Posted in gujarat, national

ગુજરાત : ગોટાળાનું, ભક્તોનું, સટોડિયાઓનું કે પછી ભગીરથોનું?

અણ્ણા હઝારે ગુજરાતની બહાર હતા ત્યારે તેમણે ગુજરાત અને બિહારના વખાણ કર્યા, પણ તેઓ ગુજરાતમાં આવ્યા ત્યારે લોકોની રજૂઆત સાંભળી બોલી ઉઠ્યા, ‘અરે! આ તો ગોટાળાનું ગુજરાત છે.’

આ વાત સાંભળીને અમને પેલા હાથી અને આંધળાઓની વાર્તા યાદ આવી ગઈ. આંધળાઓ પૈકી જે આંધળો હાથીના જે અંગને પકડે તેના જેવો તે હાથી તેને લાગે. માનો કે, અણ્ણા ભાદરવા મહિનામાં આવ્યા હોત તો? તો કદાચ તેમને અંબાજીના ભક્તોનું ગુજરાત લાગ્યું હોત. (એમાં શરત એ કે તેમની સાથે સ્વામી અગ્નિવેશ કે મલ્લિકા સારાભાઈ જેવાં લોકો ન હોય.) જે રીતે મોટી સંખ્યામાં લોકો પગપાળા સંઘ કરીને અંબાજી જાય છે તે જોતાં આવું લાગવાનો સંભવ છે.

જો અણ્ણાએ (જેમ કાયદા કે પોલીસની ભાષામાં કહીએ તો હવેથી અગાઉ કહેલી શરત દર વખતે માની લેવી કે અણ્ણાની સાથે અગ્નિવેશ કે મલ્લિકા નથી.) ગુજરાતનાં ગામડાંનો પ્રવાસ ખેડ્યો હોત તો કદાચ તેમને લાગે કે કેશુભાઈએ જે સપનું જોયેલું તે ગોકુળગ્રામ તો અહીં જ છે. નરેન્દ્ર મોદીના વખતમાં તે સાકાર થયું છે. કેટલાંક ગામડાંઓ અને ભાવનગર – સુરેન્દ્રનગર જેવા શહેરોમાં જો અણ્ણા ગયા હોત તો તેમને લાગત કે હજુ પણ પાણીની સમસ્યા છે જ, પણ જો અણ્ણા નર્મદા નદીથી તેની કેનાલે કેનાલે પ્રવાસ કર્યો હોત તો ખબર પડત કે જે રીતે ભગીરથ રાજાએ ગંગાનું અવતરણ કરાવ્યું અને ઉત્તર ભારતથી પૂર્વ ભારત સુધી બંગાળના સાગર સુધી તે આવી તે રીતે નર્મદાને પણ વર્તમાન ભગીરથ રાજાઓ ઠેકઠેકાણે લઈ ગયા છે.

જો અણ્ણાએ ખેડૂતો સાથે મુલાકાત કરી હોત તો તેમને લાગત કે ઘણા ખેડૂતો અને અન્ય પરંપરાગત વ્યવસાયીઓનાં સંતાનોને તેમના બાપદાદાના વ્યવસાયમાં રસ નથી, પરિણામે ખેડૂતો મોટા પાયે તેમની જમીનો બિલ્ડરોને સસ્તી કિંમતે વેચી રહ્યા છે. ખેતીનું પ્રમાણ જ ઘટી રહ્યું છે.

જો અણ્ણા રાજકોટમાં બપોરના સમયે ગયા હોત તો તેમને કોઈ મળત જ નહીં, કેમકે રાજકોટ બપોરે સૂવાનું પસંદ કરે છે. બપોરે ત્યાં કામ થતું નથી. અણ્ણાને લાગત કે આ તો કામચોરોનું ગુજરાત છે. પણ એ જ રાજકોટ કે સૌરાષ્ટ્રમાં કોઈ અજાણ્યાના ઘરે પણ અણ્ણા ગયા હોત તો તેમને માત્ર મીઠો આવકારો જ નહીં, તેમની પૂરી આગતાસ્વાગતા થઈ હોત અને અણ્ણાને લાગત કે ‘આમચા મહારાષ્ટ્ર’ કરતાં ‘આમનું  કાઠિયાવાડ’ સારું છે.

જો અણ્ણા મહેસાણા હાઇવે કે અમદાવાદ-વડોદરા- મુંબઈ એક્સ્પ્રેસ હાઇવે પર નીકળ્યા હોત અથવા તો ગામડાંના રસ્તા જોયા હોત તો તેમને લાગત કે ગુજરાતના રસ્તા કેટલા સારા છે.

અણ્ણાએ લઠ્ઠાકાંડ વિશે સાંભળ્યું પણ હજુય ગુજરાતનાં ઘણાં ઘરોમાં દારૂ પીવાતો નથી અને ગુજરાતની જે કંઈ સમૃદ્ધિ કે શાંતિ છે તે તેના કારણે જ છે તેમ તેઓ સમજી શકત. જોકે વર્તમાન શાસનમાં તો એ દારૂબંધીને હળવી કરવાના ઘણા પ્રયાસો થયા છે અને જો વિરોધ ન થયો હોત તો કદાચ સાવ દારૂબંધી ઉઠાવી જ લેવાઈ હોત.

અણ્ણા જો સુરેન્દ્રનગર કે ગુજરાતના લોકોને મળ્યા હોત તો તેમને કદાચ લાગ્યું હોત કે આ તો શેરબજારિયાઓનું ગુજરાત છે.  જો અણ્ણા રાજકોટ કે અમદાવાદના ઘણા બુકીઓને મળ્યા હોત તો કદાચ તેમનો અભિપ્રાય હોત કે ‘આ તો સટોડિયાઓનું ગુજરાત છે.’

અણ્ણા રાતના સમયે માણેકચોક જેવા અમદાવાદના વિસ્તારો કે રાજકોટમાં ફર્યા હોત તો તેમને લાગ્યું હોત કે આ તો આનંદીઓનું ગુજરાત છે. કચ્છમાં અણ્ણાએ મુસાફરી કરી હોત તો તેમને લાગ્યું હોત કે આ તો ખમીરવંતા લોકોનું ગુજરાત છે.

અણ્ણા આદિવાસી વિસ્તારોમાં ગયા હોત તો તેમને લાગ્યું હોત કે આ તો સેવાના નામે વટાળ પ્રવૃત્તિ ચલાવનારાઓનું ગુજરાત છે.

અણ્ણાએ ગુજરાતી શીખીને જો ગુજરાતી અખબારો વાંચ્યા હોત તો કેટલાંક અખબારો કે સમાચારચેનલો વાંચીને- જોઈને તેમને આઘાત જ લાગત. કઈ ભાષા તેમાં પ્રયોજાય છે તે ખબર જ પડી હોત. ગુજરાતી ભાષાને મારવાના તમામ પ્રયાસો પૂરજોશમાં આ અખબારો-ચેનલો કરી રહ્યાં છે તે તેમને ખ્યાલ આવત. તેઓ કેટલાક તંત્રીઓને મળત તો તેઓ તેમને કહેત, ‘ગુજરાતી તો લોકોને (મતલબ કે એ તંત્રીઓને) સમજાય તેવી લખવી જોઈએ. અંગ્રેજી શબ્દોના અનુવાદ કરવાની કોઈ જરૂર નથી.’ તો તેઓ કહી ઉઠત કે આ તો ‘માતૃભાષાના ખૂનીઓનું ગુજરાત છે.’ કારણકે મરાઠી ભાષાના અખબારો હજુ પણ તેમની ભાષાને સાચવીને બેઠા છે (જેના પર કદાચ હવે દિવ્ય ખતરો સર્જાય તો નવાઈ નહીં) અને અંગ્રેજી શબ્દો જરૂરી પ્રમાણ કરતાંય ઓછા પ્રમાણમાં વાપરે છે. માત્ર ક્રિકેટના જ સમાચારો જોઈ લેજો.

અને હા, અણ્ણાએ ગુજરાતમાં રહીને જ ગુજરાતની બદનામી (ખાસ તો રમખાણોના મામલે) કરવાનું કામ કરતી કે ગરીબોના નામે કે દલિતોના નામે કામ કરતી એન.જી.ઓ.ની મુલાકાત વેશ બદલીને લીધી હોત તો તેઓ કહેત કે ‘આ તો સૌથી ભ્રષ્ટ એન.જી.ઓ.નું ગુજરાત છે.’

અણ્ણાએ કેટલીક પર્ફોર્મિંગ આર્ટ્સના નામે કલાકારોનું શોષણ કરતી અને કબૂતરબાજી કરતી એકેડેમીની મુલાકાત લીધી હોત અથવા તો જે રીતે મોટી સંખ્યામાં અહીં પોતાની ફિલ્મનો પ્રચાર કરવા કલાકારો ઉમટી પડે છે, જેમને ‘ણ’ અને ‘ળ’ બોલવાના વાંધા છે,  અને પછી કહે છે કે ‘આઈ લવ ખમનઢોકલા. આઈ લવ અહેમદાબાદ.’ તો અણ્ણા કહેત, ‘આ તો ‘કલાકારો’નું ગુજરાત છે.’

અણ્ણાએ જો ટીવી ચેનલો પર ગુજરાતના સમાચારો અને અહીંથી તેમને મળતી ટીઆરપી અને નાણાં જોયા હોત તો તેઓ કહી ઉઠત કે ‘આ તો નમકહરામીને ચલાવી લેતું ગુજરાત છે’ કેમ કે અહીંથી જ આ ચેનલોને ટીઆરપી અને ફંડ મળે છે અને છતાં આ હિન્દી કે અંગ્રેજી સમાચાર ચેનલો કે મનોરંજન ચેનલો ગુજરાત અને ગુજરાતીઓને બદનામ કરવામાં કે તેમની ઠેકડી ઉડાડવામાં કોઈ કસર નથી છોડતા.

અણ્ણાએ સાબરમતી એક્સ્પ્રેસનો એસ – ૬ ડબ્બો અને અમદાવાદ સહિત ગુજરાતના કારસેવક પરિવારોની મુલાકાત લીધી હોત તો કદાચ તેમનું હૃદય દ્રવી ઉઠ્યું હોત અને તેઓ બોલી ઉઠત, ‘આ તો રામભક્તો અને સહનશીલોનું ગુજરાત છે.’

અણ્ણાએ જો સોમનાથ મંદિરની મુલાકાત લીધી હોત તો કદાચ તેમને તેનો ઈતિહાસ જાણવા મળ્યો હોત અને તેમને ખ્યાલ આવ્યો હોત કે અહીં મહંમદ ગઝની સત્તરવાર ચડાઈ કરવા આવ્યો હતો અને તેને સારી એવી લડત મળી હતી અને આ મંદિરનો જીર્ણોદ્ધાર થવામાં સરદાર પટેલની ભૂમિકાનો પણ તેમને ખ્યાલ આવત અને મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વખતે રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદને ‘સેક્યુલર’ વડા પ્રધાન નહેરુએ રોકવા પ્રયાસ કર્યો હતો તે પણ તેમને ખ્યાલ આવત. તેમને એ ઇતિહાસ પણ ખબર પડત કે ‘રામમંદિર માટે’ ભાજપની રથયાત્રા અહીંથી શરૂ થઈ હતી પણ તે હજુ પૂરી નથી થઈ. રામના જન્મના અનેક પુરાવા છતાં રામમંદિર રામના જ દેશમાં રામની જ જન્મભૂમિ પર બંધાવા આડે કેટલી અડચણો છે તે તેમને ખ્યાલ આવત.

અણ્ણાનો ભારતપ્રવાસ સારો છે, પણ તેમણે સ્વામી વિવેકાનંદની જેમ એકલા પ્રવાસ કરવાની જરૂર છે. અને માત્ર અમદાવાદની મુલાકાત લેવાથી સમગ્ર ગુજરાતનો ચિતાર ન મળે. આ માટે ગામડેગામનો પ્રવાસ ખેડવો પડે. જો અણ્ણા આ રીતે પ્રવાસ કરશે તો તેમને ન માત્ર ગુજરાતનો સાચો ચિતાર મળશે, પણ અન્ય રાજ્યોનો પણ ચિતાર મળશે. લાગે છે કે અણ્ણાને હજુ ઉત્તરપ્રદેશ, જમ્મુ- કાશ્મીર, પ. બંગાળ, અરુણાચલ પ્રદેશ, આસામ, સિક્કિમ, તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, પંજાબ…વગેરે રાજ્યોના પ્રવાસ બાકી છે. ઉત્તરપ્રદેશમાં અણ્ણાને ખબર પડશે કે વિસ્થાપિતો ત્યાં પણ છે અને જમ્મુ-કાશ્મીરમાં તો કાશ્મીરી પંડિતોની આખી મોટી વિસ્થાપિત વસ્તી છે. અરુણાચલ પ્રદેશ, સિક્કિમ વગેરે ઈશાન ભારતોની સમસ્યા તો કેન્દ્ર સરકારના કાને જ પડતી નથી. તમિલનાડુમાં તો ભ્રષ્ટાચારની ગંગોત્રી જ વહે છે, ચાહે શાસક રાજા હોય કે રાણી. આસામમાં કેટલા ઘૂસણખોરો આવી ગયા છે તે અણ્ણાને ખબર જ હશે ને! અને હા! જ્યાંથી આખા ભારતનો વહીવટ થાય છે તે દિલ્લીમાં શીલા દીક્ષિત જેવાં મહિલા મુખ્યમંત્રીના રાજમાં સ્ત્રીઓની કેવી હાલત છે, ચાલુ કારે કેટલા બળાત્કારો થાય છે, રાત્રે મહિલાઓ બહાર નથી નીકળી શકતી, તે પણ અણ્ણા દિલ્હીમાં જંતર મંતરને છોડીને ફરશે તો તેમને ખબર પડશે.

અને અણ્ણાએ મહારાષ્ટ્રનો પ્રવાસ બરાબર કર્યો હશે? અમને લાગે છે કે નહીં. તો કદાચ તેઓ ‘ગોટાળાનું ગુજરાત’ બોલવાથી બચ્યા હોત. તેમણે એકલા મહારાષ્ટ્રનો પ્રવાસ કરવો જોઈએ તો તેમને ‘આદર્શ કોઓપરેટિવ હાઉસિંગ’ દેખાશે. ધારાવીનો મોટો સ્લમ વિસ્તાર દેખાશે. બાંગલાદેશી ઘૂસણખોરો તેમને દેખાશે. વિદર્ભમાં આત્મહત્યા કરતા ખેડૂતોની સમસ્યા તેમને જરૂર દેખાશે. અને તો કદાચ તેમને ‘તામચા પવારભાઉ’ પણ દેખાશે જે ભાવો વધારવામાં આગાહી કરીને અને અન્ય રીતે મોટો ફાળો આપતા રહ્યા છે. જીવનજરૂરી ચીજો પર સટ્ટો રમવાની છૂટ આપીને તેને મોંઘી કરનારા પણ તેમને દેખાશે. તેમને મુંબઈમાં ‘આમચા મરાઠી વિ. ત્યાંચા બિહારી’નો વિવાદ પણ દેખાશે (જેનો ગુજરાતમાં અભાવ છે). તેઓ કદાચ મુંબઈનો લોકલ ટ્રેનમાં પ્રવાસ કરે તો તેમને સમજાશે કે ભારતનો, ખાસ કરીને, સંતુલિત વિકાસ નહીં થવાના કારણે મુંબઈમાં વસતિથી ફાટફાટ થાય છે. અને હા, અમદાવાદમાંય તેમણે વ્યવસ્થિત આંટો માર્યો હોત તો તેમને ખ્યાલ આવ્યો હોત કે અમદાવાદ પણ ભવિષ્યનું મુંબઈ જ છે.

Advertisements

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

5 thoughts on “ગુજરાત : ગોટાળાનું, ભક્તોનું, સટોડિયાઓનું કે પછી ભગીરથોનું?

  1. અન્નાને કોઈ કાળે, હવે પછી ગુજરાતમા ના પધારે તેવું કરવાની જરૂર છે … શાંતિ માટે !!!

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s