Posted in national

અણ્ણાનું આંદોલન : નવનિર્માણ અને બોફોર્સના આંદોલનોનું પુનરાવર્તન તો નહીં થાય ને?

અણ્ણા હઝારે અને અરવિંદ કેજરીવાલ – કિરણ બેદી વગેરે કેટલાક માથા ફરેલા લોકોએ જે આંદોલન છેડ્યું છે તેનો વ્યાપ દિવસે ને દિવસે એટલો જબરદસ્ત વધી રહ્યો છે કે જો ‘રાવણ’ જેવી કેન્દ્ર સરકાર માનશે નહીં તો તેને ૨૦૧૪ની ચૂંટણીમાં સત્તા ગુમાવવી પડશે.

આ આંદોલનની તરફેણમાં પૂરેપૂરા હોવા છતાં ભૂતકાળના બે આંદોલનોના કારણે અણ્ણાના આંદોલનની સાચા અર્થમાં પરિણમી સફળતા (સમર્થનની રીતે તો સફળ છે જ, પણ ઈચ્છિત પરિણામ) મળશે કે કેમ તે અંગે જરા સંશય ઉત્પન્ન થાય છે. જોકે આ સંશયનું નિરાકરણ આપવાનો પણ અહીં પ્રયાસ કર્યો છે.

સંશય જાણવા માટે સૌ પ્રથમ ભારતના નજીકના ત્રીસેક વર્ષના ઇતિહાસમાં ડોકિયું કરવું રહ્યું. ૧૯૭૫માં અમદાવાદથી શરૂ થઈને પછી લોકનાયક જયપ્રકાશ નારાયણના વડપણ હેઠળ ભ્રષ્ટાચાર સામે અત્યાર જેવું જ જબરદસ્ત આંદોલન છેડાયું હતું. એ વખતે હજુ તો ભાખોડિયા ભરતા હતા એટલે પ્રત્યક્ષ જોયું નથી, પરંતુ તેના વિશે વાંચ્યું છે તે પણ ઓછું રોમાંચકારી નથી. દુ:ખની વાત એ છે કે એ વખતે પણ કોંગ્રેસ સરકાર હતી અને ઇન્દિરા ઇઝ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇઝ ઇન્દિરા જેવું સૂત્ર હતું. ઇન્દિરા ગાંધીએ અહંકારમાં ને અહંકારમાં કટોકટી લાદી દીધી. પરિણામે આંદોલનનો પ્રથમ હેતુ બની ગયો – કટોકટીને હટાવવાનો. આ આંદોલનનું પરિણામ શું આવ્યું? એ જ કે પહેલી વાર બિનકોંગ્રેસી વિપક્ષો એકઠા થયા ને જનતા પક્ષની રચના થઈ. શંભુમેળા જેવી સરકાર આવી અને આર.એસ.એસ.ના નામે તૂટી ગઈ. ભ્રષ્ટાચાર દૂર થયો? ના.

વર્ષ ૧૯૮૯. વી. પી. સિંહ નામના એક કોંગ્રેસના કેન્દ્ર સરકારના મંત્રી બોફોર્સ તોપ સોદામાં થયેલી જબરદસ્ત કટકીના મુદ્દે રાજીનામું આપે છે. સંસદમાં વિરોધપક્ષોના સાંસદો રાજીનામાં આપે છે. ભાજપ અને ડાબેરી પક્ષો પહેલી વાર સાથે આવે છે અને વી. પી. સિંહ જનતા દળ નામનો નવો પક્ષ રચે છે. લોકો તેમની સભાઓમાં ઉમટી પડે છે. આ સભામાં આ લખનાર પણ કિશોર અવસ્થામાં ગયો હતો એટલે ખબર છે. એ વખતેય જનતા ઈચ્છતી હતી કે ભ્રષ્ટાચાર દૂર થવો જોઈએ. લોકોએ વી. પી. સિંહમાં પ્રમાણિક માણસના દર્શન કરેલા. ખૂબ આશાઓ જગાવેલી વી. પી. સિંહે. પણ એ આંદોલનનું પરિણામ શું આવ્યું? જનતા દળે ભાજપ અને ડાબેરીઓના બહારથી ટેકા સાથે સરકાર રચી. એક – દોઢ વર્ષમાં જ એ સરકાર પણ તૂટી ગઈ. પણ એ એક દોઢ વર્ષમાંય બોફોર્સ કેસના દોષીતોને જેલમાં પકડવામાં આવ્યા હતા? જવાબ બધાને ખબર જ છે.

ટૂંકમાં, ઉપરોક્ત બંને આંદોલનો જબરદસ્ત હતા. દર વખતે આંદોલનના પરિણામ રૂપે એક નવો પક્ષ રચાય છે અને સરકાર પણ આવે છે, પરંતુ સરકાર ટકતી નથી અને ભ્રષ્ટાચાર સામે પણ જોઈએ તેવા પગલાં લઈ શકતી નથી કે લેવાતાં નથી. ૧૯૭૫માં તો ઘણાં સારાં કામો થયેલાં જેમ કે સોંઘવારી આવી હતી, સરકારી વાજિંત્રો જેવાં દૂરદર્શન અને રેડિયો ને સ્વાયત્ત કરવા પ્રસાર ભારતીનો ખરડો લવાયો હતો. પણ વી. પી. સિંહ વખતે તો મંડળ (મંડલ પંચની અનામત માટેની ભલામણોના અમલ) – કમંડળ (ભાજપના અયોધ્યા આંદોલન)માં જ ટકરાવ થતો રહ્યો. પરિણામે સરકાર તૂટી ગઈ. આ વખતેય ક્યાંક એવું તો નહીં થાય ને એવો ડર ઇતિહાસ જોતા સતાવે છે. કોંગ્રેસને સત્તા ટકાવવાની અને ગુમાવી હોય તો મેળવવાની જબરદસ્ત ફાવટ છે.

કોંગ્રેસ વારંવાર કહે છે (૨૧મીએ નાણાપ્રધાન પ્રણવ મુખર્જીએ પણ કહ્યું) કે અણ્ણાના સાથીઓ જાણે સાંસદ હોય તેમ વર્તે છે. કોંગ્રેસ એમ પણ કહે છે કે અણ્ણા અને તેમના સાથીઓ સાંસદો નથી, કાયદો ઘડવો હોય તો સંસદમાં આવો. આ દાવથી પ્રેરાઈને જો અણ્ણા અને તેમના સાથીઓ સંસદમાં જશે તો કોંગ્રેસ કહેશે, જોયું? આમને તો સત્તા જ જોઈતી હતી!

જોકે મન પાછું એવી દલીલ કરે છે કે ભૂતકાળનાં બે આંદોલન કરતાં અણ્ણાનું આ આંદોલન જુદું છે. અગાઉના બંને આંદોલન પૈકી નવનિર્માણના આંદોલન ખરેખર નિઃસ્વાર્થ આંદોલન હતું, પરંતુ કટોકટી લદાતા તેની શક્તિ કટોકટીને ઉઠાવવા પાછળ જ ખર્ચાઈ ગઈ. એ વખતે આંદોલન મુખ્યત્વે બિનકોંગ્રેસી રાજકીય પક્ષો (મુખ્યત્વે ભારતીય જનસંઘ જે અત્યારે ભાજપ નામે ઓળખાય છે)ની દોરવણીમાં ચાલ્યું હતું. વી. પી. સિંહનું આંદોલન પણ રાજકીય મહત્ત્વાકાંક્ષાથી પ્રેરિત હતું તેવું પછીથી સમજાઈ ગયું હતું. વર્તમાન આંદોલન – અણ્ણા હઝારેના આંદોલનની ખાસિયત અને સારી વાત એ છે કે તેમણે કોઈ રાજકીય પક્ષોને કે રાજકીય નેતાઓને પોતાની સાથે જોડ્યા નથી. એટલે આવું થવાનો ઓછો સંભવ છે.

ફરી પાછું મન દલીલ કરે છે કે માનો કે આ જ કારણે તમામ રાજકીય પક્ષો એક થઈને અણ્ણાના આંદોલનને મચક ન આપે તો? તો કદાચ અણ્ણા અને તેમના સાથીઓ પોતાનું ધ્યેય (જે અત્યારે દેખાય છે તેમ ભ્રષ્ટાચારને હટાવવા માટે લોકપાલ ખરડો પસાર કરાવવાનું જ છે તેમ માની લઈએ) પાર પાડવા માટે બે વર્ષ પછી આવતી ચૂંટણીમાં ઝંપલાવે અને સંસદમાં ચૂંટાઈ પણ જાય, તો શું ફરી ૧૯૭૫ અને ૧૯૮૯નો ઇતિહાસ દોહરાશે?

ફરી મન આશા જગાડે છે કે ભવિષ્યમાં જે થવાનું હોય તે થાય, પણ અત્યારે તો આ આંદોલન સાચી દિશામાં જ ચાલી રહ્યું છે.

Advertisements

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

2 thoughts on “અણ્ણાનું આંદોલન : નવનિર્માણ અને બોફોર્સના આંદોલનોનું પુનરાવર્તન તો નહીં થાય ને?

  1. જયવંતભાઈ નવ નિર્માણ આંદોલન અને જેપીનું આંદોલન જો મારી યાદશક્તિ દગો ના દેતા હોય તો અલગ અલગ સમયે થયેલા. નવ-નિર્માણ આંદોલન એલ.ડી. એંજીનીયરીગ કોલેજની હોસ્ટેલમાં ફૂડ ના ભાવ વધારામાંથી પ્રગટેલું. જ્યારે જેપીનું આંદોલન ઈંદીરાની ચૂંટણી અલ્હાબાદ હાઈકોર્ટે ગેરકાયદે ઠરાવેલી અને તે માટે શશીભૂષણ રાજનારાયણ તરફથી વકીલ હતા ! આ અદાલતના ફેંસલાને પરિણામે રાતોરાત તે સમયના રાષ્ટ્રપતો ફકરૂદીન અહમદ પાસે રાતોરાત કટોકટી જાહેરા કરવાના વટહુકમ ઉપર ઈંદીરાજીએ સહી કરાવેલી. નવ નિર્માણ અંદોલન ગુજરાત પૂરતું મર્યાદિત હતું અને પરાકાષ્ટાએ પહોંચેલું ત્યારે ગુજરાતના લોકોએ-વિધ્યારથિઓએ ધારસભ્યોના રહેણાકને ઘેરો કરી જીવવું હરામ કરી દીધેલું અને રાજીનામા આપવાની ફરજ પાડવામાં આવા હતી. આપ જરા ત્યારની સાચી પરિસ્થિતિ તપાસી લેશો. મેં તો મારી યાદ દાસ્ત ઉપરથી લખ્યું છે.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s