Posted in national, politics

સબ કો (દિગ્વિજય કો) સન્મતિ દે ભગવાન!

લાગે છે કે કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહને કોઈ ભારે આઘાત લાગ્યો છે. અન્યથા તેઓ આવા ચક્રમ જેવાં નિવેદનો કરે નહીં. તાજેતરમાં તેમણે નિવેદન કર્યું છે કે મુંબઈ પર ત્રાસવાદી હુમલા થયા તે પૂર્વે ત્રાસવાદી વિરોધી ટુકડીના વડા હેમંત કરકરેએ તેમને ફોન કરી તેમને હિન્દુ કટ્ટરવાદીઓથી ખતરો હોવાની વાત કરી હતી.

આનો અર્થ એ થયો કે, મુંબઈ ત્રાસવાદી હુમલાના બે વર્ષ પછી દિગ્વિજયસિંહ એ જ રાગ આલાપવા માગે છે જે ત્રાસવાદી હુમલા પછી તરત જ તેમના સમપક્ષીય સાથી એ. આર. અંતુલેએ આલાપ્યો હતો. અંતુલેએ એ વખતે હેમંત કરકરેના મોત પાછળ હિન્દુ કટ્ટરવાદીઓ હોવાની આશંકા દર્શાવી હતી, જેનો તે વખતે જબરદસ્ત વિરોધ થયો હતો અને અંતુલેને કેન્દ્રીય મંત્રી પદ છોડવું પડ્યું હતું.

દિગ્વિજયસિંહની આ ટિપ્પણીથી કોંગ્રેસે છેડો ભલે ફાડી લીધો હોય, પણ તેમને પક્ષના આવા મહત્ત્વના હોદ્દા પરથી કે પક્ષમાંથી કાઢી મૂકવામાં આવશે કે કેમ તેમાં સંશય છે. એવું મનાય છે કે દિગ્વિજય રાહુલબાબાની ભારે નજીક છે. ઉત્તર પ્રદેશમાં ગઈ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે કરેલા સારા દેખાવ પાછળ દિગ્ગી રાજા અને રાહુલ બાબાની જોડી કામ કરી ગઈ હોવાનું કોંગ્રેસીઓ માનતા હતા.

…અને આ કંઈ પહેલી વિવાદી ટિપ્પણી નથી જે દિગ્ગી રાજાએ કરી હોય. આ પૂર્વે ૨૦૦૮ની સાલમાં, દિલ્હીમાં બાટલા હાઉસ એન્કાઉન્ટરના નામે જાણીતી અથડામણમાં ઇન્ડિયન મુજાહિદ્દીન, જેણે તાજેતરમાં વારાણસીમાં ગંગાઘાટ પર ત્રાસવાદી હુમલો કર્યો, તેના ત્રાસવાદીઓ માર્યા ગયા હતા, તે અંગે પણ દિગ્વિજયસિંહે પ્રશ્નાર્થ ઉઠાવી કહ્યું હતું કે એ નકલી અથડામણ હતી.

એ અથડામણ અંગે દિગ્વિજયસિંહે કહ્યું હતું કે ધરપકડ કરાયેલા એ છોકરાઓ (ત્રાસવાદીઓ નહીં)નો દોષ પુરવાર થયો નહોતો.’

દિગ્વિજયસિંહને સવાલો પૂછવા જેવા છે કે,

– શું અજમલ કસાબની જેમ ત્રાસવાદીઓનો દોષ પુરવાર કરવા સુધીની રાહ જોવી જોઈએ?

– માનો કે, કસાબની જેમ એ (બાટલા હાઉસમાં પકડાયેલા અને મરાયેલા) ત્રાસવાદીઓને મરાયા ન હોત અને માત્ર પકડાયા હોત  પણ દોષી પુરવાર થયા હોત અને તેમને ફાંસીની સજા થઈ હોત તો શું કોંગ્રેસ એ થવા દેત ખરી?

– જ્યારે અમેરિકા અને ફ્રાન્સ સહિતના વિશ્વના દેશો મુંબઈ પરના ત્રાસવાદી હુમલાને અમેરિકા પર થયેલા ત્રાસવાદી હુમલા સાથે સરખાવીને પાકિસ્તાનને દોષી માનવા લાગ્યા છે ત્યારે દિગ્વિજયસિંહ શું સાબિત કરવા માગે છે? એ કે, ૨૬ નવેમ્બર, ૨૦૦૮વાળો  હુમલો પાકિસ્તાનના ત્રાસવાદીઓએ નહીં, ભારતના હિન્દુઓએ જ કર્યો હતો?

– આદર્શ હાઉસિંગ સોસાયટી, કોમનવેલ્થ ગેમ્સ અને ટુજી સ્પેક્ટ્રમ જેવા કેટલાક કૌભાંડોમાં કેન્દ્રની યુ.પી.એ. સરકાર, ખાસ કરીને કોંગ્રેસ ફસાયેલી છે ત્યારે દિગ્વિજયસિંહ આવી નિરર્થક, વાહિયાત અને વિવાદ જગાવે તેવી ટિપ્પણી કરીને શું દેશનું ધ્યાન અન્ય મુદ્દે વાળવા કોશિશ તો નથી કરી રહ્યા ને?

જોકે, આટલા મોટા પદે હોવા છતાં દિગ્વિજયસિંહને જે સમજ નથી તે શહીદ હેમંત કરકરેનાં વિધવા પત્ની કવિતાએ બતાવી છે. તેમણે કહ્યું છે કે રાજકીય પક્ષોએ શહીદોના બલિદાન પર રાજકારણ રમવાનું બંધ કરવું જોઈએ કેમ કે આનાથી સીધો ફાયદો પાકિસ્તાનને જ થશે. એક તો, મુંબઈ પર ત્રાસવાદી હુમલાનાં બે વર્ષ પછી આ મુદ્દો ઉઠાવવાનો કોઈ મતલબ નથી અને બીજું કે, માલેગાંવ વિસ્ફોટના કેસના કારણે હેમંત કરકરેને કેટલાક હિન્દુઓ તરફથી ધમકી મળી હોય તેનો અર્થ એ નથી કે તેને ૨૬ નવેમ્બરના ત્રાસવાદી હુમલા સાથે જોડવો.

કૉંગ્રેસ માટે  ‘તેમના ગાંધીજી’ની પ્રાર્થના ગાઈએ,

સબ કો  (દિગ્વિજય કો) સન્મતિ દે ભગવાન!

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s