૨૧મી સદીની શરૂઆત થઈ તે પહેલાંની દુનિયા યાદ કરો અને આજની દુનિયા યાદ કરો. તમને લાગશે કે કેટલું બધું બદલાયું છે અને કેટલું ઝડપથી બદલાઈ રહ્યું છે?

–     પહેલાં પડોશી એના એ રહેતા હતા, હવે? હવે પડોશી પણ બદલાતા રહે છે. એક જ ફ્લેટમાં રહેતા હો તો વર્ષોના વર્ષો ત્યાં નીકળી જતા હતા.

–     ભાડૂઆત અને મકાનમાલિક પહેલાં એના એ જ રહેતા હતા, હવે તો બંનેમાંથી કોણ બદલાઈ જાય તે ખબર નથી.

–     રસ્તાના લેન્ડમાર્ક…હવે કોઈને સરનામું આપવું હોય તો, ખાસ કરીને અમદાવાદમાં દર વખતે સમજાવવું પડે. સતત નવી ઈમારતો, ફ્લાય ઓવરના કારણે.

–     પહેલાં એક જ નિશાળમાં ભણતા, હવે સ્કૂલો બદલાતી રહે છે. અને એટલે જ સહાધ્યાયીઓ પણ બદલાતા રહે છે.

–     ભાષા બદલાતી રહે છે, બાળકોની અને મોટેરાઓની. અમદાવાદ જેવા શહેરમાં ખાસ. ઘરમાં ગુજરાતી, ઓફિસમાં હિન્દી અને અંગ્રેજી મિક્સ અને ગ્રાહક કે બોસ સામે ભાંગ્યુતૂટ્યું અંગ્રેજી. બાળકો હોય તો ઘરમાં ગુજરાતી અને મોટા ભાગે અંગ્રેજી માધ્યમોમાં મૂક્યા હોય એટલે શિક્ષક સામે અંગ્રેજી અને મિત્રો સાથે હિન્દી.

–     બાળકોનાં રમકડાં બદલાતાં રહે છે. કંપાસ બોક્સ દર વર્ષે નવો જોઈએ. દર વર્ષે નવું દફ્તર. પહેલાં એક જ કંપાસમાં આખું ભણતર ચાલ્યું જતું. (મારી પાસે આજેય પાંચમા ધોરણમાં લીધેલો કંપાસ બોક્સ સાચવેલો છે!).

–     બાળકોના અભ્યાસક્રમ બદલાતા રહે છે. દર વર્ષે નવો અભ્યાસક્રમ. અરે! હવે તો સેમેસ્ટર પદ્ધતિ આવી ગઈ એટલે દર છ મહિને નવાં પાઠ્યપુસ્તકો! પહેલાં તો મોટા ભાઈ જે પાઠ્યપુસ્તક વાપરતા હોય તેમાં તેના નાના ભાઈ અને ઘણી વાર તો ભાણેજ – ભત્રીજા પણ ભણી લેતાં.

–     આવું જ કપડાંમાં પણ થતું. ઉતરેલા કપડા પહેરવામાં કોઈ જ સંકોચ નહોતો. મોટા ભાઈને કપડાં ટૂંકા પડવા લાગે એટલે નાનો ભાઈ તે પહેરતો. દીકરો મોટો થાય એટલે બાપને દીકરાના કપડા કે દીકરાને બાપના કપડા ચાલે.

–     બાળકોની વાત નીકળી છે તો ઘણી વાર તો હવે બાળકોનાં માબાપેય બદલાતાં રહે છે, વધેલા છૂટાછેડાની સંખ્યાના કારણે.

–     શિક્ષકો એના એ રહેતા હતા. ઘણી વાર તો એવું બનતું કે પહેલા ધોરણથી માંડીને ચોથા ધોરણ સુધી સરલાબહેન કે જાનીસાહેબના હાથ નીચે જ ભણવાનું. હવે તો શિક્ષકોને બિચારાને કોન્ટ્રાક્ટ પર રાખતા હોય ત્યારે ક્યારે નવી સારી નોકરી મળી જાય અને તે છોડીને ચાલ્યા જાય તે કહેવાય નહીં. શિક્ષકો પણ વિદ્યાર્થીઓને નામથી ઓળખતા અને તેમના પરિવારને પણ.

–     પહેલાં એક જ ઘર કે વિસ્તારમાં આખી જિંદગી પસાર થઈ જતી, પણ હવે ઘર બદલાતા રહે છે, ક્યાં તો ભાડુઆત હોય તો ૧૧ મહિને ઘર ખાલી કરવું પડે અને જો તમે મકાનમાલિક હો તો વધુ સારા ઘરમાં રહેવા ચાલ્યા જાવ. હોમ લોન મળી રહે છે ને.

–     પહેલાં એક ને એક સાઇકલ ઓછામાં ઓછું, બે પેઢી તો વાપરતી જ. હવે તો દરેકને અલગ સાઇકલ જોઈએ. અરે! પહેલાં તો એક સ્કૂટર હોય તો બહુ કહેવાતું. હવે તો સભ્ય દીઠ એક અલગ દ્વિચક્રી. અને પાછી કાર તો ખરી જ.

–     બાઇક કે કાર પણ હવે તો બદલાતી રહે છે. નવાંનવાં મોડલ આવતા જાય તેમ જૂના વેચી દઈને કે ઘરના અન્ય સભ્યને વાપરવા આપી દઈને નવા મોડલ ખરીદી લેવાય છે. બાઇક કે કાર પણ લોન પર મળી રહે છે ને.

–     પહેલાં એનાં એ જ નામ રહેતાં, પણ આજકાલ ઘણા અંકશાસ્ત્રીની સલાહ પર નામના સ્પેલિંગ ઉમેરી દે છે, ક્યાં તો અટક કાઢી નાખે છે. સ્ત્રીની પાછળ પતિની અટક જ લાગતી, હવે તો પિતાની અને પાછળ પતિની અટક એમ બેવડી અટકનો રિવાજ છે. ભાઈ, અટક લગાડવા સ્ત્રી સ્વતંત્ર છે.

–     નોકરી. પહેલાં તો એક જ નોકરી (અને મોટા ભાગે એક જ શાખા-બ્રાન્ચ) રહેતી. હવે તો દર બે-ત્રણ વર્ષે નોકરી બદલવાનો રિવાજ છે. એ સિવાય કોઈ કદર થતી નથી. પ્રમોશન અને ઇન્ક્રિમેન્ટ પણ જોઈએ ને.

–     એટલે જ, પહેલાં એક જ બ્રાન્ચમાં એક જ નોકરી કરવાના કારણે આખું કુટુંબ જેવું વાતાવરણ રહેતું. કર્મચારીઓ એકબીજાના જીવનસાથી તો ઠીક, દીકરા-દીકરીને પણ ઓળખતા હોય અને સંતાનો પણ તેમના પિતાના સહ કર્મચારીઓને ઓળખતા હોય. પરિણામે કામ ઝટ થતાં. હવે નોકરી જ બદલાઈ જાય છે ત્યાં આવું ક્યાં રહેવાનું. અને પરિવારને ઓળખવાનું આજના પ્રોફેશનલ જમાનામાં બહુ ઓછું થઈ ગયું છે.

–     પિતા જે કંપનીમાં કામ કરતા હોય તેનાં નામ પણ પહેલાં બદલાતાં નહોતા, હવે બદલાઈ જાય છે. (એસબીએસનું એસબીઆઈ, યુટીઆઈનું એક્સિસ જેવા અનેક દાખલા છે.)

–     પહેલાં દુકાનો પરના પાટિયામાં દુકાનનાં નામ ઉપરાંત નીચે નાના અક્ષરોમાં સરનામું લખાતું, જેથી બસમાંથીય વિસ્તાર ઓળખવામાં મદદ રહેતી, હવે સરનામું લખાતું નથી. દુકાન ક્યારે ઊઠી જાય તેની ક્યાં ખબર છે?!

–     દુકાનોની વાત પરથી યાદ આવ્યું, પહેલાં તો શેરી, પોળ કે વિસ્તારમાં દુકાનદારો પણ વિસ્તારના બધા લોકોને નામથી ઓળખતા હતા. સંબંધનો મહિમા હતો. અને નાના છોકરા પણ વસ્તુ લેવા જાય તો મીઠાશથી આપતા હતા. તારા બાપૂજી શું કરે છે? દસમીમાં પાસ થઈ ગયો, તેવું પૂછતા. છોકરાઓ પણ કરિયાણું લાવવાનું હોય તો ભીખાભાઈની દુકાને જવાનું અને ફાફડા લાવવાના હોય તો રસિકભાઈની દુકાને, તેની ખબર હોય. શાકભાજી ક્યાંથી લાવવાનું તે પણ નક્કી જ હોય. હવે તો વિસ્તારમાં દુકાન ક્યારે બદલાઈ જાય, ફાફડાવાળાની દુકાનની જગ્યાએ મોબાઇલ રિપેરિંગની દુકાન શરૂ થઈ ગઈ હોય અને કરિયાણાની દુકાનની જગ્યાએ હેરકટિંગ સલૂન ખૂલી ગયો હોય તે ખબર ન પડે.

–     પહેલાં ઘરમાં એક જ ફોનનું ડબલું રહેતું હતું. હવે તો…મોબાઇલના નવા નવા મોડલ નીકળ્યા જ કરે છે. નોકિયા ૩૩૧૦થી હવે તો સેમસંગ સુધી વાત પહોંચી ગઈ છે. અને હવે જૂનો મોબાઇલ લાંબો સમય વાપરવો હોય તોય વાપરી શકાતો નથી. ક્યાં તો ખામી સર્જાય જાય ક્યાં તો મેમરી કાર્ડ કરપ્ટ થઈ જાય અને જાણવા મળે કે હવે આવું મેમરી કાર્ડ મળતું જ નથી (દાત. નોકિયા એન ૭૩).

–     ટીવીનુંય આવું જ છે.

–     કમ્પ્યૂટર તો અગાઉ હતું જ નહીં, પણ તે જ્યારથી આવ્યું છે ત્યારથી સતત બદલાતું જ રહે છે. વિન્ડોઝ ડોઝ, વિન્ડોઝ ૯૮, એક્સપી, સેવન અને હવે એઇટ…

–     પહેલાં એક જ રેડિયો (ટ્રાન્ઝિસ્ટર) કે ટેપ રહેતા. હવે તો જ્યાં જુઓ ત્યાં ગીતો સાંભળી શકાય છે. કમ્પ્યૂટરમાં (ઓનલાઇન એફએમ), રેડિયોમાં, ટીવીમાં (સેટ ટોપ બૉક્સ હોય તો ટીવીમાંય રેડિયો આવે છે), કારમાં…

–     કપડાં વર્ષો સુધી ચાલતા. પણ હવે દર છ મહિને બદલાતા રહે છે.

–     અરે! અંગો પણ હવે તો બદલાવાં લાગ્યાં છે, જોકે બધાને નવા અંગો નખાવાનું પોસાતું નથી. પરંતુ શરીરનું ઘણું બધું હવે બદલી શકાય છે. અને ઘણા નસીબદાર તો દર અમુક વર્ષે બદલાવે છે.

–     પ્રોડ્કટ બદલાતી રહે છે. પહેલાં ઘરમાં સાબુ તો ફલાણી કંપનીનો જ લાવવાનો. (ઘણી વાર તો સ્થાનિક કંપનીનો ૬૬૬ સાબુ હોય!) ટૂથપેસ્ટ નક્કી જ હોય. ફલાણી બ્રાન્ડની ચા નક્કી હોય. પણ હવે નવીનવી પ્રોડક્ટ નીકળતી જાય છે અને કઈ ચીજ લાવવી તેનો આધાર માત્ર તેની ગુણવત્તા પર નથી, તેની સાથે શું અને કેટલું ફ્રી છે તેના પર પણ છે. પહેલાં તો અરીઠાથી માથું ધોવાતું, હવે તો શેમ્પૂ, કન્ડિશનર અને શેમ્પૂમાંય કેટલા પ્રકાર!

–     હીરો, હિરોઇન, ગાયક કલાકાર, ગીતકાર અને સંગીતકાર, દિગ્દર્શક પણ ખાસ બદલાતા નહોતા. ચાર-પાંચ યાદ રાખીએ એટલે ચાલે. હવે દર ફિલ્મે નવો દિગ્દર્શક અને હીરો-હિરોઇન રહેતા.

–     સમાચાર વાચનમાંય ચાર પાંચ યાદ રાખીએ એટલે ચાલે. શમ્મી નારંગ, વેદ પ્રકાશ, રિમી સાઇમન, સલમા સુલતાન, શોભના જગદીશ, અવિનાશ કૌર..હવે તો નામ પણ નથી મૂકતાં.

–     પહેલાં તો ચેનલેય એક જ હતી. હવે તો ચેનલ સતત નવી ઉમેરાતી રહે છે અને સાઇરસ મિસ્ત્રી જેવા ટાટાના નવા ચેરમેન આવે એટલે ટાટા સ્કાયમાં જેમ ચેનલોના નંબર બદલાયા કે કેબલ ઓપરેટરને નવી ચેનલ આગળ મૂકવાના પૈસા મળે એટલે તે ચેનલો બદલી નાખે, એમ ચેનલોય બદલાતી રહે છે.

–     પહેલાં ચેનલ એક હતી તો તેનો લોગો પણ એક જ હતો. તેનું થીમ સંગીત પણ એક જ હતું. હવે દર થોડા વર્ષે ઝી ટીવી, સ્ટાર પ્લસ, સોની વગેરે તેના લોગો બદલતા રહે છે.

–     અખબારોમાં વર્ષોના વર્ષ કોલમ અને લેખકો એકના એક જ રહેતા, હવે તો અમુક વર્ષે છાપાં રિલોન્ચ થઈ જાય છે.

–     હેરસ્ટાઇલ. પહેલાં સ્ત્રીઓ ક્યારેક ક્યારેક અલગ હેરસ્ટાઇલ કરતી, પણ પુરુષોની હેરસ્ટાઇલ તો એકસરખી જ રહેતી (ફિલ્મી કલાકારોની વાત જુદી છે), પણ હવે તો વાસ્તવિક દુનિયામાં પણ પુરુષો, ખાસ કરીને કોલેજિયનો અલગ-અલગ હેરસ્ટાઇલ અથવા વધુ વ્યાપક શબ્દોમાં કહીએ તો લુકમાં (એટલે કે હેરસ્ટાઇલ, દાઢી, ટેટૂ બધું આવી ગયું) જોવા મળે છે.

યાદ કરવા બેસીએ તો આવું તો બીજું ઘણું યાદ આવશે. તમને યાદ આવે તો કહેજો!

2 thoughts on “બદલાતી દુનિયા, બદલાતા સંબંધો

  1. પંડ્યા સાહેબ, હું જ્યાં આજથી ૧૬ વર્ષ પહેલા રહેતો એ એકદમ પછાત વિસ્તારના નાનકડા ગામમાં છોકરાઓ ફાટેલી અને થીગડાવાળી ચડ્ડીઓ પહેરતા. મને નવા કપડા પહેરીને તેમની સાથે રહેવામાં સંકોચ થતો. મારી સાયકલને તેઓ લક્ઝરી સમજતા. આજે મને તેમનું જીવન લકઝરીયસ લાગે છે.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.