કૉંગ્રેસના કરકસરનાં પગલાં : દેર સે આયે દુરસ્ત આયે
19/09/2009
ભલે એ મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, હરિયાણાની આવતા મહિને યોજાનાર વિધાનસભાની ચૂંટણીના ઉપલક્ષે હોય, પણ કૉંગ્રેસે જાહેર કરેલા કરકસરનાં પગલાં વખાણને પાત્ર તો છે જ. કોઈ તેને દંભ કહે તો દંભ. સ્ટંટ કહે તો સ્ટંટ. જે કહો તે પણ, દેશની વર્તમાન પરિસ્થિતિમાં તે અનિવાર્ય હતાં. હા, એમ કહી શકાય કે તે મોડા જરૂર જાહેર થયાં છે, કેમ કે મંદી તો ક્યારની છે. હા, દુષ્કાળને લીધે પરિસ્થિતિ વધુ વકરી છે.
પરંતુ સત્તાની મલાઈ ખાતા ઘણા મંત્રીઓને અને સાંસદોને પોતાના જલસા ઓછા કરવા નથી. પોતાની સગવડો ઓછી કરવી નથી. એટલે જાહેરમાં તો વિરોધ નથી થઈ શકતો, છાને ખૂણે ગણગણાટ કરવા લાગ્યા છે. જોકે નવાઈની વાત તો એ છે કે કૉંગ્રેસના આ પગલાને, એક સમયે સાદગીને વરેલા પરંતુ અત્યારે ફાઇવસ્ટાર કલ્ચરથી સંપૂર્ણ ગ્રસિત ભાજપે કોઈ સમર્થન નથી આપ્યું. આપ્યું હોત તો તેની પણ પ્રશંસા થઈ હોત. જનતા દળ (યૂ)ના નેતા શરદ યાદવે તો વળી આશ્ચર્ય વ્યક્ત કર્યું કે એકાએક આ પગલાં શા માટે? શરદજી, આ પગલાં એકાએક શા માટે તેનું કારણ તમને સમજાવવું પડે તેમ છે? શું મંદી અને દુષ્કાળની પરિસ્થિતિ તમને દેખાતી નથી?
અંગ્રેજી અખબારોમાં પણ કૉંગ્રેસના આ પગલાંની ટીકા અને હાંસી ઉડાવાઈ રહી છે જે તદ્દન અયોગ્ય અને બિનજરૂરી છે.
હકીકતે, દરેક ક્ષેત્રમાં ગંગા ઉપરથી નીચે તરફ વહેતી હોય છે. શ્રેષ્ઠીઓ અને કહેવાતો ભદ્ર વર્ગ જેવું કરે તેનું અનુકરણ નીચેનો વર્ગ કરતો હોય છે. એટલે કૉર્પોરેટથી માંડીને પેઢીઓમાં પણ સ્ટાફ ઓછો કરવા કરતાં સીઈઓ કે એક્ઝિક્યુટિવ્સનો પગાર, નહીં નહીં તોય માત્ર બે ટકા ઓછો કરે તોય ઘણો ફેર પડે. વીજળી-પાણી-પેટ્રોલનો ઉપયોગ ઘટાડી, હોટલ-રૅસ્ટોરન્ટમાં જમવાનું ઓછું કરી- બને તો ટાળી, જમવામાં બગાડ ઓછો કરીને ખાસથી લઈને આમ માનવી ઘણા માણસોને આત્મહત્યા કરતા અને પરિણામે ઘણા કુટુંબનો આધાર છિનવતા અટકાવી શકે.
બાકી, કૉંગ્રેસના આ પગલાં (કે પછી સ્ટંટ) દૂરગામી અસર લાવનારાં તો છે જ. (રાહુલ ગાંધીનો વડા પ્રધાન બનવાનો માર્ગ કંડારનાર પણ હોઈ શકે.)
Entry Filed under: politics. Tags: કોંગ્રેસ, જનતા દળ (યૂ), ભાજપ, રાહુલ ગાંધી, વડા પ્રધાન, શરદ યાદવ, bjp, congress, Janta Dal (U), Prime Minister, rahul gandhi, Sharad Yadav.
1 Comment Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed

1.
પ્રવિણ કે.શ્રીમાળી | 28/09/2009 at 8:13 am
રાહુલગાંધી તો ઓફકોર્ષ યુવા પેઢી માટે નો આદર્શ છે જ. અને તે પ્રેકટીકલી તેના આચરણ માં સાદગી અને કરકસર ઊતારે પણ છે ( કદાચ બની શકે કે તમે કહ્યુ તેમ વડાપ્રધાન બનવા માટે સ્ટંટ કરતો હોય!)
પરંતુ તમને તાજેતરનો દાખલો યાદ છે ને કે ઓફીશીયલ કામે ગયેલાં એક કોંગ્રેસના નેતાજી ફેમિલીને પણ સરકારિ ખર્ચે વિમાનમાં લઈ ગયા અને હૉટલમાં રહ્યાં પણ!
કોંગ્રેંસે કરકસર કરવાનાં પગલાં ભરવાની વાત ભલે કરી હોય પણ તેનો અમલ કેટલાં પ્રધાનો કરે છે કે કરશે તે જોવાનું રહ્યું! એવું પણ બને કે સાદગી બતાવવા જે રીતે દરેક નેતા ખાદી પહેરે છે( નેતાગીરી ની ઓળખાણ બની ગયેલાં આ ખાદીના ઝભ્ભાં, હકીકતમાં એવા નેતા છે કે જે ખાલી દેખાવ કરવાં જ પહેરે છે) બાકી અંદરખાને આ લોકો આપણાં કરતાં પણ વધુ પહેરવા ઓઢવાના શોખીન હોય છે અને તેમાં ખોટું પણ નથી, પરંતુ ખોટું તે છે કે દેખાડવાના અને ચાવવાના દાંત અલગ અલગ રાખે! અરે ભાઈ જેવા છે તેવા જ રહીને પ્રજા સામે ઉપસ્થિત થાવને, ઓબામાની જેમ સૂટ-બૂટ પહેરીને ! આપણે કયાં ના પાડીએ છીએ..
જયવંતભાઈ હું એવા ભૂતપૂર્વ ધારાસભ્યોને જાણું છું કે જેઓ પાંચ વર્ષ સુધી ધારાસભ્ય રહ્યાં ત્યારે…અને હાલમાં પણ તેમના સામાન્ય નળીયાં વાળા ઘરમાં(ઝૂંપડાંમાં) રહે છે!! સમીની સીટ પરથી જીતેલાં અને તે જ તાલુકાના મુજપુર ગામ ના રહેવાશી અને ત્રિકમ સાહેબની જગાના ગાદીપતિ ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી શંકરદાસ બાપુ હાલમાં પણ સંત ની જેમ સાદગીથી જીવન વિતાવે છે..આ લોકો રાજકીય કારકિર્દી બનાવી શકયા નહીં, કેમકે તે તેમને ફાવ્યું નહીં અથવા તેઓ અને તેમનું જીવન સામાન્ય કે સાદગી ભર્યું હતું તેથી ફાવવાં દીધાં નહીં!! આ બાબતે “આરપાર” ના ૨૦૦૪ ના જૂનાં અંક વાંચવા પડે.