narendra modi caricature
Courtesy: http://indiancaricature.blogspot.in/2012/08/narendra-modi-caricature.html, caricature: Rajendra Yadav
Courtesy: http://rajeshartworld.blogspot.in/2013_02_01_archive.html Caricature by: Rajesh Y Pujar
Courtesy: http://rajeshartworld.blogspot.in/2013_02_01_archive.html
Caricature by: Rajesh Y Pujar

‘ઉહૂં…હું નહીં આવું’
‘એમ ન કરાય પપ્પા, આપણે ઘરે પ્રસંગ હોય, મારાં દીકરાના, આપણા નરેન્દ્રનાં લગ્ન હોય ને તમે આવું કરો તે કેમ ચાલે?’
‘એક વાર કીધું ને કે નહીં આવું.’
‘પપ્પા માની જાવ ને.’
‘ના.’
‘પપ્પા…’
‘ના…’
‘પણ પપ્પા, તમે આવા સમયે મારા પિતરાઈના ઘરે રહો તે કેમ ચાલે? સમાજ શું કહે?’
‘….’
‘આપણે ઘેર માંડવો હોય, નરેન્દ્ર સજીધજીને ઘોડા પર બેસવા થનગનતો હોય, આપણી હારે નહોતા બોલતા તેવા લોકોય આપણા પ્રસંગમાં આવ્યા હોય ને તમે…આવા જ સમયે શિવાભાઈના ઘરે જઈને બેસો તે કેમ ચાલે?’
‘મને ત્યાં ગોઠતું નથી…નરેન્દ્ર બહુ ખેપાની છે.’
‘એ શિવાભાઈ પણ નરેન્દ્રને પોંખવા આવવાના જ છે, ત્યારે તમે પણ આવી જાવ ને.’
‘એ નરેન્દ્રને મેં જ ભણાવ્યો ગણાવ્યો, દુનિયાદારી શીખવાડી પણ હવે મારા કહ્યામાં નથી.’
‘પપ્પા…’
‘ખબર છે? તે દિવસે, મહેમાનો ભેગા થયા ત્યારે નરેન્દ્ર વાત કરતો હતો, તે પછી મારી વાત કરવાની વારી આવી ત્યારે તમે બધા ઊભા થઈને ચાલ્યા ગયા હતા…મને કેટલું ખોટું લાગ્યું હતું? એ નરેન્દ્ર હવે સારી કમાણી કરતો થઈ ગયો છે, એટલે તમને હવે મારી કોઈ જરૂર રહી નથી. હું તો રહ્યો પેન્શનર.’
‘પપ્પા…આવું ના બોલો. તમે બોલવા બેસો તો લોકોને સમજાતું નથી. હવે જમાનો બદલાઈ ગયો છે, પપ્પા. મહેમાનો પાછા તમારી કે મારી ઉંમરના હોત તો બરાબર હતું. એ તો નવી પેઢીના મહેમાનો હતા.એમને સમજાય તેવું બોલવું જોઈએ ને.’
‘હા, એ વાત સાચી. હું તો હવે ગઢો થઈ ગયો ને? તમને ખબર છે, આપણું ઘર કેવું હતું? સાવ ગરીબ હતા. બે ટંક ખાવાનાય સાંસા હતા. અમે ચણા મમરા ફાકીને ચલાવતા હતા. સાઈકલ પર જતા હતા. એક રૂમના ઘરમાં કફની-લેંઘો પહેરીને ફરતા હતા. તમને લોકોને કઈ રીતે મોટા કર્યા છે તે મારું મન જાણે છે. સમાજમાંય ખાસ માનપાન નહીં. ક્યાંક ગયા હોય તો સરખી રીતે બોલાવે પણ નહીં. એ સંઘર્ષ તમને ક્યાંથી ખબર હોય, બેટા? અને તમને તો હજુય આછું પાતળું યાદ હોય, પણ નરેન્દ્રને ક્યાંથી ખબર હોય?’
‘પપ્પા, એ તો ભૂતકાળની વાત થઈ. હવે તો આપણે આ નરેન્દ્ર થકી સુખસાહ્યબી છે ને. હવે તો આપણે પ્રાઇવેટ જેટ ને હેલિકોપ્ટરોમાં ઉડીએ છીએ ને. તમને પહેલાં પ્રમોદ નામનો ભત્રીજો નહોતો ગમતો? તે આપણા ઘર માટે અવારનવાર ગિફ્ટ લઈ આવતો તે તમને ગમતું નહોતું? તમે જ એક સમયે નહોતું કહ્યું, માણસની મુખ્ય જરૂરિયાત હવે રોટી, કપડા, મકાન ઔર મોબાઇલની થઈ ગઈ છે..પ્રમોદે ધીરુકાકા સાથે મોબાઇલનું ચક્કર ગોઠવીને આપણને બે પાંદડે નહોતા કર્યા?
‘પણ અત્યારે તો રાજુ, તારું કંઈ હાલતું નથી. તું તો કહેવા પૂરતો જ ઘરનો વડો છો. બધું નરેન્દ્ર કહે એમ જ થાય છે. એના લગ્નનું મેનું, કોણ રસોઈયો હશે, કોણ ફોટોગ્રાફર, કોણ વિડિયોગ્રાફર, કંકોત્રી કેવી છાપવી, કોણે કેવા કપડાં પહેરવા, અરે! મારે કેવાં કપડાં પહેરવાં, મારે ક્યાં ઊભા રહેવું એ બધું એ જ નક્કી કરે છે. કોને લગ્નમાં બોલાવવા ને કોને નહીં એ પણ એ જ નક્કી કરે છે. જાણે હું ને તારો મુરલીકાકો તો મૂઆ જ છીએ. અટલદાદાનું તો હમજ્યા. બિચારા બીમાર છે.’
‘પપ્પા…એ હવે નાનો છોકરો નથી રહ્યો…એ ૩૦ વર્ષનો થયો..આપણે ક્યાં સુધી આપણી ધોરાજી ચલાવ્યા રાખીશું? તમે કહ્યું તેમ ઘણાં વર્ષ ઘર ચાલ્યું. આપણું સંયુક્ત કુટુંબ હતું. તમે, અટલદાદા, મુરલી કાકા બધા કહે એમ જ થતું ને.’
‘તો શું થયું? હજુ પણ થવું જોઈએને. કુટુંબનો મોભી છું. તમે લોકો મારું કહ્યું માનો તો સમાજમાં સારું કોનું લાગવાનું ખબર છે? મારું નહીં, તમારું જ સારું લાગશે. અને મારું કહ્યું માનશો તો જે લોકો આપણા પ્રસંગમાં નહીં આવતા હોય, પેલા નીતીશભાઈ ને મમતાબેન ને વળી નવીનભાઈ જેવા લોકો, જેમની હારે તમે વ્યવહાર બંધ કરી દીધો છે, સંબંધ કાપી નાખ્યા છે, એ લોકો પણ મારી શરમે ધરમે આવશે. લોકોની મોટી સંખ્યામાં હાજરી હોય તો પ્રસંગ દીપી ઉઠે. ‘
‘એ લોકોની જરૂર નથી. નરેન્દ્રની ઓળખાણ આજકાલ એટલી વધી ગઈ છે, તમને ખબર છે હવે તો અમેરિકામાંથીય લોકો બોલાવે છે એને…પેલા પાસવાનભાઈએ સંબંધ તોડી નાખ્યો ત્યારે તમે તેને રોકી શક્યા નહોતા, એને નરેન્દ્ર જ પાછો લઈ આવ્યો ને. અને તમને આમ અચાનક શિવાભાઈ વહાલા લાગવા લાગે તે વળી કેવું?’
‘ના પણ તમે લોકો બિચારી મારી દીકરી સુષમાનેય પૂછતા નથી. જ્યારે આપણી પેલી પડોશણ સોનિયા બાધવા આવેલી ત્યારે સુષમા જ એની સામે લડવા ગઈ હતી. એની જીભ એવી જોરદાર છે ને…પણ નરેન્દ્ર જ્યારથી કમાતો ધમાતો થયો છે ને તારા માટે ગિફ્ટો લાવવા લાગ્યો છે ત્યારથી તને એ સારો લાગવા માંડ્યો છે ત્યારે તારે મન એ દીકરીનુંય કંઈ મહત્ત્વ નથી રહ્યું.’
‘પપ્પા, દીકરી તો પારકી થાપણ કહેવાય. એ ક્યાં સુધી આપણા ઘરમાં રહેવાની. આપણું ઘર, આપણો વંશ તો નરેન્દ્ર થકી જ ઉજળો રહેવાનો ને.’
‘તમારા લોકો પર તો જાણે નરેન્દ્રએ ભૂરકી છાંટી દીધી છે. બિચારા મુરલીકાકાએ પણ કાશીથી લાવેલી સરસ મજાની ખુરશી ખાલી કરીને નરેન્દ્રને બેસવા આપી દેવી પડી. બસ, એની જીદ આગળ તમે બધા ઝૂકતા જાવ છો, પણ એનો આ દાદો નહીં ઝૂકે એની આગળ. હા. કહી દેજે એને.’
‘પપ્પા, આવા પ્રસંગ વારંવાર નથી આવતા હોતા. નરેન્દ્ર ક્યારે ઘોડે ચડશે? આ એક જ વાર ને. એ વખતે તમારે ગમ ખાઈ જવો જોઈએ.’
‘લે, વાહ ભાઈ વાહ, મારે ગમ ખાઈ જવાનો. નરેન્દ્ર એક વાર ઘોડે ચડવાનો છે તે અમારે શું આવા પ્રસંગ વારંવાર આવવાના છે? મારો તો હવે છેલ્લો પ્રસંગ છે, ને તમારી જે ભવાઈઓ છે, તે જોતાં હું તો રામજીને પ્રાર્થના કરું છું કે મને જલદી હવે ઉપાડી લે.’
‘તમે આવું કચવાતું ન બોલો, પપ્પા. દુઃખ થાય છે.’
‘તે અમને કેટલું દુઃખ થાય છે, તે તમને જુવાનિયાઓને ક્યાંથી ખબર? પેલો યેદુડો, પોલીસને ચોપડે ચડેલો માણસ, એને તમે ઘરમાં આશરો દીધો. આપણે સોનિયાના કુટુંબ સાથે જરાય બનતું નથી, પણ તારો લાડકો નરેન્દ્ર આજકાલ સોનિયાના કુટુંબના માણસોને નોતરાં દઈ આવ્યો છે. એ બધા માણસોને કામેય સોંપ્યાં છે. એને પોતાનો પ્રસંગ ભવ્ય દેખાય તેનો મોટો ચસકો છે, પણ ખબર નથી કે સોનિયાના ઘરના લોકો તમારું સારું નથી જોઈ શકતા. એ બધા પ્રસંગમાં ખામી રાખી દેશે. ભાઈ, પોતાના એ પોતાના અને પારકા એ પારકા.’
‘પપ્પા, નરેન્દ્ર તો એ સોનિયાબેનને જ નીચું દેખાડવા એના કુટુંબીજનોને નોતરાં દઈ આવ્યો છે. અને એને ખબર છે કે એેને કયાં કામ સોંપાય ને કયાં નહીં. એ લોકોને એ એવાં જ કામ સોંપશે જેનાથી એ લોકોનું નીચું દેખાય. આ તો પ્રસંગ પૂરતી જ વાત છે. પ્રસંગ પૂરો થયો નથી ને એ લોકોને હાલતા કર્યા નથી.’
‘પણ એકલો એ પોતે જ કામ કરે છે. અમને – તને મને કોઈને ગણકારતો નથી. કહેતો નથી કે ચાલો દાદા, આટલી કંકોત્રી તમે વહેંચી આવો. કેટરિંગનું તમે નક્કી કરી નાખો.’
‘તમે આમ રિસાઈને બેઠા રહો, મોઢું બગાડીને તો તમને ક્યાંથી કામ ચીંધવાનો હતો એ, કહો જોઈએ. અને આજકાલ તો તમને વાતે વાતે રોવું પણ આવી જાય છે. તે દિવસે સુષમાએ તમારા વખાણ કર્યા ત્યારે તમે કેવા રોઈ પડ્યા હતા. કેવું લાગે? ગામવાળા તો એવી જ વાત કરે ને કે આ નરેન્દ્ર ને એનો બાપ રાજુ એમના કરશનદાદાને બરાબર સાચવતા નથી ને એકલી સુષમા જ સાચવે છે. હું પણ કામ કરું છું, પણ મારે બહારનું કામ ન હોય. નરેન્દ્ર જુવાનિયો છે તે બહારની દોડાદોડી એ કરે, હું ઘરે બેઠો બેઠો કામ કરું છું ને. એટલે બધાને લાગે કે નરેન્દ્ર એકલો જ કામ કરે છે.’
‘આવા તો કેટલાય પ્રસંગો અમે જોઈ નાખ્યા. કોઈ પ્રસંગ વખતે અમે ન તો એકલા દોડાદોડી કરી ન તો એકલા જશ ખાટ્યો. દર વખતે તારા અટલદાદા ને મુરલીકાકાને પૂછીને જ નિર્ણય લેતા. ત્યારે તો આ સંયુક્ત કુટુંબ ટક્યું. લોકોમાં આપણી શાખ બની. ને આ નરેન્દ્રએ તો અડોશપડોશમાં ઝઘડા કરીને આપણા કુટુંબની શાખ બગાડી.’
‘તે પપ્પા, લોકો ઝઘડવા સામેથી આવે તો આપણે માર ખાઈ લેવાનો? એમનો ત્રાસ સહન કરી લેવાનો?’
‘એ વખતે મેં જ નરેન્દ્રનું ઉપરાણું લીધું હતું.’
‘તો હવે શું વાંધો છે? નરેન્દ્ર થોડો બદલાઈ ગયો છે?
‘મને એ પૂછતો નથી.’
‘પપ્પા, તમારી કેસેટ તો એક વાત પર અટકી ગઈ છે. હું તો પૂછું છું ને.’
‘નરેન્દ્ર….પૂછતો નથી ને….’
‘પણ પપ્પા, હું પૂછું તેનું કંઈ નહીં? હું તમારો દીકરો નથી? નરેન્દ્ર જ સર્વસ્વ છે તમારા માટે?’
‘હોય જ ને બેટા. એ તો વ્યાજ. એને નાનપણથી મોટો કર્યો. સંસ્કાર સિંચન કર્યા. એને જવાબદારી આપી, જવાબદારીને વહન કરતા શીખવ્યું. તેના સાચા ખોટા ઝઘડામાં ઉપરાણું લીધું ને હવે એ એના આ દાદાને ભૂલી જાય તે કેમ ચાલે?’
‘લાગે છે કે મારે નરેન્દ્રને જ મોકલવો પડશે, તમને મનાવવા.’
‘હવે તો નરેન્દ્ર આવે તોય હું માનવાનો નથી, હા, કહી દઉં છું. બહુ દિલ દુખવ્યું છે એણે મારું.’
‘મને ખાતરી છે પપ્પા, તમે માની જશો. એનાં લગ્ન લખાયાં ત્યારેય તમે આવા જ નારાજ થઈ ગયા હતા, પણ પછી એ તમારી પાસે આવ્યો ત્યારે તમે કેવા માની ગયા હતા? આ વખતે પણ તમે માની જ જશો ને આપણો પ્રસંગ રંગેચંગે પાર પડશે. હા…તમે માની જ જશો…તમે માની જ જશો…’

One thought on “નરેન્દ્રના લગ્નમાં કરશનદાદા રિસાયા

  1. સરસ કલ્પના અને સારું રૂપક લખ્યું છે !

    હિદુસ્થાનમાં ‘ચુંટણીમાતા’ બરાબર ધુણી રહ્યા છે,ભુવા પણ અનેક છે કોને કોણ નડી રહ્યું છે તેના ‘દાણા’ જોવાનું ચાલી રહ્યું છે,એકેય દાણો સરખો હજુ નથી જણાતો તેથી ‘ટીવી અને મિડિયાવાળા’ નવા નવા સવાલો પૂછે છે કે ‘માડી’ કોને કોણ નદી રહ્યું છ”? જલ્દી જવાબ આપો,અમારે તો નિવારણ જોઈએ,લોકોને કોણ કોણ નડી રહ્યા છે તેના નામ આપો કે જેથી કરીને જલ્દી ‘ડાકલાં કે તવો’ કરીએ અને નડતર કાઢી નાખીએ !

    હવે એ જોવાનું છે કે નડતર કોણ કાઢશે,ત્યાં સુધી આ ભુવા ધૂણતા રહેવાના.લોકોને બિચારાને ભારે મુન્જારો થાય છે!

    કોઈક તો આવો આ નડતર કાઢવા !

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.