Posted in television

રિયાલિટી શો : હદ કર દી આપને!

‘તુમ… હો.’

લાખો  કરોડો દર્શકોની સામે કોઈ તમને તમારી મર્દાનગી વિશે આવું કહે તો તમારી હાલત કેવી થાય? ‘રાખી કા ઇન્સાફ’ શોમાં રાખી સાવંતે મર્દાનગી વિશે અણછાજતી ટિપ્પણી કર્યા પછી લક્ષ્મણપ્રસાદ અહરવારની મનોદશા એવી બગડી ગઈ કે તેણે ઘરે પાછા આવીને આપઘાત કરી લીધો!

રાખી કહે છે, ‘મેં કંઈ તેને મર્દાનગીના સંદર્ભે આવું નહોતું કહ્યું. તે તેની પત્નીને બરાબર રાખી શકતો નથી, તે સંદર્ભે કહ્યું હતું.’ માન્યું કે આ વાત સાચી છે, પણ તોય શું બીજા કોઈ શબ્દો તેને ન મળ્યા? શું શોના એડિટરને આ એડિટ કરવાની બુદ્ધિ ન ચાલી?  ઇમેજિન ચેનલના અધિકારીઓની એવી દલીલ છે કે લક્ષ્મણનું મોત કુદરતી કારણસર થયું છે. ઇમેજિન ચેનલે જે સત્તાવાર નિવેદન જાહેર કર્યું તે આવું છે :

‘રાખી કા ઇન્સાફ કાર્યક્રમ માટે સહભાગીઓ શોધવા માટે સંશોધન કરવામાં આવે છે. આ સંશોધનની નિયમિત પ્રક્રિયાના ભાગરૂપે અમારી ટીમ સૌ પ્રથમ લક્ષ્મણ અહરવાર અને તેની માતા, તેની પત્ની અનિતા, તેના કાકા બલબીર અહરવારને ઓગસ્ટ, ૨૦૧૦માં મળી. તે વખતે અમે દરેકનાં મંતવ્યો કેમેરા સામે રેકર્ડ કર્યાં. તેનો કેસ એવો છે કે અનિતાનો આક્ષેપ છે કે તેના પતિ અને તેનો પરિવાર તેના પર અત્યાચાર કરે છે. અનિતા કહે છે કે લગ્ન પછી લક્ષ્મણના કાકા બલબીર અહરવાર તેની છેડતી કરવા લાગ્યા. તે ઇચ્છતા હતા કે અનિતા તેના બાળકની મા બને અને અનિતાના કહેવા પ્રમાણે, આ બધું લક્ષ્મણની જાણકારીમાં થતું હતું! છેવટે માથા પરથી પાણી વહી જતાં અનિતાએ ઘર છોડી દીધું. બીજી તરફ લક્ષ્મણ ઇચ્છતો હતો કે અનિતા ઘરે પાછી આવી જાય.

શોના દરેક તબક્કે પરિવારની સંમતિ લેવામાં આવી હતી. ઉપરાંત શોમાં ઉત્તર પ્રદેશના ઇન્સ્પેક્ટર એસ. પી. સિંહને પણ પૂછવામાં આવ્યું હતું. તેમણે એ વાતને પુષ્ટિ આપી હતી કે બલબીર અહરવાર શંકાસ્પદ ચરિત્ર ધરાવે છે અને શક્ય છે કે તેણે અનિતાની છેડતી કરી હોય.

બંને પક્ષની વાત સાંભળીને રાખીએ અનિતાના ગુસ્સાને વાચા આપી કે લક્ષ્મણ પતિ તરીકે તેની ફરજ બરાબર બજાવતો નથી અને બલબીરને તેની પત્નીનો લાભ લેવા દે છે. આ એપિસોડ પછી પરિવાર ઝાંસી પાછો ગયો. તે પછી પ્રોમો પ્રસારિત થયો. પ્રસારણના ૧૮ દિવસ પછી ૧૦ નવેમ્બરે લક્ષ્મણને મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરાયો. ત્યાં તેની સારવાર છતાં તેનું અવસાન થયું.’

ચેનલનું કહેવું છે કે તે પછી અચાનક જ લક્ષ્મણના કાકા બલબીર અને મા સાવિત્રી અહરવાર એવો આક્ષેપ કરવા લાગ્યાં કે લક્ષ્મણે શોમાં આવ્યા પછી આપઘાત કર્યો છે. હોસ્પિટલના રેકર્ડ અને ડોક્ટરના રિપોર્ટ પરથી સ્પષ્ટ છે કે લક્ષ્મણ ટીબીથી પીડાતો હતો અને એક્યુટ ન્યુમોનિયાના કારણે તેનું મોત થયું છે.’

તો ચેનલ કહે છે કે ન્યુમોનિયાના કારણે લક્ષ્મણનું મોત થયું છે. લક્ષ્મણની મા કહે છે કે શોના કારણે તેનું મોત થયું છે. સાચું શું? આ કેસ હવે અદાલતમાં છે. મુંબઈ ઉચ્ચ ન્યાયાલયે રાખી સાવંતની અરજી ફગાવી દીધી છે. રાખી કહે છે કે તે તો તેને જેમ કહેવામાં આવે છે તેમ જ કરે છે. તેણે આ એપિસોડ અનેક વાર જોયો છે, પણ તેમાં તેણે કોઈ એવી વાત નથી કહી જેનાથી લક્ષ્મણ આપઘાત કરી બેસે.

બોલો!

કોઈ પુરુષને તેની મર્દાનગી વિશે જાહેરમાં લલકારે તો તેનાથી પુરુષની અલગઅલગ પ્રકારની પ્રતિક્રિયા હોઈ શકે, પણ જે હોય તે તીવ્ર જ હોવાની ને! માનો કે, રાખીને જ કોઈ આ પ્રકારની સ્ત્રીને લગતી ટિપ્પણી કરે તો? રાખીની પ્રતિક્રિયા કેવી હોઈ શકે, કલ્પના કરી શકો છો?

રાખી સાવંતનો આ એનડીટીવી ઇમેજિન પર ત્રીજો રિયાલિટી શો છે. સૌથી પહેલો શો હતો  ‘રાખી કા સ્વયંવર’. તેમાંય રાખીએ નાટક કરેલું. લગ્ન કરવાનું નક્કી હતું પણ લગ્ન ન કર્યાં. ઇલેશ પરજુનવાલા સાથે સગાઈ કરીને ઇતિ સિદ્ધમ્ કરી દીધું. એ પછી ચેનલવાળાઓએ આ યુગલની લોકપ્રિયતાનો લાભ લેવા બીજો શો જાહેર કરી દીધો  ‘પતિ પત્ની ઔર વો’. આ શોમાં શું હતું? પોતાના નહીં, પણ પારકા લોકોના બાળકની સારસંભાળ લેવાની. અગાઉની એક બ્લોગપોસ્ટ પતિ પત્ની ઔર વો, ઓહ!માં લખેલું તેમ, આ શોમાં આ બાળકો સામે રાખી અને ઇલેશ અને અન્ય ટીવી સેલિબ્રિટી કપલ કેવીકેવી હરકતો કરતા હતા! એ તો ઠીક, પણ સાવ નાનાનાના શિશુની બિલકુલ કાળજી નહોતા લેતા. સવાલ તો એ થાય કે પોતાના શિશુને પૈસા માટે થઈને શોમાં મોકલતાં માબાપ કેવાં કહેવાય! આ શોમાં એક વાર નવી ‘રામાયણ’ સિરિયલમાં સીતા બનેલી અભિનેત્રી દેબીના બેનરજીના ઘરે પાર્ટી રાખવામાં આવી હતી. તેણે આ પાર્ટી માટે તૈયારી કરવાની હતી. તેને સોંપવામાં આવેલું બાળક રોતું હતું તો દેબીના બાળકને કહેતી હતી, ‘રો બેટા રો, તૂ મેરે લિયે રો!’

એ જ શોની એક બીજી વાત. રાખીએ તેને સોંપાયેલ બાળક હોવા છતાં બાળકીની જેમ તૈયાર કર્યો. સ્ત્રી જેવો મેકઅપ પણ કર્યો. હવે શોમાં એવી વ્યવસ્થા હતી કે માબાપ તેમના બાળકને આ સેલિબ્રિટી કપલ કેવી રીતે રાખે છે તેના પર નજર રાખી શકે. રાખીએ પોતાના બાળકને આવી રીતે તૈયાર કર્યું તે તેના માબાપને ન ગમ્યું. તેમણે રાખીને કહ્યું એટલે રાખીનું મોઢું ચડી ગયું.

આગળ જતાં રાખી પોતાને સોંપાયેલ બાળક સાથે એવો સંવાદ કરતી હતી : બેટા, આપણે તો ક્રિશ્ચિયન. એટલે વેરોનિકા (વેરોનિકા નામની બાળકી અન્ય કોઈ સેલિબ્રિટી કપલને સોંપાયેલી.) આપણને ચાલે.

બાળક પર કેવા સંસ્કાર પડે? એ તો ઠીક, રાખીને સોંપાયેલ બાળક હિન્દુ હતું. રાખી પોતે ખ્રિસ્તી એટલે તે તેને સોંપાયેલ બાળકને પણ ખ્રિસ્તી બનાવી દે?

રાખી સાવંતને કોઈ પણ પ્રશ્ન પૂછો (અને ફોર ધેટ મેટર, મલ્લિકા શેરાવત, મહેશ ભટ્ટ, ઇમરાન હાશ્મી, કાશ્મીરા શાહ….જેવી તમામ હસ્તીઓ) તો તેમની પાસે સ્ટાન્ડર્ડ જવાબ હોય છે : ફલાણો આવું કરે છે તો શું અમે ન કરી શકીએ? સ્વયંવરની વાત વખતે રાખીએ કહ્યું હતું, ‘સીતા સ્વયંવર કરી શકે તો રાખી કેમ નહીં?’ હવે ક્યાં દેવી સમાન સીતામાતા અને ક્યાં રાખી સાવંત? ‘રાખી કા ઇન્સાફ’ માટેય રાખી સાવંત એવી દલીલ કરતી હતી કે કિરણ બેદી જો રિયાલિટી શોમાં ન્યાય તોળી શકે તો હું શા માટે નહીં? એટલા માટે કે મારી પાસે (પોલીસને હોય છે તે) સ્ટાર્સ  નથી? પણ મૂળભૂત પ્રશ્ન તો એ છે કે આ દેશમાં ન્યાયતંત્ર છે ત્યારે, માત્ર ટીઆરપી કે પૈસા માટે આવા સમાંતર ન્યાય તોળતા રિયાલિટી શો યોજી શકાય ખરા? (કોઈ વકીલ આ બાબતે કોર્ટમાં જાય તો આ અંગે કાનૂની પક્ષ જાણવા મળે.) જોકે રાખી સાવંત પાસે આ પ્રશ્નનોય જવાબ હશે કે ઘણાં ગામડાંઓમાં કે ઓનર કિલિંગ વખતે જાણીતી બનેલી ખાપ પંચાયત ન્યાય તોળે જ છે ને.

‘રાખી કા ઇન્સાફ’માં લક્ષ્મણના બનાવ ઉપરાંત એક એપિસોડમાં તો મારામારી પણ થઈ હતી. એક ન્યૂઝ ચેનલે રાખીને આ વિશે પૂછ્યું તો રાખી પાસે બીજાં ઉદાહરણો હાજર જ હતાં : શું સંસદમાં માઇકો નથી ઊછળતાં? શું રસ્તા પર મારામારી નથી થતી?

‘બિગ બોસ’ની ચોથી શ્રેણીમાં આ વખતે ગાળાગાળી થઈ ત્યારે તે અંગે પણ આવા પ્રકારના કલાકારોની જમાત (આ જમાત પાછી આવા મુદ્દે એક પણ થઈ જાય, હોં!)નો જવાબ હતો  : શું રસ્તા પર કે શેરીમાં ઝઘડા નથી થતા? શું પરિવારમાં ઝઘડા નથી થતા? ‘બિગ બોસ’માં અલી મર્ચન્ટ-સારા ખાન કે અસ્મિત પટેલ -વીણા મલિકના નિકટતાનાં દ્રશ્યો અંગે પણ આ બેશરમ જમાતની એવી જ દલીલ હશે કે શું ઘરમાં કોઈ પ્રેમ નથી કરતું? ‘રાખી કા ઇન્સાફ’ અને સાથે ‘બિગ બોસ’ના કારણે રિયાલિટી શોના સમય બદલીને તેને મોડી રાત્રે પ્રસારિત કરવા કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયે નિર્દેશ જાહેર કર્યો. તેને એડલ્ટ કન્ટેન્ટ છે તેવી સૂચના આપવા કહ્યું. એક ‘મહાન’ હસ્તીએ તો એવી દલીલ કરી કે શું ‘રામાયણ’, ‘મહાભારત’ કે ‘શક્તિમાન’ વખતે બાળકો તીરકામઠાં નહોતા ચલાવતા. ઊંચાઈ ઉપરથી છલાંગ નહોતા મારતા? ટીવી ચેનલ પર ચર્ચામાં કોઈ મહાનુભાવે એવું કહ્યું કે આજે મોબાઇલ, ઇન્ટરનેટ પર બધું જ હાજર છે. તો તમે શું ત્યાં પ્રતિબંધ મૂકશો?

વળતો પ્રશ્ન કરીને ચૂપ કરી દેવાની નીતિ અપનાવવાથી પ્રશ્ન ઉકેલાઈ જવાનો નથી. કોઈ ખોટું કરે છે એટલે તમને પણ ખોટું કરવાનો હક મળી જતો નથી. જો ઉકેલ શોધવાની સાચી દાનત હોય તો એમ કહેવું જોઈએ કે અમે તો નિયંત્રણ મૂકીશું જ, પણ સાથેસાથે મોબાઇલ, ઇન્ટરનેટ પર પણ પ્રતિબંધો – નિયંત્રણો હોવાં જોઈએ. ‘રામાયણ’ કે ‘મહાભારત’ વખતે બાળકો તીરથી ઘાયલ થતા હતા તે ગંભીર વાત જ હતી, પરંતુ તેનાથી બાળકોના સંસ્કાર બગડતા નહોતા. ‘શક્તિમાન’થી બાળકોને ખરાબ ટેવો પડતી નહોતી, જ્યારે આ તો તમારી ભાષા, તમારા આચારવિચાર અને સંસ્કૃતિ પર જ સીધો હુમલો છે.

હા. સંસ્કૃતિ પર હુમલો. સ્ટેન્ડઅપ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ કહે છે તે સાચી વાત છે. અત્યારના અને અત્યાર સુધીના આપણા મોટા ભાગના રિયાલિટી શો (કે પછી કેટલીક સિરિયલો) વિદેશી શો (કે સિરિયલો)ના રાઇટ મેળવીને તેની સીધી નકલ જ કરાયેલી હોય છે. હકીકતે, ટીવી હોય કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી, અત્યારે મૌલિકતા અને સર્જનાત્મકતાના મામલે કલાકારોએ દેવાળું ફૂક્યું છે. કોઈને વિચારવાની તસદી લેવી જ નથી. ભારતીય સંસ્કૃતિની રીતે શું ફિટ બેસી શકે  તેમાં શું પીરસી શકાય તેવું કોઈને વિચારવું જ નથી. ફિલ્મોદ્યોગમાં પણ અત્યારે મોટા ભાગની ફિલ્મો બને છે તે વિદેશસ્થિત હોય છે. હવે તો વિદેશમાં જઈને શૂટિંગ પણ કરી આવે છે. મોટા ભાગની ફિલ્મો એન. આર. આઈ. ઓડિયન્સને જ ધ્યાનમાં રાખીને બનાવાય છે. એન. આર. આઈ. માટે ફિલ્મ બનાવવી હોય તો બનાવો, પણ તે ભારતીય દર્શકોના માથે શું કામ મારો છો?

‘હુ વોન્ટ્સ ટૂ બી મિલિયોનેર’ના રાઇટ્સ મેળવીને ‘કૌન બનેગા કરોડપતિ’ બનાવાય છે. (નામ પણ ઓરિજનલ નહીં, તેનો અનુવાદ જ!) એ તો ગનીમત છે કે અમિતાભ બચ્ચન જેવા ભારતીય સંસ્કૃતિમાં ચુસ્ત રીતે માનતા એન્કર છે, એટલે ભાષાથી માંડીને હાવભાવમાં ભારતીયતા છલકે છે. બાકી ‘કેબીસી’માં શાહરુખ ખાન તો પરાણે બધાને, અંગ્રેજીમાં જેને ‘હગ’ કહેવાય છે, ગુજરાતીમાં આલિંગન, તે આપતો હતો. એક મહિલાએ તો શાહરુખને આલિંગન આપવાની સ્પષ્ટ ના પાડીને કિંગ ખાનને ભોંઠો પાડી દીધો હતો. ‘સચ કા સામના’ ‘મોમેન્ટ ઓફ ટ્રુથ’ની બેઠ્ઠી કોપી હતી. એ શો વખતેય વિવાદ થયેલો. ‘કમઝૌર કડી કૌન’ શો સંચાલક નીના ગુપ્તાના બ્લન્ટ અને કઠોર વ્યવહારના કારણે ચર્ચામાં રહેલો. એ શોય ‘વિકેસ્ટ લિંક’ની નબળી નકલ હતો. અરે! સ્ટાર પ્લસ પર થોડા સમય પહેલાં ‘પર્ફેક્ટ બ્રાઇડ’ નામનો શો આવ્યો હતો જેમાં પાંચ મુરતિયા પોતાના માટે પત્ની પસંદ કરે છે. તેમાંય ભાવિ સાસુ અને ભાવિ વહુ વચ્ચે ઝઘડા બતાવાયેલા.

તો, મૂળ ભારતીય વિચારના હોય કે ભારતીય સંસ્કૃતિમાં ફિટ બેસે તેવા એક પણ શો નથી આવ્યા?

આવ્યા છે. ‘અંતાક્ષરી’ કે ‘સારેગમપ’ (સોનુ નિગમ જ્યારે તેનું સંચાલન કરતો હતો) આવા જ શો હતા. સ્ટાર પ્લસ પર પોતાનાં માબાપને ચારધામની યાત્રા કરાવવા માટે સ્પર્ધા કરવાનો શો ‘મહાયાત્રા’ય આવેલો, પણ જ્યારથી આ ટીઆરપી નામની બલા આવી અને ઝઘડા કરીને ટીઆરપી મેળવવાના નુસખા આવવા લાગ્યા ત્યારે ‘અંતાક્ષરી’ અને ‘સારેગમપ’ એ બંને શોને પણ ટીઆરપીનું ગ્રહણ લાગ્યું હતું. એટલે તો ‘અંતાક્ષરી’ ઝીનું ઘર છોડીને સ્ટાર વન પર ગયો ત્યારે તેમાં અનુ કપૂર અને સહસંચાલિકા જૂહી પરમાર વચ્ચે ઝઘડા બતાવાયા. એ ઝઘડામાં પાછા, ચાલતી પકડનાર વ્યક્તિને સ્લો મોશનમાં બતાવાય. દરેકના ચહેરા પીળા પડી ગયેલા બતાવાય! ‘સારેગમપ’માં પણ ડિટ્ટો આવું જ! એકબે ફિલ્મોમાં સંગીત માટે જાણીતા ઇસ્માઇલ દરબાર અને હિમેશ રેશમિયા (દુઃખની વાત એ છે કે આ બંને પ્રતિભાવાન લોકો પાછા ગુજરાતી છે!) પોતાના સ્પર્ધકો માટે ઝઘડા જ કરે. મુઝે તેરે ઘર મેં રોટી ચાહિયે! એમ કહીને બૂમબરાડા પાડીને સેટ ગજવી મૂકે. સ્પર્ધક કેવું ગાય છે તેના પર નહીં, પણ તે કેવું પર્ફોર્મ કરે છે કે તેનામાં કેવું ગ્લેમર છે કે કેવી ચમચાગીરી કરે છે તેના આધારે તેને માર્ક મળે. જોકે ગજેન્દ્રસિંહ ઝી ટીવી છોડીને ગયા પછી ‘સારેગમપ’માં હવે પરિવર્તન આવ્યું છે અને તેમાં આવા ઝઘડા બતાવાતા નથી, પણ તે સ્ટાર પ્લસ પર ‘વોઇસ ઓફ ઇન્ડિયા’ કે ‘છોટે ઉસ્તાદ’ લઈ આવ્યા તો તેમાં ઝઘડા તો રહ્યા જ! અને નિર્ણાયક તરીકે પાછા કોણ બેસે? મોન્ટી શર્મા? જેણે ‘સાંવરિયા’ નામની એક જ ફિલ્મમાં મ્યુઝિક આપ્યું છે? સોનુ નિગમ કે સુરેશ વાડેકરની જેમ જાણકારીના આધારે અને સ્પર્ધક ક્યાં ખોટું ગાય છે તે સમજાવીને માર્ક વધુ કે ઓછા આપતા નિર્ણાયકો કેટલા?

આવા સંગીત કે અન્ય પ્રકારના ટેલન્ટ હંટ શોમાંય પાછા સ્પર્ધકની ગરીબી કે સંઘર્ષ બતાવાય. બેકગ્રાઉન્ડમાં કરુણ મ્યુઝિક બતાવાય. અરે ભાઈ! તમે શેના આધારે મત મેળવવા માગો છો એ તો કહો? તમારી ગરીબીના આધારે, સંઘર્ષના આધારે કે પ્રતિભાના આધારે? સંઘર્ષ ભરપૂર કર્યો હોય અને પ્રતિભા જ ન હોય તો? શું એવા કલાકારને આગળ આવવા દેવાનો? જેણે સંઘર્ષ ન કર્યો હોય અને તેનામાં કુદરતદત્ત પ્રતિભા હોય તો શું તેને આગળ આવવાની કોઈ તક ન મળે?  જો સંઘર્ષ, ગરીબી કે દેખાવનો સહારો ન મળે તેમ હોય તો પ્રાંતવાદનો સહારો લેવામાં આવે. ‘તમારા ગુજરાતી ભાઈ કે બહેનને મત આપીને ગુજરાતને વિજેતા બનાવજો.’ ‘તૂસી મેનુ હી વોટ કરના’ કે આવી પોતાની પ્રાંતીય ભાષામાં અપીલ કરાવડાવીને આ રિયાલિટી શો રાજ ઠાકરે કે બાળ ઠાકરે કરતાં પ્રાંતવાદને ઓછું ઉત્તેજન નથી આપતા! જો તમે ટ્રેક રેકર્ડ રાખતા હો તો તમે નોંધ્યું હશે, ‘સારેગમપ’માં દેબોજિત, અનિક ધાર, સંચિતા ભટ્ટાચારજી, અનામિકા ચૌધરી વગેરે તમામ વિજેતા પૂર્વ ભારતના, ચાહે તે બંગાળ હોય કે આસામનાં જ વિજેતા છે! ‘સારેગમપ’માં આસ્મા મોહમ્મદ રફી નામની એક સ્પર્ધક આવી હતી. ઓડિશનના તબક્કામાં જ નીકળી જવી જોઈએ તેવી, અત્યંત બેસૂરા ગળાની માલિક આ સ્પર્ધક કેટલાય એપિસોડ સુધી ટકી ગઈ. કારણ? તે રૂપાળી  દેખાવડી અને લોકોને હસાવતી હતી.

હસવું આવે તેવું આ રિયાલિટી શોની રિયાલિટી છે. કોઈ નિયમ તેને લાગુ પડતા નથી છતાંય પાછું કહેવાય એવું કે નિયમો પર ચાલે છે! ‘વોઇસ ઓફ ઇન્ડિયા’માં અધવચ્ચેથી દિલ્હીના એક સ્પર્ધકને લાવવામાં આવ્યો હતો. બીજી શ્રેણીમાં પણ આ સ્પર્ધક હાજર હતો! આ જ રીતે આ શોની પહેલી શ્રેણીમાં એક સ્પર્ધકને યુએઈનો બતાવવામાં આવ્યો હતો તો બીજી શ્રેણીમાં તે જ સ્પર્ધકને હૈદરાબાદનો છે તેમ કહીને રજૂ કરાયો હતો! વળી આ પ્રકારના રિયાલિટી શોમાં જેને તમે મત આપીને કે નહીં આપીને કાઢી મૂકો છો તેને વાઇલ્ડ કાર્ડ દ્વારા ફરી લાવવામાં આવે છે. જો આવું જ કરવું હતું તો દર્શકોના એસએમએસના પૈસા શા માટે વેડફાયા, ભાઈ? (આવો સવાલ પૂછો તો ઓફ ધ રેકર્ડ શોના ડિરેક્ટર કે પ્રોડ્યૂસર એમ પણ કહી શકે કે દર્શકો તો બેવકૂફ છે કે એસએમએસ કરે છે, બાકી તો બધું નક્કી જ હોય છે, મારા ભાઈ!)

પણ અત્યારે રિયાલિટી શોનો એક જ મંત્ર છે : વિવાદ કરો, ટીઆરપી વધારો. શા માટે રાખી સાવંતની માંગ વધુ રહે છે? બહુ સ્પષ્ટ છે કે રાખી સાવંત, સંભાવના શેઠ, કાશ્મીરા શાહ જેવી આઇટમ ગર્લ વિવાદ કરીને ટીઆરપી વધારવામાં ફાળો આપી શકે છે. ‘બિગ બોસ’ પછી ફિલ્મોમાં નાનીમોટી ભૂમિકા ભજવતી આવેલી ડોલી બિન્દ્રા (શાહિદ કપૂરની ‘કમીને’ પહેલાં ‘જો બોલે સો નિહાલ’માં ‘ફ’ના બદલે ‘સ’ બોલતી સ્ત્રીની ભૂમિકા ભજવી હતી તે જ)ની બોલબાલા વધી જાય તો પણ નવાઈ નહીં. કોઈ ફિલ્મ, સિરિયલ કે નાટકની જેમ જ રિયાલિટી શોની સ્ક્રિપ્ટ પણ હશે તેવું માનવાનું મન થાય. (તાજા સમાચાર એ છે કે જે ડોલી બિન્દ્રાને બિગ બોસની બહાર કાઢી મૂકાઈ હતી તેને ટીઆરપી માટે પાછી લાવવામાં આવી છે અને તે પણ પબ્લિક ડિમાન્ડના નામે! અપડેટ કરાયા તા. ૨૯-૧૧-૧૦)

‘રાહુલ દુલ્હનિયા લે જાયેંગે’ નામનો રાહુલ મહાજનનો સ્વયંવર પ્રકારનો શો ‘રાખી કા સ્વયંવર’ની શ્રેણીમાં આવેલો. તેમાં અમદાવાદની મોડલ ચાર્મી ચૌહાણે ભાગ લીધો હતો. ચાર્મી અપવાદ હશે કે કેમ તે ખબર નથી, બાકી, ‘રાખી કા ઇન્સાફ’થી માંડીને સલમાન ખાન જેનો હોસ્ટ હતો તે ‘દસ કા દમ’ સુધીના આ રિયાલિટી શોમાં સેટ પર હાજર દર્શકો તો ભાડૂતી હોય છે જ (પ્રોડ્યૂસરોને આવા દર્શકો પૂરા પાડવા માટે એજન્સી હોય છે) પણ કદાચ સ્પર્ધકો પણ નાના અથવા અજાણ્યા કલાકારો હોય છે જેને ઇન્ડસ્ટ્રીની ભાષામાં જુનિયર આર્ટિસ્ટ કહેવાય છે. બાકી તો સવાલ એ થાય કે પોતાના ઘરનો ઝઘડો કોર્ટ નહીં ને ટીવી પર જાહેરમાં ચર્ચવા કોઈ પરિવાર કે દંપતી તૈયાર થાય ખરાં?

‘બિગ બોસ’ની તમામ શ્રેણી જો તમે જોઈ હોય તો, તેમાં એક હીરો, બે હીરોઇન અને એક ઝઘડાખોર પુરુષ કે સ્ત્રી, એક આઇટમ ગર્લ હશે જ. ‘બિગ બોસ’ની પહેલી શ્રેણીમાં રાખી સાવંત અને કાશ્મીરા શાહ વચ્ચે શરૂઆતમાં બહેનપણાં બતાવાયાં અને પછી બંને વચ્ચે ઝઘડો. આ શ્રેણીમાં આવેલી રાગિણી શેટ્ટી કોણ હતી તે આજ સુધી કોઈને ખબર નથી પડી. તેનો સ્પર્ધક બોબી ડાર્લિંગ એ માટે મત માગતો હતો કે તેને સ્ત્રી બનવું છે. ભાઈ (કે સોરી બહેન, જે હોય તે) તારે જાતિ બદલવી હોય તો તારા ખર્ચે બદલને. એ માટે દર્શકો શા માટે તને મત આપે?

‘બિગ બોસ’ની બીજી શ્રેણીમાં ‘નથિંગ ફોર ગૂડ’ રાહુલ મહાજન હીરો હતો તો પાયલ રોહતગી અને મોનિકા બેદી તેની હીરોઇનો. બંને વચ્ચે યશ ચોપરાની કોઈ ફિલ્મમાં હોય તેવો જ પ્રણયત્રિકોણ રચાતો હતો. ‘બિગ બોસ’ની ચોથી શ્રેણીમાં જે સ્પર્ધક છે તે શ્વેતા તિવારીનો ભૂતપૂર્વ પતિ રાજા ચૌધરી એ શ્રેણીમાં ઝઘડાખોર તરીકે બતાવાયો હતો. ‘બિગ બોસ’ની ત્રીજી શ્રેણીમાં શેરલિન ચોપરાના ગ્લેમરનો પણ ભરપૂર ફાયદો ઉઠાવાયો હતો, ટીઆરપી વધારવા માટે. એ શોમાં શાહરુખ ખાનના ટૂંકા નામ એસ. આર. કે.ની જેમ પોતાને કે.આર.કે. તરીકે ઓળખાવતો કમાલ ખાન ઝઘડાખોર હતો. એ શોમાં જયા સાવંત નામની આધેડ વયની મહિલા પણ હતી અને તેની એકમાત્ર લાયકાત એ હતી કે તે રાખી સાવંતની મા હતી! અને શોમાં તેને રોતીકકળતી બતાવાતી હતી કે તેની દીકરી ફરીથી તેની સાથે બોલવા લાગે. એ શ્રેણીમાં આઇટમ ગર્લ તરીકે ક્લાઉડિયા સિએસ્લા હતી તો આ વખતે પામેલા એન્ડરસન. અગાઉ જેડ ગુડીને પણ લાવવામાં આવેલી. આ આઇટમ ગર્લ કોઈ પણ રીતે લાવવામાં આવે. તેમનું કામ બેત્રણ દિવસ પૂરતું આવીને ‘જલવા’ દેખાડીને પછી શોમાંથી નીકળી જવાનું જ હોય છે.

‘બિગ બોસ’ હોય કે સોની પર આવેલા ‘ઇસ જંગલ સે મુઝે બચાવો’, યુટીવી બિન્દાસ પર આવતા ‘દાદાગીરી’, ‘ઇમોશનલ અત્યાચાર’, કે પછી એમટીવીના ‘સ્પ્લ્ટિ્સવિલા’, ‘રોડીઝ’ કે વી ટીવીના ‘ગેટ ગોર્જિયસ’ જેવા શો  આ બધા શોની રેસિપી એક જ છે  ઝઘડા અને સેક્સ. એમટીવીના ‘સ્પ્લિટ્સવિલા’ની બીજી શ્રેણી પછી તો એક સ્પર્ધક પર કાસ્ટ કાઉચિંગ પ્રકારનો આક્ષેપ થયો હતો. આ રિયાલિટી શો થકી અજાણી વ્યક્તિ પણ રાતોરાત સેલિબ્રિટી બની જાય છે, અમેરિકા કે બ્રિટનની જેમ જ. બાકી રાખી સાવંત કે મોનિકા બેદી કે ‘બિગ બોસ ૪’માં બોલાવાયેલ કસાબના વકીલ અબ્બાસ કાઝમી કે મહેશ ભટ્ટ પુત્ર અને ત્રાસવાદી ડેવિડ હેડલી મિત્ર રાહુલ ભટ્ટ કે બાવડેબાજ ખલીનું એવું કયું મહાન પ્રદાન છે એ કહો જોઈએ! પહેલાં ‘બિગ બોસ’, તે પછી ‘રાખી કા સ્વયંવર’ અને એમ એક પછી એક શો રાખી સાવંતને મળતા ગયા. જજ બાબતે પણ આવું જ છે. જે લોકોમાં પ્રતિભા છે, જેમણે મહાન પ્રદાન કર્યું છે તેમને જજ તરીકે નથી બોલાવાતા. માનો કે અનુ મલિકે ભૂતકાળમાં સારું કામ કર્યું છે. પણ અત્યારે શું? એટલે એ ‘ઇન્ડિયન આઇડોલ’માં જજ તરીકે આવે અને પાછો ‘એન્ટરટેઇન્મેન્ટ કે લિયે કુછ ભી કરેગા’માં પણ. અર્ચના પૂરણસિંહ કે નવજોત સિદ્ધુની લાફ્ટર ચેલેન્જ કે કોમેડી સર્કસને જજ કરવાની લાયકાત એટલી જ કે તેઓ સતત હસી શકે છે!

આવા શો શું કામ ચાલે છે? તેવું પૂછવામાં આવતા સબ ટીવી જેવી હલકાફૂલકા કોમેડી પ્રોગ્રામ આપતી ચેનલને શરૂ કરનાર અને સિરિયલ પ્રોડ્યૂસર માર્કંડ અધિકારી કહે છે, ‘દર્શકો જુએ છે અને ટીઆરપી મળે છે એટલે.’ જોકે માર્કંડ અધિકારી કે અધિકારી બ્રધર્સે અપવાદને બાદ કરતાં સારી ગુણવત્તાવાળા કાર્યક્રમો જ આપ્યા છે. (‘યસ બોસ’ અને ‘શ્રીમાન શ્રીમતી’ અપવાદ છે.) પણ અધિકારીભાઈને સમજાવવા જોઈએ કે જો બધી જ હોટલમાં ખરાબ ભોજન જ મળતું હોય તો ભૂખ્યો વ્યક્તિ ક્યાંક તો જમવાનો જ છે. તેને સારો વિકલ્પ મળશે તો તે ચોક્કસ જ તેના તરફ વળશે. વચ્ચે ૨૦૦૩-૦૪ના તબક્કામાં સેક્સપ્રચુર ફિલ્મો જ ચાલતી હતી. ‘મર્ડર’, ‘શીશા’, ‘હવસ’, ‘રૈન’ જેવી ફિલ્મોનો મારો થયેલો. મલ્લિકા શેરાવત, નેહા ધૂપિયા, મેઘના નાયડુ જેવી હીરોઇનો છવાઈ ગયેલી. ત્યારે પણ આવી ચર્ચામાં મહેશ ભટ્ટ આણિ મંડળી એવું જ કહેતી હતી કે આવું જ ચાલે છે. દર્શકો આવું જ માગે છે. ક્યાં છે મહેશ ભટ્ટ? ક્યાં છે એ મલ્લિકાઓ, નેહાઓ કે મેઘનાઓ? આવું જ મ્યુઝિક આલબમોના વીડિયોમાં થયું. એટલા વાહિયાત વીડિયો આવવા લાગેલા કે વાત ન પૂછો. એ પણ બંધ થઈ ગયા છે. કદાચ અત્યારે આ જે રિયાલિટી શો આપણા માથે મારવામાં આવે છે તે પણ સમય જતાં આ ફિલ્મો કે વીડિયોની જેમ જ બંધ થઈ જશે તેવું આશ્વાસન લઈ શકાય. પણ ત્યાં સુધીમાં જે નુકસાન થઈ જાય તેનું શું? અને બીજું બધું તો ઠીક, કેટલાક શોમાં તો બાળકોને પણ જોડવામાં આવે છે…

કલર્સ પર ‘છોટે મિયાં’માં બાળકો પાસે કેવી કેવી જોક કરાવાતી હતી? હવે એ જ ‘છોટે મિયાં’થી પ્રસિદ્ધ બનેલી સલોની દૈની ‘કોમેડી સર્કસ’માં કામ કરે છે. અલબત્ત, ‘કોમેડી સર્કસ’માં ક્રિયેટિવિટી, કલાકારોની પ્રતિભા વગેરે દાદ આપવા લાયક હોય છે, પરંતુ તેમાં જે પ્રકારની કોમેડી આવે છે અને સલોની પાસે જે પ્રકારની કરાવાય છે તે કેટલી વાજબી! અને જો ‘રાખી કા ઇન્સાફ’ કે ‘બિગ બોસ’ને એડલ્ટ કન્ટેન્ટનો થપ્પો મારીને ૧૧ વાગ્યાના ટાઇમ સ્લોટમાં ખસેડવાનો વિચાર થાય તો રાત્રે ૯ વાગ્યે આવતા ‘કોમેડી સર્કસ’ને તો પહેલાં ખસેડવો જોઈએ. પણ શું રાત્રે ૧૧ વાગ્યાના ટાઇમ સ્લોટમાં ખસેડવાથી હેતુ બર આવી જશે ખરો? (તાજા સમાચાર એવા છે કે ઇસુના નવા વર્ષમાં પત્નીઓને બદલતો ‘વાઇફ સ્વેપ’ નામના શોનું ભારતીય સંસ્કરણ સોની ટીવી પર રજૂ થશે. એ વખતેે કેવો ખળભળાટ મચશે તેની તો કલ્પના જ કરવી રહી!)

એક સમયે દૂરદર્શન પર રાત્રે ૧૧ વાગ્યે એડલ્ટ ફિલ્મો બતાવાતી હતી. એ વખતે રાત્રે ૧૧ એટલે મોડી રાત કહેવાતી પણ હતી. હવે આખી દિનચર્યા બદલાઈ ગઈ છે. સંભાવના શેઠ અને બીજા અનેક કલાકારો કહે છે તેમ, જે લોકોને રસ છે તે રાત્રે ૧૧ વાગ્યે પણ જોવાના જ છે. બીજું, દિનચર્યા બદલાઈ ગઈ હોવાથી હવે મોટા ભાગે ૧૨ની આસપાસ સૂવાનું બનવા લાગ્યું છે. એટલે એડલ્ટ સ્લોટ માટે અલગ ટાઇમ વિચારવો ઘટે.

માત્ર સ્લોટ બદલવાથી પણ કંઈ નહીં વળે. હવે કલર્સ હોય કે અન્ય ચેનલો માં વિદેશી રોકાણ અથવા તો વિદેશી માલિકી જ હોવાથી તે સરકારનું કેટલું કહ્યું માનશે? કલર્સ ચેનલે તો માહિતી અને પ્રસારણ મંત્રાલયના નિર્દેશના દિવસે જ નિર્ધારિત ૯ વાગ્યે જ ‘બિગ બોસ’નું પ્રસારણ કર્યું હતું અને અદાલતમાંથી તે સ્ટે પણ લઈ આવી છે. પૈસાના જોરે આ ચેનલો ધારે એટલું કામ નહીં કરાવી શકે? થોડા સમય અગાઉ બાળકોને સિરિયલોમાં કામ કરાવવા અંગે મોટા પાયે હોહા થઈ હતી. આજે તેનું શું છે? ક્યાંય ચર્ચા છે? બીજું, અદાલતમાં જાય તો અદાલત શેના આધારે ચુકાદો આપે? રાજુ શ્રીવાસ્તવ કહે છે તેમ, આ અંગે કોઈ નક્કર કાયદો કે નીતિ જ નથી. ફિલ્મોમાં તો સમ ખાવા પૂરતુંય સેન્સર બોર્ડ છે. ટીવી કાર્યક્રમોને કોણ સેન્સર કરે છે? એક દલીલ એવી પણ છે કે હવે યૂટ્યૂબ કે ચેનલોની વેબસાઇટ કે કોઈ અન્ય વેબસાઇટ પર જેતે કાર્યક્રમોના એપિસોડ હાજર જ હોય છે. ‘સચ કા સામના’ કે ‘ઇસ જંગલ સે મુઝે બચાવો’ સહિતના કાર્યક્રમો તમે ઓનલાઇન જોઈ શકો. તો ત્યાં કેવી રીતે પ્રતિબંધ મુકાશે? માનો કે, તમે શોનો સમય બદલો કે તેને દિવસે રિપીટ ટેલિકાસ્ટ કરવાનું પણ ટાળવાનો આદેશ આપો તો પછી તમારે ન્યૂઝ ચેનલો પર પણ આ શોના ક્લિપિંગ બતાવવા અંગે પ્રતિબંધ મૂકવો પડે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે આવો નિર્દેશ તો આપ્યો છે, પણ ન્યૂઝ ચેનલો તો ન્યૂઝ અંગેના નીતિનિયમો નથી પાળતી ત્યાં આના નિયમ પાળશે? અલબત્ત, આ નિર્દેશ પછી પણ ન્યૂઝ ચેનલો પર ‘બિગ બોસ’ની ક્લિપિંગ કે ‘કોમેડી સર્કસ’ની ક્લિપિંગ બતાવાઈ જ છે.

એક દલીલ એવી પણ છે કે આ આખો મામલો ૨૪ કલાક સતત કંઈક આપવામાંથી અને સ્પર્ધામાંથી ઉદ્ભવ્યો છે. પહેલાં દૂરદર્શન હતું અને માત્ર રાતના સાતથી અગિયાર જ કાર્યક્રમો પ્રસારિત કરવાના રહેતા હતા. કોઈ સ્પર્ધા હતી નહીં, માટે ગુણવત્તાસભર કાર્યક્રમો અપાતા. હવે ૨૪ કલાક એન્ટરટેઇન્મેન્ટ આપવાનું છે. ચેનલ એક નહીં, અનેક છે. સ્પર્ધાનો નિયમ એવો છે કે સ્પર્ધાથી ગ્રાહકને ફાયદો થાય. પણ અહીં તો નિમ્ન, નિમ્નતર અને નિમ્નતમ આપવાની સ્પર્ધા છે. ખરાબ બાબતનું અનુસરણ કરીને ગાડરિયા પ્રવાહમાં જ ચાલવાનું પસંદ કરાય છે. સાસબહૂ  પરની સિરિયલો ચાલતી હશે તો બધે સાસબહૂ જ હશે. ગુજરાતીઓ પરની સિરિયલો હશે તો બધે જ ગુજરાતીઓ પરની જ સિરિયલો ચાલશે. ટીઆરપી વધારવા નિર્ણાયકો કડક હશે તો બધે જ એવું હશે. ટૂંકમાં, અલગ પડવાની વાત જ નથી.

ન્યૂઝ ચેનલોના કર્તાહર્તાઓએ ભેગા થઈને સ્વનિયંત્રણ માટે પહેલ કરી છે તેમ હવે તાજા હોબાળા પછી મનોરંજન ચેનલો પર કેવા કાર્યક્રમો પીરસવા જોઈએ એ દિશામાં ટીવી ઉદ્યોગના લોકો પણ વિચારતા થયા છે. આશા રાખીએ કે એ વિચાર નક્કર હોય અને નક્કર રીતે અમલી પણ બને.

(‘અભિયાન’ સાપ્તાહિકના ૪ ડિસેમ્બર, ૨૦૧૦ના અંકની કવરસ્ટોરી)

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

3 thoughts on “રિયાલિટી શો : હદ કર દી આપને!

  1. માત્ર માત્ર માત્ર ટીઆરપી માટે. રાખી સાવંત માટે ગમે તેટલા ભૂંડા શબ્દો વાપરીએ ઓછા જ લાગે છે. લક્ષ્મણ વાળા કેસમાં સચ્ચાઈ શું એ તો કોને ખબર પણ રાખી પોતાની જાતને કિરણ બેદી સાથે સરખાવે છે ત્યારે એ ભૂલી જાય છે કે કિરણના શોમાં શબ્દો પર ખુબ મર્યાદા રખાતી હતી અને કિરણ બેદી પોતે કાયદો જાણે છે એટલે એને ગમે તે શબ્દો બેફામ ઓકવાની આદત નથી. પણ રાખી તો સેલિબ્રિટી (જો એ સેલિબ્રિટી કહેવાય તો) બની છે જ હલકા અને માત્ર હલકા રસ્તાઓ દ્વારા. એની પાસે શું આશા રાખીએ?
    ને ચેનલો પર કોઈ કાબુ નથી ને આપના દેશમાં કાયદા માત્ર છટકબારીઓ માટે બને છે. દારૂની એડ અટકાવી તો હવે એ કંપનીઓ “સોડા” અને “મ્યુઝિક” બનાવે છે. “બેગપાઈપર સોડા” અને “બકાર્ડી મ્યુઝિક” પરથી શું લોકો નથી સમજતા એ શેની એડ છે તે?
    મેરા ભારત મહાન !!!

  2. સરસ લેખ. ઘણા સમયે આ વિષય પર યોગ્ય રીતે વાંચવા મળ્યું.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s