11.27.09
હાશ! અમદાવાદ-ભાવનગર હાઇવે ફોર ટ્રેક બનશે!
ભાવનગર…એક ખૂણામાં પડી ગયેલું ગુજરાતનું શહેર. બીજી બધી વાતો જવા દઈએ તોય જ્યારથી ભાવનગરથી અમદાવાદ આવવાનું થતું હતું અને ૨૦૦૩માં અમદાવાદ સ્થાયી થયા પછી અમદાવાદથી હવે ભાવનગર જવાનું થાય છે ત્યારે એક પ્રશ્ન જરૂર થતો હતો. અમદાવાદ-ભાવનગર હાઇવે ક્યારે ફોર ટ્રેક બનશે?
આજના ‘સંદેશ’માં સમાચાર છે કે, આખરે હવે એ નક્કી થયું છે (હજુ પણ ક્યારે ખરેખર સાકાર થશે તે પ્રશ્ન તો છે જ) કે ભાવનગર-અમદાવાદ હાઇવે ફોર ટ્રેક બનશે.
બીજી વાત, કલ્પસર યોજનાની વાતો પણ ઘણાં વર્ષોથી (ચીમનભાઈ મુખ્યમંત્રી હતા તે સમયથી) સાંભળતો આવ્યો છું. તેની તો હવે વાત સંભળાવાનીય બંધ થઈ ગઈ છે. મોદીજી, રાજકીય રીતે બહુ શક્તિશાળી નહીં તેવા ભાવનગરના વિકાસ તરફ દૃષ્ટિ કરશો? બાકી, અસામાજિક- રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિની રીતે ભાવનગર ઘણું સંવેદનશીલ બનતું જાય છે. ખાસ તો આસપાસ દરિયાકિનારો હોવાથી.
09.25.09
ઉજવણીના આનંદમાં મોતનો મલાજો નહીં પાળવાનો?
ગયા મંગળવારે (તા. ૨૨ સપ્ટે.) મારા એક સગામાં મોત થઈ ગયું. એ લોકો અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહે છે. સાંજે જ મોત થયું અને સાડા આઠ વાગે તેમને અંતિમ વિધિ માટે લઈ ગયા. અંતિમ વિધિ કરીને રાત્રે ૧૧.૩૦એ પાછા આવ્યા તો જોયું તો લાઉડસ્પીકરમાં મોટા અવાજમાં રેલાતા સંગીત સાથે લોકો ગરબા લઈ રહ્યા હતા! સોસાયટી પાછી એટલી મોટીય નથી ને વળી ગરબા જે ચોકમાં રમતા હતા તેની સામે જ તો એ સગા રહે છે! મને થયું કે આટલો મલાજો પણ નહીં પાળવાનો?
મલાજામાં મને મારા નાનપણનો એક કિસ્સો યાદ આવે છે. ૧૯૮૨-૮૩ આસપાસની વાત. અમે રાણાવાવ (જિ. પોરબંદર) રહેતા હતા. અમે રિક્ષામાં અમારા ઘર તરફ પરત ફરી રહ્યા હતા એ વખતે અમારી સામે રહેતા માડીનું મોત થઈ ગયું હતું. મને યાદ છે એ વખતે રિક્ષામાં ટેપ વાગી રહ્યું હતું તો એ ટેપ છેક અમે રહેતા હતા એ ગલીમાં પ્રવેશતાં પહેલાં બંધ કરાવી દેવાયું હતું!
હશે ત્યારે, બીજું શું? આપણી દુનિયાનો એક જ મંત્ર લાગે છે – જલસા કર બાપુ જલસા કર, દુનિયા જાય તેલ પીવા જલસા કર.
08.01.09
તુમ બિન જાઉં કહાં : રફીના અનેરા ચાહકની વાત

ઉમેશ મખીજાના 'રફીદર્શન'માં પુણ્યતિથિ અને જન્મદિવસે મોહમ્મદ રફીને ભક્તો શ્રદ્ધાપુષ્પ અર્પણ કરે છે
પી ૫૦૪, ઇન્દ્રપ્રસ્થ ટાવર, ગુરુકૂળ પાસે, ડ્રાઇવ ઇન રોડ, અમદાવાદ.
આ એડ્રેસ કોનું છે?
જો મોહમ્મદ રફીના ચાહકોને પૂછો તો તેઓ કહેશે, રફીસા’બનું!
અને તેમની વાત પણ સાચી છે. ઇન્દ્રપ્રસ્થમાં તમે પી વિંગમાં લિફ્ટમાં ઉપર ચડીને ડાબી બાજુ બીજા બ્લોક ૫૦૪માં જાવ એટલે દરવાજાની ઉપર જ ‘રફી દર્શન’ લખેલું માલૂમ પડે. અંદર ઘરના માલિકને તમે કહો કે તમે રફીના ચાહક છો અને મળવા આવ્યા છો તો તે તમને એક ભગવાનના કોઈ ભક્ત બીજા એ જ ભગવાનના ભક્તને જેટલો આદર આપે અથવા એક ગુરુના શિષ્ય બીજા શિષ્યને જેટલો આદર આપે તે જ આદરથી પોતાના ભગવાનનું મંદિર બતાવવા માટે લઈ જશે.

રફીના ભક્ત ઉમેશ મખીજા
રૂમના દરવાજા પર ફરી રફીનો ફોટો દૃષ્ટિગોચર થાય છે. અંદર જઈને ખબર પડે છે કે મંદિર માટે કોઈ ખૂણો કે કોઈ ગોખલો નહીં, પણ એક આખો રૂમ ફાળવાયેલો છે.
અહીં મંદિર શબ્દ એટલા માટે પ્રયોજ્યો છે કે તેની જાળવણી અને પવિત્રતા મંદિર જેટલી જ રાખવામાં આવે છે. રૂમમાં કોઈને સૂવા કે બેસવાની પરવાનગી નથી, ઘરના માલિક કે સભ્યોની પણ નહીં! જો તમારે આ મંદિર જેવા વિશિષ્ટ રૂમની મુલાકાત લેવી હોય કે તમે તેની મુલાકાત લઈ ચૂકયા હો પણ તમારે આ ભક્ત પાસે તેમના ભગવાન વિશે વધુ જાણવું હોય તો તેમનો અનુકૂળ સમય જાણી લેવો પડે (તેમના ફોન નંબર પણ રફીના જન્મદિવસ અને પુણ્યતિથિના આંકડાવાળા! એક નંબરના છેલ્લા આંકડા છે ૨૪-૧૨-૨૪ અને બીજા નંબરના છેલ્લા આંકડા ૩૧-૭-૮૦!), બાકી જન્માષ્ટમી કે શિવરાત્રિની જેમ જાહેર તહેવાર જેવા દિવસ એટલે કે રફીના જન્મદિવસ ૨૪ ડિસેમ્બર અને પુણ્યતિથિ ૩૧ જુલાઈએ વગર પૂછ્યે બપોરે ૨થી ૬ પહોંચી જાવ તો ચાલે.
૩૦મી જુલાઈ. મારા પર ફોન આવે છે. ‘જય રફીસાબ. કાલે ૨થી ૬ તમારે આવી જવાનું છે. તમને જે અનુકૂળ સમય હોય તે સમયે.’ એઝ યુઝ્યુઅલ, રફી વિશે થોડી વાતચીત પછી ફોન પૂરો થાય છે. પોતાની દીકરી આરતીનાં લગ્ન હોય તેવા ઉમળકાથી રફીની પુણ્યતિથિના કાર્યક્રમનું આમંત્રણ આપતા એ વ્યક્તિ એટલે ઉમેશ મખીજા. ૩૧મી જુલાઈએ સાંજે ૫ વાગ્યે હું ઇન્દ્રપ્રસ્થ પહોંચું છું એટલે માઇકમાં ગવાતા રફીના ગીતનો અવાજ નીચે લિફ્ટમાં થઈને મારા સુધી પહોંચે છે અને ઉપર ઘરમાં પ્રવેશતા જ ડ્રોઇંગરૂમમાં તેમના ચાહકો વારાફરતી તેમના પ્રિય ગાયકનાં ગીતો લલકારી રહેલા નજરે પડે છે. રફીના રૂમમાં ઉમેશભાઈના ખાસ દોસ્ત અને રફીના એવા જ ગાઢ ચાહક વસંતકુમાર સિંધવ વ્યવસ્થા જાળવવામાં મદદ કરી રહ્યા છે. ઉમેશભાઈની સાથે તેઓ વાતચીતમાં જોડાય છે.
૨૦૦૫માં ‘દિવ્ય ભાસ્કર’ની ‘નવરંગ’ પૂર્તિ –મેગેઝિન સાઇઝમાંથી ટેબ્લોઇડ થઈ ત્યારે તેમાં એક કોલમ ચાલુ કરેલી, ‘દીવાના મુઝસા નહીં’. આ કોલમ એવા લોકો માટે હતી જેમને બોલિવૂડના કોઈને કોઈ કલાકાર કે કલાકારો પ્રત્યે ભક્તિભાવ જેટલો અનુરાગ હોય અને કલેક્શન કરતા હોય કે તેમને જીવનમાં અપનાવ્યા હોય. આમાં શરૂઆત વસંતકુમાર સિંધવથી થઈને પછી તો ઉમેશ મખીજા, હરીશ રઘુવંશી, ગૌતમ મિસ્ત્રી, બાબુભાઈ એમ અનેક અમદાવાદ, વલસાડ, મોરબી એમ વિસ્તરતી ગઈ. ‘રોગ લાગુ પાડનારા તમે જ,’ ઉમેશભાઈ એ ‘દીવાના મુઝસા નહીં’ કોલમમાં આવેલા પોતાના વિશેના લેખને યાદ કરીને કહે છે (આ તેમની ટિપિકલ સિંધી વ્યાપારીની સ્ટાઇલ છે), ‘એ કોલમે તો અનેક લોકો માટે સેતુની ગરજ સારેલી. પણ પછી એ કોલમ કેમ બંધ થઈ ગઈ? તમે ‘દિવ્ય ભાસ્કર’ કેમ છોડી દીધું?’ એવા સવાલોનો મારો થાય છે અને હું યોગ્ય જવાબ આપીને પછી મારી ટેવ મુજબ (ઉમેશભાઈને મળું ત્યારે દર વખતે પૂછાતો પ્રશ્ન) પૂછું છું, ‘નવું શું છે ઉમેશભાઈ એ કહો ને.’ ઉમેશભાઈ રફીના રૂમમાં, ગુજરાતી, હિન્દી અને ઉર્દૂ એમ ત્રણેય ભાષામાં લખાયેલ રફીની બોર્ડર અને વચ્ચે તેમનાં ગીતોવાળી બેડશીટ, ઓશિકાના કવર બતાવે છે. આ વખતે એક નવી ચીજ જોવા મળે છે, રફીના દીકરાના લગ્નમાં લતા મંગેશકર (ભૂલથી ઉમેશભાઈ આગળ લતાનું નામ લેવાય નહીં એ ધ્યાન રાખવું પડે, તો બીજા ગાયકોની વાત જ ક્યાં કરવી? ઉમેશભાઈ કહે છે એમ, જ્યારે તેમને રફી અને લતાની સ્પર્ધા કરાવવી હોય અને તેમાં રફીને જિતાડવા હોય ત્યારે જ બંનેનાં ડ્યુએટ સાંભળે છે) અને મદનમોહનની તસવીરવાળું કેલેન્ડર.

યશરાજ ફિલ્મ્સના લેટરહેડવાળો સંજીવ કોહલીનો પત્ર
‘યશરાજ ફિલ્મ્સમાંથી સંજીવ કોહલી (મદનમોહનના દીકરા)નો ફોન આવ્યો હતો, મદનમોહનની આ તસવીર તેમને જોઈતી હતી. તે મેં તેમને મોકલી આપી. તે પછી આભાર માનતો પત્ર સંજીવે મોકલ્યો હતો,’ ઉમેશભાઈ કહે છે.
મદનમોહનના અપ્રસિદ્ધ ગીતોનું આલબમ ‘તેરે બગૈર’ રિલીઝ થવાનું હતું ત્યારે રફીના જમાઈ (જી હા, રફીના સ્વજનો સાથે ઉમેશભાઈને સારો ઘરોબો છે. રફીના સ્વજનો જ નહીં, વિતેલા જમાનાનાં પ્રમાણમાં ઓછા જાણીતા ગાયિકા ઉષા ત્રિમૂર્તિ, મહાભારતના અર્જુન – ફિરોઝ ખાન જેવા કલાકારોને મળવાનો પણ આ ઉમેશભાઈ અને વસંતભાઈનો શોખ.)પરવેઝભાઈનો ફોન આવ્યો હતો. પણ ઉમેશભાઈને પોતાની પાસે રહેલી માહિતી કે ગીતોનો ખજાનો કહીને સામેવાળાને આશ્ચર્ય આપવાની ખાસ ટેવ. તેમણે પરવેઝભાઈને ગીતોના નામ આપીને કહ્યું, ‘બે ગીત તો મારી પાસે છે.’ પરવેઝભાઈ કહે, ‘પણ આલબમ તો હજુ ક્યાં રિલીઝ થયું છે?’ પણ જે અપ્રસિદ્ધ હોય, દેશ કે વિદેશના ખૂણે ખાંચરે હોય ત્યાંથી શોધી કાઢીને પોતાનું કલેક્શન અને જ્ઞાન વધારતા જવું એ જ રફીના આ અનન્ય દીવાનાનું કામ.
અને તેમનું આ કામ ચાલુ જ છે અને ચાલુ રહેશે.
10.03.08
ત્રાસવાદીનો ગરબો : હો લોહીના તરસ્યા ક્યાં ફોડી આવ્યા બોમ્બ જો

અમદાવાદ બોમ્બવિસ્ફોટમાં માર્યા ગયેલા નિર્દોષ લોકોના પરિવારજનો
(હો રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જોનો રાગ)
હો લોહીના તરસ્યા ક્યાં ફોડી આવ્યા બોમ્બ જો
આ હથેળી છે રાતી ને ફટાકડો ક્યાં રે ફોડ્યો
હાં રે અમે ગ્યા’તા બેંગલુરની વાટ જો
ચીપવાળા બોમ્બ ફોડતા રે અમે તો જલસો કીધો
હો લોહીના તરસ્યા ક્યાં ફોડી આવ્યા બોમ્બ જો
આ હથેળી છે રાતી ને ફટાકડો ક્યાં રે ફોડ્યો
હાં રે અમે ગ્યા’તા અમદાવાદની કોર જો
આ અમદાવાદની વસતિમાં અમે ભય ફેલાવી દીધો
હો લોહીના તરસ્યા ક્યાં ફોડી આવ્યા બોમ્બ જો
આ હથેળી છે રાતી ને ફટાકડો ક્યાં રે ફોડ્યો
હાં રે અમે ગ્યા’તા રાજધાનીની વાટ જો
આ દિલ્હીમાં હાહાકાર અમે તો મચાવી દીધો
હો લોહીના તરસ્યા ક્યાં ફોડી આવ્યા બોમ્બ જો
આ હથેળી છે રાતી ને ફટાકડો ક્યાં રે ફોડ્યો
હાં રે અમે ગ્યા’તા રાજધાનીની વાટ જો
એક બાળકને ઉપર અમે તો પહોંચાડી દીધો
(અષાઢ ઉચ્ચારં મેઘ મલ્હારં…ના રાગ પરથી)
સેક્યુલર ઉચ્ચારં મેઘ મલ્હારં
બલિ થનારં ભારતની વસતિ
કહે પ્રજા પ્યારી મૈં લાચારી
ભારતમાં જન્મ લો ગિરિધારી રે જી રે ભારતમાં જન્મ લો ગિરિધારી
લખ્યા તા : 3-10-08
(જયપુર,બેંગલુર, અમદાવાદ, દિલ્હીમાં થયેલા બોમ્બધડાકાથી દુઃખી મને સ્ફૂરેલું ગીત)
09.25.08
નહીં ફૂટેલા એક બોમ્બનો સાચુકલો ઇન્ટરવ્યૂ
સુરતમાં ઠેકઠેકાણે બોમ્બ મળી આવ્યા. અમદાવાદના બોમ્બ ધડાકા પછી સુરતમાં આ ઘટના બની એટલે સુરતના લોકોને ‘રામ’ યાદ આવ્યા એટલે કે પોતાના ‘રામ’ કયાંક ન રમી જાય. રોજ બોમ્બ મળતા હતા ને લોકોનો જીવ તાળવા સુધી પહોંચતા પહોંચતા રહી જતો હતો. ઠીક. એ પછી બોમ્બ મળવાનું બંધ થયું એટલે કેટલાક સવાયા ‘ડાહ્યા’ લોકોએ હકારસૂચક પ્રશ્ન ઉઠાવ્યો કે આ બોમ્બ ક્યાંક સરકારે જ નહોતા મૂકાવ્યા ને?
આ જે બોમ્બ મળી આવ્યા એમાં એક બોમ્બ કોઈક રીતે અમદાવાદ આવી ગયો. (કોઈ ટીખળખોર તેને સુરતથી અમદાવાદ લઈ આવ્યું હશે એમ માની લઈએ.) આ બોમ્બને પછી પોલીસે જપ્ત કરી લીધો. અમને ખબર પડી એટલે અમે બોમ્બને મળવા ગયા.
જતાંવેંત પહેલાં તો અમે તેનું અભિવાદન કર્યું.
‘હાય બોમ્બ!’
જવાબમાં બોમ્બે માત્ર સૂચક સ્મિત કર્યું.
‘તમારી મંજૂરી હોય તો થોડી મિનિટ અમે તમારી સાથે વાત કરવા માગીએ છીએ.’ બોમ્બની મંજૂરી તો લેવી જોઈએ ને. આ કંઈ થોડો કાલ્પનિક ઇન્ટરવ્યૂ હતો કે ટેબલ પર બેઠા ઢસડી મારવાનું હોય.
‘તમે વાત કરી શકો છો. તમે પહેલા વ્યક્તિ છો જે અમારો ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છે. બાકી ઘણા તો મનમાં આવે તે અમારા મોંઢે મૂકી દેતા હોય છે.’
‘તમે અહીં કેવી રીતે પહોંચ્યા, આઇ મીન, અમદાવાદ?’
‘અમદાવાદની વાત પડતી મૂક ને,’ બોમ્બ તેના ઓરિજનલ સ્વભાવમાં આવી જઈ ‘તમે’માંથી ‘તું’ પર આવી ગયો, ‘સુરતમાં કેવી રીતે આવ્યો તેની વાત કર ને.’
‘એ તો બધાને ખબર છે. તમને સરકારે…’
‘તું કઈ જમાતનો છે , લ્યા. ’
‘તમે આમ બિનસંસદીય ભાષાનો ઉપયોગ ન કરો.’
‘બિનસંસદીય ભાષાની ક્યાં માંડે છે. એ તો હજી શરૂ પણ નથી કરી. તારી મા..’
‘પણ તમે આટલા બધા ગુસ્સે કેમ છો?’
‘ત્યારે શું? ગુસ્સે ન થાવ તો શું કરું? અલ્યા, તેં જોયું નહીં. હમણાં દિલ્હીમાં બોમ્બ ફૂટ્યા પછી પણ તમારી અક્કલ ઠેકાણે ન આવી? ત્યાં ગુજરાત સરકાર બોમ્બ મૂકવા ગઈ હતી? એ બોમ્બ પણ મારો ભાઈ જ હતો. એવી જ રચના હતી તેની.’
‘એ તો ભાજપવાળાઓએ…ચૂંટણી આવે છે ને એટલે…’
‘તારી…’ બોમ્બ ગાળ બોલ્યો, ‘એ પાંચમી કતારિયા..લીલા ચશ્મા પહેરનાર….અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસ સમક્ષ બોમ્બ ફૂટ્યો તેના વિશે તું શું કહીશ?’
‘એ તો તાલિબાન…’
‘એક્ઝેક્ટલી. તમે એક જ બાજુએથી જોવા ટેવાયેલા છો એમ હું નહીં કહું, પણ તમારે એક બાજુએથી જ ચિત્ર જોવું છે. એલ્યા, તને પેટ્રોડોલર મળે છે આ બધું લખવાના?’
‘ના.’
‘સાચું બોલ જે હોં. નહીંતર હું ફૂટ્યો નથી પણ ફૂટી શકું છું. મારા જાતભાઈને બોલાવી શકું છું. એલ્યા તને પેટ્રોડોલર મળતા હોય કે ન મળતા હોય, પણ તમે લોકો એ પણ નથી સમજી શકતા કે આખા દેશની સામે આ પ્રચ્છન્ન, આઇ મીન, પ્રોક્સી વોર કેટલાંય વર્ષોથી ચાલી રહી છે? કેટકેટલા બોમ્બધડાકા થયા અને તોય તમને સમજાતું નથી? આ બોમ્બધડાકા કરાવવામાં તારા જ કેટલાક દેશવાસીઓ સાથ આપી રહ્યા છે. કેટલાકે અમને પ્લાન્ટ કરવામાં સાથ આપ્યો તો કેટલાક અમે ફૂટ્યા પછી લોકોના ઘા પર મીઠું ભભરાવીને સાથ આપે છે કે અમને તો સરકારે જ પ્લાન્ટ કરાવ્યા હતા. એલ્યા, સરકારને જ્યાં ક્રેડિટ આપવાની હોય ત્યાં આપો ને. અમસ્તે અમસ્તી, સાવ ખોટી ક્રેડિટ આપવાની?’
‘ક્રેડિટ લેવા માટે તો આ બધું થઈ રહ્યું છે. અમે આવું લખીએ ને તો જ ગુજરાત બહાર અમને લોકો ઓળખે. એનજીઓથી માંડીને બુદ્ધિજીવીઓ, કલાકારો, અંગ્રેજી છાપા અને ચેનલોના પત્રકારો ગુજરાત માટે અમારા ક્વોટ લે. અમને ફંડ મળે. પેટ્રો…’ મારાથી બફાઈ જાત, પણ હું અટકી ગયો.
‘એલા બબૂચક!’ બોમ્બ તારક મહેતાના ચંપકલાલની ભાષા બોલવા લાગ્યો, ‘તમને પૈસા માટે આટલા બધા નીચી હદે જઈ શકો છો? તમે તો વે…યા કરતાં પણ નીચે ગયા.’
હવે બોમ્બને બીજી વાતે વાળવો જરૂરી હતો. મેં દલીલ કરી, ‘પણ તમને આ લોકો શા માટે મૂકે છે? ગુજરાતના રમખાણોનો બદલો લેવા…બાબરી મસ્જિદ પડી એના કારણે ને? એ લોકોને રોજીરોટી નથી મળતી એટલે ને? એમને અન્યાય થાય છે એટલે ને?’
‘તું એ ત્રાસવાદીઓ ભેગો રહ્યો છે? હું રહ્યો છું. કેટલાક પૈસા માટે કરે છે, તો કેટલાકને ઉશ્કેરવામાં આવે છે. એમાં તમારી જમાતનો ફાળો ઓછો નથી હોતો. પણ મને એક જવાબ આપ. ચેચન્યામાં કે ચીનમાં ત્રાસવાદીઓને કયો અન્યાય થયો છે? અરે, આ લોકો તો અંદરોઅંદર પણ ત્રાસવાદી-ત્રાસવાદી રમે એવા છે. પાકિસ્તાનમાં જો ને. અરે, મુગલ બાદશાહોનો ઇતિહાસ વાંચી જા.’
‘તમારું ઇતિહાસનું જ્ઞાન તો કેવું પડે હો બાકી. સોલ્લિડ છે સોલ્લિડ!’ મેં બોમ્બને મસ્કો માર્યો.
‘એક વાત કહે. તારા ઘરમાં દસબાર જણા પરાણે ઘૂસી આવે. તું એની મહેમાનગતિ કર. પછી તે કબ્જો જમાવી લે. કહે કે, આ તો મારું ઘર છે. પછી તારી પત્ની પર બળાત્કાર કરે. તારા દીકરાને મારી નાખે. ગુસ્સે થઈ તું એના પર હાથ ઉપાડે. એકાદનું ખૂન કરી નાખે. એટલે તારા જ ઘરમાંથી તારી નોકરાણી કહે કે તેં તો હિંસા કરી છે. વળી ફરી એ લોકોમાંથી એકાદ જણ તારી માતાને મારી નાખે. એટલે તું ફરી ચિલ્લાય. એ વખતે પેલી નોકરાણી ફરી કહે કે સાહેબ, આ લોકોને અન્યાય થયો છે ને એટલે તેઓ આવું કરે છે. હકીકતમાં તમારે તેમને બિરયાની ખવડાવવી જોઈએ. તેમની આરતી ઉતારવી જોઈએ અને જે કંઈ ‘ભોગ’ માગે તે ‘ધરતા’ રહેવા જોઈએ..તો શું કર તું?’
‘તો તો…હું તે નોકરાણીને જ પહેલા કાઢી મૂકું.’
‘સાલ્લા…હવે તો કંઈક સમજ. બાય ધ વે, તારો બ્લડ ટેસ્ટ થયો છે?’
‘ના. કેમ?’
‘કરાવી જો જે. એમાં ક્યાંક લીલું થીજી ગયેલું લોહી ન હોય. સાલ્લા…ભાગ અહીંથી.’
બોમ્બનું રૌદ્ર સ્વરૂપ જોઈ હું મૂઠ્ઠીવાળીને ભાગ્યો.
નોંધ : હવે તમને ખબર પડી જ ગઈ હશે, આ ‘હું’ એટલે કોણ?
કોઈએ બંધબેસતી પાઘડી, સોરી, ટોપી પહેરવી નહીં. અને આમ છતાં પહેરવી જ હોય અને પહેરીને
07.11.08
Hello to blog world!
This is Jaywant Pandya, a enthusiastic journalist from Ahmedabad, Gujarat,India, saying Hi to blog world. I hope that I will also contribute good writings. You are welcome to my blog.
