Posts filed under 'film'
ઈશ્વરની દુનિયા, ફિલ્મ, સિરિયલ, રિયાલિટી શો અને ક્રિકેટ : શું બધે હીરો, હિરોઇન અને વિલન હોય જ?
શ્રી રામ, સીતાજી અને રાવણ.
શ્રી કૃષ્ણ, રૂક્મિણી અને સામે-કંસ, જરાસંધ, દુર્યોધન…
રામાયણ અને મહાભારત એ બે મહાકાવ્યોને આપણે ધર્મગ્રંથો તરીકે સ્વીકાર્યા છે. શ્રીરામ અને શ્રી કૃષ્ણ આપણા રિયલ હીરો છે. આ બે ધર્મગ્રંથો ઉપરાંત જેટલી પણ ધર્મકથા સાંભળશો તો તેમાં દેવ અને દાનવની વાત આવશે જ. માતાજીના ચંડીપાઠમાં પણ માતાજી અને સામે પક્ષે શુંભ, નિશુંભ, મહિષાસુર, ચંડ, મુંડ વગેરેની વાત આવે છે.
સવાલ એ છે કે શું હીરો, હિરોઈન અને વિલનની વાત માત્ર ફિલ્મોમાં નહીં, બધે જ આવે?
નવલકથા, નવલિકા,વાર્તા (રાજા, રાણી અને એક દુષ્ટ પ્રધાન કે રાક્ષસની બાળપણમાં સંભળાવાતી વાર્તા)માંય નાયક, નાયિકા અને દુષ્ટ માનવીની વાત હોય છે જ.
હીરો-હિરોઇન અને વિલન વગર આપણી હિન્દી ફિલ્મોય અધૂરી છે. જોકે, છેલ્લા ઘણા સમયથી, ખાસ તો મલ્ટિપ્લેક્સ સિનેમા અને રામગોપાલ વર્મા, સંજય ગુપ્તા, મહેશ માંજરેકર જેવા દિગ્દર્શકો આવ્યા પછી નાયક-નાયિકા ૨૪ કેરેટના સોના જેવા જ હોય તેવું બતાવાતું નથી.
કોઈ પણ સિરિયલો લો, તેમાંય આ આ ત્રણ પ્રમુખ તત્ત્વો હશે જ.
રિયાલિટી શોમાં રિયાલિટી હોવાનું કહેવાય છે, પરંતુ ખરેખર તો તેય સ્ક્રિપ્ટેડ હોય તેવું લાગે છે. ‘બિગ બોસ’ની કોઈ પણ શ્રેણી લો, તેમાં એક પુરુષ એવો હશે જેને થોડો સારો બતાવાયો હશે, એક રૂપાળી સ્ત્રી હશે અને એક વ્યક્તિ એવી હશે જેના પર લોકોને ધિક્કાર છૂટે. (ગઈ શ્રેણીમાં રાહુલ મહાજનને હીરો, મોનિકા બેદી-પાયલ રોહતગીને તેની હિરોઈન અને રાજા ચૌધરીને વિલન બતાવવા પ્રયાસ હતો, આ વખતે હીરો તરીકે પ્રવેશ, હિરોઇન તરીકે ક્લાઉડિયા અને વિલન તરીકે કમાલ ખાન છે. કમાલ આઉટ થઈ ગયો હોવા છતાં તેને વાઇલ્ડ કાર્ડ દ્વારા લઈ અવાયો. દેશનો આદેશ કોણ માને છે?)
કમનસીબે, ક્રિકેટમાંય આવું થવા લાગ્યું છે. શ્રીસંત અને હરભજનનું લાફા પ્રકરણ થયેલું તે શું હતું?
સૂરજ બડજાત્યાની ફિલ્મોમાં દેખાડાય છે તેવા લોકો- તેવી દુનિયા ક્યાંય હશે ખરા? કે બધું જ સ્ક્રિપ્ટેડ જ હશે? ઈશ્વરને કહેવાનું મન થાય છે કે તું આવી સ્ક્રિપ્ટ કેમ લખે છે, જેમાં હીરો-હિરોઈન છેક સુધી વિલનના હાથે પીટાયા રાખે અને છેલ્લા સીનમાં હીરો વિલનને બેત્રણ મુક્કા મારે?
Add comment 27/11/2009
સારું ગીત, ખરાબ પિક્ચરાઇઝેશન
ગઈ કાલે (તા. ૩ નવેમ્બર) ‘બીફોરયુ મ્યુઝિક’ ચૅનલ પર એક ગીત જોયું. ગીતની શરૂઆત અને અંતે ગીતના શરૂઆતના શબ્દો અને ફિલ્મનું નામ આપવાની પ્રથા અનુસાર, ગીતના શબ્દો હતા, ‘પત્તા પત્તા બુટા બુટા હાલ હમારા જાને હૈ’. મન આનંદથી ઉછાળો મારી ગયું.
લક્ષ્મીકાંત-પ્યારેલાલની રૂટિન શૈલીથી હટ કે આ ગીત હતું. લતાજી અને રફીસાહેબે અદ્ભુત ગાયું છે. અદ્ભુત-અદ્ભુત રચના.
પણ એમાં ખાસ વાત શું છે?
ખાસ વાત એ છે કે, ગીતના શબ્દો વાંચ્યા અને ફિલ્મનું નામ ‘એક નઝર’ વાંચ્યુ ત્યારે મનમાં તરત જ ઝબકારો ન થયો કે તેના કલાકારો કોણ હશે? પહેલી જ ક્ષણે જે શોટ આવ્યો તે દૂરનો હતો એટલે ચિત્ર હજુ પણ સ્પષ્ટ નહોતું. થોડી જ પળોમાં તે પણ થઈ ગયું અને ફરી એક ઉછાળો. ઓહ! આ તો મારા પ્રિય અભિનેતા અમિતાભ બચ્ચન પર ફિલ્માવાયું છે અને તેની સાથે તેમનાં પત્ની જયા, જે તે સમયે જયા ભાદુરી હતાં. મનમાં જ વિચાર્યું : ચાલો! અમિતાભના ખાતામાં વધુ એક કર્ણપ્રિય ગીત છે, ભલેને ફિલ્મ ફ્લોપ ગઈ હતી. પણ જેમ જેમ ગીત જોયું તેમ તેમ નિરાશા થતી ગઈ.
ગીત આટલું સુંદર, પણ બાબુમોશાયના ચહેરા પર ખાસ ભાવ આવતા નહોતા કે નહોતી કંઈ તેમની ખાસિયત મુજબની અદા. એ વખતે અમિતાભ હજુ અમિતાભ નહોતા. અને દિગ્દર્શકે પણ એટલે જ ગીતને ‘લોંગ શોટ’થી ફિલ્માવાનું પસંદ કર્યું હોય તેવું લાગ્યું.
આ છે સારું ગીત પણ ખરાબ ચિત્રીકરણ (પિક્ચરાઇઝેશન)નો નમૂનો. દૂરદર્શન જ હતું ત્યારે પણ અમુક જ ગીતો જોવા મળતા. (હજુય એવું જ છે. આ ‘એક નઝર’નું ગીત આટલાં વર્ષે જોવા મળ્યું. આ ગીત કોઈને ‘સારેગમપ’, ‘વોઇસ ઓફ ઇન્ડિયા’ કે ‘ઇન્ડિયન આઇડોલ’માં ગાવાનું કેમ નથી સૂજતું?) એ વખતે રેડિયો નું ચલણ વધુ હતું. ત્યારે ગીત સાંભળીને ઘણી વાર કલ્પના થતી તેના પિક્ચરાઇઝેશનની. એ વારંવાર સાંભળવાથી એ કલ્પના દૃઢ થતી. ‘કટી પતંગ’ના ‘યે જો મોહબ્બત હૈ’ની પણ કલ્પના કરી હતી કે રાજેશ ખન્ના અને આશા પારેખ વચ્ચે કંઈક ખાટોમીઠો ઝઘડો થયો હશે અને એટલે કાકા આ ગીત ગાતા હશે, પણ જ્યારે ફિ્લ્મ જોઈ ત્યારે? એ કલ્પના ભાંગીને ભુક્કો થઈ ગઈ. કાકા દારૂ પીને ગીત ગાય છે!
આ થયો સારું ગીત પણ ખરાબ ચિત્રીકરણ (પિક્ચરાઇઝેશન)નો વધુ એક નમૂનો.
‘આશિકી’નાં તમામ ગીતો પણ આવા જ નમૂના છે જે તદ્દન ભાવવિહીન રાહુલ રોય અને અનુ અગ્રવાલ પર ફિલ્માવાયાં છે.
તમને આવાં કોઈ ગીત યાદ આવે છે? તો અહીં કોમેન્ટ બોક્સ તમારી રાહ જુએ છે!
(Click to read in English : http://jaywantpandyasblog.blogspot.com/2009/11/good-song-bad-picturisation.html)
2 comments 04/11/2009
રસપ્રદ અવતરણો-સંવાદ
(૧) ‘સચ કા સામના’ કરતાં ‘દસ કા દમ’માં કેટલાક મજેદાર પ્રશ્નો પૂછાતા હોય છે; જેમ કે આ વખતે ફરાહ ખાન વાળા એપિસોડમાં સવાલ હતો કે કેટલા ટકા ભારતીયોને લાગે છે કે તેમને જોરદાર વિચારો જાજરૂમાં આવે છે? સલમાને ફરાહ ખાનને આ સવાલ તેના સંદર્ભમાં પૂછ્યો તે ફરાહે કહ્યું,
મને તો જાજરૂમાં માત્ર જાજરૂ આવે છે!
-
(૨) ગઈ કાલે સેટ મેક્સ પર ‘અગ્નિપથ’ ફિલ્મ જોઈ. તેમાં સંવાદો ચોટદાર છે. હવેની ફિલ્મોમાં આવા ચોટદાર સંવાદોનું પ્રમાણ ઘટતું જાય છે. ફિલ્મમાં ઇન્સ્પેક્ટર સુધીર પાંડે ડોન અમિતાભની પાસે પોતાનો જાન બક્ષી દેવા કાકલૂદી કરતો હોય છે. તે પછીના દૃશ્યમાં કમિશનર અને સિદ્ધાંતવાદી કમિશનર વિક્રમ ગોખલે આવે છે ત્યારે અમિતાભ તેને કહે છે,
‘પગાર બઢાઓ, ઇતને પગાર મેં ઘર નહીં ચલતા, ઈમાન કૈસે ચલેગા?’
વિક્રમ ગોખલે ચાલ્યો જાય છે, થોડી વાર પછી અમિતાભની ગાંધીવાદી રોહિણી હટ્ટંગડી જતા જતા કહે છે, ‘મેરા ઘર આજ ભી ૫૦૦ રૂપિયે મેં ચલ જાતા હૈ!’
(3) ‘ભાગમભાગ’ અને ‘દિલ બોલે હડિપ્પા’ની વાર્તાને ભેગી કરી કોઈ ગુજરાતી ફિલ્મ બનાવે તો તેનું નામ શું રાખી શકાય?
- દિલ બોલે, હડી કાઢ!
Add comment 04/08/2009
ઈમરાન હાશમી જૂઠો છે અને તેનો પબ્લિસિટી સ્ટંટ છે
‘ધ ટ્રેન’ ‘કિલર’, ‘જન્નત’ જેવી ઘણી ફિલ્મો ન ચાલતી હોવાના કારણે નવરા બેઠેલા ઈમરાન હાશમીએ નવું ઉંબાડિયું મૂકીને મુસ્લિમ-હિન્દુ સમાજનું ધ્રૂવીકરણ મજબૂત કર્યું છે. પાલિ હિલ જેવા પોશકૉસ્મોપોલિટન વિસ્તારમાં અભિનેતા અનિલ ધવન જે સોસાયટીની મેનેજમેન્ટ કમિટીમાં છે તે નિબાના હાઉસિંગ સોસાયટીમાં પોતાને પ્રવેશવા ન દીધો અને તેને ફ્લૅટ વેચવામાં નથી આવતો કારણકે તે મુસ્લિમ છે એવું ઈમરાનભાઈ તેમના મામા મહેશ ભટ્ટ (બીજું કોણ હોય?)ની સાથે રહીને કહે છે.
સદ્નસીબે (અને હંમેશની જેમ) ગુજરાતી અખબારોએ તો આ વિવાદ બહુ ચગાવ્યો નથી, પણ કમનસીબે (અને હંમેશની જેમ) હિન્દીઅંગ્રેજી ચૅનલોએ તેને ભરપૂર ઉછાળ્યો છે. શનિવારે (તા.૧ ઓગસ્ટ)ના રોજ એક ચેનલ પર આ મુદ્દે ચર્ચા હતી જેમાં ‘માનવંતા’ મહેમાનો હતા રાષ્ટ્રીય લઘુમતી પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ તરલોચનસિંહ, બહુજન સમાજ પક્ષમાંથી કાઁગ્રેસમાં જોડાયેલા રાશિદ અલવી, સમાજશાસ્ત્રી મધુ કિશ્વર અને ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં ‘રાઇટ વ્યૂ’ નામની કૉલમ લખતા તરુણ વિજય.
ચર્ચામાં સ્વાભાવિક જ એન્કરને પોતાની વાત જ સિદ્ધ કરવી હતી અને જ્યારથી ખાનગી સમાચાર ચૅનલો ચાલુ થઈ છે ત્યારથી જોવા મળ્યું છે તેમ, ઍન્કર તરુણ વિજય કે મધુ કિશ્વરને બોલવા જ નહોતો દેતો. એન્કરની વાત તોય સિદ્ધ થઈ શકી નહીં કેમ કે સદ્ભાગ્યે રાશિદ અલવી એવા મતના હતા કે આ બાબતને મુદ્દો બનવા જ ન દેવી જોઈએ. સરદાર તરલોચનસિંહનું પણ કહેવું હતું કે દિલ્લીમાં ૧૯૮૪માં રમખાણો થયા તે પછી શીખોને પણ મકાન મેળવવામાં તકલીફ પડતી હતી. આટલા હોબાળા પછી આ ટીવી ચર્ચામાં મહેશ ભટ્ટે એટલી પીછેહટ કરી કે અમારી ફરિયાદ આખા સમાજ સામે નથી પણ એક નિવાસી સોસાયટી (નિબાના) સામે છે. શબાનાએ જોકે મુસ્લિમોને ઘર મેળવવામાં તકલીફ પડતી હોવાનું કહ્યું. (તો પછી મુંબઈમાં તેઓ ત્રિશંકુની જેમ આકાશમાં રહે છે?) મધુ કિશ્વરે કહ્યું કે કાશ્મીરમાં અમારા ઘરને સળગાવી દેવાયું, મારા કાકાની હત્યા થઈ તો પણ અમે મુદ્દો બનાવ્યો નથી. તરુણ વિજયે પણ કહ્યું કે શબાનાબહેન કાશ્મીરના પંડિતો મુદ્દે ક્યારેય બોલ્યા છે ખરા? તો ચર્ચાના એન્કરે મધુની આખી વાતને મચકોડતા કહ્યું કે તમે એમ કહેવા માગો છો કે એનાથી ઈમરાન કે શબાનાને ઘર નથી મળતું તે વાત વાજબી છે?
હકીકતે તો ઈમરાન જુઠો છે. તરુણ વિજયે સાચું જ કહ્યું કે જેમ રાખી સાવંત (સારું થયું કે તેમણે હિન્દુનું નામ લીધું, નહીં તો એક ઓર મુદ્દો થાત) વિવાદો ઊભા કરી પબ્લિસિટી મેળવે છે અને તેના લીધે કાર્યક્રમો કે ફિલ્મો મેળવે છે તેવો જ આ ઈમરાનનો પબ્લિસિટી સ્ટંટ છે.
આ વાત સાચી લાગે છે કેમ કે અનિલ ધવને અને સોસાયટીના સેક્રેટરી મુજબ, ઈમરાન હળાહળ જૂઠું ચલાવે છે. પહેલા તો સોસાયટીમાં પ્રવેશની વાત. અનિલ ધવન (યાદ રહે, તે પોતે પણ અભિનેતા છે અને તેમના ભાઈ ડેવિડ ધવન જાણીતા નિર્દેશક છે જેમની ફિલ્મોમાં ચર્ચની વાત ઘણી વાર આવે છે) કહે છે કે અમારી મિટિંગ ચાલતી હતી ત્યારે ઈમરાન તેના પરિવાર સાથે ધસી આવ્યો હતો. સેલિબ્રિટી હોવાથી તેને ગમે ત્યાં આવી રીતે ધસી આવવાનો હક નથી મળી જતો. સોસાયટીના સેક્રેટરી જે. બી. ચેત્રીનું પણ આ જ કહેવું છે. જે.બી. ચેત્રી તો કહે છે કે તેમણે પોતે ૩૦ વર્ષ પહેલાં એક મુસ્લિમ પાસેથી જ ફ્લેટ લીધો છે તો પછી કેવી રીતે તેઓ મુસ્લિમ હોવાના આધાર પર ઈમરાનને ફ્લેટ વેચવા ઈનકાર કરે? (http://www.mid-day.com/news/2009/aug/010809-J-B-Chetry-Nibbana-society-Pali-Hill-denying-apartment-Emraan-Hashmi-muslim.htm) મિડ ડેમાં જ આવેલા અહેવાલ મુજબ, ખાર, સાંતાક્રુઝ, બાંદ્રા અને જુહૂના દલાલો આ વાતથી ચોંકી ગયા છે. તેમના કહેવા મુજબ, પાલિ હિલ તો પંચરંગી વિસ્તાર છે અને તમામ ધર્મના લોકો અહીં રહે છે. (મિડ ડેના માલિક મુસ્લિમ છે એ નોંધવું જોઈએ.)
સારી વાત એ છે કે શાહરુખ ખાન અને સલમાન ખાન બંનેએ કહ્યું છે કે તેમને ધર્મના આધારે ક્યારેય ભેદભાવનો સામનો નથી કરવો પડ્યો. સલમાન ખાને તો સ્પષ્ટ કહ્યું કે એવું હોત તો સલમાન સલમાન ન હોત, આમિર આમિર ન હોત અને શાહરુખ શાહરુખ ન હોત.
ઈમરાન જેવી મુસ્લિમ સેલિબ્રિટી આવો વિવાદ ઊભો કરે ત્યારે બહુ કરુણા ઉપજે છે કારણકે આવું હોત તો પાલિ હિલમાં દિલીપકુમારનો બંગલો ન હોત. આમિરનું ઘર ન હોત.
અગાઉ નદીમ-શ્રવણ પૈકીના નદીમે ગુલશનકુમાર હત્યા કેસમાં લંડનથી ભારત ન આવવા માટેનું કારણ આપતા કહ્યું હતું કે તેને લાગે છે કે તે મુસ્લિમ હોવાથી તેને ભારતમાં ન્યાય નહીં મળે! મેચ ફિક્સિંગ કૌભાંડમાં પકડાયેલા ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને પણ કહ્યું હતું કે તે મુસ્લિમ હોવાથી તેને ફસાવવામાં આવી રહ્યો છે. જ્યારે નદીમની ધૂનો પસંદ કરાતી હતી, દર વર્ષે ઍવોર્ડ મળતા હતા, ક્રિકેટ ટીમ મેચો જીતતી હતી અને અઝહરની વાહ વાહ થતી હતી ત્યારે આ લોકો ભૂલી ગયા હતા કે તેઓ મુસ્લિમ છે છતાં દેશની બહુમતી પ્રજા તેમને માથે ઊંચકીને ફરે છે.
ઈમરાનને કદાચ તેના આ નિવેદનની ગંભીરતાનો ખ્યાલ નહીં હોય પણ તેના નિવેદન અને લઘુમતી પંચ સમક્ષ મામલાને લઈ જવાના કારણે મુસ્લિમ-હિન્દુ ધ્રૂવીકરણ ઓર મજબૂત થયું છે અને કમનસીબે દેશની સુરક્ષા માટે આ સારું નથી, ખાસ કરીને જ્યારે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં ચીનપાકિસ્તાનને જોડતા કારાકોરમ નેશનલ હાઇવે પર તાજેતરમાં જ ૧૬ હવાઈ મથકોનું નિર્માણ થયું હોય અને પાકિસ્તાન સરહદ પર ધડાધડ બંકરો બનાવી રહ્યું હોય ત્યારે અને જ્યારે ઑસ્ટ્રેલિયામાં આપણા પર વંશીય હુમલાઓ થઈ રહ્યા હોય ત્યારે.
2 comments 02/08/2009
તુમ બિન જાઉં કહાં : રફીના અનેરા ચાહકની વાત

ઉમેશ મખીજાના 'રફીદર્શન'માં પુણ્યતિથિ અને જન્મદિવસે મોહમ્મદ રફીને ભક્તો શ્રદ્ધાપુષ્પ અર્પણ કરે છે
પી ૫૦૪, ઇન્દ્રપ્રસ્થ ટાવર, ગુરુકૂળ પાસે, ડ્રાઇવ ઇન રોડ, અમદાવાદ.
આ એડ્રેસ કોનું છે?
જો મોહમ્મદ રફીના ચાહકોને પૂછો તો તેઓ કહેશે, રફીસા’બનું!
અને તેમની વાત પણ સાચી છે. ઇન્દ્રપ્રસ્થમાં તમે પી વિંગમાં લિફ્ટમાં ઉપર ચડીને ડાબી બાજુ બીજા બ્લોક ૫૦૪માં જાવ એટલે દરવાજાની ઉપર જ ‘રફી દર્શન’ લખેલું માલૂમ પડે. અંદર ઘરના માલિકને તમે કહો કે તમે રફીના ચાહક છો અને મળવા આવ્યા છો તો તે તમને એક ભગવાનના કોઈ ભક્ત બીજા એ જ ભગવાનના ભક્તને જેટલો આદર આપે અથવા એક ગુરુના શિષ્ય બીજા શિષ્યને જેટલો આદર આપે તે જ આદરથી પોતાના ભગવાનનું મંદિર બતાવવા માટે લઈ જશે.

રફીના ભક્ત ઉમેશ મખીજા
રૂમના દરવાજા પર ફરી રફીનો ફોટો દૃષ્ટિગોચર થાય છે. અંદર જઈને ખબર પડે છે કે મંદિર માટે કોઈ ખૂણો કે કોઈ ગોખલો નહીં, પણ એક આખો રૂમ ફાળવાયેલો છે.
અહીં મંદિર શબ્દ એટલા માટે પ્રયોજ્યો છે કે તેની જાળવણી અને પવિત્રતા મંદિર જેટલી જ રાખવામાં આવે છે. રૂમમાં કોઈને સૂવા કે બેસવાની પરવાનગી નથી, ઘરના માલિક કે સભ્યોની પણ નહીં! જો તમારે આ મંદિર જેવા વિશિષ્ટ રૂમની મુલાકાત લેવી હોય કે તમે તેની મુલાકાત લઈ ચૂકયા હો પણ તમારે આ ભક્ત પાસે તેમના ભગવાન વિશે વધુ જાણવું હોય તો તેમનો અનુકૂળ સમય જાણી લેવો પડે (તેમના ફોન નંબર પણ રફીના જન્મદિવસ અને પુણ્યતિથિના આંકડાવાળા! એક નંબરના છેલ્લા આંકડા છે ૨૪-૧૨-૨૪ અને બીજા નંબરના છેલ્લા આંકડા ૩૧-૭-૮૦!), બાકી જન્માષ્ટમી કે શિવરાત્રિની જેમ જાહેર તહેવાર જેવા દિવસ એટલે કે રફીના જન્મદિવસ ૨૪ ડિસેમ્બર અને પુણ્યતિથિ ૩૧ જુલાઈએ વગર પૂછ્યે બપોરે ૨થી ૬ પહોંચી જાવ તો ચાલે.
૩૦મી જુલાઈ. મારા પર ફોન આવે છે. ‘જય રફીસાબ. કાલે ૨થી ૬ તમારે આવી જવાનું છે. તમને જે અનુકૂળ સમય હોય તે સમયે.’ એઝ યુઝ્યુઅલ, રફી વિશે થોડી વાતચીત પછી ફોન પૂરો થાય છે. પોતાની દીકરી આરતીનાં લગ્ન હોય તેવા ઉમળકાથી રફીની પુણ્યતિથિના કાર્યક્રમનું આમંત્રણ આપતા એ વ્યક્તિ એટલે ઉમેશ મખીજા. ૩૧મી જુલાઈએ સાંજે ૫ વાગ્યે હું ઇન્દ્રપ્રસ્થ પહોંચું છું એટલે માઇકમાં ગવાતા રફીના ગીતનો અવાજ નીચે લિફ્ટમાં થઈને મારા સુધી પહોંચે છે અને ઉપર ઘરમાં પ્રવેશતા જ ડ્રોઇંગરૂમમાં તેમના ચાહકો વારાફરતી તેમના પ્રિય ગાયકનાં ગીતો લલકારી રહેલા નજરે પડે છે. રફીના રૂમમાં ઉમેશભાઈના ખાસ દોસ્ત અને રફીના એવા જ ગાઢ ચાહક વસંતકુમાર સિંધવ વ્યવસ્થા જાળવવામાં મદદ કરી રહ્યા છે. ઉમેશભાઈની સાથે તેઓ વાતચીતમાં જોડાય છે.
૨૦૦૫માં ‘દિવ્ય ભાસ્કર’ની ‘નવરંગ’ પૂર્તિ –મેગેઝિન સાઇઝમાંથી ટેબ્લોઇડ થઈ ત્યારે તેમાં એક કોલમ ચાલુ કરેલી, ‘દીવાના મુઝસા નહીં’. આ કોલમ એવા લોકો માટે હતી જેમને બોલિવૂડના કોઈને કોઈ કલાકાર કે કલાકારો પ્રત્યે ભક્તિભાવ જેટલો અનુરાગ હોય અને કલેક્શન કરતા હોય કે તેમને જીવનમાં અપનાવ્યા હોય. આમાં શરૂઆત વસંતકુમાર સિંધવથી થઈને પછી તો ઉમેશ મખીજા, હરીશ રઘુવંશી, ગૌતમ મિસ્ત્રી, બાબુભાઈ એમ અનેક અમદાવાદ, વલસાડ, મોરબી એમ વિસ્તરતી ગઈ. ‘રોગ લાગુ પાડનારા તમે જ,’ ઉમેશભાઈ એ ‘દીવાના મુઝસા નહીં’ કોલમમાં આવેલા પોતાના વિશેના લેખને યાદ કરીને કહે છે (આ તેમની ટિપિકલ સિંધી વ્યાપારીની સ્ટાઇલ છે), ‘એ કોલમે તો અનેક લોકો માટે સેતુની ગરજ સારેલી. પણ પછી એ કોલમ કેમ બંધ થઈ ગઈ? તમે ‘દિવ્ય ભાસ્કર’ કેમ છોડી દીધું?’ એવા સવાલોનો મારો થાય છે અને હું યોગ્ય જવાબ આપીને પછી મારી ટેવ મુજબ (ઉમેશભાઈને મળું ત્યારે દર વખતે પૂછાતો પ્રશ્ન) પૂછું છું, ‘નવું શું છે ઉમેશભાઈ એ કહો ને.’ ઉમેશભાઈ રફીના રૂમમાં, ગુજરાતી, હિન્દી અને ઉર્દૂ એમ ત્રણેય ભાષામાં લખાયેલ રફીની બોર્ડર અને વચ્ચે તેમનાં ગીતોવાળી બેડશીટ, ઓશિકાના કવર બતાવે છે. આ વખતે એક નવી ચીજ જોવા મળે છે, રફીના દીકરાના લગ્નમાં લતા મંગેશકર (ભૂલથી ઉમેશભાઈ આગળ લતાનું નામ લેવાય નહીં એ ધ્યાન રાખવું પડે, તો બીજા ગાયકોની વાત જ ક્યાં કરવી? ઉમેશભાઈ કહે છે એમ, જ્યારે તેમને રફી અને લતાની સ્પર્ધા કરાવવી હોય અને તેમાં રફીને જિતાડવા હોય ત્યારે જ બંનેનાં ડ્યુએટ સાંભળે છે) અને મદનમોહનની તસવીરવાળું કેલેન્ડર.

યશરાજ ફિલ્મ્સના લેટરહેડવાળો સંજીવ કોહલીનો પત્ર
‘યશરાજ ફિલ્મ્સમાંથી સંજીવ કોહલી (મદનમોહનના દીકરા)નો ફોન આવ્યો હતો, મદનમોહનની આ તસવીર તેમને જોઈતી હતી. તે મેં તેમને મોકલી આપી. તે પછી આભાર માનતો પત્ર સંજીવે મોકલ્યો હતો,’ ઉમેશભાઈ કહે છે.
મદનમોહનના અપ્રસિદ્ધ ગીતોનું આલબમ ‘તેરે બગૈર’ રિલીઝ થવાનું હતું ત્યારે રફીના જમાઈ (જી હા, રફીના સ્વજનો સાથે ઉમેશભાઈને સારો ઘરોબો છે. રફીના સ્વજનો જ નહીં, વિતેલા જમાનાનાં પ્રમાણમાં ઓછા જાણીતા ગાયિકા ઉષા ત્રિમૂર્તિ, મહાભારતના અર્જુન – ફિરોઝ ખાન જેવા કલાકારોને મળવાનો પણ આ ઉમેશભાઈ અને વસંતભાઈનો શોખ.)પરવેઝભાઈનો ફોન આવ્યો હતો. પણ ઉમેશભાઈને પોતાની પાસે રહેલી માહિતી કે ગીતોનો ખજાનો કહીને સામેવાળાને આશ્ચર્ય આપવાની ખાસ ટેવ. તેમણે પરવેઝભાઈને ગીતોના નામ આપીને કહ્યું, ‘બે ગીત તો મારી પાસે છે.’ પરવેઝભાઈ કહે, ‘પણ આલબમ તો હજુ ક્યાં રિલીઝ થયું છે?’ પણ જે અપ્રસિદ્ધ હોય, દેશ કે વિદેશના ખૂણે ખાંચરે હોય ત્યાંથી શોધી કાઢીને પોતાનું કલેક્શન અને જ્ઞાન વધારતા જવું એ જ રફીના આ અનન્ય દીવાનાનું કામ.
અને તેમનું આ કામ ચાલુ જ છે અને ચાલુ રહેશે.
Add comment 01/08/2009
સંગીતકાર પ્રીતમ સૌજન્ય દાખવે છે
સંગીતકાર પ્રીતમ સારું સંગીત આપે છે (ખાસ કરીને ’જબ વી મેટ’નું ‘યે ઈશ્ક હાયે જન્નત દિખાયે’ તો સંગીત અને શબ્દ બંને રીતે, વાહ વાહ પ્રભુ!) પણ તેમની પર ઉઠાંતરીનો આક્ષેપ મોટા પાયે થતો રહ્યો છે અને તેના યૂ ટ્યૂબ પર નમૂના પણ જોઈ શકાય છે, કદાચ એટલે જ તેમની આજે રજૂ થયેલી ફિલ્મ ‘લવ આજ કલ’માં ગીતો માટે મૂળ ધૂન બનાવનારાઓને કે તેની માલિકી ધરાવનારાને ક્રેડિટ આપવામાં આવી છે. જેમ કે ‘ટ્વિસ્ટ’ ગીત માટે સારેગમ મ્યૂઝિક કંપનીને, ‘આહૂં આહૂં’ ગીત માટે મૂળ ગીત ‘કડી તે હસ બોલ વે’ અને ધૂન પરંપરાગત છે તેમ લખવામાં આવ્યું છે, ત્રીજા ‘આજ દિન ચડેયા તેરે રંગ વરગા’ માટે મૂળ લાઇન શિવકુમાર બતાલવીની છે તેમ કહેવામાં આવ્યું છે.
ઇન્ટરનેટના જમાનામાં ચોરી છૂપી રહેતી નથી તે સત્ય પ્રીતમદા અને હિન્દી ફિલ્મ જગતને સમજાઈ ગયું લાગે છે.
Add comment 31/07/2009
પ્રકાશ મહેરા, પદ્મિની કપિલા અને કાદર ખાન
પ્રકાશ મહેરા વિશે કેટલાંક વધુ અવલોકનો અને તેમના વિશેની કેટલીક વધુ યાદો તાજી કરીએ:
*તેમની ફિલ્મોનાં ગીતો ઘણાં લાંબાં રહેતાં. સંગીતકાર અનુ મલિક ‘બોર્ડર’ માટે લાંબા ગીતનો દાવો કરે છે પરંતુ પ્રકાશજીની તો અનેક ફિલ્મોનાં અનેક ગીતો લાંબા હતા; જેમ કે, ‘લાવારિસ’નું ‘અપની તો જૈસે તૈસે’. તેનું તો શરૂઆતનું સંગીત જ કેટલું લાંબું હતું (અને સેન્સ્યુઅસ પણ!). તે પછી ‘મુકદ્દર કા સિકંદર’નું ‘સલામ-એ-ઇશ્ક’ (આ શબ્દો પરથી સલમાન ખાન, પ્રિયંકા ચોપરા, અનિલ કપૂર, જૂહી ચાવલા વગેરેની ફિલ્મ બની.) પણ ઘણું દીર્ઘ હતું. ‘નમક હલાલ’નું ‘પગ ઘૂંઘરુ બાંધ મીરા નાચી થી’ પણ સુદીર્ઘ હતું. ‘શરાબી’નું ‘મુઝે નૌલખા મંગા દે રે’ તો લાંબું ગીત છે જ.
* અમિતાભ પાસે તેમણે ‘લાવારિસ’ (મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ), ‘શરાબી’ (જહાં ચાર યાર મિલ જાયે) અને ‘જાદુગર’ (પડોશન અપની મુર્ગી કો રખના સંભાલ)માં ગીતો ગવડાવ્યાં. ‘જહાં ચાર યાર મિલ જાયે’ ગીતમાં મુખ્ય કિશોરકુમારના અવાજ સાથે અમિતાભનો અવાજ હતો. તેમની ફિલ્મ ‘હાથ કી સફાઈ’માં એક ગીત હેમામાલિનીના અવાજમાં પણ હતું.
* ‘શરાબી’ના ‘જહાં ચાર યાર મિલ જાયે’ના બીજા અંતરામાં વિશેષ ભૂમિકામાં સ્મિતા પાટિલ જોવા મળે છે.
* સ્મિતા પાટિલ જેટલા ‘નમકલ હલાલ’ના ‘આજ રપટ જાયેં’ એ વરસાદી ગીતમાં-સાડીમાં સુંદર દેખાયા તેટલા એકેય ફિલ્મમાં નથી દેખાયાં.

પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી થી : ઉત્તમ કોમેડી અને કર્ણપ્રિય ગીતો પૈકીનું એક
* પ્રકાશ મહેરા પોતે ગીતો લખતા એ વાત સાચી, પરંતુ તેમની ફિલ્મોનાં ગીતોની બે પંક્તિ જાણીતા શેર કે જૂનાં ગીતો કે ભજનો પરથી પ્રેરિત પણ રહેતી; જેમ કે, ‘લાવારિસ’નું ‘જિસ કા કોઈ નહીં ઉસ કા તો ખુદા હૈ યારોં’, ‘નમક હલાલ’નું ‘પગ ઘૂંઘરુ બાંધ મીરા નાચી થી’ અને ‘થોડી સી જો પી લી હૈ’, ‘શરાબી’નું ‘લોગ કહતે હૈં મૈં શરાબી હૂં’ની પંક્તિ ‘નશા શરાબ મેં હોતા તો નાચતી બોતલ’, ‘જિંદગી એક જુઆ’ની ‘બહોત કઠિન હૈ ડગર પનઘટ કી, ઝટપટ ભર લાઓ જમના સે મટકી’. બાય ધ વે, ‘પગ ઘૂંઘરુ બાંધ મીરા નાચી થી’માં વચ્ચે જે આલાપ આવે છે તે કોનો અવાજ છે? તેના માટે કોઈને ક્રેડિટ અપાઈ હોવાનું જાણમાં નથી. એટલે બિનસત્તાવાર રીતે બે નામો જાણવા મળ્યાં છે ; એક તો, મહાન શાસ્ત્રીય ગાયક મન્ના ડે અને બીજું ભૂપિન્દરસિંહનું. કોઈ જાણકાર માણસ પ્રકાશ મહેરાનાં આ અદ્ભુત ગીતની આ અજાણ બાબત અંગે પ્રકાશ પાડશે?
* પ્રકાશ મહેરાએ જેમ અમિતાભ અને બપ્પી લહિરીને સિતારા બનાવી દીધા તેમ બીજાં કેટલાક નવોદિતોને પણ તક આપી હતી. આમાં ગાયકો કુમાર શાનુ (‘જાદુગર’) અને અલકા યાજ્ઞિક (‘લાવારિસ’), દિગ્દર્શક રામ પી. શેઠી (‘ઘૂંઘરુ’) તથા અભિનેતા માસ્ટર મયૂર (મયૂર વર્મા- જેણે ‘મુકદ્દર કા સિકંદર’માં અમિતાભની બાળપણની ભૂમિકા ભજવી હતી), પુરુ રાજકુમાર (‘બાલ બ્રહ્મચારી’) પ્રમુખ છે. પણ આમાં અમિતાભ, બપ્પી, અલકા યાજ્ઞિક માટે પ્રકાશ મહેરાને જેટલો યશ આપી શકાય તેમ છે તેટલો રામ પી. શેઠી કે પુરુ રાજકુમાર માટે આપી શકાય તેમ નથી. કુમાર શાનુને સંખ્યાત્મક રીતે અને ધૂનની રીતે ઘણાં સારાં ગીતો મળ્યાં. વર્ષોવર્ષ ફિલ્મફેર એવોર્ડ પણ તેઓ મેળવતા રહ્યા, પરંતુ તેમનો અવાજ કર્ણપ્રિય બિલકુલ કહી શકાય તેવો નથી. નાકમાંથી અને પડઘાય તેવો અવાજ હતો. સોનુ નિગમ તેની સરસ મિમિક્રી કરી શકે છે. એટલે કુમાર શાનુ માટે પ્રકાશ મહેરાને ક્રેડિટ આપવી કે નહીં તે વાચકો પોતે જ નક્કી કરે.
* પ્રકાશ મહેરાએ નિર્માણ કરેલી સંભવત: અંતિમ ફિલ્મ ‘મુઝે મેરી બીવી સે બચાઓ’નું એક ગીત ખૂબ જ જાણીતું અને યાદગાર બન્યું છે. સુખવિંદરસિંહ અને જસપિન્દર નરુલાના અવાજમાં ગવાયેલા એ ગીતના શબ્દો છે – નાચ મેરી જાન નાચ નાચ.

નવીન નિશ્ચલ સાથે પદ્મિની કપિલા
* પ્રકાશ મહેરાનાં પત્ની નીરા સાતેક વર્ષથી કોમામાં હતાં. તેનું તેમને બહુ દુ:ખ હતું. તે વાત જેટલી સાચી છે તેટલી જ એ વાત પણ સાચી છે કે એક સમયે પ્રકાશ મહેરા અભિનેત્રી પદ્મિની કપિલાની ખૂબ જ નજીક હતા. આ પદ્મિની કપિલા એટલે ‘હમારે તુમ્હારે’માં નવીન નિશ્ચલ સાથે કામ કરનાર અભિનેત્રી. (ફિલ્મનું રાજેશ રોશનના સંગીતમાં એક ગીત અદ્ભુત હતું – હમ દોનોં મિલ કે કાગઝ કે દિલ પે ચિટ્ઠી લિખેંગે જવાબ આયેગા- આ ગીત મારાં ફેવરિટ ગીતોમાં સ્થાન પામે છે). એમ કહેવાય છે કે પદ્મિની કપિલા અને નવીન નિશ્ચલ પણ એકમેકના પ્રેમમાં હતાં! (ઓહ! બોલિવૂડ એટલે લફરા અને પ્રેમપ્રકરણોનો ઇતિહાસ!). છેલ્લે પદ્મિની કપિલા અભિષેક બચ્ચન અને કરીના કપૂરની પહેલી ફિલ્મ ‘રેફ્યૂજી’માં દેખાયેલાં. એમ તો ત્રણ વર્ષ પહેલાં તેઓ મનોજ વાજપેયીને લઈને સ્પોર્ટ્સ ફિલ્મ ‘૯૦ મિનિટ્સ’ પ્રોડ્યૂસ કરી રહ્યાં હોવાનું પણ જાણવા મળ્યું હતું, પરંતુ એ ફિલ્મ રિલીઝ થઈ કે કેમ તે જાણમાં નથી. પદ્મિની કપિલાને કોઈ પૂછે તો પ્રકાશજીનાં ઘણાં અજાણ રહેલાં સંસ્મરણો જાણવા મળી શકે.
* પ્રકાશ મહેરાની ફિલ્મોમાં સંવાદ લખનાર કાદર ખાન આજકાલ ક્યાં છે? (તેમના વિશે અલગ પોસ્ટ આના પછી લખી રહ્યો છું.) તેમની પાસેથી પણ પ્રકાશજી વિશે ઘણું જાણવા મળી શકે.
Add comment 22/05/2009
ફિલ્મેં હો તો પ્રકાશ મહેરા કી જૈસી હો,વર્ના ના હો
જેમની પાસેથી હિન્દી ફિલ્મો ‘જોવા’નું હું શીખ્યો અને બોલિવૂડની ઘણી જાણકારી મળી તેવા મારા પિતાજી સ્વ. ગજેન્દ્રભાઈ પંડ્યાને, અમિતાભનો જ્યારે સુવર્ણયુગ ચાલતો હતો ત્યારે તેમના વિશે ગેરસમજ હતી કે આ તો મારધાડવાળી-મગજ કોરાણે મૂકીને જોવી પડે તેવી જ ફિલ્મો કરનારો અને અભિનયની આવડત વગરનો અભિનેતા છે. પણ જ્યારે ખાનગી ચેનલો શરૂ થઈ અને કેબલ ઓપરેટરોની ચેનલ પર ફિલ્મો આવવા લાગી ત્યારે અમિતાભની ‘શરાબી’ જોઈને ફિલ્મથી તો પ્રભાવિત થઈ જ ગયા હતા, પરંતુ અમિતાભ વિશે તેમની જે ગેરસમજ હતી તે દૂર થઈ!
જી હા. ‘શરાબી’. એ ફિલ્મ આવી ત્યારે હું છઠ્ઠા ધોરણમાં પ્રવેશ્યો હતો. ત્યારે હજુ સમાચારપત્રો વાંચવાની ટેવ તો નહોતી પડી પણ ફિલ્મોની જાહેરખબર વાંચવામાં જરૂર રસ હતો. મને બરાબર યાદ છે, એ વખતે ભાવનગરના નંબર વન સમાચારપત્ર ‘સૌરાષ્ટ્ર સમાચાર’માં રોજ ફિલ્મની જાહેરખબર આવે. લાંબા વાળવાળા, સૂટ પહેરેલા અમિતાભને ભેટેલી જયા પ્રદાનો ફોટો અને ઉપર ફિલ્મનાં ગીતોની યાદી લખાય…દે દે પ્યાર દે, લોગ કહેતે હૈ મૈં શરાબી હૂં, તુમને ભી શાયદ યહી સોચ લિયા અને ખાસ તો ‘પીવાવાળા’ને મજા પડી જાય-તેમની ‘પીવા’ની વાતને અનુમોદન મળે તેવી પંક્તિ – નશા શરાબ મેં હોતા તો નાચતી બોતલ. નોટબૂક કે પાઠ્યપુસ્તકોને છાપાંના પૂઠ્ઠા ચડાવતા એટલે ‘શરાબી’ની આ જાહેરખબર ખાસ ઉપરની બાજુએ આવે તેવું અમે ધ્યાન રાખતા.
એ વખત હજુ એ હતો કે નવરાત્રિમાં પાર્ટી પ્લોટની પ્રથા શરૂ થઈ હતી, પરંતુ ખાસ ઉપડી નહોતી. મારા પિતા નવરાત્રિમાં મને સાઇકલ પર આગળ બેસાડીને રાત્રે આંટો મારવા લઈ જાય અને જ્યાં જુઓ ત્યાં ગીત વાગતું હોય,
‘દે દે પ્યાર દે’.
આજે પણ કોઈ ચેનલ પર ‘શરાબી’
આવતી હોય તો જોવા બેસી જવાય છે.
આવી એ ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક પ્રકાશ મહેરા રવિવારે- ૧૭ મેએ બધાને, ‘મુકદ્દર કા સિકંદર’ના ગીતની જેમ, તેમાં ફકીર કાદરખાન કહે છે તેમ, ‘ઠહાકે’ લગાવતા લગાવતા-હસતા-હસતા ચાલ્યા ગયા.
શું થયું છે બોલિવૂડને? મેં આ પહેલાંની પોસ્ટમાં લખ્યું છે તેમ બોલિવૂડમાં એક તો મલ્ટિપ્લેક્સ અને નિર્માતાઓની લડાઈના કારણે શુષ્ક સમય ચાલી રહ્યો છે. મંદીની અસર તો છે જ. તેમાં દિગ્ગજ કહેવાય તેવા લોકો-ખાસ કરીને દિગ્દર્શકની વિદાઈ થઈ રહી છે. હજુ હમણાં થોડા સમય પહેલાં તો ફિરોઝખાન ગયા ! તે અગાઉ શક્તિ સામંત ગયા!
શક્તિ સામંત અને પ્રકાશ મહેરા વચ્ચે કોઈ સામ્યતા ખરી? હા. શક્તિ સામંત-પ્રકાશ મહેરા અને સાથે પ્રમોદ ચક્રવર્તી તથા અર્જુન હિંગોરાની એ ચારેય દિગ્દર્શકોનું સારું ગ્રૂપ હતું. શક્તિદા- પ્રકાશજી બંનેએ સુપરસ્ટારને જન્મ આપ્યો. એકે રાજેશ ખન્નાને સુપરસ્ટાર બનાવ્યા તો બીજાએ અમિતાભને. બંનેમાં સંગીતની જબરી સૂઝ. કોઈ પણ સંગીતકાર પાસે સારું સંગીત કઢાવી શકે. શક્તિની જેમ પ્રકાશ મહેરાએ પણ અલગ-અલગ સંગીતકારો સાથે કામ કર્યું, પરંતુ તેમાં વધુ પ્રમાણ કલ્યાણજી-આણંદજી સાથે રહ્યું. તે પછી બપ્પી લહેરી આવે. એમ તો ‘મેલા’ અને ‘સમાધિ’માં આર.ડી. અને એકાદ ફિલ્મમાં શંકર-જયકિશન સાથે કામ કર્યું હોવાનું પણ બોલાય છે.
‘સમાધિ’? એ ‘૭૦ના દાયકાની ફિલ્મો જોઈને મોટા થયેલા લોકોને પણ કદાચ જે ફિલ્મ વિશે યાદ નહીં હોય તેવી આ ફિલ્મનું એક ગીત આજની રિમિક્સ પેઢીને જરૂર યાદ હશે! કારણકે તેનું રિમિક્સ ખૂબ જ હિટ ગયું હતું અને તેનાથી રિમિક્સનો દોર જોરમાં શરૂ થયો હતો. એ ગીત એટલે ‘કાંટા લગા!’ પ્રકાશ મહેરાની કોઈ પણ ફિલ્મ લો તેમાં ગણગણવા ગમે તેવા-યાદગાર એકાદ-બે ગીત તો કમ સે કમ મળી આવશે. ‘મુકદ્દર કા સિકંદર’, ‘નમક હલાલ’ કે ‘શરાબી’ જેવી ફિલ્મો તો ખરી જ જેનાં બધાં જ ગીતો સુપરહિટ રહ્યા હોય. (પ્રકાશ મહેરાની ફિલ્મોનાં ગીતોની યાદી અગાઉની પોસ્ટમાં લખી છે એટલે રિપિટ નથી કરતો.) ‘નમક હલાલ’ એટલે, અગાઉ ‘ઝખ્મી’, ‘ચલતે ચલતે’ (શાહરુખવાળું નહીં), ‘આપ કી ખાતિર’, ‘દિલ સે મિલે દિલ’, ‘લહુ કે દો રંગ’, ‘જ્યોતિ’ વગેરે ‘બી’ ગ્રેડની ફિલ્મોમાં એકાદ બે-એકાદ બે સુપરહિટ ગીતો આપી ચૂકેલા બપ્પી લહિરીની પહેલી ‘એ’ ગ્રેડ ફિલ્મ! બી. સુભાષની મિથુનવાળી ‘ડિસ્કો ડાન્સર’ તો તે પછીની સાલમાં આવી અને પ્રકાશ મહેરાએ ‘નમક હલાલ’માં, અગાઉ, આર.ડી.બર્મનના પ્રભાવ તળે હોય તેવું સંગીત પીરસનારા બપ્પીદા પાસે સાવ અલગ પ્રકારનું સંગીત કઢાવ્યું! ‘ડિસ્કો ડાન્સર’ કરતાં પહેલાં ડિસ્કો ગીત ‘નમક હલાલ’માં હતા-યાદ છે ને ‘રાત બાકી’ (આ ટાઇટલ વર્ષો પછી પણ એનડીટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ પર રાત્રે ૧૧ કે ૧૧.૩૦ વાગે બોલિવૂડના સમાચારો માટેના કાર્યક્રમનું શીર્ષક તરીકે કામ લાગે છે!) અને ‘જવાની જાનેમન’?
માત્ર સંગીતની જ વાતો કરીએ તો આખો લેખ નહીં લેખની હારમાળા સર્જાય તેવું સંગીત પ્રકાશ મહેરાનું રહ્યું છે. મોહમ્મદ રફી-લતાનું અદ્ભુત મેલોડીવાળું ‘બેખુદી મેં સનમ ઉઠ ગયે જો કદમ’ કે પછી ‘ઋત હૈ મિલન કી સાથી મેરે આ રે’ સાંભળો તો ઉનાળાની ગરમીમાં શેરડીનો રસ પીધો હોય તેવી ઠંડક રોમેરોમમાં વ્યાપી જાય! ‘વાદા કર લે સાજના’ કોઈ પણ રોમેન્ટિક કે પ્રેમમાં નવા-નવા પડેલા યુગલ માટે કસમ ખાવાનું ગીત બની રહે. દોસ્તોની વાત નીકળે એટલે ‘બને ચાહે દુશ્મન ઝમાના હમારા’ ગીતની જેવું જ ગીત ‘યારી હૈ ઈમાન મેરા યાર મેરી ઝિંદગી’ અચૂક હોઠે આવી જાય. જિંદગીથી નિરાશ થઈ ગયા હો ત્યારે ‘રોતે હુએ આતે હૈ સબ’ સાંભળી લો. બધી જ નિરાશા ખંખેરાઈ જશે! પ્રેમની કબૂલાત કરવી છે? તો ગણગણો- ‘સલામ-એ-ઇશ્ક મેરી જાન ઝરા કુબૂલ કર લો’ કે પછી ‘તૂ જહાં ભી ચલેગા ચલૂંગી તેરા સુખદુખ મૈં બાંટ લૂંગી ’ (ફિલ્મ ‘ચમેલી કી શાદી’) યા તો ‘મૈંને ભી તો ચોરી ચોરી તેરે સંગ અંખિયાં મિલાઇ રે’ (દલાલ). ‘નોટી’ મૂડમાં છો? પ્રેમી/પ્રેમિકાને ‘સિડ્યૂસ’ કરવો/કરવી છે? તો ગણગણો-‘રાત બાકી બાત બાકી હોના હૈ જો હો જાને દો’ કે પછી ‘આજ રપટ જાયેં તો હમેં ના ઉઠય્યો’ અથવા તો ‘ચડ ગયા ઉપર રે અટરિયા પે લોટન કબૂતર રે’ (દલાલ). અચ્છા, પ્રેમી/પ્રેમિકાએ દગો દીધો છે? સમાજ સાથ નથી આપતો? તો ગાવ- ‘જો કદમ હી સાથ ના દે તો મુસાફિર ક્યા કરે, મંઝિલે અપની જગહ હૈ’ કે પછી ‘ઔર ઇસ દિલ મેં ક્યા રખ્ખા હૈ, તેરા હી નામ લિખા રખ્ખા હૈ, ચીર કે દેખેં દિલ મેરા તો તેના હી દર્દ છૂપા રખ્ખા હૈ’ અથવા તો ‘જિસ કા કોઈ નહીં ઉસ કા તો ખુદા હૈ યારોં’. ધનિકો સામે- સિસ્ટમ સામે વાંધો છે? તો ‘અપની તો જૈસે તૈસે થોડી ઐસે યા વૈસે કટ જાયેગી આપકા ક્યા હોગા જનાબે આલી’ (આહા! શું શબ્દો? આપ ભી મેરી તરહ ઇન્સાન કી ઔલાદ હૈ, આપ મુંહમાંગી દુઆ હમ અનસૂની ફરિયાદ હૈ…ગાલી હુઝૂર કી તો લગતી હૈ દુઆઓ જૈસી, હમ દુઆ ભી દેં તો લગે હૈ ગાલી, આપ કા ક્યા હોગા જનાબે આલી).
આટલા વેધક શબ્દોવાળા ગીતો હોય તેની કોઈ નવાઈ ન લાગવી જોઈએ, કેમ કે પ્રકાશ મહેરા પોતે સારાં ગીતકાર પણ હતા અને લેખક પણ. કેમેરા વગેરે ટેક્નિકલ બાબતોમાં ઓછી જાણકારી, અમિતાભ કહે છે તેમ, જાતજાતના કેમેરા એંગલ રાખવા, એડિટિંગ પર બહુ ભાર આપવો, સિનેમેટોગ્રાફી પર ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરવું એ બધું પ્રકાશ મહેરા ઓછું જાણતા અથવા તો કહો કે, તેને બહુ મહત્ત્વ નહોતા આપતા. તેઓ કહેતા, ‘લોગ કહાની દેખને આયે હૈં, કેમેરા કી કબડ્ડી નહીં’ (આજે અખબારો-મેગેઝિનોમાં પણ આવું જ થતું જાય છે ને? લે આઉટ પર ખૂબ મહત્ત્વ અપાય, તેના માટે મેટર ઓછી આવે તો વાંધો નહીં. ફોટા મોટા મોટા મૂકો. ચાલી જશે. )
અમિતાભને ‘લાલા’ કહેતા પ્રકાશ મહેરા અમિતાભ થકી ચાલ્યા તેમ કહેવું અતિશયોક્તિ લાગશે પણ વાત ખોટી નથી! કોઈ પણ ગમે તેવો માણસ મૃત્યુ પામે તો તેની પાછળ મલાજો જાળવવા માટે ઘણી વાર તેની હાજરી હોય ત્યારે ભરપૂર ટીકા થઈ હોય પણ મૃત્યુ પામે એટલે શબ્દોના ફૂલોના હારથી તેને ઢાંકી દેવામાં આવે એવું આપણે નથી કરવું. એટલે જ્યારે ઉપરનું વિધાન કરું છું ત્યારે એનો તર્ક પણ આપીશ. ‘ઉજાલા’ અને ‘પ્રોફેસર’ જેવી ફિલ્મોમાં પ્રૉડક્શન કંટ્રોલર તરીકે કામગીરી શરૂ કરનાર પ્રકાશ મહેરા શશી કપૂર અને તેમની ભત્રીજા વહુ બબીતાને લઈને બનેલી ફિલ્મ ‘હસીના માન જાયેગી’થી દિગ્દર્શક બન્યા, ફિલ્મ સારી હતી, સંગીત પણ સારું હતું એ બધું માન્યું. તે પછી ‘મેલા’, ‘સમાધિ’ જેવી હિટ ફિલ્મો પણ આપી તે ય માન્યું પણ પ્રકાશ મહેરાનો અને અમિતાભ બંનેનો સમય શરૂ થયો ‘ઝંઝીર’થી! (અને સાથે લેખકજોડી સલીમ-જાવેદનો પણ!) એ વાત સાચી કે દેવ આનંદ, રાજકુમાર અને ધર્મેન્દ્રની જે રોલ માટે વિચારણા પ્રકાશજીએ કરી હતી તે રોલ તેમણે સલીમ-જાવેદના સૂચનથી ત્યારે નિષ્ફળ જઈ રહેલા (અને નિષ્ફળ એટલે કેવો? લગભગ બાર કે તેર નિષ્ફળ ફિલ્મ આપી હતી અને ‘ઝંઝીર’ બની ત્યારે તેની ઓ.પી.રાલ્હનની ‘બંધે હાથ’ રિલીઝ થઈ અને નિષ્ફળ ગઈ ત્યારે વિતરકો ‘ઝંઝીર’માંથી હાથ પાછા ખેંચવા તૈયાર થઈ ગયા હતા!
‘ઝંઝીર’ એ રીતે જુઓ તો, પ્રકાશ મહેરા-અમિતાભ એ બંનેનો મરણિયો પ્રયાસ હતો. જે સમયે રાજેશ ખન્ના, શમ્મી કપૂર, રાજેન્દ્ર કુમાર વગેરેની રોમેન્ટિક ફિલ્મો આવતી હોય તે સમયે એક્શનના હાઇ ડોઝવાળી ‘ઝંઝીર’ આપવી એ બહુ મોટો જુગાર હતો. રોમાન્સના નામે મીંડુ! કોમેડી તો નહીંવત્ ! સંગીત સારું હતું પણ તોય સુપરડુપર હિટ કહેવાય તેવું આખું આલબમ (એટલે કે બધાં જ ગીતો) તેવું નહીં. (અને એ સમય યાદ રાખવો જોઈએ! રામગોપાલ વર્માની રોમાન્સ-સંગીત વગરની હાર્ડ હિટિંગ ફિલ્મો આજે પણ પીટાઈ જાય છે તો એ વખતે તો આવી મલ્ટિપ્લેક્સ ફિલ્મોનો જમાનો જ નહોતો.) તેમાંય પાછું અત્યાર સુધી વિલન તરીકે (કુ)ખ્યાત થઈ ગયેલા પ્રાણને ચરિત્ર અભિનેતામાં અને અજિતને વિલનની ભૂમિકામાં લેવાનો જુગાર પણ હતો. ફિલ્મ ચાલી-ખૂબ ચાલી અને અમિતાભ-પ્રકાશ મહેરાની જોડી પણ. (અને સાથે ઉમેરીએ કે ફિલ્મ પછી અમિતાભ-જયાની જોડી વાસ્તવિક જીવનમાં પણ બની ગઈ.)
એ એક્શન ફિલ્મ પછી અમિતાભ-વિનોદ ખન્નાની જોડીને લઈને કોમેડી ફિલ્મ ‘હેરા ફેરી’ બનાવી. તે પછી રોમેન્ટિક ફિલ્મ ‘મુકદ્દર કા સિકંદર’. તે પછી ફરી કોમેડી-મસાલા ફિલ્મ ‘નમક હલાલ’. ફરી રોમેન્ટિક ફિલ્મ ‘શરાબી’. તે પછી સાવ નવો પ્રયોગ. સાધુના નામે પાખંડીઓના આશ્રમમાં ચાલતી લીલાઓને ખુલ્લી પાડતી ફિલ્મ ‘જાદુગર’ બનાવી. પણ સરિયામ નિષ્ફળ ગઈ. અમિતાભની હદ બહારની ઓવરએક્ટિંગ. પ્રકાશ મહેરાની ફિલ્મોમાં જોવા મળે તેવું સંગીત નહોતું. ‘પડોશન અપની મુર્ગી કો રખના સંભાલ’ જેવું અત્યંત દ્વિઅર્થી ગીત. અને પ્રકાશ મહેરા રૂપી દીવાનો રચનાત્મક-સર્જનાત્મક પ્રકાશ જાણે કે ઓલવાઈ ગયો.
‘જાદૂગર’ને સમાંતર અમિતાભની જાદૂગરની જ ભૂમિકાવાળી અને તેમના બીજા ગોડફાધર મનમોહન દેસાઈની ‘તૂફાન’ આવી હતી અને બંને ફિલ્મો ન ચાલી. અમિતાભના બંને ગોડફાધર ખતમ થઈ ગયા હતા. એ વખતે એવું કહેવાતું હતું કે અમિતાભે (તેમની છબી જોતા માની શકાય તેવું નથી, પણ….પડદા પાછળની વાત ક્યારેક સાચીય હોઈ શકે) ‘જાદૂગર’ની વાર્તા મનમોહન દેસાઈ આગળ લીક કરી હતી. એવું હોય તો અમિતાભે પોતાના પગ પર જ કુહાડો માર્યો. એ ફિલ્મ પછી પ્રકાશ મહેરાના સંબંધોમાં ખટાશ આવી ગઈ.
ત્રણેક વર્ષ પહેલાં મુંબઈના ટેબ્લોઇડ ‘મિડ ડે’ અખબારને પ્રકાશ મહેરાએ, ‘અમિતાભ બચ્ચને મને છેતર્યો છે’ તેવા સનસનાટીસભર આક્ષેપવાળો ઇન્ટરવ્યૂ આપ્યો હતો. તેમાં આ ‘જાદૂગર’ અને ‘તૂફાન’માં અમિતાભે એકસરખી ભૂમિકા કરી હતી તેની જ ફરિયાદ હતી. પોતે જેમને સુપરસ્ટાર બનાવ્યો છે, જેની સાથે અત્યંત ગાઢ સંબંધ છે, જેના નામ પાછળ પોતે પોતાના દીકરાનું નામ રાખ્યું છે (પ્રકાશ મહેરાના ત્રણ દીકરા-સુમિત-અમિત અને પુનિત.) તે અમિતાભ આવું કરે? (યાદ રહે, નૈતિક મૂલ્યો કે એથિક્સ પાળનારા તો પ્રાણ હતા. અમિતાભની પહેલી સુપરહિટ ફિલ્મ ‘ઝંઝીર’માં પઠાણની ભૂમિકામાં કામ કરતા પ્રાણને મનોજકુમારે પોતાની ‘શોર’માં પઠાણની ભૂમિકા ઓફર કરી ત્યારે એમ કહીને તે નકારી કાઢી કે એકસરખી ભૂમિકા હું બે સમાંતર ફિલ્મોમાં કેવી રીતે કરી શકું? અને તે પછી મનોજકુમારે પ્રાણનો સદંતર બહિષ્કાર કર્યો હતો!)
‘શરાબી’ પછી અમિતાભ પ્રકાશ મહેરા સાથે પછી તો સંપર્ક નહોતા રાખતા તેવું પ્રકાશે કબૂલ્યું પણ તેઓ સમજતા હતા કે આ ફિલ્મોદ્યોગ નર્યો સ્વાર્થનો છે. ‘અમિતાભ ખૂબ વ્યસ્ત હતા એટલે તેમની પાસે મારા માટે સમય ક્યાંથી હોય?’ તેમ કહેતા પ્રકાશજી પ્રેક્ટિકલી અમિતાભની વાત પણ સમજતા હતા. એટલે જ તરત તેમણે એમ ઉમેરી દીધું કે તેમની જગ્યાએ પોતે હોત તો પોતે પણ તેમ જ કર્યું હોત.
પરંતુ અમિતાભ અને પ્રકાશ મહેરા વચ્ચે સાવ સંપર્ક સેતુ જ તૂટી ગયો હતો તેવું નહોતું. અમિતાભનો ‘કૌન બનેગા કરોડપતિ’ શો ચાલતો હતો ત્યારે અમિતાભને સ્ક્રિપ્ટ સાંભળવા બોલાવ્યા તો સામે અમિતાભ દોડતા દોડતા શૂટિંગ અધૂરું મૂકીને-મેક અપ સાથે ગયા હતા તેવું પ્રકાશજીએ આ ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું હતું. જોકે અમિતાભે વાર્તા ગમી છે, પણ અત્યારે નહીં કરી શકું તેમ કહીને નમ્રતાથી ના પાડી દીધી હતી. તે પછી પ્રકાશ મહેરાને અમિતાભ-જયા અને સાથે અભિષેકને લઈને ‘ઝંઝીર’ની સિક્વેલ બનાવવી હતી પણ અમિતાભનો પરિવાર તૈયાર જ ન થયો.
સાહિત્યકાર પિતાના પુત્ર અમિતાભ-સારા લેખક કાદરખાન અને પોતે –સંગીતકાર કલ્યાણજી-આણંદજી-ગીતકાર અન્જાન અને સાથે પોતે પણ-સહાયક દિગ્દર્શક (પ્રકાશ મહેરાની ફિલ્મોમાં પ્યારેલાલ તથા ભૈરવ બનતા) રામ પી. શેઠી અને ચરિત્ર અભિનેતા ઓમપ્રકાશ એમ મળીને જે ટીમ બની હતી તે ટીમે અદ્ભુત ફિલ્મો આપી. અગાઉ જે વાત કરી છે કે અમિતાભ અને પ્રકાશ મહેરા એકબીજાના પૂરક હતા, તેને અનુમોદન આપતી દલીલ કરીએ તો, ‘ઝંઝીર’માં અમિતાભે એવું સૂચન કર્યું હતું કે વિજયનો ગુસ્સો તેની આંખોથી બતાવવો. તેને ચૂપ બતાવવો. તે સૂચન પ્રકાશજીએ માન્ય રાખ્યું હતું. અને ‘મુકદ્દર કા સિકંદર’ કે ‘શરાબી’માં જે અભિનયનું ઉંડાણ અમિતાભે બતાવ્યું છે તે બીજું કોણ બતાવી શક્યું હોત?
‘મુકદ્દર કા સિકંદર’ એ પ્રકાશ મહેરાના અર્થઘટનવાળી ‘દેવદાસ’ હતી. પણ એ વખતે તેમણે કંઈ ‘દેવ ડી’ બનાવનારા અનુરાગ કશ્યપની જેમ ઢોલ નહોતા પીટ્યા કે જુઓ! આ મારી દેવદાસ છે કે નહોતો કંઈ અશ્લીલતાનો ઓવરડોઝ કર્યો. તેમાં ફિલસૂફી પણ હતી અને રોમાન્સ પણ. ત્યાગ પણ હતો અને લડાઈ પણ. કોમેડી પણ હતી.
યસ. કોમેડી. ‘મુકદ્દર કા સિકંદર’ હોય કે ‘હેરા ફેરી’, પ્રકાશ મહેરાની ફિલ્મોનાં કોમેડી દૃશ્યો અદ્ભૂત હતા. ‘મુકદ્દર કા સિકંદર’માં અમિતાભ અને રામ પી. શેઠી (પ્યારેલાલ)નું દૃશ્ય યાદ છે? દારૂ પીને રાખીના ઘરની સામે પોતાના જ ઘરની બહાર અમિતાભ પ્યારેલાલને કહે, ‘અમ્મા પ્યારેલાલ, આપ ઈધર જાઈએ હમ ઉધર જાતે હૈં’. ‘હેરા ફેરી’માં આ જ રામ પી. શેઠી એક દારૂડિયો હોય છે. અમિતાભ કે વિનોદ ખન્ના બંનેમાંથી એક (ચોક્કસ યાદ નથી) જુગાર રમે છે અને બંનેમાંથી એક, બીજાનો બાતમીદાર હોય છે અને તે, આ દારૂડિયા-રામ પી. શેઠી જ્યારે જ્યારે કેબિનમાંથી બહાર નીકળે ત્યારે ત્યારે તેને ભટકાય અને ધક્કાથી પેલો દારૂડિયો કેબિનમાં પાછો ચાલ્યો જાય. અને પેલું દૃશ્ય? ભલે, કિશોરકુમારની ‘હાફટિકિટ’માંથી ઉઠાવેલું, પણ ‘નમક હલાલ’નું ‘અરે, યે મખ્ખી કી ઇતની ઝુર્રત કિ અમીરચંદ કે શિર પે બૈઠ ગઈ’ (હોટલ વેચવાનું દૃશ્ય ) કે પછી ‘ભૈરવ બિકમ્સ બૈરો…ઇંગ્લિશ ઇજ અ વેરી ફન્ની લેંગ્વેજ’ (નમક હલાલ) કે પછી નવીનત્તમ પ્રકારનું લડાઈનું, ‘શરાબી’નું-જ્યારે જયાપ્રદાનું સરનામું પૂછવા અમિતાભ જાય છે ત્યારે ગુંડો સુધીર અને તેના ત્રણ સાથીદારો અમિતાભનું પાકિટ-ચેન વગેરે લૂંટી લે છે, દૃશ્ય ‘એક વો થે ઔર એક આપ હૈ’.
પ્રકાશ મહેરા વિશે લખવું હોય તો ઘણું લખી શકાય (માત્ર નિર્માત તરીકે તેમની કારકિર્દી હોય કે ગીતકાર તરીકે કે પછી તેમના-ક્યારેય શરૂ નહીં થયેલા હોલિવૂડ પ્રોજેક્ટ વિશે કે અનિલ કપૂર-માધુરીની ‘ઝિંદગી એક જુઆ’ કે પછી સાવ વાહિયાત ‘દલાલ’ વિશે કે પછી ઝી ટીવી પર જ રજૂ થયેલી-જાવેદ જાફરીવાળી ‘મિ. શ્રીમતી’) પરંતુ એમની ‘શરાબી’ના સંવાદ સાથે તેમની શ્રદ્ધાંજલિને એમ કહીને અટકાવીએ કે,
‘એક વો (દિગ્દર્શક) થે ઔર એક આપ હૈ.’ હા, હૈ. એટલા માટે કે તેઓ સદાય આપણા હૃદયમાં વસતા રહેવાના છે, તેમની અદ્ભુત ફિલ્મો થકી.
2 comments 19/05/2009
ઔર ઇસ દિલ મેં ક્યા રખા હૈ, તેરા હી નામ છૂપા રખા હૈ
દિગ્ગજ નિર્માતા-નિર્દેશક-ગીતકાર-લેખક અને અમિતાભ બચ્ચનને સુપરસ્ટાર બનાવનાર પ્રકાશ મહેરાનું રવિવારે નિધન થયું. તેમને વિગતવાર શ્રદ્ધાંજલિ હવે પછીની પોસ્ટમાં. ત્યાં સુધી તેમનાં આ એક-એકથી ચડિયાતા ગીતો સાંભળીને-ગણગણીને-યાદ કરીને તેમને અંજલી અર્પીએ.
(૧) બેખુદી મેં સનમ ઉઠ ગયે જો કદમ – હસીના માન જાયેગી (૨) ચલે થે સાથ મિલકર ચલેંગે સાથ મિલકર- હસીના માન જાયેગી (૩) ઓ દિલબર જાનીયે તેરે હૈં હમ તેરે –હસીના માન જાયેગી (૪) ગોરી કે હાથ મેં ચાંદી કા છલ્લા – મેલા (૫) ઋત હૈ મિલન કી સાથી મેરે આ રે- મેલા (૬) કાંટા લગા – સમાધિ (૭) જબ તક રહે તન મેં જિયા – સમાધિ (૮) વાદા કર લે સાજના – હાથ કી સફાઈ (૯) હમ કો મોહબ્બત હો ગઈ હૈ તુમ સે- હાથ કી સફાઈ (૧૦) પીનેવાલોં કો પીને કા બહાના ચાહિયે – હાથ કી સફાઈ (૧૧) તૂ ક્યા જાને વફા ઓ બેવફા – હાથ કી સફાઈ (૧૨) યારી હૈ ઇમાન મેરા યાર મેરી ઝિંદગી – જંઝીર (૧૩) ચાકૂ છૂરીયા તેઝ કરાલો – જંઝીર (૧૪) દીવાને હૈ દીવાનોં કો ના ઘર ચાહિયે – જંઝીર (૧૫) બના કે ક્યૂં બિગાડા રે બિગાડા રે નસીબા ઉપરવાલે – જંઝીર (૧૬) ના તેરી હૈ ના મેરી હૈ યે વક્ત કી હેરા ફેરી હૈ – હેરા ફેરી (૧૭) સલામ-એ-ઇશ્ક મેરી જાન ઝરા કુબૂલ કર લો- મુકદ્દર કા સિકંદર (૧૮) રોતે હુએ આતે હૈ સબ – મુકદ્દર કા સિકંદર (૧૯) દિલ તો હૈ દિલ દિલ કા એતબાર ક્યા કિજૈ – મુકદ્દર કા સિકંદર (૨૦) ઓ સાથી રે તેરે બિના ભી ક્યા જીના- મુકદ્દર કા સિકંદર (૨૧) પ્યાર ઝિંદગી હૈ પ્યાર બંદગી હૈ – મુકદ્દર કા સિકંદર (૨૨) વફા જો ન કી તો જફા ભી ના કી જૈ – મુકદ્દર કા સિકંદર (૨૩) કભી તુમને કિસી કો ફાસા કભી હમને કિસી કો ફાસા યે પ્યાર કી સૌદેબાજી તમાશા હૈ તમાશા – જ્વાલામુખી (૨૪) અપની તો જૈસે તેસે – લાવારિસ (૨૫) કબ કે બિછડે હુએ હમ આજ કહાં આ કે મિલે – લાવારિસ (૨૬) કાહે પૈસે પે તૂ ઈતના ગુરૂર કરે હૈ – લાવારિસ (૨૭) મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ – લાવારિસ (૨૮) જિસ કા કોઈ નહીં ઉસ કા તો ખુદા હૈ યારો – લાવારિસ (૨૮) પગ ઘૂંઘરુ બાંધ મીરા નાચી થી- નમક હલાલ (૨૯) આજ રપટ જાયેં તો હમેં ના ઉઠય્યો- નમક હલાલ (૩૦) રાત બાકી બાત બાકી – નમક હલાલ (૩૧) જવાની જાનેમન હસીન દિલરુબા – નમક હલાલ (૩૨) થોડી સી જો પી લી હૈ ચોરી તો નહીં કી હૈ – નમક હલાલ (૩૩) જહાં ચાર યાર મિલ જાયેં વો હી રાત હો ગુલઝાર – શરાબી (૩૪) મુઝે નો લખા મંગા દે રે તેમજ લોગ કહેતે હૈ મૈં શરાબી હૂં – શરાબી (૩૫) દે દે પ્યાર દે પ્યાર દે પ્યાર દે રે હમેં પ્યાર દે – શરાબી (૩૬) મંઝિલેં અપની જગહ હૈ –શરાબી (૩૭) ઇમ્તિહાં હો ગઈ ઇંતઝાર કી – શરાબી (૩૮) ઔર ઇસ દિલ મેં ક્યા રખ્ખા હૈ – ઈમાનદાર (૩૯) યે ઝિંદગી હૈ એક જુઆ – ઝિંદગી હૈ એક જુઆ (૪૦) દિલ તો દિલ હૈ – ઝિંદગી એક જુઆ (૪૧) કભી કુછ ખોયા કભી કુછ પાયા- ઝિંદગી એક જુઆ (૪૨) મૈંને ભી તો ચોરી ચોરી તેરે સંગ અંખિયાં મિલાઇ રેં – દલાલ (૪૩) ઠહરે હુએ પાની મેં – દલાલ (૪૪) અટરિયા પે લોટન કબૂતર રે (શબ્દો કરતાં તેની ધૂન બદલ આ ગીત પસંદ કર્યું છે)- દલાલ
Add comment 18/05/2009
બીમાર બોલિવૂડ!
ના! આ કંઈ બોલિવૂડની ખરાબ ફિલ્મોના અર્થમાં પ્રયોજાયેલું શીર્ષક નથી. પણ બોલિવૂડમાં અચાનક આવેલી માંદગી છે. (મંદી કોણ બોલ્યું?)

arsad sami khan : father of adnan sami
વિશ્વાસ ન આવતો હોય તો જુઓ, આ રહ્યો પુરાવો. અદનાન સામીના પિતા બીમાર છે. ભૂતપૂર્વ પાકિસ્તાની ડિપ્લોમેટ અર્શદ સામી ખાનને સ્વાદુપિંડના કેન્સર માટે મુંબઈની કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમની ખબર પૂછવા અમિતાભ બચ્ચન-શાહરુખ ખાન, રાજેશ ખન્ના, સાયરાબાનુ સહિત બોલિવૂડના માંધાતાઓ ઉમટી પડ્યા હતા.
આ જ હૉસ્પિટલમાં જાણીતા નિર્માતા-નિર્દેશક પ્રકાશ મહેરાનું નિધન થયું. તો રાજેશ ખન્નાની સાળી સિમ્પલ કાપડિયા (જેણે રાજેશ ખન્ના સાથે ‘અનુરોધ’ ફિલ્મમાં હિરોઈન તરીકે કામ કર્યું) પણ ખૂબ જ બીમાર છે અને તેને પણ આ જ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. નિર્માતા-નિર્દેશક કરણ જોહરની માતા હીરુ જોહરને પણ ન્યૂરો સર્જરી આ હૉસ્પિટલમાં કરવામાં આવી.
બાય ધ વે, કરણ જોહરની માતા હીરુ જોહરને કેમ ન્યુરો સર્જરી કરાવવી પડી હશે? જે ‘મા કા લાડલા બિગડ ગયા’ (ફિલ્મ ‘દોસ્તાના’) હોય તેની માતાને ન્યુરો સર્જરી જ કરાવવી પડે ને! LOL
-
Add comment 17/05/2009
નસીરુદ્દીન શાહનું ઓસ્કાર વિશે મંતવ્ય
એક મુલાકાતમાં વિચારવંત અભિનેતા નસીરુદ્દીન શાહે ‘સ્લમડોગ મિલિયોનેર’ વિશે કહ્યું છે કે તે મનમોહન દેસાઇ બનાવતા હતા તે પ્રકારની ફિલ્મ છે. કઈ ફિલ્મને ઓસ્કાર મળવો જોઈતો હતો તેના વિશે તેમણે કહ્યું કે આપણે એક નગ્ન માણસની મૂર્ખ પ્રતિમા (ઓસ્કાર એવોર્ડ) અંગે શા માટે આપણા મગજને તસદી આપવી જોઈએ? તે વિશેષ લાગે તેવું તેમાં શું છે? આખું રાષ્ટ્ર શા માટે તેના પર આટલું પ્રસન્ન થઈ ગયું છે? આપણા પાન મસાલા અને ટેલકમ પાવડર એવોર્ડ જેટલો જ બોગસ એવોર્ડ ઓસ્કારનો પણ છે. એ.આર. રહેમાન અને રસૂલ પોકુટ્ટીની ખુશી હું સમજી શકું છું. પણ મને એ નથી સમજાતું કે આપણે આટલા બધા આનંદિત શા માટે થઈ જવું જોઈએ.
Add comment 20/03/2009
માન ન માન, તૂ મેરા રહેમાન!
‘સ્લમડોગ…’ને આઠ ઓસ્કર મળી ગયા છે અને રહેમાનને બે. એક ઇતિહાસ રચાઈ ચૂક્યો છે. જ્યારે પણ ઓસ્કરની વાત નીકળશે ત્યારે રહેમાનની વાત નીકળશે. ઘરઆંગણે રહેમાનનાં ગુણગાન ગવાતાં જ હતા, પણ એવોર્ડ મળ્યા પછી તો પ્રસારમાધ્યમોએ રહેમાન સંગીતનો દેવતા છે તેમ કહેવામાં જ બાકી રાખ્યું છે. પણ દિલીપકુમારમાંથી એ.આર.રહેમાન બની ગયેલા રહેમાનના સંગીતમાં, જેટલી પ્રશંસા થાય છે તેવો જાદુ ખરેખર છે ખરો એ આ જ તબક્કે તપાસવું જોઈએ.
રહેમાનને સંગીતકાર તરીકે આવ્યાને જુમ્મા જુમ્મા સોળ વર્ષ થયાં છે. આ સોળ વર્ષમાં તેણે તમિલ, તેલુગુ વગેરે દક્ષિણની અને હિન્દી ફિલ્મો સહિત 106 ફિલ્મો કરી છે તેમ આઇએમડીબી કહે છે. કેટલાં વર્ષ થયાં કે કેટલી ફિલ્મો આપી તે સફળતાની પારાશીશી ન જ ગણાય, પણ આ દરમિયાન કેટલી ધૂનો રિપીટ કરી તે તો પારાશીશી ગણાય જ ને.અને તમિલ ફિલ્મની ધૂન હિન્દીમાં રિપીટ કરવી તે ભલે ચોરી નથી તો પણ પ્રશંસાની બાબત પણ નથી. કેટલાક ગુજરાતી કટારલેખકો જેમ અમુક તહેવાર કે પ્રસંગ બને ને ચોક્કસ પ્રકારનું એકનું એક લખાણ ફરી થોડા ફેરફાર સાથે છાપવા આપી દે તેવું જ થયું. તમિલ ધૂન સાંભળી ન હોય એટલે દક્ષિણની ફિલ્મોના દર્શક સિવાયનાને ખબર ન હોય, એટલે સ્વાભાવિક જ આપણે તે ધૂનથી પ્રભાવિત થઈ જઈએ. એક વાર સર્ફિંગ કરતાં કરતાં તમિલ મૂવી ચેનલ જોઈ ત્યારે ગીતની ધૂન સાંભળી ચોંકી જવાયું. (2000ની આસપાસની વાત છે.) એ ધૂન 1947 અર્થના રુત આ ગઈ રે (ગાયક – સુખવિંદરસિંહ, બીજું કોણ?) ગીતની બેઠી ધૂન હતી. હિન્દીમાંથી તમિલમાં કોપી થાય તેવું બહુ ઓછું બને છે.
ધૂનચોરી રહેમાને નથી કરી તેવું નથી. તેના દાખલા આપીએ તે ઓછા છે. સરોદવાદક ઉસ્તાદ અલી અકબર ખાને રહેમાનને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યા પછી આપેલા એક ઇન્ટરવ્યૂમાં એકદમ બરાબર તાર પકડ્યો હોય તેમ તેઓ કહે છે, રહેમાન આપણા માટે ગૌરવરૂપ છે, પણ તે ભારતનો મહાન ફિલ્મસંગીતકાર છે તેમ ન કહી શકાય. તેઓ દાવો કરે છે કે રહેમાને દિલ સેના ગીત એ અજનબી (આ લખનારના મતે ઉદિત નારાયણના પરિપક્વ અવાજમાં તે બહુ જ સુંદર રચના બની છે)ની ધૂન શંકર-જયકિશનના સંગીતમઢેલા ગીત મંઝિલ વોહી હૈની બેઠી નકલ છે. આગળ વધીને તેઓ એમ કહે છે કે દિલ સેના જ બહુ વખણાયેલા (તેના શબ્દો કે અર્થ જેમને સમજાય તે મને સમજાવવા વિનંતી. ગુલઝારસાહેબની પ્રશસ્તિના સંદર્ભમાં પણ લખવું છે, પણ તે નિરાંતે.) ગીત છૈયાં છૈયાં એ શ્રી 420ના રમૈયા વસ્તાવૈયાની સીધી નકલ છે, રહેમાને માત્ર લય (બીટ) ઝડપી કરી નાખ્યો છે એટલું જ.
રહેમાનની ઉઠાંતરીકળાનો તાજો નમૂનો જોઈએ છે? બહુ વખણાયેલી ફિલ્મ ગઝિનીના ગીત- કૈસે મિલ ગયે મુઝે તુમ-ને જરા યાદ કરો. કંઈ યાદ આવ્યું? અરે ગીતમાં શરૂઆતમાં જ આવતો આલાપ તો સુભાષ ઘઈની યુવરાજમાં આજા મૈં ફનાઓ મેં બિઠા કે લે ચલૂં તુજ કો ગીતમાં આવતો આલાપ જ છે, તેવું લાગ્યું ને. હવે આલાપ પછી ગાયકના અવાજે કૈસે મુઝે તુમ મિલ ગયી ધૂન સાંભળો. યસ,આ ધૂન તો સાંભળેલી છે. મગજને થોડું કસો. એ ધૂન તો 2001માં આવેલી ફિલ્મ રહેના હૈ તેરે દિલ મેંના કૈસે મૈં કહૂં તુજ સે, રહેના હૈ તેરે દિલ મેંને ઘણી મળતી આવે છે. એ ફિલ્મમાં સંગીત દક્ષિણના જ હરીશ જયરાજનું હતું. અને હરીશ (તેના સ્પેલિંગ પ્રમાણે તો હર્રીશ લખવું જોઈએ.) જયરાજ એક સમયે રહેમાનનો સહાયક હતો. એટલે હરીશે તમિલ ફિલ્મમાં રહેમાને આપેલી ધૂનની ઉઠાંતરી રહેના હૈ તેરે દિલ મેં વખતે કરી હતી કે કેમ તે જાણવું પડે, પણ જો તેમ ન હોય તો, શેમ ઓન યૂ રહેમાન ફોર લિફ્ટિંગ યોર ઓન વન ટાઇમ આસિસ્ટન્ટ્સ ટ્યૂન!
રહેમાનના સંગીતને તોલવા માટે તેની કારકિર્દીના લેખાજોખા લેવા જોઈએ. તેણે શરૂઆત રોજાથી કરી. આવતાની સાથે તે છવાઈ ગયો. (ક્રેડિટ ગોઝ ટૂ મિડિયા). તેણે જેટલી હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યું છે તેમાં કેટલી સંગીતની રીતે પણ સફળ રહી? (કમર્શિયલ સક્સેસની વાત જવા દો.) રોજા, રંગીલા, બોમ્બે, દૌડ (અલબત્ત,તે ટિકિટબારીએ તો ઊંધા મોંઢે પડકાઈ હતી.), જીન્સ, દિલ સે, તાલ, અર્થ, લગાન, સાથિયા, સ્વદેશ, રંગ દે બસંતી, ગુરુ, જોધા અકબર, જાને તૂ યા જાને ના. ધેટ્સ એન્ડ! અને સંગીતની રીતે નિષ્ફળ રહેલી ફિલ્મોની વાત તો કોઈ કરતું જ નથી. યાદી ગણવી હોય તો શરૂ કરો. જેન્ટલમેન, ઇન્ડિયન, વિશ્વવિધાતા, ડોલી સજા કે રખના, કભી ના કભી, લવ યૂ હંમેશાં, તક્ષક, પુકાર, ઝુબૈદા, વન ટૂ કા ફોર (એ વળી કઈ ફિલ્મ? શાહરુખ અને જૂહીની નોંધ પણ ન લેવાયેલી ફિલ્મ), નાયક, ધ લિજેન્ડ ઓફ ભગતસિંહ, તહઝીબ, લકીર, મીનાક્ષી, યુવા, કિસના, નેતાજી સુભાષચંદ્ર બોઝ, ધ રાઇઝિંગ : બલાડ ઓફ મંગલ પાંડે, દિલ્લી 6. લગભગ 15 હિટ ફિલ્મો અને 20 નિષ્ફળ ફિલ્મો (એ પણ સંગીતની રીતે.)
એની સામે લગભગ 30 વર્ષ અને 463 ફિલ્મોમાં સંગીત આપનાર લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત જો તોલવામાં આવે તો સો રહેમાન મૂકો તો પણ એલ.પી. કે ફોર ધેટ મેટર, આર.ડી. બર્મનનું પલ્લું ઝૂકેલું જ રહે. અને ઓછી ફિલ્મોમાં ઉત્તમ સંગીત આપનાર, ક્રિકેટની ભાષામાં કહીએ તો, સારી સ્ટ્રાઇક રેટ ધરાવનાર, ખય્યામ, સલીલ ચૌધરી, હેમંતકુમાર, રોશન કે તેમના સુપુત્ર રાજેશ રોશનની બરોબરી કરવાનું પણ રહેમાનનું ગજું નથી. શંકર-જયકિશન, સચિન દેવ બર્મન જેવા ધૂરંધરોની તો વાત જ ક્યાં કરવી? બીજું કંઈ નહીં, તોય ધૂનચોર તરીકે બહુ વગોવાયેલા અનુ મલિકને પણ રહેમાને હંફાવવાના બાકી છે. (એ આજે 29 વર્ષ પછી પણ યુવાનોને ગમે તેવું, રહેમાન જે પ્રકારનું સંગીત આપે છે તેવું, મૈં ટલ્લી હો ગઈ ગીત આપી શકે છે, જોકે એને સારું કહેવાય કે કેમ તે બાબતે શંકા છે, પણ તોય…) અનુ મલિકે એક જાન હૈં હમ, સોહની મહિવાલ, ગંગા જમુના સરસ્વતી (સાજન મેરા ઉસ પાર હૈ-ગીત પર તો જાન પણ કુર્બાન!), આવારગી (મોહમ્મદ અઝીઝ અને લતાનાં બે ગીતો : એ મેરે સાથિયા અને બાલી ઉમરને મેરા હાલ વો કિયા, આ હા હા, મર જાવાં!), રાધા કા સંગમ (ઓ રાધા તેરે બિના તેરા શ્યામ હૈ આધા), ફિર તેરી કહાની યાદ આઈ, બાઝિગર, સર, મૈં ખિલાડી તૂ અનાડી, ઇમ્તિહાન (ઇસ તરહ આશિકી કા અસર છોડ જાઉંગા), અકેલે હમ અકેલે તુમ, ઘાતક (કોઈ જાયે તો લે આયે), ઇશ્ક, કરીબ (ધીરે ધીરે નઝરેં મિલી ગીત તો 50થી 60ના દશકની યાદ અપાવે તેવું ગીત હતું), મુઝે કુછ કહેના હૈ, યાદેં, અસોકા (રાત કા નશા અભી આંખ સે ગયા નહીં), અજનબી (તૂ સિર્ફ મેરા મહેબૂબ), મૈં પ્રેમ કી દીવાની હૂં, મર્ડર, મૈં હૂં ના (બધા જ ગીતો, પણ કવ્વાલી તુમ સે મિલ કે દિલ કા જો હૈ હાલ ક્યા કહેં અને સ્વીટેસ્ટ વોઇસ અભિજીતના અવાજવાળું, તુમ્હેં જો મૈંને દેખા), સાવ નિષ્ફળ ગયેલી પણ સંગીતની રીતે ખૂબ જ સુંદર ફિલ્મ એલઓસી, મુન્નાભાઈ એમબીબીએસ, નો એન્ટ્રી (ટાઇટલ ગીતની ધૂન આખી ફિલ્મમાં રિપીટ થયા કરે અને કેવી ફની લાગે, રહેમાને કોઈ કોમેડી ફિલ્મમાં આવી ધૂન આપવાનો પડકાર ઉપાડવો જોઈએ), ફરાહ ખાનના પતિ શિરીષ કુંદરની નિર્દેશક તરીકે પહેલી ફિલ્મ જાન-એ-મન, ઉમરાવજાન…યાદી બહુ મોટી છે.
જોકે અનુ મલિકની જે નબળાઈ છે તે રહેમાનની પણ છે…પોતે સારો ગાયક ન હોવા છતાં ફિલ્મોમાં ગાયા કરે છે. કોઈ પણ સંગીતનો ઠીક-ઠીક જાણકાર પણ એ વાત કબૂલશે કે રહેમાન સારો ગાયક નથી. ઊંચા સૂરમાં તો તેનો અવાજ ફાટી જાય છે. બીજું એ કે તેને હિન્દી ઓછું સમજાતું હોય તેવું મને લાગે છે. અને એટલે જ તેણે ગાયેલાં ગીતોમાં એ ભાવ નથી આવી શકતો જે આવવો જોઈએ. ઉચ્ચારણ જ બરાબર નહીં. રામગોપાલ વર્માની ઉત્તમ કોમેડી ફિલ્મ દૌડની એ વખતે ટીવી પર આવતી જાહેરખબર યાદ છે? તેમાં જે રીતે રહેમાન દ્વારા ગવાયેલું (કે બોલાયેલું?) દૌડ રજૂ થતું તે એમ જ સંભળાય…દા…ઉ…દ! અને આ મજાક નથી! ગીત તો દિલ સે જ ગવાવું જોઈએ, મિ. રહેમાન! નહીં તો તેની મજા મરી જાય. તેના સંગીતમાં બીજી એક ખામી એ છે કે શબ્દો પર લય હાવી થઈ જાય છે. તેનાં ગીતોના શબ્દો કેટલા યાદ છે? બોમ્બેના એક હો ગયે હમ ઔર તુમ…ગીત બહુ વખણાય છે. પણ તેને ગાયું છે ગાયનમાં રહેમાનના જ ભાઈ રેમો ફર્નાન્ડિઝે. એટલે એક હો ગયે હમ્મા તુમ એવું સંભળાય. આ ગીતના શબ્દો કેટલા યાદ છે? ચાલો, લેટેસ્ટ ઉદાહરણ આપું. માહિયા માહિયા…ગીત જ લઈ લો. ગુરુના ઉત્તમ કોરિયોગ્રાફ્ડ એવા આ ગીતના શબ્દો યાદ છે?
રહેમાનના આટલાં ગુણગાન ગવાય છે તેની પાછળ તેના મિડિયોકર સંગીત ઉપરાંત તેની નોનકન્ટ્રોવર્સિયલ ઇમેજ પણ છે. ઉપરાંત તેણે હજુ ઓછી ફિલ્મોમાં સંગીત પીરસ્યું છે. અને છતાંય જો ધૂન રિપીટ કરવી પડતી હોય તો વાત કયાં ગઈ? બાકી, અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવો તે મહાનતા ન હોઈ શકે. કમ્પ્યૂટર સોફ્ટવેર તમને ધૂન બનાવી દઈ શકે, તમારા અવાજને સુધારી શકે, પણ ગીતના ભાવ લાવી શકશે? રાજ કપૂરની ફિલ્મ જિસ દેશ મૈં ગંગા બહતી હૈના હૈ આગ હમારે સીને મેં…માં લતાજી જે રીતે ઓય હોય હોય બોલે છે તે ચમત્કાર બીજું કોઈ ન કરી શકે. આશાએ જે કમાલ દૈયા રે મૈં કહાં આ ફસીમાં કરી છે તેમાં આશા ઉપરાંત શ્રેય આર.ડી.ને પણ બરાબરનો મળવો જોઈએ.
તો શું રહેમાને સાવ હલકા સ્તરનું જ સંગીત પીરસ્યું છે? ના. દિલ સેના -અગાઉ કહ્યું તે -એ અજનબી ગીત કે પછી સ્વદેશના યૂં હી ચલા ચલ (મોટિવેશનલ ગીતો ઓછા બનવાં લાગ્યાં છે, પણ છેલ્લાં કેટલાક સમયમાં બનેલાં ઉત્તમ મોટિવેશનલ ગીતો પૈકીનું એક), યે જો દેસ હૈ મેરા (એમાંય શરૂઆતમાં જે શરણાઈનો પીસ આવે છે, અફલાતૂન! તેને તો વિવિધ ભારતીએ બપોરે કાર્યક્રમોની જાહેરાતમાં અને એનડીટીવીએ સાત અજાયબીની જાહેરખબરમાં સુંદર વણ્યો છે.), જોધા અકબરનું કહેને કો જશ્ન એ બહારા હૈ, લગાનનું ઘનન…(છેલ્લાં કેટલાક સમયમાં બનેલા ઉત્તમ ક્લાસિકલ મ્યૂઝિક આધારિત ગીતો પૈકીનું એક), તેની શરૂઆતની કારકિર્દીનું દિલ હૈ છોટા સા, તાલના તો બધાં જ ગીતો (ખાસ કરીને તાલ સે તાલ મિલા અને ઇશ્ક બિના ક્યા જીના યારોં), ગુરુનું ઓ હમદમ બિન તેરે ક્યા જીના અને ઐ હૈરતે આશિકી…
છેલ્લે એક સ્પષ્ટતા કરી દઉં : હું રહેમાનનો વિરોધી નથી. મને તો તમામ સારું સંગીત ગમે. પણ આ બ્લોગપોસ્ટ રહેમાનની વધુ પડતી સ્તુતિની સામે માત્ર સાચો પક્ષ રજૂ કરવા મૂકી છે.
1 comment 26/02/2009
રહેમાનને ઓસ્કર…કહેને કો જશ્ન એ બહારા હૈ

રહેમાનને ઓસ્કર : કહેને કો જશ્ન એ બહારા હૈ...ઇશ્ક યે દેખ કે હૈરાં હૈ!
‘મધર ઇન્ડિયા’, ‘સાહિબ બીબી ઔર ગુલામ’, ‘રેશ્મા ઔર શેરા’, ‘સૌદાગર’, ‘ગરમ હવા’, ‘મંથન’, ‘શતરંજ કે ખિલાડી’, ‘સારાંશ’, ‘સાગર’, ‘પરિન્દા’, ‘અંજલી’, ‘હીના’, ‘રુદાલી’, ‘ઇન્ડિયન’, ‘ગુરુ’, ‘જીન્સ’, ‘અર્થ’, ‘હે રામ’, ‘દેવદાસ’, ‘શ્વાસ’, ‘પહેલી’, ‘રંગ દે બસંતી’, ‘એકલવ્ય’, ‘તારે ઝમીં પર’, ‘નાયકન’, ‘બેન્ડિટ ક્વીન’…આ બધી એવી હિન્દી કે ભારતીય ભાષાની ફિલ્મો છે જેમને ભારત તરફથી ઓસ્કર એવોર્ડ માટે મોકલવામાં આવી હતી, પરંતુ તેમને નામાંકન પણ ન મળ્યું. (એટલે કે એવોર્ડ મળવાને લાયક પણ ન ગણવામાં આવી.)
‘સલામ બોમ્બે’ અને ‘લગાન’ (એડી ચોટીનું જોર લગાવ્યા બાદ અને આમિર ખાને પોતે કબૂલ્યું છે તેમ ખૂબ જ લોબિઇંગ કર્યા પછી)ને અમેરિકનોના પ્રભુત્વવાળા ઓસ્કરમાં કમ સે કમ એવોર્ડ મળવા માટે લાયક ગણવામાં આવી.
અને હવે ‘સ્લમડોગ મિલિયોનેર’ને આઠ આઠ એવોર્ડ મળી ગયા છે. ફિલ્મથી માંડીને તેના નિર્દેશકથી સ્પોટબોય સુધી બધાની હવે જય હો થશે, અલબત્ત, એવોર્ડ મળ્યા પહેલાં જ થવા લાગી હતી. અત્યાર સુધી ભાનુ અથૈયા અને સત્યજીત રે એમ બે ભારતીયને આ ઓસ્કર એવોર્ડ મળ્યા છે. આ વખતે એક સાથે ત્રણ ભારતીય એ આર રહેમાન, ગુલઝાર અને રસૂલ પોકુટ્ટીને એવોર્ડ મળી ગયા છે. એટલે સંખ્યા ત્રેવડાઈ તેનો જયજયકાર પણ કરનારા કરશે.
રહેમાને તેના એવોર્ડ સ્વીકારવાના વક્તવ્યમાં કહ્યો તે, ‘મેરે પાસ માં હૈ’ સંવાદ જે ફિલ્મનો છે તે ‘દીવાર’ સહિતની અનેક હિન્દી ફિલ્મો 1913થી અત્યાર સુધી બનતી આવી છે અને તેમાંની ઘણી ફિલ્મોએ, ભલે તે મસાલા ફિલ્મ તરીકે ગણાવાઈ હોય પણ આપણું ભરપૂર મનોરંજન કર્યું છે અને ઘણી એવી ફિલ્મો છે જેને ઓસ્કરની દૃષ્ટિએ ભલે નોંધપાત્ર પણ ન ગણાઈ હોય, પણ તે અનેક રીતે કોઈ પણ ઓસ્કર ફિલ્મને આંટી મારે તેવી છે. મહેબૂબ ખાનની ‘મધર ઇન્ડિયા’ હોય કે એમ.એસ.સત્યુની ‘ગરમ હવા’ કે પછી સત્યજીત રેની ‘શતરંજ કે ખિલાડી’ કે શ્યામ બેનેગલની ‘મંથન’ કે છેલ્લે આમિર ખાનની ‘તારે ઝમીં પર’..આ બધી ફિલ્મો ઓસ્કર મેળવવા પૂરી હકદાર હતી જ, હતી, પરંતુ ત્યારે તેની નોંધ કેમ ન લેવાઇ? કારણકે એ વખતે ભારતીયોને લોબિઇંગની કળા (કે પછી માર્કેટિંગ) નહોતી આવડી? ચાલો, ‘લગાન’ અને ‘તારે ઝમીં પર’ વખતે તો એ કળા પણ આપણે હસ્તગત કરી લીધી હતી. ઘરઆંગણે સામાન્ય રીતે જે લાગવગ કે પક્ષપાતના કારણે આમિર ખાન એવોર્ડથી વંચિત રહી જતો હતો તે જ લાગવગ કે પક્ષપાત (સારી ભાષામાં કહીએ તો લોબિઇંગ) પોતાની ફિલ્મ ‘લગાન’ માટે કરાવવા તે અમેરિકામાં ધામા નાખીને પડ્યો હતો. ખાસ સ્ક્રીનિંગ અને પશ્ચિમી માધ્યમોમાં મબલક પબ્લિસિટી પછી ‘લગાન’નું માત્ર નામાંકન થઈ શક્યું હતું. એ વખતે તો આપણને ખબર પડી કે ઓસ્કર એવોર્ડ મેળવવા કેટલા વીસે સો થાય છે? માનો કે લગાન વખતેય હજુ શીખવાની શરૂઆત હતી પણ ‘તારે ઝમીં પર’ વખતે શું ? (કદાચ એ વખતે હરિરસ ખાટો થઈ ગયો હશે.)
એટલે ઓસ્કર એવોર્ડ કે ફોર ધેટ મેટર, ભારતમાં પણ કોઈ પણ એવોર્ડ મળે છે ત્યારે એ નગ્ન સત્ય સમજી લેવાની જરૂર છે કે લોબિઇંગ કે પ્રભાવ કે પૈસા પાથર્યા વગર કોઈ એવોર્ડ મળતો નથી. જ્યારે ‘મધર ઇન્ડિયા’થી લઈને ‘તારે ઝમીં પર’ સુધીની ગુણવત્તાની દૃષ્ટિએ જેમાં બેમત ન હોઈ શકે તેવી ફિલ્મો નામાંકન પામવા સુધી પણ ન પહોંચે અને સામાન્ય ગુણવત્તાની ‘સ્લમડોગ…’ જે કોઈ પણ ચીલાચાલુ બોલિવૂડ ફિલ્મ સમકક્ષ છે (ચીલાચાલુ બોલિવૂડ ફિલ્મોમાં કમ સે કમ ગીતો પણ સારાં હોય, આમાં તે પણ નથી) તેને આઠ આઠ એવોર્ડ મળે ત્યારે ધોળિયા (તેઓ આપણા ગરીબ, ઝૂંપડપટ્ટીના ભાઈઓને કૂતરા કહે છે ત્યારે તેમને ધોળિયા કહેવાની ગુસ્તાખી તો કરી જ શકાય ને?)ની દાનત પ્રત્યે શંકા ગયા વગર રહી શકતી નથી. ઐશ્વર્યા રાય અને સુસ્મિતા સેન અનુક્રમે મિસ વર્લ્ડ તથા મિસ યુનિવર્સ બન્યાં તે પછીનો સમય અવલોકો તો ઘણો બધો ફર્ક આવ્યો જ છે. ભારત કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીનું મોટું બજાર બની ગયું છે. તો પછી ‘સ્લમડોગ…’ને આઠ એવોર્ડ પાછળ બજારવાદી અને ગણતરીબાજ એવા ધોળિયાઓનું કયું ગણિત હશે તે અત્યારે તો સમજાતું નથી. પછીથી તેની ખબર પડશે.
રહી વાત રહેમાનની. તો તેર તાળીઓ પાડીએ. તેને મળેલા એવોર્ડ કરતાં તેણે આપેલ વક્તવ્યની અને ખાસ કરીને પોતાની માને યાદ કરી, ઉત્તમ ફિલ્મોમાંની એક ‘દીવાર’ના સંવાદ ‘મેરે પાસ માં હૈ’ને બોલવા માટે અને પોતાની માતૃભાષા તમિલમાં, ભલે એક વાક્ય જ, બોલીને માતૃભાષા અને એ રીતે ભારતનું ગૌરવ વધારવા માટે. બાકી અંગત મત તો એવો છે કે ‘રોજા’થી લઈને ‘તાલ’ અને છેલ્લે ‘જોધા અકબર’માં રહેમાનભાઈએ બહુ ઉત્તમ સંગીત આપ્યું છે. એ હિસાબે ‘સ્લમડોગ…’નું સંગીત તો કંઈ નથી.
બાકી તો, અમિતાભ બચ્ચન કહે છે તેમ હિન્દી ફિલ્મો, ભલે તે કમર્શિયલ હોય કે આર્ટ, તેના માટે ઓસ્કરનું મહત્ત્વ ફિલ્મફેર, સ્ક્રીન, આઇફા, સ્ટારડસ્ટ એ બધાથી વિશેષ નથી. અને જ્યારે ‘સ્લમડોગ…’ને એવોર્ડ મળ્યો છે ત્યારે એ પણ સમજી લેવું જોઈએ કે તે ભારતીય દ્વારા નિર્મિત, ભારતીય દ્વારા નિર્દેશિત ફિલ્મ નથી જ, આથી આવતા વર્ષે કોઈ ભારતીય ફિલ્મને એવોર્ડ મળશે તેવાં સપનાં જોવા માંડવા એ અવાસ્તવિક ગણાશે. રહેમાને પોતે ઓસ્કર એવોર્ડ સમારંભમાં કહ્યું છે તેમ સ્લમડોગ (અને મોટા ભાગની હિન્દી ફિલ્મો) આશાવાદી હોય છે અને તેમાં જીવનની આશાની તાકાત હોય છે.
મારા માટે એટલે જ, સંપૂર્ણ મનોરંજક એવી મનમોહન દેસાઇ, ડેવિડ ધવન કે ફરાહ ખાનની ફિલ્મો કોઈ પણ એવોર્ડ વિજેતા ફિલ્મ કરતાં પણ ચડિયાતી છે કારણકે તે સંદેશ આપે કે ન આપે, મનોરંજન જરૂર આપે છે અને કદાચ ફિલ્મ બનાવવાનો મૂળ હેતુ તે જ છે. જય હો હિન્દી ફિલ્મોની.
(લખ્યા તા. 24-2-09, સવારે 3.27)
3 comments 23/02/2009
સ્લમડોગ અને સ્લેવડોગ
‘પેરિસમાં જ્યારે મારી પાછળ લોકો પડ્યા ત્યારે મને એવું લાગ્યું કે અહીં પણ મારા ચાહકો છે! પરંતુ પછી મારા ડ્રાઇવરે મને કહ્યું કે ‘આ તો અહીંના ગરીબો છે.’ ત્યારે મને લાગ્યું કે બેકારી અને ગરીબી બધે જ એકસરખી જ છે.’
અમિતાભ બચ્ચને ઉપરોક્ત શબ્દો ટાંકી પોતાના બ્લોગમાં ‘સ્લમડોગ મિલિયોનેર’ ફિલ્મની ટીકા કરી કે ભારતની વરવી બાજુ દર્શાવતી ફિલ્મોને જ વિદેશમાં માન-સન્માન મળે છે, જ્યારે ભારતની ઉજળી બાજુ બજાવતી, વ્યાવસાયિક રીતે સફળ ગયેલી ફિલ્મોને નહીં. અમિતાભનો ઇશારો ‘સ્લમડોગ મિલિયોનેર’ને ઓસ્કરમાં મળેલ નામાંકન અને તે અગાઉ મળેલ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પ્રત્યે હતો. અમિતાભે કહ્યું કે ભારતની ગરીબી દર્શાવતી સત્યજીત રેની ફિલ્મોને પણ ઓસ્કરમાં માન મળતું હતું પરંતુ બીજી ઉત્કૃષ્ટ ફિલ્મો જેમાં ભારતની જમા બાજુ બતાવાઇ હતી તેને નહીં.
અમિતાભના આ શબ્દોનો વિવાદ થયો એટલે અમિતાભે પણ ફેરવી તોળ્યું કે ના, આ કંઈ મેં નહોતું કહ્યું. આ તો વાચકોએ લખેલી ટીકાને મેં જેમની તેમ રજૂ કરી હતી. લોકોના દબાણમાં આવીને બચ્ચને આવું કર્યું એટલે આ મુદ્દે તેમની વાતથી જે માન પેદા થયેલું તે ઉતરી ગયું!
જોકે અમિતાભે હળવેકથી બીજી એક વાત પણ સાથે કહી દીધી : ઓસ્કરને સર્વોચ્ચ એવોર્ડ માનવાની જરૂર નથી. આપણા એવોર્ડ પણ કંઈ કમ નથી.
તેમણે આવું કહ્યું એટલે કેટલાકે કહ્યું કે પોતાની ફિલ્મ ‘એકલવ્ય’ને ઓસ્કર એવોર્ડ ન મળ્યો એટલે ઈર્ષાથી પીડાઈને બચ્ચનબાબુ આવું કહે છે.
ગલત! સરાસર ગલત!
ખરેખર તો અમિતાભ બચ્ચન ભારતના ગૌરવના ઝંડેદાર છે. એક સુપરસ્ટાર હોવાના નાતે તેમણે જે કરવું જોઈએ તે કરે જ છે. વચ્ચે અનેક મંદિરોમાં દર્શન કરવા જવાનો મુદ્દો હતો ત્યારે તેમની ખૂબ જ ટીકા થઈ હતી કે અંધકશ્રદ્ધાળુ છે તો પણ તેમણે તે બંધ નહોતું કર્યું. ધાર્મિકતા અંગત બાબત છે (અને ખરેખર તો તેમ જ રહેવું જોઈએ, પણ કમનસીબે ધાર્મિકતા ભારતમાં જાહેર બાબત બની ગઈ છે.) હિન્દી ફિલ્મોદ્યોગ માટે કોઈ ‘ઇન્ડિજિનિયસ’ (સ્વદેશી કહેશું તો વળી ઘણા નાકનું ટેરવું ચડાવશે) શબ્દ ન મળતા વિદેશમાં ત્યાંના એક મોટા ફિલ્મોદ્યોગ માટે વપરાતા શબ્દ ‘હોલિવૂડ’ પરથી બોલિવૂડ (ત્યારે બોમ્બેનું મુંબઈ થયું નહોતું એટલે બોમ્બેનો ‘બો’ લઈને બોલિવૂડ) શબ્દ વપરાવા લાગ્યો. બચ્ચનબાબુ આ શબ્દ વપરાય તેના કટ્ટર વિરોધી છે.
જેમ વિદેશમાં ઓસ્કર છે તેમ તેમણે વિદેશમાં આઇફા એવોર્ડ યોજીને આપણા એવોર્ડની ગરિમા વધારવા પ્રયાસ કર્યો છે.
અહીં અમિતાભપ્રશસ્તિ કરવાનો આશય નથી, વાત આત્મગૌરવની છે.
‘સ્લમડોગ મિલિયોનેર’ના જે રીતે વખાણ થઈ રહ્યા છે તે જોતાં લાગે કે આજે પણ લોકો ગુલામીથી પીડાય છે, માનસિક ગુલામી. બાકી, ઘણી ફિલ્મો ભારતીય ભાષામાં – હિન્દી ભાષામાં ઝૂંપડપટ્ટીની સ્થિતિ, મુંબઈની અંધારી આલમને બતાવતી બની જ છે. તાજેતરમાં બનેલી મધુર ભાંડારકરની ‘ટ્રાફિક સિગ્નલ’ આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ઓસ્કરમાં ગયેલી ‘લગાન’ કે ‘તારે ઝમીં પર’ એવોર્ડને બિલકુલ લાયક ફિલ્મો હતી પરંતુ તેને એવોર્ડ મળ્યા નહીં. અને આપણું આત્મગૌરવ માત્ર ફિલ્મોની બાબતમાં જ નથી હણાતું, બીજી અનેક બાબતોમાં હણાય છે.
બ્રિટનના વિદેશ મંત્રી અહીં આવીને, હું ફરી દોહરાવું છું, અહીં આવીને, મુંબઈના ત્રાસવાદી હુમલા પછી આપણને શિખામણ આપી જાય છે કે પહેલા કાશ્મીરનો પ્રશ્ન હલ કરો. ત્યારે કોઈ તેમને કહી શકતું નથી કે જસ્ટ શટ અપ! વી ડોન્ટ નીડ યોર એડવાઇસ!
મુંબઈના ત્રાસવાદી હુમલા પછી, ભારત શા માટે આટલી રાજદ્વારી પ્રયાસો કરે છે, લોકોને સમજાવવા પ્રયાસ કરે છે કે પાકિસ્તાને જ અમારા પર હુમલો કર્યો છે, ત્રાસવાદી પાકિસ્તાની જ હતા એ સમજાય તેવું નથી. ભારત સામે પ્રત્યક્ષ યુદ્ધમાં જીતી શકે તેમ ન લાગતા પાકિસ્તાને ત્રાસવાદરૂપી પરોક્ષ યુદ્ધ શરૂ કર્યું છે એ દીવા જેવી સ્પષ્ટ વાત છે. અને એમાં વિદેશો સમક્ષ વાત મનાવવાની શી જરૂર છે?
ક્રિકેટની વાત કરીએ તો, ગૌતમ ગંભીરની વાત હોય, હરભજન વિ. સાયમંડ્સની કે વીરેન્દ્ર સહેવાગની, અનેકવાર ખોટા નિર્ણયોનો ભોગ બની અમ્પાયરો દ્વારા સચિન તેંદુલકરના આઉટ થવાની વાત હોય, ભારતીય ટીમ મેનેજમેન્ટ ગળું ખોંખારીને કેમ એમ નથી કહી શકતું કે ધિસ ઇઝ ચીટિંગ! ધિસ ઇઝ અનજસ્ટિસ!
એટલે મૂળ પ્રશ્ન માનસિકતાનો છે. અગાઉ ભારત ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સામે વારંવાર હારી જતું હતું તેનું કારણ ડરની માનસિકતા જ હતી. પાકિસ્તાન જે ઝનૂન બતાવતું, પાકિસ્તાન કે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ જે અંચઈ કરતા, ગાલી-ગલોચ કરતાં તેનો સંસ્કારી ભારતીય ખેલાડીઓ જવાબ નહોતા આપી શકતા. હવે આપણા ખેલાડીઓ ડરની માનસિકતામાંથી બહાર આવી ગયા છે. શ્રીનાથ હોય કે ઇશાંત શર્મા, લડાયક વૃત્તિ દરેક ખેલાડીમાં ઝળકતી જોવા મળે છે. સાયમંડ્સને તેની જ ભાષામાં હરભજન જવાબ આપી શકે છે. જોકે પછી જ્યારે કેસ ચલાવવાનો થાય ત્યારે તેની પડખે ટીમ મેનેજમેન્ટ ઊભું નથી રહેતું તે અલગ વાત છે, પરંતુ આ માનસિકતાના કારણે હવે ક્રિકેટ ટીમ સતત જીતતી દેખાય છે.
સરેરાશ ભારતીયો પણ આપણા ક્રિકેટરો જેવી માનસિકતા રાખતા ક્યારે થશે? ક્યારે એવો સમય આવશે કે ભારતમાં યોજાતા એવોર્ડમાં નામાંકન પણ મેળવશે તે અંગ્રેજી ફિલ્મના કલાકારો હરખપદૂડા થઈ ઉછળતા નાચતા ગાતા હશે? ક્યારે ભારતનો શબ્દ વિશ્વ માટે આજ્ઞા સમાન બની રહેશે? વિદેશમાં કોઈ ભારતીય જશે ત્યારે તેના પ્રત્યે માનની નજરે જોવાશે?
ઘણાને કદાચ માનવું નહીં ગમે, પણ પોખરણ-2 પછી ભારત પ્રત્યે વિદેશીઓની દૃષ્ટિમાં પરિવર્તન આવ્યું છે તે ચોક્કસ છે. પોખરણ-2 માં થયેલા પરીક્ષણના કારણે ભારત પાસે અણુશસ્ત્રો હોવાનું જાહેર થયું તેના કારણે તેમજ તે પછી ભારત પર અમેરિકા સહિતના શક્તિશાળી દેશોએ લગાવેલા પ્રતિબંધો છતાં ભારત જે રીતે પ્રગતિ કરતું રહ્યું તેના કારણે વિદેશોમાં ભારતનું આત્મગૌરવ વધ્યું છે. પરંતુ એ પછી થયેલા સતત ત્રાસવાદી હુમલાઓ અને તેનો કોઈ સક્ષમ (બિફિટિંગ) જવાબ, ખરેખર તો જડબાતોડ જવાબ ન અપાતા સરેરાશ ભારતીયને નિરાશા જ થઈ છે.
સિંહ ભલે શિકાર ન કરવાનો હોય, પરંતુ તે જ્યાંથી નીકળે ત્યાંથી અન્ય પ્રાણીઓ આઘા-પાછા થઈ જતા હોય છે. સિંહ જેવા બનવાનો સમય હવે આવી ગયો છે.
મેં હજુ સુધી ‘સ્લમડોગ મિલિયોનેર’ નથી જોઈ, જોવાની ઉત્સુકતા પણ નથી. આપ કા ક્યા હાલ હૈ?
Add comment 06/02/2009

