05.25.09
ઇમેઇલથી બ્લોગપોસ્ટ લખો
હવે તમે ઇમેઇલથી પણ બ્લોગ પોસ્ટ લખી શકો છો. આ તેનો એક નમૂનો છે. તમે જો બ્લોગધારક/બ્લોગલેખક હો અને ઇમેઇલથી પણ બ્લોગપોસ્ટ લખવા માગતા હો તો dashboard પર my blog માં જાવ અને post by email એક્ટિવ કરો. તમને એક ઇમેઇલ એડ્રેસ મળશે. તે ઈમેઇલ પર તમારા જેતે યાહૂ કે જીમેઇલ કે હોટમેઇલમાંથી પોસ્ટ મોકલશો એટલે તમારા બ્લોગ પર મૂકાઈ જશે.
આ પોસ્ટ તેનો નમૂનો છે.
05.22.09
હુર્રે! બલ્લે બલ્લે!

બ્લોગપોસ્ટની અડધી સદી!
આભાર એ સર્વેનો જેમણે મને આ અડધી સદીની સફરમાં પ્રોત્સાહન, પ્રેરણા કે પ્રતિભાવ આપ્યે રાખ્યાં છે.
રાહુલબાબાને જશ અને ભાજપનું ભેંકાર ભાસતું ભાવિ : સત્ય શું છે?

રાહુલ ગાંધી
રાહુલબાબાની આરતીઓ ઉતારાઈ રહી છે. બિચારા મનમોહનસિંહ, જેમના નામે કોંગ્રેસને મત મળ્યા છે તેમને ભૂલી જવાઈ રહ્યા છે- ખાસ કરીને માધ્યમો દ્વારા. મનના કોઈ ખૂણામાં વાઈરસની જેમ કાયમી ઘર કરી ગયેલી ગુલામીનાં મૂળ જલદી ઉખડે તેમ નથી. એટલે જ કોંગ્રેસ અને માધ્યમોએ ચિંતા રાહુલબાબાને પરણાવી દેવાની કરવી જોઈએ, કેમ કે, તેઓ પરણશે નહીં તો પછી નવો કે નવી વારસદાર ક્યાંથી આવશે? જોકે ઇંદિરા ગાંધી ચીંધ્યા માર્ગે લાવવાનો રસ્તો પણ ખુલ્લો તો છે જ. રાહુલના વારસદારનો પ્રશ્ન અત્યારે છે તેમ ને તેમ ચાલુ રહે તો પ્રિયંકાને રાજકારણમાં તાણી લાવવી. આમેય કોંગ્રેસ તો આ લોકોના પિતાશ્રીની જાગીર જ છે ને!
ચાલો. રમૂજને બાજુએ રાખીએ. કોંગ્રેસની આ જીત બદલ બધા રાહુલ ગાંધીની મહેનત રંગ લાવી તેવું કહી રહ્યા છે, પણ થોડાંક આ પાસાં પર પણ નજર કરીએ તો સત્ય સમજાઈ જશે કે ખરેખર ક્યાં પરિબળોના લીધે કોંગ્રેસ વિજયી બની?
* બેશક, ઉત્તરપ્રદેશમાં રાહુલ ગાંધીની મહેનત સફળ રહી, પરંતુ તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઇવન ગુજરાતમાં શું થયું?
* તમિલનાડુમાં કરુણાનિધિએ શ્રીલંકામાં તમિલો પર થઈ રહેલા અત્યાચાર, ખાસ કરીને પ્રભાકરનનો મુદ્દો ઉપાડ્યો. ત્રાસવાદી પ્રભાકરનને પોતાનો મિત્ર ગણાવ્યો. હવે જે પ્રભાકરન કોંગ્રેસના એક સમયના વડા- અત્યારનાં વડાંના પતિ અને ભાવિ વડા ગણાતા નેતાના પિતાના હત્યારાને મિત્ર ગણાવતા હોય તેમની સાથે ગઠબંધન કરવામાં કોંગ્રેસને કોઈ વાંધો ન આવ્યો. જોકે હવે તે જ ડીએમકેએ કોંગ્રેસને પરેશાન કરવાનું શરૂ કરી દીધું છે. તો પ્રભાકરન પર જયલલિતા સોફ્ટ રહ્યાં અને કરુણાનિધિએ સમર્થન કર્યું એટલે તમિલનાડુમાં પ્રજા ડીએમકેના પક્ષે રહી. વળી, ત્યાં અભિનેતા વિજયકાંતનો પક્ષ પણ જયલલિતાના પક્ષમાં ભાગ પડાવી ગયો.
* આંધ્રપ્રદેશમાં અભિનેતા ચિરંજીવીનો પક્ષ ભલે ખાસ સફળતા ન મેળવી શક્યો પરંતુ તેણેય કોંગ્રેસને જીતાવવામાં મદદ તો કરી જ.
* કેરળમાં ડાબેરીઓથી ત્રાસેલી પ્રજા પાસે કોંગ્રેસ સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહોતો.
* પં. બંગાળમાં અત્યાર સુધી ડાબેરીઓથી ત્રાસેલી પ્રજાના મતો તૃણમૂળ કોંગ્રેસ અને કોંગ્રેસ વચ્ચે વહેંચાઈ જતા હતા. આ વખતે બંને સાથે મળીને ચૂંટણી લડ્યા. જીત્યા.
* મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની મનસે કોંગ્રેસને ફાયદો કરાવી ગઈ.
* ગુજરાતમાં ગોરધન ઝડફિયા અને સુનીલ ઓઝા જેવા ભાજપના અસંતુષ્ટોનો પક્ષ મહા ગુજરાત જનતા પક્ષ (મજપ) ભાજપના મતોમાં ભાગ પડાવી ગયો અને કેટલાક ઠેકાણે રાતોરાત ભાજપમાં સમાવાયેલા-આયાત કરાયેલા ઉમેદવારોના કારણે ભાજપના પ્રતિબદ્ધ મતદારો-કાર્યકરો ભાજપથી મોંઢુ ફેરવી બેઠા. આવું ન થયું હોત તો ભાજપને કદાચ ૧૮ બેઠક આરામથી મળી ગઈ હોત.
હવે ભાજપના ભાવિની વાત કરીએ.
ભાજપની વર્તમાન સ્થિત પ્રકાશ મહેરાની ફિલ્મ ‘હેરા ફેરી’ના દારૂડિયા (અભિનેતા રામ પી. શેઠી)

લાલકૃષ્ણ આડવાણી
જેવી છે. અમિતાભ જુગાર રમતો હોય ત્યારે વિનોદ ખન્ના તેને બાતમી આપવા જ્યારે જ્યારે જાય ત્યારે કેબિનમાંથી બહાર નીકળતા આ દારૂડિયા સાથે ભટકાય અને પેલો ઉલટો ફરીને ફરી કેબિનમાં દાખલ થઈ જાય!
બીજી રીતે કહીએ તો બાળકોને રમવાની એક રમત સાપસીડી છે. આ રમતમાં ૧૦૦ આંક પર પહોંચો તો જીતી જાવ, પણ તે અગાઉ ૯૯ પર મોટો સાપ મોંઢુ ફાડીને બેઠો હોય. ૯૦ને વટાવી ગયા પછી મોટા ભાગે એવા પાસા પડે કે તમે ૯૯ પર પહોંચો તો સડસડાટ ૪૮ કે ૪૦ એવા કોઈ આંકે પહોંચી જાવ.
ભાજપની સ્થિતિ આવી જ બને છે.
૧૯૮૪માં ૨ બેઠકો જીતેલો ભાજપ ૧૯૮૯માં ૮૫ બેઠકે પહોંચ્યો. રામમંદિરનો મુ્દ્દો વેગ પકડી ચૂક્યો હતો. લાલુપ્રસાદ દ્વારા આડવાણીની ધરપકડ, ચંદ્રશેખર સરકારમાં કોંગ્રેસનું વલણ, કારસેવકો પર મુલાયમસિંહ દ્વારા આડેધડ ગોળીઓ ચલાવવી, કોંગ્રેસના બોફોર્સ અને સબમરિન કાંડ વગેરેના કારણે ૧૯૯૧માં તેને સ્પષ્ટ બહુમતી મળે તેવી પૂરી શક્યતા હતી…પરંતુ રાજીવ ગાંધીની હત્યા થઈ. પરિણામે લોકોની સહાનુભૂતિ કોંગ્રેસને મળી. અલબત્ત, તેમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી નહોતી મળી અને ભાજપનો સાવ નિરાશાજનક દેખાવ નહોતો થયો. ભાજપને ૧૨૦ બેઠકો મળી હતી. તે પછી ઉત્તરોત્તર ભાજપની બેઠકો વધતી ગઈ. ૧૯૯૬માં ૧૬૦, ૧૯૯૮માં ૧૮૨, ૧૯૯૯માં લગભગ એટલી જ બેઠકો મળી. ૧૯૯૮માં અને ૯૯માં સત્તા પર આવીને પાંચ વર્ષ પૂરા કરનાર એનડીએ હારશે તેવી કોઈને કલ્પના નહોતી (જેમ આ ચૂંટણીમાં કોંગ્રેસ ૨૦૦ ઉપર બેઠકો મેળવશે અને યુપીએને ડાબેરીઓના ટેકાની જરૂર નહીં પડે તેવી કોઈને કલ્પના નહોતી તેમ જ) પરંતુ એનડીએનો પરાજય થયો. ૨૦૦૪માં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે માત્ર સાત બેઠકોનો જ તફાવત રહ્યો. ૨૦૦૯માં આ તફાવત વધીને સોએક બેઠકો જેટલો થઈ ગયો.
* ભાજપને જો ફરી સત્તામાં આવવું હોય તો તેણે તેની સ્થિતિ દારૂડિયા જેવી નહીં રાખવી પડે. ઘડીકમાં રામમંદિરનો મુદ્દો હાથમાં લીધો ને ઘડીકમાં છોડ્યો, તેવું નહીં ચાલે. કોઈ એક મુદ્દો પકડી લો. (અહીં રામમંદિર બરાબર હિન્દુત્વ એવું સમજવું.)
* નેતાઓ વચ્ચે વધુ સાંમજસ્ય, સંકલન રાખવું પડશે, જેવું એક સમયે વાજપેયી, આડવાણી અને મુરલી મનોહર જોશી વચ્ચે હતું. પક્ષમાં અત્યારે આ સત્તાની ધરી પણ એકતરફી ઝૂકી ગઈ છે. તે પહેલાંની જેમ સંતુલિત કરવી પડશે.
* શિસ્તવાદી -પ્રમાણિક અને રાષ્ટ્રવાદી છબિ મજબૂત બનાવવી પડશે. જશવંતસિંહ જેવા પક્ષના ટોચના નેતા ચૂંટણી પહેલાં નોટ વહેંચતા પકડાય અને છતાં તેમને ટિકિટ આપી આસામમાં લડવા મોકલાય તેવું ન ચાલે.
* પોતાની બાજુ સબળ હોવા છતાં બચાવની મુદ્રામાં આવી જવાનું ટાળવું પડશે. કંદહાર મુદ્દે ભાજપને બચાવ કરવાનો જ નહોતો. એ વખતે માધ્યમો-ઇલેક્ટ્રોનિક મિડિયા આવી ગયું હતું. વિમાનને દેશથી બહાર જતો રોકી ન શક્યા તે ભૂલ, પણ પછી તો વિમાન અફઘાનિસ્તાનમાં હતું. વળી ઇલે. મિડિયામાં વિમાનમાં અપહૃત મુસાફરોના રોકકળ કરી રહેલા સ્વજનોનાં દૃશ્યો સતત બતાવાતાં હતાં. તે લોકો પણ કમાન્ડર ઓપરેશન કરવા માનતા નહોતા. બધા રાજકીય પક્ષો એક નહોતા. કમાન્ડર ઓપરેશન કરવું પડે તો પણ વિદેશી અને ખાસ કરીને દુશ્મનોના (તે સમયે) પ્રભુત્વવાળી ભૂમિ પર કરવું પડે તેમ હતું. એ સ્થિતિમાં ત્રાસવાદીઓને છોડવા સિવાય કોઈ છૂટકો જ નહોતો. મુફ્તિ મોહમ્મદ સઈદની દીકરી રૂબિના કરતાં આખી પરિસ્થિત જુદી હતી.
* ‘મિ. નટવરલાલ’ના ગીતની જેમ ઊંચી ઊંચી બાતોં સે કિસી કા પેટ ભરતા નહીં. રામમંદિર જેવી વાત હોય તો અલગ છે કે એક જુવાળ થાય. ગોધરાકાંડ પછી રમખાણો અને તે પછી સેક્યુલરો દ્વારા ગુજરાતીઓને સતત રમખાણો મુદ્દે જ ધિબેડવા (અને ગોધરાકાંડ વિશે એક શબ્દ પણ નહીં બોલવો કે લખવો)ની પ્રવૃત્તિઓ થાય ત્યારે ભાજપને મબલક મતો મળે છે, પરંતુ તેવા મુદ્દા ન હોય ત્યારે? માત્ર હિન્દુત્વના મુદ્દે લોકો મત ન આપે. લોકોને જોઈએ બે ટંકની રોટી. નોકરી પણ જોઈએ. મધ્યમ વર્ગીય પ્રજાને જોઈએ આવકવેરામાં રાહત (જે મનમોહનસિંહની સરકારે આપી). વેપારી વર્ગ તેમનું હિત જુએ. એટલે જ મોંઘવારી આગળ બીજા બધા મુદ્દા નકામા બની જાય છે. ૧૯૯૯ કે તેની આસપાસ ભાજપ દિલ્હીની વિધાનસભા ચૂંટણી હારી ગયો ત્યારે મોંઘવારીના કારણે જ હારી ગયો હતો. તે પછી શીલા દીક્ષિત ગાદી પર જે બેઠાં છે તે હજુ ઉતર્યા નથી અને લોકસભાની બેઠકો પણ જીતી બતાવે છે. એટલે ભાજપે સામાન્ય લોકોના પ્રશ્ન ઉપાડવા પડશે. ૨૦૦૪માં આડવાણીએ એવું કહ્યું હોવાનું યાદ છે કે હવે એવું સૂત્ર આપવું જોઈએ કે રોટી, કપડા, મકાન અને મોબાઈલ એ જરૂરિયાત બની ગયાં છે. સાહેબ! મોબાઈલ વગર ચાલે, પણ રોટી, કપડાં અને મકાન વગર નહીં. એટલે સામાન્ય લોકોની તકલીફ સમજવી પડે.
* ભાજપ માટે આ ચૂંટણીમાં સ્થિતિ સાવ નિરાશાજનક પણ નથી. કોંગ્રેસની જીતના કારણે માધ્યમો માં વિસરાઈ ગયેલી વાત તો એ છે કે દક્ષિણમાં પહેલી વાર ભાજપે જોરદાર પગપેસારો કર્યો છે. કર્ણાટકમાં તે ૨૮ પૈકી ૧૯ બેઠકો પર વિજયી રહ્યો છે તે જેવી તેવી વાત નથી. ગુજરાત, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ પણ ભાજપની પડખે રહ્યાં છે જ્યાં મુખ્યમંત્રીઓ સારું શાસન આપી રહ્યા છે.
* આવતી ચૂંટણીમાં જીતવું હોય તો ભાજપે આ રાજ્યોમાં મજબૂત સ્થિતિ જાળવી રાખવા ઉપરાંત હાથમાંથી સરી ગયેલાં પંજાબ, ઓરિસ્સા, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ સુધારવા પક્ષીય કામકાજ સુધારવું પડશે, યોગ્ય સાથી પક્ષો શોધવા પડશે. સંગઠનકાર્ય વિસ્તારી દક્ષિણ અને પૂર્વમાં પણ પગ ફેલાવવો પડશે. સાવ ભાંગીને ભૂક્કા થઈ ગયેલા ઉત્તરપ્રદેશના તેના ગઢને ફરીથી ચણવો પડશે.
* ફક્ત સત્તા જ કેન્દ્રમાં ન રાખતા, જરૂર પડે સત્તાને ત્યાગતા-છોડતા પણ શીખવું પડશે. યાદ રહે, ૧૯૯૬માં ૧૩ દિવસની વાજપેયી સરકાર પછી વાજપેયીએ જે રીતે સત્તા ત્યાગી હતી, ૧૯૯૮માં પણ જે રીતે ભાજપનો પરાજય થયો હતો, કર્ણાટકમાં પણ થોડા સમય પહેલાં જે રીતે ભાજપને -જનતા દળ (એસ)ના દગાથી સત્તા છોડવી પડી હતી તે બધું ભાજપના ફાયદામાં ગયું હતું.
* માત્ર નકારાત્મક – વિરોધ કરવા ખાતર વિરોધ કરવો-ગાળાગાળીવાળો-તિરસ્કારભર્યો-હાંસી ઉડાવતો વિરોધ નહીં-સબળ વિરોધ કરવો પડે. નવેમ્બર ૨૦૦૮માં મુંબઈમાં ત્રાસવાદી હુમલા વખતે મનમોહનસિંહ સાથે આડવાણી ન આવ્યા તે ખોટો સંદેશ આપે. ચૂંટણી દરમિયાન હાઇટેક પ્રચાર પર ગયા વખતે પણ ભાજપે ભાર આપ્યો હતો અને આ વખતેય. હાઇટેક પ્રચાર શહેરના કેટલાક યુવાનોને જ અસર કરે. શહેરના હજુ ઘણા લોકો ઇન્ટરનેટનો ઉપયોગ મર્યાદિત અથવા નહીંવત્ કરે છે. ગામડાંમાં તો સાવ નહીંવત્! ત્યાં તો લોકસંપર્ક જ શ્રેષ્ઠ રહે.
એટલે ભાજપે જો ૨૦૧૪માં સત્તામાં આવવું હશે તો તેની પાસે પાંચ વર્ષ (અને અત્યારે ડીએમકેએ જેવા ત્રાગા શરૂ કર્યા છે તેવા તેના અને બીજા પક્ષોના ચાલુ રહેશે તો કદાચ તેથી પણ ઓછા વર્ષ) છે તૈયારી માટે.
તો રેડી, ગેટ સેટ, ગો!
પ્રકાશ મહેરા, પદ્મિની કપિલા અને કાદર ખાન
પ્રકાશ મહેરા વિશે કેટલાંક વધુ અવલોકનો અને તેમના વિશેની કેટલીક વધુ યાદો તાજી કરીએ:
*તેમની ફિલ્મોનાં ગીતો ઘણાં લાંબાં રહેતાં. સંગીતકાર અનુ મલિક ‘બોર્ડર’ માટે લાંબા ગીતનો દાવો કરે છે પરંતુ પ્રકાશજીની તો અનેક ફિલ્મોનાં અનેક ગીતો લાંબા હતા; જેમ કે, ‘લાવારિસ’નું ‘અપની તો જૈસે તૈસે’. તેનું તો શરૂઆતનું સંગીત જ કેટલું લાંબું હતું (અને સેન્સ્યુઅસ પણ!). તે પછી ‘મુકદ્દર કા સિકંદર’નું ‘સલામ-એ-ઇશ્ક’ (આ શબ્દો પરથી સલમાન ખાન, પ્રિયંકા ચોપરા, અનિલ કપૂર, જૂહી ચાવલા વગેરેની ફિલ્મ બની.) પણ ઘણું દીર્ઘ હતું. ‘નમક હલાલ’નું ‘પગ ઘૂંઘરુ બાંધ મીરા નાચી થી’ પણ સુદીર્ઘ હતું. ‘શરાબી’નું ‘મુઝે નૌલખા મંગા દે રે’ તો લાંબું ગીત છે જ.
* અમિતાભ પાસે તેમણે ‘લાવારિસ’ (મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ), ‘શરાબી’ (જહાં ચાર યાર મિલ જાયે) અને ‘જાદુગર’ (પડોશન અપની મુર્ગી કો રખના સંભાલ)માં ગીતો ગવડાવ્યાં. ‘જહાં ચાર યાર મિલ જાયે’ ગીતમાં મુખ્ય કિશોરકુમારના અવાજ સાથે અમિતાભનો અવાજ હતો. તેમની ફિલ્મ ‘હાથ કી સફાઈ’માં એક ગીત હેમામાલિનીના અવાજમાં પણ હતું.
* ‘શરાબી’ના ‘જહાં ચાર યાર મિલ જાયે’ના બીજા અંતરામાં વિશેષ ભૂમિકામાં સ્મિતા પાટિલ જોવા મળે છે.
* સ્મિતા પાટિલ જેટલા ‘નમકલ હલાલ’ના ‘આજ રપટ જાયેં’ એ વરસાદી ગીતમાં-સાડીમાં સુંદર દેખાયા તેટલા એકેય ફિલ્મમાં નથી દેખાયાં.

પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી થી : ઉત્તમ કોમેડી અને કર્ણપ્રિય ગીતો પૈકીનું એક
* પ્રકાશ મહેરા પોતે ગીતો લખતા એ વાત સાચી, પરંતુ તેમની ફિલ્મોનાં ગીતોની બે પંક્તિ જાણીતા શેર કે જૂનાં ગીતો કે ભજનો પરથી પ્રેરિત પણ રહેતી; જેમ કે, ‘લાવારિસ’નું ‘જિસ કા કોઈ નહીં ઉસ કા તો ખુદા હૈ યારોં’, ‘નમક હલાલ’નું ‘પગ ઘૂંઘરુ બાંધ મીરા નાચી થી’ અને ‘થોડી સી જો પી લી હૈ’, ‘શરાબી’નું ‘લોગ કહતે હૈં મૈં શરાબી હૂં’ની પંક્તિ ‘નશા શરાબ મેં હોતા તો નાચતી બોતલ’, ‘જિંદગી એક જુઆ’ની ‘બહોત કઠિન હૈ ડગર પનઘટ કી, ઝટપટ ભર લાઓ જમના સે મટકી’. બાય ધ વે, ‘પગ ઘૂંઘરુ બાંધ મીરા નાચી થી’માં વચ્ચે જે આલાપ આવે છે તે કોનો અવાજ છે? તેના માટે કોઈને ક્રેડિટ અપાઈ હોવાનું જાણમાં નથી. એટલે બિનસત્તાવાર રીતે બે નામો જાણવા મળ્યાં છે ; એક તો, મહાન શાસ્ત્રીય ગાયક મન્ના ડે અને બીજું ભૂપિન્દરસિંહનું. કોઈ જાણકાર માણસ પ્રકાશ મહેરાનાં આ અદ્ભુત ગીતની આ અજાણ બાબત અંગે પ્રકાશ પાડશે?
* પ્રકાશ મહેરાએ જેમ અમિતાભ અને બપ્પી લહિરીને સિતારા બનાવી દીધા તેમ બીજાં કેટલાક નવોદિતોને પણ તક આપી હતી. આમાં ગાયકો કુમાર શાનુ (‘જાદુગર’) અને અલકા યાજ્ઞિક (‘લાવારિસ’), દિગ્દર્શક રામ પી. શેઠી (‘ઘૂંઘરુ’) તથા અભિનેતા માસ્ટર મયૂર (મયૂર વર્મા- જેણે ‘મુકદ્દર કા સિકંદર’માં અમિતાભની બાળપણની ભૂમિકા ભજવી હતી), પુરુ રાજકુમાર (‘બાલ બ્રહ્મચારી’) પ્રમુખ છે. પણ આમાં અમિતાભ, બપ્પી, અલકા યાજ્ઞિક માટે પ્રકાશ મહેરાને જેટલો યશ આપી શકાય તેમ છે તેટલો રામ પી. શેઠી કે પુરુ રાજકુમાર માટે આપી શકાય તેમ નથી. કુમાર શાનુને સંખ્યાત્મક રીતે અને ધૂનની રીતે ઘણાં સારાં ગીતો મળ્યાં. વર્ષોવર્ષ ફિલ્મફેર એવોર્ડ પણ તેઓ મેળવતા રહ્યા, પરંતુ તેમનો અવાજ કર્ણપ્રિય બિલકુલ કહી શકાય તેવો નથી. નાકમાંથી અને પડઘાય તેવો અવાજ હતો. સોનુ નિગમ તેની સરસ મિમિક્રી કરી શકે છે. એટલે કુમાર શાનુ માટે પ્રકાશ મહેરાને ક્રેડિટ આપવી કે નહીં તે વાચકો પોતે જ નક્કી કરે.
* પ્રકાશ મહેરાએ નિર્માણ કરેલી સંભવત: અંતિમ ફિલ્મ ‘મુઝે મેરી બીવી સે બચાઓ’નું એક ગીત ખૂબ જ જાણીતું અને યાદગાર બન્યું છે. સુખવિંદરસિંહ અને જસપિન્દર નરુલાના અવાજમાં ગવાયેલા એ ગીતના શબ્દો છે – નાચ મેરી જાન નાચ નાચ.

નવીન નિશ્ચલ સાથે પદ્મિની કપિલા
* પ્રકાશ મહેરાનાં પત્ની નીરા સાતેક વર્ષથી કોમામાં હતાં. તેનું તેમને બહુ દુ:ખ હતું. તે વાત જેટલી સાચી છે તેટલી જ એ વાત પણ સાચી છે કે એક સમયે પ્રકાશ મહેરા અભિનેત્રી પદ્મિની કપિલાની ખૂબ જ નજીક હતા. આ પદ્મિની કપિલા એટલે ‘હમારે તુમ્હારે’માં નવીન નિશ્ચલ સાથે કામ કરનાર અભિનેત્રી. (ફિલ્મનું રાજેશ રોશનના સંગીતમાં એક ગીત અદ્ભુત હતું – હમ દોનોં મિલ કે કાગઝ કે દિલ પે ચિટ્ઠી લિખેંગે જવાબ આયેગા- આ ગીત મારાં ફેવરિટ ગીતોમાં સ્થાન પામે છે). એમ કહેવાય છે કે પદ્મિની કપિલા અને નવીન નિશ્ચલ પણ એકમેકના પ્રેમમાં હતાં! (ઓહ! બોલિવૂડ એટલે લફરા અને પ્રેમપ્રકરણોનો ઇતિહાસ!). છેલ્લે પદ્મિની કપિલા અભિષેક બચ્ચન અને કરીના કપૂરની પહેલી ફિલ્મ ‘રેફ્યૂજી’માં દેખાયેલાં. એમ તો ત્રણ વર્ષ પહેલાં તેઓ મનોજ વાજપેયીને લઈને સ્પોર્ટ્સ ફિલ્મ ‘૯૦ મિનિટ્સ’ પ્રોડ્યૂસ કરી રહ્યાં હોવાનું પણ જાણવા મળ્યું હતું, પરંતુ એ ફિલ્મ રિલીઝ થઈ કે કેમ તે જાણમાં નથી. પદ્મિની કપિલાને કોઈ પૂછે તો પ્રકાશજીનાં ઘણાં અજાણ રહેલાં સંસ્મરણો જાણવા મળી શકે.
* પ્રકાશ મહેરાની ફિલ્મોમાં સંવાદ લખનાર કાદર ખાન આજકાલ ક્યાં છે? (તેમના વિશે અલગ પોસ્ટ આના પછી લખી રહ્યો છું.) તેમની પાસેથી પણ પ્રકાશજી વિશે ઘણું જાણવા મળી શકે.
05.19.09
ફિલ્મેં હો તો પ્રકાશ મહેરા કી જૈસી હો,વર્ના ના હો
જેમની પાસેથી હિન્દી ફિલ્મો ‘જોવા’નું હું શીખ્યો અને બોલિવૂડની ઘણી જાણકારી મળી તેવા મારા પિતાજી સ્વ. ગજેન્દ્રભાઈ પંડ્યાને, અમિતાભનો જ્યારે સુવર્ણયુગ ચાલતો હતો ત્યારે તેમના વિશે ગેરસમજ હતી કે આ તો મારધાડવાળી-મગજ કોરાણે મૂકીને જોવી પડે તેવી જ ફિલ્મો કરનારો અને અભિનયની આવડત વગરનો અભિનેતા છે. પણ જ્યારે ખાનગી ચેનલો શરૂ થઈ અને કેબલ ઓપરેટરોની ચેનલ પર ફિલ્મો આવવા લાગી ત્યારે અમિતાભની ‘શરાબી’ જોઈને ફિલ્મથી તો પ્રભાવિત થઈ જ ગયા હતા, પરંતુ અમિતાભ વિશે તેમની જે ગેરસમજ હતી તે દૂર થઈ!
જી હા. ‘શરાબી’. એ ફિલ્મ આવી ત્યારે હું છઠ્ઠા ધોરણમાં પ્રવેશ્યો હતો. ત્યારે હજુ સમાચારપત્રો વાંચવાની ટેવ તો નહોતી પડી પણ ફિલ્મોની જાહેરખબર વાંચવામાં જરૂર રસ હતો. મને બરાબર યાદ છે, એ વખતે ભાવનગરના નંબર વન સમાચારપત્ર ‘સૌરાષ્ટ્ર સમાચાર’માં રોજ ફિલ્મની જાહેરખબર આવે. લાંબા વાળવાળા, સૂટ પહેરેલા અમિતાભને ભેટેલી જયા પ્રદાનો ફોટો અને ઉપર ફિલ્મનાં ગીતોની યાદી લખાય…દે દે પ્યાર દે, લોગ કહેતે હૈ મૈં શરાબી હૂં, તુમને ભી શાયદ યહી સોચ લિયા અને ખાસ તો ‘પીવાવાળા’ને મજા પડી જાય-તેમની ‘પીવા’ની વાતને અનુમોદન મળે તેવી પંક્તિ – નશા શરાબ મેં હોતા તો નાચતી બોતલ. નોટબૂક કે પાઠ્યપુસ્તકોને છાપાંના પૂઠ્ઠા ચડાવતા એટલે ‘શરાબી’ની આ જાહેરખબર ખાસ ઉપરની બાજુએ આવે તેવું અમે ધ્યાન રાખતા.
એ વખત હજુ એ હતો કે નવરાત્રિમાં પાર્ટી પ્લોટની પ્રથા શરૂ થઈ હતી, પરંતુ ખાસ ઉપડી નહોતી. મારા પિતા નવરાત્રિમાં મને સાઇકલ પર આગળ બેસાડીને રાત્રે આંટો મારવા લઈ જાય અને જ્યાં જુઓ ત્યાં ગીત વાગતું હોય,
‘દે દે પ્યાર દે’.
આજે પણ કોઈ ચેનલ પર ‘શરાબી’
આવતી હોય તો જોવા બેસી જવાય છે.
આવી એ ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક પ્રકાશ મહેરા રવિવારે- ૧૭ મેએ બધાને, ‘મુકદ્દર કા સિકંદર’ના ગીતની જેમ, તેમાં ફકીર કાદરખાન કહે છે તેમ, ‘ઠહાકે’ લગાવતા લગાવતા-હસતા-હસતા ચાલ્યા ગયા.
શું થયું છે બોલિવૂડને? મેં આ પહેલાંની પોસ્ટમાં લખ્યું છે તેમ બોલિવૂડમાં એક તો મલ્ટિપ્લેક્સ અને નિર્માતાઓની લડાઈના કારણે શુષ્ક સમય ચાલી રહ્યો છે. મંદીની અસર તો છે જ. તેમાં દિગ્ગજ કહેવાય તેવા લોકો-ખાસ કરીને દિગ્દર્શકની વિદાઈ થઈ રહી છે. હજુ હમણાં થોડા સમય પહેલાં તો ફિરોઝખાન ગયા ! તે અગાઉ શક્તિ સામંત ગયા!
શક્તિ સામંત અને પ્રકાશ મહેરા વચ્ચે કોઈ સામ્યતા ખરી? હા. શક્તિ સામંત-પ્રકાશ મહેરા અને સાથે પ્રમોદ ચક્રવર્તી તથા અર્જુન હિંગોરાની એ ચારેય દિગ્દર્શકોનું સારું ગ્રૂપ હતું. શક્તિદા- પ્રકાશજી બંનેએ સુપરસ્ટારને જન્મ આપ્યો. એકે રાજેશ ખન્નાને સુપરસ્ટાર બનાવ્યા તો બીજાએ અમિતાભને. બંનેમાં સંગીતની જબરી સૂઝ. કોઈ પણ સંગીતકાર પાસે સારું સંગીત કઢાવી શકે. શક્તિની જેમ પ્રકાશ મહેરાએ પણ અલગ-અલગ સંગીતકારો સાથે કામ કર્યું, પરંતુ તેમાં વધુ પ્રમાણ કલ્યાણજી-આણંદજી સાથે રહ્યું. તે પછી બપ્પી લહેરી આવે. એમ તો ‘મેલા’ અને ‘સમાધિ’માં આર.ડી. અને એકાદ ફિલ્મમાં શંકર-જયકિશન સાથે કામ કર્યું હોવાનું પણ બોલાય છે.
‘સમાધિ’? એ ‘૭૦ના દાયકાની ફિલ્મો જોઈને મોટા થયેલા લોકોને પણ કદાચ જે ફિલ્મ વિશે યાદ નહીં હોય તેવી આ ફિલ્મનું એક ગીત આજની રિમિક્સ પેઢીને જરૂર યાદ હશે! કારણકે તેનું રિમિક્સ ખૂબ જ હિટ ગયું હતું અને તેનાથી રિમિક્સનો દોર જોરમાં શરૂ થયો હતો. એ ગીત એટલે ‘કાંટા લગા!’ પ્રકાશ મહેરાની કોઈ પણ ફિલ્મ લો તેમાં ગણગણવા ગમે તેવા-યાદગાર એકાદ-બે ગીત તો કમ સે કમ મળી આવશે. ‘મુકદ્દર કા સિકંદર’, ‘નમક હલાલ’ કે ‘શરાબી’ જેવી ફિલ્મો તો ખરી જ જેનાં બધાં જ ગીતો સુપરહિટ રહ્યા હોય. (પ્રકાશ મહેરાની ફિલ્મોનાં ગીતોની યાદી અગાઉની પોસ્ટમાં લખી છે એટલે રિપિટ નથી કરતો.) ‘નમક હલાલ’ એટલે, અગાઉ ‘ઝખ્મી’, ‘ચલતે ચલતે’ (શાહરુખવાળું નહીં), ‘આપ કી ખાતિર’, ‘દિલ સે મિલે દિલ’, ‘લહુ કે દો રંગ’, ‘જ્યોતિ’ વગેરે ‘બી’ ગ્રેડની ફિલ્મોમાં એકાદ બે-એકાદ બે સુપરહિટ ગીતો આપી ચૂકેલા બપ્પી લહિરીની પહેલી ‘એ’ ગ્રેડ ફિલ્મ! બી. સુભાષની મિથુનવાળી ‘ડિસ્કો ડાન્સર’ તો તે પછીની સાલમાં આવી અને પ્રકાશ મહેરાએ ‘નમક હલાલ’માં, અગાઉ, આર.ડી.બર્મનના પ્રભાવ તળે હોય તેવું સંગીત પીરસનારા બપ્પીદા પાસે સાવ અલગ પ્રકારનું સંગીત કઢાવ્યું! ‘ડિસ્કો ડાન્સર’ કરતાં પહેલાં ડિસ્કો ગીત ‘નમક હલાલ’માં હતા-યાદ છે ને ‘રાત બાકી’ (આ ટાઇટલ વર્ષો પછી પણ એનડીટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ પર રાત્રે ૧૧ કે ૧૧.૩૦ વાગે બોલિવૂડના સમાચારો માટેના કાર્યક્રમનું શીર્ષક તરીકે કામ લાગે છે!) અને ‘જવાની જાનેમન’?
માત્ર સંગીતની જ વાતો કરીએ તો આખો લેખ નહીં લેખની હારમાળા સર્જાય તેવું સંગીત પ્રકાશ મહેરાનું રહ્યું છે. મોહમ્મદ રફી-લતાનું અદ્ભુત મેલોડીવાળું ‘બેખુદી મેં સનમ ઉઠ ગયે જો કદમ’ કે પછી ‘ઋત હૈ મિલન કી સાથી મેરે આ રે’ સાંભળો તો ઉનાળાની ગરમીમાં શેરડીનો રસ પીધો હોય તેવી ઠંડક રોમેરોમમાં વ્યાપી જાય! ‘વાદા કર લે સાજના’ કોઈ પણ રોમેન્ટિક કે પ્રેમમાં નવા-નવા પડેલા યુગલ માટે કસમ ખાવાનું ગીત બની રહે. દોસ્તોની વાત નીકળે એટલે ‘બને ચાહે દુશ્મન ઝમાના હમારા’ ગીતની જેવું જ ગીત ‘યારી હૈ ઈમાન મેરા યાર મેરી ઝિંદગી’ અચૂક હોઠે આવી જાય. જિંદગીથી નિરાશ થઈ ગયા હો ત્યારે ‘રોતે હુએ આતે હૈ સબ’ સાંભળી લો. બધી જ નિરાશા ખંખેરાઈ જશે! પ્રેમની કબૂલાત કરવી છે? તો ગણગણો- ‘સલામ-એ-ઇશ્ક મેરી જાન ઝરા કુબૂલ કર લો’ કે પછી ‘તૂ જહાં ભી ચલેગા ચલૂંગી તેરા સુખદુખ મૈં બાંટ લૂંગી ’ (ફિલ્મ ‘ચમેલી કી શાદી’) યા તો ‘મૈંને ભી તો ચોરી ચોરી તેરે સંગ અંખિયાં મિલાઇ રે’ (દલાલ). ‘નોટી’ મૂડમાં છો? પ્રેમી/પ્રેમિકાને ‘સિડ્યૂસ’ કરવો/કરવી છે? તો ગણગણો-‘રાત બાકી બાત બાકી હોના હૈ જો હો જાને દો’ કે પછી ‘આજ રપટ જાયેં તો હમેં ના ઉઠય્યો’ અથવા તો ‘ચડ ગયા ઉપર રે અટરિયા પે લોટન કબૂતર રે’ (દલાલ). અચ્છા, પ્રેમી/પ્રેમિકાએ દગો દીધો છે? સમાજ સાથ નથી આપતો? તો ગાવ- ‘જો કદમ હી સાથ ના દે તો મુસાફિર ક્યા કરે, મંઝિલે અપની જગહ હૈ’ કે પછી ‘ઔર ઇસ દિલ મેં ક્યા રખ્ખા હૈ, તેરા હી નામ લિખા રખ્ખા હૈ, ચીર કે દેખેં દિલ મેરા તો તેના હી દર્દ છૂપા રખ્ખા હૈ’ અથવા તો ‘જિસ કા કોઈ નહીં ઉસ કા તો ખુદા હૈ યારોં’. ધનિકો સામે- સિસ્ટમ સામે વાંધો છે? તો ‘અપની તો જૈસે તૈસે થોડી ઐસે યા વૈસે કટ જાયેગી આપકા ક્યા હોગા જનાબે આલી’ (આહા! શું શબ્દો? આપ ભી મેરી તરહ ઇન્સાન કી ઔલાદ હૈ, આપ મુંહમાંગી દુઆ હમ અનસૂની ફરિયાદ હૈ…ગાલી હુઝૂર કી તો લગતી હૈ દુઆઓ જૈસી, હમ દુઆ ભી દેં તો લગે હૈ ગાલી, આપ કા ક્યા હોગા જનાબે આલી).
આટલા વેધક શબ્દોવાળા ગીતો હોય તેની કોઈ નવાઈ ન લાગવી જોઈએ, કેમ કે પ્રકાશ મહેરા પોતે સારાં ગીતકાર પણ હતા અને લેખક પણ. કેમેરા વગેરે ટેક્નિકલ બાબતોમાં ઓછી જાણકારી, અમિતાભ કહે છે તેમ, જાતજાતના કેમેરા એંગલ રાખવા, એડિટિંગ પર બહુ ભાર આપવો, સિનેમેટોગ્રાફી પર ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરવું એ બધું પ્રકાશ મહેરા ઓછું જાણતા અથવા તો કહો કે, તેને બહુ મહત્ત્વ નહોતા આપતા. તેઓ કહેતા, ‘લોગ કહાની દેખને આયે હૈં, કેમેરા કી કબડ્ડી નહીં’ (આજે અખબારો-મેગેઝિનોમાં પણ આવું જ થતું જાય છે ને? લે આઉટ પર ખૂબ મહત્ત્વ અપાય, તેના માટે મેટર ઓછી આવે તો વાંધો નહીં. ફોટા મોટા મોટા મૂકો. ચાલી જશે. )
અમિતાભને ‘લાલા’ કહેતા પ્રકાશ મહેરા અમિતાભ થકી ચાલ્યા તેમ કહેવું અતિશયોક્તિ લાગશે પણ વાત ખોટી નથી! કોઈ પણ ગમે તેવો માણસ મૃત્યુ પામે તો તેની પાછળ મલાજો જાળવવા માટે ઘણી વાર તેની હાજરી હોય ત્યારે ભરપૂર ટીકા થઈ હોય પણ મૃત્યુ પામે એટલે શબ્દોના ફૂલોના હારથી તેને ઢાંકી દેવામાં આવે એવું આપણે નથી કરવું. એટલે જ્યારે ઉપરનું વિધાન કરું છું ત્યારે એનો તર્ક પણ આપીશ. ‘ઉજાલા’ અને ‘પ્રોફેસર’ જેવી ફિલ્મોમાં પ્રૉડક્શન કંટ્રોલર તરીકે કામગીરી શરૂ કરનાર પ્રકાશ મહેરા શશી કપૂર અને તેમની ભત્રીજા વહુ બબીતાને લઈને બનેલી ફિલ્મ ‘હસીના માન જાયેગી’થી દિગ્દર્શક બન્યા, ફિલ્મ સારી હતી, સંગીત પણ સારું હતું એ બધું માન્યું. તે પછી ‘મેલા’, ‘સમાધિ’ જેવી હિટ ફિલ્મો પણ આપી તે ય માન્યું પણ પ્રકાશ મહેરાનો અને અમિતાભ બંનેનો સમય શરૂ થયો ‘ઝંઝીર’થી! (અને સાથે લેખકજોડી સલીમ-જાવેદનો પણ!) એ વાત સાચી કે દેવ આનંદ, રાજકુમાર અને ધર્મેન્દ્રની જે રોલ માટે વિચારણા પ્રકાશજીએ કરી હતી તે રોલ તેમણે સલીમ-જાવેદના સૂચનથી ત્યારે નિષ્ફળ જઈ રહેલા (અને નિષ્ફળ એટલે કેવો? લગભગ બાર કે તેર નિષ્ફળ ફિલ્મ આપી હતી અને ‘ઝંઝીર’ બની ત્યારે તેની ઓ.પી.રાલ્હનની ‘બંધે હાથ’ રિલીઝ થઈ અને નિષ્ફળ ગઈ ત્યારે વિતરકો ‘ઝંઝીર’માંથી હાથ પાછા ખેંચવા તૈયાર થઈ ગયા હતા!
‘ઝંઝીર’ એ રીતે જુઓ તો, પ્રકાશ મહેરા-અમિતાભ એ બંનેનો મરણિયો પ્રયાસ હતો. જે સમયે રાજેશ ખન્ના, શમ્મી કપૂર, રાજેન્દ્ર કુમાર વગેરેની રોમેન્ટિક ફિલ્મો આવતી હોય તે સમયે એક્શનના હાઇ ડોઝવાળી ‘ઝંઝીર’ આપવી એ બહુ મોટો જુગાર હતો. રોમાન્સના નામે મીંડુ! કોમેડી તો નહીંવત્ ! સંગીત સારું હતું પણ તોય સુપરડુપર હિટ કહેવાય તેવું આખું આલબમ (એટલે કે બધાં જ ગીતો) તેવું નહીં. (અને એ સમય યાદ રાખવો જોઈએ! રામગોપાલ વર્માની રોમાન્સ-સંગીત વગરની હાર્ડ હિટિંગ ફિલ્મો આજે પણ પીટાઈ જાય છે તો એ વખતે તો આવી મલ્ટિપ્લેક્સ ફિલ્મોનો જમાનો જ નહોતો.) તેમાંય પાછું અત્યાર સુધી વિલન તરીકે (કુ)ખ્યાત થઈ ગયેલા પ્રાણને ચરિત્ર અભિનેતામાં અને અજિતને વિલનની ભૂમિકામાં લેવાનો જુગાર પણ હતો. ફિલ્મ ચાલી-ખૂબ ચાલી અને અમિતાભ-પ્રકાશ મહેરાની જોડી પણ. (અને સાથે ઉમેરીએ કે ફિલ્મ પછી અમિતાભ-જયાની જોડી વાસ્તવિક જીવનમાં પણ બની ગઈ.)
એ એક્શન ફિલ્મ પછી અમિતાભ-વિનોદ ખન્નાની જોડીને લઈને કોમેડી ફિલ્મ ‘હેરા ફેરી’ બનાવી. તે પછી રોમેન્ટિક ફિલ્મ ‘મુકદ્દર કા સિકંદર’. તે પછી ફરી કોમેડી-મસાલા ફિલ્મ ‘નમક હલાલ’. ફરી રોમેન્ટિક ફિલ્મ ‘શરાબી’. તે પછી સાવ નવો પ્રયોગ. સાધુના નામે પાખંડીઓના આશ્રમમાં ચાલતી લીલાઓને ખુલ્લી પાડતી ફિલ્મ ‘જાદુગર’ બનાવી. પણ સરિયામ નિષ્ફળ ગઈ. અમિતાભની હદ બહારની ઓવરએક્ટિંગ. પ્રકાશ મહેરાની ફિલ્મોમાં જોવા મળે તેવું સંગીત નહોતું. ‘પડોશન અપની મુર્ગી કો રખના સંભાલ’ જેવું અત્યંત દ્વિઅર્થી ગીત. અને પ્રકાશ મહેરા રૂપી દીવાનો રચનાત્મક-સર્જનાત્મક પ્રકાશ જાણે કે ઓલવાઈ ગયો.
‘જાદૂગર’ને સમાંતર અમિતાભની જાદૂગરની જ ભૂમિકાવાળી અને તેમના બીજા ગોડફાધર મનમોહન દેસાઈની ‘તૂફાન’ આવી હતી અને બંને ફિલ્મો ન ચાલી. અમિતાભના બંને ગોડફાધર ખતમ થઈ ગયા હતા. એ વખતે એવું કહેવાતું હતું કે અમિતાભે (તેમની છબી જોતા માની શકાય તેવું નથી, પણ….પડદા પાછળની વાત ક્યારેક સાચીય હોઈ શકે) ‘જાદૂગર’ની વાર્તા મનમોહન દેસાઈ આગળ લીક કરી હતી. એવું હોય તો અમિતાભે પોતાના પગ પર જ કુહાડો માર્યો. એ ફિલ્મ પછી પ્રકાશ મહેરાના સંબંધોમાં ખટાશ આવી ગઈ.
ત્રણેક વર્ષ પહેલાં મુંબઈના ટેબ્લોઇડ ‘મિડ ડે’ અખબારને પ્રકાશ મહેરાએ, ‘અમિતાભ બચ્ચને મને છેતર્યો છે’ તેવા સનસનાટીસભર આક્ષેપવાળો ઇન્ટરવ્યૂ આપ્યો હતો. તેમાં આ ‘જાદૂગર’ અને ‘તૂફાન’માં અમિતાભે એકસરખી ભૂમિકા કરી હતી તેની જ ફરિયાદ હતી. પોતે જેમને સુપરસ્ટાર બનાવ્યો છે, જેની સાથે અત્યંત ગાઢ સંબંધ છે, જેના નામ પાછળ પોતે પોતાના દીકરાનું નામ રાખ્યું છે (પ્રકાશ મહેરાના ત્રણ દીકરા-સુમિત-અમિત અને પુનિત.) તે અમિતાભ આવું કરે? (યાદ રહે, નૈતિક મૂલ્યો કે એથિક્સ પાળનારા તો પ્રાણ હતા. અમિતાભની પહેલી સુપરહિટ ફિલ્મ ‘ઝંઝીર’માં પઠાણની ભૂમિકામાં કામ કરતા પ્રાણને મનોજકુમારે પોતાની ‘શોર’માં પઠાણની ભૂમિકા ઓફર કરી ત્યારે એમ કહીને તે નકારી કાઢી કે એકસરખી ભૂમિકા હું બે સમાંતર ફિલ્મોમાં કેવી રીતે કરી શકું? અને તે પછી મનોજકુમારે પ્રાણનો સદંતર બહિષ્કાર કર્યો હતો!)
‘શરાબી’ પછી અમિતાભ પ્રકાશ મહેરા સાથે પછી તો સંપર્ક નહોતા રાખતા તેવું પ્રકાશે કબૂલ્યું પણ તેઓ સમજતા હતા કે આ ફિલ્મોદ્યોગ નર્યો સ્વાર્થનો છે. ‘અમિતાભ ખૂબ વ્યસ્ત હતા એટલે તેમની પાસે મારા માટે સમય ક્યાંથી હોય?’ તેમ કહેતા પ્રકાશજી પ્રેક્ટિકલી અમિતાભની વાત પણ સમજતા હતા. એટલે જ તરત તેમણે એમ ઉમેરી દીધું કે તેમની જગ્યાએ પોતે હોત તો પોતે પણ તેમ જ કર્યું હોત.
પરંતુ અમિતાભ અને પ્રકાશ મહેરા વચ્ચે સાવ સંપર્ક સેતુ જ તૂટી ગયો હતો તેવું નહોતું. અમિતાભનો ‘કૌન બનેગા કરોડપતિ’ શો ચાલતો હતો ત્યારે અમિતાભને સ્ક્રિપ્ટ સાંભળવા બોલાવ્યા તો સામે અમિતાભ દોડતા દોડતા શૂટિંગ અધૂરું મૂકીને-મેક અપ સાથે ગયા હતા તેવું પ્રકાશજીએ આ ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું હતું. જોકે અમિતાભે વાર્તા ગમી છે, પણ અત્યારે નહીં કરી શકું તેમ કહીને નમ્રતાથી ના પાડી દીધી હતી. તે પછી પ્રકાશ મહેરાને અમિતાભ-જયા અને સાથે અભિષેકને લઈને ‘ઝંઝીર’ની સિક્વેલ બનાવવી હતી પણ અમિતાભનો પરિવાર તૈયાર જ ન થયો.
સાહિત્યકાર પિતાના પુત્ર અમિતાભ-સારા લેખક કાદરખાન અને પોતે –સંગીતકાર કલ્યાણજી-આણંદજી-ગીતકાર અન્જાન અને સાથે પોતે પણ-સહાયક દિગ્દર્શક (પ્રકાશ મહેરાની ફિલ્મોમાં પ્યારેલાલ તથા ભૈરવ બનતા) રામ પી. શેઠી અને ચરિત્ર અભિનેતા ઓમપ્રકાશ એમ મળીને જે ટીમ બની હતી તે ટીમે અદ્ભુત ફિલ્મો આપી. અગાઉ જે વાત કરી છે કે અમિતાભ અને પ્રકાશ મહેરા એકબીજાના પૂરક હતા, તેને અનુમોદન આપતી દલીલ કરીએ તો, ‘ઝંઝીર’માં અમિતાભે એવું સૂચન કર્યું હતું કે વિજયનો ગુસ્સો તેની આંખોથી બતાવવો. તેને ચૂપ બતાવવો. તે સૂચન પ્રકાશજીએ માન્ય રાખ્યું હતું. અને ‘મુકદ્દર કા સિકંદર’ કે ‘શરાબી’માં જે અભિનયનું ઉંડાણ અમિતાભે બતાવ્યું છે તે બીજું કોણ બતાવી શક્યું હોત?
‘મુકદ્દર કા સિકંદર’ એ પ્રકાશ મહેરાના અર્થઘટનવાળી ‘દેવદાસ’ હતી. પણ એ વખતે તેમણે કંઈ ‘દેવ ડી’ બનાવનારા અનુરાગ કશ્યપની જેમ ઢોલ નહોતા પીટ્યા કે જુઓ! આ મારી દેવદાસ છે કે નહોતો કંઈ અશ્લીલતાનો ઓવરડોઝ કર્યો. તેમાં ફિલસૂફી પણ હતી અને રોમાન્સ પણ. ત્યાગ પણ હતો અને લડાઈ પણ. કોમેડી પણ હતી.
યસ. કોમેડી. ‘મુકદ્દર કા સિકંદર’ હોય કે ‘હેરા ફેરી’, પ્રકાશ મહેરાની ફિલ્મોનાં કોમેડી દૃશ્યો અદ્ભૂત હતા. ‘મુકદ્દર કા સિકંદર’માં અમિતાભ અને રામ પી. શેઠી (પ્યારેલાલ)નું દૃશ્ય યાદ છે? દારૂ પીને રાખીના ઘરની સામે પોતાના જ ઘરની બહાર અમિતાભ પ્યારેલાલને કહે, ‘અમ્મા પ્યારેલાલ, આપ ઈધર જાઈએ હમ ઉધર જાતે હૈં’. ‘હેરા ફેરી’માં આ જ રામ પી. શેઠી એક દારૂડિયો હોય છે. અમિતાભ કે વિનોદ ખન્ના બંનેમાંથી એક (ચોક્કસ યાદ નથી) જુગાર રમે છે અને બંનેમાંથી એક, બીજાનો બાતમીદાર હોય છે અને તે, આ દારૂડિયા-રામ પી. શેઠી જ્યારે જ્યારે કેબિનમાંથી બહાર નીકળે ત્યારે ત્યારે તેને ભટકાય અને ધક્કાથી પેલો દારૂડિયો કેબિનમાં પાછો ચાલ્યો જાય. અને પેલું દૃશ્ય? ભલે, કિશોરકુમારની ‘હાફટિકિટ’માંથી ઉઠાવેલું, પણ ‘નમક હલાલ’નું ‘અરે, યે મખ્ખી કી ઇતની ઝુર્રત કિ અમીરચંદ કે શિર પે બૈઠ ગઈ’ (હોટલ વેચવાનું દૃશ્ય ) કે પછી ‘ભૈરવ બિકમ્સ બૈરો…ઇંગ્લિશ ઇજ અ વેરી ફન્ની લેંગ્વેજ’ (નમક હલાલ) કે પછી નવીનત્તમ પ્રકારનું લડાઈનું, ‘શરાબી’નું-જ્યારે જયાપ્રદાનું સરનામું પૂછવા અમિતાભ જાય છે ત્યારે ગુંડો સુધીર અને તેના ત્રણ સાથીદારો અમિતાભનું પાકિટ-ચેન વગેરે લૂંટી લે છે, દૃશ્ય ‘એક વો થે ઔર એક આપ હૈ’.
પ્રકાશ મહેરા વિશે લખવું હોય તો ઘણું લખી શકાય (માત્ર નિર્માત તરીકે તેમની કારકિર્દી હોય કે ગીતકાર તરીકે કે પછી તેમના-ક્યારેય શરૂ નહીં થયેલા હોલિવૂડ પ્રોજેક્ટ વિશે કે અનિલ કપૂર-માધુરીની ‘ઝિંદગી એક જુઆ’ કે પછી સાવ વાહિયાત ‘દલાલ’ વિશે કે પછી ઝી ટીવી પર જ રજૂ થયેલી-જાવેદ જાફરીવાળી ‘મિ. શ્રીમતી’) પરંતુ એમની ‘શરાબી’ના સંવાદ સાથે તેમની શ્રદ્ધાંજલિને એમ કહીને અટકાવીએ કે,
‘એક વો (દિગ્દર્શક) થે ઔર એક આપ હૈ.’ હા, હૈ. એટલા માટે કે તેઓ સદાય આપણા હૃદયમાં વસતા રહેવાના છે, તેમની અદ્ભુત ફિલ્મો થકી.
05.18.09
ઔર ઇસ દિલ મેં ક્યા રખા હૈ, તેરા હી નામ છૂપા રખા હૈ
દિગ્ગજ નિર્માતા-નિર્દેશક-ગીતકાર-લેખક અને અમિતાભ બચ્ચનને સુપરસ્ટાર બનાવનાર પ્રકાશ મહેરાનું રવિવારે નિધન થયું. તેમને વિગતવાર શ્રદ્ધાંજલિ હવે પછીની પોસ્ટમાં. ત્યાં સુધી તેમનાં આ એક-એકથી ચડિયાતા ગીતો સાંભળીને-ગણગણીને-યાદ કરીને તેમને અંજલી અર્પીએ.
(૧) બેખુદી મેં સનમ ઉઠ ગયે જો કદમ – હસીના માન જાયેગી (૨) ચલે થે સાથ મિલકર ચલેંગે સાથ મિલકર- હસીના માન જાયેગી (૩) ઓ દિલબર જાનીયે તેરે હૈં હમ તેરે –હસીના માન જાયેગી (૪) ગોરી કે હાથ મેં ચાંદી કા છલ્લા – મેલા (૫) ઋત હૈ મિલન કી સાથી મેરે આ રે- મેલા (૬) કાંટા લગા – સમાધિ (૭) જબ તક રહે તન મેં જિયા – સમાધિ (૮) વાદા કર લે સાજના – હાથ કી સફાઈ (૯) હમ કો મોહબ્બત હો ગઈ હૈ તુમ સે- હાથ કી સફાઈ (૧૦) પીનેવાલોં કો પીને કા બહાના ચાહિયે – હાથ કી સફાઈ (૧૧) તૂ ક્યા જાને વફા ઓ બેવફા – હાથ કી સફાઈ (૧૨) યારી હૈ ઇમાન મેરા યાર મેરી ઝિંદગી – જંઝીર (૧૩) ચાકૂ છૂરીયા તેઝ કરાલો – જંઝીર (૧૪) દીવાને હૈ દીવાનોં કો ના ઘર ચાહિયે – જંઝીર (૧૫) બના કે ક્યૂં બિગાડા રે બિગાડા રે નસીબા ઉપરવાલે – જંઝીર (૧૬) ના તેરી હૈ ના મેરી હૈ યે વક્ત કી હેરા ફેરી હૈ – હેરા ફેરી (૧૭) સલામ-એ-ઇશ્ક મેરી જાન ઝરા કુબૂલ કર લો- મુકદ્દર કા સિકંદર (૧૮) રોતે હુએ આતે હૈ સબ – મુકદ્દર કા સિકંદર (૧૯) દિલ તો હૈ દિલ દિલ કા એતબાર ક્યા કિજૈ – મુકદ્દર કા સિકંદર (૨૦) ઓ સાથી રે તેરે બિના ભી ક્યા જીના- મુકદ્દર કા સિકંદર (૨૧) પ્યાર ઝિંદગી હૈ પ્યાર બંદગી હૈ – મુકદ્દર કા સિકંદર (૨૨) વફા જો ન કી તો જફા ભી ના કી જૈ – મુકદ્દર કા સિકંદર (૨૩) કભી તુમને કિસી કો ફાસા કભી હમને કિસી કો ફાસા યે પ્યાર કી સૌદેબાજી તમાશા હૈ તમાશા – જ્વાલામુખી (૨૪) અપની તો જૈસે તેસે – લાવારિસ (૨૫) કબ કે બિછડે હુએ હમ આજ કહાં આ કે મિલે – લાવારિસ (૨૬) કાહે પૈસે પે તૂ ઈતના ગુરૂર કરે હૈ – લાવારિસ (૨૭) મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ – લાવારિસ (૨૮) જિસ કા કોઈ નહીં ઉસ કા તો ખુદા હૈ યારો – લાવારિસ (૨૮) પગ ઘૂંઘરુ બાંધ મીરા નાચી થી- નમક હલાલ (૨૯) આજ રપટ જાયેં તો હમેં ના ઉઠય્યો- નમક હલાલ (૩૦) રાત બાકી બાત બાકી – નમક હલાલ (૩૧) જવાની જાનેમન હસીન દિલરુબા – નમક હલાલ (૩૨) થોડી સી જો પી લી હૈ ચોરી તો નહીં કી હૈ – નમક હલાલ (૩૩) જહાં ચાર યાર મિલ જાયેં વો હી રાત હો ગુલઝાર – શરાબી (૩૪) મુઝે નો લખા મંગા દે રે તેમજ લોગ કહેતે હૈ મૈં શરાબી હૂં – શરાબી (૩૫) દે દે પ્યાર દે પ્યાર દે પ્યાર દે રે હમેં પ્યાર દે – શરાબી (૩૬) મંઝિલેં અપની જગહ હૈ –શરાબી (૩૭) ઇમ્તિહાં હો ગઈ ઇંતઝાર કી – શરાબી (૩૮) ઔર ઇસ દિલ મેં ક્યા રખ્ખા હૈ – ઈમાનદાર (૩૯) યે ઝિંદગી હૈ એક જુઆ – ઝિંદગી હૈ એક જુઆ (૪૦) દિલ તો દિલ હૈ – ઝિંદગી એક જુઆ (૪૧) કભી કુછ ખોયા કભી કુછ પાયા- ઝિંદગી એક જુઆ (૪૨) મૈંને ભી તો ચોરી ચોરી તેરે સંગ અંખિયાં મિલાઇ રેં – દલાલ (૪૩) ઠહરે હુએ પાની મેં – દલાલ (૪૪) અટરિયા પે લોટન કબૂતર રે (શબ્દો કરતાં તેની ધૂન બદલ આ ગીત પસંદ કર્યું છે)- દલાલ
05.17.09
બીમાર બોલિવૂડ!
ના! આ કંઈ બોલિવૂડની ખરાબ ફિલ્મોના અર્થમાં પ્રયોજાયેલું શીર્ષક નથી. પણ બોલિવૂડમાં અચાનક આવેલી માંદગી છે. (મંદી કોણ બોલ્યું?)

arsad sami khan : father of adnan sami
વિશ્વાસ ન આવતો હોય તો જુઓ, આ રહ્યો પુરાવો. અદનાન સામીના પિતા બીમાર છે. ભૂતપૂર્વ પાકિસ્તાની ડિપ્લોમેટ અર્શદ સામી ખાનને સ્વાદુપિંડના કેન્સર માટે મુંબઈની કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમની ખબર પૂછવા અમિતાભ બચ્ચન-શાહરુખ ખાન, રાજેશ ખન્ના, સાયરાબાનુ સહિત બોલિવૂડના માંધાતાઓ ઉમટી પડ્યા હતા.
આ જ હૉસ્પિટલમાં જાણીતા નિર્માતા-નિર્દેશક પ્રકાશ મહેરાનું નિધન થયું. તો રાજેશ ખન્નાની સાળી સિમ્પલ કાપડિયા (જેણે રાજેશ ખન્ના સાથે ‘અનુરોધ’ ફિલ્મમાં હિરોઈન તરીકે કામ કર્યું) પણ ખૂબ જ બીમાર છે અને તેને પણ આ જ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. નિર્માતા-નિર્દેશક કરણ જોહરની માતા હીરુ જોહરને પણ ન્યૂરો સર્જરી આ હૉસ્પિટલમાં કરવામાં આવી.
બાય ધ વે, કરણ જોહરની માતા હીરુ જોહરને કેમ ન્યુરો સર્જરી કરાવવી પડી હશે? જે ‘મા કા લાડલા બિગડ ગયા’ (ફિલ્મ ‘દોસ્તાના’) હોય તેની માતાને ન્યુરો સર્જરી જ કરાવવી પડે ને! LOL
-
અંગ્રેજીમાં લખો અને ગુજરાતીમાં વાંચો!
અખિલભાઈનો મારી પર એક મેઇલ આવ્યો. તે મેઇલમાં આવેલી લિન્ક જોઈને અને તેનો અનુભવ કરીને મનમાં હરખ સમાતો નથી. હવે ગુજરાતીમાં લખવું ખૂબ ખૂબ એટલે ખૂબ જ સરળ થઈ ગયું છે. ઇન્ડિકાનું આઈએમઇ કે બીજી કોઈ ભાંજગડમાં પડવાની જરૂર નથી. કીબોર્ડ બદલવાની એટલે કે એક્સપીમાં જે ઇનબિલ્ટ આઈએમઈ છે તેને બદલવા shift + alt કરવું પડે છે, તો બરાહા (baraha)માં F11 કરવું પડે છે તેવું કંઈ કરવાની જરૂર નહીં. શરત એટલી કે ઇન્ટરનેટ કનેક્શન ચાલુ હોવું જોઈએ.
તમારે આટલું જ કરવાની જરૂર છે:
(૧) નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો અને પછી તેને ફેવરિટ કે બૂકમાર્કમાં ઉમેરી દો.
http://www.google.com/transliterate/indic/Gujarati
(૨) ત્યાં ચોકઠામાં તમે અંગ્રેજીમાં લખતા હો તેવી રીતે લખો. માનો કે તમારે ‘રામ’ લખવું છે તો Ram કે ram લખો અને પછી સ્પેસ આપશો એટલે આપમેળે ‘રામ’ થઈ જશે. અને હા, માનો કે તમે ખોટો સ્પેલિંગ લખી નાખ્યો છે અને તમે બેકસ્પેસ કરીને તેને ભૂંસવા જાવ છો તો ગૂગલની આ સેવા તમને આ શબ્દોના બીજા વિકલ્પો બતાવશે.તેમાંથી કોઈ એક પસંદ કરશો તો તમારો શબ્દ આવી જશે.
છે ને મજેદાર!
યુ.પી.એ. કેમ જીત્યો? એન.ડી.એ. કેમ હાર્યો?
ચૂંટણીનાં પરિણામો આવી ગયા છે. ભલે કૉંગ્રેસના નેતૃત્વવાળા યુ.પી.એ.ને સ્પષ્ટ બહુમતી ન મળી હોય પરંતુ સ્પષ્ટ બહુમતીમાં માત્ર ૧૨ કે ૧૩ સદસ્યો જ ખૂટે છે જે તેને આરામથી મળી શકે તેમ છે. મોંઘવારી, મંદી, ત્રાસવાદ જેવા મુદ્દા હોવા છતાં ભાજપના નેતૃત્વવાળા મોરચા- એન.ડી.એ.નો પરાજય થયો અને યુ.પી.એ.નો ઝળહળતો વિજય. કારણ શું?
(૧) કૉંગ્રેસને પંજાબ, રાજસ્થાન, દિલ્હી, કેરળમાં ઝળહળતી સફળતા મળી છે. પ. બંગાળમાં વર્ષો પછી તેણે સારો દેખાવ કર્યો છે અને આવું જ ઉત્તરપ્રદેશ વિશે કહી શકાય.
(૨) પંજાબમાં શિરોમણિ અકાલી દળ (એસ.એ.ડી.) અને ભાજપની સંયુક્ત સરકારનું કામ બોલ્યું નહીં. રાજસ્થાનમાં વસુંધરા રાજે સિંધિયાનું કામ લોકોને પસંદ ન પડ્યું. તેની અસર વિધાનસભા ચૂંટણીમાં પડી અને કૉંગ્રેસની સરકાર આવી. આ અસર લોકસભામાં પણ ચાલુ રહી છે. દિલ્હીમાં શીલા દીક્ષિતના સુશાસનના કારણે લોકોએ તેમને વિધાનસભામાં ફરી તો ચૂંટ્યાજ પરંતુ સાથે તેમના દીકરા સંદીપ દીક્ષિત સહિત સાતે સાત બેઠક કૉંગ્રેસના ખિસ્સામાં નાખી દીધી. કેરળમાં ડાબેરીઓનું કુશાસન કૉંગ્રેસના ફાયદામાં રહ્યું. પ.બંગાળમાં મમતા બેનર્જીની તૃણમૂળ કૉંગ્રેસ (જે પહેલાં કૉંગ્રેસનો જ ભાગ હતી) અને કૉંગ્રેસનો સાથ રંગ લાવ્યો. ડાબેરીઓના બે દાયકા ઉપરાંતના શાસનથી લોકો હવે તંગ આવી ગયા છે તે દીવા જેવું સ્પષ્ટ છે.

મનમોહનસિંહ : પ્રમાણિક અને સુશાસક નેતાની છબી વિજય અપાવી ગઈ
(૩) આ ચૂંટણીમાં કૉંગ્રેસ પ્રેરિત મોરચાના વિજયનો શ્રેય મનમોહનસિંહની પ્રમાણિક, ઓછા બોલા (ઘણા સારા રાજકારણીઓએ આ વખતે બોલીને બગાડ્યું.) અને સારા શાસકની છબીને તો મળવો જ જોઈએ (તેમનું નામ ભાવિ વડા પ્રધાન તરીકે પહેલેથી ઘોષિત ન કરાયું હોત તો યુ.પી.એ. ને આટલી બેઠકો મળી તે મળી હોત કે કેમ તે એક સવાલ છે.) આ ઉપરાંત રાહુલ ગાંધીના સંગઠનને બેઠા કરવાના પ્રયત્નોને પણ મળવો જોઈએ. રાહુલ ગાંધીએ કૉંગ્રેસના ધીમેધીમે મરવા પડી રહેલા સંગઠનમાં નવો પ્રાણ પૂર્યો. ચમચા પ્રકારના કાર્યકરો અને ‘ગૂડ ફોર નથિંગ’ જેવા કાર્યકરો અને નેતાઓને હટાવ્યા. (વીરપ્પા મોઈલીને મિડિયા ઇનચાર્જ પદેથી ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાનના એકાદ બે દિવસ પહેલાં જ હટાવાયા તે તેનો તાજેતરનો દાખલો છે.) પક્ષમાં સર્વે કરાવ્યો. પક્ષના કાર્યકરોનું સામાન્ય જ્ઞાન ચકાસ્યું; જેમ કે, કેટલા લોકો પક્ષનું બંધારણ જાણે છે? ગુજરાતમાં જેમ યુવા કૉંગ્રેસની ચૂંટણી કરાવી અને તેમાં અશિસ્ત થઈ તો તેના પગલાં ભર્યા તેમ બધે કર્યું. ખાસ કરીને

રાહુલ ગાંધી : સંગઠનને બેઠું કરવાની મહેનત લેખે લાગી
ઉત્તર પ્રદેશમાં વર્ષો પછી જે પ્રકારની સફળતા કૉંગ્રેસને મળી છે તેનો શ્રેય પણ રાહુલબાબાને જ જાય છે. તેમણે દલિતોના ઘરમાં રહેવાનું જે કર્યું, ખેતર ખેડ્યું (સ્ટંટ કહો તો સ્ટંટ) અને આ બધું ચૂંટણીના ઘણા સમય પહેલાં તેમણે શરૂ કરી દીધું હતું. ઉત્તરપ્રદેશમાં કોઈના પણ સાથ વગર ચૂંટણી લડવાનું નક્કી કર્યું.
(૪) મોંઘવારી, મંદી કે ત્રાસવાદનો મુદ્દો ન હતો તેવું નથી, પરંતુ મોંઘવારી તો દરેક શાસનમાં વધી જ છે (સિવાય કે મોરારજી દેસાઈની સરકારના શાસનમાં). મંદીની પ્રમાણમાં ઓછી અસર ભારતમાં દેખાય છે. ત્રાસવાદના મુદ્દો જબરદસ્ત હતો. અફઝલ ગુરુને ફાંસી અપાઈ નથી તે પણ વાત હતી. પરંતુ ભાજપને કૉંગ્રેસે કંદહાર પ્રકરણે બરાબર સાણસામાં લીધો. ભાજપના નેતાઓ તેમાં ગોથા ખાઈ ગયા. જશવંતસિંહ અને અડવાણીના વિરોધાભાસી નિવેદનોએ ગેરસમજ પેદા કરી. ઉપરાંત જ્યાં ત્રાસવાદી હુમલા થયા હતા તેવા દક્ષિણ મુંબઈમાં ઓછું મતદાન થયું. લોકો એવું સમજ્યા કે કૉંગ્રેસ હોય કે ભાજપ ત્રાસવાદને કોઈ નાબૂદ કરી શકે તેમ નથી.
ભાજપનાં પરાજયનાં કારણો :
(૧) ભાજપે તેના સંગઠનને મજબૂત બનાવવું પડશે. ભાજપમાં નેતાઓ વધુ છે પણ કાર્યકરો ઘટતા જાય છે. બધાને નેતા થવું છે.

લાલકૃષ્ણ આડવાણી : સત્તા કરતાં ધ્યેયલક્ષી કામ કરવું પડશે
(૨) શીર્ષસ્થ નેતાઓ વચ્ચે વધુ સંકલનની જરૂર છે. અરુણ જેટલી અને રાજનાથસિંહ વચ્ચે મતભેદ, જશવંતસિંહ અને અડવાણી વચ્ચે મતભેદ, શેખાવત અને આડવાણી વચ્ચે મતભેદ આ ચૂંટણીમાં શિસ્તબદ્ધ પક્ષની છબીને નુકસાન કરી ગઈ.
(૩) પક્ષના પાયાના કાર્યકરોની અવગણના ટાળવી જોઈએ. ગુજરાતમાં જેમ કિરણ પટેલ, ભાવસિંહ રાઠોડ વગેરેને રાતોરાત ટિકિટ આપી દેવાઈ તેમ શેખાવત જેવા દિગ્ગજ નેતા પણ, જેમને પક્ષે ઉપરાષ્ટ્રપતિ બનાવ્યા અને એટલે તેઓ પક્ષના સભ્યપદેથી દૂર થયા તેઓ ઉપરાષ્ટ્રપતિપદેથી નિવૃત થાય ત્યારે તેમને ફરી પક્ષમાં સક્રિય કરવા જોઈએ તેના બદલે શેખાવતે એમ કહેવું પડે કે હું તો પક્ષમાં જ નથી, તે કરુણ સ્થિતિ છે.
(૪) હિન્દુત્વના મુદ્દાને મરજી થાય ત્યારે ઉપાડવો અને મરજી થાય ત્યારે તરછોડી દેવો. પક્ષે નક્કી કરવું પડશે કે આ મુદ્દે જ આગળ વધવું છે કે કેમ. જો હા તો તે જ મુદ્દે વળગી રહો. એન.ડી.એ. ની સરકાર હતી ત્યારે પક્ષે રામમંદિર મુદ્દે કંઈ ન કર્યું. ઉપરાંત જેમના ટેકાથી સરકાર બને છે તેવાં સાથી સંગઠનો વિહિપ, રા.સ્વ. સંઘ, ભારતીય કિસાન સંઘ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને ખતમ કરવાથી કે તેમની અવગણના કરવાથી પણ પરિણામો પર અસર પાડી શકે છે.
(૫) દેશમાં એક પેઢી એવી છે જેણે પોતાના ઘરમાં અને સમાજમાં ધાર્મિક ચુસ્તતા (તેને તમે કટ્ટરતા કહો તોય વાંધો નથી) જોયેલી છે; જેમ કે, ૪૦-૫૦ વર્ષો પહેલાં નહાયા વગર રસોડામાં પણ જવાતું નહોતું. પૂજા વગર અન્નનો એક દાણોય મોઢામાં નાખી શકાતો નહોતો. આ પેઢીના એક વર્ગને એવો ડર છે કે જેમ તાલિબાનોએ હુકમો છોડ્યા છે કે દાઢી રાખવી,ટોપી રાખવી, સ્ત્રીઓએ બુરખો પહેરવો, સ્ત્રીશિક્ષણ બંધ, ટીવી અને ફિલ્મમનોરંજન બંધ, તેમ ભાજપ સત્તામાં આવશે તો તેવું જ થશે.
અત્યારે એક મોટો વર્ગ અમેરિકી સંસ્કૃતિ અથવા તો ભોગવાદી સંસ્કૃતિમાં માનતો થયો છે. પબ, દારૂ, મોજમજા, ટૂંકાં કપડાં, ફ્રી સેક્સ, સ્વતંત્રતાની અભિવ્યક્તિના નામે સ્વચ્છંતા વગેરે તેને ગમે છે. કર્ણાટકમાં ભાજપની સરકારના શાસનમાં પબ પર હુમલા થાય છે તે તેને પસંદ નથી પડતું. આ પ્રકારની વિચારસરણીમાં માનતા યુવા કે પછી તેનાથી સિનિયર પેઢીનો વર્ગ એટલે ભાજપને મત આપતો નથી.
આનું ઉદાહરણ આપી શકાય તેમ છે. ભારતમાં હવે ગે અને લેસ્બિયન, ટ્રાન્સ જેન્ડરો (સ્ત્રીમાંથી પુરુષ અથવા તેથી ઉલટું થયેલા) તથા ટ્રાન્સ સેક્સ્યુઅલોની વિકૃતિ ધરાવનારાઓની સંખ્યા વધતી જાય છે. મુંબઈમાં આવા ગે અને લેસ્બિયનોએ કૉંગ્રેસને મત આપવાનું નક્કી કર્યું હતું. કેમ? તેમનું કહેવું હતું કે આમ તો કૉંગ્રેસ પણ અમારા માટે કંઈ કરતી નથી પરંતુ તેને મત એટલા માટે કે તે ઉદાર અને સહિષ્ણુ છે. (એટલે કે અમારી વિકૃત પ્રવૃત્તિઓને સમર્થન ભલે ન કરે, પણ અટકાવતી તો નથી.) ( http://www.mid-day.com/poll2009/2009/apr/280409gay-lesbian-transgender-Congress-election-general-election-UNAIDS.htm) એટલે આ પ્રકારના લોકો પણ કૉંગ્રેસને જ મત આપે છે.
(૬) આ દેશમાં મુસ્લિમોની સંખ્યા ઘણી વધી રહી છે, ખાસ કરીને બાંગ્લાદેશથી અને પાકિસ્તાનથી ઘૂસણખોરોની સંખ્યા વધી રહી છે. કૉંગ્રેસ તથા અન્ય ’સેક્યુલર’ પક્ષો તેમને રેશન કાર્ડ આપી તેમને પોતાના ‘મતદાર’ બનાવી દે છે.
(૭) ભાજપે કર્ણાટકમાં ભલે સરકાર બનાવી હોય પણ દક્ષિણ અને પૂર્વમાં તેને હજુ ઘણો પગપેસારો કરવાનો છે.
(૮) જ્યાં સત્તા મેળવે છે ત્યાં સુશાસન આપીને સત્તા ટકાવતા શીખવું પડશે. ૧૯૯૨-૯૩માં ભાજપ ચાર રાજ્યોમાં શાસન કરતો હતો. પરંતુ જ્યાં પણ સત્તામાં આવે છે ત્યાં સત્તા ટકાવતા શીખવું પડશે. મદમાં છલકાઈ જવાનું બંધ કરવું પડશે. કાર્યકરો અને લોકોનાં કામો કરવા પડે. ગુજરાત એકમાત્ર અપવાદ છે જ્યાં દસ-પંદર વર્ષથી ભાજપ સત્તામાં છે.
(૯) અંગ્રેજી-હિન્દી અને પ્રાદેશિક અખબારો-ચેનલો (સંયુક્ત રીતે કહીએ તો મિડિયા)માં બેઠેલા ઘણા તંત્રીઓ-પત્રકારો ‘સેક્યુલર’ છે. તેઓ હંમેશાં ભાજપ વિરુદ્ધ ચિત્ર સર્જતા રહે છે. ઉપરાંત ભાજપના નેતાઓ-કાર્યકરો પણ મિડિયાને હંમેશાં અવગણતા રહ્યા છે. પ્રમોદ મહાજન અને અરુણ જેટલીની જેમ ભાજપના અન્ય નેતાઓ અને કાર્યકરોએ મિડિયા ફ્રેન્ડલી બનવું પડશે અને મિડિયામેનોને પોતાના મિત્રો બનાવવા પડશે.
05.16.09
તમે આજે કોઈ પુણ્યકાર્ય કર્યું?
મારાં શ્રીમતીએ મને એક સુંદર વાત કરી. તેઓ સુરેન્દ્રનગરની આર.પી.પી. હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે રોજ એક સારું-પુણ્યનું કાર્ય કરીને જવું પડતું. શાળાએ જાવ એટલે હોમ વર્કની જેમ જ શિક્ષક પૂછે ‘તમે આજે શું પુણ્યકાર્ય કર્યું?’ આના પરિણામે વિદ્યાથીર્ઓમાં સારું કામ કરવાની ભાવના વિકસતી.
હું ભણતો ત્યારે સમાજ ઉપયોગી ઉત્પાદક કાર્ય (અમે તેને સ.ઉ.ઉ.કા.) તરીકે ઓળખતા. તેમાં પણ ઘરમાં અને સમાજ માટે સારાં કાર્યો કરવાની શીખ મળતી.
આજે આવું કંઈ ભણાવાય છે તે ખબર નથી. ન ભણાવાતું હોય તો ભણાવવું જોઈએ. ગણિત વિજ્ઞાન વગેરે સારું આવડે તે જેટલું જરૂરી છે તેટલું જ જરૂરી સમાજનું હિત વિચારવું સમાજ ઉપયોગી કાર્યો કરવા.
આપણે ત્યાં ઘર તો સ્વચ્છ રખાય છે પણ બહાર સાર્વજનિક સ્થળો-બગીચા સ્ટેશન રસ્તા વગેરે પર ભારે ગંદકી કરાય છે. મંદિર તો દેવોનું-ઈશ્વરનું સ્થાન છે ત્યાં પણ નરી ગંદકી-માખીઓ બણબણતી જોવા મળે છે.
આજના વિદ્યાથીર્ઓમાં વિનય, ચારિત્ર્ય અને ટ્રાફિક સેન્સના પાઠ ભણાવવાની પણ સવિશેષ જરૂર હોય તેમ લાગે છે.
ત્રાસવાદને ખતમ કરવાની ‘શ્રીલંકા સ્ટાઈલ’
ચૂંટણીઓની ધમાધમમાં ઘણા બધા સમાચારો ચૂકાઈ રહ્યા છે. (આમેય આપણા ગુજરાતી અકબારોમાં દેશ-વિદેશના સમાચારો એટલે અમેરિકા અને પાકિસ્તાનના સમાચારો વત્તા સેક્સ સર્વે કે પ્લેબોયના સમાચારો.) આમાંના મહત્ત્વના એક સમાચાર એટલે શ્રીલંકામાં તમિલ વ્યાઘ્રો એટલે કે એલ.ટી.ટી.ઈ.નો શ્રીલંકી સૈન્ય દ્વારા થઈ રહેલો સફાયો.
શ્રીલંકામાં વસતા તમિલોને ત્યાંના સિંહાલીઓ સામે અને સિંહાલીઓના વર્ચસ્વવાળી સરકાર પ્રત્યે ‘૭૦ના દાયકાથી ફરિયાદો રહી છે. આનો ઉકેલ શાંતિપૂર્ણ માર્ગે આવે તે માટે ત્યાં વિવિધ તમિલ સંસ્થા રચાઈ. પ્રંતુ વી. પ્રભાકરનને આ રીતે ઉકેલ આવતો ન જણાતા તેણે હિંસક માર્ગ પકડયો અને ત્રાસવાદી સંસ્થા એલ.ટી.ટી.ઈ.ની સ્થાપના કરી. આ સસ્થાએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ પ્રેમદાસા અને ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી સહિત અનેક રાજકીય નેતાઓની હત્યા કરી છે અને હિંસક રીતે વિરોધ કર્યે રાખ્યો છે.
જોે વિકિપિડિયા વેબસાઈટ પર આપેલી માહિતીને આધારભૂત માનીએ તો શ્રીલંકા એક સમયે ભારતનો જ ભાગ હતો. તેમાં જે બહુમતી સિંહાલીઓ વસે છે તે મૂળ ઓરિસ્સાના વતનીઓ છે. બ્રિટિશરો અહીંથી તમિલોને મજૂરીકામ માટે ત્યાં લઈ ગયા હતા.
આપણા દેશમાં તમિલ નેતાઓ કરુણાનિધિ અને જયલલિતા તમિલોની મતબેંક માટે એલ.ટી.ટી.ઈ.નું સમર્થન કરે છે અને શ્રીલંકાની પરિસ્થિતિમાં દખલ દેવા કેન્દ્ર સરકારને અપીલ કરે છે પણ તે વાત વાહિયાત છે. તમિલો પ્રત્યે અન્યાય થયો હશે અને થતો હશે તેની ના નથી પરંતુ એલ.ટી.ટી.ઈ. જે કરે છે તે ખોટું છે. તેને સમર્થન હોય જ નહીં. વળી શ્રીલંકામાં તમિલો સ્વાયત્ત પ્રદેશ માગે છે તે પણ ખોટું છે. આ તો કાશ્મીર જેવી જ વાત થઈ.
જેમ યુગાન્ડામાં ઈદી અમીનના અત્યાચારો થયા હતા ત્યારે ઘણા ભારતીયો દેશ છોડી ચાલ્યા ગયા હતા તેમ ન ફાવતું હોય તો દેશ છોડી દો ને. પણ ત્યાં અલગ પ્રદેશ માગવો કોઈ પણ રીતે વાજબી નથી.
અત્યારે શ્રીલંકી સેનાએ એલ.ટી.ટી.ઈ.ને ખતમ કરવાનું જે અભિયાન છેડયું છે તે એકદમ વાજબી અને ભારત માટે ઉદાહરણરૂપ છે. શ્રીલંકા પર અમેરિકા અને સંયુક્ત્ રાષ્ટ્રો સહિત વિશ્વ સમુદાયનું દબાણ છે અને તેને આ સમુદાય તરફથી મળતી આર્થિક સહાયમાં પણ અસર પડે તેમ છે. ઘરઆંગણે થતું નુકસાન તો છે જ. તેમ છતાં તેણે પોતાનું અભિયાન અટકાવ્યું નથી.
ભારતે પણ ત્રાસવાદ અટકાવવો હોય તો શ્રીલંકામાંથી ધડો લેવો જોઈએ.
05.10.09
અમિતસિંહની બોલિંગ એક્શન : અમ્પાયરોનો નો બોલ

અમિતસિંહ : ‘તટસ્થતા’ની માનસિકતાનો ભોગ?
આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ વતી રમી રહેલા ગુજરાતના ફાસ્ટ બોલર અમિતસિંહ (સિંઘ ખોટું લખાય છે, એ અંગ્રેજીનો અનુવાદ કરાય છે એટલે. બાકી, સિંહ જ હોય. ગુજરાતીમાં તો ઘણા ‘સિંગ’ લખે છે! બુદ્ધિના સિંગ (શિંગડા) થોડા ઉગે?)ની બોલિંગ એક્શન અમ્પાયરોને શંકાસ્પદ જણાઈ છે. અમ્પાયર ડેરીલ હાર્પર અને કે. હરિહરને આ અંગે અહેવાલ આપ્યો છે. દડો હવે ટૅક્નિકલ સમિતિના મેદાનમાં છે એટલે તેણે નિર્ણય લેવાનો છે. પરંતુ આ જે થઈ રહ્યું છે તે બહુ અન્યાયકારક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ‘તટસ્થ’ દેખાવાના ઈરાદે થઈ રહ્યું હોવાનું પ્રાથમિક રીતે લાગે છે.
આ અગાઉ રાજસ્થાન રોયલ્સના જ કામરાન ખાન બાબતે પણ આવું જ થયું હતું. ભારતીય ટીમના

મોહનીશ પરમાર (ડાબે) અને મુરલીધરન (જમણે) : બોર્ડના સમર્થનના બે દાખલા
પ્રવેશ દ્વાર ખટખટાવી રહેલ ગુજરાતી બોલર મોહનીશ પરમારને પણ બોલિંગ એક્શનના મુદ્દે જ બાકાત રખાયો છે.
આના મૂળમાં ક્યાંક ભારતીય જનમાનસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ‘તટસ્થ’ દેખાવાની લાલસા કામ કરી રહી હોય તેવું લાગે છે. આ અગાઉ ખૂબ આશાસ્પદ ઓફ સ્પિનર રાજેશ ચૌહાણની બોલિંગ એક્શન વિશે આઈસીસીએ શંકા જાહેર કરી અને તેની કારકિર્દી ઉગતી જ આથમી ગઈ. હરભજનસિંહ વિશે પણ આવું થયું, પરંતુ તે નસીબદાર (અને સરવાળે ભારત પણ) કે તેનું પુનરાગમન શક્ય બન્યું.
ઑસ્ટ્રેલિયા વગેરે બળુકી ટીમો હંમેશા માનસિક સ્તરે જ ‘રમત’ રમતી હોય છે. એટલે તેઓ ભારત કે અન્ય ટીમોના જે સારા બોલર હોય તેની બોલિંગ એક્શન પ્રત્યે શંકા વ્યક્ત કરે અને જો પાસો સવળો પડ્યો તો ફાયદામાં! અને નહીંતર વાંધો નહીં. શ્રીલંકાના ખેલાડી મલિંગા, મુરલીધરનની બોલિંગ એક્શન પ્રત્યે પણ શંકા ઉઠતી રહી છે. મલિંગાની એક્શન તો રીતસર ‘થ્રો’ જ લાગે છે. તેમ છતાં શ્રીંલકા બોર્ડ મક્કમ હોવાથી તેમને ઉની આંચ આવતી નથી.
વર્ષોથી ક્રિકેટ જોતા એક બાબત એ પણ ધ્યાનમાં આવી છે કે અગાઉ પાકિસ્તાનના શકુર રાણા, શ્રીલંકાના અમ્પાયરો વગેરે હંમેશાં પોતાની ટીમની તરફદારી કરતા. ઑસ્ટ્રેલિયા વિશે તો એવું કહેવાતું કે તે અગિયાર ખેલાડીઓથી નહીં, (અગિયાર વત્તા બે અમ્પાયરો) તેર ખેલાડીઓથી રમે છે. જ્યારે સામે પક્ષે ઘણી વાર એવું ધ્યાનમાં આવ્યું છે કે ભારતના અમ્પાયરો વેંકટ રાઘવન વગેરે ભારતમાં મેચ રમાતી હોય ત્યારે ઘણી વાર ખોટી રીતે ભારતના ખેલાડીઓને આઉટ આપી દેતા. એનું કારણ વિરોધી ટીમની અત્યંત દબાણભરી અપીલ (ઑસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમો તેમની જોરદાર અપીલ માટે જાણીતી છે)ના દબાણમાં આવી જવું અને બીજું, આંતરરાષ્ટ્રીય સ્તરે, ‘જુઓ, અમે કેટલા તટસ્થ છીએ’ તેવું દેખાડવું હોઈ શકે.
અમિતસિંહની બોલિંગ એક્શન વિશે તો એવું કહેવાય છે કે હરિહરન તેની બોલિંગ એક્શન પાંચ વર્ષથી જોતા આવ્યા છે. આટલાં વર્ષોમાં ક્યારેય બોલિંગ એક્શન શંકાસ્પદ ન લાગી અને હવે એકાએક કેમ લાગી?
જવાબ ફરી ફરીને એક જ આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ‘તટસ્થ’ લાગવાનું. મુદ્દો અલગ છે, પણ ‘સેક્યુલારિઝમ’ બાબતે પણ આવું જ જોવા મળે છે. ભારતમાં ક્યાંક નાનો બનાવ બને (જે કોઈ આવી જ ઘટનાના જવાબમાં હોય) અને અમેરિકા ઇત્યાદિ દેશોનો સહેજ પણ વિરોધી સૂર પ્રગટ થાય એટલે આપણે ત્યાંના બૌદ્ધિકો, એનજીઓ વગેરે બોલવા માંડે.

મલ્લિકા સારાભાઈ ગુજરાત વિશે જૂઠાણાં ફેલાવે છે, ભાઈ!
આ વખતની ચૂંટણીમાં લાલકૃષ્ણ આડવાણી સામે ઊભા રહેલાં નૃત્યાંગના મલ્લિકા સારાભાઈએ મુંબઈના અંગ્રેજી અખબાર ‘મિડ ડે’ને આપેલા ઇન્ટરવ્યૂ (http://www.mid-day.com/poll2009/2009/apr/170409-Mumbai-News-LS-Polls-Mallika-Sarabhai-electoral-campaign-Gandhinagar-Gujarat-L-K-Advani.htm)માં ‘૨૦૦૨ પછી ગુજરાતની સ્થિતિ કેવી બદલાઈ છે?’ તેવા સવાલના જવાબમાં કહ્યું હતું કે ગુજરાતમાં ભયના કારણે મુસ્લિમો આંખમાં આંખ મેળવીને વાત નથી કરી શકતા. ટ્રાફિકને લગતો ઝઘડો રમખાણોમાં ફેરવાઈ શકે છે. ગુસ્સો અને ચિંતાનું સ્તર એટલું બધું ઊંચું છે કે ગુસ્સો સેકન્ડોમાં ફાટી નીકળી શકે છે. ટોળું કાયદો પોતાના હાથમાં લઈને ડ્રાઇવરને પતાવી દઈ શકે છે અને લોકોને લાઇનમાં રાખવા માગતા પોલીસ પર લોકો હુમલો કરી શકે છે.
ટૂંકમાં, ગુજરાતમાં પરિસ્થિતિ બહુ ખરાબ છે. અહીં મુસ્લિમો બહુ ડરેલા છે. એ સિવાયના લોકો બેકાબૂ બન્યા છે, ઝઘડો કરવા આતુર જ હોય છે, કાયદા અને વ્યવસ્થાની કોઈ પરિસ્થિતિ જ નથી તેવું મલ્લિકાનું કહેવું છે.
એટલે અમિતસિંહનો પ્રશ્ન હોય કે ગુજરાતમાં બદલાયેલી પરિસ્થિતિ, હરિહરન અને મલ્લિકા સારાભાઈને ‘તટસ્થ’ દેખાવું છે અને આ કહેવાતી ‘તટસ્થતા’ પોતાના લોકો – સ્વદેશવાસીઓ કે સ્વરાજ્યવાસીઓને નુકસાનકારક હોય તો પણ વાંધો નહીં.
05.06.09
મોદીએ જેલમાં જવાની તૈયારી રાખવી જ પડશે!
નરેન્દ્ર મોદીએ કહ્યું કે જેલમાં જતા હું ગભરાતો નથી અને તે પછી ભાજપની મતદાન માટે જાહેરખબર છપાઈ કે ગુજરાતના રખેવાળ જેલમાં? અને સોનિયા ગાંધીના પિયરના ક્વાટ્રોચીને મુક્તિ?
મોદીએ આવું કહ્યું એટલે ટીકા થઈ રહી છે કે પહેલાં તેઓ એમ કહે છે કે તેઓ જેલમાં જતા ગભરાતા નથી અને પછી જેલમાં જવાના સંજોગો (સર્વોચ્ચ ન્યાયાલય ‘સીટ’ને ગુજરાતના રમખાણોમાં મોદીની ભૂમિકની તપાસ કરવા આદેશઆપ્યો તે) નિર્માણ થાય છે ત્યારે રડવા બેસે છે.
પરંતુ ’હું જેલમાં જતા ડરતો નથી’ અને ભાજપની જાહેરખબર વચ્ચેનો ભેદ ’સેક્યુલર’ લોકો સમજતા નથી અથવા સમજવા નથી માગતા. બંને વચ્ચે ભેદ એ છે કે મોદી જેલમાં જતા ડરતા નહીં જ હોય તેમ માનીએ અને બીજી જે જાહેરખબર છે તે કંઈ ‘મને જેલમાં પૂરે છે, મને બચાવો બા’ એના જેવી નથી. એ જાહેરખબર એ અન્યાય બાબતે ધ્યાન દોરે છે કે ગુજરાતના મુખ્યમંત્રીને જેલમાં પૂરવાની હિલચાલ થઈ રહી છે તો બીજી બાજુ બરાબર ચૂંટણી પહેલાં જ, નવી લોકસભા રચાય તે પહેલાં જ બોફોર્સ કાંડમાં આરોપી ગણાતા ક્વાટ્રોચીને છોડી મૂકવાની હિલચાલ થઈ છે. લાગે છે કે કોંગ્રેસને પોતાને જ ફરી સત્તામાં આવવા ભરોસો નથી.
હવે સર્વોચ્ચે ‘સીટ’ને મોદીની ભૂમિકાની તપાસ કરવા કહ્યું તે અગાઉ થોડા જ દિવસો પહેલા વર્તમાન કેન્દ્ર સરકારમાં મંત્રી અને વકીલ કપિલ સિબ્બલે નરેન્દ્ર મોદીને જેલમાં જવાની તૈયારી રાખવાનું કહ્યું તે શું સૂચવે છે? એવું કે સર્વોચ્ચમાં પણ કોંગ્રેસ ધાર્યું કરાવી શકે છે? કોંગ્રેસના, દિગ્ગિરાજા તરીકે ઓળખાતા, દિગ્વિજયસિંહે તો ખુલ્લેઆમ માયાવતીને ધમકી આપી કે કોંગ્રેસના કાર્યકર્તાઓને હેરાન કર્યા છે તો ખબરદાર! અમારી પાસે સીબીઆઈ છે.
શીખવિરોધી રમખાણોમાં સંડોવાયેલા જગદીશ ટાઇટલરને સીબીઆઇ ક્લિનચીટ આપી દે છે. અને જ્યારે ગૃહમંત્રીને સીબીઆઈ કોના હાથ હેઠળ આવે તેમ ‘જૂતાફેંક’ પત્રકાર જર્નેલસિંહ પૂછે છે ત્યારે ગૃહ મંત્રી ચિદમ્બરમ કહે છે કે એ તો વડા પ્રધાનના હાથ હેઠળ આવે. એ સાચું હોય તો જુઓ! વડા પ્રધાન શીખ છે!
લાલુપ્રસાદ વરુણ ગાંધી પર રોલર ચલાવવાની વાત કરે છે અને ભડકાઉ ભાષણ બદલ વરુણ પર રા.સુ.કા. ઠોકી દેવાય છે પણ લાલુને ઉની આંચેય નથી આવતી!
આવા નેતાઓ સામે કેવી જબાન ચલાવવી જોઈએ અને કેવી રાજનીતિ કરવી જોઈએ એ મોદી બરાબર જાણે છે.
મોદીએ જેલમાં જવાની તૈયારી રાખવી પડશે. જે દેશમાં પ્રવીણ તોગડિયાને જેલમાં પૂરી શકાતા હોય, કાંચીના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીને જેલમાં પૂરી શકાતા હોય, પણ સામે, ‘હા, હું પાકિસ્તાની એજન્ટ છું, થાય તે કરી લો’ (અહીં ‘થાય તે કરી લો’નો બોલચાલની ભાષામાં અર્થ સમજી લેવો) તેમ બોલતા ઇમામ બુખારી સામે કોઈ પગલાં નહીં! મોદી, તમે જેલમાં જવા તૈયાર રહો. તમારા જેવા ‘સાડા પાંચ કરોડ ગુજરાતી’ની વાત કરતા (નહીં કે મનમોહનસિંહની જેમ આ દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે તેમ કહેતા) -વિકાસની વાત કરતા રાજનેતાની જગ્યા જેલમાં જ છે! અને એ આ દેશનું કમનસીબ છે!
05.02.09
हम करें राष्ट्र आराधन
મોટા ભાગે ટીવીના ઘણા પ્રોગ્રામો-શો જોયા છે, પરંતુ 12મા ધોરણમાં હતો ત્યારે ટ્યૂશનના કારણે મારે હિન્દી સિરિયલ ‘ચાણક્ય’ જોવાનું રહી ગયું છે. આ ધારાવાહિકનું ગીત મને મળી આવ્યું છે. દેશને માતા તરીકે જોવાનું તો આ ભારત દેશમાં જ બને. ગીતના શબ્દો શુદ્ધ હિન્દીના છે એટલે ઘણાને સમજવા અઘરા જરૂર પડશે, પરંતુ હિન્દી ફિલ્મોનાં ભારેખમ ઉર્દૂવાળા સંવાદો અને ગીતો જો આપણે માણી શકતા હોઈએ તો આ ગીતના શબ્દો પણ સમજવા પ્રયત્ન જરૂર કરી શકીએ.
हम करें राष्ट्र आराधन
हम करें राष्ट्र आराधन.. आराधन
तन से, मन से, धन से
तन मन धन जीवन से
हम करें राष्ट्र आराधन
हम करें राष्ट्र आराधन.. आराधन
अंतर से, मुख से, कृति से
निश्चल हो निर्मल मति से
श्रद्धा से मस्तक नत से
हम करें राष्ट्र अभिवादन
हम करें राष्ट्र अभिवादन
हम करें राष्ट्र आराधन
हम करें राष्ट्र आराधन.. आराधन
अपने हँसते शैशव से
अपने खिलते यौवन से
प्रौढ़ता पूर्ण जीवन से
हम करें राष्ट्र का अर्चन
हम करें राष्ट्र का अर्चन
हम करें राष्ट्र आराधन
हम करें राष्ट्र आराधन.. आराधन
अपने अतीत को पढ़कर
अपना इतिहास उलट कर
अपना भवितव्य समझ कर
हम करें राष्ट्र का चिंतन
हम करें राष्ट्र का चिंतन
हम करें राष्ट्र आराधन
हम करें राष्ट्र आराधन.. आराधन
है याद हमें युग युग की
जलती अनेक घटनायें,
जो माँ की सेवा पथ पर
आई बन कर विपदायें,
हमने अभिषेक किया था
जननी का अरि षोणित से,
हमने श्रिंगार किया था
माता का अरि-मुंडों से,
हमने ही उसे दिया था
सांस्कृतिक उच्च सिंहासन,
माँ जिस पर बैठी सुख से
करती थी जग का शासन,
अब काल चक्र की गति से
वह टूट गया सिंहासन,
अपना तन मन धन देकर
हम करें राष्ट्र आराधन
हम करें राष्ट्र आराधन.. आराधन
तन से, मन से, धन से
तन मन धन जीवन से
हम करें राष्ट्र आराधन
हम करें राष्ट्र आराधन.. आराधन
આ ગીતનો વિડિયો જોવા નીચે ‘પ્લે’નું બટન દબાવો :
(જો વિડિયો ન દેખાય તો પેજ રિફ્રેશ કરો અથવા તો નવી વિન્ડોમાં વેબએડ્રેસ http://www.youtube.com/watch?v=XRThD56doKw કોપી પેસ્ટ કરો. )
05.01.09
મુંબઈમાં પાંખું મતદાન : સંભવિત કારણો અને તારણો
રોજબરોજની માથે ઠોકાતી જાહેરખબરો, આમિર ખાનનું મત આપોની ઝુંબેશ, કરણ જોહર દ્વારા કરીના કપૂર, શાહિદ કપૂરને લઈને મતદારોને મત આપવા બનાવાયેલી ફિલ્મ, અખબારો અને ટીવી ચૅનલો દ્વારા લોકહિતાર્થે ચલાવાતાં વિજ્ઞાપનો છતાં મુંબઈમાં અંદાજે 42 ટકા જેટલું જ મતદાન થયું.
આટલું ઓછું મતદાન થયું તેનાથી આશ્ચર્ય એટલા માટે થાય કે મુંબઈમાં 26 નવેમ્બર 2008ના રોજ ત્રાસવાદી હુમલા થયા પછી લોકોની બોલકી જાગૃતિ જોવા મળી હતી. ઇન્ડિયા ગેટ પર લોકો ભેગા થયા હતા. લોકોનો આક્રોશ જોવા જેવો હતો. અને માત્ર સામાન્ય લોકો જ નહીં, મુંબઈના પ્રસિદ્ધ લોકો પણ તેમાં હાજર હતા.
એટલે ધારણા એવી હતી કે આ વખતે મુંબઈમાં મતદાન જંગી પ્રમાણમાં થશે. પરંતુ એવું થયું નહીં. (એમ તો ઇન્ડિયા ગેટ પર પણ દર બુધવારે મળવાનું ફિલ્મનિર્દેશક અને રેડિફ ડૉટ કોમના ભૂતપૂર્વ કર્મચારી સુપર્ણ વર્માના નેતૃત્વમાં નક્કી કરાયું હતું. (http://www.rediff.com/news/2008/dec/03mumterror-wednesdays-will-be-days-of-national-shame.htm ) અને એક બુધવારે ઇન્ડિયા ગેટ પર લોકો જંગી પ્રમાણમાં ઉમટી પણ પડ્યા. પરંતુ પછી ધબાય નમ : થઈ ગયું.)
આ મતદાન ઓછું થયું તેના સંભવિત કારણો નીચે મુજબ હોઈ શકે :
(1) ગરમી.
(2) નેતાઓ પ્રત્યે આક્રોશ. કોઈ લાયક – સક્ષમ નેતા છે જ નહીં તેવી લાગણી.
(3) દર વખતની જેમ ઉપેક્ષા. રજા માણી લેવાનો મૂડ.
આના પરથી તારણો શું કાઢી શકાય?
(1) સેલિબ્રિટીની લાઇફસ્ટાઇલની તો લોકો પર અસર થાય છે, પરંતુ તેમની અપીલની અસર થતી નથી.
(2) લાલકૃષ્ણ અડવાણી કહે છે તેમ ઉનાળામાં ચૂંટણી યોજાવી ન જોઈએ. (પ્રતિનિધિની ચૂંટણી જ નહીં, જીવનસાથીની ચૂંટણી એટલે કે લગ્ન પણ ન રાખવા જોઈએ.)
(3) હજુ પણ સુખી-સંપન્ન વર્ગ, મધ્યમ વર્ગ ચૂંટણી પ્રક્રિયા બાબતે નિરુત્સાહ છે.
(4) દર ચૂંટણીએ ચૂંટાતા પ્રતિનિધિ નકામા છે અને કોઈ સક્ષમ વિકલ્પ નથી તેવો બળવત્તર થતો જતો અભિપ્રાય.

