Posts filed under 'humor'
અમદાવાદનો ટ્રાફિક : ટક્કર મારી તો ચક્કર આવી જશે!
ભાવનગર હોય કે રાજકોટ, સુરત હોય કે અમદાવાદ કે પછી મુંબઈ, ભારતમાં ટ્રાફિક ટેરિફિક છે! ઘણા લોકો તો ઘરેથી નીકળતા પહેલાં હનુમાનચાલિસા કરી હનુમાનદાદાને પ્રાર્થના કરીને નીકળતા હોય છે કે હે હનુમાનજી! હું સાંજે હેમખેમ પાછો આવીશ તો નાળિયેર અને અગિયાર રૂપિયા ચડાવીશ.
ભારત- પાકિસ્તાન વચ્ચે યુદ્ધ કેમ નથી થતું તેનું કારણ અમને જડી ગયું છે. ટ્રાફિકમાં ‘રોંગ’ સાઇડ જનારો પણ પોતાને ‘રાઇટ’ સમજીને તેની સાથે અથડાવું અથડાવું થઈને નહીં અથડાયેલાની સામે ક્યારેક આંખો કાઢીને કામ પતાવી લેતો હોય છે તો ક્યારેક ‘બેઉ બળિયા બાથે વળગ્યા’ જેવા હાલ થાય છે. એટલે યુદ્ધ કરવા માટેનું ઝનૂન ટ્રાફિકમાં વેડફાઈ જાય છે. હંમેશાં મનોરંજન શોધતી પ્રજાને પણ આવા વગર મફતના તમાશામાં મજા આવી જતી હોય છે.
બીજે ક્યાંય આવું થાય છે કે નહીં તે તો ખબર નથી, પણ અમદાવાદમાં તમે જો કોઈને તમારું વાહન અથડાવી દીધું તો સામેવાળો દાઉદના પાઠમાં આવી જશે અને ખંડણી ઉઘરાવીને જ તમને છોડશે. આનાં બે ઉદાહરણો પ્રસ્તુત છે!
હું ‘દિવ્ય ભાસ્કર’ અખબારમાં હતો ત્યારે અમદાવાદમાં તેની એસ.જી. હાઇવે પર આવેલી ઓફિસની સામે આવેલા પેટ્રોલપંપ પર સ્કૂટીમાં પેટ્રોલ પૂરાવવા જતો હતો. એટલે ડિવાઇડર પાસે સામેથી વાહનો ઓછા થાય એટલે રસ્તો ઓળંગવા માટે હું રાહ જોઈને ઊભો હતો. મારી ડાબી બાજુએ એક કાર પણ હતી. તેમાં ડ્રાઇવર ગાડી ચલાવતો હતો અને પાછળ યુવાન શેઠ અને યુવતી હતા. કારના ડ્રાઇવર અને મારું બંનેનું ધ્યાન સામેથી આવતા વાહન તરફ હતું. હવે મારે સામે જ જવાનું હતું અને કારને જમણી તરફ વળી જવાનું હતું. એટલે સામે ધ્યાન રાખવામાં કાર જમણી તરફ વળી અને હું સામે તરફ. એમાં સહેજ અથડામણ થઈ. તે પછી તે જમણી તરફ વળી એટલે હું પેટ્રોલ પંપ પર ગયો. થોડી વારમાં તો પેલી કાર પેટ્રોલપંપથી થોડે આગળ જઈને ઊભી રહી. તેમાંથી યુવાન બહાર આવ્યો અને મને ખખડાવવા લાગ્યો, ‘દેખાતું નથી? અથડાઈ ગયો હોત તો?’ મેં કહ્યું, ‘અથડાઈ ગયો હોત તો મારો હાથ કે પગ ભાંગત. મારા સ્કૂટીને નુકસાન થાત.’
‘પણ મારી કારને નુકસાન થયું તેનું શું?’ ‘ખલી જેવી કારને રાજપાલ યાદવ જેવા મારા સ્કૂટીથી કેવી રીતે નુકસાન થાય?’ મેં જવાબ આપ્યો. પેલો યુવાન હવે મારી ચિંતા છોડીને પોતાની ચિંતા જણાવવા લાગ્યો. ‘બીજું કંઈ ન જાણું. મારી કારને નુકસાન થયું તેના પૈસા આપ.’ એમ કહીને તેણે મારા સ્કૂટી પર પગ મૂક્યો એટલે તેની ચાલ સમજીને મેં સ્કૂટીમાંથી ચાવી કાઢી લીધી. પછી તો તેણે મારામારી શરૂ કરી એટલે મેં પણ સામે બરાબરની ફટકારી. અલબત્ત, તે તાકાતમાં મારા કરતાં બળિયો હતો અને તેની સાથે ડ્રાઇવર અને તેની પ્રેમિકા કે પત્ની જે કોઈ હોય, તે પણ હતાં. જ્યારે હું એકલો. અલબત્ત, પેટ્રોલ પંપ પર ઘણા માણસો હતા, પણ તેમને તો મફતનું મનોરંજન માણવું હતું. થોડી વાર મારામારી થઈ, પણ અંતે થાકીને તે ચાલ્યો ગયો.
બીજું ઉદાહરણ. હું ને ‘દિવ્ય ભાસ્કર’ના મનીષ દવે આનંદનગરમાં રહેતા હતા ત્યારે બાજુમાં એક બંગાળી યુગલ રહેતું હતું. તે બંગાળી ભાઈને કોઈ બાઇકવાળાએ ટક્કર મારી દીધી. પરંતુ બાઇકવાળો આક્રમણની મુદ્રામાં આવી આ બંગાળી ભાઈ પાસે પૈસા માગવા લાગ્યો, તેને બહુ વાગ્યું છે એમ કહીને. અલબત્ત, વધુ તો આ બંગાળી ભાઈને વાગ્યું હતું. બંનેને સરદાર પટેલ સ્ટેડિયમ પાસેની એક હોસ્પિટલમાં દાખલ કરાયા. તેમનો ફોન ઘરે આવતા તેમનાં પત્નીએ અમને વાત કરી એટલે અમે બંને હોસ્પિટલ પહોંચ્યા. પહેલાં તો અમે, પૈસા નહીં મળે, તેવું ચલાવ્યું. પરંતુ તે ટસનો મસ ન થયો એટલે છેવટે મનીષ દવે એટીએમમાંથી પૈસા ઉપાડી લાવ્યા અને પેલાને આપ્યા. તે તો પગ ભાંગી ગયો છે ને એક્સ રે કરાવવો પડશે ને એવી કંઈક ફરિયાદો કરતો હતો. પરંતુ થોડીવારમાં તેના પરિવારજનો આવ્યા અને ભાઈ ઊભો થઈ ચાલતો થઈ ગયો!
અમદાવાદમાં તમારા કોઈ સ્વજનો સ્થાયી થવા આવતા હો તો આ એક સલાહ જરૂર આપજો, ભૂલેચૂકે ટક્કર ન મારવી, નહીં તો ચક્કર આવી જશે!
7 comments 16/04/2009
કાકા કેમ ચાલે વાંકા?
હમણાં ‘દિવ્ય ભાસ્કર’માં એક સમાચાર હતા. કોઈક પોલીસને એક ભાઈએ ‘કાકા’ કહ્યું તે પેલા પોલીસને ન ગમ્યું ને તેમણે પેલા ભાઈને માર માર્યો. પેલા પોલીસને મનમાં કદાચ એવી ઈચ્છા હશે કે અમે તો પોલીસદાદા એટલે અમને જમાદારદાદા કહેવું જોઈએ. અથવા તો કદાચ એવું પણ બને કે પેલો ભાઈ આ પોલીસ કરતાં ઉંમરમાં મોટો હોય ને તેણે આ પોલીસભાઈને ‘કાકા’ કહ્યું હોય તેમાં આ પોલીસ ભાઈને ખોટું લાગ્યું હોય તો ખબર નહીં. આમેય પોલીસ, પત્રકાર અને પત્નીને ક્યારે ખોટું લાગે તે કહેવાય નહીં. આમાં મારા એક મિત્ર ઉમેરો કરવા માગે છે કવિ અને કોલમિસ્ટોનો, પણ ‘પ’નો પ્રાસ બેસતો હોવાથી તેમનો ઉમેરો કર્યો નથી, તેવું નથી, પણ એ બીકે ઉમેરો નથી કર્યો કે વળી કદાચ તેમને ખોટું લાગી જાય તો. (ઉમેરો ન કર્યો હોવાથી ખોટું લાગી જાય તેવી સંભાવના પણ છે જ, જે હશે તે, દેખા જાયેગા.)
પણ ઉંમર નાની હોય ને કોઈ તમને ‘કાકા’ કહી જાય તેવી સંભાવના ખરી? પૂરેપૂરી. આ લખનારે પણ અનુભવ્યું છે. પેટ્રોલપંપ પર એક વાર પેટ્રોલ પૂરાવતી વખતે મારાથી દસ વર્ષ મોટા લાગતા એક ભાઈએ મને ‘અંકલ, બાઇક આગળ લાવો’ એમ કહ્યું ત્યારે એક સેકન્ડ તો પેટ્રોલ પર સળગતી દિવાસળી મૂકો ને ભડકો થાય તેમ ભડકો થયો પરંતુ મગજરૂપી ફાયર બ્રિગેડમાંથી પાણી છૂટ્યું ને ભડકો શાંત થયો એટલે મેં સામે કહ્યું : હા દાદા, લાવું છું. એટલે પેલા ભાઈ શાંત પડી ગયા.
મારા સ્વ. પિતા જેને હું ભાઈ કહેતો (એ વખતે, પપ્પા અને મમ્મી કહેવાનો રિવાજ નહોતો) તેમની બેન્કમાં એક મેનેજર હતા તે બધાને દાદા કહેતા. મેનેજર મારા ભાઈ સહિત અન્ય ઘણા બધા કર્મચારીઓથી ઉંમરમાં નાના હતા, એ વાત સાચી, પણ એ ઉંમરનો તફાવત દાદા ને પૌત્ર વચ્ચે ઉંમરનો તફાવત હોય એવડો પણ નહોતો કે એ બધા પોતાને દાદા કહેવડાવવા તૈયાર થાય. મહારાષ્ટ્ર હોય તો હજુ સમજી શકાય કે ત્યાં મોટા ભાઈને નાના ભાઈ કે બહેનો દાદા કહે છે. પણ સૌરાષ્ટ્રમાં તો દાદાનો અર્થ પિતાના પિતા કે પિતાના પિતાની ઉંમરના વડીલ થાય.
એવું લાગે કે મૂળ તો આમાં માનવનો સામેવાળી વ્યક્તિનો માનભંગ કરવાનો ઈરાદો રહેલો હોય છે. મોટી ખુરશી પર બેઠેલા હોય કે નાનું કામ કરતા હોય, દરેકની ઈચ્છા તો સામેવાળાનું માનભંગ કરવાની હોય છે જ. એટલે એક યા બીજી રીતે માનભંગ કરવું એવી અશોભનીય પ્રવૃત્તિમાં માનવ રાચવા લાગે છે.
ઘણી ઓફિસોમાં ‘સાહેબ’ કહીને પણ આ પ્રવૃત્તિ કરાતી હોય છે. મારી જૂની ઓફિસ ‘સૌરાષ્ટ્ર સમાચાર’માં જો સાચા સાહેબ તમને ‘સાહેબ’ કહે તો નવો નવો આવેલો માણસ ખુશ થતો પણ પછી તેને ખબર પડતી કે આ સંબોધન ચેતવણીરૂપ છે. આપણાથી કંઈક ભૂલ થઈ છે અને આપણા સાચા અર્થમાં સાહેબ સાહેબ કહીને તેઓ ભૂલ (એ ભૂલ ન હોય તો માની લેવાનું, કેમ કે સાહેબ કહે છે એટલે ભૂલ હોય જ, બોસ કેન નેવર બી રોંગ!) પ્રત્યે ધ્યાન દોરવા માગે છે અને જો નહીં ચેતીએ તો પછી કેવા કેવા સંબોધન આવશે તેની કલ્પના કરી લેવી.
ઘણી જગ્યાએ આવા (અપ)માનવાચક સંબોધનમાં ‘વડીલ’ એવા સર્વનામનો ઉપયોગ થતો હોવાનું પણ (નહીં લખાયેલા) ઇતિહાસનાં પૃષ્ઠો પર જોવા મળે છે. આ ઉપરાંત ક્યાંક ક્યાંક ‘મુરબ્બી’નો પ્રયોગ પણ થતો હોવાનું આ પૃષ્ઠો પર નોંધાયેલું હોવાનું જાણકારો કહે છે.
જોકે અમદાવાદમાં તો ‘બોસ’ અને ‘પાર્ટી’ આ બંને સર્વનામો પક્ષો દ્વારા અપાતા વચનોની જેમ છૂટથી વપરાય છે. ‘બોસ’ સંબોધન પેલા ‘સાહેબ’ જેવું જ છે. પણ ‘પાર્ટી’ સંબોધન મને ક્યારેય નથી ગમ્યું કેમ કે એમાં સ્ત્રી હોય કે પુરુષ,બધાં જ સ્ત્રીલિંગ બની જાય છે. ક્યાંય તમે સાંભળ્યું કે, પાર્ટી આવી ગયો છે! પાર્ટી આવી ગઈ છે, એમ જ કહેવાય છે.
એટલે પાર્ટી સંબોધન, (હવે ઇતિહાસમાં સ્થાન પામી ચૂકેલી ભણવાની) પાટી ઉપાખ્યે સ્લેટની જેમ માથામાં વાગે છે, શું કહો છો, ‘સાહેબ’!
2 comments 25/03/2009
પેટ્રોલ પૂરાવવાની પારાયણ!
આ અભૂતપૂર્વ કટોકટી હતી!
લોકોએ કદાચ 1991ની સાલ પછી અઢાર વર્ષે આવી કટોકટી અનુભવી હતી. અને એટલે જ
સમાચાર ચેનલો, જેમના મંડાણ 1991ના ખાડી યુદ્ધ વખતે થયા હતા, તેમના માટે આ
ખૂબ મોટો અવસર હતો. અગાઉ હાસ્ય લેખ ‘દુનિયામાં શાંતિ થાય તો કોણ દુઃખી
થાય?’માં લખી ચૂક્યો છું તેમ સમાચાર માધ્યમો માટે લોકોની આપત્તિ ખૂબ મોટો
અવસર હોય છે.
જુઓ ને, કારગિલ વખતે આપણી બરખા દત્ત કારગિલ પર પહોંચી ગઈ હતી. એમાં તો તે
સ્ટાર રિપોર્ટર બની ગઈ. (બરખાએ નાનપણમાં ગીત સાંભળી લીધું હશે,
‘બરખારાની જરા જમ કે બરસો’ અને તેનું નામ બરખા. એટલે જ કદાચ તે દર વખતે
તે ‘જમ કે બરસે’ છે.) થોડા વખત પહેલાં મુંબઈ પર ત્રાસવાદી હુમલા થયા
ત્યારે તેણે તેની સમવ્યાવસિયક સબિના (આ નામ શબાના આઝમી હોત તો કદાચ અમને
ખુશી પણ થઈ હોત) તાજમાં છઠ્ઠા માળે છે તેવું જાહેર કર્યું અને
ત્રાસવાદીઓને શિકારની ભાળ મળી ગઈ હતી. દીપક ચૌરસિયા, જેને ઓફ ધ રેકર્ડ
ચૌ*શિયા કહેવામાં આવે છે, જે એટલી બધી લપ અને વાહિયાત રીતે રિપોર્ટિંગ
કરે છે તે તો સૂતા સૂતા રિપોર્ટિંગ કરવા લાગ્યો હતો અને કહેતો હતો, ‘જુઓ,
અમારી બાજુમાંથી જ કમાન્ડો ગોળીઓ છોડી રહ્યા છે.’ ત્યારે થતું કે કાશ,
ત્રાસવાદીઓની એકાદ ગોળી તેને પણ લાગી જાય. પણ ભગવાન આપણી ફરિયાદ ક્યાં
સાંભળે છે.
તો ટીવી12ની સંવાદદાતા પેટ્રોલ પંપ પાસે હતી. અગાઉ કહ્યું તેમ તેમના માટે
આ ખૂબ મોટો અવસર હતો. સ્ટુડિયોમાં બેઠેલો ન્યૂઝ એન્કર તેને પૂછી રહ્યો
હતો, ‘હા, તો બતાવો મોનિકા, ત્યાં કેવો માહોલ છે?’ મોનિકા વગર કારણોસર
ઉત્તેજિત સ્વરે બોલવા લાગી, ‘અહીં ભારે આપાતકાળ સર્જાયો છે.’ ગુજરાતી
પત્રકારો પણ હવે હિન્દી ચેનલો અને અંગ્રેજી પિક્ચરો જોઈને પા ભાગનું
ગુજરાતી, અડધા ભાગનું હિન્દી અને પા ભાગનું અંગ્રેજી બોલતા થઈ ગયા છે.
‘અહીં ખૂબ જ લાંબી લાઇન લાગેલી છે,’ મોનિકા બોલી રહી હતી. ન્યૂઝ એન્કરે
પૂછ્યું, ‘પણ તમે તો વસ્ત્રાપુરના પેટ્રોલપંપે જવાના હતા ને તમે જોધપુરના
પેટ્રોલપંપે કેમ ઊભા છો?’ ‘શું કરીએ? અમારી ઓબી વાનનું ડિઝલ પણ ખાલી થઈ
જવા આવ્યું છે. એટલે નજીકમાં જે પેટ્રોલ પંપ હતો ત્યાં ઊભા રહી ગયા. ડિઝલ
પણ પૂરાવાઈ જાય અને સ્ટોરી પણ થઈ જાય.’ મોનિકા બોલી રહી હતી ત્યાં, આદત
મુજબ તેને અટકાવીને ન્યૂઝ એન્કર બોલ્યો. આમ પણ ન્યૂઝ એન્કર ‘શોલે’ની
બસંતી જેવા હોય છે, પોતે જ બકબક કર્યા રાખે. બીજાને ઓછું બોલવા દે.
‘ત્યાં ઊભેલા લોકોને પૂછો મોનિકા કે તેમને કેવી તકલીફ પડી રહી છે?’
મોનિકાએ સ્વાભાવિક જ એક કારવાળા ભાઈને પૂછ્યું, ‘તમે કલાકથી લાઇનમાં ઊભા
છો તો તમને કેવી તકલીફ પડી રહી છે?’ પેલા ભાઈ બોલ્યા, ‘પહેલી વાત તો એ કે
હું ઊભો નથી, કારમાં બેઠો જ છું. અને તકલીફનું તો એવું છે કે બાઇક કે
સ્કૂટરની જેમ લાઇનમાં ઊભા હો તો પગથી ઠેસ મારીને કારને આગળ લઈ જઈ શકાતી
નથી. તેમાં પેટ્રોલ વાપરવું જ પડે છે. અને વર્ષો પહેલાં ‘હમ આપ કે હૈ
કૌન’ વખતે લાઇનમાં ઊભો રહેલો, ત્યાર પછી લાઇનમાં ઊભા રહેવાની પ્રેક્ટિસ જ
નીકળી ગઈ છે. હવે તો મલ્ટિપ્લેક્સ એટલાં થઈ ગયાં છે અને મલ્ટિપ્લેક્સમાં
સ્ક્રીન એટલા બધા છે કે લાઇનમાં ઊભા રહેવાનું આવતું જ નથી.’
એટલામાં ત્યાં કોઈ શખ્સ ‘બે લિટરના દોઢસો બે લિટરના દોઢસો’ એમ બોલતો પસાર
થયો. તરત ન્યૂઝ એન્કરે મોનિકાને કહ્યું, ‘મોનિકા, પેલો માણસ કાળા બજાર
કરતો લાગે છે. તેને પકડો.’
‘ડિઝલ લેવા માટે?’ મોનિકાએ બિલકુલ નિર્દોષભાવે પૂછ્યું.
‘ના. આપણા ચાલી રહેલા સમાચાર માટે. તેમને પૂછો કે તે કાળા બજાર કરે છે કે
શું?’ મોનિકાએ પેલા ભાઈને બોલાવ્યો. એ આવતા જ તેનું નામ વગેરે પૂછ્યું.
પેલો કહે, ‘અપુન કા નામ અબ્દુલભાઈ.’ મોનિકાએ હોઠ ફફડાવ્યા પણ તે પહેલાં જ
ન્યૂઝ એન્કરે પૂછ્યું, ‘અબ્દુલભાઈ, તમારા માટે તો મંદીમાં પણ ચાંદી થઈ ગઈ
હશે ને.’ ‘અપુન કે લિયે તો મંદી કભી રહેતી હી ચ નહીં. કોઈ ના કોઈ ધંધા
ખોજ હી ચ લેતા મૈં.’ ન્યૂઝ એન્કર બોલ્યો, ‘પણ કાળાં બજાર તો ઘણા વખતે…’
અબ્દુલભાઈ બોલ્યા, ‘એમ તો રેશનિંગમાં ઘાસલેટ, મેરા મતલબ હૈ, કેરોસીનનું
કાળાં બજાર કરીએ પણ ગરીબ માણસ પાસેથી કિતના પૈસા લેવેંગે? પહેલાં તો
સિનેમાની ટિકિટના પણ કાળાં બજાર કરી શકતાં હતા પણ હવે તો આ
મલ્ટિપીલેક્સવાલે હી ઇતના દામ બઢા દિયે હૈ કિ વો હી ચ કાલાબજાર કરતે હૈ
એસા લગતા હૈ. શોપિંગ મોલ મેં જાવેંગે તો વહાં ભી દામ ઇતને ઊંચે કિ આમ
આદમી કો પરવડતા હી નહીં. અરે આમ આદમી તો સબ્જી તરકારી ભી ચાર દિન મેં એક
બાર લેતા હૈ…’ સ્ટુડિયોમાં બેઠા બેઠા સામાન્ય માણસનું જ્ઞાન નહીં
ધરાવતા અને સામાન્ય રીતે અપ માર્કેટ લોકોની જ પ્રતિક્રિયા લેવાના કારણે
ન્યૂઝ એન્કર અને રિપોર્ટર મોનિકાને સામાન્ય માણસની તકલીફનું તો જ્ઞાન જ
ક્યાંથી હોય. એટલે ન્યૂઝ એન્કર પૂછી બેઠો, ‘પણ અબ્દુલભાઈ ઇન્ફ્લેશન તો
ઘટી ગયું છે ને.’ અબ્દુલભાઈ બોલ્યા, ‘ઇનફિલેશન મતલબ?’
મોનિકા જમીન પર રહીને રિપોર્ટિંગ કરતી હોવાના કારણે તેનો અર્થ તેને ખબર
હતી, ‘મોંઘવારી.’ અબ્દુલભાઈ કહે, ‘મેડમ, મોંઘવારી ક્યાં ઘટી છે બતાવો
મને. આ પેટ્રોલના ભાવ ઘટવાના છે તો તેની વિરુદ્ધ આ હડતાળ પડી રહી છે.
તેલના ભાવ સસ્તા થાય તો ગાંઠિયાના ક્યાં થાય છે? અમારા જેવા ગરીબો માટે
તો ગાંઠિયા અને ડુંગળીથી જ પેટ ભરાઈ જાય છે. પાણી પીવું હોય તો એક રૂપિયો
આપીએ તો પાઉચ મળે. પહેલાં તો માણસો પરબ બનાવતાં. પહેલાંના રાજા પોતે પણ
ઠેરઠેર પાણીનાં પરબ બનાવતાં. પણ હવેના રાજાઓ તો પોતાનાં સગાંને
પેટ્રોલપંપની લ્હાણી કરે છે.’ અબ્દુલભાઈએ વ્યથા ઠાલવી દીધી.
પણ આવી વ્યથા જોવાનું દર્શકોને ન ગમે એવો ઉપરના સાહેબનો કડક નિયમ હતો
એટલે ન્યૂઝ એન્કરે તરત વાત વાળી લીધી અને કહ્યું, ‘આ તો આપણે જાણી
કાળાંબજાર કરતા અબ્દુલની વાત. હવે જાણીએ બીજા કોઈ પેટ્રોલપીડિત વ્યક્તિની
વાત.’ મોનિકા બીજા એક કારવાળા ભાઈ પાસે ગઈ અને તેમનો અનુભવ પૂછ્યો. તેઓ
લાઇનમાં ઘણા પાછળ હતા. પેલા ભાઈ અસલ શેઠ જેવા લાગતા હતા. નાનપણમાં શેઠ
વિશે અમે જે જોડકણું સાંભળેલું તેના જેવા :
શેઠ મોટું પેટ, પેટે ચડી કીડી, શેઠે પીધી બીડી, બીડી ગઈ ગટરમાં, શેઠ બેઠા મોટરમાં.
મોટા પેટવાળા શેઠ કારમાંથી ક્યારેય નીચે ઉતર્યા હોય તેવું લાગ્યું નહીં.
મોનિકાએ પૂછ્યું, ‘કેમ શેઠ, તમે તમારા ડ્રાઇવરને પેટ્રોલ ભરાવવા ન
મોકલ્યો?’ શેઠ ભરશિયાળે કપાળ પરથી નીતરતો પરસેવો લૂછીને કહે, ‘એ પણ આવા
મુશ્કેલીના સમયે જ વાંકો ચાલ્યો. કહે, પેટ્રોલ કંપનીઓના કર્મચારીઓ
પગારવધારો માગે છે એમ મારે પણ પગારવધારો જોઈએ. તમે પગાર વધારી દો તો હું
જઉં. મેં તેને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી તો કહે, પેટ્રોલ નહીં
હોય તો આમેય કાર ક્યાંથી ચલાવવાના. એટલે મારી નોકરી તો રહેશે જ નહીં.
બોલો, આવું કહેતો હતો એ બદમાશ.’ મોનિકા કહે, ‘પણ સાહેબ, તમને ભરશિયાળે
એસી કારમાં પરસેવો કેમ વળી રહ્યો છે. તમને ચક્કર તો નથી આવતા ને. તમને
બી.પી. વધી તો નથી ગયું ને.’ શેઠ કહે, ‘એવું જ લાગે છે. મને ચિંતા છે કે
લાઇનમાં હું પાછળ છું અને મારો વારો આવશે ત્યાં પેટ્રોલપંપમાં પેટ્રોલ
ખાલી થઈ જશે તો હું અહીંથી જઈશ કેવી રીતે? મારી કારમાં પણ પેટ્રોલ ખાલી
થઈ જવા આવ્યું છે.’
આ સંવાદ સાંભળી રહેલા એક ભીખારીએ ન્યૂઝ ચેનલના કેમેરાની ફ્રેમમાં અચાનક
દેખા દીધી અને શેઠને ઓફર કરી, ‘શેઠ, તમે ભલે મને ભીખ ન દેતા હો, પેટ્રોલ
ખાલી થઈ જાય તો આપણા ઘરમાં રહી જજો, બોસ. ચિંતા શા માટે કરો છો.’
ભીખારીની આ દિલદારીથી મોનિકાની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં, પણ ચેનલના
નિયમના કારણે તેને તે વધુ દેખાડી શકે તેમ નહોતી એટલે બીજા કોઈ શેઠનો
ઇન્ટરવ્યૂ કરવા તે આગળ વધી ગઈ.
Add comment 10/01/2009
દુનિયામાં શાંતિ થઈ જાય તો કોણ દુઃખી થાય?
સામાન્ય રીતે ઉપરઉપરથી નેતાઓથી માંડીને પત્રકારો બધા જ તેમનાં કાર્યો દ્વારા આ જગતમાં શાંતિ સ્થાપવા માટે પ્રયત્નશીલ દેખાય છે. નેતા, ડૉક્ટરો, વકીલો..સોરી, વકીલોનું નામ તો બહુ બદનામ થઈ જ ગયું છે. એમ કહેવાય કે, ઝઘડો ચાલુ રહે તે વકીલોને બહુ જ ગમે. ‘દામિની’માં સન્ની દેઓલ જેવો વકીલ છે તેવું બનવાનું કોઈને ગમે ખરું? સાંભળ્યું છે કે એટલે જ વકીલોએ ‘દામિની’ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે કોર્ટમાં આ ફિલ્મ વિરુદ્ધ એફિડેવિટ કરી હતી કે મુજકર સન્ની વકીલોને બગાડવાની કોશિશ કરી રહ્યો છે અને વકીલોની છાપ તેનાથી ખરડાઈ છે. યોર ઑનર! આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકાવો.
એમ તો ‘મુન્નાભાઈ એમબીબીએસ’ જોઈ ત્યારે તબીબોને પણ નિદ્રાની ટીકડીઓ લેવી પડી હતી (અલબત્ત, ફાર્માસ્યુટિકલ કંપનીઓએ મફતમાંં આવેલી સ્તો) કેમ કે, તેમની ઊંઘ હરામ થઈ ગઈ હતી. ડૉક્ટરો જો બધા મુન્નાભાઈ જેવા, દર્દીઓ પ્રત્યે લાગણીશીલ થઈ જશે તો તેમનું ઘર ચાલશે કેમ? અખબારોમાં વિજ્ઞાપનો કેવી રીતે આપી શકાશે કે ફલાણા ડૉક્ટર વિદેશ યાત્રાએ ગયેલા હોવાથી મળી શકશે નહીં.
પરંતુ પત્રકારોને મોટા ભાગે ફિલ્મોમાં સારા જ ચિતરવામાં આવતા હોવાથી તેમણે કોઈ ફિલ્મ વિરુદ્ધ અખબારમાં લખવું પડ્યું નથી. હા, ગિફ્ટનું પેકેટ મળ્યું ન હોય તો લખ્યું હોય તે જુદી વાત છે. (આમ પણ બિચારા પત્રકારો મામૂલી ડાયરી જેવી ગિફ્ટથી પણ ખુશ થઈ જતા હોય છે, ગુજરાતમાં તો એક પેગ પણ ચાલે!)
તો જો જગતમાં બધા જ વર્ગના (વર્ગ કહું છું ત્યારે મારી મતલબ ‘બૌદ્ધિક’ વર્ગ અવતરણ ચિહ્નમાં કોઈ શબ્દ મૂકાય ત્યારે તેનો બીજો અર્થ થતો હોય છે તે તો ‘બૌદ્ધિક’ વાચકો જાણતા જ હશેની છે) લોકો જો જગતમાં શાંતિ સ્થપાય જાય (અને ભારતના લોકો સાથે સંબંધ છે ત્યારે તેમનું જગત ભારતપાકિસ્તાન અને બહુ બહુ તો અમેરિકા સુધી સીમિત છે) તો તેમની ખુશીનો પાર રહે ખરો?
પણ કદાચ, એક વર્ગ એવો છે જેને ભલે આત્મિક ખુશી (જોકે એ પણ સવાલ તો છે જ) થાય, વ્યાવસાયિક રીતે ખૂબ જ દુઃખી થાય, કંટાળાજનક લાગે.
દાખલા તરીકે, દેશ અને વિદેશના સમાચારોના વિભાગ, જેને અમે ‘સૌરાષ્ટ્ર સમાચાર’માં ‘પી.ટી.આઈ.’ તરીકે ઓળખતા તેમાં રવિવાર અમારા બધા માટે ભયંકર કંટાળાજનક દિવસ. રવિવારે દેશભરના લગભગ (છાપાં સિવાયના) ધંધાપાણી બંધ રહેતા હોવાથી કોઈ સમાચાર જ ન હોય. અને સમાચાર ત્યારે જ સમાચાર બને જ્યારે કોઈ રાજકીય પક્ષોના નેતાઓ વચ્ચે સામસામે આક્ષેપો થયા હોય, કોઈ મોટું કૌભાંડ બહાર આવ્યું હોય, વડા પ્રધાને પાકિસ્તાન સામે આરપારની લડાઈ લડી લેવાની હાકલ કરી હોય (યસ, અખબારોના સદ્ભાગ્યે ૨૦૦૧માં પણ, જ્યારે આ બંદો ભાવનગરના ‘સૌરાષ્ટ્ર સમાચાર’માં પી.ટી.આઈ ૅ પૂર્તિ વિભાગ એમ બે વિભાગમાં હતો કહો કે, ‘બે’જવાબદાર હતો ત્યારેય સંસદ પર ત્રાસવાદીઓ હુમલો કરી ગયા હતા અને ત્યારે વડા પ્રધાન રોજે રોજ નિવેદનો આપી પાકિસ્તાન સામે લડી લેવાની વાત કરતા હતા. કોણ કહે છે કે, સમય બદલાયો છે? શાસકો બદલાયા છે? સમય એનો એ જ છે, શાસકો ભલે બદલાયા હોય, ભાષા એની એ જ છે.), કોઈ બેંક લૂંટાઈ હોય એવું કશું રવિવારે બને નહીં. નિવેદનિયા નેતાઓ પણ રવિવારે રજા રાખતા હોઈ, પ્રેસ નોટ મોકલે નહીં. એટલે રવિવારે જગ્યા ભરવાની બહુ જ માથાકૂટ રહે.
અને તાકડે, રવિવારે જ, વિજ્ઞાપનદાતાઓ પણ વિજ્ઞાપન ન આપે, કારણ એ છપાય તો સોમવારના છાપામાં. એટલે સમાચારો માટે જગ્યા બહુ જ મળે. એકબાજુ, સમાચારો (જેને છાપાવાળા ખરેખર સમાચાર માને, બાકી હકારાત્મક સમાચારો તો ઘણા હોય પણ તે વાચકોને મજા પડે તેવા ન હોય, ચટાકેદાર ન હોય એટલે સમાચાર ન બને) ન હોય અને બીજી બાજુ જગ્યા ભરવાની હોય. વળી, અખબારમાં પણ ઘણા વિભાગ (જેમ કે મારો અડધિયો વિભાગ પૂર્તિ) રવિવારે રજા રાખતા હોઈ અખબારના કાર્યાલયમાં પણ સૂનું સૂનું લાગે.
અને ‘સમાચારો’ બને ત્યારે? સાલું એ પણ મોટી રામાયણ! સમાચાર બને ત્યારે એકસાથે અનેક સમાચારો બન્યા હોય. ઉ.ત. એકબાજુ ગુજરાતમાં ભૂકંપ આવ્યો હોય અને બીજી બાજુ અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલો થયો હોય (એ બંને ઘટનાઓ અલગઅલગ સમયે જ બની હતી તેવી ટીપ્પણી લખવાની જરૂર નથી, એ લખનારને ખબર જ છે, ઉદાહરણરૂપે વાત મૂકી છે). એટલે બંનેના સમાચારો એકપછી એક પી.ટી.આઈ.ના મશિન પર ઉતરતા જ જતા હોય. અને તાકડે પાછું એવું બને કે એ દિવસે વિજ્ઞાપનો થોકબંધ હોય. એટલે ‘સિટી’વાળા (સિટીવાળા એટલે શહેરના સમાચારો છાપતો વિભાગ)ઓને જગ્યા માટે ભીખ માગવાની. દે દે બાબા! થોડી સી જગા દે દે! એનો મળવાનો કે ન મળવાનો આધાર પણ ચીફ રિપોર્ટરસાહેબને તેમની પત્નીએ કેવું ખવડાવ્યું છે તેના પર રહે. એટલે વૈકુંઠ નાનું અને ભગતડા ઝાઝા! સમાચાર ઘણા લખવા પડે ને પછી જગ્યા પ્રમાણે ઘણા નીકળતા જાય! પણ એ સાહેબ (મારા સાહેબ હતા શ્રી જિતુભાઈ દવે. તેમની ૬૦ વર્ષથી ઉપરની ઉંમર, પણ તેમ છતાં યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ અને ઉત્સાહ તેમનો હતો. આજે પણ ‘સૌરાષ્ટ્ર સમાચાર’માં તેઓ ફરજ એ જ ઉત્સાહ અને નિષ્ઠાથી બજાવે છે) ની નિષ્ઠા જુઓ કે બધા મહત્ત્વના સમાચાર છૂટી ન જાય તે માટે લખવાના તો ખરા જ. દવેસાહેબ પાછા જગ્યા માટે લડે પણ ખરા. ‘સૌરાષ્ટ્ર સમાચાર’ની હોમ એડ. હોય (મોટા ભાગે એ પૂર્તિની જ રહેતી) તો પહેલાં તો તે કાઢવા માટે માથાકૂટ અને ન કાઢી શકાય તેમ હોય તો પછી તેની સાઇઝ નાની કરવા માટે મથામણ!
અખબારોની દુનિયામાં, જમ્મુકાશ્મીરમાં એકબે જણાં ત્રાસવાદીઓના હાથે કે પછી તેનાથી ઉલટું, મરાયા હોય તો સમાચાર જ ન બને! અકસ્માતમાં એકાદ જણું રામપ્યારું થયું હોય તો એક ફકરો જ તેનો બને.
પણ આ બધી રામાયણ છતાં છેવટે, સારું કર્યાનો સંતોષ થાય. પણ મોટી વાત એ છે કે વ્યાવસિયક રીતે કોઈ સમાચાર ન હોય તો દુઃખ પત્રકારને થાય. સમાચારનો અર્થ અહીં ભગવદ્ ગોમંડળમાં આપ્યા પ્રમાણે હકીકત, વર્તમાન કે સારો આચાર નથી થતો, પણ સારો આચાર (હિન્દીમાં આચાર = અથાણંુ) એટલે કે ચટપટા સમાચાર થાય છે. હવે તો જોકે ઘણા માધ્યમો (એટલે કે અખબારો અને સમાચાર ચૅનલો) એવા થઈ ગયા છે કે સમાચાર ન હોય તો સમાચાર પેદા કરવાના. વિવાદ ન હોય તો વિવાદ જન્માવાનો; જેમ કે રાખી સાવંતે તેના બોયફ્રૅન્ડ અભિષેકને લાફો માર્યો. એટલે હવે જો ચટપટા સમાચાર ન હોય તો વ્યાવસાયિક રીતે જ નહીં, આત્મિક રીતે પણ પત્રકારો દુઃખી થતા હોય છે.
કહેવાય છે કે બીજું વિશ્વયુદ્ધ પત્રકારોના કારણે જ થયું હતું!
Add comment 08/01/2009

