પં. બંગાળ અને કેરળમાં પરાજય સાથે લાલ વાવટા સંકેલાશે?

પ. બંગાલમાં સામ્યવાદના પતનને ‘ગ્રેટ રોમન એમ્પાયર’ના પતન સાથે સરખાવતા કોંગ્રેસના પ.બંગાળ પ્રમુખ માનસ ભુનિયાએ કહ્યું કે અન્ય રાજ્યોની જેમ જ ભારતમાં સામ્યવાદ હવે તેના અંતિમ છેડે પહોંચી ગયો છે. શું ખરેખર આવું છે?

એમ. એન. રોય, એવલીન રોય, ટ્રેન્ટ રોય, અબાણી મુખર્જી, રોઝા ફિટિંગઓફ, મોહમ્મદ અલી, મોહમ્મદ શફીક સિદ્દિકી વગેરે કોમરેડ બંધુઓએ તાશ્કદંમાં ૧૯૨૦ની સાલમાં સ્થાપેલી કમ્યૂનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા અને તેમાંથી જન્મેલા વિવિધ ડાબેરી પક્ષો અને સંગઠનોની સ્થિતિ પર નજર કરવા જઈએ તો વધુ જગ્યા અને કામ માગી લે, પણ મહદંશે વાત એવી છે કે દુનિયાના અન્ય દેશો સાથે ભારતમાં પણ મુખ્યત્વે સામ્યવાદી વિચારધારાનો પ્રભાવ દિનપ્રતિદિન ઓછો, એમ કહીએ તો પણ ખોટું નહીં કે, નહીંવત્ થઈ રહ્યો છે. બાકી, ભારતીયોએ બહુ ઝડપથી સામ્યવાદ અપનાવી લીધો હતો.

૧૯મી સદીમાં એક તરફ દુનિયા ઔદ્યોગિકીકરણ તરફ આગળ વધી રહી હતી તો બીજી તરફ, જર્મન વિચારક કાર્લ માર્ક્સના વાદ અને વિચારોથી પ્રેરાઇને સહુ પ્રથમ રશિયા (તત્સમયનું સોવિયેત સંઘ)માં સામ્યવાદે જોર પકડ્યું અને એ જોરના આધારે શાસન પણ બથાવ્યું. યુએસએસઆર અને યુએસએ એક સામ્યવાદી અને એક મૂડીવાદી  એ મહદંશે બે વિચારધારા વચ્ચે દુનિયા લગભગ વહેંચાઈ ગઈ. બ્રિટિશરો પાસેથી આઝાદી મેળવ્યા પછી ભારતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સહિતના બળુકા નેતાઓ સામ્યવાદી વિચારસરણીથી પ્રભાવિત હતા. સાહિત્યમાં પણ સામ્યવાદ ઝળકતો હતો. હિન્દી ફિલ્મોમાં બલરાજ સહાની, ગુરુ દત્ત, રાજ કપૂર વગેરે અદાકારો  દિગ્દર્શકો સામ્યવાદી વિચારસરણીથી પ્રભાવિત હતા. તેનું ઉદાહરણ રાજ કપૂરના ગીત ‘મેરા જૂતા હૈ જાપાની’ ગીતમાં જોઈ શકાય છે. એ ગીતમાં જાપાની ચીજને પગમાં બતાવાઈ છે. ઈંગ્લેન્ડની બનાવટનું પેન્ટ કમરથી નીચેના ભાગમાં પહેરાય છે અને રુસી (રશિયાની બનાવટની) લાલ રંગની ટોપી માથા પર પહેરાય છે. મતલબ કે, મગજમાં વિચારસરણી રશિયાની  સામ્યવાદી છે અને તેને માથે બેસાડી છે. એ સામ્યવાદ કમ સમાજવાદ છેક ૧૯૯૧ સુધી ચાલ્યો. પહેલેથી ઝુકાવ સામ્યવાદ તરફ હતો અને સામ્યવાદનું મુખ્ય કેન્દ્ર સોવિયેત સંઘ હતું. પરિણામે સોવિયેત સંઘ અને ભારતના સંબંધો ખૂબ સારા રહ્યા. કંઈ પણ ફરિયાદ હોય તો ભારત યુએસએસઆર પાસે દોડી જાય. આનાથી વિપરિત ભારતમાંથી છૂટું પડેલું પાકિસ્તાન અમેરિકા તરફ વળ્યું. (આનાં પરિણામો ભારતે હંમેશાં ભોગવ્યા તેમ પણ એક તારણ કાઢવું હોય તો કાઢી શકાય.) ડિસેમ્બર ૧૯૯૧માં સોવિયેત સંઘ તૂટ્યું અને એ જ અરસામાં ભારતમાં પણ પી. વી. નરસિંહરાવની સરકાર તેના નાણામંત્રી (જે અત્યારે વડા પ્રધાન છે) મનમોહનસિંહના નેતૃત્વમાં એવી આર્થિક નીતિ દાખલ કરી રહી હતી જે અમેરિકાને ફાવે તેવી અને ભાવે (પસંદ પડે) તેવી હતી. નરસિંહરાવની સરકારે દાખલ કરેલી નીતિઓ, વચ્ચે દેવગોવડા અને ઈન્દ્રકુમાર ગુજરાલની ડાબેરીઓના ટેકા સાથે આવેલી સરકારોના અપવાદને બાદ કરતાં, મહદંશે ચાલુ રહી છે. ૧૯૯૮માં ભાજપના નેતૃત્વવાળા એન.ડી.એ. શાસનમાં આવ્યા ત્યારે પણ એ નીતિઓ ચાલુ જ રહી. મોટા ભાગના રાજ્યોમાં પણ આ જ પરિસ્થિતિ ચાલુ રહી. અરે! પ. બંગાળમાં પણ ખાસ ઔદ્યોગિક વિકાસ નહોતો, ત્યાં પ. બંગાળના હૂગલી જિલ્લામાં સિંગુરમાં જાયન્ટ ઔદ્યોગિક ગૃહ ટાટાને નેનો પ્લાન્ટ નાખવા આમંત્રણ અપાયું.

આ તરફ, સામ્યવાદીઓના ભીષ્મપિતામહ અને ચક્રવર્તી શાસક જેવા ગણાતા જ્યોતિ બસુની તબિયત કથળી રહી હતી. હરકિશનસિંહ સુરજીત પણ વયોવૃદ્ધ થઈ રહ્યા હતા. ૨૦૦૮માં તેમનું અવસાન થયું. ૨૦૧૦માં જ્યોતિ બસુએ વિદાય લીધી. ત્રીજી તરફ, ૨૦૦૮માં કોમરેડ સોમનાથ ચેટર્જી, જેઓ ૪૦ વર્ષથી પક્ષમાં સેવા આપી રહ્યા હતા, તેમને સીપીઆઈ(એમ)એ પક્ષમાંથી હાંકી કાઢ્યા. તેમનો અપરાધ એ હતો કે અમેરિકા સાથે પરમાણુ સંધિ કરવાના મુદ્દે ડાબેરીઓએ યુપીએ સરકારને ટેકો પાછો ખેંચ્યો ત્યારે સોમનાથદાએ લોકસભાના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા ઈનકાર કરી દીધો. આમ, ડાબેરીઓના સેનાપતિઓ એક પછી એક મેદાનમાંથી હટી રહ્યા હતા. એવામાં, તૃણમૂળ કોંગ્રેસનાં મમતા બેનર્જીએ સિંગુર મુદ્દે જબરદસ્ત આંદોલન છેડી દીધું.

જે મુદ્દે અત્યારે ઉત્તર પ્રદેશમાં આંદોલન ચાલી રહ્યું છે તે જ મુદ્દો સિંગુરમાં પણ હતો. ટાટાને કારખાનું નાખવા માટે ખેતીની ૯૯૭ એકર જમીન સંપાદન કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો. આ મુદ્દે ખેડૂતોના અવાજને અને આંદોલનને મમતાએ હવા આપી. પરિણામ એ થયું કે ડાબેરી વિચારધારા ધરાવનારા લોકોને પણ લાગ્યું કે આ તો ઉલટું થઈ રહ્યું છે. કહેવાતા ડાબેરીઓ જમણી તરફ વળી રહ્યા છે અને કહેવાતા જમણેરીઓ ડાબી તરફ. પરિણામે મેધા પાટકર, અરુંધતી રોય, અનુરાધા તલવાર જેવી હસ્તીઓ, કોલકાતાના બૌદ્ધિકો અને કલાકારો જેવા કે મહાશ્વેતા દેવી, અપર્ણા સેન, કૌશિક સેન, શાઓનલી મિત્રા, સુવાપ્રસન્ના અને અન્ય ડાબેરી કાર્યકરો મમતાની સાથે થઈ ગયા. આંદોલન સફળ રહ્યું અને ટાટાને ત્યાંથી ઉચાળા ભરવા પડ્યા. આવું જ નંદીગ્રામમાં થયું હતું. વિશેષ આર્થિક ક્ષેત્ર (સેઝ) બનાવવા માટે ૧૦,૦૦૦ એકર જમીન મેળવીને ઇન્ડોનેશિયાના સાલીમ જૂથને આપવાના સરકારના નિર્ણય સામે જબરદસ્ત વિરોધ થયો. આના પરિણામે હિંસા પણ થઈ. ફળસ્વરૂપે પ. બંગાળમાં ડાબેરીઓ વિરુદ્ધ અસંતોષની જ્વાળા વધુ ભડકી. ડાબેરી પક્ષોના સમર્થક એવા લોકોની ગુંડાગીરી અને દાદાગીરીથી પણ લોકો ગળે આવી ગયા હતા. છેવાડાના માણસની ગરીબી દૂર થવાની વાત તો દૂર રહી, પણ ગણ્યાગાંઠ્યા લોકોના હાથમાં સત્તા આવી ગઈ અને કોલકાતા સહિત પ. બંગાળમાં ગરીબી યથાવત રહી.

આનું તાત્કાલિક પરિણામ કોલકાતાની મહાનગરપાલિકાની ચૂંટણીમાં જોવા મળ્યું. જો ત્યારે પણ ડાબેરીઓ ચેતી ગયા હોત તો વિધાનસભા ચૂંટણીમાં પરાજયનો સામનો કરવો ન પડ્યો હોત. સીપીઆઈના વરિષ્ઠ નેતા એ. બી. બર્ધને એક ટીવી મુલાકાતમાં કહ્યું છે તેમ ડાબેરીઓને મુખ્યત્વે અહંકાર નડી ગયો છે. બર્ધન કહે છે, ‘ડાબેરીઓનો અહંકાર અને લોકોથી દૂર જવાના કારણે આ પરાજય થયો છે. ઘણી વાર ઝળહળતો વિજય તમારા માથામાં ચડી જાય છે અને તમને અહંકારી બનાવી દે છે. તમને લાગવા લાગે છે કે તમે લોકોને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લઈ શકો છો. તેઓ તમારી મુઠ્ઠીમાં છે અને આથી તમને સારાનરસાનું વિવેકભાન રહેતું નથી.’

બર્ધન માને છે કે બંગાળમાં પરિવર્તનની જે મુખ્યત્વે હવા ચાલી તેનું કારણ સિંગુર અને નંદીગ્રામ જ છે. આ બંને ઘટનાઓના કારણે સીપીએમની સામે લોકોમાં જબરદસ્ત આક્રોશ હતો. કેરળમાં પરાજયનું વિશ્લેષણ કરતાં બર્ધન ‘શાસકવિરોધી હવા’ના પરિબળને જવાબદાર ગણાવે છે. બાકી, તેમની દ્રષ્ટિએ વી.એસ. અચ્યુતાનંદન લોકપ્રિય નેતા છે. પરંતુ રાષ્ટ્રીય નેતાઓએ તેમની તાકાતને નજરઅંદાજ કરી. આ જ કારણે કેરળમાં પણ ડાબેરીઓનો કિલ્લો ધ્વંસ્ત થયો.

શું આ પરાજય સાથે સામ્યવાદી વિચારધારા પણ પરાજિત થઈ છે? સીપીએમના રાજ્ય સેક્રેટરી અરુણ મહેતા કહે છે, ‘ના.’ ટેલિફોનિક વાતચીતમાં અરુણભાઈ બહુ તર્ક સાથે દલીલો મૂકે છે. ‘જો તમે આ એક પરાજયને વિચારધારાનો પરાજય ગણાવતા હો તો તો પછી મૂડીવાદીઓનો પરાજય તો ઘણી વાર થયો છે. તો શું મૂડીવાદી વિચારધારા ખલાસ થઈ ગઈ? અમેરિકામાં મંદી આવી હતી તો શું તેને મૂડીવાદની નિષ્ફળતા ગણાવશો?’

અરુણ મહેતા આંકડા સાથે વાત કરે છે, ‘પ. બંગાળમાં ડાબેરીઓને ૪૮ ટકા મતમાંથી ઘટીને ૪૨ ટકા મતો મળ્યા છે. આમ, લોકપ્રિયતા કે મતોની ટકાવારીમાં બહુ મોટો ફટકો પડ્યો નથી.’ તેઓ માને છે કે સામ્યવાદી વિચારધારા તો યુગપરિવર્તનની વિચારધારા છે. તે એમ જલદી ખતમ થઈ જવાની નથી. ૩૨ કે ૩૪ વર્ષના એકધારા શાસન પછી એકાદા પરાજયથી એમ કહેવું કે, સામ્યવાદી વિચારધારાનો પણ અંત આવ્યો છે, ખોટું છે. ઉલટું અત્યારની સ્થિતિમાં તો એમ કહી શકાય કે પાયાના સવાલો માટે માત્ર સામ્યવાદીઓ જ બચ્યા છે. તેઓ જ પાયાના સવાલો માટે લડત આપે છે. તેઓ કહે છે, ‘અને બીજું, મમતા બેનર્જી પાસે કઈ વિચારધારા છે, કહેશો? તેમને માઓવાદીનો ટેકો છે અને ફિક્કિના સેક્રેટરી પણ તેમની સાથે છે. હા, કોંગ્રેસ પાસે કમ સે કમ એ વિચારધારા તો છે કે વૈશ્વિકીકરણ કરવું છે. ડાબેરીઓએ ત્યાં ઘણાં કામો કરેલાં છે. જ્યોતિ બસુ સત્તામાં આવ્યા તે પહેલાં પંચાયતની ચૂંટણીઓ નહોતી થતી, તે થવા લાગી. પંચાયતોને સત્તા અપાઈ. યુનિવર્સિટીમાં પરીક્ષા નહોતી યોજાતી. જ્યોતિ બસુ પોતે યુનિવર્સિટીમાં જઈને પરીક્ષા યોજાવતા.’

પણ વિદેશોમાં હવે સામ્યવાદી વિચારધારા ક્યાં બચી છે? ‘ચીનમાં તો છે ને,’ અરુણભાઈ કહે છે. ‘પણ ચીનમાં માનવાધિકારનો ભંગ નથી થતો? શ્રમજીવીઓ, જે સામ્યવાદના પાયામાં છે, તેમનું શોષણ નથી થતું?’ અરુણભાઈ કહે છે, ‘માનવાધિકારની વ્યાખ્યા દરેકની અલગ અલગ છે. ચીનમાં તેઓ એવું માને છે કે દરેકને બ્રેડ  બટર મળવી જોઈએ. એમ તો કાશ્મીરના ત્રાસવાદી અને તમિલ ટાઇગર્સ પણ તેમના માનવાધિકારના ભંગની દલીલ કરે છે, શું તેઓ સાચા છે? અને બીજું, આપણે ત્યાં ચૂંટણી કેવી રીતે થાય છે તે તમે જાણો છો. તમિલનાડુમાં કેવાં કેવાં વચનો આપીને ચૂંટણી જીતાઈ છે! શું તમે તેને રિયલ વર્ડિક્ટ કહેશો?’

અરુણભાઈ ભલે માનવા તૈયાર ન થાય, પણ એ હકીકત છે કે ઘણા સમયથી મોંઘવારી વધતી હોવા છતાં, ડાબેરીઓએ નક્કર, પરિણામજનક અને સફળ આંદોલન કર્યું નથી. યુપીએને ટેકો હતો ત્યારે પણ અમેરિકા તરફી નીતિઓ અમલમાં મૂકાતી હતી અને પછી પણ. પણ સાથી પક્ષ તરીકે કે સબળ વિરોધ પક્ષ તરીકે ડાબેરીઓની એવી નક્કર કામગીરી દેખાતી નથી. ઉલટુ, પ. બંગાળમાં ઉદ્યોગતરફી નીતિના કારણે જ કદાચ ડાબેરીઓ પાછા પડ્યા છે. હા, અરુણભાઈ કહે છે તેમ ડાબેરી વિચારધારા કદાચ એમ ખતમ નહીં થાય. લોકશાહીમાં ચૂંટણી લડીને સત્તામાં આવીને નીતિપરિવર્તન કરવાના બદલે બંદૂકથી આ વિચારસરણી અમલમાં મૂકવાના પ્રયાસો પણ નક્સલવાદ કે માઓવાદના રસ્તે ચાલે જ છે ને, જે ખતરનાક પણ છે. બાકી, અત્યારે તો દેશ અને દુનિયાભરમાં મૂડીવાદ બળુકો દેખાઈ રહ્યો છે અને તેના જોરે દેશમાં અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ દિનપ્રતિદિન પહોળી થતી જાય છે. ગરીબોના, શ્રમજીવીઓના, કર્મચારીઓના પ્રશ્નો એટલા જ છે. તેના માટે લડનાર ડાબેરીઓ ક્યાં છે?

ભારતમાં મૂડીવાદ દિવસે ને દિવસે જોર પકડતો જાય છે, કર્મચારીઓ, શ્રમજીવીઓનું શોષણ વધી રહ્યું છે, મોંઘવારી વધી રહી છે ત્યારે તેની સામે લડત આપનાર કોઈ રહ્યું નથી. જોકે એક વાત એ પણ સ્વીકારવી જોઈએ કે મજૂર સંઘોના કારણે ભાવનગર સહિત ઘણી જગ્યાએ મિલો – ઉદ્યોગધંધા બંધ થતાં સરવાળે રોજગારીને અસર પડી હતી.

(‘અભિયાન’ ૨૮ મે, ૨૦૧૧ના અંકમાં છપાયેલો લેખ, થોડા સુધારાવધારા સાથે)

Advertisements

One thought on “પં. બંગાળ અને કેરળમાં પરાજય સાથે લાલ વાવટા સંકેલાશે?

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.