શેરોન સ્ટોન ભારતની પાંચ દિવસની મુલાકાતે આવી ગઈ. શેરોન સ્ટોન કોણ છે તે સોશિયલ મિડિયાના જાણકાર લોકોને કહેવાની જરૂર નથી. પાંચ દિવસની ભારતની મુલાકાત દરમિયાન શેરોન સ્ટોન મુંબઈ આવી, રાજસ્થાન ફરી, અભિષેક-ઐશ્વર્યાને મળી, અનેક કાર્યક્રમો કર્યા. તેમાં વારાણસી પણ ગઈ. ગંગા નદીના ઘાટે પૂજા કરી, આરતી કરી.

sharon stone in varanasi 2013

sharon stone in varanasi 2013-2sharon stone in varanasi 2013-3sharon stone in varanasi 2013-5શેરોન સ્ટોન એ પહેલી સ્ટાર નથી કે વિદેશી હસ્તી નથી જેને હિન્દુ ધર્મ કે હિન્દુત્વ  પ્રત્યે આકર્ષણ થયું હોય. દલીલ કરવા ખાતર, કોઈ એવી દલીલ કરી શકે કે ભારત ફરવા આવી હતી અને એમાં વારાણસી ગઈ ને ત્યાં પૂજા કરાવી. પરંતુ એમાં તથ્ય નથી. ફરવું હોય તો ફરી શકાય. ‘ઇન્ડિયા’માં  ‘ફરવા ને ચરવા લાયક’ ઘણું છે. પરંતુ તેમાં તે વારાણસી જઈને પદ્ધતિસર પૂજા કરાવે તે નોંધપાત્ર બિના એટલા માટે બને છે કે તે હોલિવૂડથી આવે છે…એવા વાતાવરણમાંથી જ્યાં નર્યો ‘ભોગ’ અથવા તો ‘Eat, Drink and ****’ નો જ મહિમા છે. એવું જીવન જે પ્રાણીઓ પણ નથી જીવતા. પ્રાણીઓ પણ કુદરતી રીતે જ જીવન જીવે છે.

કહેવાય છે કે ગ્લેમર વર્લ્ડ અથવા ચકાચૌંધ અથવા મોહમાયાની દુનિયામાં જઈને બધું ભૂલી જવાય છે. રૂપાળી દુનિયામાં રૂપાળા દેખાવું, મોંઘા અને સુંદર કપડાં પહેરવા, જૂતાં પહેરવાં, ભારે મેકઅપ કરવો, સારું પર્ફ્યૂમ છાંટવું, કાર ને હેલિકોપ્ટરમાં પ્રવાસ કરવો, મોટી મોટી હસ્તીઓ સાથે યેનકેન પ્રકારેણ સારા સંબંધો રાખવા કે દેખાડવા, મોટી હોટલોમાં પાર્ટી કરવી…અને આ બધા માટે કમાણીનું ચક્કર… આ બધામાંથી પછી ચમચાગીરી, દગાખોરી અને ઝઘડાનું ચક્કર ચાલુ થાય છે જેમાં જાણતા અજાણતા ખૂંપતા જવાય છે. આ ‘સ્ટ્રીટ ઓફ નો રિટર્ન’ છે. જો મજબૂત મનોબળના રહ્યા કે પછી સફળતા મળી તો ટકી ગયા અને નબળા મનના રહ્યા તો આત્મહત્યા સુધીની નોબત આવી ગઈ કે પછી છેલ્લે ઓળખી પણ ન શકાય તેવી ગૂમનામીભરી હાલતમાં મૃત્યુ. નફીસા જોસેફ, કુલજીત રંધાવા, વિવેકા બાબાજી, સિલ્ક સ્મિતા, જીયા ખાન, અનેક ઉદાહરણો છે. આ દુનિયા એવી હોય છે જેમાં તમને આધ્યાત્મિક લાગણી પણ એટલી જ થઈ આવવાની શક્યતા છે. બધું ભોગવી લીધા પછી કંઈ બાકી રહેતું ન લાગે અને એટલે ચાલુ થાય ઈશ્વરની શોધ.

એક થિયરી (જેમ કે રજનીશની) છે જેમાં બધું ભોગવવાની વાત આવે છે અને પછી કોઈ ઈચ્છા જ બાકી રહેતી ન લાગે  ને ઈશ્વરભક્તિમાં જ આનંદ આવે. પશ્ચિમની જે દુનિયા છે, તેમાં મોટા ભાગે આવું જ થાય છે.  શેરોન સ્ટોન જે ફિલ્મમાં કામ કરીને ચર્ચામાં આવી ગઈ હતી તે ‘બેઝિક ઇન્સ્ટિન્ક્ટ’નો શબ્દ પકડીએ તો ‘બેઝિક ઇન્સ્ટિન્ક્ટ’ જ આખરે માણસને સાચી ‘ઇન્સ્ટિન્ક્ટ’ (ઈચ્છા, પ્રકૃત્તિ, સહજ જ્ઞાન) તરફ દોરી જાય છે. અને એટલે જ કદાચ પશ્ચિમનું જગત ભલે, હંમેશ માટે નહીં તો પણ વારે તહેવારે મૂળભૂત જ્ઞાન જેમાં રહેલું છે તેવા હિન્દુત્વ તરફ મીટ માંડે છે. એની કેટલીક તસવીરી ઝલક આ રહી:

જુલિયા રોબર્ટ્સ
‘પ્રેટિ વૂમન’ ફેમ અભિનેત્રી જુલિયા રોબર્ટ્સ હિન્દુ ધર્મથી માત્ર આકર્ષિત જ નથી થઈ, બલકે તેણે હિન્દુ ધર્મ અપનાવી લીધો અને કારણ આપ્યું કે આધ્યાત્મિક સમાધાન કે સંતોષ માત્ર હિન્દુ ધર્મમાં જ મળે છે
Samantha Cameron-wife of british prime minister3
બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કેમેરોનનાં પત્ની સામન્થા કેમેરોન ૨૦૧૩ની દિવાળીની ઉજવણી દરમિયાન

પણ સવાલ એ છે કે આખી દુનિયાને ભારત તરફ જ્યારે આશા જાગતી હોય ત્યારે ભારતનું કેવું વરવું ચિત્ર ઉપસી રહ્યું છે? ભારતને મહદ્ંશે, હવે ‘ઇન્ડિયા’ તરીકે સંબોધાય છે. ‘ઇન્ડિયા’ નામ અંગ્રેજોએ પાડેલું છે અને અંગ્રેજો જે શિક્ષણ પદ્ધતિ, જે સંસ્કૃતિ છોડતા ગયા છે તે તે પછી ઉત્તરોત્તર વધતી ચાલી છે. ખાસ કરીને ઇન્ટરનેટના આગમન અને એમટીવી, વીટીવી, સહિતની વિદેશી ચેનલો આવ્યા પછી, આપણે જાણે કાળા અંગ્રેજ જેવા થઈ ગયા હોય તેમ લાગે છે. (એવું નથી કે ઇન્ટરનેટ, સ્માર્ટ ફોન કે ચેનલો બધાનો ખરાબ જ ઉપયોગ છે… ધારીએ તો તેનો સદુપયોગ પણ થઈ શકે ને કરનારા કરે જ છે, પણ મહદ્ંશે એમ થતું નથી.)

માનો કે અમેરિકા કે પશ્ચિમી દેશમાંથી કોઈ અહીં આવે તો તેને ભારતમાં શું જુદું લાગવાનું? કંઈ નહીં. ત્યાં જે શોપિંગ મોલ છે તે અહીં પણ છે. ત્યાં મલ્ટિપ્લેક્સ છે અહીંય છે. ત્યાં પુરુષો ટીશર્ટ ને બરમૂડામાં આંટા મારતા હોય તો અહીંય એ જ છે. ત્યાં સ્ત્રીઓ ટોપ અને સ્કર્ટ પહેરતી હોય તો અહીંય તે જ છે. ત્યાં વિભક્ત કુટુંબ છે અને અહીંય તેવું જ છે. ત્યા ક્રેડિટ કાર્ડ જેવા પ્લાસ્ટિક મની છે તે અહીંય છે. ત્યાંની ફિલ્મોમાં પ્રણયપ્રચુર (ઇન્ટિમેટ, યુ નો) દૃશ્યો આવતા હોય તો અહીંની ફિલ્મોમાં પણ એ બધું હવે છે. ટીવીની સિરિયલો અને શો પણ એ દેશોની સિરિયલો અને શોની નકલ જ છે અને એટલે જ ‘બિગ બોસ’માં અરમાન કોહલી અને તનીષા મુખર્જી કઢંગી હાલતમાં જોવા મળ્યા કે અગાઉ વીણા મલિક અને અસ્મિત પટેલની વાત  હોય…વિવાદો પણ એ જ છે.

જાતીય સતામણીની તો વાત જ શું કરવી? ઠેર ઠેર બળાત્કાર અને જાતીય સતામણીના કિસ્સા ‘I love my India’માં જોવા મળી રહ્યા છે. આસારામ, તરુણ તેજપાલથી માંડીને બસ ડ્રાઇવર સુધી બધાની જાતીયતા વિકૃત રૂપે ઠલવાઈ રહી છે. અને એમાં ક્યાંક ને ક્યાંક માધ્યમોનો કસૂર છે, છે ને સાડી સત્તરવાર છે. (વેસ્ટર્ન કલ્ચરથી ઇમ્પ્રેસ્ડ મેંગો અને એપલ ( મેંગો પીપલ = આમ આદમી એ તો જાણીતી  વાત છે, પણ એપલ પીપલ? જેની પાસે એપલના આઈફોન, આઈપેડ, ઇત્યાદિ હોય અને જે અંગ્રેજીના ‘આઈ’ ધરાવતા હોય એટલે કે અહંકાર, હું કહું તે જ સાચું, તેવા લોકો) પીપલ કહેશે કે દુર્યોધનના સમયમાં ક્યાં માધ્યમો હતાં? એ સમયમાં દુર્યોધન જેવા પણ કેટલા હતા એય જોવું જોઈએ. અત્યાર જેવું વ્યાપક ચલણ નહોતું કે જ્યાં જુઓ ત્યાં કેરેક્ટરના ઢીલા જ દેખાય.)

‘સિંઘમ’ ફિલ્મના ‘ગોટિયા’ની જેમ અત્યારે કોઈને સાચી પૂજામાં રસ નથી. (કદાચ પૂજા કરવતા ગોર/પંડિતો/બ્રાહ્મણોને પણ નહીં) તેમને મન તો પૂજા એટલે એક પ્રોગ્રામ, જે જલદી ‘ફિનિશ’ થવો જોઈએ, યૂ નો. તેમને વિધિ કહેતાં, ક્રિયાકર્મ, કે પછી રિચ્યૂઅલ્સ કેમ અને શા માટે તે સમજવાની તસ્દી નથી લેવી. પૂજા દરમિયાન પણ મોબાઇલ ફોન સાઇલન્ટ, વાઇબ્રન્ટ કે સ્વિચ ઑફ મોડમાં રાખવા નથી. સ્ત્રીઓની પણ એ જ હાલત છે. ચાંદલો, બિંદી વગેરેથી તેમને છૂટ્ટી જોઈએ છે. કેટલાં માબાપ તેમનાં છોકરા-છોકરીને બીજાં કોઈ પુસ્તકો નહીં તોય ગીતાજ્ઞાન વંચાવતા હશે? ભગવદ્ ગીતા તો મેનેજમેન્ટમાંય ભણાવાય છે અને તે કંઈ માત્ર જેને આપણે ધર્મ માની બેઠા છીએ, તેવું ધર્મનું પુસ્તક નથી. એ તો જીવન સારી રીતે જીવવાની પ્રેરણા અને માર્ગદર્શન આપતું પુસ્તક છે, જેને ગાંધીજી જેવા મવાળવાદીથી માંડીને લોકમાન્ય ટીળક જેવા જહાલ મતવાદી સરખું મહત્ત્વ આપે છે. માનો કે કોઈને સાચું જ્ઞાન લેવું છે તો સમજાવનારા પણ ક્યાં છે?

અને સંસ્કાર કે તહેઝીબ કોઈ એક ધર્મના જ મોહતાજ નથી. એ તો જેટલી સંસ્કૃતને મા ગણનારા લોકોમાં છે એટલું જ ઉર્દૂ બોલનારા જનાબમાં પણ છે અને ઇંગ્લિશ કલ્ચર્ડ લોકોમાંય એટલું છે. ઉર્દૂ અને હિન્દીમાં એક સરસ વાત છે- આપ. વ્યક્તિને મોટી ગણાવવા, તુમ (તમે) નહીં આપ કહેવું. અને એમાં માબાપ પોતાના દીકરાને પણ આપ કહે. આપને ખાના ખાયા? એ તુમને ખાના ખાયા કરતાં કેટલું મીઠું ને વિવેકી લાગે! ‘પહેલે આપ’ અને ‘આપ કે દુશ્મન કી તબિયત નાસાઝ હૈ’ની  વાત લખનઉની તહેઝિબમાં હતી એ જાણે આ ત્રાસવાદથી બદનામ ઇસ્લામ ધર્મમાં ક્યાંk ખોવાઈ લાગે છે.

જેમ નામ, કપડાં, વિધિ-વ્યવહાર બધું નાનું થતું ગયું તેમ કેટલીક પરંપરા પણ નાની થતી ગઈ. હવે પગે અડીને પ્રણામ કરાતા નથી. હવે પગે લાગવુ એટલે ઘૂંટણિયે લાગવું. ઘૂંટણને અડીને પ્રણામ કરી લીધા. બસ.

અને બીજી તરફ, સવાલ એ પણ છે કે માબાપે તેમના સંતાનને સારી પ્રવૃત્તિ કરાવવી હોય – શીખવાડવી હોય તો સમય ક્યાં છે? અને જો માબાપ પાસે સમય ન હોય તો બીજી કોઈ સંસ્થામાં મોકલવા હોય તો ક્યાં મોકલે? સ્વાધ્યાય પરિવાર? પંકજ ત્રિવેદીની હત્યા બાદ તેનું નામ ખરાબ થઈ ગયું છે. આસારામનાં કરતૂતોના કારણે તો હવે કોઈ પરિવાર એના દીકરા કે દીકરીને ત્યાં મોકલશે નહીં, અલબત્ત, સ્થિતિ એવી છે કે કોઈ ‘ધર્મ’ કે ‘ગુરુ’ની પાસે નહીં મોકલે. સ્વામિનારાયણ સંપ્રંદાયનો ડંકો તો વિદેશમાંય એવો વાગે છે કે બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કેમેરોન હોય કે ત્યાંના રાજવી પરિવારના પ્રિન્સ ચાર્લ્સ, અક્ષરધામ અચૂક જાય છે. પરંતુ આ સંસ્થાના કેટલાક સજાતીયતાના દુરાચારના કિસ્સા બહાર આવ્યા છે, અરે! સ્વયં પ્રમુખસ્વામી સામે પણ ફરિયાદ થઈ ગઈ. અલબત્ત, એમાં તથ્ય ન હોવાનું બહાર આવ્યું, પરંતુ માધ્યમ ચીજ જ એવી છે કે એમાં બદનામીભર્યા સમાચાર જેટલા મોટા અક્ષરોમાં આવે છે એટલા એના રદિયાના નથી આવતા. એ તેનું ઉધારપાસું છે. અને એ બાબતે કોઈ ફરજ પાડતો ન્યાયાલય (કોર્ટ, યૂ નો)નો આદેશ કે કોઈ નૈતિક નિયમ પણ નથી.

એટલે અંતે તો પ્રશ્ન ત્યાં ને ત્યાં જ ઊભો રહે છે: જાયે તો જાયે કહાં!

જવાબ આપણે જ આપણી આજુબાજુ શોધવો રહ્યો અથવા આપણે જ જવાબ બનવું રહ્યું. માબાપ પાસે સમય ન હોય તો માએ તેના સાસુ-સસરાને આ ફરજ સોંપવી. જેમ કે, અમેરિકામાં રહેતી આ નાની દીકરીને તેના દાદા કનુભાઈ સૂચક અને તેમના પરિવારે સરસ મજાનાં ગુજરાતી બાળગીતો અને સંસ્કૃત શ્લોક શીખવ્યા છે. તેનો વિડિયો જોવા નીચેની લિંક પર ક્લિક કરો:

https://www.facebook.com/photo.php?v=10201595784910046

દાદા-દાદી સાથે મેળ ન પડતો હોય તો આજુબાજુમાં નજર દોડાવજો, સારી સંસ્થાઓ હજુ પણ છે જ.

ટૂંકમાં, એવું ભારત હજુ રાખીએ જેને ખરા અર્થમાં ભારત કહી શકાય, બહારથી લોકો આવે તો તેને કહી શકીએ,

‘કુછ દિન તો ગુજારિયે, ભારત મેં!’

One thought on “શેરોન સ્ટોન જેવી હસ્તીઓને કઈ ઇન્સ્ટિન્ક્ટ ભારત ખેંચી લાવે છે?

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.