આમ તો છેલ્લા કેટલાક સમયથી રૂપિયાનું સતત ધોવાણ થતું આવ્યું છે, પરંતુ ૪ જુલાઈએ તો હદ જ થઈ ગઈ. રૂપિયાનું મૂલ્ય અમેરિકાના ડોલર સામે ૧.૭૭ ટકા તૂટ્યું અને ૬૦.૭૨ પર બંધ થયો. આનો અર્થ એ થયો કે એક ડોલર સામે રૂપિયા ૬૦.૭૨ ચુકવવા પડે. રૂપિયાને તૂટતો બચાવવા તે રિઝર્વ બેન્કે ૫૯.૯૮ના સ્તર પર ડોલર વેચ્યા પરંતુ તેનું આ પગલું પણ અર્થહીન નિવડ્યું. રૂપિયામાં આ ધોવાણ માત્ર અર્થશાસ્ત્રીઓ માટે જ ચિંતાનો વિષય નથી, પરંતુ સૌથી વધુ તો સામાન્ય માણસ માટે છે.  કેવી રીતે આવો સમજીએ.

રૂપિયાનું મૂલ્ય ડોલર સામે ઘટે એટલે તમામ આયાત મોંઘી બને. હવે સૌથી વધુ આયાત અત્યારે સોનાની અને પેટ્રોલ-ડીઝલની થાય છે. આપણે ત્યાં ભારતમાં લગ્ન પ્રસંગ હોય કે કોઈના ઘેર પારણું બંધાય, કે કોઈના ઘરે વાસ્તુ હોય કે પછી કોઈની નવી ઓફિસનું ઉદ્ઘાટન, એ વખતે આપણે સોના-ચાંદીની વસ્તુ દેતા હોઈએ છીએ. આ સિવાય પણ સ્ત્રીઓને સોનાનું હંમેશાં આકર્ષણ રહ્યું છે. એટલે પતિદેવોએ પત્નીઓને રાજી રાખવા પણ દર વર્ષે સોનાની વસ્તુ લઈ દેવી જ પડે. આ ઉપરાંત જાહેરખબરો અને સમાચારો પણ માનસિક અસર ઊભી કરતાં હોય છે. દર વર્ષે અક્ષયતૃતીયા (અખાત્રીજ) આવે કે ધનતેરસ કે દિવાળી કે પછી ગુરુપુષ્ય નક્ષત્ર, આગલા દિવસે અખબારોમાં સમાચાર આવે કે આવતીકાલે માર્કેટમાં આટલા કરોડનું સોનું વેચાશે. આ ઉપરાંત જાહેરખબરોનો મારો તો હોય જ. તે સિવાય, ડિસ્કાઉન્ટની લાલચ પણ કામ કરે છે. આટલું સોનું લો તો મજૂરી માફ. તે ઉપરાંત દેખાદેખી પણ કામ કરી જાય છે. પડોશણે સોનાનો ચેઇન કરાવ્યો તો પત્ની પણ તેના પતિ પાસે સોનાનો ચેઇન કરાવવાની જીદ કરશે. લગ્ન પ્રસંગે દીકરીને અમુક પ્રમાણમાં સોનું તો આપવું જ પડે, તેવી માન્યતા કે ઘરના અન્ય સ્વજનોના આગ્રહના કારણે પિતાએ ફરજિયાત સોનું ખરીદવું પડે છે. વળી, આજકાલ તો સોનું તેના મૂળ રૂપમાં ન ખરીદતા, માત્ર કાગળ  પર લઈને પછી તેના ભાવ વધે એટલે વેચવાનું ચાલ્યું છે. આને ઇ-ટ્રેડિંગ કહે છે. શેરબજારની જેમ તેમાં સોદા થાય છે. આના કારણે પણ સોનાના ભાવ વધે છે. પરંતુ સોનાની આયાતની માગ તો ઊભી જ રહે છે. એટલે જેટલી વધુ આયાત થાય એટલા ડોલરના વધુ રૂપિયા ચુકવવા પડે. માનો કે ૪૦૦ ડોલરનું સોનું લીધું તો સીધા ૨૫,૦૦૦ રૂપિયા ચુકવવા પડે.

બીજી પેટ્રોલ-ડીઝલની માગ છે. આજકાલ આપણાં નગરો અને શહેરોમાં વાહનોની ધૂમ ખરીદી અને વેચાણ થાય છે. અને હવે તો એવું થવા લાગ્યું છે કે એક જ ઘરમાં બે-ત્રણ વાહનો હોય. એક પતિ લઈ જાય, બીજું પત્ની વાપરે, ત્રીજું સંતાનને શાળા-ટ્યૂશનમાં જવા માટે હોય. પરિણામે વાહન પેટ્રોલ- ડીઝલ તો માગે જ. આવા દ્વિચક્રી વાહન તો ખરા, પરંતુ કારની પણ એટલી જ ખરીદી થવા લાગી છે! નેનો કાર આવ્યા પછી કાર લેવી એ કંઈ ઉચ્ચ કે ધનિક વર્ગનો જ ઈજારો નથી રહ્યો. વળી, આજકાલ દરેક વસ્તુ લોન પર સરળતાથી મળી જાય છે, જેમાં ઘણી જગ્યાએ તો ડાઉનપેમેન્ટ હોતું જ નથી! વળી વ્યાજ પણ નથી લેવાતું. આવામાં, કાર જેવું એક જ વાહન હોય તો તેમાં એક સાથે પતિ, પત્ની, સંતાન અને પતિનાં કે પત્નીનાં માબાપ એમ પાંચ-છ જણાં એક સાથે જઈ શકે. અલગ-અલગ વાહનો લેવાની ઝંઝટ નહીં. વળી, બહારગામ જવાનું હોય તો પણ સરળ પડે. બસના સમયે જવું ન પડે. આપણે જ્યારે નીકળવું હોય ત્યારે નીકળી જઈ શકીએ. વળી, આજકાલ તો શહેરની અંદર દોડતી બસો અને બે શહેર વચ્ચે દોડતી બસોમાં ભાડાં એટલાં બધાં વધુ હોય છે કે લોકોને પોતાના અંગત દ્વિચક્રી (સ્કૂટી, બાઇક, એક્ટિવા વગેરે) કે ચતુષ્ચક્રી વાહનો (કાર) જ ફાયદારૂપ લાગે છે. વળી, બસનાં ઘણીવાર ઠેકાણાં નથી હોતા. ભરચક હોય તો ન પણ ઊભી રહે. ટ્રેનનાં ભાડાં પ્રમાણમાં હજુ સસ્તા છે, પરંતુ અમદાવાદ જેવામાં તો રેલવે સ્ટેશન સુધી પરિવાર અને તેની સાથે સામાન લઈને રિક્ષામાં જાય તો રિક્ષા ભાડાં જ બીજા શહેર જવા જેટલાં થઈ જાય! વળી, ટ્રેન સમય પણ ઘણો વધુ લે. સરવાળે, લોકો પોતાનાં વાહનો વધુ વસાવવા લાગ્યા છે. વધુ વાહનો એટલે વધુ ટ્રાફિક અને તેના કારણે ટ્રાફિક જામની મુશ્કેલી. એમાં પાછું ક્યાંક ને ક્યાંક રસ્તામાં ખોદકામ, સમારકામ ચાલતું હોવાનું. વળી, ચાર રસ્તે સિગ્નલની ઝંઝટ. આના કારણે એટલું વધુ – પેટ્રોલ-ડીઝલ બળવાનું. આપણા લોકોમાં હજુ ચાર રસ્તે વાહન બંધ કરી દઈ સિગ્નલ ખુલવાની શાંતિથી રાહ જોવાની ધીરજ નથી આવી. એટલે વાહન સતત ચાલુ રહે. આમ, પેટ્રોલ-ડીઝલની વધુ ખપત થાય. વળી, સમયે સમયે વાહનની સર્વિસ કરાવતા ન હોય એટલે પણ પેટ્રોલ-ડીઝલ વધુ વપરાય. આપણે ત્યાં પેટ્રોલ-ડીઝલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી એટલે વિદેશથી મગાવવા પડે. આમ, તેની આયાત વધુ કરવી પડે અને એટલે વધુ રૂપિયા જાય.

આપણે ત્યાં વિદેશયાત્રાઓ પણ ઘણી થાય છે. આ કારણે પણ ડોલરની ખરીદી વધુ થાય. ટેક્નોલોજીનો વપરાશ વધતાં ફોન, ટીવી ઇત્યાદિ સામાનની આયાત વધે જેમ આયાત વધે તેમ ડોલરની કિંમત વધવાની અને રૂપિયાની કિંમત ઘટવાની.

રૂપિયો નબળો પડે એટલે જે જે લોકો ચીજો આયાત કરતા હોય તેમણે વધુ રૂપિયા ખિસ્સામાંથી ચુકવવા પડે. માનો કે એક ટીવીની કિંમત ૩૦૦ ડોલર છે. હવે રૂપિયો જો મજબૂત હોય અને એક ડોલર બરાબર ૫૦ રૂપિયા કિંમત હોય તો ટીવી આયાત કરવા માગતા વેપારીએ ૧૫,૦૦૦ રૂપિયા ચુકવવા પડશે. પરંતુ જો રૂપિયો નબળો હશે અને એક ડોલર બરાબર તેની કિંમત ૬૦ રૂપિયા થઈ જાય તો તે વેપારીએ સીધા ૧૮,૦૦૦ રૂપિયા ચુકવવા પડે. આમ, સીધો ત્રણ હજાર રૂપિયાનો ફેર પડી ગયો!

સ્વાભાવિક છે કે એ વેપારી પોતે તો ખોટ ન જ કરે. એટલે માનો કે રૂપિયાની ડોલર સામે કિંમત ૫૦ રૂપિયા હોય તો વેપારી ૧૭,૦૦૦ રૂપિયામાં ટીવી વેચતો હોય તો એ જ વેપારી જ્યારે રૂપિયાની ડોલર સામે કિંમત ૬૦ થશે ત્યારે તે જ ટીવી તે ૨૦,૦૦૦ રૂપિયામાં વેચશે. એટલે કે ચીજ મોંઘી થઈ.

ડોલર મજબૂત થાય અને રૂપિયો નબળો પડે એટલે આયાતકારોની મુશ્કેલી વધે પરંતુ જે લોકો નિકાસ કરે છે, કાપડ, વસ્ત્રો, હસ્તકળાની ચીજો, ખાણીપીણીની ચીજો કે અન્ય ચીજો તેવા લોકોને રૂપિયો મજબૂત થાય ત્યારે મજા પડી જાય છે. કેમ કે તેમને સામે વધુ ભાવ મળવાના. જોકે જે લોકો નિકાસ કરતાં હોય પરંતુ તેમનાં ઉત્પાદનો માટે કાચા માલની આયાત કરવી પડતી હોય તેમને મુશ્કેલી જરૂર પડે. તેમણે નિકાસ માટે ભાવ વધારી દેવા પડે. હવે થાય એવું કે ખરીદનારા વિદેશમાં હોય એટલે તેમને ખબર પડે કે ડોલર સામે રૂપિયાનો ભાવ તો વધી ગયો છે એટલે તેઓ ભાવ ઘટાડવાનું દબાણ કરે. એટલે નિકાસકારોને પણ થોડો ફટકો તો પડે જ.

પણ ડોલર મજબૂત થવાનું કારણ એક માત્ર એ નથી કે આપણે સોનાની – પેટ્રોલ કે ડીઝલની વધુ આયાત કરીએ છીએ. સામે પક્ષે અમેરિકાનું અર્થતંત્ર પણ જોવાય છે. થોડા વર્ષ પહેલાં અમેરિકામાં બેરોજગારી વધી ગઈ ત્યારે ડોલર સાર્વત્રિક નબળો પડ્યો હતો. એટલે ત્યારે રૂપિયો મજબૂત થયો હતો. પરંતુ હમણાં હમણાં અમેરિકાનું અર્થતંત્ર સુધારા પર છે. આ પણ એક કારણ છે કે ડોલર મજબૂત થઈ રહ્યો છે અને રૂપિયો નબળો પડી રહ્યો છે.

બસ. આ જ વાત છે. રૂપિયો નબળો પડે એટલે ચીજો મોંઘી થાય છે. મોંઘવારી વધે છે. એમાંય રૂપિયો નબળો પડે એટલે પેટ્રોલ-ડીઝલની કિંમત ફટાક દઈને તેલ કંપનીઓ વધારી દે છે. (પરંતુ રૂપિયો મજબૂત થાય ત્યારે ઘટાડતા નથી.) હકીકતે, સરકારે પેટ્રોલને નિયંત્રણ મુક્ત કર્યું છે. એટલે પહેલાં પેટ્રોલના ભાવ સરકાર નક્કી કરતી હતી પરંતુ હવે તેલ કંપનીઓ દર પંદર દિવસે ભાવની સમીક્ષા કરી તેમાં વધારો ઘટાડો (મોટા ભાગે વધારો જ) કરે છે. તેલ કંપનીઓ પાસે રૂપિયો નબળો પડવાનું બહાનું ન હોય તો તે ક્રુડ ઓઇલ મોંઘું થયાનું બહાનુ કાઢીને ભાવવધારો કરે છે. પેટ્રોલ-ડીઝલના ભાવવધારામાં પાછું રાજકીય ગણિત પણ હોય છે. જો ચૂંટણી નજીક હશે તો પાછું તેલ કંપનીઓને સરકાર કિંમત વધારવા નહીં દે. સંસદ ચાલુ હશે તો પણ તેલ કંપનીઓને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારતા રોકશે.

પેટ્રોલ-ડીઝલ મોંઘા થાય એટલે શાકભાજીથી લઈને બધી જ ચીજો મોંઘી થાય, કેમ કે શાકભાજી એક ગામથી શહેર કે અન્ય શહેર પહોંચાડવામાં ડીઝલ બાળવું પડે. વળી જે લોકો સ્વરોજગારી મેળવે છે તેઓ તો ફટાક દઈને પોતાનું મહેનતાણું, મજૂરી વધારી દેવાના, કેમ કે તેમને પેટ્રોલ હવે મોંઘું પડે છે. પ્લમ્બર, કડિયા, કારીગર, સુથાર વગેરે ભાવ વધારી દે. ચાવાળો ચાના ભાવ વધારી દે. સરવાળે, બધું જ મોંઘું થાય. હવે, જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટે તો તેની સાથે પાછી જે જે ચીજો મોંઘી થઈ છે તે કંઈ સસ્તી થતી નથી! માનો કે પ્લમ્બરે તેના ભાવ વધારી દીધા તો તે પેટ્રોલ સસ્તુ થશે તો પ્લમ્બર તેના ભાવ ઘટાડશે નહીં કે ચાવાળો ચા સસ્તી નહીં કરે. વિદેશમાં ભણવાનું મોઘું થાય. જે લોકો પોતાનાં બાળકોને જૂન-જુલાઈથી વિદેશ ભણવા મોકલવાના હતાં તેમણે વિચાર માંડી વાળ્યો છે, પરંતુ જે માતાપિતાનાં બાળકો અગાઉથી જ ત્યાં પ્રવેશ મેળવીને ભણી રહ્યા છે તેમની ચિંતાનો પાર નથી. કમ્પ્યૂટર, ટેબલેટ, મોબાઇલ, લેપટોપ અને ટીવી જેવાં ઉપકરણો પણ ખરીદવા મોંઘા થઈ ગયા છે. કેટલીક કંપનીઓએ ૧ જુલાઈથી કિંમતમાં ૮થી ૧૦ ટકાનો વધારો કરી નાખ્યો છે. પરિણામે મોંઘવારીનું આ વિષચક્ર ચાલતુ જ રહે છે અને તેના મૂળમાં ક્યાંક રહેલું છે રૂપિયાનું ધોવાણ.

અને આ ધોવાણ છેલ્લા કેટલાય સમયથી સતત ચાલુ જ છે. જૂનમાં રૂપિયો સાત ટકા તૂટ્યો, તો મે મહિનામાં તે ૧૨ ટકા તૂટ્યો.

ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે તો ચેતવણી આપી દીધી કે જો રૂપિયાનું પતન ચાલુ રહેશે તો ભારતના સાર્વભૌમ રેટિંગ પર અસર પડશે. જો મૂડીઝ ભારતના સોવરેઇન (સાર્વભૌમ) રેટિંગને ઘટાડે (ડાઉનગ્રેડ કરે) તો ભારતની શાખ ઘટે, પરિણામે ભારતમાં વિદેશના લોકો ઓછું મૂડીરોકાણ કરે.

નાણા પ્રધાન પી. ચિદમ્બરમે ડોલરની સરખામણીમાં રૂપિયામાં વિક્રમી પતન થયા પછી તેમના ખાતાના મંત્રીઓ સાથે અને રિઝર્વ બેન્કના વડા સુબ્બારાવ સાથે બેઠક કરી અને સ્થિતિની સમીક્ષા કરી હતી.  રૂપિયાના સતત ધોવાણે વિપક્ષોને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવાની વધુ એક તક આપી દીધી છે. એવી મજાક થવા લાગી છે કે રૂપિયો પહેલાં રાહુલ ગાંધીની (૪૫ વર્ષ) ઉંમરનો હતો, હવે સોનિયા ગાંધીની (૬૦ વર્ષ)ની ઉંમરનો થયો અને પછી મનમોહનસિંહની (૮૦ વર્ષ) ઉંમરનો થઈ જશે. કેન્દ્ર સરકાર આર્થિક મોરચે સાવ વિફળ ગઈ છે અને તેના કારણે મોંઘવારી પણ બેફામ વધી છે. સરકાર પણ માથું પકડીને બેઠી છે કેમ કે કોઈ હિસાબે રૂપિયો કાબૂમાં જ નથી આવતો પણ એવું નથી કે સરકાર ચૂપચાપ બેઠી છે. રિઝર્વ બેન્કે વ્યાજ દર વધારવા સહિતના પગલાંની જાહેરાત કરી છે. આરબીઆઈએ બેન્ક દર ૨ ટકા વધારી ૧૦.૨૫ ટકા કરી નાખ્યો છે. તેણે ૧૨,૦૦૦ કરોડ રૂપિયાના સરકારી બોન્ડ વેચવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત સરકારે સોનાની આયાત ઘટે તે માટે પણ પગલાં લીધા છે.

આમાં, બીજા ઉપાયોની સાથોસાથ ભારતે દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભરતા કેળવવાની તાતી જરૂરિયાત છે. ગાંધીજીએ જે સ્વદેશીનો સિદ્ધાંત અને આત્મનિર્ભરતાની વાત કરી હતી તે અપનાવવા જેવી છે, પરંતુ કમનસીબે આપણે ત્યાં આત્મનિર્ભર બનવાના કોઈ પ્રયાસો જ નથી થતા. છૂટક વેપાર (રિટેઇલ-કરિયાણા)માં પણ વિદેશી રોકાણને મંજૂરી આપી દેવામાં આવે તો તેમાં પણ અવલંબન આવી જાય છે. પેટ્રોલ-ડીઝલ ક્ષેત્રે પણ ભારત સ્વાવલંબી બની શકે, પરંતુ કમનસીબે સરકારના અધિકારીઓથી માંડીને એક નાનકડો પણ મજબૂત વર્ગ એવો છે જે નથી ઈચ્છતો કે આપણાં તેલક્ષેત્રોમાં શારકામ થાય ને તેલ નીકળે ને એનો ઉપયોગ આપણે પેટ્રોલ-ડીઝલ તરીકે કરીએ. આ વાત બીજા કોઈએ નહીં, પરંતુ પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઈલીએ જ થોડા સમય પહેલાં કરી હતી. તેમણે કહ્યું હતું કે પેટ્રોલિયમ મંત્રીઓને સ્વનિર્ભરતા કેળવવા સામે ધમકી પણ આ ઓઇલ લોબી આપે છે. (જોકે તેમના સિવાય અન્ય પેટ્રોલિયમ મંત્રીઓએ આ વાત નકારી દીધી હતી). હવે આવી સ્થિતિ હોય ત્યાં સ્વનિર્ભરતા ક્યાંથી આવે?

(લખ્યા તા. ૨૨ જુલાઈ, ૨૦૧૩, ‘સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શન’ના અંક માટે)

3 thoughts on “ડોલર સામે રૂપિયાનું ધોવાણ ચિંતાજનક

 1. જ્યાં સુધી આપણો દેશ આત્મનિર્ભર (સ્વાવલંબી) નહીં બને ત્યાં સુધી રૂપિયો ગગડતો જ રહેવાનો, અને પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટવાની આશા જ નહીં રાખવાની..
  PS: અત્યારે કયો નેતો એવો છે કે જે દેશને સ્વાવલંબી બનાવવાની વાત કરે છે ? કોઇ નહીં. માત્ર એકને છોડીને. ઑફ કોર્સ, તેનું નામ લેવું જરૂરી નથી. આમ પણ તેની સિવાયના બધા જ ***** છે !!! (**** ની જગ્યાએ તમારી મનગમતી ઉપમા આપી શકો છો 🙂 )

  1. મયૂરભાઈ તમારો આક્રોશ સાચો અને વાજબી છે.

   1. જયવન્ત સાહેબ,
    હવે તો બધાનો આક્રોશ આસમાને પહોંચ્યો જ છે ! આમાં આપણી પબ્લીક+વેપારી લોબીનો ફાળો પણ ખતરનાક હદે સારો (એટલે કે નેગેટીવ) છે ! દેશ સુધારવો હોય તો સમાજને પણ સુધરવું પડે (આમાં કેટલાક મુ્દ્દામાં હું પણ આવી જાઉં છું.)
    લોકોને બસ તેના ચુંટણી સમયમાં મળતા ગિફ્ટમાં જ સ્વાર્થ દેખાય છે ! એ વધુમાં વધુ દસ હજારથી-બે-ત્રણ લાખના અપાતા ગિફ્ટસ્ (પ્રજાના ઇન્કમટેક્સના પૈસામાંથીજ) લેવા કરતા દેશને સાચા અને સારા હાથોમાં આપીએ તો પણ તેનાથી પાંચ-સો ગણો ફાયદો દેશને થશે.

    ઇન શોર્ટ : આપણા દેશમાં બુદ્ધિજીવીઓની કદર નથી ! અને કાચબાછાપ આઇડિયાવાળાઓ ભોળી પ્રજા સામે ફાવી જાય છે.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.