે એકદમ નીચે થોડે ઉપર જ એ સગવડ જમણી બાજુ ખૂણામાં આપેલી છે.

 હવે એપલના સફારીની વાત. આમાં તો  યૂટ્યૂબ, યાહૂ, વિકિપિડયા, ન્યૂઝ  

એપલ સફારી

એપલ સફારી

(તેમાંય પાછી અનેક વેબસાઇટ) વગેરે ઇનબિલ્ટ જ છે- ટૂલબારની નીચે. એટલે આ બધી  વેબસાઇટ ખોલવા એડ્રેસ ટાઇપ કરવાની જરૂર નહીં. તેમાં તમે બે સર્ચ એન્જિનમાં સર્ચ કરી શકો – ગૂગલ અને યાહૂ.

 એપલ, ઓપેરા અને ગૂગલક્રોમ એ ત્રણેય બ્રાઉઝર  તમે જે જે વેબસાઇટની મુલાકાત લીધી હોય તેની નોંધ રાખે છે એટલે માનો કે તમે ગૂગલ ડોટ કોમ ખોલ્યું હોય તો માત્ર g લખો એટલે તરત જ google.com આવી જાય.

 જીમેઇલ સંદર્ભે પણ આ બ્રાઉઝરના અલગ-અલગ અનુભવ છે. જેમ કે જીમેઇલ તો ગૂગલનું જ છે તો પણ ગૂગલના જ ગૂગલક્રોમ પર તે ખોલો અને તેમાં માનો કે કોઈ મેઇલ ખોલ્યો અને કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ થયો અને રિફ્રેશ કરો તો ઇનબોક્સ જ ખૂલી જશે, જ્યારે ઓપેરામાં જીમેઇલમાં રિફ્રેશ કરવાનું થાય તો જે મેઇલ છેલ્લે ખોલ્યો હોય તે જ ખૂલે. બીજું, કે જીમેઇલમાં તમારે કોઈ મેસેજ લખવો છે. તેમાં તમારે કોઈનું સુવાક્ય ટાંકવું છે અને તે કોઈ વેબસાઇટ પરથી કોપી  કર્યું તો ગૂગ લક્રોમમાં ખોલેલા જીમેઇલમાં રાઇટ ક્લિક કરતાં પેસ્ટનો ઓપ્શન બતાવાતો નથી. જ્યારે ઓપેરામાં પેસ્ટનું ઓપ્શન આવે છે. તો જીમેઇલમાં તમારે ચેટમાં કસ્ટમ સ્ટેટસ મેસેજ લખવો  હોય તો ઓપેરા કરતાં ગૂગલ ક્રોમ કે ઇન્ટરનેટ એક્સપ્લોરર સારું પડે છે. બીજી તરફ, મુંબઈના ટેબ્લોઇડ મિડ ડેનું ઇપેપર ઓપેરામાં ખૂલે પણ તેની  કોઈ ન્યૂઝ આઇટમ વાંચવી હોય તો ક્લિક કરવા છતાં વિસ્તૃત ખૂલતી નથી, જે બીજા બ્રાઉઝર પર શક્ય બને છે.

 ઇન્ટરનેટ એક્સપ્લોરર 8નો અનુભવ જાણ્યો નથી એટલે તેના વિશે કશું કહી શકાય તેમ નથી. પણ એક સલાહ છે. શક્ય હોય તો મારી જેમ, ઉપરોક્ત  ચારેય બ્રાઉઝર ડાઉનલોડ કરી તેમના જે-તે ફાયદા ઉઠાવી શકાય અને પછી જે પણ બ્રાઉઝર પર  હાથ બેસી જાય તે વાપરવું.

3 comments 17/04/2009

હવે બ્લોગયાદી શોધવી અઘરી નથી

સામાન્ય રીતે ગુજરાતી બ્લોગ શોધવો હોય તો વર્ડપ્રેસ ડોટ કોમ કે બ્લોગસ્પોટ ડોટ કોમમાં કે ગૂગલમાં ગુજરાતી બ્લોગ એમ લખીને સર્ચ કરવું પડે. એમાં સંખ્યાબંધ યાદી આવે. એટલે પ્રયત્નો અને સમય બંને વધુ લાગે.

 આના કરતાં એક જ વેબસાઇટ પર ગુજરાતી બ્લોગની યાદી મળી રહે તો કેવું?

આવો વિચાર હવે મૂર્તિમંત બન્યો છે. નીલેશ વ્યાસે તેમની વેબસાઇટ neepra.com પર ગુજરાતી બ્લોગના દરેક બ્લોગનો સમાવેશ કરવા પ્રયત્ન કર્યો છે. તેની વિશેષતા એ છે કે કોઈ પણ બ્લોગ પર નવી પોસ્ટ મૂકાય એટલે તે neepra.comપર અપડેટ થઈ જાય છે.

આવી બીજી વેબસાઇટ છે http://www.cybersafar.com. દિવ્ય ભાસ્કર’ અખબારની કળશ પૂર્તિમાં ઇન્ટરનેટ અંગેની કોલમ લખતા હિમાંશુ કિકાણીએ આ વેબસાઇટ અદ્ભૂત બનાવી છે. તેમાં પોતાના ઇન્ટરનેટ વિશેના લેખોવિશેષ વાંચનવિચારવા જેવું ખરુંવગેરે તો મૂક્યું જ છેઉપરાંત ઝલકગુર્જરી (http://www.cybersafar.com/index.php/2009-01-21-07-33-31.html) પર ગુજરાતી બ્લોગની યાદી પણ મૂકી છે.

આ ઉપરાંત ગાયત્રી પરિવારના કાંતિલાલ કરસાળાએ તેમના બ્લોગ  http://gaytrignanmandir.wordpress.com/ પર ગુજરાતી બ્લોગને એક તાંતણે બાંધતી કડી શીર્ષક અંતર્ગત ગુજરાતી બ્લોગની સૂચિ  મૂકી છે.

6 comments 17/04/2009

અમદાવાદનો ટ્રાફિક : ટક્કર મારી તો ચક્કર આવી જશે!

ભાવનગર હોય કે રાજકોટ, સુરત હોય કે અમદાવાદ કે પછી મુંબઈ, ભારતમાં ટ્રાફિક ટેરિફિક છે! ઘણા લોકો તો ઘરેથી નીકળતા પહેલાં હનુમાનચાલિસા કરી  હનુમાનદાદાને પ્રાર્થના કરીને નીકળતા હોય છે કે હે હનુમાનજી! હું સાંજે હેમખેમ પાછો આવીશ તો નાળિયેર અને અગિયાર  રૂપિયા ચડાવીશ.

 ભારત- પાકિસ્તાન વચ્ચે યુદ્ધ કેમ નથી થતું તેનું કારણ અમને જડી ગયું છે. ટ્રાફિકમાં રોંગ સાઇડ જનારો પણ પોતાને રાઇટ સમજીને તેની સાથે અથડાવું અથડાવું થઈને નહીં અથડાયેલાની સામે ક્યારેક આંખો કાઢીને કામ પતાવી લેતો હોય છે તો ક્યારેક બેઉ બળિયા બાથે વળગ્યા જેવા હાલ થાય છે.  એટલે યુદ્ધ કરવા માટેનું ઝનૂન ટ્રાફિકમાં વેડફાઈ જાય છે. હંમેશાં મનોરંજન શોધતી પ્રજાને પણ આવા વગર મફતના તમાશામાં મજા આવી જતી હોય છે.

 બીજે  ક્યાંય આવું થાય છે કે નહીં તે તો ખબર નથી, પણ અમદાવાદમાં તમે જો કોઈને તમારું વાહન અથડાવી દીધું તો સામેવાળો દાઉદના પાઠમાં આવી જશે અને ખંડણી ઉઘરાવીને જ તમને છોડશે. આનાં બે ઉદાહરણો પ્રસ્તુત છે!

 હું  દિવ્ય ભાસ્કર અખબારમાં હતો ત્યારે અમદાવાદમાં તેની એસ.જી. હાઇવે પર આવેલી ઓફિસની સામે આવેલા  પેટ્રોલપંપ પર સ્કૂટીમાં પેટ્રોલ પૂરાવવા જતો હતો. એટલે ડિવાઇડર પાસે સામેથી વાહનો  ઓછા થાય એટલે રસ્તો ઓળંગવા માટે હું રાહ જોઈને ઊભો હતો. મારી ડાબી બાજુએ એક કાર પણ હતી. તેમાં ડ્રાઇવર ગાડી ચલાવતો  હતો અને પાછળ યુવાન શેઠ અને યુવતી હતા. કારના ડ્રાઇવર અને મારું બંનેનું ધ્યાન સામેથી આવતા વાહન તરફ હતું.  હવે મારે સામે જ જવાનું હતું અને કારને જમણી તરફ વળી જવાનું હતું. એટલે સામે ધ્યાન રાખવામાં કાર જમણી તરફ વળી અને હું સામે તરફ. એમાં સહેજ અથડામણ થઈ. તે પછી તે જમણી તરફ વળી એટલે હું પેટ્રોલ પંપ પર ગયો. થોડી વારમાં તો પેલી કાર પેટ્રોલપંપથી થોડે આગળ જઈને ઊભી રહી. તેમાંથી યુવાન બહાર આવ્યો અને મને ખખડાવવા લાગ્યો, દેખાતું નથી? અથડાઈ ગયો હોત તો?’ મેં કહ્યું, અથડાઈ ગયો હોત તો મારો હાથ કે પગ ભાંગત. મારા સ્કૂટીને નુકસાન થાત.

 પણ મારી કારને નુકસાન થયું તેનું શું?’ ‘ખલી જેવી કારને રાજપાલ યાદવ જેવા મારા સ્કૂટીથી કેવી રીતે નુકસાન થાય?’ મેં જવાબ આપ્યો. પેલો યુવાન હવે મારી ચિંતા છોડીને પોતાની ચિંતા જણાવવા લાગ્યો. બીજું કંઈ ન જાણું. મારી કારને નુકસાન થયું તેના પૈસા આપ. એમ  કહીને તેણે મારા સ્કૂટી પર પગ મૂક્યો એટલે તેની ચાલ સમજીને મેં સ્કૂટીમાંથી ચાવી કાઢી લીધી. પછી તો તેણે મારામારી શરૂ કરી એટલે મેં પણ સામે બરાબરની ફટકારી. અલબત્ત, તે તાકાતમાં મારા કરતાં બળિયો હતો અને તેની સાથે ડ્રાઇવર અને તેની પ્રેમિકા કે પત્ની જે કોઈ હોય, તે પણ હતાં. જ્યારે હું એકલો. અલબત્ત, પેટ્રોલ પંપ  પર ઘણા માણસો હતા, પણ તેમને તો મફતનું મનોરંજન માણવું હતું.  થોડી વાર મારામારી થઈ, પણ અંતે થાકીને તે ચાલ્યો ગયો.

 બીજું  ઉદાહરણ. હું ને દિવ્ય ભાસ્કરના મનીષ દવે આનંદનગરમાં રહેતા હતા ત્યારે બાજુમાં એક બંગાળી યુગલ રહેતું હતું. તે  બંગાળી ભાઈને કોઈ બાઇકવાળાએ ટક્કર મારી દીધી. પરંતુ બાઇકવાળો આક્રમણની મુદ્રામાં આવી આ બંગાળી ભાઈ પાસે પૈસા માગવા લાગ્યો, તેને બહુ વાગ્યું છે એમ કહીને. અલબત્ત, વધુ તો આ બંગાળી ભાઈને વાગ્યું હતું. બંનેને સરદાર પટેલ સ્ટેડિયમ પાસેની એક હોસ્પિટલમાં દાખલ કરાયા. તેમનો ફોન ઘરે આવતા તેમનાં પત્નીએ અમને વાત કરી એટલે અમે બંને હોસ્પિટલ પહોંચ્યા. પહેલાં તો અમે, પૈસા નહીં મળે, તેવું ચલાવ્યું. પરંતુ તે ટસનો  મસ ન થયો એટલે છેવટે મનીષ દવે એટીએમમાંથી પૈસા ઉપાડી લાવ્યા અને પેલાને આપ્યા. તે  તો  પગ ભાંગી ગયો છે ને એક્સ રે કરાવવો પડશે ને એવી કંઈક ફરિયાદો કરતો હતો. પરંતુ  થોડીવારમાં તેના પરિવારજનો આવ્યા અને ભાઈ ઊભો થઈ ચાલતો થઈ ગયો!

 અમદાવાદમાં તમારા કોઈ સ્વજનો સ્થાયી થવા આવતા હો તો આ એક સલાહ જરૂર આપજો, ભૂલેચૂકે ટક્કર ન  મારવી, નહીં તો ચક્કર આવી જશે!

7 comments 16/04/2009

રશ લિમ્બોની ‘આઉટ’સોર્સ્ડ કોમેન્ટ : સ્લમડોગ ભારતીયો!

એક અમેરિકી રેડિયો જોકી, નામે રશ લિમ્બોએ આઉટસોર્સિંગનું કામ કરતા ભારતીયોને સ્લમડોગ કહેતા વિવાદ જાગ્યો છે. આ રશભાઈને અમેરિકામાંથી કામ ભારતમાં ચાલ્યું જાય છે તેના પ્રત્યે સખત ગુસ્સો છે. તે કહે છે, ‘તમે જો એમ માનતા હો કે અમેરિકામાંથી જે કામ ભારતમાં ચાલ્યું જાય છે તે રદ્દ થઈને તમારી (અમેરિકીઓ) પાસે પાછું આવી જશે તો તમે ખાંડ ખાવ છો. એવું બિલકુલ થવાનું નથી.’

 

રેસિયલ રશ?

રેસિયલ રશ?

રશ રેડિયો જોકી છે તે તો આગળ જ કહી દીધું. રોજ ત્રણ કલાકનો ટોક શો કરતો રશ અને ભારતની રાખી સાવંત વચ્ચે બે વાતે સામ્યતા છે. એક તો બંનેનાં નામો ‘ર’ પરથી છે અને બીજું બંને વિવાદમાંથી કમાણી કરે છે. હા, રશે અગાઉ પણ તેની જીભ થકી વિવાદો ઊભા કરેલા છે. તેણે અમેરિકી પ્રમુખ બરાક ઓબામાની પણ હાંસી ઉડાવી છે અને અભિનેતા માઇકલ જે. ફોક્સને પાર્કિસન્સનો રોગ છે તેની પણ મજાક કરી છે. તે કહે છે, ‘ફોક્સ તેના રોગની અતિશયોક્તિ કરે છે.’

 

રશને અમેરિકાની રિપબ્લિકન પાર્ટીનો ચહેરો (માસ્કોટ) ગણવામાં આવે છે. તેના કોઈક ગોઠિયાએ તો તેને પક્ષનું નેતૃત્વ લેવા પણ હિમાયત કરી હતી.

પણ રશ ભારતીયોને સ્લમડોગ કહ્યું હોય તો તેનાથી ગુસ્સે થવા જેવું ખરું? ભારતીયોને તો ગમે જ છે વિદેશીઓ અપમાન કરી જાય તે. તેને આ શબ્દ મળ્યો ક્યાંથી? ડેની બોયલેએ બનાવેલી ‘સ્લમડોગ મિલિયોનેર’માંથી જ ને. આ ફિલ્મને તો ભારતીયોએ માથે ચડાવી દીધી છે. હવે રશની ટિપ્પણીને પણ ચડાવે. સ્વાભિમાનશૂન્ય જનતા! સ્વાભિમાનશૂન્ય ટિપ્પણી!

1 comment 16/04/2009

અક્ષય-ટ્વિન્કલ –રાખીનો જય હો!

બેડરૂમનું કામ જાહેરમાં! દુનિયા રી દુનિયા વેરી બેડ બેડ!

બ્રેવો! અક્ષયપત્નીને આમ જ કહી શકાય ને!

સરાજાહેર, બધાની વચ્ચે તેણે એવું કાર્ય કર્યું જે  તે બેડરૂમમાં કરતી હશે. આમ તો જોકે તે નટી (અભિનેત્રી) હતી એટલે તેણે ફિલ્મોમાં પણ આવાં બધાં દૃશ્યો ભજવવાં પડતાં હોય અને તે પણ દિગ્દર્શક,કેમેરામેન વગેરેની હાજરીમાં, એટલે તેના માટે આ નવીન કાર્ય નહોતું જ.

કહે છે કે તેણે આ કાર્ય એટલા માટે કર્યું કે તેનો આરાધ્ય પતિદેવ અક્ષયકુમાર અનબટન્ડ નામની લેવિસ જીન્સની રેન્જના જિન્સનું માર્કેટિંગ કે બ્રાન્ડિંગ કરે છે. એટલે કંપનીએ જ આવો કીમિયો વિચારી રાખેલો. પણ અમારા ટિખળી મનમાં સવાલ એ થાય છે કે કાલે સવારે ઊઠીને માનો કે અક્ષય કોઈ સંતાનરોધક ચીજ (કોન્ડોમ)નું બ્રાન્ડિંગ કરતો હોય અને રખે ને તે કંપનીના ભેજાબાજોના મનમાં પણ ‘પ્રોડક્ટ’ને અનુરૂપ કોઈ કીમિયો આવ્યો તો શું અક્ષય અને ટ્વિન્કલ કે પછી તેના બદલે, બીજું કોઈ યુગલ આ કીમિયો જાહેરમાં ભજવશે ખરાં? કરે પણ ખરા. ભાઈ, માર્કેટિંગવાળા શું ન કરાવે? પૂછો અરબાઝ ખાન અને મલાઇકા અરોરા ખાનને. આ યુગલે એક કોફીના માર્કેટિંગ માટે પોતાના છૂટાછેડા થવાના છે તેવી અફવા ફેલાવી હતી.

માર્કેટિંગ કે વિજ્ઞાપનદાતાઓની તાકાત જબરદસ્ત હોય છે. એ ભલભલા મોટા અખબારોના બેનર નીચે ઉતારાવી શકે છે. (બેનર મતલબ, મુખ્ય સમાચાર) સમાચારો અને સિરિયલોમાં વિજ્ઞાપનો એવી ઘૂસણખોરી કરે છે કે સમાચારો કે સિરિયલોમાં વિજ્ઞાપનો છે કે પછી વિજ્ઞાપનો વચ્ચે સમાચારો કે સિરિયલ આવે છે તે નક્કી કરવું મુશ્કેલ થઈ જાય! એના માટે થઈને તમારે કોઈ ખાસ પૂર્તિ કે સામયિક બહાર પાડવું પડે. (એક જ વિષય,દા.ત. મકાનની સ્કીમની પૂર્તિ બહાર પડે છે તેવી જ રીતે). વિજ્ઞાપનો માટે થઈને તમારે સમાચારમાં પણ સુધારો કરવો પડે. એ મતલબના સમાચાર પણ લખવા પડે. હું એક અખબારમાં હતો ત્યારે એ પૂર્તિમાં એક વિજ્ઞાપન માટે થઈને ખાસ સમાચાર ઊભા કરવા પડતા હતા. માનો કે, ચાની જાહેરખબર છે તો જુદી-જુદી સેલિબ્રિટીઓ પાસે બોલાવવાનું કે તેમનું મનગમતું પીણું ચા છે.

રાખી સાવંત હવે ટીવી પર વર શોધશે!

રાખી સાવંત હવે ટીવી પર વર શોધશે!

પૈસા કયા કયા ખેલ ભજવડાવે છે? હવે રાખી સાવંતનું જ ઉદાહરણ લો ને. આઇટમ ગર્લમાંથી સેલિબ્રિટીમાં આવી ગયેલી તે નાના પડદે પોતાનો સ્વયંવર યોજવાની છે અને વળી તેમાં તે ઉદાહરણ સીતામાતાનું આપે છે. (હિન્દુવાદી સંગઠનો સાંભળો છો?) સીતામાતા સ્વયંવર યોજી શકે તો રાખી કેમ નહીં? રાખીને કોણ સમજાવે કે સીતામાતા પતિવ્રતા હતાં જ્યારે તું….!

આ રીતે પુરાણો કે ગ્રંથોમાંથી ઉદાહરણો આપીને પોતે જે કરે છે તે સાચું ઠરાવવાનો એક સરળ રસ્તો જડી ગયો છે…માત્ર રાખી સાવંત જેવી કલાકારને જ નહીં, પરંતુ રાખી જેવું ‘ચીપ’ (યુવાનોમાં સરળતાથી લોકપ્રિય થવા માટે) લખતા લેખકોને પણ! એટલે સેક્સની વાત આવે કે આવા અક્ષય-ટ્વિન્કલ જેવા તમાશા કે પછી ઉત્તર પ્રદેશમાં સ્ટેશન પર ચુંબન કરતા યુગલને રોકવામાં આવ્યા તે વાત પર વારંવાર સંસ્કૃત ગ્રંથોમાંથી ફકરા કે સુભાષિત ટાંકવામાં આવે છે. કાલિદાસની વાતો કરવામાં આવે છે. અરે ઉદાહરણચતુર પંડિતો! એ જ પુરાણો ગ્રંથોમાં શિવજીની આંખથી કામદેવ ભસ્મ થઈ ગયાની વાતો પણ છે. તેની વાત કેમ નથી કરતા? આપણાં શાસ્ત્રોમાં અર્થ અને કામને ધર્મ અને મોક્ષની વચ્ચે મૂકવામાં આવ્યા છે તે કેમ નથી જોતા?

અને સંસ્કૃત તો એક ભાષા છે, જેમ ગુજરાતી એક ભાષા છે તેમ જ. એટલે સંસ્કૃતમાં લખાય તે બધું પ્રમાણભૂત થઈ ગયું? માનો કે, થોડાં વર્ષો પછી ગુજરાતી ભાષા મરી પરવારી તો પછી કોઈ આવો જ નવો ઉદાહરણચતુર પંડિત અત્યારે સંડાસ અને મૂતરડીમાં જેવા ‘સુવાક્યો’ લખાય છે તેને ઉદાહરણરૂપે ટાંકે તો?! જેમ અત્યારે બધાં કાંઈ સંડાસ અને મૂતરડીમાં સુવાક્યો નથી લખતા, તેમ જ સંસ્કૃતનાં જે કંઈ ઉદાહરણો અપાય છે તે પ્રમાણભૂત છે તેવું કોણે કહ્યું? એ જ ગ્રંથો, જેનો તમે હવાલો આપો છો તેમાં એવી વાર્તા પણ આવે છે કે કોઈ સિદ્ધ કે યક્ષ કામક્રીડા કરી રહ્યો હતો અને ઋષિ એ વખતે નીકળ્યા ત્યારે તેને કોઈ લજ્જા ન રહી તો ઋષિએ તેને શ્રાપ આપી દેતા તેની બૂરી વલે થઈ! ભતૃહરિનું ઉદાહરણ બહુ નજીકનું ગણાય. અહલ્યાનો દાખલો પણ બહુ જાણીતો છે. કામુકતા ન રોકી શકવાથી આખું મહાભારત રચાયું તેમ કહીએ તો પણ ખોટું નથી. શાંતનુ મત્સ્યગંધા પાછળ પાગલ બન્યા એમાં દેવવ્રત ભીષ્મ બન્યા. પાંડુ કામુકતા છોડી શક્યા નહીં ને મરણને શરણ થવું પડ્યું. દુ:શાસને દ્રોપદીનાં ચીર હરવા પ્રયાસ કર્યો ને ભૂંડા મોતે મર્યો.

ભૂલાતું ન હોય તો, ‘માધવ ક્યાંય નથી મધુવનમાં’ પુસ્તકની પ્રસ્તાવનામાં મનુભાઈ પંચોળી ‘દર્શક’ એ લખ્યું છે કે કળિયુગમાં અશ્લીલતા અને અભદ્રતા જ ચારેકોર હશે.

ભલે ત્યારે, અક્ષય-ટ્વિન્કલ –રાખીનો જય હો!

5 comments 11/04/2009

ણ, ળ જેવા અક્ષરો ભારતીય ભાષામાંથી ગાયબ?

ચોંકાવનારી વાત છે. ગુજરાતી, હિન્દી સહિતની ભારતીય ભાષા, જેનું ગોત્ર  સંસ્કૃત ભાષા છે, તેમાંથી અમુક અક્ષરો ગાયબ થઈ રહ્યા હોવાનું ઘણા વખતથી લાગી  રહ્યું છે. અને તેનું કારણ છે રોમન લિપિ. રોમન લિપિ એટલે અંગ્રેજી ભાષા જે લિપિમાં લખાય છે તે a, b, c વગેરે.

 ભારતભરમાં એક લિપિ ન હોવાના કારણે તેમજ અંગ્રેજી ભાષાના સતત વધતા જતા વર્ચસ્વના કારણે, રોમન લિપિમાં વ્યવહાર વધુ થવા લાગ્યો છે. આનું એક ઉદાહરણ. આજકાલના ફિલ્મ કલાકારોમાંના મોટાભાગનાને હિન્દી સારું નહીં આવડતું હોવાના કારણે તેમને જે સંવાદો આપવામાં આવે છે તે રોમન લિપિમાં આપવામાં આવે છે. એટલે करण લખવું હોય તો Karan લખાય. હવે n’નો ઉચ્ચાર ભારતીય ભાષાઓમાં પણ થાય અને પણ થાય. પરંતુ કોન્વેન્ટિયા કલાકારો ઉચ્ચાર જાણતા નથી. (કારણકે અંગ્રેજીમાં છે જ નહીં.) આથી મોટાભાગના કલાકારો હવે કરણના બદલે કરન જ બોલતા થયા છે. અને માત્ર કલાકારો જ શું કામ? સમાજની સુખાકારી માટે સતત કાર્યરત રહેવાની જેમની ફરજ છે અને સાથે ભાષાની જાળવણીનું પણ દાયિત્વ જેમના માથે છે તેવા પત્રકારોના પણ આવા જ હાલ છે, ખાસ કરીને હિન્દી સમાચાર ચેનલોના પત્રકારોના.

  ણ, દ, ળ, ક્ષ, જ્ઞ, ઢ, શ,ષ, સ વગેરે અક્ષરોનાં ઉચ્ચારણો બાબતે પણ આવું જ છે. ની જેમ નો પણ ધીમે ધીમે લોપ થઈ રહ્યો છે. ને અંગ્રેજીમાં લખવું હોય તો ‘l’ લખાય. અને l’નો ઉચ્ચાર પણ થાય અને પણ. પરંતુ અગાઉ કહ્યું તેમ કોન્વેન્ટિયા અને હવે તો, ગુજરાતી કે ભારતીય ભાષાના માધ્યમમાં પણ બરાબર શિખવાડાતું ન હોવાના કારણે l’નો ઉચ્ચાર લ જ કરાય છે.

 આમ, હવે અને જેવા અક્ષરો ઉચ્ચારમાંથી ગાયબ થવા લાગ્યા છે. આ તો થઈ અક્ષરો ગાયબ થવાની વાત. પરંતુ રોમન લિપિમાં લખવાના કારણે પણ ઉચ્ચારોમાં ભારે ગોટાળા થવા લાગ્યા છે; જેમ કે, મારી જ અટક લઈએ. મારી અટક પંડ્યા છે. તો તેની અંગ્રેજીમાં જોડણી pandya’ થાય. પરંતુ ગુજરાતની બેંકો કે મોબાઇલ કંપની કે લાઇફ ઇન્સ્યુરન્સ વગેરે પ્રાઇવેટ કંપનીઓ કે આવી કંપનીઓના ગુજરાત બહાર આવેલા કસ્ટમર કેર સેન્ટરોમાંથી આવતા ફોન કે મારે કરવા પડતા ફોનમાં મારી અટક એ લોકો મોટા ભાગે પાંડ્યા જ બોલે કારણ કે નામ –અટક વગેરે બધું જ અંગ્રેજીમાં નોંધાયેલું હોય.

 મેં સૌરાષ્ટ્ર સમાચાર અને દિવ્ય ભાસ્કર જેવાં અખબારોમાં પહેલે પાને, અર્થાત્ દેશ વિદેશના સમાચારોના પાને કામ કર્યું છે એટલે ખબર છે કે જે સમાચારોની પ્રતિષ્ઠિત સંસ્થાઓ છે પીટીઆઈ, યુએનઆઇ વગેરે , તે અંગ્રેજીમાં જ સમાચારો મોકલે છે એટલે વ્યક્તિઓનાં નામો,અટક, સ્થળનાં નામો વગેરે અંગ્રેજીમાં હોય. એટલે આવું પંડ્યાનું પાંડ્યા થઈ જાય. હરેન પંડ્યાની હત્યાના સમાચારો વખતે હિન્દી તેમજ અંગ્રેજી ન્યૂઝ ચેનલોમાં હરેન  પાંડ્યા બોલાતું હોવાનું યાદ છે. (તેમાં તો સ્થાનિક પત્રકારો ફોન કરીને ઉચ્ચારણ  સુધરાવી શકે, પરંતુ….) એ જ રીતે ગુજરાતીમાં ધોળકિયા અટક છે. પરંતુ બોલતી વખતે તેનું ઢોલકિયા કે ધોલકિયાથઈ જાય છે.

 હવે ગુજરાતી પરિવારની વાર્તાવાળી સિરિયલો વધી છે ત્યારે તેમાં ઢોકળાની વાત અચૂક  હોય જ. એ ઢોકળા બોલાય છે કઈ રીતે?ઢોકલા તરીકે! (ઇવન, જેમાં ઘણી બધી રીતે ગુજરાતીપણું સચવાય છે –બતાવાય છે તેવી તારક મહેતા કા ઉલટા ચશ્મામાં પણ).

 આવું વાઇસા વરસા પણ થાય છે. વિશ્વની અજાયબી જેવો તાજમહેલ જ્યાં આવેલો છે તે  સ્થળનું સાચું નામ છે આગરા. પરંતુ સ્પેલિંગ ‘Agra’ના કારણે ગુજરાતીમાં મોટા ભાગે આગ્રા જ લખાય છે. આવું હૈદ્રાબાદ (સાચું હૈદરાબાદ), દિલ્હી (સાચું દિલ્લી, પરંતુ અંગ્રેજોએ Delhi – ડેલ્હી ઉચ્ચાર કર્યો અને આપણે તેનું દિલ્હી કર્યું), લખનૌ (સાચું લખનઉ), કાશ્મીર (સાચું કશ્મીર) વગેરે સ્થળોના નામ બાબતે છે. અભિનેત્રી પ્રીતિ ઝિંટાના સ્પેલિંગ  પરથી ગુજરાતીમાં ઘણા લોકો તેનું નામ પ્રેટી કે પ્રીટિ લખે છે! (ફિલ્મ કે ટેલિવિઝનના કલાકારો સહિતના અનેક મહાનુભાવો જેને આજકાલ સેલિબ્રિટી  તરીકે ઓળખવામાં આવે છે તેઓ પોતાનું ભાવિ સુધારવા અંગ્રેજીમાં સ્પેલિંગ બદલી નાખે  છે તેની વાત કરવા માટે તો અલગ બ્લોગપોસ્ટ લખવાનો વિચાર છે. પરંતુ ભાવિ સુધારવા નામનું સત્યાનાશ કરે છે, કેમ કે નામનો કંઈક અર્થ થતો હોય છે પણ સ્પેલિંગ બદલે એટલે ઉચ્ચાર પણ બદલાઈ જાય.) હિન્દી પટ્ટીમાં એક અટક બહુ જોવા મળે છે, મિશ્ર. પરંતુ  સ્પેલિંગ પરથી તેને મોટાભાગના ગુજરાતીમાં મિશ્રા જ લખે છે. આવી જ રીતે ગુજરાતીમાં મહેતા અટક છે, પરંતુ તેના અંગ્રેજી સ્પેલિંગ Mehta ના કારણે ઘણા એવું માની બેઠા છે કે ગુજરાતીમાં મહેતા લખાય ને હિન્દીમાં મેહતા લખાય. એટલે હાસ્ય લેખકનું નામ તારક મહેતા છે તે આપણને ખબર છે. તેના પરથી સિરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્માબની છે તો તેનો સ્પેલિંગ Tarak Mehta Ka Oaltah Chashma  (ઉલટાને અંગ્રેજીમાં લખવું હોય તો ulta’ કે બહુ તો oolta’ લખાય તેમાં ‘o’ પછી a’ અને ‘ta’ પછી h’ ક્યાંથી આવ્યા ? કદાચ ન્યૂમરોલોજી-અંકશાસ્ત્રના કારણે!) થાય છે એટલે આ સિરિયલનું નામ ગુજરાતીમાં લખવું હોય તો શું તારક મેહતા કા ઉલટા ચશ્મા લખવું જોઈએ ? ના. તારક મહેતા કા ઉલટા ચશ્મા જ લખાય.

 પણ આપણે, સર્વ રીતે વિદેશથી પ્રભાવિત ભારતીયો અંગ્રેજી સ્પેલિંગ લખવા બાબતે  જેટલી કાળજી લઈએ છીએ તેટલી ભારતીય ભાષા બાબતે ક્યાં લઈએ છીએ?  ઉપર  દર્શાવ્યા તેવા ગોટાળા નિવારવા માટે શું થઈ શકે? એક ભારતીય ભાષાવાળાએ બીજી ભાષાવાળા સાથે વ્યવહાર કરવો  હોય ત્યારે, પીટીઆઈ, યુએનઆઇ જેવી સમાચાર સંસ્થાઓ કે સમાચાર ચેનલો સમાચાર મોકલે કે મગાવે ત્યારે  સમાચારની લિપિ દેવનાગરી એટલે કે સંસ્કૃત, મરાઠી અને હિન્દી જે લિપિમાં લખાય છે તે  દેવનાગરી લિપિમાં લખાય તો આ ગોટાળો નિવારી શકાય. ભારતીય ભાષાઓ જ એવી ભાષા છે જેમાં બોલાય છે તેવું લખાય છે. (હવે તો જોકે બીજી રીતે પણ આ વિધાન સાચું પડે છે. લોકો હવે જેવી ભાષા બોલે છે તેવું જ લખવા લાગ્યા છે.) અંગ્રેજીમાં bridge’માં d’નો ઉચ્ચારમાં જે રીતે લોપ થાય છે તેવું ભારતીય ભાષાઓમાં નથી થતું. એટલે દેવનાગરી લિપિ ભારતભરમાં અપનાવવામાં આવે તો આ ગોટાળો નિવારી શકાય. 

Add comment 05/04/2009

ગુજરાતી થઈ ગુજરાતી બોલે નહીં….

અતિ લોકપ્રિય થઈ રહેલી સિરિયલ (સબ ટીવી) ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ (ઘણા કહે છે કે મહેતા હિન્દીમાં મેહતા લખાય, પણ અરે ‘બુદ્ધિમાનો’! નામ હોય કે અટક, હિન્દીમાં કે અંગ્રેજીમાં બદલાઈ ન જાય, એ તો અંગ્રેજીમાં સ્પેલિંગના કારણે થયેલી ગરબડ છે. અંગ્રેજોને બોલતા ન આવડ્યું એટલે ભરૂચનું બ્રોચ કરી નાખ્યું તો શું તે નામ બદલાઈ જશે? અંગ્રેજી અને રોમન લિપિના કારણે નામોમાં થયેલા ગોટાળા અંગે બ્લોગપોસ્ટ પછી ક્યારેક.)માં તાજેતરમાં ફિલ્મ ‘સ્ટ્રેઇટ’ના પ્રચાર માટે વિનય પાઠક આવ્યો હતો. એને લઇને સિરિયલમાં તારક મહેતા જેઠાલાલ અને દયા પાસે આવે છે. એ જાય છે ત્યારે દયા એક સવાલ પૂછે છે :

“યે પાઠક તો ગુજરાતી હોતે હૈ ના? ”

જેઠાલાલનો જવાબ : “હા.”

દયાનો સવાલ : “તો ફિર વો હિન્દી મેં ક્યૂં બોલ રહે થે?”

હજુ જેઠાલાલ જવાબ આપે તે પહેલાં દયા ટપુને શાળાએ મૂકવા જવા રવાના થઈ જાય છે.

પ્રશ્ન તો વાજબી છે. ગુજરાતી હોય અને ગુજરાતી સાથે હિન્દીમાં કેમ બોલે? આ પ્રશ્ન મને પણ ઘણાં વર્ષોથી ખટકી, ખૂંચી રહ્યો છે, ખાસ કરીને 2003માં ભાવનગરથી અમદાવાદ આવ્યા પછી.

હજુ ગઈકાલની (તા.3 એપ્રિલ 2009)ની જ વાત છે. ‘અભિયાન’ની ઓફિસમાં એક ભાઈ આવ્યા. વદ્યા : “…..(પત્રકારનું નામ) હૈ?મેરે કો ઉનકો વિજિટિંગ કાર્ડ દેના થા. ” એટલે સાથી પત્રકાર મિત્રએ હિન્દીમાં જવાબ આપ્યો. હિન્દીમાં વાતચીત ચાલી. એટલી વારમાં એ ભાઈને ફોન આવ્યો. મોબાઇલમાં રિંગટોનમાં કોઈ ગુજરાતી ફિલ્મના ગીત જેવું ગીત ગૂંજ્યું. એટલે મેં કપાળ કૂટ્યું : “ધત્ તેરે કી ! આ તો ગુજરાતી જ હતો.”

ફરી એ જ સવાલ. એક ગુજરાતી માણસ જ્યારે એક ગુજરાતી સામયિક કે અખબારની કચેરીમાં આવે છે ત્યારે તેને એટલી તો ખબર હોય ને કે અહીં ગુજરાતી લોકો જ હોવાના. તો પછી હિન્દીમાં શું કામ ભરડતા હશે?

કોઈ મોબાઈલ, બ્રોડબેન્ડ, પ્રાઇવેટ બેન્ક, લાઇફ ઇન્સ્યોરન્સ આપતી પ્રાઇવેટ કંપની, શેરબજારનું દલાલીનું (અંગ્રેજીમાં કહીએ તો બ્રોકરિંગ)કામ કરતી કંપનીઓ વગેરેમાંથી આવતા ફોન મોટા ભાગે હિન્દીમાં જ હોય છે. અને દર વખતે હું સ્પષ્ટ કહું છું : “હું ગુજરાતી છું. મને હિન્દી સમજાતું નથી.” અલબત્ત, મને હિન્દી સુપેરે સમજાય છે. શુદ્ધ હિન્દી પણ સમજાય અને જાવેદ અખ્તર જે ભરડે છે તે ઉર્દૂ પણ ઠીક ઠીક સમજાય છે, પણ ગુજરાતમાં ગુજરાતીમાં કેમ બોલાતું નથી, અને શા માટે પહેલેથી કલ્પી લેવામાં આવે છે કે સામે જે વ્યક્તિ છે તે ગુજરાતી નહીં સમજનારો અને હિન્દી કે અંગ્રેજી સમજનારો જ છે? એ અકળામણ થવાના કારણે હું આવું ખોટું બોલું છું અને આવું કહ્યા પછી પેલો ભાઈ કે બહેન શુદ્ધ ગુજરાતી બોલવા લાગે છે.

હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે અને તે બોલાવી જ જોઈએ, પણ એ તો જે ગુજરાતી નહીં જાણનારાઓની સાથે. ગુજરાતીને પોતાની ભાષાનું અભિમાન કેમ નથી? અચ્છા, બે લોકો જે એકબીજાને સારી રીતે જાણે છે કે બંને ગુજરાતી છે તે પણ પોતાનું ‘જ્ઞાન’ પ્રદર્શિત કરવા અંગ્રેજીમાં ભરડશે અને પાછો તેનો ગુજરાતીમાં અનુવાદ પણ કરશે! જાણે કેમ બીજાને અંગ્રેજીમાં સમજ ન પડતી હોય!
‘ગણેશ સ્પીક્સ’ નામની જ્યોતિષને લગતી કંપનીમાં કામ કરતા મિત્ર બાલુજી કે બાલાજી પોતે દક્ષિણ ભારતીય છે, પણ વર્ષોથી ગુજરાતમાં રહેતા હોવાથી એવું ફાંકડું ગુજરાતી બોલે છે કે કદાચ હવે ગુજરાતીઓ પણ એવું ગુજરાતી બોલતા હશે કે કેમ તે સવાલ છે. એક વાર મેં તેમને પૂછ્યું : “તમે આટલું ચોખ્ખું ગુજરાતી કઈ રીતે બોલો છો?”

તો કહે : ”રાજકોટમાં રહેતો હતો ને એટલે. અમદાવાદમાં રહેતો હોત તો આટલું ગુજરાતી આવડતું ન હોત.”

હવે તો કાર્ટૂન ચેનલો, હિન્દી ન્યૂઝ ચેનલો, હિન્દી જનરલ એન્ટરટેઇનમેન્ટ ચેનલો (સોની, ઝી, સ્ટાર પ્લસ વગેરે) ના કારણે વધુ ને વધુ હિન્દી શબ્દો આપણી ગુજરાતીમાં ‘ઘૂસણખોરી’ કરતા જાય છે. ખાસ કરીને બાળકોની ભાષા તો ભારે ખિચડી બનતી જાય છે, પછી તે ભાવનગરનાં હોય કે રાજકોટનાં! અને ભાષા પ્રત્યે ગુજરાતીઓ પહેલેથી સુષુપ્ત રહ્યા છે. અમદાવાદમાં બિનગુજરાતીઓ વચ્ચે રહેતાં કે ભણતા બાળકોની તો ગુજરાતી ભાષાની વાત જ શી કરવી! એના કરતાં કદાચ, મુંબઈનાં બાળકો વધુ સારું ગુજરાતી બોલતા હશે! અને ગુજરાતી શીખવું હોય તો અખબાર કે સામયિક વાંચવાની સલાહ આપવું તો વધુ જોખમી છે! ઘણા પત્રકારોને કહેતા સાંભળ્યા છે : જોડણી કે શબ્દોની માથાકૂટમાં પડવાનું નહીં. વાત સમજાવી જોઈએ!

અવિનાશભાઈ (વ્યાસ)એ બહુ સુંદર ગીત લખ્યું હતું : ‘ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર.’ પણ હવે તેને આ રીતે બદલવાની જરૂર લાગે છે :

‘ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે જ નહીં!’

1 comment 04/04/2009


ગરમાગરમ પોસ્ટ

તાજી ટિપ્પણીઓ

shirish dave on ગુજરાતી છો? તો ગુજરાતીમાં વાત …
smdave1940 on લાલકૃષ્ણ આડવાણી, જશવંતસિંહ, સં…
bakuleshdee on યે લમ્હેં, યે પલ હમ બરસોં યાદ…
jaywantpandya on યે લમ્હેં, યે પલ હમ બરસોં યાદ…
kishore modi on યે લમ્હેં, યે પલ હમ બરસોં યાદ…

તારીખીયું

April 2009
M T W T F S S
« Mar   May »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

સંગ્રહ

ખાંખાખોળા કરો

શ્રેણી

સૌથી વધુ ક્લિક

વહીવટીવિભાગ

લટકણિયાં

advani ahmedabad Amitabh Bachchan bhavnagar bjp blog bomb blast congress farah khan gmail gujarat hindu kandhar Karan Johar manmohan singh mohan bhagwat narendra modi pakistan prakash mehra rahul gandhi rss salman khan shahrukh khan taliban અભિયાન અમદાવાદ અમિતાભ અમિતાભ બચ્ચન ઇમેઇલ ઓસ્ટ્રેલિયા ગુજરાતી જયવંત પંડ્યા દિવ્ય ભાસ્કર નરેન્દ્ર મોદી ભાજપ ભાવનગર મનમોહનસિંહ રાહુલ ગાંધી શાહરુખ ખાન સચ કા સામના સલમાન ખાન સેક્યુલર સૌરાષ્ટ્ર સમાચાર સ્લમડોગ મિલિયોનેર હિન્દુ

Blog Stats

Feeds

... જરા નજર તો નાખતા જજો

અત્યારે તમારા સહિત કેટલા લોકો આ બ્લોગ પર છે?

પૃષ્ઠ

Twitter Updates

live traffic feed