‘પેરિસમાં જ્યારે મારી પાછળ લોકો પડ્યા ત્યારે મને એવું લાગ્યું કે અહીં પણ મારા ચાહકો છે! પરંતુ પછી મારા ડ્રાઇવરે મને કહ્યું કે ‘આ તો અહીંના ગરીબો છે.’ ત્યારે મને લાગ્યું કે બેકારી અને ગરીબી બધે જ એકસરખી જ છે.’

અમિતાભ બચ્ચને ઉપરોક્ત શબ્દો ટાંકી પોતાના બ્લોગમાં ‘સ્લમડોગ મિલિયોનેર’ ફિલ્મની ટીકા કરી કે ભારતની વરવી બાજુ દર્શાવતી ફિલ્મોને જ વિદેશમાં માન-સન્માન મળે છે, જ્યારે ભારતની ઉજળી બાજુ બજાવતી, વ્યાવસાયિક રીતે સફળ ગયેલી ફિલ્મોને નહીં. અમિતાભનો ઇશારો ‘સ્લમડોગ મિલિયોનેર’ને ઓસ્કરમાં મળેલ નામાંકન અને તે અગાઉ મળેલ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પ્રત્યે હતો. અમિતાભે કહ્યું કે ભારતની ગરીબી દર્શાવતી સત્યજીત રેની ફિલ્મોને પણ ઓસ્કરમાં માન મળતું હતું પરંતુ બીજી ઉત્કૃષ્ટ ફિલ્મો જેમાં ભારતની જમા બાજુ બતાવાઇ હતી તેને નહીં.

અમિતાભના આ શબ્દોનો વિવાદ થયો એટલે અમિતાભે પણ ફેરવી તોળ્યું કે ના, આ કંઈ મેં નહોતું કહ્યું. આ તો વાચકોએ લખેલી ટીકાને મેં જેમની તેમ રજૂ કરી હતી. લોકોના દબાણમાં આવીને બચ્ચને આવું કર્યું એટલે આ મુદ્દે તેમની વાતથી જે માન પેદા થયેલું તે ઉતરી ગયું!

જોકે અમિતાભે હળવેકથી બીજી એક વાત પણ સાથે કહી દીધી : ઓસ્કરને સર્વોચ્ચ એવોર્ડ માનવાની જરૂર નથી. આપણા એવોર્ડ પણ કંઈ કમ નથી.

તેમણે આવું કહ્યું એટલે કેટલાકે કહ્યું કે પોતાની ફિલ્મ ‘એકલવ્ય’ને ઓસ્કર એવોર્ડ ન મળ્યો એટલે ઈર્ષાથી પીડાઈને બચ્ચનબાબુ આવું કહે છે.

ગલત! સરાસર ગલત!

ખરેખર તો અમિતાભ બચ્ચન ભારતના ગૌરવના ઝંડેદાર છે. એક સુપરસ્ટાર હોવાના નાતે તેમણે જે કરવું જોઈએ તે કરે જ છે. વચ્ચે અનેક મંદિરોમાં દર્શન કરવા જવાનો મુદ્દો હતો ત્યારે તેમની ખૂબ જ ટીકા થઈ હતી કે અંધકશ્રદ્ધાળુ છે તો પણ તેમણે તે બંધ નહોતું કર્યું. ધાર્મિકતા અંગત બાબત છે (અને ખરેખર તો તેમ જ રહેવું જોઈએ, પણ કમનસીબે ધાર્મિકતા ભારતમાં જાહેર બાબત બની ગઈ છે.) હિન્દી ફિલ્મોદ્યોગ માટે કોઈ ‘ઇન્ડિજિનિયસ’ (સ્વદેશી કહેશું તો વળી ઘણા નાકનું ટેરવું ચડાવશે) શબ્દ ન મળતા વિદેશમાં ત્યાંના એક મોટા ફિલ્મોદ્યોગ માટે વપરાતા શબ્દ ‘હોલિવૂડ’ પરથી બોલિવૂડ (ત્યારે બોમ્બેનું મુંબઈ થયું નહોતું એટલે બોમ્બેનો ‘બો’ લઈને બોલિવૂડ) શબ્દ વપરાવા લાગ્યો. બચ્ચનબાબુ આ શબ્દ વપરાય તેના કટ્ટર વિરોધી છે.

જેમ વિદેશમાં ઓસ્કર છે તેમ તેમણે વિદેશમાં આઇફા એવોર્ડ યોજીને આપણા એવોર્ડની ગરિમા વધારવા પ્રયાસ કર્યો છે.

અહીં અમિતાભપ્રશસ્તિ કરવાનો આશય નથી, વાત આત્મગૌરવની છે.

‘સ્લમડોગ મિલિયોનેર’ના જે રીતે વખાણ થઈ રહ્યા છે તે જોતાં લાગે કે આજે પણ લોકો ગુલામીથી પીડાય છે, માનસિક ગુલામી. બાકી, ઘણી ફિલ્મો ભારતીય ભાષામાં – હિન્દી ભાષામાં ઝૂંપડપટ્ટીની સ્થિતિ, મુંબઈની અંધારી આલમને બતાવતી બની જ છે. તાજેતરમાં બનેલી મધુર ભાંડારકરની ‘ટ્રાફિક સિગ્નલ’ આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ઓસ્કરમાં ગયેલી ‘લગાન’ કે ‘તારે ઝમીં પર’ એવોર્ડને બિલકુલ લાયક ફિલ્મો હતી પરંતુ તેને એવોર્ડ મળ્યા નહીં. અને આપણું આત્મગૌરવ માત્ર ફિલ્મોની બાબતમાં જ નથી હણાતું, બીજી અનેક બાબતોમાં હણાય છે.

બ્રિટનના વિદેશ મંત્રી અહીં આવીને, હું ફરી દોહરાવું છું, અહીં આવીને, મુંબઈના ત્રાસવાદી હુમલા પછી આપણને શિખામણ આપી જાય છે કે પહેલા કાશ્મીરનો પ્રશ્ન હલ કરો. ત્યારે કોઈ તેમને કહી શકતું નથી કે જસ્ટ શટ અપ! વી ડોન્ટ નીડ યોર એડવાઇસ!

મુંબઈના ત્રાસવાદી હુમલા પછી, ભારત શા માટે આટલી રાજદ્વારી પ્રયાસો કરે છે, લોકોને સમજાવવા પ્રયાસ કરે છે કે પાકિસ્તાને જ અમારા પર હુમલો કર્યો છે, ત્રાસવાદી પાકિસ્તાની જ હતા એ સમજાય તેવું નથી. ભારત સામે પ્રત્યક્ષ યુદ્ધમાં જીતી શકે તેમ ન લાગતા પાકિસ્તાને ત્રાસવાદરૂપી પરોક્ષ યુદ્ધ શરૂ કર્યું છે એ દીવા જેવી સ્પષ્ટ વાત છે. અને એમાં વિદેશો સમક્ષ વાત મનાવવાની શી જરૂર છે?

ક્રિકેટની વાત કરીએ તો, ગૌતમ ગંભીરની વાત હોય, હરભજન વિ. સાયમંડ્સની કે વીરેન્દ્ર સહેવાગની, અનેકવાર ખોટા નિર્ણયોનો ભોગ બની અમ્પાયરો દ્વારા સચિન તેંદુલકરના આઉટ થવાની વાત હોય, ભારતીય ટીમ મેનેજમેન્ટ ગળું ખોંખારીને કેમ એમ નથી કહી શકતું કે ધિસ ઇઝ ચીટિંગ! ધિસ ઇઝ અનજસ્ટિસ!

એટલે મૂળ પ્રશ્ન માનસિકતાનો છે. અગાઉ ભારત ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સામે વારંવાર હારી જતું હતું તેનું કારણ ડરની માનસિકતા જ હતી. પાકિસ્તાન જે ઝનૂન બતાવતું, પાકિસ્તાન કે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ જે અંચઈ કરતા, ગાલી-ગલોચ કરતાં તેનો સંસ્કારી ભારતીય ખેલાડીઓ જવાબ નહોતા આપી શકતા. હવે આપણા ખેલાડીઓ ડરની માનસિકતામાંથી બહાર આવી ગયા છે. શ્રીનાથ હોય કે ઇશાંત શર્મા, લડાયક વૃત્તિ દરેક ખેલાડીમાં ઝળકતી જોવા મળે છે. સાયમંડ્સને તેની જ ભાષામાં હરભજન જવાબ આપી શકે છે. જોકે પછી જ્યારે કેસ ચલાવવાનો થાય ત્યારે તેની પડખે ટીમ મેનેજમેન્ટ ઊભું નથી રહેતું તે અલગ વાત છે, પરંતુ આ માનસિકતાના કારણે હવે ક્રિકેટ ટીમ સતત જીતતી દેખાય છે.

સરેરાશ ભારતીયો પણ આપણા ક્રિકેટરો જેવી માનસિકતા રાખતા ક્યારે થશે? ક્યારે એવો સમય આવશે કે ભારતમાં યોજાતા એવોર્ડમાં નામાંકન પણ મેળવશે તે અંગ્રેજી ફિલ્મના કલાકારો હરખપદૂડા થઈ ઉછળતા નાચતા ગાતા હશે? ક્યારે ભારતનો શબ્દ વિશ્વ માટે આજ્ઞા સમાન બની રહેશે? વિદેશમાં કોઈ ભારતીય જશે ત્યારે તેના પ્રત્યે માનની નજરે જોવાશે?

ઘણાને કદાચ માનવું નહીં ગમે, પણ પોખરણ-2 પછી ભારત પ્રત્યે વિદેશીઓની દૃષ્ટિમાં પરિવર્તન આવ્યું છે તે ચોક્કસ છે. પોખરણ-2 માં થયેલા પરીક્ષણના કારણે ભારત પાસે અણુશસ્ત્રો હોવાનું જાહેર થયું તેના કારણે તેમજ તે પછી ભારત પર અમેરિકા સહિતના શક્તિશાળી દેશોએ લગાવેલા પ્રતિબંધો  છતાં ભારત જે રીતે પ્રગતિ કરતું રહ્યું તેના કારણે વિદેશોમાં ભારતનું આત્મગૌરવ વધ્યું છે. પરંતુ એ પછી થયેલા સતત ત્રાસવાદી હુમલાઓ અને તેનો કોઈ સક્ષમ (બિફિટિંગ) જવાબ, ખરેખર તો જડબાતોડ જવાબ ન અપાતા સરેરાશ ભારતીયને નિરાશા જ થઈ છે.

સિંહ ભલે શિકાર ન કરવાનો હોય, પરંતુ તે જ્યાંથી નીકળે ત્યાંથી અન્ય પ્રાણીઓ આઘા-પાછા થઈ જતા હોય છે. સિંહ જેવા બનવાનો સમય હવે આવી ગયો છે.

મેં હજુ સુધી ‘સ્લમડોગ મિલિયોનેર’ નથી જોઈ, જોવાની ઉત્સુકતા પણ નથી. આપ કા ક્યા હાલ હૈ?

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.