વિશ્વકપ ૨૦૧૧ : એક દાયકામાં આવેલા ક્રિકેટ અને ક્રિકટરોમાં પરિવર્તને વિજય અપાવ્યો?

Published by

on

(અભિયાન, તા. ૧૬/૪/૨૦૧૧ના અંકમાં પ્રસિદ્ધ કવરસ્ટોરી, ઘણા વખતથી મૂકવાની રહી જતી હતી. બ્લોગવાચકોના વાચનાર્થે અહીં મૂકું છું.)

(લખ્યા તા. ૫/૪/૨૦૧૧)

અત્યાર સુધી વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો રહ્યો, શું હવે ભારતના દબદબાની શરૂઆત થશે?

‘અભિયાન’ના ગયા અંકમાં વિશ્વકપ શ્રેણીમાં લખાયેલા લેખના અંતમાં મૂકાયેલું આ પ્રશ્નાર્થ વાક્ય હતું, પણ ૨ એપ્રિલ, ૨૦૧૧ પછી આ વિધાન વાક્ય (એઝર્ટિવ સેન્ટન્સ) બની ગયું છે. ભારતના દબદબાની શરૂઆત થઈ ગઈ છે. મહેન્દ્રસિંહ ધોનીના, ચેનલની ભાષામાં કહીએ તો, ‘શેરોને કમાલ કર દિખાયા હૈ’. નવજોતસિંહ સિદ્ધુ કહે છે તેમ, આ વિજયના ગાણાં વર્ષોના વર્ષો સુધી ગવાશે. ૨૪ માર્ચ, ૨૦૧૧, ૩૦ માર્ચ, ૨૦૧૧ અને ૨ એપ્રિલ, ૨૦૧૧. આ ત્રણેય તારીખો ભૂલાય તેમ નથી. એમ કહીએ તો પણ ખોટું નથી કે આપણે ચેમ્પિયનોના ચેમ્પિયન બન્યા છીએ કેમ કે, અત્યાર સુધી વિશ્વકપ વિજેતા બનેલી દરેક ટીમને આ સ્પર્ધામાં આપણે હરાવી…પછી તે વેસ્ટ ઇન્ડિઝ હોય, ઓસ્ટ્રેલિયા હોય, પાકિસ્તાન હોય કે શ્રીલંકા.

પણ ૩૦ માર્ચ અને ૨ એપ્રિલે જે વાતાવરણ હતું એ અકલ્પનીય છે. ટુજી સ્પેક્ટ્રમ, રાષ્ટ્રકુળ રમતો, આદર્શ કોઓપરેટિવ સોસાયટી…વગેરે કૌભાંડોની હારમાળા, ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ ત્રાસવાદી હુમલા, પેલી વાર્તાની રાજકુમારીની જેમ, દિવસે ન વધે એટલી રાત્રે વધે અને રાત્રે ન વધે એટલી દિવસે વધે  તેવી મોંઘવારી, આ બધાની માનસિક અકળામણ અને આર્થિક સંકડામણના કારણે પ્રજામાં ખૂબ બેચેની હતી. એટલી બધી કે કદાચ, ટ્યુનિશિયા, ઈજિપ્ત સહિતના આરબ વિશ્વમાં થયેલી કે થઈ રહેલી ક્રાંતિની આગની જ્વાળા ભારતમાં પણ પ્રસરે તેવી શક્યતા જોવાઈ રહી હતી, પણ ક્રિકેટના મહાકુંભ ગણાતા વિશ્વકપ સ્પર્ધામાં ભારતના વિજયે આ જ્વાળાઓ પર ઠંડુ પાણી ફેરવી દીધું! અને પ્રજામાં નવો ઉલ્લાસ, નવો ઉમંગ અને નવી ઊર્જા ભરી દીધી!

એ બે રાત્રે ભારતમાં બહુ ઓછા લોકો હશે જે ઝૂમ્યા નહીં હોય, નાચ્યા નહી હોય, જેમણે ચિચિયારીઓ નહીં પાડી હોય, થાળી વગાડી નહીં હોય, તાળી નહીં પાડી હોય, સીટી વગાડી નહીં હોય, એસએમએસ અને ફોનથી અભિનંદન આપતા સંદેશા કે વિરોધી ટીમની ઠઠ્ઠા મશ્કરી નહીં કરી હોય, નાસ્તાપાણી, આઇસ્ક્રીમના દોર મોડી રાત્રે નહીં ચલાવ્યા હોય. એપ્રિલમાં દિવાળી જેવું વાતાવરણ થઈ ગયું. ભારતનું સત્તાવાર નવું વર્ષ શક સંવત બે દિવસ પછી જ ચાલુ થતું હતું. શક સંવત ૧૯૩૨નું વર્ષ જતાં જતાં ભારતને વિશ્વકપ વિજયની ભેટ ધરતું ગયું. અત્યારે મુખ્યત્વે મહારાષ્ટ્રીયોનું નવું વર્ષ બની ગયેલું શક સંવતના વર્ષ ૧૯૩૩ની શુભ શરૂઆત થઈ. સ્વાભાવિક છે કે મુંબઈ  મહારાષ્ટ્રમાં ગુડી પડવાની ઉજવણી બેવડાઈ ગઈ. શાસક યુપીએના અધ્યક્ષા સોનિયા ગાંધીનું પણ ભારતપાકિસ્તાનની મેચમાં નવું જ સ્વરૂપ જોવા મળ્યું. જ્યારે ભારત જીત્યું ત્યારે મુઠ્ઠી વાળેલા બે હાથ જે રીતે તેમણે ઊંચા કર્યા તે કદાચ, યુ.પી.એ. બે વાર વિજયી બન્યો ત્યારે પણ કર્યા હશે કે કેમ?! અને જ્યારે ભારતે ફાઇનલ જીતી ત્યારે તો તેઓ રીતસર રસ્તા પર જ નીકળી પડ્યા. પતિ રાજીવ ગાંધીની હત્યા, આટઆટલા આક્ષેપો અને પ્રેશર અને સ્ટ્રેસ વધારી દેતા રાજકીય દાવપેચોમાંથી વર્ષો સુધી પસાર થયેલાં સોનિયાને પણ જે ઝૂમવા મજબૂર કરી દે તેનું નામ ક્રિકેટ! પોતે મેચ જુએ તો ભારત મેચ ન જીતે, તેવી અંધશ્રદ્ધા તોડીને અમિતાભ બચ્ચનને ફાઇનલ મેચ જોવા મજબૂર કરી દે તે ક્રિકેટ! અને જીત્યા પછી દીકરા અભિષેક સાથે પોતે ગાડી ડ્રાઇવ કરીને રસ્તા પર નીકળી પડે અને પછી દીકરા સાથે કારમાં ઊંચા કરવા મજબૂર કરી દે તેનું નામ ક્રિકેટ! રજની (કાંત) અને ગજની (આમિર ખાન) ધોનીને ચિયર અપ કરવા ફાઇનલમાં આવી જાય તેનું નામ ક્રિકેટ! ધંધાપાણી છોડીને અંબાણી અટક ધરાવતા મૂકેશભાઈ નીતાભાભી સાથે મેચ જોવા બેસી જાય તેનું નામ ક્રિકેટ! અંબાણી હોય કે અડવાણી, ફાઇનલ મેચ જોવા બેસી જાય તેનું નામ ક્રિકેટ!

અને કેવાં કેવાં આયોજનો એ બે મેચ માટે થયાં હતાં! સોસાયટીઓ  ખેતરો  મેદાનોમાં પ્રોજેક્ટરો મૂકાયાં. મલ્ટિપ્લેક્સમાં ફિલ્મોના બદલે ૫૦૦  ૫૦૦ રૂપિયામાં મેચ દેખાડાઈ. કર્ણાવતી  રાજપથ જેવી ક્લબોમાં ભારે જલસા સાથે મેચ જોવાનું આયોજન થયું. અને આઈપીએલની તો માત્ર જાહેરખબર જ આવે છે, એવું કંઈ આઈપીએલ વખતે થવાનું નથી, ખરું ભારત બંધ તો રહ્યું પાકિસ્તાન સામેની મેચ વખતે. હવે ન તો ‘કૌન બનેગા કરોડપતિ’ વખતે આવું થાય છે, ન તો ‘રામાયણ’ નવેસરથી રજૂ થાય તો આવું થાય છે. ન તો કોઈ રાજકીય પક્ષના ફરજિયાત પળાવાતા બંધ દરમ્યાન આવું થાય છે કે ન તો કોઈ ધાર્મિક કે સંગઠનના એલાન વખતે આવું થાય છે. આ તો પ્રજાએ પાળેલો સ્વૈચ્છિક બંધ હતો. કોર્પોરેટ્સથી માંડીને ફેક્ટરી સુધી, બધા કંપની માલિકોએ અડધા દિવસનું પ્રોડક્શન જતું કરીને એ દિવસે કર્મચારીઓને મેચ જોવા સ્પેશિયલ રજા આપી દીધી. પરીક્ષાઓ મોકૂફ રખાઈ. ઠેલાઈ શકાતાં કામો પાછાં ઠેલાયાં. (આપણે એમાં પણ વિશ્વકપ જીતી શકીએ!) બાળકોની પરીક્ષાનું ટેન્શન માબાપ ભૂલી ગયાં! બુધવારે ૩૦ માર્ચે સ્ત્રીઓ સિરિયલો જોવાનું ભૂલી ગઈ! શનિવારે વીકએન્ડમાં બહાર જવાનું ભૂલી જવાયું! (રાત્રે બહાર ગયાં જ ને!) બેન્કવાળા ક્લોઝિંગનું ટેન્શન વિસરી ગયા! શેરબજારવાળાઓએ ૩૦મીએ સેન્સેક્સની ચિંતા છોડી દીધી! કેટલાય હોમહવનો થયા! કેટલા હનુમાનચાલીસા થયા? કેટલી બંદગી થઈ? કેટલી પ્રેયર થઈ? કેટલા દોરાધાગા  શ્રદ્ધાઅંધશ્રદ્ધાના ઉપાયો અજમાવાયા? ધોનીની પત્ની સાક્ષીએ ઉપવાસ રાખ્યા તો શ્રીલંકાના મહિલા જયવર્ધનેની પત્ની તેના પતિનું મોઢું તેનું અર્ધશતક કે શતક થવા આવે ત્યારે જોવાનું ટાળતી હતી! તો ધોનીએ વિજયી થઈએ તો માથે મુંડો થવાની બાધા રાખી. આવું કંઈ કેટલુંય થયું અને ૧૨૦ કરોડ ભારતીયોની પ્રબળ ઈચ્છા શક્તિ સામે નિયતિ ઝૂકી ગઈ.

બધાને ડર એક જ હતો કે ક્યાંક ૧૯૯૬ની શ્રીલંકા સામેની સેમિ ફાઇનલનું પુનરાવર્તન તો નહીં થાય ને?

પણ આ વખતે કોઈ પુનરાવર્તન થવાનું નહોતું. ન તો શ્રીલંકા સામેની સેમિ ફાઇનલનું પુનરાવર્તન થવાનું હતું, ન તો વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ૧૯૮૭ના વિશ્વકપની ઇંગ્લેન્ડ સામે સેમિ ફાઇનલનું પુનરાવર્તન થવાનું હતું, ન તો ૨૦૦૩માં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ફાઇનલનું પુનરાવર્તન થવાનું હતું. યાદ રહે, એ બધી મેચોમાં પણ ભારતે હરીફ ટીમોનો પીછો કરવાનો હતો અને ભારતનો રીતસર ધબડકો થયેલો. િવશ્વકપ સ્પર્ધાનું આયોજન કરનારા દેશની ટીમ વિશ્વકપ વિજેતા ન બને તેવી પરંપરા પણ આ વખતે તૂટવાની હતી.

…અને ૨ એપ્રિલ, ૨૦૧૧ના દિવસે નવો જ ઇતિહાસ રચાયો!

ટોસ જીતવામાં મહેન્દ્રસિંહ ધોની ભલે નસીબદાર ન રહ્યો, ભલે રેફરી જેફ ક્રો અને શ્રીલંકાના કપ્તાન સાંગાકારાની કથિત અંચઈ રહી હોય, પણ સમગ્ર રમત દરમ્યાન, મહદંશે એવું કંઈ થયું નહીં જે આ ગેમને જેન્ટલમેન્સ ગેમ ન રહેવા દે. સદનસીબે, સિમોન ટોફેલ અને અલીમ દારનું અમ્પાયરિંગ પણ સારું રહ્યું. મેચ શરૂ થઈ ત્યારે સૌથી મોટો ડર હતો દિલશાન અને તરંગાનો. આ બંનેએ ક્વાર્ટર ફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે વિના વિકેટે ૨૩૧ રન કરીને શ્રીલંકાને જીતાડ્યું હતું તે બધાને યાદ હતું. આ વિશ્વકપમાં દિલશાન સૌથી ટોચનો બેટ્સમેન રહ્યો હતો તે પણ બધા જાણતા હતા. દિલશાન અને તરંગા જો સસ્તામાં આઉટ થાય તો કામ થઈ જાય. અને કોચ ગેરી કર્સ્ટનના કારણે દક્ષિણ આફ્રિકાની નીતિ કે, ‘બોલિંગ લાઇન એન્ડ લેન્થ પર કરો, બેટ્સમેન આપોઆપ આઉટ થશે’,ને અનુસરતા ઝહીર ખાને ચુસ્ત બોલિંગ કરી અને લગભગ ત્રણેક મેઇડન ઓવર ફેંકી. ચોથી ઓવરનો પહેલો દડો. અને તરંગા સંયમ ખોઈ બઠો ને બહાર જતા દડાને છેડી બેઠો. તેને આ દડો છેડવાનું ભારે પડ્યું. સહેવાગે અદ્ભુત ડાઇવ મારીને કેચ પકડી લીધો. એક વિકેટે ૧૭. શ્રીલંકાનો સ્કોર.

ઝહીર, મુનાફ અને શ્રીસંત બધા ચમત્કારિક રીતે લાઇન એન્ડ લેન્થવાળી બોલિંગ કરી રહ્યા હતા. સામે પક્ષે વિરાટ કોહલી, સુરેશ રૈનાથી લઈને સચીન સુધી બધા જ એકદમ ચુસ્ત ફિલ્ડિંગ કરી રહ્યા હતા. તેમાં શિરમોર હતો યુવરાજ. ટીમ આખી જોશીલી અને કોઈ પણ ભોગે મેચ જીતવા મરણિયા બની હોય તેમ લાગી રહ્યું હતું. પોતાની બીજી જ ઓવર ફેંકી રહેલા હરભજનસિંહે દિલશાનની દાંડી ગૂલ કરી દીધી! હવે આવ્યો મહિલા જયવર્ધને. જયવર્ધને અને કેપ્ટન સાંગાકારાએ શ્રીલંકાના સ્કોરને મજબૂતી આપવાની હતી, જે કામ તેમણે બહુ સારી રીતે કર્યું. બીજી વિકેટ ૬૦ રને ગઈ હતી ત્યાંથી ૧૨૨ રને સ્કોર પહોંચાડીને સાંગાકારા યુવરાજસિંહની બોલિંગમાં વિકેટકીપર કમ કપ્તાન ધોનીને કેચ દઈ બેઠો. હવે ભાર જયવર્ધનેના ખભા પર હતો. તેણે તેની જવાબદારી બરાબર નિભાવી અને મુશ્કેલ પરિસ્થિતિમાં શતક ફટકાર્યું. કોમેન્ટેટરની કોમેન્ટ આવી ઃ ‘વિશ્વકપની ફાઇનલમાં શતક કરનાર ખેલાડીની ટીમ જીતી જાય છે.’ પણ તેમને ક્યાં ખબર હતી કે બીજી બધી બાબતોની જેમ આ બાબતે પણ આ વખતે પુનરાવર્તન નથી થવાનું! જયવર્ધને એક છેડો સાચવીને ઊભો હતો, બીજા છેડે વિકેટ પડતી જતી હતી. જોકે, પરેરા અને કુલસેકરાએ આવીને ધમાચકડી મચાવી અને શ્રીંલકા ૨૨૦ આસપાસ સ્કોર માંડ કરશે તેવું માનતા ક્રિકેટપ્રેમીઓને આંચકો આપીને સ્કોર છ વિકેટે ૨૭૪ રને પહોંચાડી દીધો.

ભારતે જીતવા માટે પૂરા પોણા ત્રણસો રન કરવાના હતા. અગાઉ, ૨૦૦૯૧૦ની શ્રેણીમાં શ્રીલંકા સામે જ ૩૧૫ રનના લક્ષ્યનો પીછો કરીને ભારતે ૩૧૭ રન કરી લીધા હતા. બેટ્સમેનોની ફોજ આપણી પાસે હતી. સહેવાગના તોફાનની અને સચીનની સદીની બધાને અપેક્ષા હતી. પણ મલિંગાએ આડા હાથે ફેંકેલો દડો પૂરતો ઉછળવાના બદલે નીચો રહ્યો. સહેવાગ સમજી ન શક્યો અને તેના પેડને ટકરાયો. સહેવાગ પહેલી જ ઓવરના બીજા દડે જ આઉટ! હવે નજર સચીન અને ગૌતમ ગંભીર તરફ હતી. સચીન તો ફોર્મમાં હતો જ. ગંભીરે આવતા વેંત મલિંગાના દડાને ફટકારીને ચોગ્ગો માર્યો અને જાણે કહી દીધું ઃ ‘બોસ! હું એમ આઉટ થવાનો નથી.’ ભારતના દાવની ત્રીજી અને કુલસેકરાની બીજી ઓવરમાં બે ચોગ્ગા ફટકારીને સચીને પણ તેના ઈરાદા જાહેર કરી દીધા. એક જ ઓવરમાં અગિયાર રન મળ્યા! મલિંગાની બીજી અને ત્રીજી ઓવર તો હેમખેમ નીકળી ગઈ હતી, પણ ચોથી ઓવરમાં મલિંગા ફરી ત્રાટક્યો! પહેલા જ દડે સચીન સંગાકારાને કેચ દઈ બેઠો. દર્શકોમાં સોપો! બસ. પત્યું. ૧૯૯૬ની જેમ જ ભારતનો ધબડકો હવે શરૂ થઈ જશે તેવી ખરાબ કલ્પનાઓ ઘણાને આવવી શરૂ થઈ ગઈ. હવે ગંભીરને સાથ આપવા વિરાટ કોહલી જોડાયો હતો. બે વિકેટે ૩૧ રન હતા ત્યાંથી શરૂ કરીને કોહલી સાથે ગંભીરે ૧૧૪ રન જોડ્યા. ત્યાં દિલશાન ત્રાટક્યો અને કોહલીને કોટ એન્ડ બોલ્ડ કરી દીધો! હવે યુવરાજ કે રૈના આવવો જોઈએ તેમ બધા માનતા હતા ત્યાં ક્રમને ઓળંગીને કપ્તાન મહેન્દ્રસિંહ ધોની બેટિંગમાં આવ્યો. થયું કે ધોની તો આ ટુર્નામેન્ટમાં ચાલ્યો જ નથી. હવે શું ઉકાળશે?

પણ ધોનીએ બધાની અટકળો ખોટી પાડી. એક જવાબદાર ઇનિંગ્સ ખેલી. બરાબર કપ્તાનને છાજે તેવી. અણનમ ૯૧ રન કરીને ભારતની નૈયા પાર કરી. ૯૭ રન સુધી ખરેખર ધીરગંભીર ઇનિંગ્સ ખેલી રહેલા ગંભીર શોટ મારવા ગયો અને પરેરાના દડે બોલ્ડ થયો. તેની સેન્ચ્યુરી પૂરી ન થઈ પણ તે ભારતની જીતનો તખ્તો તૈયાર કરીને ગયો હતો. હવે ધોની અને તેની સાથે જોડાયેલા યુવરાજે ૫૪ રન જ કરવાના હતા. દડા અને રન સમાંતર ચાલતા હતા. જેટલા દડા બાકી હતા તેટલા જ રન. લક્ષ્ય બહુ મુશ્કેલ નહોતું, તો સરળ પણ નહોતું, ખાસ તો ભારતની ધબડકાની પરંપરાને ધ્યાનમાં રાખતા. દક્ષિણ આફ્રિકા સામે બે વિકેટે ૨૬૭ રન હતા અને પછીની આઠ વિકેટો માત્ર ૨૯ રનમાં પડી ગઈ હતી! પરંતુ અત્યાર સુધી ફોર્મમાં રહેલા યુવરાજે અને આ મેચમાં ફોર્મમાં આવી ગયેલા ધોનીએ એ બધી આશંકાઓને ખોટી પાડી અને છેલ્લે ત્રણ રન બાકી હતા ત્યારે છગ્ગો મારીને વિજય મેળવી લીધો. મલિંગા શરૂઆતમાં ચાલ્યો તે ચાલ્યો, પછી તેને કોઈ સફળતા મેળવવા ન દીધી. અનેક મેચોમાં શ્રીલંકાને જીતાડનાર મુરલીધરનને પણ કારકિર્દીની અંતિમ વન ડેમાં ભારતે સફળ થવા ન દીધો. બેટિંગમાં વહેલી પડેલી બે વિકેટોને બાદ કરો તો, બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ ત્રણેય ક્ષેત્રે ભારતે સર્વોપરિતા સાબિત કરીને આ ફાઇનલ મેચ જીતી હતી. ભારત વિશ્વવિજેતા બની ગયું હતું!

હકીકતે ભારતની વિશ્વવિજેતા બનવા તરફની સફર ઘણા સમયથી ચાલુ થઈ ગઈ હતી…૨૦૦૭માં ટી૨૦ વિશ્વકપમાં વિજયી બન્યા ત્યારથી. એ પછી વિશ્વવિજયી ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ અને વન ડેમાં વિજયકૂચને થંભાવી. ન્યૂઝીલેન્ડને હરાવ્યું. દક્ષિણ આફ્રિકા સામે ઝૂક્યું નહીં. એશિયા કપ જેવી સ્પર્ધા પણ જીતી. મહેન્દ્રસિંહ ધોની, યુવરાજસિંહ, વીવીએસ લક્ષ્મણ, ઈશાંત શર્મા, રોહિત શર્મા, વિરાટ કોહલી, ગૌતમ ગંભીર, સુરેશ રૈના, ઝહીર ખાન, ઈરફાન પઠાણ, યૂસુફ પઠાણ, મુનાફ પટેલ, શ્રીસંત, હરભજનસિંહ, પીયૂષ ચાવલા, રવિચંદ્રન અશ્વિન, પ્રજ્ઞાન ઓઝા…ભારત પાસે હવે પ્રતિભાની કમી નથી, હવે સવાલ યોગ્ય પસંદગીનો જ રહે છે, પણ ૧૯૮૩માં વિશ્વકપ વિજયી બન્યું તે પછીથી આ ૨૦૧૧નો વિશ્વકપનો વિજય કેમ મહત્ત્વનો લાગે છે? આ વખતની ભારતીય ટીમ કેમ વિજયી બનવા માટે લાયક ટીમ લાગે છે? ભારતીય ટીમમાં આવું રૂપાંતરણ (ટ્રાન્સફોર્મેશન) કેવી રીતે આવ્યું?

આમ તો, પટૌડી અને વાડેકરના વખતમાં ટીમે ચમત્કાર કરવા શરૂ કરી દીધા હતા, પરંતુ ૧૯૮૩માં કોઈને અપેક્ષા નહોતી કે વેસ્ટ ઇન્ડિઝ જેવી મજબૂત ટીમને હરાવીને ભારત વિશ્વકપ જીતી લેશે. એ પછી ૧૯૮૪માં એશિયા કપ જીત્યો અને ૧૯૮૫માં ઓસ્ટ્રેલિયાની ધરતી પર જ બેન્સન એન્ડ હેઝિસ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી. રવિ શાસ્ત્રીને ઓડી કાર મળી હતી. શારજાહમાં રોથમેન્સ કપ પણ ભારતે જીત્યો. એ પછી ભારતીય ટીમનો ખરાબ સમય શરૂ થયો. ઘરઆંગણે પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ શ્રેણી હારી ગયા. પાકિસ્તાન સામે શારજાહમાં અમ્પાયરોની અંચઈ સાથે ભારતીય બેટ્સમેનોની શરણાગતિ કે બોલરોની ઢીલી બોલિંગના કારણે સતત પરાજયો મળતા ગયા. શારજાહનું બીજું નામ, ભારત માટે, ‘હાર જા’ બની ગયું. ઘરઆંગણે પાકિસ્તાન અને અન્ય ટીમો સામે નબળો દેખાવ થવા લાગ્યો. સેમિ ફાઇનલ કે ફાઇનલમાં આવીને હારવા લાગ્યા. સિનિયર ખેલાડીઓ હજુ નિવૃત્ત થવાનું નામ નહોતા લેતા. અનેક મેચોમાં સતત નબળો દેખાવ હોય તો પણ તેમને પડતા મૂકાતા નહોતા. (રવિ શાસ્ત્રી યાદ છે ને?) હારે તેનો પ્રેક્ષકોને વાંધો નહોતો, વાંધો ભૂંડી રીતે હારવાનો હતો. જીતવાનો પ્રયત્ન છેક છેલ્લી ઘડી સુધી નહોતો થતો એ વાતનો વાંધો હતો.

ક્રિકેટમાં એટલો પૈસો હતો નહીં. જાહેરખબરની આવક એટલી હતી નહીં. ક્રિકેટરોમાં ચુસ્તીસ્ફૂર્તિ નહોતી. ગાવસ્કર, વેંગસરકર, મોહિન્દર વગેરે બેટ્સમેનો સારા, પણ ચોગ્ગા છગ્ગા ફટકારવામાં જ વધુ માનતા. ચિકી રન  સિંગલ રન લઈને સ્કોરબોર્ડ ફરતું રાખવાની આવડત વિકસાવી નહોતી કે વિકસાવતા નહોતા. બેટિંગમાં હજુ ટેસ્ટ મેચ જેવી માનસિકતા હતી, પરિણામે આવીને ત્રણ ચાર ઓવર તો સેટ થવામાં લગાડતા. એટલામાં જો આઉટ થઈ ગયા તો પત્યું. સામે પક્ષે ઓસ્ટ્રેલિયાના સ્થૂળ શરીર ધરાવતા ડેવિડ બૂન અને જ્યોફ માર્શ કે શ્રીલંકાના રણતુંગા જેવા બેટ્સમેનો ચિકી રન લઈ લેતા અને દબાણ ઊભું કરતા. ફાસ્ટ બોલરો કપિલ દેવ અને રોજર બિન્ની જેવા હતા, પણ મોટા ભાગનો આધાર સ્પિનર પર જ વધુ હતો. ડેનિસ લીલી જેવા ધૂરંધર ફાસ્ટ બોલરે ભારતમાં એકેડેમી શરૂ કરી નહોતી. સચીન જેવો કોઈ રોલ મોડલ નહોતો કે ક્રિકેટમાં નાણાની રેલમછેલ નહોતી કે જેથી ક્રિકેટને કોઈ કારકિર્દી તરીકે અપનાવવા તૈયાર થાય.  પ્રાંતવાદ જબરદસ્ત હતો. પશ્ચિમ ઝોન અથવા તો મહારાષ્ટ્રના ખેલાડીઓનું વધુ વર્ચસ્વ હતું. બોલરોમાં પણ દક્ષિણ આફ્રિકાના બોલરોની જેમ લાઇન લેન્થવાળી બોલિંગ કરીને બેટ્સમેનોને બાંધી રાખવાની ખાસ આવડત નહોતી. મનોજ પ્રભાકર, ચેતન શર્મા જેવા બોલરો ઈંગ્લેન્ડમાં ચાલી જતા પણ તેમની ધાક નહોતી. એ છેલ્લા દડે છગ્ગો પણ આપી દે. (શારજાહની પેલી બહુ જાણીતી જાવેદ મિંયાદાદવાળી મેચ). ફિલ્ડરો પણ પડીઆખડીને ફિલ્ડિંગ કરતા નહોતા. શ્રીકાંત, અઝહરુદ્દિન જેવા બેચાર ફિલ્ડરો જ અદ્ભુત ફિલ્ડિંગ કરતા હતા. સામાન્ય ભારતીયોની જેમ, ક્રિકેટરોની પણ માનસિકતા લઘુતાગ્રંથિવાળી હતી, પરિણામે શારજાહ હોય કે અન્ય કોઈ જગ્યાએ, અન્યાય સામે અવાજ ઉઠાવતા નહોતા. એ તો જવા દો, પણ પાકિસ્તાન કે વેસ્ટ ઇન્ડિઝનના બોલરોની સામે સાવ શરણાગતિ જ સ્વીકારી લીધી હોય તેમ રમતા. એવું નહોતું કે બધા ખરાબ જ રમતા. સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, વેંગસરકર, બિશનસિંહ બેદી, પટૌડી, પ્રસન્ના, મોહિન્દર અમરનાથ સહિત અનેક ખેલાડીઓ વ્યક્તિગત રીતે ઘણી વાર અદ્ભુત પ્રદર્શન કરતા. પણ આખી ટીમે સારો દેખાવ કર્યો હોય અને સારી રીતે જીત્યા હોય (વિશ્વકપ ૨૦૧૧ની ફાઇનલ જીત્યા તે રીતે) પ્રમાણમાં ઓછા દાખલા છે.

કપિલ દેવનો જાદુ કપ્તાન તરીકે લાંબો ન ચાલ્યો. દિલીપ વેંગસરકર, રવિ શાસ્ત્રી અને કે. શ્રીકાંત ટૂંકા ગાળા માટે કપ્તાન રહ્યા, પણ ખાસ સફળતા મેળવી ન શક્યા. અઝહરુદ્દિનનું મેચ બાદ જીભ બહાર કાઢીને બોલાતું વાક્ય ‘માય બોય્ઝ ડિડન્ટ પ્લે વેલ.’ જાણીતું બની ગયું હતું. સચીન માસ્ટર બ્લાસ્ટર ખરો, પણ કપ્તાન તરીકે સાવ નિષ્ફળ. અજય જાડેજા કપ્તાન તરીકે ટૂંકા ગાળામાં સફળતા મેળવી ગયો હતો, પણ તેનું અને અઝહર બંનેનું નામ મેચ ફિક્સિંગમાં આવ્યું! ગાંગુલી આવ્યા પછી શરૂ થયો પરિવર્તનનો દોર.

ગાંગુલી કપ્તાન તરીકે આક્રમક હતો. તેના કપ્તાનપણા હેઠળ જ ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચમાં એકધારી વિજયકૂચને અટકાવાઈ હતી. નેટવેસ્ટ ટ્રોફી જીતાઈ હતી. વિશ્વકપ ૨૦૦૩ની ફાઇનલમાં ભારત પહોંચ્યું હતું. આ જ સમયગાળામાં ભારતને વીરેન્દ્ર સહેવાગ, હરભજનસિંહ, ઝહીર ખાન, યુવરાજ સિંહ, આશિષ નહેરા અને અત્યારે વિસરાઈ ગયેલા મોહમ્મદ કૈફ જેવા પ્રતિભાવાન ખેલાડીઓ મળ્યા, જે અત્યારે વિશ્વકપ વિજયી ટીમના હિસ્સા બની ગયા છે. કોચ તરીકે જોન રાઇટની વિદાય થઈ અને ગ્રેગ ચેપલ આવ્યો અને તેણે ભારતીય ટીમનું મનોબળ વધારવાના બદલે ગાંગુલી અને સચીનને કાઢવાના પ્રયાસો ચાલુ કર્યા. ચેપલનો વિવાદાસ્પદ ગાળો પૂરો થયો, કપ્તાન તરીકે ગાંગુલીએ પણ વિદાય લીધી અને આવ્યો મહેન્દ્રસિંહ ધોની.

૨૦૦૭માં ટી૨૦ વિશ્વકપમાં ધોનીને કપ્તાન તરીકે અજમાવાયો અને તેણે પોતાની જવાબદારી સફળ રીતે પાર પાડી. ભારતને વિશ્વકપ અપાવ્યો. એ પછી સતત જીત ઉપર જીત મેળવતો ગયો છે. આઈસીસીના રેન્કિંગમાં ભારતને નંબર વન ટીમ બનાવી. આ આખા દૌરમાં ભારતીય ક્રિકેટરોમાં આવેલું પરિવર્તન ઊડીને આંખે વળગે તેવું છે. આ પરિવર્તન કેમ આવ્યું?

એક તો, સચીન તેંડુલકર બનવાનું સપનું દરેક ક્રિકેટર સેવતો હોય છે, હવે ધોની બનવાનું સપનું પણ સેવશે. બીજું, આઈપીએલ અને વન ડે ટેસ્ટમાં મળતા નાણાં. જાહેરખબરો  રિયાલિટી શો  ફિલ્મ સિરિયલમાં કામ મળે તે અલગ. બીસીસીઆઈ પણ ખૂબ પૈસા કમાય છે અને ક્રિકેટરોને કોન્ટ્રાક્ટ દ્વારા સારા એવા પૈસા અપાતા થયા છે. આમ, માત્ર સલામતી જ નહીં, પણ સારી એવી કમાણી ક્રિકેટમાં મળતી થઈ છે. પરિણામે લોકો ક્રિકેટને કેરિયર તરીકે અપનાવતા થયા. આઈપીએલ જેવી ટુર્નામેન્ટમાં જ યૂસુફ પઠાણ જેવી પ્રતિભાઓ બહાર આવી છે. ક્રિકેટરોની પસંદગીમાં ઝોનવાદ ઘટ્યો છે. સૌથી મહત્ત્વનું તો, ક્રિકેટરોની પસંદગીથી લઈને મેચમાં મેદાન પર ઉતારાતી ટીમ સહિતની દરેક બાબત પર મિડિયાની બાજનજર હોય છે. પરિણામે, નોનપર્ફોર્મંિગ ક્રિકેટરને લાંબા સમય સુધી ટીમમાં ચલાવી શકાતા નથી. અમ્પાયરોની અંચઈ હોય કે આઈસીસીની આડોડાઈ, મિડિયા ક્રિકેટરોની પડખે હોય છે અને હવે ક્રિકેટરો પણ બોલકા થયા છે  આત્મવિશ્વાસસભર. હરભજને જેમ ઓસ્ટ્રેલિયામાં સાયમન્ડસને જવાબ આપી દીધો હતો તેમ હવે ક્રિકેટરો સાંખી લે તેવા નથી. ગૌતમ ગંભીર, યુવરાજસિંહ અને વિરાટ કોહલી જેવા બેટ્સમેનો ભારતમાં છે જેમને અગાઉના બેટ્સમેનોની જેમ આવીને સેટ થવું પડતું નથી અને માત્ર ચોગ્ગા છગ્ગા મારીને જ સ્કોરબોર્ડને ફરતું નથી રાખતા, સિંગલ કે ડબલ રન લઈને સ્કોર કરતા જાય છે.

૧૯૮૭ના વિશ્વકપમાં મનીન્દરસિંહ જેવો પૂંછડિયા બેટ્સમેન એક રન નહોતા કરી શક્યો. હવે એવું નથી રહ્યું. હરભજનસિંહ પણ સેન્ચ્યુરી મારી જાય છે. પૂંછડિયા બેટ્સમેન રમી શકે છે. ઝહીર ખાન, મુનાફ લાઇન એન્ડ લેન્થવાળી બોલિંગ કરે છે. ફિલ્ડરો પણ ચુસ્તી  સ્ફૂર્તિથી ફિલ્ડિંગ કરે છે. યુવરાજસિંહ, કોહલી, રૈના, સહેવાગ ફિલ્ડિંગમાં પોતાની ચપળતાથી પ્રભાવિત કરે તેવા છે. ઉપરાંત હવે સ્ટીવ બકનર જેવા અમ્પાયરોની નાલાયકી પણ ખાસ ચાલે તેવી નથી, કેમ કે થર્ડ અમ્પાયર અને અમ્પાયર ડિસિશન રિવ્યૂ સિસ્ટમ (યુડીઆરએસ) છે. મિડિયા અને કરોડો ક્રિકેટપ્રેમીઓનું દબાણ એવું હોય છે કે ક્રિકેટરોને હવે જીત સિવાય કંઈ પાલવે તેમ નથી. આ દેશમાં હવે ક્રિકેટ ધર્મ બની ગયો છે અને ધર્મમાં કટ્ટરવાદની જેમ ક્રિકેટમાંય કટ્ટરવાદ છે. આ ધર્મના અનુયાયીઓને માત્ર જીત જ ખપે. હારવામાં વાંધો નથી, પણ ભૂંડી  સાવ શરણાગતિ સ્વીકારી લીધેલી હાર કોઈ કાળે ખપતી નથી.

આ વિજય બાદ ધોની અને તેના સાથીઓ પાસે હવે અપેક્ષાઓ વધી જવાની. અત્યારે કરોડો ભારતીયો ધોની અને તેના સાથીઓને ખભે ઊંચકીને ફરશે પણ જો ક્યાંય પણ તેઓ ચૂક્યા તો તેમની ખેર નહીં રહે. ધોની અને તેના વિશ્વવિજયી સાથીઓની અસલી પરીક્ષા હવે જ શરૂ થાય છે…

વિશેષ માહિતી : લતિકા સુમન, મુંબઈ

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.