Posts filed under 'cricket'

શાહરુખને મિંયાદાદનો તમાચો

તોછડાપણું અને અવિવેકીપણું આજના યુગની ફૅશનસ્ટેટમેન્ટ બની ગઈ છે. આને બીજા પણ સારા શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે હવે લોકો વિવેકના ઓઠા હેઠળ પોતાના મનની વાત છુપાવી રાખતા નથી. સામે ગમે તેવી વ્યક્તિ હોય તો પણ કહી દે છે પોતાને જે કહેવું હોય તે. પણ બધા માટે આવું શક્ય નથી. જે લોકો પોતે કંઈક બની ગયા છે તેમ માને છે તે જ આવી હિંમત કરી શકે છે. તો પછી શાહરુખ માટે માનવાનો સવાલ જ નથી. તે તો સુપરસ્ટાર છે જ. (ભલે હિલેરી ક્લિન્ટન તેના બદલે કંઈક અંશે વિચારક એવા આમિર ખાન સાથે ભોજન લે.)

શાહરુખ ખાન

શાહરુખ ખાન

[caption id="attachment_432" align="alignleft" width="250" caption="જાવેદ મિંયાદાદ"]જાવેદ મિંયાદાદ[/caption]થોડા મહિના પહેલાં આઇપીએલ દ્વિતીય વખતે તેની ટીમનો કોચ જોન બુકાનનના કૅપ્ટન બદલતા રહેવું જોઈએ તે વિચાર અંગે મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કરે વિરોધ કર્યો હતો તેના વિરોધમાં ગાવસ્કરની જરાય શરમ રાખ્યા વગર કિંગ ખાને ટીકા કરી હતી.
આજે આટલા સમય પછી શાહરુખ ખાનનું નાક બીજા કોઈએ નહીં પણ પાકિસ્તાનના ગાવસ્કર જેવા જ મહાન બૅટ્સમેન જાવેદ મિંયાદાદે તોડ્યું છે! (ખરેખર તો ભારતના કપિલ દેવ જેવા જ કોઈ ક્રિકેટરે ત્યારે જ પ્રતિક્રિયા આપવાની જરૂર હતી પણ અંદરોઅંદરની લડાઈના કારણે બધા મૌન રહ્યા.)

પત્રકાર દેબાશિષ દત્તાએ સંકલિત કરેલા એક પુસ્તકમાં જાવેદે સોય ઝાટકીને શાહરુખની ઝાટકણી કાઢી ચે. તેણે લખ્યું છે : ઇન્ડિયન પ્રિમિયર લીગ દ્વિતીય પહેલાં આ બન્યું, પણ હજુય તે (બાબત) મને મનમાં સાલ્યા કરે છે. શાહરુખ અમારા આદર્શ સમા ગાવસ્કરનું અપમાન કરી જાય તે હું જરા પણ સહન કરી શક્યો નથી. અરે! મારા સાથી ક્રિકેટરોને પણ શાહરુખના શાબ્દિક પ્રહારોથી આઘાત લાગ્યો હતો. દુૅંખની વાત છે કે પોતાના દેશ માટે આટલું કર્યા છતાં સુનીલ ગાવસ્કર હજુ તેમના દેશબાંધવોનું માન મેળવી શક્યા નથી.

મિંયાદાદ આગળ જતાં જે વાત લખે છે તે તમામ ક્ષેત્રના, વાણીવિલાસ કરતા લોકો માટે બરાબર પડે છે. તે લખે છે : મને ખબર છે કે આજકાલ પૈસો બોલે છે, પણ મારું માનો તો, ગમે તેટલા પૈસા પણ બીજા ગાવસ્કરનું નિર્માણ કરી શકે તેમ નથી. સન્ની (સુનીલ ગાવસ્કરનું હુલામણું નામ)નું અપમાન કરીને શાહરુખે પરોક્ષ રીતે અમારું અપમાન કર્યું છે.
આગળ વધીને મિંયાદાદે શાહરુખને ગાવસ્કર પાસેથી સ્પૉટ્ર્સમેન સ્પિરિટ (ખેલદિલીની ભાવના) શીખવાની શિખામણ આપી દીધી. (મિંયાદાદને કદાચ ખબર નહીં હોય કે શાહરુખે તો તેના આદર્શ સમા અને મહાન અભિનેતા અમિતાભની ઠેકડી જ નહીં, તેનું અપમાન કરવાની પણ એકેય તક ક્યાં જતી કરી છે.)

મિંયાદાદ લખે છે : સન્ની એક સદ્ગૃહસ્થ છે અને એ તેની મહાનતા છે કે તેણે શાહરુખની ટીપ્પણીઓની અવગણના કરી છે. તે જ બતાવે છે કે સન્ની કેટલા ખેલદિલ છે. શાહરુખે સુનીલ પાસેથી શીખવું જોઈએ.

આપણે ત્યાં સુનીલ ગાવસ્કરનું માન હોય કે ન હોય, પણ આપણા વિરોધી એવા પાકિસ્તાની ક્રિકેટરોમાં છે તે મિંયાદાદ ઉપરાંત વસીમ અક્રમની વાત પણ સાબિત કરે છે. ૪૦૦ વિકેટ લેનાર વસીમ કહે છે ઃ જ્યારે હું મારી લાંબી ખેલ કારકિર્દી તરફ નજર કરું છું ત્યારે મને ઘણો સંતોષ અને આનંદ થાય છે. મને દુ:ખ છે તો તે એક જ વાતનું કે હું ટેસ્ટમેચમાં ક્યારેય ગાવસ્કરને આઉટ કરી શક્યો નથી. મેં ગાવસ્કરની વિકેટ એક જ વાર લીધી હતી અને તે ૧૯૮૬૮૭માં ભારત પ્રવાસ વખતે હૈદરાબાદમાં રમાયેલ વનડે મેચમાં.

પાકિસ્તાનના બીજા મહાન ક્રિકેટર અને ભૂતપૂર્વ કપ્તાન ઈમરાન ખાન પણ ગાવસ્કરના વખાણ કરતા થાકતા નથી. તેઓ કહે છે : ગાવસ્કરની મહાનતા એ બાબતમાં રહેલી છે કે તેમને તેમની મર્યાદા ખબર હતી.

11 comments 25/07/2009

અમિતસિંહની બોલિંગ એક્શન : અમ્પાયરોનો નો બોલ

અમિતસિંહ : ‘તટસ્થતા’ની માનસિકતાનો શિકાર?

અમિતસિંહ : ‘તટસ્થતા’ની માનસિકતાનો ભોગ?

આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ વતી રમી રહેલા ગુજરાતના ફાસ્ટ બોલર અમિતસિંહ (સિંઘ ખોટું લખાય છે, એ અંગ્રેજીનો અનુવાદ કરાય છે એટલે. બાકી, સિંહ જ હોય. ગુજરાતીમાં તો ઘણા ‘સિંગ’ લખે છે! બુદ્ધિના સિંગ (શિંગડા) થોડા ઉગે?)ની બોલિંગ એક્શન અમ્પાયરોને શંકાસ્પદ જણાઈ છે. અમ્પાયર ડેરીલ હાર્પર અને કે.  હરિહરને આ અંગે અહેવાલ આપ્યો છે. દડો  હવે  ટૅક્નિકલ સમિતિના મેદાનમાં છે એટલે તેણે નિર્ણય લેવાનો છે. પરંતુ આ જે થઈ રહ્યું છે તે બહુ અન્યાયકારક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ‘તટસ્થ’ દેખાવાના ઈરાદે થઈ રહ્યું  હોવાનું પ્રાથમિક રીતે લાગે છે.

આ અગાઉ રાજસ્થાન રોયલ્સના જ કામરાન ખાન બાબતે પણ આવું જ થયું હતું. ભારતીય ટીમના

મોહનીશ પરમાર (ડાબે) અને મુરલીધરન (જમણે) : બોર્ડના સમર્થનના બે દાખલા

મોહનીશ પરમાર (ડાબે) અને મુરલીધરન (જમણે) : બોર્ડના સમર્થનના બે દાખલા

પ્રવેશ દ્વાર ખટખટાવી રહેલ ગુજરાતી બોલર મોહનીશ પરમારને પણ બોલિંગ એક્શનના મુદ્દે જ બાકાત રખાયો છે.

આના મૂળમાં ક્યાંક ભારતીય જનમાનસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ‘તટસ્થ’ દેખાવાની લાલસા કામ કરી રહી હોય તેવું લાગે છે. આ અગાઉ ખૂબ આશાસ્પદ ઓફ સ્પિનર રાજેશ ચૌહાણની બોલિંગ એક્શન વિશે આઈસીસીએ શંકા જાહેર કરી અને તેની કારકિર્દી ઉગતી જ આથમી ગઈ. હરભજનસિંહ વિશે પણ આવું થયું, પરંતુ તે નસીબદાર (અને સરવાળે ભારત પણ) કે તેનું પુનરાગમન શક્ય બન્યું.

ઑસ્ટ્રેલિયા વગેરે બળુકી ટીમો હંમેશા માનસિક સ્તરે જ ‘રમત’ રમતી હોય છે. એટલે તેઓ ભારત કે અન્ય ટીમોના જે સારા બોલર હોય તેની બોલિંગ એક્શન પ્રત્યે શંકા વ્યક્ત કરે અને જો પાસો સવળો પડ્યો તો ફાયદામાં! અને નહીંતર વાંધો નહીં. શ્રીલંકાના ખેલાડી મલિંગા, મુરલીધરનની બોલિંગ એક્શન પ્રત્યે પણ શંકા ઉઠતી રહી છે. મલિંગાની એક્શન તો રીતસર ‘થ્રો’ જ લાગે છે. તેમ છતાં શ્રીંલકા બોર્ડ મક્કમ હોવાથી તેમને ઉની આંચ આવતી નથી.

વર્ષોથી ક્રિકેટ જોતા એક બાબત એ પણ ધ્યાનમાં આવી છે કે અગાઉ પાકિસ્તાનના શકુર રાણા, શ્રીલંકાના અમ્પાયરો વગેરે હંમેશાં પોતાની ટીમની તરફદારી કરતા. ઑસ્ટ્રેલિયા વિશે તો એવું કહેવાતું કે તે અગિયાર ખેલાડીઓથી નહીં, (અગિયાર વત્તા બે અમ્પાયરો) તેર ખેલાડીઓથી રમે છે. જ્યારે સામે પક્ષે ઘણી વાર એવું ધ્યાનમાં આવ્યું છે કે ભારતના અમ્પાયરો વેંકટ રાઘવન વગેરે ભારતમાં મેચ રમાતી હોય ત્યારે ઘણી વાર ખોટી રીતે ભારતના ખેલાડીઓને આઉટ આપી દેતા. એનું કારણ વિરોધી ટીમની અત્યંત દબાણભરી અપીલ (ઑસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમો તેમની જોરદાર અપીલ માટે જાણીતી છે)ના દબાણમાં આવી જવું અને બીજું, આંતરરાષ્ટ્રીય સ્તરે, ‘જુઓ, અમે કેટલા તટસ્થ છીએ’ તેવું દેખાડવું હોઈ શકે.

અમિતસિંહની બોલિંગ એક્શન વિશે તો એવું કહેવાય છે કે હરિહરન તેની બોલિંગ એક્શન પાંચ વર્ષથી જોતા આવ્યા છે. આટલાં વર્ષોમાં ક્યારેય બોલિંગ એક્શન શંકાસ્પદ ન લાગી અને હવે એકાએક કેમ લાગી?

જવાબ ફરી ફરીને એક જ આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ‘તટસ્થ’ લાગવાનું. મુદ્દો અલગ છે, પણ ‘સેક્યુલારિઝમ’ બાબતે પણ આવું જ જોવા મળે છે. ભારતમાં ક્યાંક નાનો બનાવ બને (જે કોઈ આવી જ ઘટનાના જવાબમાં હોય) અને અમેરિકા ઇત્યાદિ દેશોનો સહેજ પણ વિરોધી સૂર પ્રગટ થાય એટલે આપણે ત્યાંના બૌદ્ધિકો, એનજીઓ વગેરે બોલવા માંડે.

મલ્લિકા સારાભાઈ  ગુજરાત વિશે જૂઠાણાં ફેલાવે છે, ભાઈ!

મલ્લિકા સારાભાઈ ગુજરાત વિશે જૂઠાણાં ફેલાવે છે, ભાઈ!

આ વખતની ચૂંટણીમાં લાલકૃષ્ણ આડવાણી સામે ઊભા રહેલાં નૃત્યાંગના મલ્લિકા સારાભાઈએ મુંબઈના અંગ્રેજી અખબાર ‘મિડ ડે’ને આપેલા ઇન્ટરવ્યૂ (http://www.mid-day.com/poll2009/2009/apr/170409-Mumbai-News-LS-Polls-Mallika-Sarabhai-electoral-campaign-Gandhinagar-Gujarat-L-K-Advani.htm)માં ‘૨૦૦૨ પછી ગુજરાતની સ્થિતિ કેવી બદલાઈ છે?’ તેવા સવાલના જવાબમાં કહ્યું હતું કે ગુજરાતમાં ભયના કારણે મુસ્લિમો આંખમાં આંખ મેળવીને વાત નથી કરી શકતા. ટ્રાફિકને લગતો ઝઘડો રમખાણોમાં ફેરવાઈ શકે છે. ગુસ્સો અને ચિંતાનું સ્તર એટલું બધું ઊંચું છે કે ગુસ્સો સેકન્ડોમાં ફાટી નીકળી શકે છે. ટોળું કાયદો પોતાના હાથમાં લઈને ડ્રાઇવરને પતાવી દઈ શકે છે અને લોકોને લાઇનમાં રાખવા માગતા પોલીસ પર લોકો હુમલો કરી શકે છે.

ટૂંકમાં, ગુજરાતમાં પરિસ્થિતિ બહુ ખરાબ છે. અહીં મુસ્લિમો બહુ ડરેલા છે. એ સિવાયના લોકો બેકાબૂ બન્યા છે, ઝઘડો કરવા આતુર જ હોય છે, કાયદા અને વ્યવસ્થાની કોઈ પરિસ્થિતિ જ નથી તેવું મલ્લિકાનું કહેવું છે.

એટલે અમિતસિંહનો પ્રશ્ન હોય કે ગુજરાતમાં બદલાયેલી પરિસ્થિતિ, હરિહરન અને મલ્લિકા સારાભાઈને ‘તટસ્થ’ દેખાવું છે અને આ કહેવાતી ‘તટસ્થતા’ પોતાના લોકો – સ્વદેશવાસીઓ કે સ્વરાજ્યવાસીઓને નુકસાનકારક હોય તો  પણ વાંધો નહીં.

1 comment 10/05/2009

સ્લમડોગ અને સ્લેવડોગ

‘પેરિસમાં જ્યારે મારી પાછળ લોકો પડ્યા ત્યારે મને એવું લાગ્યું કે અહીં પણ મારા ચાહકો છે! પરંતુ પછી મારા ડ્રાઇવરે મને કહ્યું કે ‘આ તો અહીંના ગરીબો છે.’ ત્યારે મને લાગ્યું કે બેકારી અને ગરીબી બધે જ એકસરખી જ છે.’

અમિતાભ બચ્ચને ઉપરોક્ત શબ્દો ટાંકી પોતાના બ્લોગમાં ‘સ્લમડોગ મિલિયોનેર’ ફિલ્મની ટીકા કરી કે ભારતની વરવી બાજુ દર્શાવતી ફિલ્મોને જ વિદેશમાં માન-સન્માન મળે છે, જ્યારે ભારતની ઉજળી બાજુ બજાવતી, વ્યાવસાયિક રીતે સફળ ગયેલી ફિલ્મોને નહીં. અમિતાભનો ઇશારો ‘સ્લમડોગ મિલિયોનેર’ને ઓસ્કરમાં મળેલ નામાંકન અને તે અગાઉ મળેલ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પ્રત્યે હતો. અમિતાભે કહ્યું કે ભારતની ગરીબી દર્શાવતી સત્યજીત રેની ફિલ્મોને પણ ઓસ્કરમાં માન મળતું હતું પરંતુ બીજી ઉત્કૃષ્ટ ફિલ્મો જેમાં ભારતની જમા બાજુ બતાવાઇ હતી તેને નહીં.

અમિતાભના આ શબ્દોનો વિવાદ થયો એટલે અમિતાભે પણ ફેરવી તોળ્યું કે ના, આ કંઈ મેં નહોતું કહ્યું. આ તો વાચકોએ લખેલી ટીકાને મેં જેમની તેમ રજૂ કરી હતી. લોકોના દબાણમાં આવીને બચ્ચને આવું કર્યું એટલે આ મુદ્દે તેમની વાતથી જે માન પેદા થયેલું તે ઉતરી ગયું!

જોકે અમિતાભે હળવેકથી બીજી એક વાત પણ સાથે કહી દીધી : ઓસ્કરને સર્વોચ્ચ એવોર્ડ માનવાની જરૂર નથી. આપણા એવોર્ડ પણ કંઈ કમ નથી.

તેમણે આવું કહ્યું એટલે કેટલાકે કહ્યું કે પોતાની ફિલ્મ ‘એકલવ્ય’ને ઓસ્કર એવોર્ડ ન મળ્યો એટલે ઈર્ષાથી પીડાઈને બચ્ચનબાબુ આવું કહે છે.

ગલત! સરાસર ગલત!

ખરેખર તો અમિતાભ બચ્ચન ભારતના ગૌરવના ઝંડેદાર છે. એક સુપરસ્ટાર હોવાના નાતે તેમણે જે કરવું જોઈએ તે કરે જ છે. વચ્ચે અનેક મંદિરોમાં દર્શન કરવા જવાનો મુદ્દો હતો ત્યારે તેમની ખૂબ જ ટીકા થઈ હતી કે અંધકશ્રદ્ધાળુ છે તો પણ તેમણે તે બંધ નહોતું કર્યું. ધાર્મિકતા અંગત બાબત છે (અને ખરેખર તો તેમ જ રહેવું જોઈએ, પણ કમનસીબે ધાર્મિકતા ભારતમાં જાહેર બાબત બની ગઈ છે.) હિન્દી ફિલ્મોદ્યોગ માટે કોઈ ‘ઇન્ડિજિનિયસ’ (સ્વદેશી કહેશું તો વળી ઘણા નાકનું ટેરવું ચડાવશે) શબ્દ ન મળતા વિદેશમાં ત્યાંના એક મોટા ફિલ્મોદ્યોગ માટે વપરાતા શબ્દ ‘હોલિવૂડ’ પરથી બોલિવૂડ (ત્યારે બોમ્બેનું મુંબઈ થયું નહોતું એટલે બોમ્બેનો ‘બો’ લઈને બોલિવૂડ) શબ્દ વપરાવા લાગ્યો. બચ્ચનબાબુ આ શબ્દ વપરાય તેના કટ્ટર વિરોધી છે.

જેમ વિદેશમાં ઓસ્કર છે તેમ તેમણે વિદેશમાં આઇફા એવોર્ડ યોજીને આપણા એવોર્ડની ગરિમા વધારવા પ્રયાસ કર્યો છે.

અહીં અમિતાભપ્રશસ્તિ કરવાનો આશય નથી, વાત આત્મગૌરવની છે.

‘સ્લમડોગ મિલિયોનેર’ના જે રીતે વખાણ થઈ રહ્યા છે તે જોતાં લાગે કે આજે પણ લોકો ગુલામીથી પીડાય છે, માનસિક ગુલામી. બાકી, ઘણી ફિલ્મો ભારતીય ભાષામાં – હિન્દી ભાષામાં ઝૂંપડપટ્ટીની સ્થિતિ, મુંબઈની અંધારી આલમને બતાવતી બની જ છે. તાજેતરમાં બનેલી મધુર ભાંડારકરની ‘ટ્રાફિક સિગ્નલ’ આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ઓસ્કરમાં ગયેલી ‘લગાન’ કે ‘તારે ઝમીં પર’ એવોર્ડને બિલકુલ લાયક ફિલ્મો હતી પરંતુ તેને એવોર્ડ મળ્યા નહીં. અને આપણું આત્મગૌરવ માત્ર ફિલ્મોની બાબતમાં જ નથી હણાતું, બીજી અનેક બાબતોમાં હણાય છે.

બ્રિટનના વિદેશ મંત્રી અહીં આવીને, હું ફરી દોહરાવું છું, અહીં આવીને, મુંબઈના ત્રાસવાદી હુમલા પછી આપણને શિખામણ આપી જાય છે કે પહેલા કાશ્મીરનો પ્રશ્ન હલ કરો. ત્યારે કોઈ તેમને કહી શકતું નથી કે જસ્ટ શટ અપ! વી ડોન્ટ નીડ યોર એડવાઇસ!

મુંબઈના ત્રાસવાદી હુમલા પછી, ભારત શા માટે આટલી રાજદ્વારી પ્રયાસો કરે છે, લોકોને સમજાવવા પ્રયાસ કરે છે કે પાકિસ્તાને જ અમારા પર હુમલો કર્યો છે, ત્રાસવાદી પાકિસ્તાની જ હતા એ સમજાય તેવું નથી. ભારત સામે પ્રત્યક્ષ યુદ્ધમાં જીતી શકે તેમ ન લાગતા પાકિસ્તાને ત્રાસવાદરૂપી પરોક્ષ યુદ્ધ શરૂ કર્યું છે એ દીવા જેવી સ્પષ્ટ વાત છે. અને એમાં વિદેશો સમક્ષ વાત મનાવવાની શી જરૂર છે?

ક્રિકેટની વાત કરીએ તો, ગૌતમ ગંભીરની વાત હોય, હરભજન વિ. સાયમંડ્સની કે વીરેન્દ્ર સહેવાગની, અનેકવાર ખોટા નિર્ણયોનો ભોગ બની અમ્પાયરો દ્વારા સચિન તેંદુલકરના આઉટ થવાની વાત હોય, ભારતીય ટીમ મેનેજમેન્ટ ગળું ખોંખારીને કેમ એમ નથી કહી શકતું કે ધિસ ઇઝ ચીટિંગ! ધિસ ઇઝ અનજસ્ટિસ!

એટલે મૂળ પ્રશ્ન માનસિકતાનો છે. અગાઉ ભારત ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સામે વારંવાર હારી જતું હતું તેનું કારણ ડરની માનસિકતા જ હતી. પાકિસ્તાન જે ઝનૂન બતાવતું, પાકિસ્તાન કે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ જે અંચઈ કરતા, ગાલી-ગલોચ કરતાં તેનો સંસ્કારી ભારતીય ખેલાડીઓ જવાબ નહોતા આપી શકતા. હવે આપણા ખેલાડીઓ ડરની માનસિકતામાંથી બહાર આવી ગયા છે. શ્રીનાથ હોય કે ઇશાંત શર્મા, લડાયક વૃત્તિ દરેક ખેલાડીમાં ઝળકતી જોવા મળે છે. સાયમંડ્સને તેની જ ભાષામાં હરભજન જવાબ આપી શકે છે. જોકે પછી જ્યારે કેસ ચલાવવાનો થાય ત્યારે તેની પડખે ટીમ મેનેજમેન્ટ ઊભું નથી રહેતું તે અલગ વાત છે, પરંતુ આ માનસિકતાના કારણે હવે ક્રિકેટ ટીમ સતત જીતતી દેખાય છે.

સરેરાશ ભારતીયો પણ આપણા ક્રિકેટરો જેવી માનસિકતા રાખતા ક્યારે થશે? ક્યારે એવો સમય આવશે કે ભારતમાં યોજાતા એવોર્ડમાં નામાંકન પણ મેળવશે તે અંગ્રેજી ફિલ્મના કલાકારો હરખપદૂડા થઈ ઉછળતા નાચતા ગાતા હશે? ક્યારે ભારતનો શબ્દ વિશ્વ માટે આજ્ઞા સમાન બની રહેશે? વિદેશમાં કોઈ ભારતીય જશે ત્યારે તેના પ્રત્યે માનની નજરે જોવાશે?

ઘણાને કદાચ માનવું નહીં ગમે, પણ પોખરણ-2 પછી ભારત પ્રત્યે વિદેશીઓની દૃષ્ટિમાં પરિવર્તન આવ્યું છે તે ચોક્કસ છે. પોખરણ-2 માં થયેલા પરીક્ષણના કારણે ભારત પાસે અણુશસ્ત્રો હોવાનું જાહેર થયું તેના કારણે તેમજ તે પછી ભારત પર અમેરિકા સહિતના શક્તિશાળી દેશોએ લગાવેલા પ્રતિબંધો  છતાં ભારત જે રીતે પ્રગતિ કરતું રહ્યું તેના કારણે વિદેશોમાં ભારતનું આત્મગૌરવ વધ્યું છે. પરંતુ એ પછી થયેલા સતત ત્રાસવાદી હુમલાઓ અને તેનો કોઈ સક્ષમ (બિફિટિંગ) જવાબ, ખરેખર તો જડબાતોડ જવાબ ન અપાતા સરેરાશ ભારતીયને નિરાશા જ થઈ છે.

સિંહ ભલે શિકાર ન કરવાનો હોય, પરંતુ તે જ્યાંથી નીકળે ત્યાંથી અન્ય પ્રાણીઓ આઘા-પાછા થઈ જતા હોય છે. સિંહ જેવા બનવાનો સમય હવે આવી ગયો છે.

મેં હજુ સુધી ‘સ્લમડોગ મિલિયોનેર’ નથી જોઈ, જોવાની ઉત્સુકતા પણ નથી. આપ કા ક્યા હાલ હૈ?

Add comment 06/02/2009


ગરમાગરમ પોસ્ટ

તાજી ટિપ્પણીઓ

shirish dave on ગુજરાતી છો? તો ગુજરાતીમાં વાત …
smdave1940 on લાલકૃષ્ણ આડવાણી, જશવંતસિંહ, સં…
bakuleshdee on યે લમ્હેં, યે પલ હમ બરસોં યાદ…
jaywantpandya on યે લમ્હેં, યે પલ હમ બરસોં યાદ…
kishore modi on યે લમ્હેં, યે પલ હમ બરસોં યાદ…

તારીખીયું

December 2009
M T W T F S S
« Nov    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

સંગ્રહ

ખાંખાખોળા કરો

શ્રેણી

સૌથી વધુ ક્લિક

વહીવટીવિભાગ

લટકણિયાં

advani ahmedabad Amitabh Bachchan bhavnagar bjp blog bomb blast congress farah khan gmail gujarat hindu kandhar Karan Johar manmohan singh mohan bhagwat narendra modi pakistan prakash mehra rahul gandhi rss salman khan shahrukh khan taliban અભિયાન અમદાવાદ અમિતાભ અમિતાભ બચ્ચન ઇમેઇલ ઓસ્ટ્રેલિયા ગુજરાતી જયવંત પંડ્યા દિવ્ય ભાસ્કર નરેન્દ્ર મોદી ભાજપ ભાવનગર મનમોહનસિંહ રાહુલ ગાંધી શાહરુખ ખાન સચ કા સામના સલમાન ખાન સેક્યુલર સૌરાષ્ટ્ર સમાચાર સ્લમડોગ મિલિયોનેર હિન્દુ

Blog Stats

Feeds

... જરા નજર તો નાખતા જજો

અત્યારે તમારા સહિત કેટલા લોકો આ બ્લોગ પર છે?

પૃષ્ઠ

Twitter Updates

live traffic feed