Posts filed under 'Uncategorized'
હવે રિક્ષામાં બ્રેક સાથે કોમર્શિયલ બ્રેક!
તાજેતરમાં ‘અભિયાન’ની ઑફિસ બહાર એક રિક્ષા પાછળ જાહેરખબર આપવાની જાહેરખબર જોઈ. એટલે થયું કે તેની તસવીર પાડીને બ્લોગવાચકો માટે મૂકું.
અત્યાર સુધી જાહેરખબરના અનેક માધ્યમો આપણે જોઈ ચૂક્યા છીએ. હૉર્ડિંગથી માંડીને લારી સુધીના માર્ગો જાહેરખબર માટે અપનાવાઈ રહ્યા છે. ટીવી ચૅનલો, ઇન્ટરનેટ, સમાચારપત્રો, કૅબલની ચૅનલ…ઈશ્વરની જેમ જાહેરખબર સર્વવ્યાપી છે. પણ અત્યાર સુધી રિક્ષામાં બેસીને જાહેરખબર બોલાતી હતી. હવે રિક્ષાની પાછળ પણ વિજ્ઞાપનો લગાવાશે. અમદાવાદના એક સાંધ્ય દૈનિકની જાહેરખબર ઘણી રિક્ષાઓ પાછળ જોવા મળે છે; અલબત્ત, આવું સાંધ્યદૈનિક નીકળે છે તેની જાણ જ આ જાહેરખબર દ્વારા થઈ!

એટલે હવે રિક્ષા સાથે અકસ્માતોનું પ્રમાણ વધે તો નવાઈ નહીં!
2 comments 16/09/2009
કારગિલના જવાનનો છેલ્લો પત્ર

કેપ્ટન વિજયંત થાપર
આપણી યાદશક્તિ બહુ જ ટૂંકી છે. આપણે (ખાસ તો આપણા નેતાઓ) મુંબઈ પરના ત્રાસવાદી હુમલાઓને ભૂલી ગયા છે અને ત્રાસવાદી હુમલા અંગે કાર્યવાહી કરાશે તો જ વાતચીત કરાશે તેવી કરેલી ફાંકાબાજીને ભૂલીને વિદેશમાં વાતચીતને અને કાર્યવાહીને કોઈ સંબંધ નથી તેવું કહી આવ્યા છે (અને લટકામાં બલુચિસ્તાનનો મુદ્દો પણ ઉમેરવા દીધો છે…તે અલગ બ્લોગપોસ્ટની વાત થઈ.) તો પછી કારગિલની વાત જ ક્યાં કરવી. તેને તો દસ વર્ષ થઈ ગયા છે.
ખેર. સિફી વેબસાઇટ પર કારગિલના એક શહીદ કેપ્ટન વિજયંત થાપરનો છેલ્લો પત્ર પ્રકાશિત કરાયો છે. વિજયંત થાપરે કારગિલમાંથી પાકિસ્તાની સૈનિકોને ખદેડતા શહીદી વહોરી હતી. યાદ રહે, વિજયંતની ઉંમર હજુ ૨૨ વર્ષની જ હતી! આ પત્ર તેમણે પોતાના માતાપિતાને લખ્યો હતો. પત્રનો ભાવાનુવાદ આ મુજબ છે :
અત્યંત વહાલા પાપા, મમા, બિન્દી અને ગ્રાની (દાદીમા),
૧. તમને આ પત્ર મળશે ત્યાં સુધીમાં હું આકાશમાંથી અપ્સરાઓનું આતિથ્ય માણતા માણતા તમને જોતો હોઈશ.
૨. મને કોઈ પસ્તાવો નથી. હકીકતે, જો મને માનવદેહ ધારણ કરવા મળશે તો ફરી હું લશ્કરમાં જ જોડાઈશ અને દેશ માટે લડીશ.
૩. જો તમે આવી શકો તો આવો અને જુઓ કે ક્યાં આપણી સેનાએ તમારી આવતીકાલ માટે લડાઈ લડી છે.
૪. આ બલિદાન વિશે નવું પ્રકરણ બધાને કહેવાવું જોઈએ. મને આશા છે કે મારો ફોટો મંદિરમાં માતાજીની સાથે રખાશે.
૬. અનાથાશ્રમમાં કંઈક દાન આપજો અને રૂખસાનાને દર મહિને રૂ.૫૦ આપજો. યોગીબાબાને મળજો.
૭. બિંદીને બેસ્ટ ઑફ લક. સેનાના જવાનોનો ત્યાગ ક્યારેય વિસરતા નહીં. પાપામમા, તમારે મારા પર ગર્વ કરવો જોઈએ. મામાજી, મેં કરેલી ભૂલો બદલ મને માફ કરશો.
ચાલો ત્યારે, મારા સાથીઓ સાથે જોડાવાનો સમય આવી ગયો છે. મારી પાર્ટીમાં ૧૨ ચેપ્સ છે.
તમને બધાને શુભેચ્છા.
લિવ લાઇફ કિંગ સાઇઝ.
સહી.
1 comment 25/07/2009
ગિલની ‘દિલ’ની ‘દિલ્લી’વાળી વાત!
કેન્દ્રીય રમતગમત મંત્રી એમ.એસ. ગિલે એક જાહેર સમારંભમાં દિલ્હીનાં મુખ્યમંત્રી શીલા દીક્ષિત સમક્ષ વાતવાતમાં સૂચન મૂક્યું છે – ‘મેડમ, કેન્દ્ર સરકાર સમક્ષ દિલ્હીનું નામ દિલ્લી કરવાનું સૂચન મૂકો.’ ગિલના ‘દિલ’ની આ ‘દિલ્લી’વાળી વાત મને સ્પર્શી ગઈ છે.
હવે મેડમ જે કરે તે. પણ એક વાત સત્ય છે. ‘ઇન્દ્રપ્રસ્થ’ થાય કે ન થાય, ‘દિલ્હી’નું નામ ‘દિલ્લી’ થવું જ જોઈએ. મોટા ભાગના હિન્દી અખબારોમાં દિલ્લી જ લખાય છે. અને તેમ જ હતું, પણ અંગ્રેજો આવ્યા ને તેમણે જેમ ઘણાં નામોને બગાડી મૂક્યાં તેવું જ ‘દિલ્લી’ બાબતે થયું. અંગ્રેજોના વાદે આપણા કોન્વેન્ટિયા પત્રકારો અને અંગ્રેજીનો અનુવાદ કરતા પ્રાદેશિક અખબારો પણ ‘દિલ્હી’ લખવા માંડ્યા.
મેં અગાઉ પણ એક પોસ્ટમાં લખ્યું છે તેમ નામ એક જ હોય, તે બીજી ભાષામાં જુદું ન થઈ જાય. આજે અમદાવાદમાં ઘણા-બેન્ક-મોબાઇલ કે બ્રોડબેન્ડના કસ્ટમર ‘કેર’વાળા ફોન પર હિન્દીમાં જ વાત કરતા હોય છે (તે એક અલગ વાત થઈ) તેઓ મારી અટક ‘પંડ્યા’ને અંગ્રેજીમાં વાંચીને ‘પાંડ્યા’ બોલે છે ત્યારે પહેલી વાત હું તેમને મારી અટક સમજાવવાની કરું છું. એમ જ દિલ્લીનું દિલ્હી અંગ્રેજોએ કર્યું તો તે અંગ્રેજો ગયા બાદ આપણે તો સુધારવાની જરૂર હતી ને. કલકત્તાનું જેમ કોલકાતા થયું, ત્રિવેન્દ્રમનું તિરુવનંતપુરમ્ થયું, બેંગ્લોરનું બેંગાલુરુ થયું તેમ દિલ્હીનું દિલ્લી કરવું જ જોઈએ.
અને મારું તો નરેન્દ્ર મોદીને પણ નમ્ર સૂચન છે કે તેઓ અમદાવાદનું ‘કર્ણાવતી’ (વચ્ચે અમદાવાદ-ગુજરાત-કેન્દ્ર એમ ત્રણેય સ્તરે ભાજપ સત્તામાં હતો તો ય કર્ણાવતી નામ ન થઈ શક્યું – કેટલું દુર્ભાગ્ય!) ન કરાવી શકે તો કંઈ નહીં, પણ અંગ્રેજીમાં અહેમડાબાડ (Ahmedabad) લખાય છે અને બોલાય છે અને હિન્દીમાં ‘अहमदाबाद’ લખાય છે- બોલાય છે તેનું કમ સે કમ અમદાવાદ તો બોલાતું કરે.
આવું જ ભારત બાબતે છે. અંગ્રેજીમાં તો ઇન્ડિયા કહે જ છે, પણ હવે મગજ કોરાણે મૂકીને લખતા ગુજરાતી અખબારોના પત્રકારો પણ ઇન્ડિયા શબ્દ છૂટથી વાપરવા લાગ્યા છે. તે બંધ થવું જોઈએ. કેન્દ્ર સરકારે દેશનું એક જ નામ- ભારત કરી દેવું જોઈએ.
એક ન્યૂઝ ચેનલમાં ‘ગે’ લોકોના અધિકારની ચર્ચામાં અશોક રાય કવિ અંગ્રેજીમાં ‘પુરાણો’ને ‘પુરાણાસ’ કહેતા હતા તે જોતા માથું કૂટવાનું મન થયું. ‘રામ’નું ‘રામા’, ‘યોગ’નું ‘યોગા’ કર્યા પછી હવે પુરાણા કરવાનું છે?
થોડાં વર્ષો પહેલાં શાહરુખની એક ફિલ્મ ‘અશોક’ (સમ્રાટ અશોક પરથી) આવી હતી. તેના અંગ્રેજી સ્પેલિંગ પ્રમાણે બધા ગુજરાતી- હિન્દી અને અંગ્રેજી તો હોય જ- માધ્યમોમાં અશોકા જ બોલાતું ને લખાતું હતું પણ ત્યારે હું ‘સૌરાષ્ટ્ર સમાચાર’માં ‘સિનેવિઝન’ નામની કોલમ લખતો તેમાં હંમેશાં ‘અશોક’ જ લખતો હતો અને અત્યાર સુધી અશોક જ લખું છું. ….આ તો ઠીક છે, બાકી, આવું ને આવું રહ્યું તો આપણા ઉત્તમ હાસ્યલેખક અશોક દવેને પણ ભવિષ્યમાં અશોકા દવે તરીકે સંબોધવામાં આવે તેવું બની શકે.
શું કિયો છો, અશોકભાઈ!
2 comments 19/06/2009
વંદન આ માતાને!
‘મમ્મી, આપણે અજમલ કસાબને મળવા જઈશું?’
‘કેમ બેટા?’
‘પપ્પા તેને શૂટ કરવા ગયા હતા ને, પપ્પા તો હવે રહ્યા નહીં, પણ અમારે

શહીદ અશોક કામટેનાં પત્ની વિનિતા કામટે
હવે તેને શૂટ કરી દેવો છે.’
‘બેટા એ માટે આઇપીએસ (પોલીસ અધિકારી) બનવું પડે.’
ઉપરોક્ત પ્રકારના સંવાદો થયા વિનિતા કામટે અને તેમના બે દીકરા રાહુલ અને અર્જુન વચ્ચે.
વિનિતા કામટેનો ઇન્ટરવ્યૂ મુંબઈના અંગ્રેજી દૈનિક ‘મિડ ડે’માં છપાયો છે. અને છપાયો છે બરાબર ૨૬મી નવેમ્બરે જ્યારે મુંબઈ પર એ પાશવી હુમલાને એક મહિનો પૂરો થાય છે.
રાજકારણીઓ કદાચ આ હુમલાને ભૂલી જશે, જનતાનો કેટલોક વર્ગ એ હુમલાને ભૂલીને ૩૧મી ડિસેમ્બરની પાર્ટી, ૧૪ જાન્યુઆરીની મકરસંક્રાંતિ, ૧૪ ફેબ્રુઆરીના વેલેન્ટાઇન્સ ડેની ઉજવણીમાં પડી જશે, પણ સંવેદનશીલ લોકો ક્યારેય એ હુમલાને ભૂલી શકવાના નથી. સવાલ એ થાય છે કે ત્રાસવાદી હુમલામાંથી બચવા આપણે શું કરી શકીએ? અનેક સૂચનો આવે છે. કોઈ કહે છે, પાકિસ્તાન પર હુમલો કરો. કોઈ કહે છે, ઇન્ટેલિજન્સ સંસ્થાઓમાં સંકલન વધારો. કોઈ કહે છે, પોલીસમાં સંખ્યા વધારો.
પણ જો સૂચનકર્તાઓને પૂછવામાં આવે કે તમે શું કરશો તો માથું ખંજવાળવા લાગશે. બધા કહે છે, છત્રપતિ શિવાજી જેવા બાહોશ શાસકો આવવા જોઈએ, પણ એ છત્રપતિ શિવાજી મારા ઘરમાં નહીં, બાજુના ઘરમાં જન્મવા જોઈએ!
પોલીસમાં કે સેનામાં ભરતી થવી જોઈએ તેમ ઘણા લોકો માને છે, પરંતુ પોતાના દીકરાને જો તેમાં મોકલવાનો થાય તો કેટલા લોકો તૈયાર થશે?
કહે છે કે સંતાનની પ્રથમ શિક્ષક માતા હોય છે. પરંતુ આજે માતા ક્યાં તો નોકરી કરતી હોય છે અથવા તો ઘરે હોય તો પણ કિટી પાર્ટી કે સાસુવહુની સિરિયલ, અઠવાડિયામાં એક વાર બહાર તો જમવાનું જ, બે અઠવાડિયે એક વાર બ્યુટી પાર્લર જવાનું જ…આ બધા કામોમાંથી થોડો સમય મળે તો સંતાનોના ઉછેરમાં ધ્યાન આપવાનું.
ઘણા મિત્રોએ ‘શિવાજીને નીંદરું ન આવે, માતા જિજાબાઈ ઝુલાવે’ એ હાલરડું સાંભળ્યું હશે. માતા જિજાબાઈ નાનપણથી જ શિવાજીને તૈયાર કરતાં હતાં. તેમના સંસ્કારો અને ઉછેરે જ શિવાજીને શિવાજી બનાવ્યા. કોઈની સામે ન ઝુકવાનું અને મોગલો સામે લડવાનું શીખવ્યું.
વિનિતા કામટે એ જ પ્રકારની માતા છે. ત્રાસવાદીઓનો શિકાર બનેલા અશોક કામટે તો બહાદૂર હતા જ, પરંતુ વિનિતા પણ તેમના જેવાં જ વીરાંગના છે. તેઓ કહે છે, ‘મારા પતિ અમારા દીકરાઓ પોલીસમાં જોડાય તેમ ઈચ્છતા હતા, હું તેમનું એ સપનું પૂરું કરવા ઈચ્છું છું.’
મહારાષ્ટ્ર સરકારે વિનિતા અને તેમનાં બાળકો માટે રૂ.૨૫ લાખ અને એક ફ્લેટ આપવાની ઘોષણા કરી છે. આ પૈસામાંથી વિનિતા અશોકના નામે એક ટ્રસ્ટ શરૂ કરવા માગે છે, જેના ભંડોળમાંથી તે જરૂરિયાતમંદ પોલીસ કર્મચારીઓના કુટુંબોને મદદ કરશે.
આપણે પોલીસના ભ્રષ્ટાચારની- પોલીસની કામગીરીની અવારનવાર ટીકા કરતા આવ્યા છીએ, પરંતુ કોઈએ તેમની તકલીફોનો વિચાર કર્યો છે ખરો? તેમને રજા ઘણી વાર રદ્દ થઈ જાય છે, તેમને વિષમ સંજોગોમાં, અતિશય દબાણ હેઠળ કામ કરવાનું આવે છે અને તેમના કેટલા ટૂંકા પગાર હોય છે! પોલીસ અને સેનાના જવાનોને સર્વોચ્ચ પગાર હોય અને તેમને ઉત્તમોત્તમ સુવિધાઓ મળતી હોય તો ઘણી સમસ્યાઓ ઓછી થઈ જાય. દેશ માટે લડતા જવાન કે પોલીસ શહીદ થાય અને પછી તેમની કોઈ નોંધ ન લે તે કેવું?
આપણા સમાજના નાયકો કે હીરો, શાહરુખ, સલમાન કે આમિર જેવા લોકો કે પછી પૈસા માટે રમતા ક્રિકેટરો બનવા જોઈએ કે જેઓ માત્ર પૈસા પાછળ દોટ મૂકે છે, ચારિત્ર્ય અને દેશભક્તિમાં સાવ મીંડું છે (જોકે પોતાની સદી મુંબઈ પર હુમલામાં શહીદ થયેલાઓને અર્પણ કરનાર સચિન તેંદુલકર જેવા અપવાદ પણ છે જ) કે પછી અશોક કામટે કે મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન કે પોલીસ કૉન્સ્ટેબલ તુકારામ ગોપાલ ઓમ્બલે જેમણે લાઠીઓ વડે ત્રાસવાદીઓની બુલેટનો સામનો કરી તેમની યોજનાને ધૂળમાં મેળવી તેવા લોકો હોવા જોઈએ? ઘણાં મા-બાપો પોતાના સંતાનને નાનપણથી જ ગાવાનું શીખવતા હોય છે, ડાન્સ શીખવતા હોય છે. તેમને પોતાનું સંતાન લિટલ ચેમ્પ કે છોટે ઉસ્તાદ બને તેમાં વધુ રસ હોય છે. અરે, પોતાની દીકરીને નાનપણથી જ તે મોટી થઈને મિસ વર્લ્ડ સ્પર્ધા જ્યાં અંગે અંગનું પ્રદર્શન થતું હોય છે તેમાં ભાગ લઈ મિસ વર્લ્ડ બને તે રીતે તૈયાર કરતા હોય છે. તેમને પોતાની દીકરી ફિ્લ્મોમાં જાય તો પણ વાંધો નથી હોતો. તેમને નથી રસ હોતો તો પોતાનું સંતાન એક ઉત્તમ ચારિત્ર્યની વ્યક્તિ બને, દેશભક્ત બને તેમાં.
વિનિતાએ પોતાના દીકરાઓને આઇપીએસ બનાવવાનું સપનું જોયું છે. તેનું સપનું પૂરું થશે કે નહીં તે તો આવનારો સમય કહેશે, પણ સપનું જોવું અને તે પૂરું કરવામાં ભગીરથ પ્રયાસો કરવા તે પણ એક સિદ્ધિ જ છે.
વંદન આ માતાને!
Add comment 26/12/2008
મોહ તારાં રૂપ છે હજાર!
‘હું એક વાર યુરોપ જઈ આવું ભગવાન તો તને નાળિયેર વધેરીશ! ’
‘મને અમેરિકાના વિઝા મળી જાય તો હું પાંચ બ્રાહ્મણ જમાડીશ.’
‘મારા દીકરાના ઘરે દીકરાનું મોઢું જોઈ લઉં પછી ભગવાન તમતમારે મને ઉપર બોલાવી લેજો બસ! પણ એક વાર મને પૌત્રને રમાડી લેવા દો.’
‘મને બોર્ડની પરીક્ષામાં ઓછામાં ઓછા એંસી ટકા આપજો ભગવાન તો હું મેડિકલમાં એડ્મિશન લઈ શકીશ.’
માણસની ઈચ્છાઓ અનંત હોય છે પણ કેટલીક ઈચ્છાઓ એવી હોય છે જે મોહનું સ્વરૂપ ધારણ કરી લે છે. મોહ એટલે? મોહ એટલે એવી ઉચિત-અનુચિત ઈચ્છા જે કોઈ પણ રીતે પૂરી થવાની ઘેલછા હોય. જીવનમાં મોહ ન હોય તો? મોહ વગરનું જીવન કલ્પવું મુશ્કેલ બને અને એ વાત પણ એટલી જ સાચી છે કે મોટા ભાગના મોહ શાશ્વત નથી હોતા.
આ જુઓને, નાનપણથી જ બાળકમાં મોહની શરૂઆત થઈ જાય છે. નાનો હોય ત્યારે રમકડાંનો મોહ હોય. અને આ મોહ શાશ્વત નથી હોતો. પહેલાં લાકડાંવાળા કે માટીનાં સ્થિર રમકડાં ગમતા હોય છે. એમાં એક રમકડાથી રમતા હોય અને બીજું નવું રમકડું આવે એટલે પહેલા રમકડાંનો મોહ જતો રહે. સ્થિર રમકડાંમાંથી પછી ચાવીવાળાં કે સેલવાળા રમકડાંનો મોહ જાગે છે. એમાંય જો બાપુજી સાથે દુકાને ગયા હોય અને કોઈ નવું રમકડું જોઈ ગયા હોય તો પછી બસ. એ જ રમકડું મેળવવાનો મોહ જાગે. બાપુજી પછી એ રમકડું અપાવવા માટે જે શરતો મૂકે તે માનવા તૈયાર થઈ જાય. એમાંય બાપુજી કહે કે એ રમકડું અપાવું પછી બીજા રમકડાંની જિદ નહીં કરવાની તો ત્યારે તો બાળક હા જ પાડે, પણ એ ‘હા’ લાંબી ટકતી નથી. કેટલાંક બાળકો કદાચ નાનપણથી જ રાજકારણી થવા સર્જાયેલાં હોય છે. અથવા તો એમ કહી શકાય કે આપણા તમામમાં રાજકારણીના ગુણો ઓછાવત્તા અંશે હોય જ છે.
ઠીક. વળી, નવું રમકડું જોયું એટલે તેનો મોહ જાગે અને તેના જ ગુણો દેખાય. માનો કે લાકડાનો ઘોડો ઘરમાં છે જ અને ચાવીવાળો પ્લાસ્ટિકનો રમકડો જોયો એટલે રાજકુંવર એ ચાવીવાળા રમકડાની ફરમાઇશ કરે. બાપુજી એ ફરમાઇશનું ખંડન કરે એમ કહીને કે ઘરમાં રમકડાનો ઘોડો છે જ પણ આપણો રાજકુંવર તેના મનપસંદ પેલા પ્લાસ્ટિકના ચાવીવાળા ઘોડાના ગુણગાન ગાવા શરૂ કરે; જેમ કે લાકડાનો ઘોડો તો સ્થિર જ રહે છે. તે રમતાં રમતાં હાથમાં વાગી જાય છે…ઈત્યાદિ ઈત્યાદિ.
રમકડાંથી શરૂ થયેલો આ મોહ આગળ જઈને સાઇકલના મોહમાં આગળ વધે છે. માત્ર સાઇકલ જ નહીં, દફ્તર તરીકે લઈ જવાતી પતરાની પેટી, બેગ, થેલો, થેલી, કંપાસબોક્સ, પેન્સિલ, રબર, પેન, પાટી (સ્લેટ), ડ્રોઇંગ બુક, બુટચંપલ, કપડાં, રિબીન, બોરિયાં, માથામાં નાખવાની પિન, સોનાની કે ચાંદીની (કાંડામાં પહેરાતી) લકી, સ્ટિકર, નોટબુકને ચડાવવાના પૂઠાં, હીમેન કે સુપરમેનનું માસ્ક,…નાનપણના મોહની યાદી અનંત છે. ટ્રાઇસિકલથી શરૂ થયેલી મોહની સફરમાં પછી બાઇસિકલ એટલે કે બે પૈડાંવાળી સાઇકલનો સમાવેશ થાય છે, પછી એ જગ્યા મોટી બે પૈડાંવાળી સાઇકલનું લે છે. આગળ જતાં સાઇકલમાંથી લ્યુના, લ્યુનામાંથી સ્કૂટી કે કાઇનેટિક, પછી એક્ટિવા અને તે પછી બાઇક…આગળ જતાં ચતુષ્ચક્રી વાહન એટલે કે કારનો મોહ જાગે.
કાર આવી જાય એટલે આ મોહ પૂરો થઈ જાય? સાહેબ, તમે ખાંડ ખાવ છો. એમ્બેસેડર કે ફિયાટથી તો આ મોહ શરૂ થાય છે. આગળ જતાં મારુતિ ફ્રન્ટી, અલ્ટો, સ્વિફ્ટ, હુંડાઇ કે ઇનોવા, મર્સિડિઝ અને લેમેઝોન….સવાલ માત્ર એટલો જ છે કે તમારી પાસે તમારા મોહને પોષવા કેટલી ત્રેવડ છે.
કાર જ નહીં, મોબાઇલની પણ આવી જ માયાજાળ છે. નોકિયાના બાબા આદમના વખતના મોડલ (હવે તો નંબર પણ ભૂલાઈ ગયો છે, કદાચ ૧૧૦૦?) કે સેમસંગના આર ૨૨૦થી શરૂ થયેલી માયાજાળ છેક એપલ કે બ્લેક બેરી સુધી વિસ્તરે છે.
ઘરમાં પણ આવું જ છે. પહેલાં તમે એક રૂમ કમ રસોડાના ફ્લેટમાં રહેતા હતા. પણ ધીમે ધીમે એક રૂમ રસોડાના ફ્લેટનો મોહ જાગે છે અને પછી બે રૂમ રસોડા, આજની ભાષામાં વન બી એચ કે ફ્લેટનો મોહ ઉત્પન્ન થાય છે. તેમાંથી ચાર બીએચકે ફ્લેટ અને ભગવાનની દયા હોય તો, એક બંગલા બને ન્યારાનો મોહ પેદા થાય.
આપણે થોડી આડી વાત પર ચડી ગયા, નહીં? બાળકની વાત પર પાછા ફરીએ તો, બાળક ધીમે ધીમે કિશોર બને છે. તરુણાઇ ફૂટી રહી છે. હવે દાઢી કરવાનું મન થઈ રહ્યું છે. આછી આછી રૂંવાટી જેવી દાઢી પણ આવી રહી છે. અંતઃસ્ત્રાવો ભરપૂર વહે છે. પહેલાં જે છોકરીનો સ્પર્શ સાહજિક હતો, હવે તે સ્પર્શ થતાં રોમાંચ થાય છે અથવા તો તેની કલ્પના પણ રોમાંચકારી છે. અરે, સ્પર્શની ક્યાં વાત કરો છો સાહેબ! એ છોકરી સામું જોઈ પણ લે ને તો ભયો ભયો! સાથે એક બીજો મોહ પણ છે. ઊંચા પગારવાળી નોકરી કે ધંધામાં સેટ થવાનો. મનગમતી છોકરી મળી ગઈ કે મેળવી લીધી, સારા એવા પગારવાળી નોકરી પણ છે એટલે શું મોહ પૂરો થઈ ગયો? સાહેબ! તમે ખાંડ ખાવ છો. તમે સેલ્સમેન છો પણ તમારે હવે આસિસ્ટન્ટ સેલ્સમેન બનવું છે. ધીમે ધીમે સિટી મેનેજર, પછી ડિસ્ટ્રિક્ટ મેનેજર, રિજનલ મેનેજર, ઝોનલ મેનેજર…આગે જહાં ઔર ભી હૈ. ધંધો હોય તો દરેક નવા ટેન્ડર વખતે ટેન્ડર જીતવાનો મોહ થતો જ રહે છે. રાજકારણમાં હો તો? અરે બાપા! વાત જ ક્યાં માંડો છો. પહેલાં નગરસેવક, પછી ધારાસભ્ય પછી મંત્રીપદ અને પછી મુખ્યમંત્રી….જય રામજી કી!
મોહને ત્યાગવાની સલાહ આપતા ધર્મના નામે રચાતા ભ્રામક ક્ષેત્રમાં પણ ૧૦૦૮ અને એવાં કંઈક ટોચના શિખર સર કરવાનો મોહ જાગે છે. સાધના કરતા લોકો પણ અમુક અઠ્ઠાઇ કરીને વિક્રમ સર્જવાનો આનંદ લઈ લે છે. તમારામાં કલાનો જીવડો ઉછળ-ઉછળ કરતો હોય અને એ કલા કોઈ પણ હોય; માનો કે અભિનયની કલા છે તો પહેલાં તો, ‘હે ભગવાન, એક વાર બોલિવૂડમાં પગ મૂકવાની જગ્યા થઈ જાય, બસ પછી મારે કંઈ ન જોઈએ.’ પણ એ કંઈ ન જોઈએની સ્થિતિ ક્યારેય નથી આવતી. પહેલાં કોઈ પણ આલિયામાલિયા સાથે કામ કરવા તૈયાર થતી હિરોઈન બાદમાં શાહરુખ કે અક્ષયકુમાર સાથે કામ કરવાનું સ્વપ્ન સેવવા લાગે છે. માત્ર હીરો જ શું કામ? સુભાષ ઘઈથી લઈને કરણ જોહર સુધીના નિર્દેશકો પણ તેમની આ સ્વપ્નસૃષ્ટિમાં વસેલા હોય છે. એ પૂરું થાય એટલે એવોર્ડ મેળવવાની તૃષ્ણા જાગે. એવોર્ડની માયાજાળ પણ અનેરી છે. ફિલ્મફેર, સ્ક્રીન, ઝી, સ્ટારડસ્ટ જેવા એવોર્ડ તો પછી ધૂળ ચાટતા હોય છે, ‘બસ, એક વાર નેશનલ એવોર્ડ મળી જાય, ભગવાન!’. એવોર્ડમાં આખરી મુકામ કદાચ, ઓસ્કરનો છે?
મની, પાવર, પોઝિશન, ફેમ…આ બધાના મોહમાં એક મોહ અનોખો છે. મોહમાંથી તે ક્યારે શોખમાં પરિવર્તિત થઈ જાય છે તેની ખબર નથી રહેતી. અલબત્ત, આ મોહ ઘણી વાર ફેમ અર્થાત્ કીર્તિ મેળવવાની લાલસા કે ઘેલછામાંથી જ જન્મે છે. આ મોહ તે જુદી-જુદી વસ્તુ એકત્ર કરવાનો મોહ. કોઈને માત્ર મોહમ્મદ રફીનાં ગીતો ભેગાં કરવાનો મોહ હોય, તો કોઈ વળી અભિનેતા-અભિનેત્રી, ક્રિકેટર કે અન્ય ખેલાડીના ફોટા ભેગા કરે તો કોઈ વળી ટપાલટિકિટો ભેગી કરતા રહે. ઘણા એવા લોકો પણ જોયા છે જેમને કોઈ પણ નવું મેગેઝિન અથવા તો મેગેઝિનના દિવાળી, વાર્ષિક કે કોઈ ખાસ સંગ્રહનીય અંકો કે છાપાંનાં કતરણો ભેગા કરવાનો મોહ કહો કે શોખ, છે. કોઈ અવનવી જગ્યાની મુસાફરીનો મોહ ધરાવતું હોય તો કોઈને નિતનવી વાનગી બનાવવાનો કે ખાવાનો મોહ હોય. ગળ્યાનો મોહ ઘણાને ડાયાબિટીસ છતાં છૂટતો નથી. ઘણા સેલિબ્રિટીને મળવાનો મોહ ધરાવતા હોય તો ઘણાને સાવ ઓછી જાણીતી, પછી ભલે ને બોલિવૂડમાં આઇટમ ડાન્સ કરતી હોય કે પછી સાઇડ એક્ટ્રેસ તરીકે કામ કરતી હોય તેમની સાથે રાત વિતાવવાનો મોહ હોય છે અને તેના માટે હજારો-લાખો રૂપિયા ખર્ચતા અચકાતા નથી. અને હા, ઘરેણાંનો મોહ તો સ્ત્રીને ક્યારેય છૂટવાનો નથી. હીરા હૈ સદા કે લિયે!
જુવાની ટકાવી રાખવાનો કે રૂપાળા દેખાવાનો મોહ ન હોત તો વિચારો, કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી હોત ખરી? અને જીવતા રહેવાનો મોહ ન હોત તો દવાઉદ્યોગનું તો બાળમરણ જ થઈ ગયું હોત. પરંતુ આ મોહના કારણે જ માણસ ગમે તેટલા રોગથી પીડાતો હોય દવાના સહારે પથારીમાં પડ્યા પડ્યા પણ દેહ ટકાવી રાખે છે. અને ઘણી વાર મરણ સમય આવે ત્યારે આ જ મોહના કારણે, આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે તેમ, આત્મા ભટકતો રહે છે. જ્યાં સુધી એ મોહ, એ ઈચ્છા તૃપ્ત ન થાય ત્યાં સુધી તેની સદ્ગતિ થતી નથી. એ ઈચ્છા, એ મોહ કોઈ પણ હોઈ શકે છે. અરે, એ ઈચ્છા, એ મોહના કારણે ઘણી વાર તો માણસનું મોત પણ પાછું ઠેલાતું રહે છે…તે ગમે તેવો રિબાતો હોય તેમ છતાં! આવા અનેક દાખલા મેં અને તમે જોયા છે.
જીવનની શરૂઆતથી અંત સમય સુધી મોહ સતત જકડાયેલો રહે છે. મોહ વગરનું જીવન શક્ય જ નથી. પ્રશ્ન એ હોય છે કે તે મોહની તૃપ્તિ માટે કેટલી ત્રેવડ છે. દરેક મોહ તૃપ્ત થતો નથી. દરેક મોહ તૃપ્ત કરવા જેવો પણ નથી હોતો. મોહ તો ઘોડા જેવો છે. તેના પર લગામ જરૂરી છે. તે કાબૂમાં રહીને દોડે તો જ તમે ઈચ્છિત ગંતવ્ય સ્થાને પહોંચી શકો. પણ જો તમે ઘોડાને વશ થઈ ગયા તો પછી ખલાસ!
આટલું બધું લખ્યા પછી વિચાર આવે છે કે, સાલું લખવાનો મોહ ન હોત તો આટલું અને આવું (અલબત્ત, સરસ) લખાયું હોત?
(‘અભિયાન’ના મોહ-માયાની થીમવાળા દિવાળી અંક માટે લખેલો પણ અપ્રગટ રહેલો લેખ)
Add comment 05/11/2008
