Posted in society

રાજદૂત પર હરતાં ફરતાં યમદૂતો

ત્રાસવાદીઓ બોમ્બધડાકા કરે ત્યારે એક વાક્ય લખાતું હોય છે : અનેક નિર્દોષો માર્યા ગયા. પણ જો તમે ગુજરાતના કોઈ પણ શહેરના ટ્રાફિકમાં નીકળો તો તમને લાગે કે તમારી આસપાસ તો કેટલા આવા કહેવાતા નિર્દોષ યમદૂતો રાજદૂતો (બાઇક કે કાર) પર ફરી રહ્યા છે અને આ બધા જો આ બોમ્બધડાકામાં કે પોતે જે ગતિએ કે જે રીતે આડેધડ વાહન ચલાવતા હોય તેમાં અકસ્માતથી માર્યા જાય કે હાડકાં ભાંગે તો તમને કોઈ અફસોસ ન થાય.

સામાન્ય રીતે લાઇસન્સ ત્યારે જ અપાતું હોય છે જ્યારે વ્યક્તિને ટ્રાફિકના બધા નિયમોની ખબર હોય. બધી સંજ્ઞાઓથી તે વાકેફ હોય, પણ ભારતમાં કઈ રીતે વાહનનું લાઇસન્સ મળી જાય છે તે કહેવાની જરૂર નથી. તમારે ડાબી કે જમણી જવું હોય તો સાઇડ બતાવવી પડે, ચાર રસ્તા આવે તો વાહન ધીમે પાડવું પડે. તમે જો રોંગ સાઇડ આવતા હો તો તમારે ધીમું ચલાવવું જોઈએ આવા કોઈ નિયમો અહીં પળાતા નથી. સાવ સાંકડો રસ્તો હોય તો પણ ઓબામાના દીકરાઓ કે દીકરીઓ વાહન એટલું મારંમાર ચલાવાશે કે તમે જો ચાલતા આવતા હો તો તમારે રીતસર ડાબી બાજુ ધસી જ જવું પડે. ખાસ કરીને કાર અને બાઇક. વાહનોમાં અમુકથી ઉપર ગતિ ન આવે તેવું કંઈક નિયંત્રણ હોવું જોઈએ. બીજા મોટા પહોળા રસ્તાની તો વાત જ નથી. જો તમે કોઈ કારણસર પગપાળા જતા હો અને તમારે રસ્તો ઓળંગવો હોય તો બહુ સાચવીને ઓળંગવો પડે અને ઓછામાં ઓછી દસ મિનિટ નીકળી જાય. ચાર રસ્તાએ તો સ્થિતિ જોવા જેવી થતી હોય છે. કોઈ સર્કલ ફરીને જવાની તસદી જ ન લે. વળી ચાર રસ્તાએ પણ છેક સુધી વાહન આવવા દેવાનું. અરે, પત્ની, સંતાન કે ભાઈબહેન સાથે હોય તોય લોકો ખૂબ ગતિથી ચલાવતા હોય છે. કારવાળા કાર ખરીદી શકે છે, પણ મોબાઇલમાં વાત કરવા માટે હેડસેટ ખરીદી શકતા નથી કે કદાચ તેમને વાપરવું નથી ગમતું. આમ તો, કારમાં કે અન્ય કોઈ પણ વાહનમાં ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી એ જ ગુનો છે. બાઇક કે અન્ય મોપેડ કે સ્કૂટરવાળા તો મોબાઇલને કાન અને ગરદન વચ્ચે ભેરવીને વાત કરતાં કરતાં વાહન ચલાવે ત્યારે બીક આપણને એની લાગે કે ક્યાં તો આ ભાઈનો અકસ્માત થશે અથવા બીજા કોઈનો કરાવશે.

કારની રેસ લગાડનારા પણ અમદાવાદ શહેરમાં છે અને તેનો નમૂનો ગઈ કાલે (૯ મેએ) જ જજિસ બંગલો રોડ પર જોયો. તરુણ પણ ન કહેવાય, કિશોર જરૂર કહેવાય તેવા લોકો હવે બાઇક અને અન્ય વાહન ચલાવે છે અને ઉમરના તોરમાં તેમને તો ગતિ જ ગમતી હોય તે સ્વાભાવિક છે, પણ વૃદ્ધોય કંઈ ઓછી સ્પીડે વાહન ચલાવતા નથી.

અને હા, ઘણા બધા તો પોતે એમ્બ્યુલન્સ ચલાવતા હોય તેમ એક તો પૂરપાટ ગતિએ વાહન ચલાવે અને સાથે એમ્બ્યુલન્સની જેમ જ હોર્ન વગાડતા જાય ટેણે ટેણે ટેણે. બાઇકમાં કારના હોર્ન મૂકેલા હોય. પરિણામે આવા લોકોને અથવા તેમની સાથે ભટકાય તે લોકોને એમ્બ્યુલન્સ ભેગા જ કરવા પડતા હોય છે. અને હા, આવા (તેમની સંખ્યા ઘણી છે) લોકો રસ્તો પોતાના બાપદાદાની જાગીર સમજે છે અને એક વાર હોર્ન મારે એટલે તમે તેને સાઇડ આપી જ દેશો તેમ માની લે છે, પરંતુ તમારી ડાબી બાજુ પણ કોઈ વાહન જતું હોય તો તમે કઈ રીતે તેને સાઇડ આપી શકો તે સમજવા જેટલી સામાન્ય બુદ્ધિ વાહનચાલકોમાં હોતી નથી.

ટૂંકમાં, પરિસ્થિતિ એવી છે કે તમે રાત્રે સહીસલામત ઘરે પહોંચો તો તમારે ભગવાનનો અને આ વાહનચાલકોનો આભાર માનવાનો.

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

8 thoughts on “રાજદૂત પર હરતાં ફરતાં યમદૂતો

 1. ગઈકાલે સાત અકસ્માત નોંધાયા (નોંધાયા એમ લખ્યું કારણ કે, છાપામાં આવ્યું. બાકીના ખબર નહી કેટલા થયા હશે..).

  અમદાવાદમાં ટ્રાફિક વધારે નથી, ટ્રાફિક સેન્સ ઓછી છે (એક અમદાવાદીના મુખેથી જ સાંભળેલું..)

  1. ઘણા તો થતા રહી જાય છે. જે રીતે ટ્રાફિક ચાલે છે, જે રીતે બધા આડેધડ જતા હોય છે, ખાસ કરીને ચાર રસ્તે જોવા જેવું હોય, એક વ્યક્તિ સર્કલ ફર્યા વગર જતો હોય તો કોઈ સામેથી આવતું હોય તો કોઈ આ તરફથી. વળી કોઈક પગપાળા. ખાસ તો રામદેવનગર ચાર રસ્તાએ આ મને રોજનો અનુભવ છે. આને તમે નિરપેક્ષ રીતે કોઈ ફ્લેટ કે રસ્તા પરથી જુઓ તો તમને થાય કે હમણાં અકસ્માત થશે, હમણાં અકસ્માત થશે પરંતુ થાય નહીં ત્યારે તમને થાય કે, ભગવાન જેવું કંઈક છે ખરું. અથવા તો અહીં બધું રામભરોસે જ ચાલે છે!

 2. શનિવારે હું રસ્તો ઓળંગતી હતી તો પાછળથી એક કાકાએ બાઈક મારા પગ સાથે અથડાવી માર્યું. હવે આપણી આંખો પાછળ તો ક્યાંથી હોય? મારી મમ્મીએ અમેરિકાની મુલાકાત લીધી પછી વારંવાર કહ્યા કરે છે કે આ યમદૂતો તો આપણા દેશને માથે જ માર્યા છે.

 3. સુખ સગવડને પણ ત્રાસ હોય છે-કેવળ અમ્દાવાદ જ નહી આણંદ, વડોદરા “મુંમ્બાઈ”માં પણ
  એ ત્રાસ જોયો છે.આમાથી છૂટવા ૫૦-૧૦૦ લઈને જવા દેતા ઠોલાઓ નહી દંડ કરતી
  ન્યાય પધ્ધતિ જરુરી છે…
  મળો મને @
  http://himanshupatel555.wordpress.com
  આભાર, હિમાનશુ

 4. અમારે અહી અમેરિકા માં તો રાતે પણ સિગ્નલ લાઈટો ચાલુ જ હોય.રાતે બે વાગે કોઈ ના આવતું હોય છતાં લાલ લાઈટ હોય એટલે ગાડી ઉભીજ રાખવાની.અમે બધા ભારતમાં ટ્રાફિક ના નિયમો નું પાલન બરોબર કરતા ના હતા તેજ અહી ચુસ્ત રીતે પાલન કરીએ છીએ.ટ્રાફિક સેન્સ હોવી જરૂરી છે છતાં કાયદા પાલન માં સખ્તાઈ હોય તો જ કામ લાગે.

  1. કાયદા ગમે તેવા કડક હોય, પણ જ્યાં સુધી તેનું પાલન કરનારા સખ્ત નહીં હોય ત્યાં સુધી કંઈ નહીં વળે. ભારતમાં ગમે તેવા કડક કાયદા બને પણ તેની છટકબારી શોધાઈ જ જતી હોય છે. એટલું જ નહીં, ભારતમાં કાયદા તો તોડવા માટે જ હોય છે એવું ધનાઢ્યથી માંડીને ગરીબ વર્ગ બધા જ માનતા હોય છે.

 5. શ્રી જયવંતભાઈ
  આજ વિષય ઉપર થોડા દિવસ પહેલાં મારા બ્લોગ ઉપર એક લેખ મૂકેલ છે તેના કેટલાક અંશ અત્રે રજૂ કરુ છું સાથે આપ સૌ પત્રકારોને સઋદય વિનંતિ કરું છું કે આ વિષય ઉપર આપ સર્વે ઝંબેશ ચલાવો તો કદાચ કંઈ પરિણામ આવે તો આવે ! મારા લેખના અંશો—

  આવા અકસ્માતોના મુખ્ય કારણો વિષે કોઈ સત્તાધીશો ગંભીરતાથી વિચારતા હોય તેમ જણાતું નથી. અકસ્માતો અને મૃત્યુ દર સાલ વધતા રહે છે અને કોઈ જાણતું નથી આ માટે કોણ જવાબદાર છે ? આ દેશના લોકોની આ કેવી વિટંબણા અને કરૂણતા કહેવાય ! અકસ્માતો રોકવા કે ઘટાડવા કોઈ નકકર પગલાં લઈ શકાય કે કેમ તે પણ સત્તાધીશોને ખબર નથી.
  તેમ છતાં એક વાતથી સૌ જ્ઞાત છે કે, જે રીતે વાહન ચલાવવા લાયસંસ આપવામાં આવે છે, તે રોડ ટ્રાંસપોર્ટ ઓથોરીટીની ઓફિસોમાં કેવી લાલીયા વાળી અર્થાત લાગવગ અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે. જે વ્યક્તિને ટુ-વ્હીલરનું લાયસંસ મળી શકે તેમ ના હોય તેમને હેવી વેહીકલ ચલાવવાના લાયસંસ મળી રહે છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે મોડી રાત્રે મુખ્ય ડ્ર્રાઈવર ઉંઘ ખેંચે છે અને ક્લીનર ગાડી ચલાવતો રહે છે અને આ માત્ર ટ્ર્ક કે લોરી પૂરતું મર્યાદિત નથી હોતું મુસાફરોને વહન કરતી પેસેનજર બસોમાં પણ આવી જ લાલીયાવાડી ચાલે છે અને આરટીઓ અને પોલીસનુ ગાંધી વૈધ્યનુ સહિયારું ચાલ્યા કરે છે. ઉપરાંત વાહનો ઉપર પણ સાંકેતિક નામો લખવામાં આવતા હોય છે જેથી વાહન કોની માલિકીનું છે તે આરટીઓ અને પોલીસ તંત્ર જ્યારે કોઈ વાહન ક્યારે ક પણ ડીટેઈન કરે તો સમજી શકાય અને દંડનીય કાર્યવાહી પહેલાં જ સમજુતી કરી લેવાય !
  બીજા રાજ્યોના પ્રવાસે જવાનું ક્યારે ક જ બનતું હોય તે વિષે વધુ જાણકારી નથી. પરંતુ ગુજરાત રાજ્યમાં વસવાટ હોય બરાબર જાણવા મળી રહે છે કે અનેક એવા પરિવારો છે કે જેમને કોઈ ટેસ્ટ આપ્યા સીવાય તેની ઈચ્છા પડે તે વાહન માટે લાયસંસ મળી રહે છે. અમેરીકામાં અમેરીકન પ્રમુખના દીકરા-દીકરીને લાયસંસ મેળવવા પરીક્ષા આપવી પડે છે અને તેમાં નાપાસ પણ થઈ શકે છે. જ્યારે અહિ વગર પરીક્ષાએ લાયસંસ મેળવવું તે મોભો/ગૌરવ ગણાય છે. અરે આરટીઓ ઓફીસે ગયા વગર લાયસંસ ઘેર બેઠા પહોંચી જતા હોય છે. સગીરો ( ટીન એજરો ) ને પણ લાયસંસ મળી રહે તેવી ગોઠવણ કરી શકાય છે.
  વાહનો ઉપર સાંકેતીક નામો જેવાકે જય માતાજી, જય આશાપુરા, જય ખોડિયાર, સરકાર, રાજ્પુત, જાડેજા, મહેર, આહીર, જય શક્તિ વગેરે ઉલ્લેખનીય ગણાય ! પોલીસ વાળાની અંગત કે સગા-વહાલાના માલિકીના વાહનો ઉપર નંબર પ્લેટ લાલ અને બ્લુ રંગની લગાડી શકાય ! જ્યારે અન્ય નાગરિકો માટે સફેદરંગની પ્લેટમાં કાળા રંગના અક્ષર વાળી નંબર પ્લેટ હોવી ફરજીયાત છે. ટેક્ષીમાં પીળા રંગની પ્લેટમાં કાળા રંગના અક્ષર વાળી નંબર પ્લેટ ફરજીયાત છે. ઉપરાંત નંબર પ્લેટની સાઈઝ તથા તેમાં લખવામાં આવતા નંબરની સાઈઝ પણ કાયદાએ નિશ્ચિત કરી હોવા છતાં તેનું પાલન કાયદાથી ડરનારા સીવાય કોઈ કરતું હોય તેવું જણાતું નથી.
  નાના એવા મોપેડમાં ટ્ર્કના હોર્ન બેસાડી રસ્તે ચાલીને જતા નાગરિકોને મોટા અવાજ થી ભડકાવતા રહેવામાં કેટલાક તત્વોને વિકૃત આનંદ મળતો હોય છે અને આરટીઑ વાળા અને પોલીસો મૂગા મોંએ આ તમાશો જોયા કરતા રહે છે. રસ્તાઓ બિલકુલ હલચલ વગરના હોય તો પણ સતત મોટા અવાજ વાળા હોર્ન વગાડી સામાન્ય રાહદારીઓને કનડગત કરનારા આવા નબીરાઓ-ટીન એજરો- કાંતો રાજકીય આગેવાનોના અથવા પોલીસો કે સરકારી અમલદારોના વંઠેલા પુત્રો હોય છે. ચાલુ વાહને ડોકી વાંકી કરી મોબાઈલ ઉપર સતત વાતો કરનારાઓ પણ આજ વર્ગમાંથી આવતા હોય છે. વાહન રસ્તાની વચ્ચોવચ્ચ કે ગોલાઈમાં પાર્ક કરવું જાણે તેમનો અધિકાર બની ગયો છે. આજ રીતે ગોલાઈમાં ઉભા રહી મોબાઈલમાં વાતો કરવી જાણે સ્ટેટસ બની ચૂકયું છે. આજના છોકરા/છોકરીઓ મોટા ભાગે ટીન એજરો વાહન શહેરમાં પણ ફુલસ્પીડે-ધુમની-સ્ટાઈલથી જાણે હવામાં ઉડતા હોય, તેવી રીતે ચલાવી રસ્તા ઉપર ચાલીને જતા રાહદારીઓને ભડકાવી સોટા પાડવા આવા તત્ત્વો બેફામ બની વર્તી રહયા છે ત્યારે માર્ગ અકસ્માતો ના થાય તો જ નવાઈ ! અને આ તમામ બાબતોથી છેક તળીયાના અમલદારો- આરટીઓના કે પોલીસના-થી ઉચ્ચ સ્થાને બેઠેલા અજ્ઞાન હોતા નથી. સામાન્ય રાહદારી સમજે છે કે મોટા સાહેબોના આશીર્વાદ વગર આવી બિન્દાસ રીતે શહેરમાં કોઈ નાગરિકો વાહન ચલાવવાની હિમત દાખવી ના જ શકે ! માત્ર બેફામ સ્પીડ જ નહિ પણ આ તત્ત્વો ગમે તે સાઈડમાંથી વન-વેની પણ સાડીબાર રાખ્યા વગર ગમે તે દીશામાંથી આવતા રહે છે.
  સામાન્ય નાગરિકો જો પોતાની સલામતી ઈચ્છ્તા હોય તો સભાન અને સતર્ક રહી પોતાના વાહન ચલાવવાના રહે અને રાહદારીઓ પણ પોતાની સલામતી માટે રસ્તા ઉપર ચાલતા કે રસ્તો ઓળંગતા દસ વાર વિચારવું પડે કારણ કે કઈ દીશામાંથી વાહન ધસમસ્તુ આવશે તેની કોઈ ધારણા કરી શકાતી નથી.અરે સીનીયર સીટીજનો રસ્તાની એક તરફ છેક ખૂણામાં ચાલતા હોય તો પણ આ નવા ધનિક થયેલાના નબીરાઓ ( ટીન એજરો ) ક્યારે હડ ફેટે લઈ લેશે તેવા ભયથી ફફડતા રહે છે.
  ક્યારેક તો સત્તાધીશોની મીલીભગત ઉપરાંત લાખો રૂપિયા ખર્ચી થયેલા ઓરથોપેડિક સર્જનો સાથે પણ આવા તત્વોની ભાગીદારી નહિ હોય ને તેવી શંકા મનોમન થાય તો નવાઈ નહિ !
  હાલ બોર્ડની પરીક્ષાઓ પૂરી થતાં વેકેશનનો માહોલ છે અને મોટા ભાગના ટીન એજર છોકરા-છોકરીઓ મુકત રીતે હરી ફરી રહ્યા છે. ટુ વ્હીલર ઉપર બે થી વધારે સવાર થઈ મોબાઈલ સાથે સોટા પાડવા શહેરમાં ઝંઝાવાતી સ્પીડ સાથે રખડ્યા કરે છે. જે પોલીસો અને આરટીઓ વાળા નજર અંદાજ કરી રહ્યા છે ! પરિણામે સમાચાર પત્રોમાં રોજે રોજ અકસ્માતના સમાચારો પ્રસિધ્ધ થયા કરે છે. બે બાઈક સવારો સામ સામા અથડાય તો કોઈક સ્કૂટર સવાર કોઈ રસ્તે ચાલનારને હડફેટે લઈ લે છે. એક તાજા સમાચાર પ્રમાણે એક ટીન એજર મોબાઈલ ઉપર વાત કરવામાં એટલો તો તલ્લીન હતો કે જે પૂલની પાળી ઉપર બેસી વાતો કરતો હતો તે ભૂલી જતા પાળી છૂટી ગઈ અને ભાઈ સાહેબ 25 ફૂટ નીચે ગબડયા અને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અહિ અમારા જ શહેરમાં એક ટીન એજર છોકરીએ એક વૃધ્દ્ધ માજીને ચાલુ સ્કૂટી ઉપર મોબાઈલમાં વાત કરતા હડફેટે લઈ લીધા છે. ગઈ કાલની જ વાત કરું તો કાલે સાંજના મારા નિત્ય ક્રમ પ્રમાણે હું ચાલવા નીકળેલો ત્યારે અમારા ઘરથી થોડે જ દૂર ચાર રસ્તા મળે છે તે ચોકડી ઉપર જ વચોવચ બે મોટર સાયકલ એક બીજાના આલિંગનમાં પડેલા જોયા અલબત્ત તેના સવારો હોસ્પિટલ ભેગા થયેલા એટલું જ નહિ બંનેના મોબાઈલે રસ્તે ચાલતા રાહદારીઓને પણ જાણે બુલેટ છૂટી હોય તેમ અચાનક સખ્ત ઈજા પહોંચાડેલી કે તેઓ એટલા તો હતપ્રભ થઈ શુન્યમનસ્ક બની ગયેલા !
  આવા તો અનેક બનાવો દરેક શહેરોમાં દિન-પ્રતિ-દિન વધી રહ્યા છે તેમ છતાં નથી મા-બાપોની આંખ ખુલતી કે નથી સરકારી અધિકારીઓને આ વિષે કોઈ ચિંતા !
  એક વાત સતત યાદ રાખવી જોઈએ કે આધુનિક સમયમાં દિન-પ્રતિ-દિન નવા નવા ઉપકરણો ઉપલબ્ધ બનતા રહે છે અને બનતા રહેશે પરંતુ જો તેનો ઉપયોગ વિવેક બુધ્ધિ સાથે કરવામાં નહિ આવે તો તે જ સગવડભર્યા ઉપકરણો મોતનો પૈગામ પણ બની રહેશે !
  અંતમાં ક્યારેક તો એવું લાગે છે કે આપણાં દેશના નવા ધનિકો અને રાજકર્તા સત્તાધીશોએ આવનારા 100 વર્ષ સુધી કોઈ પણ દેશને માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુમાં આજે જે આપણો પ્રથમ નંબર છે તે જાળવી રાખવા જાણે શપથ ના લીધા હોય ! મેરા ભારત મહાન ! અસ્તુ !

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s