Posted in national

‘મારે શું’માંથી ‘આપણી ચિંતા’ની માનસિકતા અપનાવવી જરૂરી

દિલ્હીમાં સામૂહિક બળાત્કારનો ભોગ બનીને મૃત્યુ પામેલી હતભાગી બાળાના મિત્રે હિંમત દાખવીને ટીવી પર આવવાનું સાહસ કર્યું ને પોતાની આપવિતી કહી. પીસીઆર વાનવાળા કયા પોલીસ સ્ટેશનમાં આ કેસ આવે તે નક્કી કરતાં રહ્યા, કોઈએ કપડાં ન આપ્યાં…વગેરે પાષાણહૃદયીનું પણ હૈયું પીગળી ઊઠે અને આંખ ભીની થયા વગર ન રહે તેવી વાતો કરી. બહુ અઘરું કામ હતું એ. આ યુવાને એ વાત પણ કરી કે સરકાર કઈ રીતે આક્રોશ – વિરોધને દબાવવા પ્રયાસો કરી રહી છે. આ યુવાનને વંદન.

ગઈ કાલે (૪ જાન્યુઆરીએ) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતના, ‘વધુ બળાત્કાર ઇન્ડિયામાં થાય છે અને ભારતમાં નથી થતા’ નિવેદને અને મધ્યપ્રદેશના મંત્રી વિજય વર્ગીયના ‘લક્ષ્મણરેખા ઓળંગશો તો રાવણ હરણ કરી જશે’ નિવેદને વિવાદો સર્જ્યા. આ નિવેદનો પર ટીવી ચેનલોમાં ભારે ચર્ચા થઈ. પત્રકાર તવલીનસિંહ અને તહેલકાનાં મહિલા તંત્રી શૌમા ચૌધરી વગેરેએ આક્રોશ સાથે ભાગવત અને વિજય વર્ગીયનાં નિવેદનોને સમજ્યા વગર જ શબ્દોને પકડી લઈ તેને ફગાવી દીધા અને એવું કહ્યું કે મહિલાઓ હવે સ્વતંત્ર છે. તેને જે પહેરવું હશે તે પહેરશે. તેને જેમ કરવું હશે તેમ કરશે.

જેમ પુરુષો તરફથી હિંસક કે આધિપત્યવાળું વલણ ઠીક નથી, તેમ કહેવાતી મુક્તિવાદી મહિલાઓનું આ વલણ પણ યોગ્ય નથી. લક્ષ્મણરેખાનો અર્થ થાય છે – મર્યાદા. આ લક્ષ્મણરેખા દરેકને લાગુ પડે છે. શાસન નાગરિકો માટે લક્ષ્મણરેખા દોરે છે, જેમ કે ૨ લાખ ઉપરની આવક થતી હશે તો આવક વેરો ભરવો પડશે, નહીં ભરો તો દરોડા પડશે. વેપારી હશો તો ‘વેટ’ ભરવો પડશે. દારૂ પીને વાહન હંકારતા હશો તો આટલો દંડ થશે. કોઈની હત્યાનો પ્રયાસ કરશો તો આટલી સજા થશે…વગેરે વગેરે. આ જ રીતે માણસ જ્યારે સભ્યતા તરફ વળ્યો ત્યારે એક ચોક્કસ લક્ષ્મણરેખા દોરવામાં આવી, નિયમો ઘડવામાં આવ્યા, આ મુક્તિવાદી મહિલાઓ જે સંસ્કૃતિમાં માને છે, તે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં જેને ‘મેનર્સ’ કહે છે, તે નક્કી કરાઈ. આ લક્ષ્મણરેખા બહાર કોઈ વર્તન ન કરી શકે. કપડાંના નિયમો માત્ર સ્ત્રીને લાગુ નથી પડતા. કદાચ પુરુષ સ્ત્રી કરતાં વધુ કપડાંના નિયમો પાળે છે. સલમાન જેવાને બાદ કરો તો મોટા ભાગે પુરુષ નખશિખ કપડાંમાં જ હોય છે. મને સંગીત સાંભળવું ગમે તેટલું ગમતું હોય, સંગીતનો અવાજ હું ધારું તેટલો ઊંચો ન રાખી શકું, કારણ આજુબાજુ વિદ્યાર્થી ભણે છે, મોટી ઉંમરના વડીલોને તકલીફ પડે…વગેરે. ચિત્ર દોરવું હોય તોય સુરુચિનો ભંગ થાય તેવું ન દોરી શકાય. એટલે એ અર્થમાં જોઈએ તો પુરુષ હોય કે સ્ત્રી, દરેકે લક્ષ્મણરેખા માનવી જ પડશે, જો તેનો ભંગ કરશો તો રાવણ હરી જશે. એ અર્થમાં વિજય વર્ગીય સાચા છે.

પીડિતાના મિત્રએ કહ્યું કે મીણબત્તી પ્રગટાવવાથી કંઈ નહીં વળે. સાચું પરિવર્તન લાવવા માનસિકતા બદલવી જરૂરી છે. આપણી આજુબાજુ જે કંઈ બને છે તેનાથી આપણે આંખ આડા કાન કરતા હોઈએ છીએ. મૂળ તો કહેવાતા સજ્જનોની નિષ્ક્રિયતા નડે છે. બહુ મોટી ઉપાધિ ન આવે ત્યાં સુધી જાગતા નથી. દા.ત. એક ફ્લેટમાં પચાસ જણા તેમના પરિવાર સાથે રહે છે. એક પરિવારમાં ત્રણ જણા ગણો તોય દોઢસો થયા. તેમાંથી પુખ્ત વયના ગણો તો સો જણા થયા. આવા ફ્લેટમાં એક શખ્સ એવો રહે છે જે અવારનવાર નવી છોકરી સાથે આવે છે. ફ્લેટમાં દારૂ પીએ છે, હો હલ્લા કરે છે. એ એક શખ્સ સામે સો જણા મૂંગા રહે છે. બહુ મોટો કાંડ થાય ત્યારે પછી હોહા કરી મૂકે છે. પછી નિયમો ઘડાશે કે પરિવારવાળાને જ ફ્લેટ વેચવો કે ભાડે દેવો.

ઉપાધિ કે આફત કે કોઈ મોટો કાંડ બની જાય ત્યાં સુધી શા માટે રાહ જોઈએ છીએ આપણે? આપણને ખબર છે કે ભાવનગર કે રાજકોટ જેવા શહેરોમાં અગાઉ કોઈની છોકરી બીજા સાથે ફરતી હોય તોય જોનારા હિતેચ્છુની રીતે ઘરે કહી દેશે. સમયસર ઘરે પાછા ફરવું એ નિયમ માત્ર છોકરી માટે નહીં, છોકરા માટેય હતો. કોઈ છોકરાને બેત્રણ જણા મારતા હોય તો લોકો વચ્ચે પડતા. જેટલા ‘આધુનિક’ આપણે થતા જાય છે તેમ તેમ વધુ ને વધુ એકલા આપણે થતા જાઈએ છીએ અને ‘મારે શું’ની ભાવના ઘર કરતી જાય છે. ‘વેટ’માં વધારો કરાશે તો નોકરિયાત વિચારશે કે ‘મારે શું’?, આવકવેરાની મર્યાદા નહીં વધારાય તો વેપારીને કંઈ નહીં પડી હોય. ગેસના બાટલાની સંખ્યા મર્યાદિત કરી દેવાય, તો ગેસની પાઇપલાઇન ધરાવતા લોકો વિચારશે કે આપણે તો ગેસ પાઇપમાં મળી જાય છે ને? આ જ વાતનો ફાયદો સરકાર કે સામેવાળા ઉઠાવે છે. જંતરમંતર કે રામલીલામાં વિરોધની શરૂઆત થઈ છે એ સારી વાત છે. ‘મારે શું’ની ભાવનામાંથી ‘આ આપણી વાત પણ છે’ તેવો વિચાર યુવાનોને આવતો થયો છે. પણ માત્ર વિરોધ પ્રદર્શન પૂરતી આ કવાયત સીમિત ન રહે, ઘરે પાછા ફરીએ, રસ્તામાં જતા હોઈએ કે નોકરી કે વેપાર વખતેય આ ભાવના સતત રહે તે જોવું જરૂરી છે.

Advertisements

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

5 thoughts on “‘મારે શું’માંથી ‘આપણી ચિંતા’ની માનસિકતા અપનાવવી જરૂરી

  1. જયારે તે યુવકે , એમ કહ્યું કે હું અને મારી મિત્ર ઘવાયેલી હાલતમાં પડ્યા હતા અને પોલીસવાળાઓ તે ચર્ચા કરતા હતા કે આ ગુનો કઈ પોલીસ સ્ટેશનની હદમાં આવે અને તે ચર્ચામાં તેઓએ અડધી – પોણી કલાક બગાડી નાખી . . . ત્યારે , તે વાત સાંભળી ઘડીક તો મારું મગજ સુન્ન થઇ ગયું હતું !!!

  2. ના. તેનાં કરતાં વધુ જરૂર ‘મારે શું’ની વૃત્તિ ક્યાં અને ‘આપણી ચિંતા’વાળી વૃત્તિ ક્યાં તેની વિવેકબુદ્ધિની છે.

  3. મીત્ર હવે બહું મોડૂ થઇ ગયું છે. સ્વતંત્રના સુખે, સમાજની હુંફ છીનવી લીધી છે. વડીલોની વક્રદ્રસ્ટી જે સમાજ માટે કાયમચુર્ણનું કામ કરતી તેને આપણે જ આ હાથોથી ફગાવી છે. આ વડીલો તો બીચારા હવે ભગવાનની મરજી સમજીને ઉંઘી ગયા.

  4. હઈશો ! હઈશો ! નાં શોરબકોરમાં, એક સાચા પત્રકાર પાસેથી, આ સાંભળવાની આશા તો હતી જ. આપણે નેતાઓ પર ’સમજ્યા વગર’ નિવેદન ફટકારી દેવાનાં આક્ષેપ કરીએ છીએ તેમ આપણે પણ નિવેદનને સમજ્યા વગર, કે “પત્રકારો” દ્વારા કાંટછાંટ કરીને પ્રસિદ્ધ કરાતા નિવેદનો ઉપર, દે ધનાધન વખોડબાજી પર આવી જ જઈએ છીએને ! એ પછી મોહન ભાગવતે ’લગ્ન’ પર પોતાનો વિચાર આપ્યો તેનો પણ સમજ્યા કારવ્યા વગર, દે ધનાધન, હોબાળો કરી દેવાયો ને ! એ પ્રવચન તો મેં આગળ પાછળનાં સંદર્ભો સાથે સાંભળેલું, એટલે ખબર છે કે ખરેખર એવું કશું (એ અર્થનું) કહેવાયું જ નહોતું. પણ લોકોને હોબાળા ગમે છે તો હોબાળા ઊભા કરો !! વેંચાતો હોય તે માલ વેંચો ! પત્રકારધર્મ ગયો ચૂલામાં !

    આપે સુંદર શબ્દો વાપર્યા; ’મારે શું ?’ ને બદલે ‘આપણી ચિંતા’. આ વિચાર સમજાય તો લાંબે ગાળે ફાયદાકારક વિચાર જ છે. કેમ કે, સ્વાર્થવૃત્તિથી વિચારતા પણ, પડોશનું સળગતું ઠારવા ન જઈએ તો એ સળગતું સળગતું આપણે આંગણે આવી ક્યારે ઊભું રહે તે કેમ ખબર પડે ! પરમાર્થે નહિ તો સ્વાર્થે, “આપણી ચિંતા” તો કરીએ. ઉમદા વિચાર આપ્યો. ધન્યવાદ.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s