કૂતરાઓનો વિરોધ પ્રસ્તાવ

Published by

on

કૂતરાઓની શેરીસભા મળી હતી. સ્વાભાવિક જ રાતનો ૧૨ વાગ્યા પછીનો સમય હતો. એક ગઢેરા જેવા લાગતા કૂતરાએ સભાની શરૂઆત કરી : “મિંત્રો…”
એક યુવાન કૂતરાએ તેને રોક્યો: “તમે રાજકારણમાં જવાના છો? તમે ચૂંટણી લડવાના છો? તમે મુખ્યમંત્રીની ભાષા ન બોલો. ”
ગઢેરા કૂતરાએ દાંત કાઢીને તેની સામે ભસ્યું અને ચૂપ કહી દીધું અને કહ્યું: “ગુજરાતમાં રહેવું હોય તો આ જ ભાષા બોલવી પડે. તો મિંત્રો…”
“એક મિનિટ,” સાહિત્ય પરિષદ પાસે રખડતા કૂતરાએ પોઇન્ટ ઑફ ઑર્ડર ઉઠાવ્યો: “તમારે ગુજરાતમાં ગુજરાતની ભાષા બોલવી હોય તો તેનો વાંધો નથી. પણ આ મિત્રોમાં મિ પર અનુસ્વાર ન આવે.”
ગઢેરા કૂતરાએ પાછું ભસ્યું અને કહ્યું: “મેં કહ્યું ને, ગુજરાતમાં રહેવું હોય તો ગુજરાતની ભાષા બોલવી પડે. તમે લોકો કેમ સમજતા નથી.”
એક યુવાન કૂતરાએ બીજા યુવાન કૂતરાના કાનમાં કહ્યું: “ગુજરાત એટલે મોદી.”
બીજાએ વળતું કહ્યું: “જેમ ઇન્દિરા ઇઝ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇઝ ઇન્દિરા હતું તેમ જ.”
ગઢેરા કૂતરાએ વાત આગળ ચલાવી: “મિંત્રો, આપણે અહીં આજે વિરોધ પ્રસ્તાવ પસાર કરવા એકત્ર થયા છીએ. આ આપણી જાતિનું સરાસર અપમાન છે.”
યુવાન કૂતરાએ કહ્યું,: “થયું શું? આપણું અપમાન કોણે કર્યું?”
આગેવાન ગઢેરા કૂતરાએ કહ્યું: “છાપા વાંચવાનું રાખો. ન્યૂઝ ચેનલો જોવાનું રાખો. આપણી જાતિનું અપમાન થયું છે. મોદીએ કહ્યું છે કે તેમને ગાડી નીચે ગલુડિયું આવીને મરી જાય તો દુઃખ થાય છે.”
એક બીજા ગઢેરા કૂતરાએ કહ્યું: “લે આ તો સારી વાત છે ને…આપણા બચ્ચા મરી જાય તો તેમને દુઃખ થાય છે.”
ત્યાં ત્રીજા ગઢેરા કૂતરાએ કહ્યું: “મને તો આશ્ચર્ય એ વાતનું છે કે તેમને દુઃખ પણ થાય છે.”
હાજર બધા કૂતરાઓએ પૂંછડી પટપટાવી જીભ કાઢીને આશ્ચર્ય વ્યક્ત કર્યું.
આગેવાન ગઢેરા કૂતરાએ આગળ ચલાવ્યું: “પણ વાત એ નથી, વાત એ છે કે આપણને અકસ્માતમાં મારી નાખવામાં આવે છે. કોઈ વાંક ગુના વગર. જ્યારે મોદીએ આપણા અકસ્માતની સરખામણી ૨૦૦૨નાં રમખાણોની કરી છે જે ગોધરાકાંડમાં અનેક કારસેવકોને કોઈ કારણ વગર જીવતા સળગાવી દેવાયા તેના કારણે ફાટી નીકળ્યાં હતાં.”
બીજા ગઢેરા કૂતરાએ કહ્યું : “વાત તો તમારી સાચી છે. આપણે તો વફાદાર પણ છીએ. જેનું ખાઈએ એની રક્ષા કરીએ. એને જોઈ આનંદિત થઈએ. એને જોઈ પૂંછડી પટપટાવીએ…જ્યારે…”
ત્રીજા ગઢેરા કૂતરાએ કહ્યું: “પણ મારે તો રાષ્ટ્રીય લઘુમતી પંચ આગળ ફરિયાદ કરવી છે.”
આગેવાન ગઢેરા કૂતરાએ કહ્યું: “એલા ભાઈ, અહીં આપણે વિરોધ પ્રસ્તાવ પસાર કરવાનો છે, તેમાં તું લઘુમતીની ક્યાં માંડીને બેઠો?”
ત્રીજા ગઢેરા કૂતરાએ કહ્યું: “મોદીએ અકસ્માતની વાત કરી, પણ મારે લઘુમતી પંચને ફરિયાદ એ કરવી છે કે અમે અહીં કોઈ વાંક ગુના વગર બેફામ ચાલતી ગાડીની નીચે આવી જઈએ તો કોઈ તપાસ પંચ નથી નિમાતું. કોઈ “સિટ” નથી રચાતી. કોઈ સીબીઆઈ તપાસ નથી થતી. કોર્ટના જજો પણ નીરો ફિડલ વગાડતો હતો તેવી કોમેન્ટ નથી કરતા. વેબસાઇટો પર અમારા ફોટા નથી આવતા. કઈ રીતે અમારું નકલી એન્કાઉન્ટર થયું તેની છાપામાં કે ન્યૂઝ ચેનલોમાં નોંધ નથી લેવાતી.”
ત્યાં એક એક ડાહ્યા કૂતરાએ કહ્યું: “લે કેમ, છાપા અને ચેનલોવાળા કૂતરાનું કેટલું માન રાખે છે. તેઓ કહે છે, કૂતરો માણસને કરડે એ સમાચાર નથી. માણસ કૂતરાને કરડે એ સમાચાર છે!”
બધા કૂતરાઓએ કહ્યું : હા એ વાત તો સાચી હોં.”
આગેવાન ગઢેરા કૂતરાએ કહ્યું: “આમ તો તમારી વાત આપણા એજન્ડામાં નહોતી, પણ એ વાત આપણે હવે પછીના મુદ્દામાં જરૂર લઈશું.”
ત્યાં યુવાન કૂતરાએ કહ્યું: “મારે પણ એક ફરિયાદ સોનિયામાઈ સમક્ષ કરવાની છે.”
આગેવાન ગઢેરા કૂતરાએ કહ્યું : “તમે લોકો આમ ને આમ મુખ્ય મુદ્દાથી ફંટાતા રહેશો તો આપણે આજની સભાનું કામ કેવી રીતે પૂરું કરી શકીશું? પણ ચાલો તમે મુદ્દો ઉઠાવ્યો જ છે તો ભસી નાખો.”
એક યુવાન કૂતરાએ કહ્યું: “આ કેટલીક સુંદર યુવતીઓ અમને બ્રેડ આપતી વખતે અમને ડોગી કહે છે. કેટલીક મમ્મીઓ તેમના બાળકોને કહે છે, જા પેલા ડોગીને બિસ્કિટ આપી આવ.”
બીજા યુવાન કૂતરાએ કહ્યું: “લે, તે એમાં તો તને ફરિયાદ છે. તું કઈ શેરીમાં રહે છે? આપણે શેરીની અદલાબદલી કરી લઈએ. અમારે ત્યાં તો બધાં માજીઓ જ છે. એ તો ડોગી ફોગી નથી કહેતા, એ તો પેલા કૂતરાને રોટલી નાખી આવ એવું જ કહે છે.. હવે, આપણે રહ્યા યુવાન. એટલે રોટલી ફોટલી ન ભાવે. અહીં તો બ્રેડ, પિઝા, બિસ્કિટ જ ભાવે.”
પહેલા યુવાન કૂતરાએ કહ્યું: “તું પાછો મારી વાતને આડે પાટે ન ફંટાવ. મને એ શેરીમાં કોઈ વાંધો નથી. અલબત્ત, એ સુંદર મમ્મીઓ મારા પર હાથ ફેરવે છે એમાં કોઈ વાંધો નથી.” (શરમાઈ જાય છે અને શરીર સંકોચી લે છે.)
બીજા યુવાન કૂતરાએ કહ્યું: “તો પછી, બ્રો, વાંધો શું છે?”
પહેલા યુવાન કૂતરાએ કહ્યું: “મને વાંધો એ લોકો મને ડોગી કહે તેનો છે.”
આગેવાન ગઢેરા કૂતરાએ કહ્યું: “તે ડોગી એ અંગ્રેજી નામ છે. ડોગનું વહાલથી ડોગી થયું. તમને તો વહાલ કરાય જ નહીં. તમે તો કૂતરા કહેવાને જ લાયક છો.”
પહેલા યુવાન કૂતરાએ કહ્યું: “પણ એ લોકો અમને ડોગી કહે છે એટલે મને દિગ્ગી સંભળાય છે. સોનિયામાઇ ભાજપ વાળા પર છૂટ્ટા છોડી દે છે ને અને પછી મન ફાવે તેમ ભાઉ ભાઉ કરતા હોય છે તે દિગ્ગી…”
આગેવાન ગઢેરા કૂતરાએ કહ્યું: “યૂ શટઅપ. તારા પર માનહાનિનો દાવો થઈ જશે. વિરોધ કરવો હોય તો તું કરી દે જે. પણ એમને આપણી સાથે સરખાવતો નહીં….તો મિંત્રો”
પહેલા યુવાન કૂતરાએ બીજા યુવાન કૂતરાના કાનમાં કહ્યું: “વળી પાછું આને મિંત્રો યાદ આવી ગયું.”
આગેવાન ગઢેરા કૂતરાએ કહ્યું: “મિંત્રો, આપણે વિરોધ પ્રસ્તાવ…”
એક વાંધાપાડુ કૂતરાએ કહ્યું: “એક મિનિટ…મારે કંઈક કહેવું છે. આ રમખાણોની વાત પરથી યાદ આવ્યું…આપણને લોકો કાર કે બાઇક અકસ્માતમાં મારી નાખે છે એ સાચું. પણ મ્યુનિસિપાલિટીવાળાઓ રખડતા કૂતરાને પકડી જાય છે. વળી, આપણે દિવસે સિંહ જેવા નથી હોતા કેમ કે દિવસે આપણે લઘુમતીમાં હોઈએ છીએ, પણ રાતના બાર વાગ્યા પછી આ જ માણસો રસ્તા પરથી નીકળી જુએ. રાતના આપણે કેવા પાછળ પડીએ છીએ. કારણ રાત્રે આપણે બહુમતીમાં હોઈએ છીએ. ઘણી વાર તો આપણે રસ્તા પર પાથરણાં પાથરીને બેઠા હોય એમ બેસી જઈએ છીએ કે બિચારા સાઇકલવાળા કે બાઇકવાળા તો આપણી વચ્ચેથી કેમ નીકળવું એ વિચારમાં પડી જાય છે. અને હા, આપણામાંથી કોઈ હડકાયા થઈ જાય તો તેને મારી પણ નાખવામાં આવે છે. જ્યારે….”
આગેવાન ગઢેરા કૂતરાએ કહ્યું: “જુઓ ભાઈ મેં હંમેશાં માણસોનો વિકરાળ પંજો જ જોયો છે. એટલે આપણે વિરોધ પ્રસ્તાવ જ કરીશું. બીજા કોઈ મુદ્દા રેકર્ડ પર લેવામાં નહીં આવે.”
બધા ચૂપચાપ વિરોધ પ્રસ્તાવને સમર્થન આપીને વિખરાય જાય છે.

5 responses to “કૂતરાઓનો વિરોધ પ્રસ્તાવ”

  1. Mayur Avatar

    અત્યારે હકીકતમાં પણ, આ બધા લોકો નાની અમથી વાતને પોઈન્ટ ઓફ વ્યુ લગાવીને મંડી પડે છે… આ લોકોને અગર મુદ્દા ઉઠાવવાના શોખ છે તો પાકિસ્તાનના છમકલાં કે પછી ચીનની ઘુસણખોરી વખતે ક્યાં ખોવાય જાય છે ??

    વેલ, કહેવત છે કે સિંહ ગર્જના કરે તો પડઘા તો પડે જ !!

  2. Arvind Adalja Avatar
    Arvind Adalja

    મૂર્ખ કોંગ્રેસીઓ સમજયા વગર મોદીને દેશભરમાં હાઈલાઈટ કરી રહ્યા છે. મોદી આવા ગતકડાં કરી તમામ વિરોધીઓ તેનો જ પ્રચાર કરે તેવા સોગઠા ગોઠવી જબર જસ્ત ચાલ ચાલે છે.

    1. jaywantpandya Avatar
      jaywantpandya

      અરવિંદભાઈ, આપની વાત એકદમ સાચી છે.

    2. Mayur Avatar

      આજે તેનું પુણે વાળું ભાષણ સાંભળ્યુ ?
      એ સાંભળ્યા પછી કદાચ પેલા કોંગ્રેસીઓ ગીત ગાતા હશે …
      ” સુન રહે હૈ હમ સબ.. સોનિયા એન્ડ કંપની રો રહી હૈ ” 😛

  3. yuvrajjadeja Avatar

    મસ્ત ! enjoyed a lot 🙂

Leave a reply to Mayur Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.