૨૦૦૪થી કોંગ્રેસની યુપીએ સરકાર આવી છે ત્યારથી મોંઘવારી સતત વધી જ રહી છે. કેટલાક લોકો સામે પક્ષે એવો ખોટો દાવો કરે છે કે સામે પક્ષે લોકોના પગારો પણ વધ્યા છે, પરંતુ ૨૦૦૮માં જે મંદી આવી તેના કારણે ઉલટું પગાર ઘટ્યા, અનેક તો નોકરીમાંથી છૂટા થયા. એટલે પગાર વધવાનો દાવો ખોટો છે. બીજી તરફ મોંઘવારી ૨૦૦ ટકા કરતાંય વધુ વધી હોય તો તેમ કહેવું ખોટું નથી. ડીઝલ- પેટ્રોલ જેટલી વાર મોંઘા કર્યા તેટલી વાર મોંઘવારી વધી છે અને તે પણ દરેક ચીજમાં. અને એક વાર ચીજોના ભાવ વધે તે પછી ઘટતા નથી. વર્ષ ૨૦૧૧ અને ૧૨માં તો વરસાદ પણ સારો પડ્યો નથી, ઉલટું માવઠાં થયા છે. પણ સરકાર તો બધા હાથે લૂંટવા જ બેઠી છે. એક કહેવત છે, જેનો રાજા વેપારી તેની પ્રજા ભીખારી. મનમોહનસિંહ અર્થશાસ્ત્રી છે. ચિદમ્બરમ પણ અર્થશાસ્ત્રી છે. મનમોહન સરકાર બધા હાથે લૂંટવા જ  બેઠી છે. ગયા વર્ષે પ્રણવ મુખર્જીએ જે બજેટ આપ્યું હતું તેમાં સેવા વેરા (સર્વિસ ટેક્સ)નો વ્યાપ એટલો વધારી દીધો હતો કે તેમાં મોત પછી અંતિમ સંસ્કારના સામાન પર પણ ટેક્સ લગાવાયો હતો. વેરાનો વ્યાપ તો ભારતમાં એટલો છે કે કઈ ચીજ પર વેરો નથી તે કહેવું મુશ્કેલ છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી રેલવેનાં ભાડાં વધાર્યા નહોતા, તો આ વર્ષે રેલવે બજેટ પહેલાં જ ભાડાં વધારી દીધાં. બીજી તરફ બજેટમાં ભાડાંને ડીઝલના ભાવવધારા સાથે સાંકળી દીધાં. હવે ડીઝલનો ભાવવધારો દર પંદર દિવસે થઈ શકે તેવી જોગવાઈ છે એટલે રેલવેનાં ભાડાં દર પંદર દિવસે થઈ શકે! બીજી તરફ, ડીઝલ, કઠોળ, ખાદ્ય ચીજો વગેરેને રેલવેમાં લઈ જવાના એટલે કે તેના નૂર દરમાં પણ પ.૮ ટકાનો વધારો કરાયો. એટલે ડીઝલ પેટ્રોલ પંપ પર જે મળશે તે મોંઘું થશે. ખાદ્ય ચીજો મોંઘી થશે.

રેલવે બજેટ આકરું આવ્યું પણ નાણા બજેટ તો કમ સે કમ રાહતરૂપ રહેશે તેવું લાગતું હતું, કેમ કે ૨૦૧૪ની ચૂંટણીઓ પહેલાંનું આ અંતિમ બજેટ હતું, પરંતુ ચિદમ્બરમે એમાંય બે હાથે લૂંટી લીધા. મધ્યમ વર્ગ માટે આવકવેરા મર્યાદા વધારી નહીં. સરકારની નજર મધ્યમ વર્ગ પર જ હોય છે. કેમ કે મધ્યમ વર્ગ નોકરી કરે તો તેની આવક ફરજિયાત સરકારને ખબર જ હોય એટલે આવકવેરો ફરજિયાત ભરવો જ પડે. વેપારી હજુ પણ ઓછાં બિલ બનાવીને છેતરપિંડી કરી શકે. વળી, વેપારીએ જે કંઈ વેરો ભરવાનો હોય તે છેવટે તો ગ્રાહકોની કેડ પર જ આવે.

રૂ. ૨૦૦૦થી વધુ કિંમતના મોબાઇલ પર ટેક્સ નાખ્યો. હવે, કહો જોઈ અત્યારે ૨૦૦૦થી સસ્તા કયા બેઝિક સારા મોડલ આવે છે? ૫૦ લાખથી વધુ કિંમતનાં મકાન વેચવા પર પણ ટીડીએસ નાખ્યો. હવે કહો જોઈ ભાવનગરથી માંડીને અમદાવાદ જેવા નાના મોટા શહેરમાં ૫૦ લાખથી નાની કિંમતના માત્ર ૧૦૦ વારના બે બેડરૂમ હોલ કિચન (૨ બીએચકે) ફ્લેટ મળે છે?

સુપર રિચ એટલે કે અતિ ધનિક પર મામૂલી અને તે પણ આ વર્ષ પુરતો જ વેરો નાખ્યો. બીજી તરફ સુપર રિચ વિદેશમાં આવતા જતા હોય તો તેમના માટે પુરુષો પ૦૦૦૦ અને મહિલાઓ એક લાખનું ડ્યુટી ફ્રી સોનું વિદેશથી લાવવાની છૂટ આપી દીધી! એક રીતે આડકતરી સોનાની દાણચોરી  કરીને શ્રીમંતો વધુ શ્રીમંત બની શકશે.

રાજીવ ગાંધી ઇક્વિટી સ્કીમ માત્ર એવા લોકો માટે છે જે શેરબજારમાં રોકાણ ન કરતા હોય. હવે ગુજરાતમાં આવા કેટલા લોકો હશે?

એસી રેસ્ટોરન્ટમાં જમવાનું મોંઘું બનાવ્યું. હવે કહો જોઈએ અત્યારે કઈ રેસ્ટોરન્ટ એસી નથી? સેટ ટોપ બોક્સ પર આયાત જકાતમાં વધારો કર્યો. સેટ ટોપ બોક્સને એક તો સરકારે ફરજિયાત કરી દીધું અને લાખો કેબલ ઓપરેટરોને બેકાર બનાવી દીધા. આ પણ એક કૌભાંડ છે. હકીકતે, લાખો કેબલ ઓપરેટર બીજી બધી ચેનલ ઉપરાંત પોતાની ચાર ચેનલો (એક હિન્દી ફિલ્મની, બીજી અંગ્રેજી ફિલ્મની, એક ગીતની અને એક ભક્તિની) બતાવતા હતા. સ્થાનિક સમાચારો આપતા હતા. પણ ૨૦૦૫માં સુભાષચંદ્ર ગોયલની ઝી ટીવી ડિશ ટીવી સાથે, ટાટાની ટાટા સ્કાય, એરટેલ, વિડિયોકોન, રિલાયન્સ એ પાંચ ઉદ્યોગો સેટ ટોપ બોક્સ સાથે આવ્યા, પણ તે ચાલ્યા નહીં. કારણ, એક તો કેબલ કરતાં મોંઘું, બીજું ચાર ચેનલો જે કેબલ ઓપરેટરો મફતમાં બતાવતા હતા અને તેમાં નવી ફિલ્મો મફતમાં અને તરત જોઈ શકાતી હતી તેના બદલે આ કંપનીઓ એક ફિલ્મ દીઠ ચાર રૂપિયા લેતા હતા (અત્યારે શું ભાવ છે તે ખબર નથી.)  ત્રીજું, સહેજ વરસાદનાં છાંટાં પડે એટલે દેખાતું બંધ થઈ જાય. આવા બધાં કારણોસર આ સેટ ટોપ બોક્સ ખરીદેલા લોકો પણ પાછા કેબલ તરફ વળ્યા. એટલે આ ઉદ્યોગોએ ભેગા થઈને સરકાર પાસે કાયદો કરાવ્યો. ડિજિટાઇઝેશન ફરજિયાત કરી નાખ્યું. જે લોકો સેટ ટોપ બોક્સ ન લે તેમને ચેનલો જોવા ન મળે. આમ, પહેલાં સેટ ટોપ બોક્સ ફરજિયાત કરી દીધું અને બીજી તરફ, હવે બજેટમાં તેની આયાત જકાત વધારી દીધી. આમ, ટીવી ચેનલોની દૃષ્ટિએ લોકો ફરજિયાત આ પાંચ ઉદ્યોગોના આશ્રિત અથવા તો કડવી ભાષામાં કહીએ તો ગુલામ બનાવી દીધા.

રાંધણગેસ પરની સબસિડી દૂર કરીને બાટલા તો ક્યારના મોંઘા કરી જ દીધા છે. બીજી તરફ, ડાયરેક્ટ કેશ સબસિડીની યોજના જટિલ છે તેવું ખુદ સરકારના મંત્રીઓ જ કહી ચુકયા છે. જેમના માટે આ યોજના છે તે ગરીબોના બેંકમાં કેટલાં ખાતાં હશે? તેમને બેંકની કેટલી ગતાગમ પડતી હશે? વળી, બેંકોનું કામકાજ તો મોટા ભાગે અંગ્રેજીમાં અથવા તો ન સમજાય તેવી હિન્દીમાં હોય છે. ગુજરાતની દૃષ્ટિએ જોઈએ તો ગરીબોને એમાં કેટલી સમજ પડવાની?

જોકે માત્ર કોંગ્રેસનો વાંક જ કાઢવાની જરૂર નથી. અત્યારે નરેન્દ્ર મોદીની સરકાર હોય કે અખિલેશ યાદવની કે પછી મમતા બેનર્જીની, મોટા ભાગની સરકારોને પોતાના પર કોઈ ભારણ રાખવું નથી. કોઈને કાયમી નોકરીએ રાખવા નથી. વેરા ઘટાડવા નથી. બસ, બે હાથે લૂંટી જ લેવું છે. એવું હોત તો નરેન્દ્ર મોદીએ પેટ્રોલ-ડીઝલ પરના વેટ ઘટાડ્યા હોત કે રાંધણ ગેસના રાહતદરના બાટલાની જાહેરાત કરી હોત.

જાગવાની જરૂર મધ્યમવર્ગે જ છે.

2 thoughts on “બજેટ : આ સરકાર માત્ર ને માત્ર ધનિકોની જ છે

  1. મધ્યમવર્ગ તેના બે છેડા ભેગા કરવામાંથી નવરો થાય ત્યારે જાગે ને ભાઈ ….

  2. આ સરકારને તો આપણે તગેડી મુકીશું પણ શું તેના સ્થાને મજબુત મનોબળ ધરાવનાર પોલાદી માણસને આપણે સત્તા સોંપી શકીશું? પ્રથમ પાંચ વર્ષમાં જ આ સરકારે જે કરવાનું હતું તે તે કર્યું તો પણ બીજા પાંચ વર્ષ આપી દીધા, શું કોઈ વિકલ્પ જ ન હતો, અત્યારે નથી?

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.