Archive for October, 2009
‘સોનુ સ્વીટી’ = ‘સોહની મહિવાલ’!
Add comment 29/10/2009
ભાવનગરની નવાજૂની
દિવાળી દરમિયાન ભાવનગર જવાનું થયું. ભાવનગરમાં ૧૩ વર્ષ રહ્યો છું. એટલે આજે પણ લાગણી રહે. અમદાવાદમાં કમાણી છે. અમદાવાદ સાથે પણ લાગણી, કાઠિયાવાડીમાં કહીએ તો, બંધાણી છે. છતાં ભાવનગર, પોરબંદર અને રાણાવાવ પ્રત્યે અદમ્ય ખેંચાણ રહે જ. ભાવનગરમાં ઘણી નવાજૂની છે.
- મિડિયામાં છું એટલે મિડિયાની વાત. ભાવનગરમાં ઘણા છાપાં છે. સવારનાય અને સાંજનાય. અગાઉ મનુભાઈ વ્યાસ અને પછી ભૂતપૂર્વ ધારાસભ્ય સુનીલ ઓઝા અને શામળદાસ આર્ટ્સ કૉલેજના પ્રોફેસર નલીન ભટ્ટના ‘પગદંડી’એ ભૂતપૂર્વ નાણા રાજ્ય મંત્રી પ્રતાપ શાહના ‘સૌરાષ્ટ્ર સમાચાર’ને ઘણી હરીફાઈ પૂરી પાડી હતી. ઘણા વર્ષ પછી તે અલંગના વ્યવસાયી કોમલ શર્મા અને મહેન્દ્ર ગોહિલ પાસે ગયું. હવે તેના મેનેજિંગ તંત્રી બન્યા છે સુકેતુ શાહ, જે અમદાવાદના છે. ‘પગદંડી’ની કદાચ અમદાવાદ એડિશન પણ થશે.
- ભાવનગરમાં કોમલ શર્મા સાથે સાંજનું છાપું ‘સૌરાષ્ટ્ર આસપાસ’ શરૂ કર્યા પછી તેમાંથી છુટા પડીને હિતેશ રવિયાએ ‘સિટી વોચ ગુજરાત’ નામે ભાવનગર શહેર અને જિલ્લા પૂરતી બતાવાતી ૨૪ કલાકની સમાચાર ચેનલ ચાલુ કરી છે અને સાથે ઇ પેપર પણ. તેની વેબસાઇટ છે http://www.citywatchgujarat.com/ તેના મુખ્ય તંત્રી છે કિરણ ગોહિલ, જે અગાઉ ‘સૌરાષ્ટ્ર સમાચાર’, ‘ગુજરાત સમાચાર’, ‘શો ટાઇમ’ અને ‘સૌરાષ્ટ્ર આસપાસ’ સાથે સંકળાયેલા હતા.
-ભાવનગરની આગવી શિક્ષણ સંસ્થા, જેની સાથે શિક્ષણમાં ક્રાંતિ લાવનાર (મૂછાળી મા તરીકે જાણીતા) ગિજુભાઈ બધેકાનું નામ જોડાયેલું છે તેવી દક્ષિણામૂર્તિ શાળાને બંધ કરવાની પેરવી હતી જેના કારણે ભાવનગર સાથે લાગણીથી જોડાયેલા મારા સહિત અનેક લોકોને ચિંતા થઈ હશે, તે હવે બંધ થવાની નથી. (હાશ!)
-નવાપરામાં કબ્રસ્તાનનું દબાણ હટાવીને રોડ પહોળો કરાયો છે. અમદાવાદ જેવા આ પહોળા રોડને જોઈને એટલો આનંદ થાય કે વાત ન પૂછો. એટલું જ નહીં, ઘણા રોડ સારા બનાવાયા છે. બાકી, ભાવનગરમાં હતો અને પત્રકાર નહોતો બન્યો ત્યારથી રોડ વિશે ચર્ચાપત્રો લખી લખીને થાકી ગયો હતો. તે પછી ૨૦૦૩ સુધી ભાવનગર રહ્યો ત્યાર પછી પણ રોડ સુધર્યા નહોતા.
- વચ્ચે ભાવનગરમાં હસમુખ પટેલ એસપી તરીકે, હરિકૃષ્ણ પટેલ ડી.એસ.પી. તરીકે અને સુખદેવસિંહ ઝાલા પી.આઈ. તરીકે રહ્યા હતા ત્યારે ટ્રાફિકના નિયમો, રાત્રે ૧૦ વાગ્યે માઇક બંધ (ભાવનગરમાં ડાયરા અને નમાઝના કારણે ઘોંઘાટ થતો જ રહે છે) કરવાનું વગેરેનું સખ્ત પાલન થતું હતું. ગુનામાં પણ ઘટાડો આવ્યો હતો. દબાણો પણ હટાવાતા હતા. પરંતુ તેમની બદલી થતા હવે પરિસ્થિતિ જૈસે થે છે.
- જોકે કલેક્ટર પ્રદીપ શાહનું સારું કામ હોવાની ચર્ચા છે. જવાહરલાલ નહેરુ (ગધેડિયા ફિલ્ડ)થી આગળ એક એમ્યૂઝમેન્ટ પાર્ક બનાવાઈ રહ્યો હોવાની ચર્ચા છે. કાયમ ચૂર્ણવાળા શેઠ બ્રધર્સના સહયોગથી એક ઔષધ વન બની રહ્યું હોવાનું પણ સાંભળવામાં આવ્યું.
- યુવાનોની કારકિર્દી માટે કામ કરતી વિકાસ વર્તુળ સંસ્થાના બિપીન શાહ વીરભદ્ર અખાડા આગળ સાયન્સ સિટી બનાવી રહ્યા છે. તેની વિકાસ ચેનલ પોઝિટિવ જર્નાલિઝમને પ્રોત્સાહન આપતી ચેનલ છે.
- અમદાવાદમાં ઘણાં વર્ષોથી છે તે ‘વી માર્ટ’ ભાવનગરમાં પણ ખુલી ગયો છે. ભાવનગરમાં યુનિવર્સિટી કેમ્પસ આગળ ‘ઇસ્કોન મોલ’ ઘણા વખતથી બને છે, પરંતુ હજુ બને જ છે. બનીને તૈયાર થાય ત્યારે સાચું.
- ભાવનગર મ્યુનિસિપાલિટીની સરસ વેબસાઇટ પણ છે. http://www.bmc.gujarat.gov.in/
- આ ઉપરાંત ચિરાગ વ્યાસની એક સરસ વેબસાઇટ ભાવનગરને સંબંધિત છે, http://bhavnagaronline.org/
- આ સિવાય http://www.bhavnagarsampurna.com/ અને http://www.bhavnagar.com/ પણ ભાવનગર વિશેની સારી માહિતી પૂરી પાડે છે.
3 comments 24/10/2009
મોબાઇલ, ફેસબુક, હાઇ પ, ઓર્કુટ : મેનર્સની માથાકુટ
(To read this post in English click : http://jaywant-pandya.blogspot.com/)
ઓર્કુટ, ફેસબુક, હાઇ ૫, મોબાઇલ…કોઈ શંકા નથી કે આપણે દિવસે ને દિવસે ટૅક્નૉલૉજીની રીતે હાઇ ફાઇ થતા જઈ રહ્યા છીએ, પણ આ બધાના ઉપયોગમાં પ્રશ્ન આવે છે એટિકેટ કે મેનર્સનો.
મોબાઇલ આજે આલિયા-માલિયા-જમાલિયા બધા પાસે આવી ગયા છે, પણ તેને વાપરવાની રીત ક્યાં છે? ફોન કરનાર પૂછશે, ‘તમે કોણ?’ એલા ભાઈ, તેં ફોન કર્યો છે, પહેલાં તારે કહેવું જોઈએ કે તું કોણ. અચ્છા, ઘણી વાર તો ‘તમે કોણ?’ પૂછીને પછી કહેશે, ‘ફલાણા ભાઈને ફોન આપો.’ (‘આપશો’ નહીં) તો પછી તેં પૂછ્યું શું કામ કે ‘તમે કોણ?’ ઘણાને એવી ટેવ હોય છે કે ફોન કરતાં જ પૂછશે, ‘ક્યાં છો?’ અરે ભાઈ, તારો ફોન આવ્યો એટલે નક્કી લાગે છે કે હું નરકમાં છું. કામને અને પેલી વ્યક્તિ જે સ્થળ પર હોય તે બંને વચ્ચે કોઈ સંબંધ ન હોય. અચ્છા, ફોન કરતી વખતે એમ તો પૂછવાનું જ નહીં કે વાત થઈ શકે તેવું છે કે નહીં. એ તો માની જ લેવાનું.
બીજી મજેદાર વાત એ થાય છે મોબાઇલમાં કે તમે અંકિતભાઈને સમય કાઢીને મળવા ગયા છો પણ તે અંકિતભાઈ પર મોબાઇલ આવે છે એટલે તમારા કરતાં દૂરથી વાત કરતી વ્યક્તિ અગત્યની બની જાય છે. પાછું એવું નહીં કે સામે તમે બેઠા છો એટલે વાત ટૂંકાવવાની.
એસએમએસ બહુ સરસ સુવિધા છે. ટૂંકમાં ઘણી બધી વાત કહી દે છે. પત્ર કરતાં બહુ ઝડપથી સંદેશો પહોંચી જાય છે, વેલ એન્ડ ગુડ. પરંતુ તમે મને એસએમએસ કર્યો એટલે મને કેવી રીતે ખબર પડે કે આ રમેશભાઈનો જ એસએમએસ છે? તમે કહેશો કે નંબર સેવ કર્યો હોય ને. પરંતુ ઘણી વાર એવું બને છે કે નંબર સેવ કર્યો હોવા છતાં કોલ આવે ત્યારે કે એસએમએસ આવે ત્યારે નામ બતાવે નહીં. આથી બહેતર એ જ રહે કે એસએમએસ કરતી વખતે નીચે પોતાની ઓળખ થાય તેવી રીતે નામ લખી દેવું. એટલે કે નીચે રમેશ લખો તો ખબર ન પડે. રમેશ શાહ લખો તો પણ ખબર ન પડે, પણ રમેશ શાહ, ત્રિવેણી ઇન્ફોટેક એવું લખો તો સામેવાળાને ખબર પડી જાય.
ઇમેઇલમાં પણ લોકો આડેધડ ફોરવર્ડ કરતા હોય છે. હકીકતે ફોરવર્ડ કરો તો ફોરવર્ડ કરનારની વિગતો કાઢી નાખવી જોઈએ. (કોપી પેસ્ટ કરનારાને આ બહુ ફાવે!) આનું કારણ એ છે કે ઘણી વાર સામે વાળી વ્યક્તિ તમને ફોરવર્ડ કરનારનું ઇમેઇલ એડ્રેસ સરળતાથી મેળવી લે છે. ઘણી વાર તો મેઇલ એટલી બધી વાર ફોરવર્ડ થયો હોય છે કે તેમાં ઢગલાબંધ મેઇલ એડ્રેસ હોય છે. તે કાઢવામાં તસદી જરૂર પડે, પણ તે જરૂરી હોય છે.
ઓર્કુટ અને ફેસબુક જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સમાં ફ્રેન્ડ્સ બનાવવાની બધાને ચળ ઉપડી છે. રમેશ મહેશનો ભાઈબંધ બને અને પછી જુએ કે મહેશનો ભાઈબંધ નીલેશ છે એટલે ફટ દઈને ‘એડ ફ્રેન્ડ’નું બટન દબાવે પરંતુ સાથે મેસેજ ન લખે કે પોતે નીલેશને કેવી રીતે ઓળખે છે. ફેસબુક કે ઓર્કુટમાં મારે જ્યારે આવાં નિમંત્રણો આવે છે ત્યારે હું સામે મેસેજ લખું છું, ‘ભાઈ, ઓળખાણ ન પડી. તમે મને કઈ રીતે ઓળખો છો?’ જો સામે વાળી વ્યક્તિ કહે અને બરાબર લાગે તો જ નિમંત્રણ સ્વીકારવાનું. એક તો હસવું પણ આવે ને ગુસ્સોય આવે તેવો કિસ્સો ફેસબુકમાં બની ગયો.
એક વ્યક્તિએ આવું જ મિત્ર (ખરા અર્થમાં મિત્ર-ફ્રેન્ડ કહેવાય?)નું નિમંત્રણ પાઠવ્યું. તેને સ્વીકારતા પહેલાં સ્વાભાવિક જ મેં ઉપરોક્ત સવાલ પૂછ્યો તો તે વ્યક્તિએ મને સામે પૂછ્યું કે તમે કોણ? મેં કહ્યું, ‘પત્રકાર.’ તો પોતાની ઓળખાણ આપવાના બદલે તેણે મેસેજ મોકલ્યો, ‘વેલકમ!’
2 comments 15/10/2009
લાપતાગંજ : લાપતા મનોરંજનનું સરનામું?
મનોરંજન સાથે સમાજની ચિંતા દર્શાવતી સિરિયલો ગૂમ થઈ હતી, પણ ‘તારક મહેતા કા ઉલટા ચશમા’ અને ‘લાપતાગંજ’ સાથે આવી સિરિયલોનું ચક્ર પાછું ફર્યું હોય તેમ લાગે છે. ‘લાપતાગંજ’માં શું હશે તે જાણવા વાંચો આ પોસ્ટ.
Continue Reading 1 comment 14/10/2009
પતિ પત્ની ઔર વો : ઓહ!
ગઇ કાલે (તા. ૮ ઑક્ટોબર) ‘પતિ પત્ની ઔર વો’નો હપ્તો જોયો. જોઈને જે માબાપોએ પૈસા માટે પોતાનાં પાંચ -છ મહિના વર્ષ દોઢ વર્ષના સંતાનોને આ અવળચંડી સેલિબ્રિટીઓને હસ્તક મૂક્યા છે તેમના પ્રત્યે તિરસ્કાર છૂટ્યો.
દેબીના બેનર્જી (જે નવી ‘રામાયણ’ સિરિયલમાં સીતા બની હતી) તેને ત્યાં ટી પાર્ટી હતી. તેને વાનગીઓ બનાવવાની હતી. એટલે તે તેને સોંપવામાં આવેલ બાળકને કહેતી હતી, ”રો બેટા, રો, મેરે લિયે તૂ રો!”
‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’માં કૃષ્ણા તુલસી બનનાર મૌની રોય તો વળી ન તો છોકરાને સંભાળી શકતી હતી ન તો રસોઈ. તે છોકરાને બહાર લઈને ગઈ અને પાછી આવી ત્યાં સુધી ગેસ ચાલુ જ હતો. આના કારણે ગૌરવ ચોપરા ગુસ્સે ભરાયો હતો, પણ તેણે મૌનીને કંઈ કહ્યું નહીં!
અને ગ્રેટ રાખી સાવંતની તો વાત જ શું કરવી? તેણે તેને સોંપાયેલ બાળકને બાળકીનો પોશાક પહેરાવ્યો. પોશાક તો ઠીક, સ્ત્રીઓ જેવો મેકઅપ પણ કર્યો. એટલે બાળકની માએ ફોન કરી તેને એવો પોશાક ન પહેરવા કહ્યું. એટલે રાખીનું મોંઢું પડી ગયું.
વળી રાખી આ બાળકને એમ કહેતી હતી કે આપણે તારી વાત ચલાવીશું મૌનીને (કે કોઈક બીજાની, યાદ નથી) સોંપાયેલ દીકરી સાથે. આપણે તો ક્રિશ્ચિયન એટલે આપણે તો વેરોનિકા (એ બાળકીનું નામ) ચાલે! હવે એ છોકરો હિન્દુ. તેણે રાખીનો ધર્મ અપનાવવાનો?
આ છોકરાઓને આ સેલિબ્રિટી થકી કેવા સંસ્કાર મળશે તે તેમનાં માબાપોએ કેમ ન વિચાર્યું?
મને તો નવાઈ લાગે છે કે માબાપ પોતાના આટલા નાનાં સંતાનોને કેવી રીતે બીજા કોઈને સોંપી શકે? તે પણ આટલા બધા દિવસો? પૈસા માટે લોકો કેટલા નીચે જશે? શું કાલે સવારે પતિ-પત્નીનો શો ચાલુ થશે તો પોતાની પત્નીઓ કે પતિઓને પણ આ જ રીતે મોકલશે?
ખરેખર, આ શોના નામ ‘પતિ પત્ની ઔર વો’ની જેમ આ સેલિબ્રિટીઓ તેમને સોંપાયેલ સંતાનને ‘વો’ (‘પતિ પત્ની ઔર વો’માં ‘વો’ સામાન્ય રીતે શોક્યના સંદર્ભમાં વપરાય છે)ની જેમ જ સાચવે છે.
1 comment 09/10/2009


