society

બાળ દિન : સ્માર્ટ બાળકો, અણસમજુ માબાપ અને બેજવાબદાર સમાજ!

આજે ભારતના પ્રથમ વડા પ્રધાન પં. જવાહરલાલ નહેરુનો જન્મદિન છે. તેમની વર્ષગાંઠને બાળદિન તરીકે ઉજવાય છે. એટલે સ્વાભાવિક છે કે આજે બાળકો વિશે મહત્તમ ચિંતન  થશે (જો સચીન તેંડુલકરની આખરી ટેસ્ટમાંથી નવરાશ મળે તો). અને થવું જ જોઈએ. પણ સવાલ એ છે કે બાળકોને આપણે કેવો વારસો આપીને જવા માગીએ છીએ?

 અસહિષ્ણુતા

અત્યારે દેશમાં અસહિષ્ણુતા સતત વધી રહી છે. નાની નાની વાતોમાં લાગણીઓ દુભાઈ જાય છે. અને માત્ર સામાજિક કે રાજકીય મુદ્દાઓની જ વાત નથી. હવે ઘર-પરિવાર નાનાં થઈ ગયાં છે એટલે મન પણ નાનાં થઈ ગયા છે. કુટુંબમાં નાની નાની વાતમાં માઠું લાગી જાય છે. જતું કરવાની ભાવના ઘટી રહી છે. શું આપણે આપણાં બાળકોને વારસામાં અસહિષ્ણુતાનો ગુણ આપવા માગીએ છીએ?

ઓછો સમય

માબાપ બંને કમાતા થયાં છે. એટલે બાળકો માટે હવે સમય નથી. બાળકને વાર્તા કહેવાની ફુરસદ નથી. બાળકને નાનપણથી પ્લે ગ્રૂપમાં નાખીને જવાબદારી પૂરી કર્યાનો સંતોષ છે. એને સારાં કપડાં અપાવવાનો સંતોષ છે. એને પ્લે સ્ટેશન અપાવવાનો આપણને ગર્વ છે. પણ તે શું કરે છે, તેનું ભણતર કેવું ચાલે છે, તે પાસે બેસીને પૂછવાનો સમય છે? તેને રાત્રે સૂતી વખતે પ્રેરણાદાયક વાર્તા કહેવાની ધીરજ છે?

પશ્ચિમી ભોગવાદી વિકૃતિ

એમાં ના નથી કે અત્યારે મૂડીવાદી હવા ‘હૈયાન’ વાવાઝોડાની જેમ જોરથી વહે છે કે તેમાં વ્યક્તિને ‘હેવાન’ બનતા વાર ન લાગે. ખર્ચા પર કાબૂ નથી. બચતનો મહિમા ઘટી રહ્યો છે. મોટા ભાગની ચીજો ‘યૂઝ એન્ડ થ્રો’ની છે એટલે સંબંધો પણ ‘યૂઝ એન્ડ થ્રો’ની જેમ ઉપલકિયા બની રહ્યા છે. બાળકોને લાડ ન કરતાં, બચત કરવાનું પણ માબાપે જ શીખવવું પડશે. એ માગે એ વસ્તુ લઈ દેવી એ માબાપની ફરજ નથી, પણ બિનજરૂરી ચીજો ન ખરીદવી એ શીખવવું એ પણ માબાપની ફરજ છે. આપણું બાળક સોસાયટીમાં કે શાળામાં તોફાન કરે ત્યારે તેનું ઉપરાણું લઈને પડોશી કે શિક્ષક સાથે ઝઘડવાના બદલે બાળકને ટપારીશું કે તેને બગડવા દઈશું? બાળકને ‘ધ ડર્ટી પિક્ચર’ના ‘ઉલાલા’ પર ભદ્દો ડાન્સ કરવા પ્રોત્સાહિત કરવાની સાથે ‘હનુમાનચાલીસા’ પણ શીખવાડીશું? તેનો અર્થ કહીશું, હનુમાનજીનું ચરિત્ર સમજાવીશું, રામાયણનાં મૂલ્યો અને મહાભારતનો બોધપાઠ, ગીતાજ્ઞાન પણ આપીશું?

બાળકને મોબાઇલ આપવાની સાથે તેમાં કઈ કઈ ક્લિપો છે, તે કોની સાથે વાત કરે છે તે પણ જાણવું જરૂરી છે. તેના મિત્રો કોણ છે, તેની સોબત કેવી છે, તે માબાપને ખબર હોવી જોઈએ.

માન્યું કે, અત્યારના બાળકો હાઇપર એક્ટિવ અને સ્માર્ટ છે એટલે તેમને આદેશથી કે ડારાથી કે કડકાઈથી દર વખતે નહીં આજ્ઞાપાલન કરાવી શકાય. એ માટે એમના મિત્ર પણ બનવું પડશે. ક્યારેક એમની સાથે ‘સ્ટોન, સીઝર એન્ડ પેપર’ની ગેમ કે પછી દોડપકડ, સંતાકૂકડી વગેરે રમતો પણ રમવી પડશે. એમની સાથે ‘મારા પ્રભુજી નાના છે’ ગાવું પડશે. એમને શાબાશી આપવી પડશે અને ડોરેમોન પણ જોવું પડશે.

ટ્રાફિક સહિતની સિવિક સેન્સ

મોટા લોકોમાં જ નાગરિક તરીકેની જવાબદારીનું ભાન નથી ત્યાં બાળક પાસે ક્યાંથી આશા રાખવી? ઘાંટા પાડીને બોલવું, થિયેટર કે જાહેર સ્થળે મોબાઇલની રિંગટોન મોટી રાખવી અને એ રિંગટોન પણ પાછી ભદ્દાં ગીતની રાખવી, મોટે મોટેથી વાતો કરવી, ટ્રાફિકમાં ગમે તે સાઇડથી ઓવરટેક કરવું, એમ્બ્યુલન્સની જેમ સતત હોર્ન વગાડવાં, ગમે ત્યાં પાર્ક કરવું, ગમે ત્યાં કચરો ફેંકવો, ચપ્પલ અવ્યવસ્થિત ઉતારવા, ગંદકી કરવી,  હોમ થિયેટર કે સાઉન્ડ સિસ્ટમમાં, ચાહે ઘરે નવરાશમાં સાંભળતા હો કે નવરાત્રિમાં, ફૂલ ટુ વોલ્યૂમ રાખીને મ્યૂઝિક સાંભળવું, અંગ ઢંકાય તેવાં કપડાંનું પ્રમાણભાન ન રાખવું…આ બધું કૂવામાં હશે તો જ હવાડામાં આવશે.

માતૃભાષા જાય તેલ પીવા

અત્યારે બાળક તો હિન્દી કાર્ટૂન ચેનલો અને અંગ્રેજી માધ્યમમાં ભણતું હોઈ ૭૦ ટકા હિન્દી અને ૨૦ ટકા અંગ્રેજી અને ૧૦ ટકા ગુજરાતીમાં વાતો કરવાનું, પણ તેને આપણી માતૃભાષાની સમજ તો જ આપી શકાય જો માબાપને એનું ગૌરવગાન હોય. માબાપ પોતે જ અધકચરી ગુજરાતી બોલતા હોય તો પછી બાળકને ક્યાંથી શીખવવાનાં? આપણા ગુજરાતી કવિઓ, ગુજરાતી સાહિત્યકારો, ઇવન, ગુજરાતી ફિલ્મો વિશે પણ બાળકોને જાણકારી તો આપવી જ જોઈએ. બાળકને ભણાવવા અંગ્રેજી માધ્યમનો મોહ જરૂરી નથી કેમ કે હવે તો ગુજરાતી માધ્યમમાં પણ પાઠ્યપુસ્તકોમાં અંગ્રેજી શબ્દો આપે જ છે. બાળકને ગુજરાતી વાંચન કરાવવાની જવાબદારી માબાપની છે.

 ફિલ્મો, સિરિયલો, ન્યૂઝ ચેનલો અને અખબારો

આમાં તો માબાપ પણ કંઈ કરી શકે તેમ નથી. આ તો સરકારી સ્તરે અથવા તો વ્યાપકપણે  લોકશક્તિ સંગઠિત થાય તો (મુંબઈના કેમ્પાકોલા સોસાયટીમાં જેમ થયું તેમ) તેનો ઉકેલ આવે. બાકી અત્યારે કોઈ એવી ફિલ્મ નથી જેમાં કિસિંગ સીન ન હોય, બેડરૂમનાં દૃશ્યો ન હોય, છાપાઓમાં પણ સન્ની લિઓન, પૂનમ પાંડેથી માંડીને વિદેશી હિરોઇનોના ટોપલેસ ફોટા આવવા લાગ્યા છે. આસારામ, નારાયણ સાંઈના સમાચારમાં પણ બાળકો ગેરમાર્ગે દોરાય તેવા શબ્દો વપરાય છે. (જેમ કે અમુક પ્રકારના સેક્સના બદલે વિકૃત કામાચાર જેવા શબ્દો પણ વાપરી શકાયા હોત.) ડીયોડ્રન્ટથી માંડીને પર્ફ્યૂમ, અંડરવિયર, કોન્ડોમ અને ક્વિકર જેવી વેબસાઇટની જાહેરાતોમાં પણ વિકૃતિજનક ચિત્રણ હોય છે. ન્યૂઝ ચેનલો પર પણ આવી જાહેરખબરો દર્શાવાય છે. અરે! બાળકોની કાર્ટૂન ચેનલો પર પણ આવી ભદ્દી જાહેરખબર દેખાડાય છે ને. કમ સે કમ બાળકો માટેની એલ્પેન્બી ચોકલેટ/પીપરમેન્ટની ‘યે મેરા દિલ પ્યાર કા દીવાના’વાળી જાહેરખબરમાં ગે જેવા પાત્રને દેખાડાય છે તે  બંધ કરવી જોઈએ. હમણાં ‘નચ બલિયે’ જેવા ફેમિલી શોના સમયે આવતા ડાન્સ શોમાં એન્કરોને ગે પ્રકારની કિસ કરતાં બતાવાયા હતા!

ઇન્ટરનેટ તો ખુલ્લું મેદાન જ છે. તેમાં કોઈ પ્રકારનો પ્રતિબંધ મૂકી શકાય તેવી શક્યતા ઓછી છે ત્યારે માબાપની નજર હેઠળ તેનો બાળક વપરાશ કરે તેવી જરૂર છે. એટલે અત્યારે માહોલ એવો છે કે બાળકનો બાળક તરીકે તબક્કો જાણે આવે જ નહીં. તે પુખ્ત જ થઈ જાય. અને થાય છે પણ એવું. હવે બાળકો ઝડપથી પુખ્ત થવા લાગ્યા છે. છોકરીઓમાં નાની ઉંમરે માસિક આવતું થયું છે તો છોકરાઓમાં પણ નાની ઉંમરે મૂછના દોરા ફૂટવા લાગ્યા છે.

સમય બહુ ખતરનાક છે, પણ સાથે સંભાવનાઓ એટલી જ ભરપૂર છે. મોબાઇલમાં કૌન બનેગા કરોડપતિ, મેથ્સ શોર્ટકટ, ગુજરાતી પ્રાઇડ જેવી એપ (એપ્લિકેશન, યાર) છે જ. કેરમ, ક્રિકેટ, સબવે સર્ફર, હિલ ક્લાઇમ્બિંગ રેસ, ટેમ્પલ રન જેવી રમતો પણ છે. માબાપ જો બાળકોને થોડી છૂટ અને વધુ સમજ આપશે તો બાળક જેમ વાળવું હશે તેમ વળશે, આફ્ટર ઓલ એ આપણાં બધાં કરતાં વધુ સ્માર્ટ છે. એને નાની ઉંમરથી મોબાઇલમાં ખબર પડવા લાગી છે. એને ઝડપથી ટીવી ચેનલ બદલતાં અને સેટ કરતાં આવડે છે. એને કમ્પ્યૂટરની ફોટોશોપથી માંડીને અન્ય સોફ્ટવેરમાં ગતાગમ વધુ પડે છે. આપણને કોઈક કહેતું કે ‘કાગો લઈ ગયો’ ને આપણે વસ્તુની જીદ મૂકી દેતા હતા તેમ આજનાં બાળકો માને તે વાતમાં માલ નથી. એને ખબર છે કે કાગો ફાગો કંઈ નથી. આપણે જ એમ કરીને પાછળ છુપાવી દઈએ છીએ. અને એટલે જ માબાપની સતર્કતા અને જવાબદારી વધી જાય છે.

 

 

Advertisements

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s