Posted in bhavnagar, society

શિક્ષક દિન: જીવનમાં ગુણ આવે તેવું આજના શિક્ષકો શીખવે છે?

આજે શિક્ષક દિવસ છે. શિક્ષક કહેતાં ગુરુની ગરીમાનો દિવસ છે. હિન્દુ સંસ્કૃતિમાં ગુરુનો ખૂબ જ મહિમા છે, પણ ખરેખર આજે શિક્ષકને ગુરુ કહી શકાય? ગુરુ એટલે જે જીવનમાં ડગલે ને પગલે માર્ગદર્શન પૂરું પાડે. આજે મોટા ભાગના શિક્ષકો માત્ર થોડું ઘણું ભણાવીને ‘છૂટી જાય છે’. શું આજના શિક્ષકો પ્રત્યે વિદ્યાર્થીઓને આદર થાય તેવું રહ્યું છે? શું આજના શિક્ષકો તેમને ત્યાં ટ્યૂશનમાં ન આવતા વિદ્યાર્થીઓ પ્રત્યે ગુણો (માર્ક) આપવામાં તટસ્થ રહી શકે છે? શું આજના શિક્ષકો તેમના વિદ્યાર્થીને જીવનમાં ગુણ આવે તેવું શીખવે છે કે પછી માર્ક આવે તેવું જ શીખવે છે? આજના વિદ્યાર્થીઓને તેમના શિક્ષક રસ્તામાં મળે તો રસ્તામાં પગે લાગવાનું મન થાય તેવું બને ખરું?

મારી વાત કરું તો, મારું ચાર ધોરણ સુધીનું શિક્ષણ રાણાવાવમાં થયું. રાણાવાવમાં સરલાબહેન ભણાવતાં. તાવમાં વાર્ષિક પરીક્ષા આપેલી ત્યારે અંગત કાળજી લીધી હતી તે યાદ છે. પાંચમું ધોરણ વડોદરામાં કર્યું, તે પછી છથી દસ ધોરણ ભાવનગરની પ્રખ્યાત શાળા (એટલે કે સ્કૂલ) શિશુવિહારમાં ભણ્યો. શિશુવિહારમાં પ્રાથમિક અને માધ્યમિક બંને શાળાઓ અલગ-અલગ નામોથી ઓળખાય. બંનેના આચાર્યો (હેડ માસ્ટર અથવા પ્રિન્સિપાલ) પણ અલગ. પરંતુ બંનેના આચાર્યોથી માંડીને શિક્ષકો સુધી…ઉત્તમ વિદ્યાર્થીઓ તૈયાર કરવા માટે અંગત કાળજી લે. શિશુવિહારમાં તો વાતાવરણ જ એવું. પ્રાર્થના ઉપરાંત ‘ગુરુજીના નામની હો માળા છે ડોકમાં’, ‘પાંડુરંગ વિઠ્ઠલા, કોણે કોણે દીઠ્ઠલા’ જેવાં ભજનો પણ ગવડાવાય અને સુંદર મજાની વાર્તા પણ કહેવાય. વળી, બાજુમાં જ સ્વ. માનભાઈ ભટ્ટનું ક્રીડાંગણ અને એમાં દિવ્ય જીવન સંઘ જેવી સંસ્થા. એટલે સુલેખન સ્પર્ધા પણ થાય.

પ્રાથમિકમાં પ્રફુલ્લાબહેન ત્રિવેદી, રંજનબહેન, જ્યોતિબહેન ભટ્ટ, જ્યોતિબહેન વૈષ્ણવ, શિક્ષકો હતા. છઠ્ઠા ધોરણમાં વર્ગશિક્ષક પ્રફુલ્લાબહેન તો મારા મામીના બહેન થાય પરંતુ તોય કડક-શિસ્તબદ્ધ જ. ભણાવવામાં સંબંધ ક્યાંય વચ્ચે ન આવે. વળી, મારા પિતાના ફઈ, સ્વ. નલીનીબહેન ત્રિવેદી પણ આ જ શાળામાં હતાં, પરંતુ તેમના લીધે પણ ક્યારેય કોઈ લાભ-ફાયદો નહીં. એવો વિચાર સુદ્ધાં ન આવે. ન મારાં માતાપિતાને કે ન શિક્ષકોને.

શિશુવિહારના માધ્યમિક વિભાગમાં કિશોરભાઈ ભટ્ટ આચાર્ય હતા. તો શિક્ષકો તરીકે જાનાભાઈ શ્યારા, નરેન્દ્રભાઈ ભટ્ટ, ભાવનાબહેન ભટ્ટ, હર્ષાબહેન ભાર્ગવ, ઇન્દિરાબહેન ભટ્ટ, શરદભાઈ ભટ્ટ, હસમુખભાઈ, જ્યોત્સનાબહેન ભટ્ટ, અનિલભાઈ ભટ્ટ વગેરે હતા. આ બધાંય શિક્ષકો રસ્તામાં મળે તો પણ અમે વિદ્યાર્થીઓ તેમને રસ્તામાં બે હાથ જોડી માથું નમાવી નમસ્તે કહેતા. એટલો આદર કરવાનું મન થતું. સાચું કહું તો કૉલેજમાં આવીને સર પી.પી. ઇન્સ્ટિટ્યૂટના ભરતભાઈ રાવલ સિવાય આવો આદર આપવાનું મન એકેય પ્રાધ્યાપક (પ્રૉફેસર)ને થયું નહીં. પ્રખરતા કસોટી સ્પર્ધા કે શિષ્યવૃત્તિની પરીક્ષા હોય તો, શિષ્યવૃત્તિ માટે અલગ સમયમાં વર્ગ લેવાતા. આવી પરીક્ષાના ફોર્મ ન ભર્યા હોય તો આદરણીય જાનાભાઈ શ્યારા જેવા શિક્ષક ઘરે આવીને પણ ફોર્મ ભરાવી જાય અને ભણાવે પણ ખરા. નરેન્દ્રભાઈ અને જાનાભાઈ તો વળી, વિજ્ઞાનમેળા માટે પણ મહેનત કરાવે. અનિલભાઈ ભટ્ટ જેવા સાહેબ, અંગ્રેજી વ્યાકરણની સરળ સમજૂતી આપતું પુસ્તક તૈયાર કરાવે તો શાળામાં નંબર મેળવનાર વિદ્યાર્થી તરીકે આવા પુસ્તક ભેટમાં પણ આપે. આઠમા ધોરણમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે શાળામાં યોજાયેલી વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો તો તે પછી ૧૪ સપ્ટેમ્બરે હિન્દી દિન નિમિત્તે ભાવનગર શહેરની શાળાઓની વકતૃત્વ સ્પર્ધા યોજાવાની હતી ને તેમાં હિન્દીમાં બોલવાનું હતું તો આદરણીય શરદભાઈ ભટ્ટ મને આચાર્ય કિશોરભાઈ ભટ્ટના ઘરે લઈ ગયા ને ત્યાં ટેપ રેકોર્ડ પર કેવી રીતે બોલવું તે રેકોર્ડ કરાવ્યું. તે પછી તેઓ પોતાના ઘરે લઈ ગયા ત્યાં રોટલો ને શાક ખવડાવી ને પછી વકતૃત્વ સ્પર્ધાની તૈયારી કરાવડાવી. આવી ખેવના આજના શિક્ષકોમાં જોવા મળે? જો કોઈ દાખલો આપે તો આનંદ થશે.

દસમા ધોરણમાં મેરિટ તો હતું જ ૭૫ ટકા આવેલા, અને દસમા ધોરણ પછી વિજ્ઞાન પ્રવાહ (સાયન્સ સ્ટ્રીમ) નહોતી એટલે શાળા બદલવી પડે તેમ હતું. મેરિટના આધારે બી.એમ. કોમર્સમાં પ્રવેશ (એડમિશન) મળી ગયેલો પરંતુ શિશુવિહારના આદરણીય નરેન્દ્રભાઈ ભટ્ટે બી.એમ. કોમર્સના જીવવિજ્ઞાન (બાયોલોજી)ના શિક્ષિકા પ્રજ્ઞાબહેનને ભલામણ કરી દીધેલી..એ રીતની કે છોકરો ભણવામાં તો હોશિયાર છે ઉપરાંત વકતૃત્વ સ્પર્ધા જેવી ઇત્તર પ્રવૃત્તિમાં ભાગ લે છે. પ્રજ્ઞાબહેનની સાથે વંદનાબહેન પંડ્યા રસાયણશાસ્ત્ર (કેમિસ્ટ્રી)ના શિક્ષિકા. તે તેમને આ વાતની ખબર પડી ને ૧૧મા ધોરણમાં વર્ગમાં ભણતી વખતે સવાલો પૂછે ને હું જવાબ આપું. એટલે તેમને લાગણી ખરી. ૧૧મા ધોરણમાં હતો ને એક વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેવાનું ફોર્મ ભર્યું નહોતું ને વંદનાબહેને બરાબરનો ઉધડો લીધો ને ફોર્મ ભરાવડાવ્યું. ૧૧-૧૨ ધોરણમાં બી.એમ. કોમર્સના મહેશભાઈ ધાંધલા ને પ્રશાંતભાઈ મહેતા (પીજી મહેતા)નું પણ ઉત્તમ માર્ગદર્શન મળ્યું.

આવા શિક્ષકો મને મળ્યા તેથી મને ગર્વ છે. કોલેજમાં તો સાવ ઉપરછલ્લો સંબંધ થઈ ગયો. પ્રોફેસરો આવે ને ભણાવીને ચાલ્યા જાય. અંગત કાળજીની વાત કેવી? ભણાવે તેય ઉપરછલ્લું. તમારી રીતે મહેનત કરી લેવાની. પણ સર પી. પી. ઇન્સ્ટિટ્યૂટમાં, ઉપર કહ્યું તેમ ભરતભાઈ રાવલ કેમિસ્ટ્રીના શિક્ષક હતા. તેમને જોઈને લાગે કે અભિનેતા અનિલ કપૂર તેમને ગમતો હશે. તેમણે કોલેજનું પ્રથમ વર્ષ પૂરું થવામાં હતું ત્યારે ફેબ્રુઆરીમાં એક તાસ (પિરિયડ)માં પ્રેરણાદાયક વાતો કરી કે તમે બી.એસસી.માં આવ્યા છો અને તમને મેડિકલ કે એન્જિનિયરિંગમાં એડમિશન નથી મળ્યું એટલે એમ નહીં સમજવાનું કે તમે પાછળ રહી ગયા છો. બી.એસસી. પણ ઉત્તમ છે અને તે કરીને પણ સારી કારકિર્દી બનાવી શકાય છે. કોલેજ પૂરી કર્યા પછી વિકાસ વર્તુળના ‘સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શન’માં ‘બી.એસસી. પછી શું?’નો લેખ લખ્યો તેની પાછળ પ્રેરણાબળ કદાચ, ભરતભાઈએ આપેલું આ ઉત્તમ જીવનપ્રેરક લેક્ચર હતું. આભાર ભરતભાઈ.

બી.એસસી. પછી ડી.બી.એમ.માં એડમિશન મળ્યું. પરંતુ તે પછી એમ.સી.એ.માં એડમિશન મળી જતાં ડીબીએમમાં માત્ર છ મહિના જ ભણવા મળ્યું પરંતુ તેમ છતાં ડીબીએમના પ્રોફેસર રજનીકાંત પી. પટેલ, જેઓ અત્યારે જીએચ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, વલ્લભ વિદ્યાનગરના હેડ છે, તેઓ કોઈ મહાનુભાવ ડીબીએમમાં લેક્ચર લેવાના હોય તો મને તેમાં હાજર રહેવા કહે. નહીં તો તેમને શું પડી હોય? તેઓ એમ વિચારી શકે કે હવે તો જયવંતને એમસીએમાં એડમિશન મળી ગયું છે, તેને ડીબીએમમાં લેક્ચરમાં બોલાવીને શું કામ? પરંતુ ના. તેમને થતું કે જયવંત ભલે એમસીએ કરે છે, પરંતુ તેને ડીબીએમમાં સારું લેક્ચર હોય તો બોલાવવો જોઈએ.

મને તો આવા ઉત્તમ શિક્ષકો મળ્યા તેનું ગર્વ છે. આજના વિદ્યાર્થીઓ તેમનું જાણે!

Advertisements

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

One thought on “શિક્ષક દિન: જીવનમાં ગુણ આવે તેવું આજના શિક્ષકો શીખવે છે?

  1. આજનું ભણતર માત્ર પરીક્ષા લક્ષી અને ટકા પાછળ દોડનારું બની ચૂક્યું છે અને તેમાં વધુ દોષ વાલીઓનો છે. વાલીઓને પોતાના બાળકને બધુ એટલે બધૂં જ પાણી પાઈ દેવું છે અને તેથી ટ્યુસનનો મેનીઆ અને ખાનગી શાળાઓ વધુ અને વધુ ફી ઉઘરાવી શિક્ષણને ધંધાનું સ્વરૂપ આપી રહ્યા હોય ત્યારે શિક્ષકો પણ એજ સ્તર અને કક્ષાના મળે તો તે નવાઈ જેવું નહિ લાગવું જોઈએ. અરે બિચારા બાળકોનું બાળપણ છીનવાઈ રહ્યું છે અને તેનો કોઈને અફસોસ કે દુઃખ નથી.ખેર ! અમારા જેવા તો જૂની પેઢીના ગણાય તેથી અમારો અભિપ્રાય અત્યારના નવા જમાનાની પેઢી હસી કાઢે છે.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s