ભાવનગરની નવાજૂની
24/10/2009
દિવાળી દરમિયાન ભાવનગર જવાનું થયું. ભાવનગરમાં ૧૩ વર્ષ રહ્યો છું. એટલે આજે પણ લાગણી રહે. અમદાવાદમાં કમાણી છે. અમદાવાદ સાથે પણ લાગણી, કાઠિયાવાડીમાં કહીએ તો, બંધાણી છે. છતાં ભાવનગર, પોરબંદર અને રાણાવાવ પ્રત્યે અદમ્ય ખેંચાણ રહે જ. ભાવનગરમાં ઘણી નવાજૂની છે.
- મિડિયામાં છું એટલે મિડિયાની વાત. ભાવનગરમાં ઘણા છાપાં છે. સવારનાય અને સાંજનાય. અગાઉ મનુભાઈ વ્યાસ અને પછી ભૂતપૂર્વ ધારાસભ્ય સુનીલ ઓઝા અને શામળદાસ આર્ટ્સ કૉલેજના પ્રોફેસર નલીન ભટ્ટના ‘પગદંડી’એ ભૂતપૂર્વ નાણા રાજ્ય મંત્રી પ્રતાપ શાહના ‘સૌરાષ્ટ્ર સમાચાર’ને ઘણી હરીફાઈ પૂરી પાડી હતી. ઘણા વર્ષ પછી તે અલંગના વ્યવસાયી કોમલ શર્મા અને મહેન્દ્ર ગોહિલ પાસે ગયું. હવે તેના મેનેજિંગ તંત્રી બન્યા છે સુકેતુ શાહ, જે અમદાવાદના છે. ‘પગદંડી’ની કદાચ અમદાવાદ એડિશન પણ થશે.
- ભાવનગરમાં કોમલ શર્મા સાથે સાંજનું છાપું ‘સૌરાષ્ટ્ર આસપાસ’ શરૂ કર્યા પછી તેમાંથી છુટા પડીને હિતેશ રવિયાએ ‘સિટી વોચ ગુજરાત’ નામે ભાવનગર શહેર અને જિલ્લા પૂરતી બતાવાતી ૨૪ કલાકની સમાચાર ચેનલ ચાલુ કરી છે અને સાથે ઇ પેપર પણ. તેની વેબસાઇટ છે http://www.citywatchgujarat.com/ તેના મુખ્ય તંત્રી છે કિરણ ગોહિલ, જે અગાઉ ‘સૌરાષ્ટ્ર સમાચાર’, ‘ગુજરાત સમાચાર’, ‘શો ટાઇમ’ અને ‘સૌરાષ્ટ્ર આસપાસ’ સાથે સંકળાયેલા હતા.
-ભાવનગરની આગવી શિક્ષણ સંસ્થા, જેની સાથે શિક્ષણમાં ક્રાંતિ લાવનાર (મૂછાળી મા તરીકે જાણીતા) ગિજુભાઈ બધેકાનું નામ જોડાયેલું છે તેવી દક્ષિણામૂર્તિ શાળાને બંધ કરવાની પેરવી હતી જેના કારણે ભાવનગર સાથે લાગણીથી જોડાયેલા મારા સહિત અનેક લોકોને ચિંતા થઈ હશે, તે હવે બંધ થવાની નથી. (હાશ!)
-નવાપરામાં કબ્રસ્તાનનું દબાણ હટાવીને રોડ પહોળો કરાયો છે. અમદાવાદ જેવા આ પહોળા રોડને જોઈને એટલો આનંદ થાય કે વાત ન પૂછો. એટલું જ નહીં, ઘણા રોડ સારા બનાવાયા છે. બાકી, ભાવનગરમાં હતો અને પત્રકાર નહોતો બન્યો ત્યારથી રોડ વિશે ચર્ચાપત્રો લખી લખીને થાકી ગયો હતો. તે પછી ૨૦૦૩ સુધી ભાવનગર રહ્યો ત્યાર પછી પણ રોડ સુધર્યા નહોતા.
- વચ્ચે ભાવનગરમાં હસમુખ પટેલ એસપી તરીકે, હરિકૃષ્ણ પટેલ ડી.એસ.પી. તરીકે અને સુખદેવસિંહ ઝાલા પી.આઈ. તરીકે રહ્યા હતા ત્યારે ટ્રાફિકના નિયમો, રાત્રે ૧૦ વાગ્યે માઇક બંધ (ભાવનગરમાં ડાયરા અને નમાઝના કારણે ઘોંઘાટ થતો જ રહે છે) કરવાનું વગેરેનું સખ્ત પાલન થતું હતું. ગુનામાં પણ ઘટાડો આવ્યો હતો. દબાણો પણ હટાવાતા હતા. પરંતુ તેમની બદલી થતા હવે પરિસ્થિતિ જૈસે થે છે.
- જોકે કલેક્ટર પ્રદીપ શાહનું સારું કામ હોવાની ચર્ચા છે. જવાહરલાલ નહેરુ (ગધેડિયા ફિલ્ડ)થી આગળ એક એમ્યૂઝમેન્ટ પાર્ક બનાવાઈ રહ્યો હોવાની ચર્ચા છે. કાયમ ચૂર્ણવાળા શેઠ બ્રધર્સના સહયોગથી એક ઔષધ વન બની રહ્યું હોવાનું પણ સાંભળવામાં આવ્યું.
- યુવાનોની કારકિર્દી માટે કામ કરતી વિકાસ વર્તુળ સંસ્થાના બિપીન શાહ વીરભદ્ર અખાડા આગળ સાયન્સ સિટી બનાવી રહ્યા છે. તેની વિકાસ ચેનલ પોઝિટિવ જર્નાલિઝમને પ્રોત્સાહન આપતી ચેનલ છે.
- અમદાવાદમાં ઘણાં વર્ષોથી છે તે ‘વી માર્ટ’ ભાવનગરમાં પણ ખુલી ગયો છે. ભાવનગરમાં યુનિવર્સિટી કેમ્પસ આગળ ‘ઇસ્કોન મોલ’ ઘણા વખતથી બને છે, પરંતુ હજુ બને જ છે. બનીને તૈયાર થાય ત્યારે સાચું.
- ભાવનગર મ્યુનિસિપાલિટીની સરસ વેબસાઇટ પણ છે. http://www.bmc.gujarat.gov.in/
- આ ઉપરાંત ચિરાગ વ્યાસની એક સરસ વેબસાઇટ ભાવનગરને સંબંધિત છે, http://bhavnagaronline.org/
- આ સિવાય http://www.bhavnagarsampurna.com/ અને http://www.bhavnagar.com/ પણ ભાવનગર વિશેની સારી માહિતી પૂરી પાડે છે.
Entry Filed under: bhavnagar, city. Tags: ગધેડિયા ફિલ્ડ, દક્ષિણામૂર્તિ, નવાપરા, પગદંડી, પ્રતાપ શાહ, બિપિન શાહ, ભાવનગર, વિકાસ વર્તુળ ટ્રસ્ટ, શામળદાસ આર્ટ્સ કૉલેજ, સિટી વોચ ગુજરાત, સુનીલ ઓઝા, સૌરાષ્ટ્ર સમાચાર, bhavnagar, bipin shah, city watch, daxinamurti, gadhedia field, navapara, pagdandi, pratap shah, saurastra samachar, shamaldas arts college, sunil oza, vikas vartul trust.
3 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed


1.
chandravadan | 24/10/2009 at 10:14 pm
Jaywantbhai….Nice to know BHAVNAGAR…..& now I invite you to CHANDRAPUKAR…Please DO visit/Comment on my Blog…
Dr. Chandravadan Mistry
http://www.chandrapukar.wordpress.com
2.
paragdihora | 27/10/2009 at 12:38 pm
Sir ji maja aavi gai,
Bhavnagar nu vahine
Saurashtra samachar jou chhu ahi pan teme aa samachar nathi hota
3.
pankaj kanada | 16/11/2009 at 4:08 pm
dear jayavantbhai
realy maza aavi gai
bhavanagar ma thi 84 news paper na registration gandhinagar khate chhe ane dar triji gadi upar PRESS lakhelu chhe