Posted in gujarat, national

મોદી વિ. નીતીશકુમાર : વડા પ્રધાન બનવા મોદીએ ઘણું બદલાવવું પડશે

આજે લાલકૃષ્ણ આડવાણીએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનચેતનાયાત્રાનો પ્રારંભ કર્યો છે. પણ કોંગ્રેસ સામે ભાજપમાંય ભ્રષ્ટાચાર ઓછો નથી, વળી ભાજપ હવે કોંગ્રેસના પ્રતિબિંબ જેવો બનતો જાય છે. તેણે ફાઇવસ્ટાર કલ્ચર અપનાવ્યું છે. આડવાણીજીય હેલિકોપ્ટરમાં અને અદ્યતન સગવડો ધરાવતી બસમાં મુસાફરી કરવાના છે. ભાજપે થોડા વર્ષો પહેલાં જે અધિવેશન કરેલું તેમાં તંબૂ ફાઇવસ્ટાર કલ્ચરને આંટી મારે તેવા હતા. આવો દેખાડો ભાજપના મતદારને ભાજપથી દૂર લેતો જાય છે. ભ્રષ્ટાચાર અને મોંઘવારી સામે પહેલાં કોઈ રાષ્ટ્રવ્યાપી આંદોલન ન કર્યું અને અણ્ણા તેમજ રામદેવ બાબાએ આંદોલન કર્યું તો તેને વટાવી ખાવા હવે આડવાણીજી નીકળી પડ્યા છે.

ઠીક છે. આ વાતથી હવે બીજી વાત કરીએ. ૨૦૧૪માં વડા પ્રધાન બનવા માટે જે અનેક લોકો મેદાનમાં છે, તેમાં નરેન્દ્ર મોદી અને નીતીશકુમાર પ્રમુખ છે. આ બંનેએ પોતપોતાના રાજ્યમાં વિકાસ સાધ્યો છે અને તેની અમેરિકાની કોંગ્રેસ (સંસદ)ની એક સંસ્થાએ પણ પ્રશંસા કરી છે. કેટલાક કહે છે કે કોંગ્રેસની આ સંસ્થાના રિપોર્ટનું કંઈ મહત્ત્વ નથી. મહત્ત્વ એટલા માટે છે કે તેનાથી ત્યાંના સાંસદોનો અભિપ્રાય બંધાવા લાગ્યો છે. હવે મોદી અને નીતીશકુમારની ચર્ચા કરીએ તો આ બંને વૃશ્ચિક રાશિના વિકાસપુરુષો વચ્ચે ચર્ચા સ્વાભાવિક છે, ખાસ તો જ્યારે તેઓ વડા પ્રધાન બનવાનાં સપનાં જોઈ રહ્યા છે અથવા તો તેમને સપનાં દેખાડવામાં આવી રહ્યા છે.

એમાં કોઈ શંકા નથી કે બંનેએ પોતપોતાના રાજ્યમાં વિકાસ સાધ્યો છે, પણ જો સરખામણી કરીએ તો નીતીશકુમારની તરફેણમાં પલ્લું ઝૂકતું લાગે છે. મોદીચાહકોને આ વાત નહીં ગમે, પણ આ વાત સત્ય છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સધાયેલા વિકાસનો એટલો જ પ્રચાર થયો છે. તેમણે જે કંઈ કર્યું છે તે મોટા ફલક પર કર્યું છે. સદ્ભાવના ઉપવાસ કર્યા તો પણ મોટા ફલક પર. નીતીશકુમાર આવા દેખાડાથી સામાન્ય રીતે દૂર રહે છે, જે તેમનું જમા પાસું છે.

અહીં સદ્ભાવના ઉપવાસમાં આવીને નવજોતસિંહ સિદ્ધુ અને અન્ય લોકો જે બફાટ કરી ગયા કે પહેલાં ગુજરાત કંગાળ હતું અને હવે સમૃદ્ધ થયું છે તેના સંદર્ભમાં આ લોકોને લાફા મારવાનું મન થાય. ગુજરાત ક્યારેય કંગાળ હતું જ નહીં. એમાં કોઈ શંકા નથી કે નરેન્દ્ર મોદીએ ગુજરાતને સબળ નેતૃત્વ પૂરું પાડ્યં છે અને વધુ સબળ બનાવ્યું છે. ૨૦૦૧માં કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે મોદીજી ગુજરાતમાં નહોતા. એ વખતે કેટકેટલી સહાય આવી હતી? કેટલી ઝડપથી કચ્છ બેઠું થઈ ગયું હતું? તે પછી કચ્છમાં વાવાઝોડું પણ આવ્યું હતું.

ગુજરાતનો અવાજ રાષ્ટ્રીય સ્તરે ગૂંજતો કરનારા નેતામાં મને ચીમનભાઈ પટેલનું નામ સ્મરે છે. (અલબત્ત, તેમના વખતમાં અપરાધીઓને છૂટો દોર અને ભ્રષ્ટાચારના આક્ષેપો ઘણા થયેલા.) જોકે મોદીજીના વખતમાં ગુજરાત વધુ ચર્ચામાં રહેવા લાગ્યું છે. ગુજરાતમાં વિકાસનું કામ અટકી પડ્યું છે તેનો દાખલો બીજે ક્યાંય નહીં પણ તેની આર્થિક રાજધાની અમદાવાદના રસ્તા જોવા પડે. એટલા ખાડા છે અને માર્ગો પર માત્ર રિસર્ફેસિંગ જ થાય છે. અને ફૂટપાથ તો માત્ર નામની જ. ગેરકાયદે દબાણોના કારણે તેના પર પદયાત્રી ચાલી જ ન શકે. ગુજરાતમાં ગુનાખોરી કેટલી વકરી છે અહીં. (એમાં જોકે પોલીસનું નબળું પડેલું મનોબળ પણ કહી શકાય અને બીજું કારણ ગુજરાતમાં વધેલી પરપ્રાંતીયોની સંખ્યા પણ છે.)

નીતીશકુમાર હંમેશાં લોપ્રોફાઇલ રહીને કામ કરે છે. તેમની ખાસ સ્ટાઇલની તસવીરો વેબસાઇટ પર જોવા મળતી નથી. તેમણે ક્યારેય ખોટા ‘હુંકારો’ કર્યા નથી કે નથી કર્યા દાવા. મોદીજી જ્યારે રાષ્ટ્રીય ચેનલ કવરેજ કરતી હોય કે ન કરતી હોય, હિન્દીમાં પ્રવચન આપે છે, પરંતુ મહારાષ્ટ્રના બાળ ઠાકરેને જ્યારે પ્રવચન કરવાનું હોય ત્યારે તેઓ મરાઠીમાં જ પ્રવચન કરે છે અને છતાંય તેમની ત્રાડ દેશભરમાં સંભળાય છે. એટલે ગુજરાતીમાં મોદીજી પ્રવચન કરે તોય તેમની વાત દેશભરમાં પહોંચી જ શકે.

નીતીશકુમાર હિન્દુ અને મુસ્લિમોમાં સરખા લોકપ્રિય છે. તેમણે તુષ્ટીકરણની નીતિ બહુ ખાસ અપનાવી હોવાનું જણાયું નથી. અલબત્ત, નીતીશકુમારની ગાડીમાં પંક્ચર કરવા માટે તેમના પક્ષના પ્રમુખ શરદ યાદવ તેમની ભાષા થકી પ્રયાસો કરતા રહે છે. એ બાબતમાં નીતીશ અને મોદી બંને વચ્ચે સમાનતા છે. મોદીની જ નહીં, ભાજપની ગાડીમાં નીતીન ગડકરીની ભાષાના કારણે પંક્ચર પડતું રહે છે. ગડકરી જેવી ભાષા વાપરે છે તેવી આજ સુધી ભાજપના કોઈ નેતાએ વાપરી નથી. પ્રહારો બધાએ કર્યા છે, પણ અટલ બિહારી વાજપેયી, ગોવિંદાચાર્ય, લાલકૃષ્ણ આડવાણી, મુરલી મનોહર જોશી, કુશાભાઉ ઠાકરે, પ્રમોદ મહાજન, સુષમા સ્વરાજ અને અરુણ જેટલીએ ક્યારેય ગડકરી જેવી ભાષા વાપરી નથી.

નીતીશકુમાર જમીની હકીકતથી અને જમીની જીવનશૈલીથી વધુ નજીક છે. તેમણે મોદી જેવી સ્ટાઇલો ક્યારેય અપનાવી નથી. ગોગલ્સ, સૂટ વગેરેમાં તેમણે તસવીરો પડાવી હોય તેવું જાણવા મળ્યું નથી. વળી, તેમણે ઉદ્યોગપતિઓને બોલાવીને તમાશા કર્યા હોવાનું સમાચારમાં આવ્યા નથી. મોદીને પોલીસ તરફથી જેટલી બદનામી અને તકલીફ પડી રહી છે તેટલી નીતીશને પડી નથી. રમખાણો કે અન્ય કોઈ મુદ્દે તેમને આટલી બદનામી સહેવી નથી પડી.

છેલ્લે, નીતીશકુમારની તરફેણમાં વધુ પલ્લુ એટલા માટે નમે છે કે તેમને જે બિહાર મળ્યું હતું તે અપરાધોથી ભરપૂર અને એકદમ પછાત તરીકે વગોવાયેલું અને ખરેખર એવું જ બિહાર હતું. રાજકારણમાં અપરાધીઓ અને મસલ્સ પાવરની બોલબાલા હતી. આવા બિહારમાં તેમણે વિકાસ સાધ્યો છે. મોદીજીને મળેલું ગુજરાત તો સમૃદ્ધ હતું જ, હા, તેમણે તેને વધુ સમૃદ્ધ બનાવ્યું છે અને રાષ્ટ્રીય ફલક પર ચર્ચામાં મૂકી દીધું છે તે જરૂર.

એટલે મોદીજીને ૨૦૧૪માં કે એ પહેલાં ચૂંટણી આવી પડે તો ત્યારે, વડા પ્રધાન બનવું હશે તો ઘણું બધું બદલાવું પડશે. અગાઉ ઘણા મુદ્દે તેમની મેં પ્રશંસા કરી છે, પરંતુ જે નકારાત્મક બાબતો તેમને નડી રહી છે તે પણ મારે મૂકવી જોઈએ એમ મને લાગ્યું એટલે આ લખ્યું છે.

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

5 thoughts on “મોદી વિ. નીતીશકુમાર : વડા પ્રધાન બનવા મોદીએ ઘણું બદલાવવું પડશે

 1. નરેન્દ્ર મોદી વિશેનો આ લેખ કોઈ પણ જાતના પક્ષપાત વિના સાચા
  દ્રષ્ટિ બિંદુથી રજુ કરાયો છે,મોદીએ ઘણા લોકપ્રિય થવાના જુદાજુદા ઘણાય
  ‘ચેનચાળા’ કર્યા તેમાં અમુકમાં તે સફળ થયા છે પણ ગુજરાતનો ‘આમ આદમી’
  હજુ પણ ત્યાંનો ત્યાંજ છે,ગુજરાતમાં જે જમીનની વેચવાલીમાં બદમાશી અને
  નફાખોરીની સાઠગાંઠ સ્થાપિત હક્કોની છે તે માટે મોદીની સરકારે કંઈ નથી
  કર્યું, મોદી જેટલા આ બાબતે દુર્લક્ષ સેવે છે તે નવાઈની વાત છે,સારો વહીવટ
  તેનેજ કહી શકાય કે ‘આમઆદમી’ની જરૂરીયાત સરળ અને સસ્તી હોય આજે
  ગુજરાતના શહેરો એટલાં મોંઘાઈથી ખદબદે છે કે જાણે યુરોપના દેશોની હરીફાઈ
  કરતા હોઈ,રાશન પર મળતી ચીજોતો તદ્દન ત્રીજા દરજ્જાની હોય છે અને નબળી
  આવક વાળાને ના છૂટકે તેનાથી ચલાવી લેવું પડે છે,ગુજરાતની કોન્ગ્રેસ્સ પણ
  હુંસાતુંસીમાંથી અને મોદીને ગાળો ભાન્ડાવામાંથી નવરી નથી થતી તેમને કોઈ
  એવું કામ નથી કર્યું કે લોકો તેને આવતી ચૂટણીમાં મત આપે,’સાલા’ બધાયને
  ખુરશી જોઈએ છે અને સત્તા પર આવતા પૈસાની ટંકશાળ પાડવી છે!!
  ચૂંટાઈ આવે તે માટે જાતજાતના વચનો આપવામાં ‘શુરા’ છે પણ ‘અબી
  બોલા અબી ફોક’ જેવો તાલ છે!! લોકોપણ જ્ઞાતિ,જાતના ‘વાડા’માં પૂરાઈને
  પોતાનેજ નુકશાન પહોંચાડી રહ્યા છે,તેમની આંખ ક્યારે ખુલશે તે ખબર નથી!!
  મોદીને તેમના વિષે લખાયેલ મૂળલેખ તેમને પહોચાડવાની જરૂર છે.

 2. ભાઈ શ્રી,

  એક ગુજરાતી હોવા છતાય આપે બિહારનું વાસ્તવિકતા ભર્યું ચિત્ર દર્શાવ્યું છે તે ખરેખર

  અવર્ણનીય છે. ગુજરાત તો ૧૯૬૦ થી વિકાસ કરી હરદમ આગળ વધતું રહ્યું છે. બીજું કે

  શ્રી નરેન્દ્રભાઈએ સાચા વિકાસ પુરુષ બનવું હશે તો આમ કાર્યકર અને આમ આદમીને

  નીતીશકુમાર જેમ મળવું પડશે. કોમન મેં ક્યા સુધી કમાન્ડોના પડછાયામાં રહેશે.

  સાચી વાત રજુ કરવા બદલ ધન્યવાદ.

 3. Perfect….Very Very Ture, Eveything !!! Whatever you wrote…accepted.
  Canadian Gujarati Patel

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s