Posts filed under 'music'

સંગીતકાર પ્રીતમ સૌજન્ય દાખવે છે

સંગીતકાર પ્રીતમ સારું સંગીત આપે છે (ખાસ કરીને  ’જબ વી મેટ’નું ‘યે ઈશ્ક હાયે જન્નત દિખાયે’ તો સંગીત અને શબ્દ બંને રીતે, વાહ વાહ પ્રભુ!) પણ તેમની પર ઉઠાંતરીનો આક્ષેપ મોટા પાયે થતો રહ્યો છે અને તેના યૂ ટ્યૂબ પર નમૂના પણ જોઈ શકાય છે, કદાચ એટલે જ તેમની આજે રજૂ થયેલી ફિલ્મ ‘લવ આજ કલ’માં ગીતો માટે મૂળ ધૂન બનાવનારાઓને કે તેની માલિકી ધરાવનારાને ક્રેડિટ આપવામાં આવી છે. જેમ કે  ‘ટ્વિસ્ટ’ ગીત માટે સારેગમ મ્યૂઝિક કંપનીને, ‘આહૂં આહૂં’ ગીત માટે મૂળ ગીત ‘કડી તે હસ બોલ વે’ અને ધૂન પરંપરાગત છે તેમ લખવામાં આવ્યું છે, ત્રીજા ‘આજ દિન ચડેયા તેરે રંગ વરગા’ માટે મૂળ લાઇન શિવકુમાર બતાલવીની છે તેમ કહેવામાં આવ્યું છે.

ઇન્ટરનેટના જમાનામાં ચોરી છૂપી રહેતી નથી તે સત્ય પ્રીતમદા અને હિન્દી ફિલ્મ જગતને સમજાઈ ગયું લાગે છે.

Add comment 31/07/2009

પ્રકાશ મહેરા, પદ્મિની કપિલા અને કાદર ખાન

પ્રકાશ મહેરા વિશે કેટલાંક વધુ અવલોકનો  અને તેમના વિશેની કેટલીક વધુ યાદો તાજી કરીએ: 

*તેમની ફિલ્મોનાં ગીતો ઘણાં લાંબાં રહેતાં. સંગીતકાર અનુ મલિક ‘બોર્ડર’ માટે લાંબા ગીતનો દાવો કરે છે પરંતુ પ્રકાશજીની તો અનેક ફિલ્મોનાં અનેક ગીતો લાંબા હતા; જેમ કે, ‘લાવારિસ’નું ‘અપની તો જૈસે તૈસે’. તેનું તો શરૂઆતનું સંગીત જ કેટલું લાંબું હતું (અને સેન્સ્યુઅસ પણ!).  તે પછી ‘મુકદ્દર કા સિકંદર’નું ‘સલામ-એ-ઇશ્ક’ (આ શબ્દો પરથી સલમાન ખાન, પ્રિયંકા ચોપરા, અનિલ કપૂર, જૂહી ચાવલા વગેરેની ફિલ્મ બની.) પણ ઘણું દીર્ઘ હતું. ‘નમક હલાલ’નું ‘પગ ઘૂંઘરુ બાંધ મીરા નાચી થી’ પણ સુદીર્ઘ હતું. ‘શરાબી’નું ‘મુઝે નૌલખા મંગા દે રે’ તો લાંબું ગીત છે જ. 

* અમિતાભ પાસે તેમણે ‘લાવારિસ’ (મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ), ‘શરાબી’ (જહાં ચાર યાર મિલ જાયે) અને ‘જાદુગર’ (પડોશન અપની મુર્ગી કો રખના સંભાલ)માં ગીતો ગવડાવ્યાં. ‘જહાં ચાર યાર મિલ જાયે’ ગીતમાં મુખ્ય કિશોરકુમારના અવાજ સાથે અમિતાભનો અવાજ હતો.  તેમની ફિલ્મ ‘હાથ કી સફાઈ’માં એક ગીત હેમામાલિનીના અવાજમાં પણ હતું. 

* ‘શરાબી’ના ‘જહાં ચાર યાર મિલ જાયે’ના બીજા અંતરામાં વિશેષ ભૂમિકામાં સ્મિતા પાટિલ જોવા મળે છે.

* સ્મિતા પાટિલ જેટલા ‘નમકલ હલાલ’ના ‘આજ રપટ જાયેં’ એ વરસાદી ગીતમાં-સાડીમાં સુંદર દેખાયા તેટલા એકેય ફિલ્મમાં નથી દેખાયાં.

પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી થી : ઉત્તમ કોમેડી અને કર્ણપ્રિય ગીતો પૈકીનું એક

પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી થી : ઉત્તમ કોમેડી અને કર્ણપ્રિય ગીતો પૈકીનું એક

* પ્રકાશ મહેરા પોતે ગીતો લખતા એ વાત સાચી, પરંતુ તેમની ફિલ્મોનાં ગીતોની બે પંક્તિ જાણીતા શેર કે જૂનાં ગીતો કે ભજનો પરથી પ્રેરિત પણ રહેતી; જેમ કે, ‘લાવારિસ’નું ‘જિસ કા કોઈ નહીં ઉસ કા તો ખુદા હૈ યારોં’, ‘નમક હલાલ’નું ‘પગ ઘૂંઘરુ બાંધ મીરા નાચી થી’ અને ‘થોડી સી જો પી લી હૈ’, ‘શરાબી’નું ‘લોગ કહતે હૈં મૈં શરાબી હૂં’ની પંક્તિ ‘નશા શરાબ મેં હોતા તો નાચતી બોતલ’, ‘જિંદગી એક જુઆ’ની ‘બહોત કઠિન હૈ ડગર પનઘટ કી, ઝટપટ ભર લાઓ જમના સે મટકી’.  બાય ધ વે, ‘પગ ઘૂંઘરુ બાંધ મીરા નાચી થી’માં વચ્ચે જે આલાપ આવે છે તે કોનો અવાજ છે? તેના માટે કોઈને ક્રેડિટ અપાઈ હોવાનું જાણમાં નથી. એટલે બિનસત્તાવાર રીતે બે નામો જાણવા મળ્યાં છે ; એક તો, મહાન શાસ્ત્રીય ગાયક મન્ના ડે અને બીજું ભૂપિન્દરસિંહનું. કોઈ જાણકાર માણસ પ્રકાશ મહેરાનાં આ અદ્ભુત ગીતની આ અજાણ બાબત અંગે પ્રકાશ પાડશે?

* પ્રકાશ મહેરાએ જેમ અમિતાભ અને બપ્પી લહિરીને સિતારા બનાવી દીધા તેમ બીજાં કેટલાક નવોદિતોને પણ તક આપી હતી. આમાં ગાયકો કુમાર શાનુ (‘જાદુગર’) અને અલકા યાજ્ઞિક (‘લાવારિસ’),  દિગ્દર્શક રામ પી. શેઠી (‘ઘૂંઘરુ’)  તથા અભિનેતા માસ્ટર મયૂર (મયૂર વર્મા- જેણે ‘મુકદ્દર કા સિકંદર’માં અમિતાભની બાળપણની ભૂમિકા ભજવી હતી), પુરુ રાજકુમાર (‘બાલ બ્રહ્મચારી’) પ્રમુખ છે.  પણ આમાં અમિતાભ, બપ્પી, અલકા યાજ્ઞિક માટે પ્રકાશ મહેરાને જેટલો યશ આપી શકાય તેમ છે તેટલો રામ પી. શેઠી કે પુરુ રાજકુમાર માટે આપી શકાય તેમ નથી. કુમાર શાનુને સંખ્યાત્મક રીતે અને ધૂનની રીતે ઘણાં સારાં ગીતો મળ્યાં. વર્ષોવર્ષ  ફિલ્મફેર એવોર્ડ પણ તેઓ મેળવતા રહ્યા, પરંતુ તેમનો અવાજ કર્ણપ્રિય બિલકુલ કહી શકાય તેવો નથી. નાકમાંથી અને પડઘાય તેવો અવાજ હતો. સોનુ નિગમ તેની સરસ મિમિક્રી કરી શકે છે. એટલે કુમાર શાનુ માટે પ્રકાશ મહેરાને ક્રેડિટ આપવી કે નહીં તે વાચકો પોતે જ નક્કી કરે. 

* પ્રકાશ મહેરાએ નિર્માણ કરેલી સંભવત: અંતિમ ફિલ્મ ‘મુઝે મેરી બીવી સે બચાઓ’નું એક ગીત ખૂબ જ જાણીતું અને યાદગાર બન્યું છે. સુખવિંદરસિંહ અને જસપિન્દર નરુલાના અવાજમાં ગવાયેલા એ ગીતના શબ્દો  છે – નાચ મેરી જાન નાચ નાચ. 

નવીન નિશ્ચલ સાથે પદ્મિની કપિલા

નવીન નિશ્ચલ સાથે પદ્મિની કપિલા

* પ્રકાશ મહેરાનાં પત્ની નીરા સાતેક વર્ષથી કોમામાં હતાં. તેનું તેમને બહુ દુ:ખ હતું. તે વાત જેટલી સાચી છે તેટલી જ એ વાત પણ સાચી છે કે એક સમયે પ્રકાશ મહેરા અભિનેત્રી પદ્મિની કપિલાની ખૂબ જ નજીક હતા. આ પદ્મિની કપિલા એટલે ‘હમારે તુમ્હારે’માં નવીન નિશ્ચલ સાથે કામ કરનાર અભિનેત્રી.  (ફિલ્મનું રાજેશ રોશનના સંગીતમાં એક ગીત અદ્ભુત હતું – હમ દોનોં મિલ કે કાગઝ કે દિલ પે ચિટ્ઠી લિખેંગે જવાબ આયેગા- આ ગીત મારાં ફેવરિટ ગીતોમાં સ્થાન પામે છે). એમ કહેવાય છે કે પદ્મિની કપિલા અને નવીન નિશ્ચલ પણ એકમેકના પ્રેમમાં હતાં! (ઓહ! બોલિવૂડ એટલે લફરા અને પ્રેમપ્રકરણોનો ઇતિહાસ!). છેલ્લે પદ્મિની કપિલા અભિષેક બચ્ચન અને કરીના કપૂરની પહેલી ફિલ્મ ‘રેફ્યૂજી’માં દેખાયેલાં.  એમ તો ત્રણ વર્ષ પહેલાં તેઓ મનોજ વાજપેયીને લઈને સ્પોર્ટ્સ ફિલ્મ ‘૯૦ મિનિટ્સ’ પ્રોડ્યૂસ કરી રહ્યાં હોવાનું પણ જાણવા મળ્યું હતું, પરંતુ એ ફિલ્મ રિલીઝ થઈ કે કેમ તે જાણમાં નથી. પદ્મિની કપિલાને કોઈ પૂછે તો પ્રકાશજીનાં ઘણાં અજાણ રહેલાં સંસ્મરણો જાણવા મળી શકે.

* પ્રકાશ મહેરાની ફિલ્મોમાં સંવાદ લખનાર કાદર ખાન આજકાલ ક્યાં છે? (તેમના વિશે અલગ પોસ્ટ આના પછી લખી રહ્યો છું.) તેમની પાસેથી પણ પ્રકાશજી વિશે ઘણું જાણવા મળી શકે.

Add comment 22/05/2009

ઔર ઇસ દિલ મેં ક્યા રખા હૈ, તેરા હી નામ છૂપા રખા હૈ

દિગ્ગજ નિર્માતા-નિર્દેશક-ગીતકાર-લેખક અને અમિતાભ બચ્ચનને સુપરસ્ટાર બનાવનાર પ્રકાશ મહેરાનું રવિવારે નિધન થયું. તેમને વિગતવાર શ્રદ્ધાંજલિ હવે પછીની પોસ્ટમાં. ત્યાં સુધી તેમનાં આ એક-એકથી ચડિયાતા ગીતો સાંભળીને-ગણગણીને-યાદ કરીને તેમને અંજલી અર્પીએ.

(૧) બેખુદી મેં સનમ ઉઠ ગયે જો કદમ – હસીના માન જાયેગી (૨) ચલે થે સાથ મિલકર ચલેંગે સાથ મિલકર- હસીના માન જાયેગી (૩) ઓ દિલબર જાનીયે તેરે હૈં હમ તેરે –હસીના માન જાયેગી (૪) ગોરી કે હાથ મેં ચાંદી કા છલ્લા – મેલા (૫) ઋત હૈ મિલન કી સાથી મેરે આ રે- મેલા (૬) કાંટા લગા – સમાધિ (૭) જબ તક રહે તન મેં જિયા – સમાધિ (૮) વાદા કર લે સાજના – હાથ કી સફાઈ (૯) હમ કો મોહબ્બત હો ગઈ હૈ તુમ સે- હાથ કી સફાઈ (૧૦) પીનેવાલોં કો પીને કા બહાના ચાહિયે – હાથ કી સફાઈ (૧૧) તૂ ક્યા જાને વફા ઓ બેવફા – હાથ કી સફાઈ (૧૨) યારી હૈ ઇમાન મેરા યાર મેરી ઝિંદગી – જંઝીર (૧૩) ચાકૂ છૂરીયા તેઝ કરાલો – જંઝીર (૧૪) દીવાને હૈ દીવાનોં કો ના ઘર ચાહિયે – જંઝીર (૧૫) બના કે ક્યૂં બિગાડા રે બિગાડા રે નસીબા ઉપરવાલે – જંઝીર (૧૬) ના તેરી હૈ ના મેરી હૈ યે વક્ત કી હેરા ફેરી હૈ – હેરા ફેરી (૧૭) સલામ-એ-ઇશ્ક મેરી જાન ઝરા કુબૂલ કર લો- મુકદ્દર કા સિકંદર (૧૮) રોતે હુએ આતે હૈ સબ – મુકદ્દર કા સિકંદર (૧૯) દિલ તો હૈ દિલ દિલ કા એતબાર ક્યા કિજૈ – મુકદ્દર કા સિકંદર (૨૦) ઓ સાથી રે તેરે બિના ભી ક્યા જીના- મુકદ્દર કા સિકંદર (૨૧) પ્યાર ઝિંદગી હૈ પ્યાર બંદગી હૈ – મુકદ્દર કા સિકંદર (૨૨) વફા જો ન કી તો જફા ભી ના કી જૈ – મુકદ્દર કા સિકંદર (૨૩) કભી તુમને કિસી કો ફાસા કભી હમને કિસી કો ફાસા યે પ્યાર કી સૌદેબાજી તમાશા હૈ તમાશા – જ્વાલામુખી (૨૪) અપની તો જૈસે તેસે – લાવારિસ (૨૫) કબ કે બિછડે હુએ હમ આજ કહાં આ કે મિલે – લાવારિસ (૨૬) કાહે પૈસે પે તૂ ઈતના ગુરૂર કરે હૈ – લાવારિસ (૨૭) મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ – લાવારિસ (૨૮) જિસ કા કોઈ નહીં ઉસ કા તો ખુદા હૈ યારો – લાવારિસ (૨૮) પગ ઘૂંઘરુ બાંધ મીરા નાચી થી- નમક હલાલ (૨૯) આજ રપટ જાયેં તો હમેં ના ઉઠય્યો- નમક હલાલ (૩૦) રાત બાકી બાત બાકી – નમક હલાલ (૩૧) જવાની જાનેમન હસીન દિલરુબા – નમક હલાલ (૩૨) થોડી સી જો પી લી હૈ ચોરી તો નહીં કી હૈ – નમક હલાલ (૩૩) જહાં ચાર યાર મિલ જાયેં વો હી રાત હો ગુલઝાર – શરાબી (૩૪) મુઝે નો લખા મંગા દે રે તેમજ લોગ કહેતે હૈ મૈં શરાબી હૂં – શરાબી (૩૫) દે દે પ્યાર દે પ્યાર દે પ્યાર દે રે હમેં પ્યાર દે – શરાબી (૩૬) મંઝિલેં અપની જગહ હૈ –શરાબી (૩૭) ઇમ્તિહાં હો ગઈ ઇંતઝાર કી – શરાબી (૩૮) ઔર ઇસ દિલ મેં ક્યા રખ્ખા હૈ – ઈમાનદાર (૩૯) યે ઝિંદગી હૈ એક જુઆ – ઝિંદગી હૈ એક જુઆ (૪૦) દિલ તો દિલ હૈ – ઝિંદગી એક જુઆ (૪૧) કભી કુછ ખોયા કભી કુછ પાયા- ઝિંદગી એક જુઆ (૪૨) મૈંને ભી તો ચોરી ચોરી તેરે સંગ અંખિયાં મિલાઇ રેં – દલાલ (૪૩) ઠહરે હુએ પાની મેં – દલાલ (૪૪) અટરિયા પે લોટન કબૂતર રે (શબ્દો કરતાં તેની ધૂન બદલ આ ગીત પસંદ કર્યું છે)- દલાલ

Add comment 18/05/2009

માન ન માન, તૂ મેરા રહેમાન!

સ્લમડોગ…ને આઠ ઓસ્કર મળી ગયા છે અને રહેમાનને બે. એક ઇતિહાસ રચાઈ ચૂક્યો છે. જ્યારે પણ ઓસ્કરની વાત નીકળશે ત્યારે રહેમાનની વાત નીકળશે. ઘરઆંગણે રહેમાનનાં ગુણગાન ગવાતાં જ હતા, પણ એવોર્ડ મળ્યા પછી તો પ્રસારમાધ્યમોએ રહેમાન સંગીતનો દેવતા છે તેમ કહેવામાં જ બાકી રાખ્યું છે. પણ દિલીપકુમારમાંથી એ.આર.રહેમાન બની ગયેલા રહેમાનના સંગીતમાં, જેટલી પ્રશંસા થાય છે તેવો જાદુ ખરેખર છે ખરો એ આ જ તબક્કે તપાસવું જોઈએ.

રહેમાનને સંગીતકાર તરીકે આવ્યાને જુમ્મા જુમ્મા સોળ વર્ષ થયાં છે. આ સોળ વર્ષમાં તેણે તમિલ, તેલુગુ વગેરે દક્ષિણની અને હિન્દી ફિલ્મો સહિત 106 ફિલ્મો કરી છે તેમ આઇએમડીબી કહે છે. કેટલાં વર્ષ થયાં કે કેટલી ફિલ્મો આપી તે સફળતાની પારાશીશી ન જ ગણાય, પણ આ દરમિયાન કેટલી ધૂનો રિપીટ કરી તે તો પારાશીશી ગણાય જ ને.અને તમિલ ફિલ્મની ધૂન હિન્દીમાં રિપીટ કરવી તે ભલે ચોરી નથી તો પણ પ્રશંસાની બાબત પણ નથી. કેટલાક ગુજરાતી કટારલેખકો જેમ અમુક તહેવાર કે પ્રસંગ બને ને ચોક્કસ પ્રકારનું એકનું એક લખાણ ફરી થોડા ફેરફાર સાથે છાપવા આપી દે તેવું જ થયું. તમિલ ધૂન સાંભળી ન હોય એટલે દક્ષિણની ફિલ્મોના દર્શક સિવાયનાને ખબર ન હોય, એટલે સ્વાભાવિક જ આપણે તે ધૂનથી પ્રભાવિત થઈ જઈએ. એક વાર સર્ફિંગ કરતાં કરતાં તમિલ મૂવી ચેનલ જોઈ ત્યારે ગીતની ધૂન સાંભળી ચોંકી જવાયું. (2000ની આસપાસની વાત છે.) એ ધૂન 1947 અર્થના રુત આ ગઈ રે (ગાયક – સુખવિંદરસિંહ, બીજું કોણ?) ગીતની બેઠી ધૂન હતી. હિન્દીમાંથી તમિલમાં કોપી થાય તેવું બહુ ઓછું બને છે.

ધૂનચોરી રહેમાને નથી કરી તેવું નથી. તેના દાખલા આપીએ તે ઓછા છે. સરોદવાદક ઉસ્તાદ અલી અકબર ખાને રહેમાનને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યા પછી આપેલા એક ઇન્ટરવ્યૂમાં એકદમ બરાબર તાર પકડ્યો હોય તેમ તેઓ કહે છે, રહેમાન આપણા માટે ગૌરવરૂપ છે, પણ તે ભારતનો મહાન ફિલ્મસંગીતકાર છે તેમ ન કહી શકાય. તેઓ દાવો કરે છે કે રહેમાને દિલ સેના ગીત એ અજનબી (આ લખનારના મતે ઉદિત નારાયણના પરિપક્વ અવાજમાં તે બહુ જ સુંદર રચના બની છે)ની ધૂન શંકર-જયકિશનના સંગીતમઢેલા ગીત મંઝિલ વોહી હૈની બેઠી નકલ છે. આગળ વધીને તેઓ એમ કહે છે કે દિલ સેના જ બહુ વખણાયેલા (તેના શબ્દો કે અર્થ જેમને સમજાય તે મને સમજાવવા વિનંતી. ગુલઝારસાહેબની પ્રશસ્તિના સંદર્ભમાં પણ લખવું છે, પણ તે નિરાંતે.) ગીત છૈયાં છૈયાં એ શ્રી 420ના રમૈયા વસ્તાવૈયાની સીધી નકલ છે, રહેમાને માત્ર લય (બીટ) ઝડપી કરી નાખ્યો છે એટલું જ.

રહેમાનની ઉઠાંતરીકળાનો તાજો નમૂનો જોઈએ છે? બહુ વખણાયેલી ફિલ્મ ગઝિનીના ગીત- કૈસે મિલ ગયે મુઝે તુમ-ને જરા યાદ કરો. કંઈ યાદ આવ્યું? અરે ગીતમાં શરૂઆતમાં જ આવતો આલાપ તો સુભાષ ઘઈની યુવરાજમાં આજા મૈં ફનાઓ મેં બિઠા કે લે ચલૂં તુજ કો ગીતમાં આવતો આલાપ જ છે, તેવું લાગ્યું ને. હવે આલાપ પછી ગાયકના અવાજે કૈસે મુઝે તુમ મિલ ગયી ધૂન સાંભળો. યસ,આ ધૂન તો સાંભળેલી છે. મગજને થોડું કસો. એ ધૂન તો 2001માં આવેલી ફિલ્મ રહેના હૈ તેરે દિલ મેંના કૈસે મૈં કહૂં તુજ સે, રહેના હૈ તેરે દિલ મેંને ઘણી મળતી આવે છે. એ ફિલ્મમાં સંગીત દક્ષિણના જ હરીશ જયરાજનું હતું. અને હરીશ (તેના સ્પેલિંગ પ્રમાણે તો હર્રીશ લખવું જોઈએ.) જયરાજ એક સમયે રહેમાનનો સહાયક હતો. એટલે હરીશે તમિલ ફિલ્મમાં રહેમાને આપેલી ધૂનની ઉઠાંતરી રહેના હૈ તેરે દિલ મેં વખતે કરી હતી કે કેમ તે જાણવું પડે, પણ જો તેમ ન હોય તો, શેમ ઓન યૂ રહેમાન ફોર લિફ્ટિંગ યોર ઓન વન ટાઇમ આસિસ્ટન્ટ્સ ટ્યૂન!

રહેમાનના સંગીતને તોલવા માટે તેની કારકિર્દીના લેખાજોખા લેવા જોઈએ. તેણે શરૂઆત રોજાથી કરી. આવતાની સાથે તે છવાઈ ગયો. (ક્રેડિટ ગોઝ ટૂ મિડિયા). તેણે જેટલી હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યું છે તેમાં કેટલી સંગીતની રીતે પણ સફળ રહી? (કમર્શિયલ સક્સેસની વાત જવા દો.) રોજા, રંગીલા, બોમ્બે, દૌડ (અલબત્ત,તે ટિકિટબારીએ તો ઊંધા મોંઢે પડકાઈ હતી.), જીન્સ, દિલ સે, તાલ, અર્થ, લગાન, સાથિયા, સ્વદેશ, રંગ દે બસંતી, ગુરુ, જોધા અકબર, જાને તૂ યા જાને ના. ધેટ્સ એન્ડ! અને સંગીતની રીતે નિષ્ફળ રહેલી ફિલ્મોની વાત તો કોઈ કરતું જ નથી. યાદી ગણવી હોય તો શરૂ કરો. જેન્ટલમેન, ઇન્ડિયન, વિશ્વવિધાતા, ડોલી સજા કે રખના, કભી ના કભી, લવ યૂ હંમેશાં, તક્ષક, પુકાર, ઝુબૈદા, વન ટૂ કા ફોર (એ વળી કઈ ફિલ્મ? શાહરુખ અને જૂહીની નોંધ પણ ન લેવાયેલી ફિલ્મ), નાયક, ધ લિજેન્ડ ઓફ ભગતસિંહ, તહઝીબ, લકીર, મીનાક્ષી, યુવા, કિસના, નેતાજી સુભાષચંદ્ર બોઝ, ધ રાઇઝિંગ : બલાડ ઓફ મંગલ પાંડે, દિલ્લી 6. લગભગ 15 હિટ ફિલ્મો અને 20 નિષ્ફળ ફિલ્મો (એ પણ સંગીતની રીતે.)

એની સામે લગભગ 30 વર્ષ અને 463 ફિલ્મોમાં સંગીત આપનાર લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત જો તોલવામાં આવે તો સો રહેમાન મૂકો તો પણ એલ.પી. કે ફોર ધેટ મેટર, આર.ડી. બર્મનનું પલ્લું ઝૂકેલું જ રહે. અને ઓછી ફિલ્મોમાં ઉત્તમ સંગીત આપનાર, ક્રિકેટની ભાષામાં કહીએ તો, સારી સ્ટ્રાઇક રેટ ધરાવનાર, ખય્યામ, સલીલ ચૌધરી, હેમંતકુમાર, રોશન કે તેમના સુપુત્ર રાજેશ રોશનની બરોબરી કરવાનું પણ રહેમાનનું ગજું નથી. શંકર-જયકિશન, સચિન દેવ બર્મન જેવા ધૂરંધરોની તો વાત જ ક્યાં કરવી? બીજું કંઈ નહીં, તોય ધૂનચોર તરીકે બહુ વગોવાયેલા અનુ મલિકને પણ રહેમાને હંફાવવાના બાકી છે. (એ આજે 29 વર્ષ પછી પણ યુવાનોને ગમે તેવું, રહેમાન જે પ્રકારનું સંગીત આપે છે તેવું, મૈં ટલ્લી હો ગઈ ગીત આપી શકે છે, જોકે એને સારું કહેવાય કે કેમ તે બાબતે શંકા છે, પણ તોય…) અનુ મલિકે એક જાન હૈં હમ, સોહની મહિવાલ, ગંગા જમુના સરસ્વતી (સાજન મેરા ઉસ પાર હૈ-ગીત પર તો જાન પણ કુર્બાન!), આવારગી (મોહમ્મદ અઝીઝ અને લતાનાં બે ગીતો : એ મેરે સાથિયા અને બાલી ઉમરને મેરા હાલ વો કિયા, આ હા હા, મર જાવાં!), રાધા કા સંગમ (ઓ રાધા તેરે બિના તેરા શ્યામ હૈ આધા), ફિર તેરી કહાની યાદ આઈ, બાઝિગર, સર, મૈં ખિલાડી તૂ અનાડી, ઇમ્તિહાન (ઇસ તરહ આશિકી કા અસર છોડ જાઉંગા), અકેલે હમ અકેલે તુમ, ઘાતક (કોઈ જાયે તો લે આયે), ઇશ્ક, કરીબ (ધીરે ધીરે નઝરેં મિલી ગીત તો 50થી 60ના દશકની યાદ અપાવે તેવું ગીત હતું), મુઝે કુછ કહેના હૈ, યાદેં, અસોકા (રાત કા નશા અભી આંખ સે ગયા નહીં), અજનબી (તૂ સિર્ફ મેરા મહેબૂબ), મૈં પ્રેમ કી દીવાની હૂં, મર્ડર, મૈં હૂં ના (બધા જ ગીતો, પણ કવ્વાલી તુમ સે મિલ કે દિલ કા જો હૈ હાલ ક્યા કહેં અને સ્વીટેસ્ટ વોઇસ અભિજીતના અવાજવાળું, તુમ્હેં જો મૈંને દેખા), સાવ નિષ્ફળ ગયેલી પણ સંગીતની રીતે ખૂબ જ સુંદર ફિલ્મ એલઓસી, મુન્નાભાઈ એમબીબીએસ, નો એન્ટ્રી (ટાઇટલ ગીતની ધૂન આખી ફિલ્મમાં રિપીટ થયા કરે અને કેવી ફની લાગે, રહેમાને કોઈ કોમેડી ફિલ્મમાં આવી ધૂન આપવાનો પડકાર ઉપાડવો જોઈએ), ફરાહ ખાનના પતિ શિરીષ કુંદરની નિર્દેશક તરીકે પહેલી ફિલ્મ જાન-એ-મન, ઉમરાવજાન…યાદી બહુ મોટી છે.

જોકે અનુ મલિકની જે નબળાઈ છે તે રહેમાનની પણ છે…પોતે સારો ગાયક ન હોવા છતાં ફિલ્મોમાં ગાયા કરે છે. કોઈ પણ સંગીતનો ઠીક-ઠીક જાણકાર પણ એ વાત કબૂલશે કે રહેમાન સારો ગાયક નથી. ઊંચા સૂરમાં તો તેનો અવાજ ફાટી જાય છે. બીજું એ કે તેને હિન્દી ઓછું સમજાતું હોય તેવું મને લાગે છે. અને એટલે જ તેણે ગાયેલાં ગીતોમાં એ ભાવ નથી આવી શકતો જે આવવો જોઈએ. ઉચ્ચારણ જ બરાબર નહીં. રામગોપાલ વર્માની ઉત્તમ કોમેડી ફિલ્મ દૌડની એ વખતે ટીવી પર આવતી જાહેરખબર યાદ છે? તેમાં જે રીતે રહેમાન દ્વારા ગવાયેલું (કે બોલાયેલું?) દૌડ રજૂ થતું તે એમ જ સંભળાય…દા…ઉ…દ! અને આ મજાક નથી! ગીત તો દિલ સે જ ગવાવું જોઈએ, મિ. રહેમાન! નહીં તો તેની મજા મરી જાય. તેના સંગીતમાં બીજી એક ખામી એ છે કે શબ્દો પર લય હાવી થઈ જાય છે. તેનાં ગીતોના શબ્દો કેટલા યાદ છે? બોમ્બેના એક હો ગયે હમ ઔર તુમ…ગીત બહુ વખણાય છે. પણ તેને ગાયું છે ગાયનમાં રહેમાનના જ ભાઈ રેમો ફર્નાન્ડિઝે. એટલે એક હો ગયે હમ્મા તુમ એવું સંભળાય. આ ગીતના શબ્દો કેટલા યાદ છે? ચાલો, લેટેસ્ટ ઉદાહરણ આપું. માહિયા માહિયા…ગીત જ લઈ લો. ગુરુના ઉત્તમ કોરિયોગ્રાફ્ડ એવા આ ગીતના શબ્દો યાદ છે?

રહેમાનના આટલાં ગુણગાન ગવાય છે તેની પાછળ તેના મિડિયોકર સંગીત ઉપરાંત તેની નોનકન્ટ્રોવર્સિયલ ઇમેજ પણ છે. ઉપરાંત તેણે હજુ ઓછી ફિલ્મોમાં સંગીત પીરસ્યું છે. અને છતાંય જો ધૂન રિપીટ કરવી પડતી હોય તો વાત કયાં ગઈ? બાકી, અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવો તે મહાનતા ન હોઈ શકે. કમ્પ્યૂટર સોફ્ટવેર તમને ધૂન બનાવી દઈ શકે, તમારા અવાજને સુધારી શકે, પણ ગીતના ભાવ લાવી શકશે? રાજ કપૂરની ફિલ્મ જિસ દેશ મૈં ગંગા બહતી હૈના હૈ આગ હમારે સીને મેં…માં લતાજી જે રીતે ઓય હોય હોય બોલે છે તે ચમત્કાર બીજું કોઈ ન કરી શકે. આશાએ જે કમાલ દૈયા રે મૈં કહાં આ ફસીમાં કરી છે તેમાં આશા ઉપરાંત શ્રેય આર.ડી.ને પણ બરાબરનો મળવો જોઈએ.

તો શું રહેમાને સાવ હલકા સ્તરનું જ સંગીત પીરસ્યું છે? ના. દિલ સેના -અગાઉ કહ્યું તે -એ અજનબી ગીત કે પછી સ્વદેશના યૂં હી ચલા ચલ (મોટિવેશનલ ગીતો ઓછા બનવાં લાગ્યાં છે, પણ છેલ્લાં કેટલાક સમયમાં બનેલાં ઉત્તમ મોટિવેશનલ ગીતો પૈકીનું એક), યે જો દેસ હૈ મેરા (એમાંય શરૂઆતમાં જે શરણાઈનો પીસ આવે છે, અફલાતૂન! તેને તો વિવિધ ભારતીએ બપોરે કાર્યક્રમોની જાહેરાતમાં અને એનડીટીવીએ સાત અજાયબીની જાહેરખબરમાં સુંદર વણ્યો છે.), જોધા અકબરનું કહેને કો જશ્ન એ બહારા હૈ, લગાનનું ઘનન…(છેલ્લાં કેટલાક સમયમાં બનેલા ઉત્તમ ક્લાસિકલ મ્યૂઝિક આધારિત ગીતો પૈકીનું એક), તેની શરૂઆતની કારકિર્દીનું દિલ હૈ છોટા સા, તાલના તો બધાં જ ગીતો (ખાસ કરીને તાલ સે તાલ મિલા અને ઇશ્ક બિના ક્યા જીના યારોં), ગુરુનું ઓ હમદમ બિન તેરે ક્યા જીના અને ઐ હૈરતે આશિકી…

છેલ્લે એક સ્પષ્ટતા કરી દઉં : હું રહેમાનનો વિરોધી નથી. મને તો તમામ સારું સંગીત ગમે. પણ આ બ્લોગપોસ્ટ રહેમાનની વધુ પડતી સ્તુતિની સામે માત્ર સાચો પક્ષ રજૂ કરવા મૂકી છે. 

1 comment 26/02/2009

નૂસરત ફતેહ અલી ખાન અને હિમેશ રેશમિયા ‘શિરસ્થ’ છે!

Himesh Reshammiyaભગવદ્ ગોમંડળની વેબસાઇટ જોતા જોતા ‘શિરસ્થ’ શબ્દ ધ્યાનમાં આવ્યો. તેના અર્થમાં લખાયું છે, ગાયકના ચૌદ દોષ માંહેનો એક દોષ. બહુ ઊંચા સ્વરથી ગાવું તે. બહુ ઊંચા સ્વરથી ગાય તે પણ ગાયકનો એક દોષ ગણાય છે.
આ જોતા સંગીતસમ્રાટ અને ગાયક શિરોમણી નૂસરત ફતેહ અલી ખાન, હિમેશ રેશમિયા, કે.કે., સુનીધિ ચૌહાણ વગેરે ગાયકો તો દોષી જ ગણાય. શું કહો છો?

‘શિરસ્થ’ શબ્દનો અર્થ જોવા અહીં ક્લિક કરો :

http://www.bhagavadgomandalonline.com/detail.html?srch=8330&term=શિરસ્થ

Add comment 10/01/2009


ગરમાગરમ પોસ્ટ

તાજી ટિપ્પણીઓ

jayesh dave on હાશ! અમદાવાદ-ભાવનગર હાઇવે ફોર …
વજેસિંહ પારગી on ગુજરાતી છો? તો ગુજરાતીમાં વાત …
anand mehta on ગુજરાતી છો? તો ગુજરાતીમાં વાત …
arvindadalja on મનમોહનસિંહની ‘આ અબ લૌટ ચલે’ અપ…
પક્જ કનાડા, on ગુજરાતી છો? તો ગુજરાતીમાં વાત …

તારીખીયું

December 2009
M T W T F S S
« Nov    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

સંગ્રહ

ખાંખાખોળા કરો

શ્રેણી

સૌથી વધુ ક્લિક

વહીવટીવિભાગ

લટકણિયાં

advani ahmedabad Amitabh Bachchan bhavnagar bjp blog bomb blast congress farah khan gmail gujarat hindu kandhar Karan Johar manmohan singh mohan bhagwat narendra modi pakistan prakash mehra rahul gandhi rss salman khan shahrukh khan taliban અભિયાન અમદાવાદ અમિતાભ અમિતાભ બચ્ચન ઇમેઇલ ઓસ્ટ્રેલિયા ગુજરાતી જયવંત પંડ્યા દિવ્ય ભાસ્કર નરેન્દ્ર મોદી ભાજપ ભાવનગર મનમોહનસિંહ રાહુલ ગાંધી શાહરુખ ખાન સચ કા સામના સલમાન ખાન સેક્યુલર સૌરાષ્ટ્ર સમાચાર સ્લમડોગ મિલિયોનેર હિન્દુ

Blog Stats

Feeds

... જરા નજર તો નાખતા જજો

અત્યારે તમારા સહિત કેટલા લોકો આ બ્લોગ પર છે?

પૃષ્ઠ

Twitter Updates

live traffic feed