Posted in society

તમારી ઉજવણી બીજાની પજવણી તો નથી બનતી ને?

આજે (૧૫ ઓક્ટોબરે) એક માઠા સમાચાર વાંચવા મળ્યા. એક હોસ્ટેલમાં કેટલાક યુવકો મોટેમોટેથી સંગીત સાંભળતા હતા. હૃદયની તકલીફથી પીડાતા એક વડીલ તેમને સમજાવવા ગયા તો ઝઘડો થઈ ગયો. તેમાં પેલા વડીલને હૃદયરોગનો હુમલો આવી ગયો અને તેમનું અવસાન થઈ ગયું! કેવી કરુણતા! યુવકોની મજા પેલા વડીલનો જાન લેનારી સાબિત થઈ! (વાંચવા અહીં ક્લિક કરો : http://www.gujaratsamachar.com/20101015/gujarat/ahd13.html)

આમ તો નવરાત્રિ પૂરી થવામાં છે. આ લખું છું ત્યારે આઠમું નોરતું છે. નવરાત્રિમાં અમદાવાદ સહિત ગુજરાતમાં સોસાયટીમાં હાઇ ડેસિબલનો અવાજ પેદા કરતી સાઉન્ડ સિસ્ટમ મૂકીને ગરબા લેવાતા હોય છે. ઘણા એવો બચાવ કરે કે મોટા અવાજ વગર તો ગરબા લેવાની મજા જ ક્યાંથી આવે? પણ ભાઈ, તમારી મજા કોઈને નુકસાન તો નથી પહોંચાડતું તે જુઓ. ઘણા વૃદ્ધોને સૂવું હોય કે બીજા કોઈ હોય જેને ગરબામાં રસ ન હોય અને સૂઈ જવું હોય તો અવાજ સૂવા દે ખરા?

ઘણા વળી એવી દલીલ કરશે કે નવરાત્રિ તો નવ દી’ જ હોય. પણ ઊંચા અવાજે બોલવું અને સંગીત સાંભળવું આપણી ટેવ બની ગઈ છે. નવરાત્રિ સિવાય આપણે ત્યાં લગ્નની મોટી સિઝન હોય છે અને વળી તે બારેમાસમાં અમુક દિવસો જ નથી હોતી. આ સિઝનમાં પણ રાત્રે દાંડિયા રાસના કાર્યક્રમો થાય અને ઊંચા વોલ્યૂમે અને બેસૂરા અવાજે ગીતો ગવાતાં હોય! પાછા વરઘોડામાં તો બેન્ડવાજાવાળા તો માથું ફેરવે જ ફેરવે. વળી, દિવાળી આવશે એટલે અવાજવાળા ફટાકડા ત્રાસ મચાવશે. આ બધું નહીં હોય ત્યારે કોઈનો જન્મદિવસ કે અન્ય કોઈ પાર્ટીમાં મોટા વોલ્યૂમે ગીતો મૂકાતા હશે અને તે પણ આધુનિક ટેક્નોલોજીવાળા ઢીંચક ઢીંચક. રસ્તે જાવ તો રિક્ષાઓ અને કારમાં પણ એટલા જ મોટા વોલ્યૂમે સંગીત કાન ફાડી નાખે. ઓફિસમાં જાવ તો ત્યાં, મોબાઇલમાં એફ. એમ. રેડિયો કે મ્યૂઝિક પ્લેયરમાં ગીતો સંભળાતાં હોય. એવું ન હોય તો મોબાઇલમાં રિંગ ટોન હાઇ વોલ્યૂમ પર સેટ કરેલી હોય અને વારેવારે ચીસ પાડી ઊઠતી હોય. ઓછામાં પૂરું મોબાઇલ પર મોટેમોટેથી વાતો કરાતી હોય.થિયેટરમાં જાવ તો ત્યાંય મોબાઇલનો ત્રાસ. અરે! બેસણામાં પણ લોકો મોબાઇલને સાઇલન્ટ નથી રાખતા હોતા.

થોડા સમય પહેલાં એક જાહેરખબર જોઈ હતી. મોટા ભાગે ઓનિડાની હતી. તેમાં ફાફડા જેવા અક્ષરે લખાયું હતું : શું તમને ઊંચા અવાજે સંગીત સાંભળવું પસંદ છે? તો તમારા માટે આ ઓડિયો સિસ્ટમ બેસ્ટ છે. અરે ભાઈ! આટલા અવાજે સાંભળવામાં આવે છે તે ઓછું છે તે હજુ તમે ઊંચા અવાજે સાંભળવાની વાત કરો છો?

મારી વાત પરથી મને કોઈ અરસિક કે સંગીત વિરોધી કલ્પી લે તો નવાઈ નહીં. પણ ના, એવું નથી. અરે! હું તો એવો માનનારો છું કે સંગીત વગર આ જિંદગી જ જિંદગી ન રહી હોત. પણ હું દૃઢપણે માનું છું કે સંગીત નિરાંતે – નવરાશમાં અને બીજાને હેરાનગતિ ન થાય તે રીતે અને તેવું સાંભળવામાં જ અસલ મજા છે.

આપણે અવાજની અસરો તપાસતા નથી. બાકી, એ વૈજ્ઞાનિક હકીકત છે કે ઘોંઘાટ અશાંતિ અને તણાવ જન્માવે છે. આની સામે ક્યારેક શાસ્ત્રીય સંગીત કે વાંસળીના સૂરો સાંભળી જોજો અને જોજો કે મનને કેટલી શાંતિ મળે છે? નવરાત્રિ, લગ્ન, જન્મદિન- આ બધું તમે ઉજવો તેની ના નથી, પણ તમારી ઉજવણી બીજાની પજવણી ન બની રહે તે પણ જુઓ. ક્યારેક ક્રોસવર્ડ જેવી પુસ્તકની દુકાનમાં જઈને જોજો. ત્યાં ટાંકણી પડે તો પણ અવાજ સંભળાય તે હદે બધાં શિસ્તમાં વર્તતા હોય છે. આવું બધે કેમ નથી બની શકતું? શા માટે આપણને ઘોંઘાટ પસંદ છે?

‘શોલે’માં ઈમામસાહેબ (એ. કે. હંગલ) કહે છે, ‘ઈતના સન્નાટા ક્યૂં હૈ મેરે ભાઈ?’ પણ મારે પૂછવું છે,

‘ઈતના શોર ક્યૂં હૈ મેરે ભાઈ?’

Advertisements

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

4 thoughts on “તમારી ઉજવણી બીજાની પજવણી તો નથી બનતી ને?

 1. ૧૦૦ % સાચી વાત તમારી ઉજવણી બીજાની પજવણી ન બની રહે તે પણ જુઓ.
  સંગીત નિરાંતે અને બીજાને હેરાનગતિ ન થાય તે રીતે અને તેવું સાંભળવામાં જ અસલ મજા છે.
  ખૂબ સરસ લેખ.

 2. “ઈતના શોર ક્યૂં હૈ મેરે ભાઈ?”
  — ક્યુંકી કાન બજાને વાલો કે કાન કે નીચે કોઇ બજાતા નહીં હૈ !!
  મારા પાસ-પડોસમાં કોઇ જોરશોરથી (ઘોંઘાટની હદે) ટી.વી., પ્લેયર્સ વગેરે વગાડે ત્યારે તેને જઇને (નમ્રતા સે !) એટલું જ કહું છું કે; ’ભઇલાઓ ! પૈસા તમે ખર્ચ્યા છે, બીજાઓને શા માટે મફતમાં લાભ કરાવો છો !!’
  જયવંતભાઇ (હવે નો ભુલું બાપલા !!), મને લાગે છે કે ઉત્ક્રાંતિના ક્રમમાં ઊંચો અવાજ સાંભળવાની આદત ધીમે ધીમે માણસોના કાનને ધીમો અવાજ સાંભળવા માટે નકામા બનાવી દેશે. આપનો આંખો ખોલતો લેખ કોઇના કાન ખોલતો પણ બને તો લેખે લાગશે. આભાર.

 3. તમારી પોસ્ટ ખુબ જ મહત્ત્વની વાત તરફ સંકેત કરે છે..ઉત્સવ હોય કે સંગીત પાર્ટી હોય બધે હાર્મની જોઈએ..સંયમ જૉઈએ..અત્યંત દુ:ખ વાત છે કે જે ઉત્સવો માનવને શક્તિ અને સમજ વધારવાના સંદેશ આપે છે ત્યાં માણસો કેટલા ઉચ્છુંલ બની વર્તે છે..
  જ્યા પાયાના જ ગુણો નો અભાવ છે મેનર્સ થેક્યુ કે સોરી મારા વર્તનથી બીજાને દુ:ખ ન પહોચે તો પણ ઘણુ..પરંતુ મેં અનુભવ્યું કે ..આમ કહેતા તો ઉપરથી ગૌરવ લે છે કે થેન્ક્સ કહીએ કે સોરી કહીએ તો ખોટું લાગે તે બધું વિદેશી સંસ્કારોમાં આવે….કબીરે તો સ્પષ્ટ કહ્યુ છે ..ક્યા બહેરા હુઆ ખુદાય..જોરથી બાણ્ગ પુકારતાને..બાંગ કે ગરબા..ઘોઘાટ એટલે ઘોઘાટ !! તેને કોઈ ધાર્મિક વેલ્યુ હોય તેમ નથી લાગતું…

  http://leicestergurjari.wordpress.com/

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s