language, society

‘તું’કારો કે ‘તમે’કારો :કોને આવકારો?

આપણે ભગવાનને ક્યારેય તુંકારે નથી બોલાવતા. રામ હોય કે વિષ્ણુ, શંકર હોય કે બ્રહ્મા, પાર્વતી હોય કે દુર્ગા કે પછી લક્ષ્મી, બધાને માનવાચક સંબોધન કરીએ છીએ. પ્રભુ તમે મારી પ્રાર્થના સાંભળજો. પણ આમાં કૃષ્ણ એવા ભગવાન છે કે જેના માટે આપણે માનવાચક સંબોધન પણ કરીએ છીએ અને તુંકારો પણ કરીએ છીએ. કાનુડો, કનૈયો એવા તુંકારાવાળા સંબોધન કૃષ્ણને કરીએ છીએ.

આના આધારે એક વાત એવી કહેવાય છે કે જેના પ્રત્યે પ્રેમ હોય તેને આપણે તુંકારે બોલાવીએ. માની સાથે જન્મ પહેલાનો એટલે કે ગર્ભાવસ્થાથી સંબંધ છે. એટલે માને મા કહો, બા કહો કે મમ્મી કે પછી મોમ, તેને ઘણા બાળકો તુંકારે બોલાવતા હશે. પણ પિતાને ક્યારેય તુંકારે નથી બોલાવતા. પિતાનું હંમેશાં માન જાળવવું પડે, નહીં તો આવી બને!

જોકે આ જ કારણોસર ઘણા પિતા એવો આગ્રહ રાખતા હોય છે કે તેમનું સંતાન તેની માને તુંકારે નહીં માનવાચક બોલાવે, જેમ કે, મમ્મી આજે મારા માટે રીંગણાનું શાક કરજો. માનવાચક સંબોધનમાં એક અંતર આવી જાય છે તે ચોક્કસ વાત છે. એટલે સંબોધનમાં જ નહીં વ્યવહારમાં પણ તેનું માન સચવાય છે.

અગાઉ કોલેજકાળમાં જ્યારે વ્યક્તિ પ્રવેશે ત્યારે કોલેજકાળથી એકબીજાને માનાર્થે બોલાવવાનું શરૂ થઈ જતું. રમલામાંથી રમેશનું રમેશભાઈ થઈ જાય. મેહુલિયો મેહુલભાઈ બની જાય. હંસલીનું હંસાબહેન થઈ જાય. આનાથી આદર જળવાતો.

વ્યવસાયમાં પણ એવું જ હતું. એકબીજાને માનાર્થે બોલાવાતા. એ ચલણ હવે ઘટી રહ્યું છે. અંગ્રેજીમાં માનવાચક જેવો શબ્દ નથી. હા, ઇશ્વર માટે Thou વપરાય છે. બાકી, તું અને તમે બંને કિસ્સામાં અંગ્રેજીમાં You જ છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ મુજબ, ચાલતા ઘણા લોકો બીજાને તુંકારે તો બોલાવે છે સાથે પોતાને પણ તુંકારે બોલાવાય તેવો આગ્રહ રાખતા હોય છે.

જોકે, કાનુડાના કિસ્સાની જેમ પ્રેમ હોય તો અલગ વાત છે, બાકી મોટા ભાગે તુંકારો મીઠો નહીં, તોછડો લાગતો હોય છે. જોકે મજાની વાત એ છે કે ઘણા લોકો જાતે જ પોતાને માનવાચક બોલાવે. ફોન કરે ત્યારે કહે, ‘ગોપાલભાઈ બોલું છું.’ પોતે જ પોતાની જાતને ગોપાલભાઈ કહી દે જેથી સામેવાળો એ જ નામે બોલાવે.

તમે શેમાં માનો છો, ‘તું’કારામાં કે ‘તમે’કારામાં?

Advertisements

4 thoughts on “‘તું’કારો કે ‘તમે’કારો :કોને આવકારો?”

  1. પ્રિય પાત્ર તરફથી તુંકારો મીઠો મધ જેવો લાગે હો જયવંતભાઈ અને તેજ જ્યારે તમે કહી પૂકારે ત્યારે સચેત થઈ જ જવું પડે કે આજે કંઈક ગરબડ છે ખરું ને ? આપની વાત સાચી છે આત્મીયજન સાથે તુંકારો આપોઆપ આવી જતો હોય છે પણ અજાણ્યા કોઈ તુંકારો કરે તો તોછડાઈ જ લાગે ! ખાસ કરીને આપણાં ગુજરાતમાં ઝાલાવાડ અને કચ્છમાં તુંકારાથી ગમે તે ને બોલાવાની ટેવ સાધારણ ગણાય છે.

    સ-સ્નેહ
    અરવિંદ

  2. જયવંતભાઇ, નમસ્કાર. વિચારણીય લેખ. આના આધારે એક વાત તો પાક્કી થઇ કે જેના પ્રત્યે પ્રેમ હોય તેને તું‘કારે અને આદર હોય તેને ’તમે’કારે બોલાવાય તેવી સામાન્ય માન્યતા છે. આ ઉપરાંત થોડી વધુ માહિતી આપવાની ધૃષ્ટતા કરૂં તો, અમારે મહેર (અને તેવા ઘણા જાડા સમાજોમાં પણ) સમાજમાં બાપને પણ તુંકારે બોલાવવાનો સામાન્ય ચાલ છે. હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં પિતાશ્રી અને અન્ય વડીલોને તુંકારે બોલાવાય છે ! (ઉદા:’બાપ,તું ઢોરને પાણીએ કરેવ’) કદાચ વર્ષોથી ચાલતી આ પરંપરામાં કોઇને કશું અજુગતું લાગતું નહીં હોય. જો કે પ્રેમ કે આદરપૂર્વકનાં ’તું’કારા અને તોછડાઇમાં રહેલું અંતર સામેનો માણસ તુરંતજ પામી શકે છે. સામે પક્ષે ઘણા સમાજો અને કુટુંબોમાં સ્વપત્નિને અને બાળકોને પણ માનાર્થે ’તમે’ કહીને બોલાવતા જોયેલા છે.
    ટુંકમાં આ આપણી વિવિધતાસભર સંસ્કૃતિ છે. આપે સુંદર,નવો વિષય આપ્યો તે બદલ ધન્યવાદ. —– અશોક મોઢવાડીયા.

  3. મારા માનવા પ્રમાણે ‘તું’ કારો નિકટતા (Intimacy) દર્શાવે છે. ભક્ત કવિઓ ઇશ્વરને તુંકારાથી જ સંબોધે છે. બાઇબલ માં પણ ઈશ્વર માટે “Thou” અને “He” વપરાય છે. આમાં અનાદર, તુચ્છકાર કે ધિકારનો ભાવ નથી. પ્રેમ અને સમર્પણ છે. મીરાં, નરસિંહ, તુકારામ, કબીર.. .. યાદિ લાંબી છે. અમારા નાગરોમાં પત્નીને તેમજ સંતાનોને બહુવચનમાં સંબોધવામાં આવે છે.(જો કે હવે બહુ નહિ). હા,બહુવચનમાં પણ તોછડાઇ દર્શાવી શકાય.(રેફ.નાગરને પૂછો !) મારા એક મિત્રના પુત્રનું નામ હેતલ છે. એ પણ ફોનમાં પોતાને “હેતલભાઇ” થી ઓળખાવે ! જો કે આને માટે કારણ બીજું છે !

  4. કચ્છી ભાષા તોછડી છે. પણ માધ્યમિક શાળાથી નાગરોના પરિચયમાં આવ્યા પછી ‘તમે’કારો અપનાવી લીધો છે. આત્મિયતા ન હોય તો ‘તું’કારો તોછડો લાગે.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s