Posted in ahmedabad, satire, society

આઠ દિવસમાં ૮૦,૦૦૦ ઉડાવી શકો?

બ્લોગ પોસ્ટનું મથાળું વાંચીને જ પહેલાં તો ઘણા સોજ્જા અને મોંઘવારીથી ફિકરમંદ વાચકોનું હૃદય એક ધબકારું ચૂકી ગયું હશે. પરંતુ આ મથાળું સહેતુક મૂક્યું છે. હકીકતે, તાજેતરમાં છાપામાં એક સમાચાર હતા કે એક ભાગેડુ યુવક અને યુવતીએ આઠ સપ્તાહમાં ૮૦,૦૦૦ વાપરી નાખ્યા!
વાત એમ હતી કે, ૨૧ વર્ષની યુવતી પંદર વર્ષના એક યુવકને ભગાડી લઈ ગઈ હતી. એક મિનિટ! આ વાક્ય ફરીથી વાંચી જાવ. જી હા, યુવતી યુવકને ભગાડીને નાસી હતી અને તે પણ પોતાનાથી નાની ઉંમરના!
હં….હવે સમજાયું. ખરેખર! નારી હવે સાચે જ પુરુષ સમોવડી થઈ ગઈ છે. જુઓ ને. સિગારેટ પીતી થઈ ગઈ. દારૂ પીતી થઈ ગઈ. અને હવે ઓછું હતું તે યુવકને ભગાડીને જતી થઈ ગઈ. અત્યાર સુધી થતું હતું એવું કે યુવક યુવતીને ભગાડીને લઈ જતો ત્યારે યુવતી ઘરેથી દાગીના- પૈસા- કપડાં વગેરે લઈને ભાગતી. અહીં બિલકુલ ઉલટું છે. યુવક ૮૦,૦૦૦ રૂપિયા લઈને ઘરેથી ભાગી ગયો હતો. બંને જણા ઓળખ ન આપવી પડે એટલે પેઇંગ ગેસ્ટ તરીકે રહ્યાં. હોટલમાં રહેવું હોય તો ઓળખ પત્ર આપવા પડે છે.
આ બંનેની લવ સ્ટોરીની જાહેર થયેલી વિગતો પણ રસપ્રદ છે. (નહીં જાહેર થયેલી વિગતો તો કેટલી રસપ્રદ હશે?)
અમદાવાદના થલતેજ (પ્રમાણમાં પોશ વિસ્તાર)માં  રહેતો અને સ્થાનિક વિસ્તારની શાળામાં ધોરણ ૧૧માં અભ્યાસ કરતો આ તરુણ રોજ રાત્રે એસજી હાઇવે પર મિત્રો સાથે બેસતો હતો (કોઈ ‘પંછી’ની રાહમાં? દારૂમંડળી? કે પછી મોબાઇલ ક્લિપ દર્શનાર્થે?) ત્યાં ‘પંછી’ એટલે કે ૨૧ વર્ષની યુવતી જે અમદાવાદના હાલ પોશ બની ગયેલા પણ ટાઉનશિપની રીતે જુઓ તો એકદમ નિમ્ન મધ્યમ વર્ગની વસતિ ગણાય તેવા આનંદનગરમાં રહેતી હતી, તે પણ તેના જ ગ્રૂપમાં બેસવા આવતી હતી. એક પખવાડિયામાં તરુણ અને યુવતીની મિત્રતા થઈ ગઈ! (સુપર સોનિક યુગના યુવાનો ખરા ને!)
બંને જણા ભાગ્યાં તેની આગલી રાત્રે તરુણ તેના મિત્રો સાથે એસજી હાઇવે પર બેસવા ગયો હતો. તે રાત્રે વરસાદ પડ્યો. વરસાદમાં તો શરીર સાથે મન પણ પલળે ને! યુવતીને ઘરે જવાની તકલીફ પડે જ. એટલે તરુણ યુવતીને પોતાના ઘરે લઈ ગયો (કહેવું પડે, બાકી. સાહસ અદમ્ય ગણાય). (અગાઉના જમાનામાં કોઈ આવું સાહસ નહોતા કરી શકતા).  યુવતીએ ઘરે ફોન પણ કરી દીધો કે રાત્રે તે ઘરે નહીં આવે. સમાચારમાં લખાયું છે કે યુવતી તરુણની માતા સાથે સૂઈ ગઈ હતી. (ખરેખર? કે પછી ‘રૂપ તેરા મસ્તાના, પ્યાર મેરા દીવાના’નો સીન ભજવાયો હશે?)
બીજા દિવસે સવારે દસ વાગ્યે તરુણ યુવતીને ઘરે મૂકવા એક્ટિવા પર નીકળ્યો. પણ બપોર સુધી તે પાછો ન આવ્યો. એટલે તરુણની માતાએ તેને ફોન કર્યો પણ તરુણનો ફોન બંધ હતો.સદ્નસીબે યુવતીનો નંબર પણ તરુણના પરિવારજનો પાસે હતો, પણ તેય બંધ જ હોય ને. ઘરમાં કોઈ ચીઠ્ઠી મૂકી છે કે કેમ તે તપાસ કરી તો ખબર પડી કે લાટસાહેબ ઘરમાંથી ૮૦,૦૦૦ લઈને ફરાર થઈ ગયા છે. આથી પરિવારે ફરિયાદ લખાવી કે યુવતી તરુણનું અપહરણ કરી ગઈ છે.! (કહેવું પડે, બાકી! જેના ઘરમાં ૮૦,૦૦૦ રોકડા પડ્યા રહેતા હોય અને તે પણ છોકરાઓના હાથમાં આવે એમ, એ ઘર કેવું ‘માલદાર’ હશે?!) સામે પક્ષે એ વાત પણ સ્વીકારવી જોઈએ કે આ ઘટના ૪ જુલાઈ, ગુરુવારની છે. હવે વરસાદ તો ૩ જુલાઈથી જ અમદાવાદમાં સતત પડી રહ્યો હતો. આવામાં ૪ જુલાઈની રાત્રે યુવતીના માબાપે તેમની દીકરીને એસજી હાઇવે પર બેસવા મોકલી તે પણ આનંદની વાત કહેવાય! તો તરુણને પણ આવા પાણી ભરાયા હોય ત્યારે રાત્રે બેસવા જવા દીધો તે પણ અભિનંદનને પાત્ર તો ગણાય જ ને! તરુણ અને યુવતી બંનેનાં ચારેય માબાપોને વિશ્વનાં શ્રેષ્ઠ માબાપોનો એવોર્ડ જો અપાતો હોય તો આપવો જોઈએ!
તરુણના પરિવારજનોનું કહેવું હતું કે ૨૧ વર્ષની યુવતી દસમા ધોરણ સુધી જ ભણી છે. અને વર્ષોથી મિત્રો સાથે ફરતી હતી અને અગાઉ પણ તે ભાગી ગઈ હતી. શાબાશ! પરિવારજનો. તમારો લાટસાહેબ આવી (પરિવારજનોએ ‘રખડેલ’ શબ્દ વાપરવાનો જ બાકી રાખ્યો હતો) યુવતીને તમારા ઘરે લઈ આવે તેનો વાંધો નથી, તરુણની માતા પણ યુવતી સાથે સૂઈ શકે છે તેનો વાંધો નથી, પણ તમારા ઘરમાંથી ૮૦,૦૦૦ લઈને ભાગી જાય પછી એ યુવતીનું ચરિત્ર યાદ આવે છે. જો એવું જ હોય તો આવા માલદાર પરિવારે યુવતીને કારમાં જ તેના ઘરે તે રાત્રે જ મૂકી આવવી જોઈતી હતી.
એ પછી બંને જણા કેવી રીતે પાછા આવ્યાં તેની પણ વાત રસપ્રદ છે. બંને જણાએ ૮૦,૦૦૦ ઉડાવી દીધા પછી બંનેને પરિવારજનો (પૈસાના અભાવે) સાંભર્યા. આથી બંનેએ ઘરે ફોન કર્યો કે પૈસા ખૂટી ગયા છે. હવે અમને આવીને લઈ જાવ.
સમાચારમાં લખાયેલી એક સાહિત્યિક વાત તો એ છે કે “બંને જણા અઠવાડિયા સુધી સામાજિક મર્યાદા જાળવી મુક્ત અભિવ્યક્તિનો અહેસાસ કર્યા બાદ પરિવારજનો કેટલા ચિંતિત હતા તે જાણી તરુણ અને યુવતીને સ્વજનોની લાગણીનો અહેસાસ થયો છે.”
કહેવું પડે ને, બાકી! ગોવામાં એક અઠવાડિયામાં ૮૦,૦૦૦ રૂપિયા કેવી રીતે ખર્ચી નાખ્યા હશે અને તે પણ સામાજિક મર્યાદા જાળવીને?
– પ્લેનમાં ગયા હોય તો એક વ્યક્તિ દીઠ ૫,૦૦૦ ગણો તો, બે જણના ૧૦,૦૦૦ થાય. વળતી વખતે તો એમને એમનાં માબાપ પોલીસ સાથે લઈ આવ્યા હતા.
– ગોવામાં પેઇંગ ગેસ્ટના ભાડા અંદાજે એક દિવસના રૂ. ૮૦૦ (એસી ડબલ રૂમ) ગણો તો તેના હિસાબે અઠવાડિયા ૬,૪૦૦ રૂપિયા થયા હોય.
– પાંચેક હજારના કપડાં, ચશ્મા, હેટ વગેરે ખરીદ્યાં હોય.
– ૬,૪૦૦ રૂપિયા જમવામાં ગયા હોય.
– ત્રણેક હજાર ઠંડાં પીણાં, કેફી પીણાં વગેરે ‘પીવા’માં ગયા હોય.
– રોજની એક ફિલ્મ લેખે અઠવાડિયામાં આઠ ફિલ્મ જોઈ હોય તો તેના ૧૬૦૦ રૂપિયા થાય.
-પાંચેક હજાર સાઇટ સીઇંગમાં ગયા હોય.
-રૂપિયા પાંચેક હજાર વોટર ગેમમાં નાખ્યા હોય.
-પાંચેક હજાર કેસિનોમાં નાખ્યા હોય તેમ પણ માની લઈએ.
આમ પચાસ હજારથી વધુ ખર્ચો ન થયો હોય. તો સવાલ એ છે કે બાકીના ત્રીસેક હજાર કેવી રીતે ખર્ચ્યા હશે? વાચકો અનુમાન લગાવે! અને એ પણ અનુમાન લગાવે કે ખરેખર યુવતી તરુણને ભગાડી ગઈ હતી? ખરેખર તરુણની માતા યુવતી સાથે એ મેઘલી રાતે સૂતી હશે? આ સમાચારની પાછળનું ખરું સત્ય શું હોઈ શકે? પણ મૂળ વાત તો એ છે કે બંને જણાએ એક અઠવાડિયામાં રૂ.૮૦,૦૦૦ કેવી રીતે ઉડાવી દીધા!

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

12 thoughts on “આઠ દિવસમાં ૮૦,૦૦૦ ઉડાવી શકો?

 1. બાકીના ત્રીસ હજાર ધર્માદામાં આપ્યા હોઇ શકે !! ( એવું વિચારીને કે, ત્રીસ હજારનું દાન કરી દઇએ તો પરીવારવાળાઓ માની જશે !! 😛 )

   1. હોઇ શકે !! જેમકે, તમારા ખિસ્સામાં પાંચસો રૂપિયા હોય તો પચાસ રૂપિયા ટીપ આપો તે રીતે !! 80000 પર 8000 ટીપના ગણી નાખો 😛

   2. ટીપના એ રીતે ન ગણાય. બિલ સો રૂપિયાનું હોય તો દસ ટીપમાં આપે. એ રીતે એક હજાર વધુ ખર્ચાયા. ચાલો આગળ.

   3. 🙂 ના ના એ ભલે તમારી પાસે જ રહી.

 2. બંને કાં તો જ્ન્મજાત રાજકારણી કે 21મી સદીના સંત-સાધુ-સ્વામી-મહંત કે ગૂરુ હોવા જોઈએ !

 3. મારા સાહેબ, આ બધું પીષ્ટ્પીંજણ નાં કરતાં એવું પણ
  થયું હોય કે દરિયાકિનારો તો બાજુમાંજ હતો અને
  ‘ફિશિંગ રોડ’ પર રુપિયાની નોટો લગાડીને માછલીઓ
  પકડવાનું ચાલુ કર્યું હશે અને બધાં રુપિયાની ‘વાટ’ લગાડી
  દીધી હશે.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s