તાકી હો તાકી, જિતેન્દ્રને સ્લિપર શું કામ મારી?

 

જિતેન્દ્ર
જિતેન્દ્ર

 

 

બિચારા જિતેન્દ્ર! 

 

મહારાષ્ટ્રમાં નંદુરબાર પાસે કોંગ્રેસના એક રોડ શોમાં તેઓ શું ગયા, કોઈક દિલીપ ઇંગળે નામના અજાણ્યા શખ્સે, ‘તાકી હો તાકી’ ગીત ગાનારા આ જિતેન્દ્ર પર તાકીને સ્લિપર ફેંક્યુ! 

 

હવે અમને આ પગરખાં મારનાર લોકોની બુદ્ધિ પ્રત્યે જરાય શંકા નથી રહી. ચિદમ્બરમ સામે બૂટ ફેંકવામાં આવ્યું હતું. નવીન જિન્દાલ સામે પણ બૂટ ફેંકવામાં આવ્યું હતું, રામમંદિર બનાવવાની વાતો કરતા અડવાણી સામે રામની પાદુકા જેવી લાકડાની ચાખડી ફેંકવામાં આવી અને જિતેન્દ્ર સામે સ્લિપર. 

ટ્રેનમાં સ્લિપર ક્લાસ સુવિધાજનક ગણાય છે, પરંતુ આજે સ્લિપર જાણે કે સ્વીપર ક્લાસ પૂરતું જ મર્યાદિત રહી છે. માત્ર ‘પેટ હલકું’ કરવા જવામાં ઘરમાં સ્લિપરનો  ઉપયોગ કરવામાં આવે છે. જોકે દવાખાનામાં લોકોના ખિસ્સા હલકા કરવાનું ‘હલકું’ કામ કરતાં કેટલાક ડૉક્ટરો પણ દવાખાનામાં-હૉસ્પિટલોમાં સ્લિપર પહેરીને આંટા મારતા કે બેઠેલા જોવા મળે છે. 

આમ હવે ‘હલકા’ સ્તર પર આવી ગયેલી  સ્લિપર મારીને દિલીપ શું સાબિત કરવા માગતો હશે? જિતેન્દ્રએ તેનું શું બગાડ્યું હતું તે કોઈ (આ કોઈ એટલે પંચાતણી મિડિયા ફોઈ)કહેશે?

જિતેન્દ્રએ તો આમ પણ કોઈનું કંઈ બગાડ્યું નથી. બિચારા જિતેન્દ્રએ પહેલી ફિલ્મ કરી તો ત્યારની ટોચની હિરોઈન રાજશ્રી (આજે વિચારીએ તો એમ થાય કે ઇમોશનલેસ રાજશ્રી ત્યારે ટોચની હિરોઈન કેમ ગણાતી હશે? પરંતુ હોય છે. આજે બિપાશાઓ, કરીનાઓ, પ્રિયંકાઓ ટોચની હિરોઈન ગણાય જ છે ને.) અને સંગીતકાર શંકર-જયકિશનને લઈ શકાય તે માટે પોતાનું મહેનતાણું ઓછું કરી નાખ્યું હતું. (જિતેન્દ્ર ત્યારથી જાણતા હતા કે વર્ષો પછી મંદી આવવાની છે અને બધાએ પોતપોતાનું મહેનતાણું ઓછું કરવું પડશે.)

તે પછી જે કંઈ ફિલ્મો કરી તે મોટા ભાગની સામાજિક. તેના કરતાં તો  હિરોઈનોનું કામ ઝાઝું  હોય! અને મોટા ભાગની ફિલ્મોમાં આપણા આ જિતુભાઈ બે પત્નીઓ વચ્ચે પીસાતા રહ્યા છે! (લોકો તો એક પત્નીથી જ ભીંસાઈ જાય છે, જ્યારે જિતુભાઈ તો બે પત્નીઓ વચ્ચે! વિચારથી જ કમકમાટી છૂટી જાય છે. ) ‘યે રાસ્તે હૈં પ્યાર કે’  હોય કે  ‘એક હી ભૂલ’ કે પછી ‘માંગ ભરો સજના’ હોય કે ‘સૌતન કી બેટી’ જિતુભાઈને હંમેશાં તલવારની ધાર પર ચાલવાનું આવ્યું છે. બેધારી તલવાર! 

હા, વચ્ચે 1999 કે 2000થી જિતુભાઈની દીકરી એકતા કપૂરે ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ જેવી અનેક  ‘કે’ ખ્યાત સિરિયલો કરી ત્રાસ વર્તાવ્યો હતો ,  પણ  એ બધી તો ક્યારનીય બંધ થઈ ગઈ છે. (એનો બદલો  હવે  છેક લીધો  હશે આ દિલીપે?) 

જિતુભાઈનો દીકરો તુષાર કપૂર પણ ફિલ્મોમાં લોંચ થયો  હોય તેનો કદાચ ગુસ્સો હશે આ દિલીપને. પણ હમણાં હમણાંથી તો તેની ફિલ્મો પણ ક્યાં આવી છે?

લાગે છે કે દિલીપે જૂનું વેર વાળ્યું છે. બાકી , જિતેન્દ્ર તો બિચારા જ રહ્યા છે, ઓન સ્ક્રીન અને ઓફ સ્ક્રીન બંને પર!

Advertisements

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s