પહેલાં ટ્યુનિશિયા અને હવે ઇજિપ્ત. આ બંને દેશોમાં ભ્રષ્ટાચાર અને બેકારીથી ત્રાસીને ટ્યુનિશિયામાં પ્રજાએ બળવો કર્યો અને હવે ઇજિપ્તમાં પ્રજા સડક પર આવી ગઈ છે.  પરિણામે હોસની મુબારકને સરકારને બરફતરફ કરવી પડી રહી છે. સેનાની મદદ લેવાઈ છે, પણ સેનાનો પણ એક વર્ગ પ્રજાની તરફે હોવાનું કહેવાય છે.

ભારતના ભ્રષ્ટ અને જડ ચામડીના રાજકારણીઓ માટે આ બંને દેશોના બનાવો ચેતવણીરૂપ છે. કોઈ ને કોઈ લાગણીશીલ મુદ્દો ઊભો કરીને ચૂંટાઈ આવતા નેતાઓ માને છે કે ચૂંટણી સમયે કોઈ પ્રાંતવાદી કે કોમવાદી મુદ્દો ઊભો કરી દઈશું એટલે જીતી જશું, પરંતુ જે રીતે ભારતમાં કોઈ મોટી તેજી વગર મોંઘવારી વધી રહી છે તે જોતાં ભારતમાંય આવી લોહિયાળ ક્રાંતિ સર્જાય તો નવાઈ નહીં.

એક તરફ રાજકારણીઓ તેમના દીકરા અને દીકરીના લગ્નમાં ધૂમ ખર્ચો કરે, કરોડો રૂપિયાના કૌભાંડો થાય, હત્યા, બળાત્કારના કેસમાં રાજકારણી ફસાય તોય તેમને કંઈ ન થાય, ઉદ્યોગપતિ, મોટો કલાકાર હોય તો તેનો વાળ પણ વાંકો ન થાય. (ભોપાલ ગેસ કાંડમાં ઉદ્યોગપતિ મહિન્દ્રા, સંજય દત્ત, સલમાન ખાન વગેરે યાદ છેને?) ઉદ્યોગપતિઓને ઉદ્યોગ માટે જમીન સસ્તામાં મળી જાય. પોલીસ ભ્રષ્ટ, સરકારી બાબુઓ ભ્રષ્ટ, રાજકારણીઓ તો ભ્રષ્ટ છે જ. છેલ્લે મીટ ન્યાયાલયની રહે. પણ હવે તો એક પછી એક વાત બહાર આવી રહી છે કે ન્યાય પણ વેચાય છે. તો આશા કોની પાસેથી રાખવી?

આરએસએસ કે એવી સ્વૈચ્છિક સંસ્થા પાસે થોડીક આશા હતી કેમ કે તેમાં પ્રમાણિક માણસો હોવાની છાપ છે. પરંતુ સંઘની આશા ઠગારી એટલા માટે નીવડી કે તેને હિન્દુત્વ સિવાય કંઈ દેખાતું નથી. તેને રામમંદિર તો દેખાય છે, પણ રામના ભૂખ્યા ભક્તો નથી દેખાતા. તેને કાશ્મીર તો દેખાય છે, પરંતુ જ્યારે ભાજપ સત્તામાં હોય છે ત્યારે કાશ્મીરમાં કંઈ કરવાનું સૂજતું નથી. ભાજપ શાસિત રાજ્યોમાં જે ભ્રષ્ટાચાર થાય છે તેનું શું? શું યેદિયુરપ્પાને છાવરવા યોગ્ય છે?

મહારાષ્ટ્રમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર સોનવણેને જે રીતે કેરોસીન માફિયાઓએ સળગાવ્યા તે ચોંકાવનારી ઘટના છે. તો અમદાવાદમાં પણ કાલુપુરમાં જે રીતે ઈમારત વગર ભૂકંપે ધરાશાયી થઈ તે પણ ઓછી આઘાતજનક ઘટના નથી. સર્વત્ર અરાજકતા છે અને અંધાધૂંધી છે, પણ પ્રજા ઉત્સવો અને ટીવી – ફિલ્મોના કેફમાં ડૂબી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ૬૦ – ૭૦ના દાયકામાં કમ સે કમ પ્રજા સમાજવાદ કે સામ્યવાદની વિચારસરણીમાં તો ચાલતી હતી. આંદોલનો તો થતાં હતાં અને તે પરિણામકારી પણ હતાં. હવે તો આંદોલનો જ નથી થતાં અને થાય છે તો નામ માત્રનાં.

અનામત, શિક્ષણ, કાયદા, બેંક, સરકારી કચેરી…જે કંઈ નિર્ણય લેવાય છે તે ટૂંકા ગાળાનાં હિતોને ધ્યાનમાં રાખીને લેવાય છે.  અમેરિકા અને ભારત વચ્ચે ખરાબીની બાબતમાં કોઈ ફેર નથી રહ્યો. ત્યાંનો ઉપભોક્તાવાદ અહીં સર્વત્ર છે. ત્યાંનો ‘નો લંચ ઇઝ ફ્રી’ સિદ્ધાંત અહીં સર્વ ક્ષેત્રમાં લાગુ થઈ રહ્યો છે. ઉદારીકરણ અને ખાનગીકરણમાં બધું જ મુક્ત અને ખાનગી થઈ રહ્યું છે, પરંતુ ત્યાં જે શિસ્ત, સ્વચ્છતા, વિનય વિવેક, કંપનીઓ દ્વારા પૂરી પડાતી સેવા, ખરાબ માલને કંપનીઓ દ્વારા પાછો લઈ લેવો, ઝડપી ન્યાય, સરકાર માટે દેશ પહેલાં (ચીન સાથેનો મુદ્દો હોય કે ભારત સાથેનો, પહેલું હિત પોતાના દેશનું જોવાય છે., સરકાર ગમે તે પક્ષની હોય.) શિક્ષણ મોંઘું, સેવા મોંઘી, જીવનજરૂરિયાતની ચીજો મોંઘી…સસ્તું શું? તો મોબાઇલ કોલ (જોકે હવે કપિલ સિબલ સાહેબ નીતિ બદલાવવાના હોવાથી એ પણ મોંઘું થવા જઈ રહ્યું છે!). અહીં ગામડામાં કોકાકોલા કે પેપ્સી મળે છે, પણ પાણી નથી મળતું. અમેરિકામાં તેલની કંપની દ્વારા તેલ ઢોળાય તો તેને દંડવામાં આવે છે અહીં તો ભોપાળ ગેસ કાંડ જેવી મહા દુર્ઘટનામાં વોરેન એન્ડરસન જેવા આરોપીને કેન્દ્ર સરકારના શીર્ષ નેતૃત્વ દ્વારા સરળતાથી છૂટી જાય તેવું કરવામાં આવે છે. અરુણાચલ પ્રદેશ અને લેહલદ્દાખમાં ચીનની ઘૂસણખોરીના સમાચાર વારંવાર આવે છે. બ્રહ્મપુત્રા નદી પર ચીન દ્વારા બાંધ અંગે આજના ગુજરાત સમાચારમાં લેખ છે. શ્રીલંકાની નૌસેના દ્વારા તમિલ માછીમારોને મારવા અંગે કેન્દ્રની યુપીએ સરકાર મૌન છે. પાકિસ્તાન તો હેરાન કરે જ છે. પાકિસ્તાનને પૂર જેવી આપત્તિ વખતે સહાય આપવાની ભારતે ઓફર કરી તો તે ટડમાં કહે કે સંયુક્ત રાષ્ટ્રોના હસ્તે અમે સ્વીકારીશું.  પણ ભારતમાં ડુંગળીના ભાવો વધ્યા અને તેના ઉપાય રૂપે પાકિસ્તાનમાંથી ડુંગળીની આયાત કરવાનું વિચાર્યું ત્યારે પાકિસ્તાનના વેપારીઓ તૈયાર હતા પણ સરકારે અટકાવી દીધી!

રસ્તા તો બને છે, પરંતુ વારંવાર રિપેર કરવા પડે તેવા. રસ્તા પહોળા તો કરાય છે પણ તેમાં ફૂટપાથનું આયોજન કરાતું નથી. ખાનગીકરણના પ્રતાપે એવી આશા હતી કે સ્પર્ધાના કારણે સારી સેવા મળશે. પણ અહીં તો સારી સેવાય નથી અને ઉલટું પૈસા વધતા જાય છે. ઓઇલ કંપનીઓને તેમની રીતે ભાવો નક્કી કરવાની છૂટ આપી તે પછી, કહો જોઈએ, પેટ્રોલ અને ડિઝલના ભાવો કેટલા વધ્યા? કસ્ટમર કેર તો છે, પણ તે કેર વર્તાવે તેવો છે. ફરિયાદ કરો તો આ નંબર દબાવો, પછી આ નંબર દબાવો…અને પછી કહેશે સોરી, તમે ખોટા વિભાગમાં ફોન કર્યો. ઇમેઇલ કરશો તો તમારો મેઇલના જવાબમાં કંઈક ભળતો જ જવાબ આવશે. માર્કેટિંગ કોલનો તો નાણાપ્રધાનને પણ ત્રાસ થતો હોય ત્યાં સામાન્ય નાગરિકની શું વિસાત? ગુજરાતમાં વિકાસ વિકાસની બૂમરાણ છે, પરંતુ કાયદાવ્યવસ્થાની શું પરિસ્થિતિ છે? છેલ્લા કેટલાય મહિનાઓથી નિરીક્ષણ કરજો, કેટલા ગંભીર અને મોટા ગુના થયા છે. કેમ કોઈ ગુનેગાર પકડાતા નથી?

સમાચાર ચેનલો હોય કે અખબારો, સંતો હોય કે સાધુઓ, સમાજને જગાડવાની જેમની જવાબદારી છે તેમાં જ એવા લોકો બેઠા છે જે પોતાના માધ્યમને વ્યવસાય ગણે છે. સમાચારચેનલો અને અખબારો કીડિયારામાંથી કીડીઓ ઊભરાય તેમ હોવાથી તેની ખબરો હવે સનસનાટી જરૂર મચાવે છે, પરંતુ કોઈ પરિણામકારી અસર લાવી શકતી નથી. વળી, હવે તો એ પણ સાબિત થઈ ગયું છે કે આ માધ્યમોના માલિકો હોય કે તેના તંત્રીઓ, તેમનાં પણ સ્થાપિત હિતો હોય છે.

કામચોરી જાણે કે બધાંનો મંત્ર બની ગયો છે. સરકારી કચેરીઓમાં તો સમજ્યા કે તેમને પોતાનાપણાની ભાવના નથી, પણ ખાનગી કંપનીઓમાંય એવું જ છે. ત્યાંય હવે પોતાનાપણાની ભાવના નથી રહી. બોસનાં અંગત કામો કરી દો કે તેમની ચમચાગીરી કરો, પછી કંપનીનું કામ કરવાની જરૂર નથી. બોસને પણ ગુણવત્તાની પડી નથી કેમ કે, મેનેજમેન્ટ અથવા તો કંપનીના માલિકો તેમની સાથે ગધેડાની જેવો વ્યવહાર કરે છે. બોસને ખબર છે કે આપણે ક્યાં અહીં જિંદગી કાઢવી છે. કાલે સવારે તો બીજી કંપનીમાં જોડાઈ જવાના છીએ. માલિક માટે, જાહેરખબરમાં કહેવા માટે તો ગ્રાહક ભગવાન સમાન છે, બાકી તો, ગ્રાહક સંતરાની જેવો છે. ચૂસાય ત્યાં સુધી ચૂસી લો, પછી કચરાપેટીમાં ફેંકી દો. ઉદારીકરણમાં સ્પર્ધા થશે તો વધુ સારી સેવા મળશે, વધુ સારી ગુણવત્તા મળશે તેમ માનતા હો તો ખાંડ ખાવ છો, સાહેબ! કંપનીઓ અંદરોઅંદર સંપી જાય છે. તેમની વચ્ચે પણ સંતલસ થઈને એક ભાવ અને એક સરખી (નબળી) ગુણવત્તા આપવાનું નક્કી થઈ જાય છે.

જે સચ્ચાઈની વાત કરે, પ્રમાણિકતાની વાત કરે, સમયપાલનની વાત કરે, શિસ્તની વાત કરે, ગુણવત્તાની વાત કરે તેના માટે તો અહીં વેદિયો શબ્દ છે. અને હા, સંબંધોની વાત કરે, ચાહે તે પરિવારના હોય કે પતિ-પત્નીના, તે પણ જૂનવાણી છે.

ફરી કોઈ સરદાર, ફરી કોઈ ખુદીરામ બોઝ, ફરી કોઈ મદનલાલ ધીંગરા, ફરી કોઈ વીર સાવરકર, ફરી કોઈ શહીદ ભગતસિંહે અહીં જન્મ લેવો પડશે. મન તો એવું થાય છે કે અનિલ કપૂરની ‘કાલાબાઝાર’ ફિલ્મની જેમ એક એક ભ્રષ્ટાચારી, એક એક કામચોર માણસને ગોળી મારે તેવું કોઈ સંગઠન બનવું જોઈએ. પણ આપણો દેશ, ખાસ તો આપણું રાજ્ય ગુજરાત અહિંસાના પૂજારીનું રાજ્ય ખરું ને. એવી વાત તો સપનામાંય ન વિચારાય.

કોઈ માણસને કેન્સર થયું હોય તો કદાચ તેનો ઈલાજ કરાય, પણ એઇડ્સ, કેન્સર, ડાયાબિટીસ, કિડની ફેઇલ, હાર્ટ એટેક, સ્વાઇન ફ્લુ અને એવી કંઈ કેટલીય મહા બીમારી થઈ હોય તો તેનો ઈલાજ તમારા ધ્યાનમાં છે? મને લાગે છે કે આપણા ભારત દેશને અને તેના લોકોને પણ આવી જ કંઈ કેટલીય મહાબીમારી થઈ છે અને મને તો તેનો કોઈ ઈલાજ જડી રહ્યો નથી. અરે! મને તો કોઈ ડોક્ટર જ નજરે નથી પડતા ને. તમને શું લાગે છે?

9 thoughts on “ટ્યુનિશિયા અને ઇજિપ્ત પછી ભારતમાં પણ થશે લોહિયાળ ક્રાંતિ?

 1. જયવંતભાઈ
  આપને મેરી મુહ કી બાત છીનલી ! આપની એક એક વાત સાથે 100ં સહમત છું. આપે મારો બ્લોગ જોયો હોય તો આપે લખ્યું છે તેવા જ સુર વાળા મારા લેખો મળશે ! આપની છેલ્લી વાત પણ સાચી છે આ દેશમાં એવો કોઈ નરબંકો પાકે તેવું નજીકના ભવિષ્યમાં તો દેખાતું નથી. તેમ છતાં આશા જરૂર રાખીએ ! મારા બ્લોગ ઉપર “એક અજાયબ સ્વપ્ન” જોયેલું તે અનુકૂળતાએ જરા નજર મારી લેશો !
  સ-સ્નેહ
  અરવિંદ

 2. Indians are in mass hysteria,they are just suffering from ‘money-grubbing ‘ syndrome,they want to stack millions for their children,illirrespective their abillity and quality,this process has started in Indira Gandhi’s time,she has exploited Indians and coined slogan ‘GARIBI HATAO’ people liked it,they have been mesmerised with it and all fools(we all) easily trapped in it,many have twisted this and this litany of corruptions started which will never end unless some as you mentioned ‘Revolution or agitation’ start against whole administartion of India.
  These politicians are so clever/crooks they will brand it as ‘Naxalite’ or ‘Maoist’
  movements and give rebels/agitators hardest punishments.

  In all these years politicians have done only thing to make all Insdian populations
  ‘Impotent’ and powerless in the name of popular democracy.

  No quick solution is on horizon unless Indians inspire from Tunisians and Egyptians.

 3. સરસ અને સત્ય માહીતી છે,
  ” અમેરિકાની જે કંઈ ખરાબ બાબતો છે તે ભારતમાં લાગુ કરાઈ રહી છે. કપડાંથી માંડીને ભાષા સુદ્ધાં અમેરિકી છે, પણ અમેરિકાના સારાં લક્ષણો નથી અપનાવવા. ત્યાંના જેવી શિસ્ત, સ્વચ્છતા, કંપનીઓ દ્વારા અપાતી સેવા, ખરાબ માલને કંપનીઓ દ્વારા પાછો લેવો, વિનય વિવેક, ટ્રાફિક સેન્સ, સમયપાલન, ઝડપી ન્યાય આ બધું આપણે અપનાવવું નથી. ”

  તમારી આ વાત બિલકુલ સાચી છે..

 4. Dear Jaywant,
  I agree with you. You look at current situation of our country from right angle. I impressed with depth coverage of situation. I thank you for producing such a good article. Keep it up!!!
  —–Ramesh Makwana, Mumbai

 5. આપની બધી વાત સાથે હું સહમત છું પણ પ્રજા પોતે પણ ઘણા અંશે જવાબદાર તો છેજ.

  બોમ્બ-બ્લાસ્ટ, ગેરકાયદેસર બાંધકામ, ટ્રાફિક ના નિયમો ને તોડવા, રોડ અકસ્માત, ગરીબી, મોંઘવારી, બેકારી આ બધી વસ્તુઓ જેને લાગુ પડે છે એના પર છાપ છોડી જાય છે બાકી ના લોકો માટે તો એ ખાલી એક ન્યુઝ જ બની રહે છે. અને આ ન્યુઝ હોય ત્યાં સુધી કઈ કરવાની ઈચ્છા હોય, પણ એ સમય જતા વિસરાઈ જાય છે.

  તમે કહ્યું એમ જયારે કૈક વસ્તુઓ હદ ની બહાર જાય ત્યારે લોકો બળવા પર આવી જાય છે જેમ કે ટ્યુનિશિયા અને ઇજિપ્ત. પણ ખાલી ફરિયાદ કરવાથી કઈ થશે એ વિચારી બેસી રહેવાની આપણી આદત થઇ રહી છે. આવા તો ઘણા વિષય છે, કુદરત ને માણસો દ્વારા કરતા નુકશાન પણ કઈ ઓછા નથી અપણા દેશ માં. પણ છેવટે તો આપણે આમ ફરિયાદ કરી ને બેસીજ રેહવા ના ને..! કોઈ ટ્રાફિક ના નિયમ તોડે તો એને જલ્દી થી પોલીસ ને થોડા પૈસા આપી ને છૂટવામાં વધારે રસ હોય છે, એજ રીતે મોટા માથાઓ પોતે ગુનો કરી ને આવીજ રીતે લાંચ આપી છૂટી જતા હોય છે.

  પબ્લિક ને બધું ખબર હોય, છાપા વાળાઓ ને પણ ખબર હોય પણ ખુલ્લેઆમ થતા આવા “કાયદેસર અન્યાય” નો કોઈ રસ્તો ખાલી ફરિયાદ કરવાથી તો નથી જ નીકળવાનો.

 6. ઉત્તમ બળાપો ઠાલવ્યો છે સાહેબ !!
  મને પણ થાય છે કે ચાલો બળવો કરીએ…..!
  પણ બળવો કરવા માટે પણ કોઈ વિચારધારા તો જોઈએને….!!
  બાપુ પાસે અહિંસાનુ શસ્ત્ર અને વિદેશીઓને ભગાડવાનો મુદ્દો હતો , જ્યારે વર્તમાનમાં કોની સમક્ષ બલવો પોકારવો..??

  1. આટલું વાંચ્યા પછી પણ લાગે છે કે કોની સામે બળવો પોકારવો? સાહેબ, ભ્રષ્ટાચારીઓ સામે, અન્યાય સામે, કાયદા અને વ્યવસ્થાની બગડેલી સ્થિતી સામે!

 7. Nothing will happen with all corcodile tears and insincere cry,Indians have
  been also shielded with thick hippos skin,and are used to tyrannical rules for centuries ,they tolerated Mughals,British and now present rulers Congress or BJP,with all these bad rulers they know that their ‘MOX’ or ‘NIRVANA’ is not in sight so they just do not care about whoever rule them,they have just become self-centred.
  So any revolutions or drastic changes in any behaviours of people and corrupt
  politicians are remote.
  India is divided not by British or Jinnah but by rules Congress’s corrupt past and presen rulers,so get rid off them that includes BJP corrupt politicians.
  One must not sing old song of Gandhi’s song all the time,era has changed so with the time people should also change.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.