08.30.09
મનમોહન, (લાલ)કૃષ્ણ અને મોહન (ભાગવત )



અત્યારે દેશની ત્રણ ટોચની વ્યક્તિઓ કૃષ્ણના નામો ધરાવતી વ્યક્તિઓ છે તે રસપ્રદ વાત છે.
વડા પ્રધાન પદે ડૉ. મનમોહનસિંહ છે. તેમનું નામ મનમોહન કૃષ્ણનું એક નામ છે. વિપક્ષના નેતા અને ભાજપના શક્તિશાળી અને સર્વોચ્ચ નેતા લાલકૃષ્ણનાનામમાં પણ કૃષ્ણનું નામ સમાહિત છે. તે જ રીતે દેશનું શક્તિશાળી સંગઠન રા.સ્વ. સંઘ(આરએસએસ)ના ટોચના અધિકારી એટલે કે સરસંઘચાલક તરીકે બિરાજમાન છે મોહન ભાગવત. તેમનું નામ મોહન પણ કૃ્ષ્ણનું જ એક નામ થયું ને?
છે ને મજેદાર વાત? લાલકૃષ્ણ તો તેમના પક્ષમાં પોતાની હાજરીમાં જ યાદવાસ્થળી જોઈ રહ્યા છે, જ્યારે મોહન (ભાગવત) , કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉંચકીને ગોકુળને જેમ બચાવ્યું હતું તેમ ભાજપ માટે તારણહારની ભૂમિકામાં છે.
05.17.09
યુ.પી.એ. કેમ જીત્યો? એન.ડી.એ. કેમ હાર્યો?
ચૂંટણીનાં પરિણામો આવી ગયા છે. ભલે કૉંગ્રેસના નેતૃત્વવાળા યુ.પી.એ.ને સ્પષ્ટ બહુમતી ન મળી હોય પરંતુ સ્પષ્ટ બહુમતીમાં માત્ર ૧૨ કે ૧૩ સદસ્યો જ ખૂટે છે જે તેને આરામથી મળી શકે તેમ છે. મોંઘવારી, મંદી, ત્રાસવાદ જેવા મુદ્દા હોવા છતાં ભાજપના નેતૃત્વવાળા મોરચા- એન.ડી.એ.નો પરાજય થયો અને યુ.પી.એ.નો ઝળહળતો વિજય. કારણ શું?
(૧) કૉંગ્રેસને પંજાબ, રાજસ્થાન, દિલ્હી, કેરળમાં ઝળહળતી સફળતા મળી છે. પ. બંગાળમાં વર્ષો પછી તેણે સારો દેખાવ કર્યો છે અને આવું જ ઉત્તરપ્રદેશ વિશે કહી શકાય.
(૨) પંજાબમાં શિરોમણિ અકાલી દળ (એસ.એ.ડી.) અને ભાજપની સંયુક્ત સરકારનું કામ બોલ્યું નહીં. રાજસ્થાનમાં વસુંધરા રાજે સિંધિયાનું કામ લોકોને પસંદ ન પડ્યું. તેની અસર વિધાનસભા ચૂંટણીમાં પડી અને કૉંગ્રેસની સરકાર આવી. આ અસર લોકસભામાં પણ ચાલુ રહી છે. દિલ્હીમાં શીલા દીક્ષિતના સુશાસનના કારણે લોકોએ તેમને વિધાનસભામાં ફરી તો ચૂંટ્યાજ પરંતુ સાથે તેમના દીકરા સંદીપ દીક્ષિત સહિત સાતે સાત બેઠક કૉંગ્રેસના ખિસ્સામાં નાખી દીધી. કેરળમાં ડાબેરીઓનું કુશાસન કૉંગ્રેસના ફાયદામાં રહ્યું. પ.બંગાળમાં મમતા બેનર્જીની તૃણમૂળ કૉંગ્રેસ (જે પહેલાં કૉંગ્રેસનો જ ભાગ હતી) અને કૉંગ્રેસનો સાથ રંગ લાવ્યો. ડાબેરીઓના બે દાયકા ઉપરાંતના શાસનથી લોકો હવે તંગ આવી ગયા છે તે દીવા જેવું સ્પષ્ટ છે.

મનમોહનસિંહ : પ્રમાણિક અને સુશાસક નેતાની છબી વિજય અપાવી ગઈ
(૩) આ ચૂંટણીમાં કૉંગ્રેસ પ્રેરિત મોરચાના વિજયનો શ્રેય મનમોહનસિંહની પ્રમાણિક, ઓછા બોલા (ઘણા સારા રાજકારણીઓએ આ વખતે બોલીને બગાડ્યું.) અને સારા શાસકની છબીને તો મળવો જ જોઈએ (તેમનું નામ ભાવિ વડા પ્રધાન તરીકે પહેલેથી ઘોષિત ન કરાયું હોત તો યુ.પી.એ. ને આટલી બેઠકો મળી તે મળી હોત કે કેમ તે એક સવાલ છે.) આ ઉપરાંત રાહુલ ગાંધીના સંગઠનને બેઠા કરવાના પ્રયત્નોને પણ મળવો જોઈએ. રાહુલ ગાંધીએ કૉંગ્રેસના ધીમેધીમે મરવા પડી રહેલા સંગઠનમાં નવો પ્રાણ પૂર્યો. ચમચા પ્રકારના કાર્યકરો અને ‘ગૂડ ફોર નથિંગ’ જેવા કાર્યકરો અને નેતાઓને હટાવ્યા. (વીરપ્પા મોઈલીને મિડિયા ઇનચાર્જ પદેથી ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાનના એકાદ બે દિવસ પહેલાં જ હટાવાયા તે તેનો તાજેતરનો દાખલો છે.) પક્ષમાં સર્વે કરાવ્યો. પક્ષના કાર્યકરોનું સામાન્ય જ્ઞાન ચકાસ્યું; જેમ કે, કેટલા લોકો પક્ષનું બંધારણ જાણે છે? ગુજરાતમાં જેમ યુવા કૉંગ્રેસની ચૂંટણી કરાવી અને તેમાં અશિસ્ત થઈ તો તેના પગલાં ભર્યા તેમ બધે કર્યું. ખાસ કરીને

રાહુલ ગાંધી : સંગઠનને બેઠું કરવાની મહેનત લેખે લાગી
ઉત્તર પ્રદેશમાં વર્ષો પછી જે પ્રકારની સફળતા કૉંગ્રેસને મળી છે તેનો શ્રેય પણ રાહુલબાબાને જ જાય છે. તેમણે દલિતોના ઘરમાં રહેવાનું જે કર્યું, ખેતર ખેડ્યું (સ્ટંટ કહો તો સ્ટંટ) અને આ બધું ચૂંટણીના ઘણા સમય પહેલાં તેમણે શરૂ કરી દીધું હતું. ઉત્તરપ્રદેશમાં કોઈના પણ સાથ વગર ચૂંટણી લડવાનું નક્કી કર્યું.
(૪) મોંઘવારી, મંદી કે ત્રાસવાદનો મુદ્દો ન હતો તેવું નથી, પરંતુ મોંઘવારી તો દરેક શાસનમાં વધી જ છે (સિવાય કે મોરારજી દેસાઈની સરકારના શાસનમાં). મંદીની પ્રમાણમાં ઓછી અસર ભારતમાં દેખાય છે. ત્રાસવાદના મુદ્દો જબરદસ્ત હતો. અફઝલ ગુરુને ફાંસી અપાઈ નથી તે પણ વાત હતી. પરંતુ ભાજપને કૉંગ્રેસે કંદહાર પ્રકરણે બરાબર સાણસામાં લીધો. ભાજપના નેતાઓ તેમાં ગોથા ખાઈ ગયા. જશવંતસિંહ અને અડવાણીના વિરોધાભાસી નિવેદનોએ ગેરસમજ પેદા કરી. ઉપરાંત જ્યાં ત્રાસવાદી હુમલા થયા હતા તેવા દક્ષિણ મુંબઈમાં ઓછું મતદાન થયું. લોકો એવું સમજ્યા કે કૉંગ્રેસ હોય કે ભાજપ ત્રાસવાદને કોઈ નાબૂદ કરી શકે તેમ નથી.
ભાજપનાં પરાજયનાં કારણો :
(૧) ભાજપે તેના સંગઠનને મજબૂત બનાવવું પડશે. ભાજપમાં નેતાઓ વધુ છે પણ કાર્યકરો ઘટતા જાય છે. બધાને નેતા થવું છે.

લાલકૃષ્ણ આડવાણી : સત્તા કરતાં ધ્યેયલક્ષી કામ કરવું પડશે
(૨) શીર્ષસ્થ નેતાઓ વચ્ચે વધુ સંકલનની જરૂર છે. અરુણ જેટલી અને રાજનાથસિંહ વચ્ચે મતભેદ, જશવંતસિંહ અને અડવાણી વચ્ચે મતભેદ, શેખાવત અને આડવાણી વચ્ચે મતભેદ આ ચૂંટણીમાં શિસ્તબદ્ધ પક્ષની છબીને નુકસાન કરી ગઈ.
(૩) પક્ષના પાયાના કાર્યકરોની અવગણના ટાળવી જોઈએ. ગુજરાતમાં જેમ કિરણ પટેલ, ભાવસિંહ રાઠોડ વગેરેને રાતોરાત ટિકિટ આપી દેવાઈ તેમ શેખાવત જેવા દિગ્ગજ નેતા પણ, જેમને પક્ષે ઉપરાષ્ટ્રપતિ બનાવ્યા અને એટલે તેઓ પક્ષના સભ્યપદેથી દૂર થયા તેઓ ઉપરાષ્ટ્રપતિપદેથી નિવૃત થાય ત્યારે તેમને ફરી પક્ષમાં સક્રિય કરવા જોઈએ તેના બદલે શેખાવતે એમ કહેવું પડે કે હું તો પક્ષમાં જ નથી, તે કરુણ સ્થિતિ છે.
(૪) હિન્દુત્વના મુદ્દાને મરજી થાય ત્યારે ઉપાડવો અને મરજી થાય ત્યારે તરછોડી દેવો. પક્ષે નક્કી કરવું પડશે કે આ મુદ્દે જ આગળ વધવું છે કે કેમ. જો હા તો તે જ મુદ્દે વળગી રહો. એન.ડી.એ. ની સરકાર હતી ત્યારે પક્ષે રામમંદિર મુદ્દે કંઈ ન કર્યું. ઉપરાંત જેમના ટેકાથી સરકાર બને છે તેવાં સાથી સંગઠનો વિહિપ, રા.સ્વ. સંઘ, ભારતીય કિસાન સંઘ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને ખતમ કરવાથી કે તેમની અવગણના કરવાથી પણ પરિણામો પર અસર પાડી શકે છે.
(૫) દેશમાં એક પેઢી એવી છે જેણે પોતાના ઘરમાં અને સમાજમાં ધાર્મિક ચુસ્તતા (તેને તમે કટ્ટરતા કહો તોય વાંધો નથી) જોયેલી છે; જેમ કે, ૪૦-૫૦ વર્ષો પહેલાં નહાયા વગર રસોડામાં પણ જવાતું નહોતું. પૂજા વગર અન્નનો એક દાણોય મોઢામાં નાખી શકાતો નહોતો. આ પેઢીના એક વર્ગને એવો ડર છે કે જેમ તાલિબાનોએ હુકમો છોડ્યા છે કે દાઢી રાખવી,ટોપી રાખવી, સ્ત્રીઓએ બુરખો પહેરવો, સ્ત્રીશિક્ષણ બંધ, ટીવી અને ફિલ્મમનોરંજન બંધ, તેમ ભાજપ સત્તામાં આવશે તો તેવું જ થશે.
અત્યારે એક મોટો વર્ગ અમેરિકી સંસ્કૃતિ અથવા તો ભોગવાદી સંસ્કૃતિમાં માનતો થયો છે. પબ, દારૂ, મોજમજા, ટૂંકાં કપડાં, ફ્રી સેક્સ, સ્વતંત્રતાની અભિવ્યક્તિના નામે સ્વચ્છંતા વગેરે તેને ગમે છે. કર્ણાટકમાં ભાજપની સરકારના શાસનમાં પબ પર હુમલા થાય છે તે તેને પસંદ નથી પડતું. આ પ્રકારની વિચારસરણીમાં માનતા યુવા કે પછી તેનાથી સિનિયર પેઢીનો વર્ગ એટલે ભાજપને મત આપતો નથી.
આનું ઉદાહરણ આપી શકાય તેમ છે. ભારતમાં હવે ગે અને લેસ્બિયન, ટ્રાન્સ જેન્ડરો (સ્ત્રીમાંથી પુરુષ અથવા તેથી ઉલટું થયેલા) તથા ટ્રાન્સ સેક્સ્યુઅલોની વિકૃતિ ધરાવનારાઓની સંખ્યા વધતી જાય છે. મુંબઈમાં આવા ગે અને લેસ્બિયનોએ કૉંગ્રેસને મત આપવાનું નક્કી કર્યું હતું. કેમ? તેમનું કહેવું હતું કે આમ તો કૉંગ્રેસ પણ અમારા માટે કંઈ કરતી નથી પરંતુ તેને મત એટલા માટે કે તે ઉદાર અને સહિષ્ણુ છે. (એટલે કે અમારી વિકૃત પ્રવૃત્તિઓને સમર્થન ભલે ન કરે, પણ અટકાવતી તો નથી.) ( http://www.mid-day.com/poll2009/2009/apr/280409gay-lesbian-transgender-Congress-election-general-election-UNAIDS.htm) એટલે આ પ્રકારના લોકો પણ કૉંગ્રેસને જ મત આપે છે.
(૬) આ દેશમાં મુસ્લિમોની સંખ્યા ઘણી વધી રહી છે, ખાસ કરીને બાંગ્લાદેશથી અને પાકિસ્તાનથી ઘૂસણખોરોની સંખ્યા વધી રહી છે. કૉંગ્રેસ તથા અન્ય ’સેક્યુલર’ પક્ષો તેમને રેશન કાર્ડ આપી તેમને પોતાના ‘મતદાર’ બનાવી દે છે.
(૭) ભાજપે કર્ણાટકમાં ભલે સરકાર બનાવી હોય પણ દક્ષિણ અને પૂર્વમાં તેને હજુ ઘણો પગપેસારો કરવાનો છે.
(૮) જ્યાં સત્તા મેળવે છે ત્યાં સુશાસન આપીને સત્તા ટકાવતા શીખવું પડશે. ૧૯૯૨-૯૩માં ભાજપ ચાર રાજ્યોમાં શાસન કરતો હતો. પરંતુ જ્યાં પણ સત્તામાં આવે છે ત્યાં સત્તા ટકાવતા શીખવું પડશે. મદમાં છલકાઈ જવાનું બંધ કરવું પડશે. કાર્યકરો અને લોકોનાં કામો કરવા પડે. ગુજરાત એકમાત્ર અપવાદ છે જ્યાં દસ-પંદર વર્ષથી ભાજપ સત્તામાં છે.
(૯) અંગ્રેજી-હિન્દી અને પ્રાદેશિક અખબારો-ચેનલો (સંયુક્ત રીતે કહીએ તો મિડિયા)માં બેઠેલા ઘણા તંત્રીઓ-પત્રકારો ‘સેક્યુલર’ છે. તેઓ હંમેશાં ભાજપ વિરુદ્ધ ચિત્ર સર્જતા રહે છે. ઉપરાંત ભાજપના નેતાઓ-કાર્યકરો પણ મિડિયાને હંમેશાં અવગણતા રહ્યા છે. પ્રમોદ મહાજન અને અરુણ જેટલીની જેમ ભાજપના અન્ય નેતાઓ અને કાર્યકરોએ મિડિયા ફ્રેન્ડલી બનવું પડશે અને મિડિયામેનોને પોતાના મિત્રો બનાવવા પડશે.

