Posted in national

ભાજપનો ભવ્ય વિજય કેમ થયો?

લોકસભાની ચૂંટણીનાં પરિણામો ૧૬મેએ જાહેર થયા. આ ચૂંટણી ઘણી બધી રીતે અનોખી રહી. લગભગ ૫૫ કરોડ મતદારોએ મતદાન કર્યું. તમામ રાજ્યોમાં સરેરાશ ૬૦ ટકા ઉપરા મતદાન થયું હતું રેકોર્ડબ્રેક મતદાન રહ્યું હતું અને તેમાં ન માત્ર એક લોકજુવાળ કારણરૂપ હતો પરંતુ સાથે સાથે ચૂંટણી પંચ, વિવિધ જાહેરખબરો, ઇલેક્ટ્રોનિક માધ્યમો પર ચાલેલા જાગૃતિ અભિયાન વગેરે પણ એટલા જ પ્રેરક બળ હતા. ઉપરાંત આ જાહેરખબરોમાં ‘સરકાર સહી ચુનના’, ‘અપનેવાલા હૈ’ એમ કહીને મત ન આપવો…આવું બધું પણ સમજાવતા હતા જેણે ઘણો ભાગ ભજવ્યો, લોકોને તટસ્થ રીતે વિચારવામાં. બીજી તરફ, વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર જેવા આધુનિક માધ્યમોએ પણ પોતપોતાની રીતે ભાગ ભજવ્યો. આ વખતે યુવાન મતદારોની સંખ્યા ઘણી વધી હતી, જેમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું હોવાથી તેમનામાં પહેલી વાર મતદાન કરવાનો ઉત્સાહ હતો. આમ, પહેલી વાત તો એ કે પશ્ચિમ બંગાળથી માંડીને ગુજરાત અને કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધી બધે જ ઊંચું મતદાન થયું. બીજું એ પણ નોંધવું જોઈએ કે આ ચૂંટણી એકદમ ગરમીના માહોલમાં યોજાઈ હતી અને લગભગ બધે જ ૪૦ ડિગ્રી સરેરાશ તાપમાન હતું તો પણ લોકોએ ભારે પ્રમાણમાં મતદાન કર્યું. ત્રીજી નોંધપાત્ર વાત એ રહી કે છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ કે બિહાર જેવા રાજ્યોમાં નાના પાયે હિંસા થઈ તે સિવાય ભારે શાંતિથી મતદાન થયું હતું. આ પણ બહુ મોટી વાત ગણાય, કેમ કે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બિહાર એવાં સાતેક રાજ્યો છે જ્યાં માઓવાદીઓ, નક્સલવાદીઓનો ભારે ઉત્પાત છે અને ગઢચિરોલી જેવા અમુક પ્રદેશોમાં તો નક્સલીઓએ મતદાનનો બહિષ્કાર કરવા એલાન પણ આપ્યું હતું. બિહારમાં ૧૦ એપ્રિલે સુરંગ વિસ્ફોટમાં કેન્દ્રીય અનામત પોલીસ બળ (સીઆરપીએફ)ના બે જવાનો શહીદ થયા હતા.

મતદાન ઊંચું થવા પાછળનું કારણ એક એ પણ હતું જે ભાજપના ભવ્ય વિજય માટે પણ જવાબદાર છે અને તે એ કે લોકોમાં જબરદસ્ત ગુસ્સો કોંગ્રેસના નેતૃત્વમાં સંયુક્ત પ્રગતિશીલ મોરચા (યુપીએ)નાં દસ વર્ષના કુશાસન, ભ્રષ્ટાચાર અને મોંઘવારી, પડોશી દેશોના કારસ્તાનો સામે રક્ષા કરવામાં નિષ્ફળતા અને તે ઉપરાંત તેના નેતાઓનાં બેફામ નિવેદનો સામે હતો. એટલે લોકો કચકચાવીને મતદાન કરવા ઉમટી પડ્યા.

૨૦૦૯માં જ્યારે ચૂંટણી થઈ હતી ત્યારે પણ મોંઘવારી જબરદસ્ત હતી. પરંતુ તે વખતે મનમોહનસિંહના નેતૃત્વમાં ચૂંટણી લડતી કોંગ્રેસે કહ્યું કે અમે ૧૦૦ દિવસમાં મોંઘવારી ઘટાડી દઈશું. લોકોએ તેમના પર અને મનમોહનના નેતૃત્વ પર ભરોસો રાખ્યો, પરંતુ ૧૦૦ દિવસના બદલે પાંચ ગુણ્યા ૩૬૫ બરાબર ૧૮૨૫ દિવસ થયા તોય મોંઘવારી વધવાના બદલે કૂદકે ને ભૂસકે વધતી જ ગઈ. દાઝ્યા પર ડામની જેમ ગેસના બાટલા જે રાહત દરે ૩૭૦ રૂપિયામાં મળતા હતા તેની સંખ્યા મર્યાદિત કરી નાખી અને માત્ર છ જ મળે તેવો આકરો નિર્ણય લીધો. તેમાં વળી એવું ફિતુર કાઢ્યું કે જે છ બાટલા છે તેના પર સબસિડી તમારા બેંક ખાતામાં જમા થઈ જશે. હવે આ બધી પ્રક્રિયા કેટલી અઘરી છે તે બધા જાણે છે. વળી, જે સબસિડી વગરના બાટલા છે તેના ભાવમાં સતત વધારો જ કરે રાખ્યો. એક તરફ અનાજ સડે ને બીજી બાજુ અનાજની આયાત થાય. ડોલર સામે રૂપિયો ગગડતો જ જાય (એટલે કે એક ડોલર માટે વધુ રૂપિયા ચુકવવા પડે, જેથી આયાત મોંઘી બને) અને તેનાથી પેટ્રોલ મોંઘું થતું ગયું. અચ્છા, જો રૂપિયો મજબૂત થયો હોય તો આંતરરાષ્ટ્રીય ક્રૂડ મોંઘું થયું તેવા કારણસર પણ પેટ્રોલના ભાવમાં વધારો કરી દે. ડીઝલમાં પણ ડિકંટ્રોલાઇઝેશન કરવાની હિમાયત કરી. તેના ભાવમાં દર મહિને રૂ.૦.૫૦ વધારતા રહ્યા. આ બધાના ભાવ વધે ત્યારે આપોઆપ શાકભાજીથી લઈને દૂધ-છાશ, શાળાની ફીના ભાવ વધતા ગયા. સામે પક્ષે લોકોના પગાર એટલા વધે નહીં. ત્રીજી તરફ, જમીનના ભાવ વધતા જતાં, લોકોને પોસાય તેવા ભાવમાં ઘર મળવાનું દોહ્યલું બન્યું. અનેક કૌભાંડો બહાર આવ્યા. રાષ્ટ્રસમૂહ (કોમનવેલ્થ) રમતોના આયોજનમાં જબરદસ્ત ભ્રષ્ટાચાર થયો. કોલસા કૌભાંડ, ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડ બહાર આવ્યાં. કોલસા કૌભાંડમાં તો વડા પ્રધાન પર પણ દોષારોપણ થયું કેમ કે વડા પ્રધાન પોતે કોલસા પ્રધાન હતા. મુંબઈમાં આદર્શ સોસાયટીમાં કારગીલના શહીદો માટેના મકાનો નેતાઓને અને તેમના સગા વહાલાઓને ફાળવી દેવાનું કૌભાંડ બહાર આવ્યું. સંરક્ષણ ક્ષેત્રે વીવીઆઈપી હેલિકોપ્ટર કૌભાંડનો રહસ્યસ્ફોટ થયો જેમાં કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીના નજીકના નેતાઓને સાધવાની વાત પણ હતી.

૨૦૧૧માં  ટ્યુનિશયા નામના દેશથી આરબ ક્રાંતિની શરૂઆત થઈ જેને અંગ્રેજીમાં આરબ સ્પ્રિંગ (આરબ વસંત) કહે છે. શાસકોના કૌભાંડ અને અત્યાચારોથી ત્રસ્ત લોકોએ આંદોલન કર્યું અને શાસકોને ઉથલાવી દીધા. ટ્યુનિશિયા પછી ઇજિપ્ત, લિબિયા અને યેમેન જેવા અનેક દેશોમાં ક્રાંતિ પ્રસરી. એ વખતે ભારતમાં પણ લોકોના મનમાં સવાલો હતા કે આપણા દેશમાં કેમ કંઈ થતું નથી. ૨૦૦૮માં મુંબઈ પર ત્રાસવાદી હુમલા થયા તે પછી મહારાષ્ટ્રના કોંગ્રેસ સરકારના ગૃહ પ્રધાન આર. આર. પાટીલે કહેલું : આવી નાની મોટી ઘટના તો બનતી રહે! તો કેન્દ્રીય ગૃહ પ્રધાન શિવરાજ પાટીલે આવા જ કપરા દિવસોમાં એક જ દિવસમાં ત્રણથી ચાર વાર કપડાં બદલેલા. (વાંચો, ૨૦૧૧માં મેં લખેલી બે પોસ્ટ, જેમાંનો એક લેખ અભિયાન સામયિકમાં છપાયો હતોઃ

(૧) ટ્યુનિશિયા અને ઇજિપ્ત પછી ભારતમાં પણ થશે લોહિયાળ ક્રાંતિ?https://jaywantpandya.wordpress.com/2011/01/29/%E0%AA%9F%E0%AB%8D%E0%AA%AF%E0%AB%82%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B6%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%87%E0%AA%9C%E0%AA%BF%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4-%E0%AA%AA%E0%AA%9B/

(૨)  આ દેશમાં ક્રાંતિ કેમ નથી થતી?

https://jaywantpandya.wordpress.com/2011/02/20/%E0%AA%86-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%82%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%95%E0%AB%87%E0%AA%AE-%E0%AA%A8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A5/)

આયોજન પંચે શહેરમાં જે રૂ. ૩૭ કમાતો હોય તે ગરીબ ન કહેવાય તેવી વ્યાખ્યા કરી. તેના એક જ જાજરૂના બાંધકામ પાછળ લાખો રૂપિયા ખર્ચેલા. હવે, આવી મોંઘવારીમાં રૂ.૩૭માં એક વખતનું ભાણું પણ માંડ મળે ત્યારે પરિવારનો ખર્ચ તો કેમ નીકળે? પણ આયોજન પંચના અધ્યક્ષ સીધા વડા પ્રધાન હતા. તેમને છાવરવા અનેક નેતાઓએ બેફામ નિવેદનો કર્યા. રાજ બબ્બર જેવા અભિનેતા અને સાંસદે એવું કહ્યું કે રૂ.૧૨માં પણ એક વખત જમવાનું મળી જાય  તો કોંગ્રેસના સાંસદ રશીદ મસૂદ, જેમને બાદમાં મેડિકલ કોલેજમાં એડમિશન કૌભાંડ માટે જેલ પણ થઈ અને તેના કારણે સાંસદ તરીકે ગેરલાયક ઠરનારા પહેલા સાંસદ બન્યા, તેમણે તો એવું કહ્યું કે દિલ્હીમાં રૂ.૫માં પણ જમવાનું મળે છે. (એમ તો કેટલાક સદાવ્રતો અને મંદિરોમાં ભીખારીઓને મફત પણ જમવાનું મળે છે, પણ આવું કહેવાથી ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને કેટલો ગુસ્સો એ વખતે આવ્યો હશે, તે વિચારો, જે આ વખતે મતપેટીમાં બહાર નીકળ્યો.) કેન્દ્રીય મંત્રી અને જમ્મુ- કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લાહ તો તેનાથી પણ આગળ નીકળ્યા અને કહ્યું કે રૂ.૧માં પણ જમવાનું મળે. મહારાષ્ટ્રમાં સિંચાઈ મંત્રી અજિત પવારે તો દુષ્કાળના કારણે ડેમમાં પાણી નહોતું ત્યારે એવું કહેલું કે પાણી ન હોય તો હું શું પેશાબ કરું? આમ, આવા અનેક બેફામ નિવેદનોના કારણે લોકોના ઘા પર મીઠું ભભરાવવાનું કામ કર્યું. પાકિસ્તાનના સૈનિકો ભારતીય સૈનિકોના માથાં કાપીને લઈ ગયા તે પછી પાકિસ્તાનના વડા પ્રધાન સત્તાવાર નહીં, પરંતુ વ્યક્તિગત મુલાકાતે અજમેર આવ્યા ત્યારે તેમની શાહી મહેમાનગતિ કરવામાં આવી. મુંબઈ પર ત્રાસવાદી હુમલા કરનાર કસાબ કેટલાય વર્ષો બિરિયાનીની મોજ માણતો રહ્યો અને થૂંકતો રહ્યો. આખરે તેને ફાંસી કરાઈ, પણ ત્યાં સુધી મોડું થઈ ચુક્યું હતું. સર્વોચ્ચ ન્યાયાલયે અપરાધી ઠરનાર સાંસદોને ગેરલાયક ઠરાવવાનો આદેશ કર્યો ત્યારે આવા સાંસદોને બચાવવા ખરડો લાવવામાં આવ્યો. જોકે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જાહેરમાં આ ખરડો ફાડી નાખ્યો પરંતુ ત્યાં સુધી લોકોને નાટક સમજાઈ ગયું હતું.

૨૦૧૧માં જ્યારે ઉકળતા ચરૂ જેવી સ્થિતિ હતી ત્યારે બાબા રામદેવ નામના યોગગુરુએ કાળા નાણાં અને ભ્રષ્ટાચાર સામે આંદોલન શરૂ કરેલું. તે પછી મહારાષ્ટ્રના સમાજ સેવક અણ્ણા હઝારેના નેતૃત્વમાં ભ્રષ્ટાચાર ડામવા માટે જનલોકપાલ નામનો ખરડો લાવવાનું આંદોલન શરૂ થયું. બાબા રામદેવના આંદોલન વખતે લોકોનો જબરદસ્ત પ્રતિસાદ હતો. તે વખતે સરકાર ચેતી નહીં અને ઉલટાનું મધરાતે ઊંઘ માણતા નિર્દોષ આંદોલનકારીઓ પર લાઠીઓ સાથે તૂટી પડી. તેમાં રાજબાલા નામનાં ૫૨ વર્ષીય મહિલાનું મૃત્યુ થયું. તે પછી રામદેવ બાબા સામે પણ લગભગ ૮૦થી વધુ કેસો થયા. રામદેવ બાબા યોગ શીખવતા હોવાથી તેમજ દવા વેચતા હોવાથી તેમના મોટી સંખ્યામાં અનુયાયીઓ છે. રામદેવે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી આ ભ્રષ્ટ સરકારને નહીં ઉથલાવું ત્યાં સુધી હરિદ્વારના પતંજલિ આશ્રમમાં  પગ નહીં મૂકું. રામદેવે ટીવી ચેનલો પર ઇન્ટરવ્યૂ, પોતાના યોગશિબિરો દ્વારા જનજાગૃતિનું કાર્ય મોટા પાયે કર્યું. નરેન્દ્ર મોદી ભાજપના વડા પ્રધાનના ઉમેદવાર જાહેર નહોતા થયા તો તેમને વડા પ્રધાનના ઉમેદવાર બનાવવા જોઈએ તેવું જબરદસ્ત પ્રચાર અભિયાન ચલાવ્યું. હરિદ્વારમાં એક કાર્યક્રમમાં સંતોની વિશાળ હાજરીમાં આ માગ ઉઠી અને મોરારીબાપુ, રમેશ ઓઝા જેવા સંતોએ પણ એ માગને અનુમોદન આપ્યું.

બીજી તરફ, અણ્ણા હઝારેનું આંદોલન ૨૦૧૧માં થયું ત્યારે અણ્ણાને પણ જેલમાં પૂર્યા. તેમને બહાર કાઢ્યા પછી જનલોકપાલ મુદ્દે પહેલાં વાટાઘાટનું સરકારે નાટક કર્યું અને ટાળમટોળ કરી. છેવટે  પરિણામ એ આવ્યું કે નિરાશ થઈને અણ્ણાના સાથી અરવિંદ કેજરીવાલે આમ આદમી પક્ષ રચ્યો. લોકોમાં તેના પ્રત્યે જબરદસ્ત આશા હતી એટલે ૨૦૧૩માં પાંચ રાજ્યોની ચૂંટણી હતી ત્યારે કેજરીવાલનો પક્ષ દિલ્હીમાં વધુ કાર્યરત હતો. બીજે ક્યાંય વિસ્તર્યો નહોતો. કેજરીવાલે હિંમત કરીને દિલ્હીમાં ત્રણ વાર મુખ્યપ્રધાન બનેલાં શીલા દીક્ષિત સામે ચૂંટણી લડી અને જનાક્રોશના કારણે તેઓ વિજયી પણ થયા. આમ આદમી પક્ષને ૨૮ બેઠકો મળી. પણ તેણે પહેલી ભૂલ કોંગ્રેસનું સમર્થન લઈને સરકાર બનાવવાનું કર્યું. તે પછી તેના મંત્રીઓના બેફામ નિવેદનો બહાર આવ્યા. કાયદા પ્રધાન સોમનાથ ભારતીએ તો ભાજપના નેતા અરુણ જેટલીના મોઢા પર થૂંકવાનું મન થાય છે તેમ કહ્યું. વળી, અડધી રાત્રે યુગાન્ડાની મહિલાઓ પર યુરિન ટેસ્ટ કરવાની ફરજ પાડી જેના કારણે પોલીસ કાર્યવાહીના સંજોગો ઊભા થયા, તો કેજરીવાલ દિલ્હી પોલીસ સામે ધરણા પર બેસી ગયા અને ૨૬મી જાન્યુઆરીની ઉજવણી નહીં થાય તેવું જોખમ ઊભું થયું. અંતે પાંચ પોલીસને સસ્પેન્ડ કરવાની માગણીના બદલે બે પોલીસને માત્ર રજા પર મોકલી દેવાના વચન પર સમાધાન કરી ઓચિંતા ધરણા સમેટી લીધા. કેજરીવાલે બીજી ભૂલ એ કરી કે લોકોનો આક્રોશ કોંગ્રેસ સરકાર સામે હતો પરંતુ તેમણે નરેન્દ્ર મોદી અને ભાજપને નિશાન બનાવ્યું. રાજ્યોમાં અમુક ખરડા એવા હોય છે જેના માટે રાજ્યપાલની મંજૂરી જરૂરી હોય છે. હવે, સંસદમાં લોકપાલનો કાયદો બનાવી દેવાયો હતો, જેને અણ્ણા હઝારેએ પણ પસંદ કરેલો. પણ કેજરીવાલે એવું કહ્યું કે તે નબળો કાયદો છે. એટલે તેમણે પોતાને ગમે તેવા જનલોકપાલનો કાયદો દિલ્હીમાં લાવવાની વાત કરી. રાજ્યપાલ પાસે મંજૂરી માટે મોકલ્યો નહીં.

કોંગ્રેસ અને ભાજપે એવા વિરોધ સાથે વિધાનસભામાં એ ખરડો રજૂ ન થવા દીધો કે પહેલાં રાજ્યપાલ સમક્ષ મોકલવો જોઈએ. પરંતુ કેજરીવાલે આ મુદ્દે સરકાર છોડી દીધી અને લોકસભા ચૂંટણી લડી કેન્દ્રમાં સરકાર બનાવવાની વાત કરી.  આના કારણે ભાજપ અને કોંગ્રેસે એવો પ્રચાર કર્યો કે કેજરીવાલ ભાગી ગયા. કેજરીવાલે વીજળી અને પાણીના મુદ્દે દિલ્હીવાસીઓને મોટાં મોટાં વચનો આપ્યા હતાં તે આ રીતે સરકાર છોડી દેવાથી પૂરા ન થયા એટલે દિલ્હીના લોકોને પણ ઠગાઈ થયાનું લાગ્યું. એટલે જ તો જે જનતાએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પક્ષના ૨૮ ધારાસભ્યોને જીતાડ્યા હતા તે જ જનતાએ લોકસભાની ચૂંટણીમાં દિલ્હી લોકસભાની સાત પૈકી એકેય બેઠક આમ આદમી પક્ષને ન આપી.

કેજરીવાલે ગુજરાતમાં આવીને નરેન્દ્ર મોદી સરકારના ભ્રષ્ટાચારની વાત કરી. તે દિવસે ચૂંટણી જાહેર થઈ ને આચારસંહિતા લાગુ પડી ગઈ હતી. એટલે ચૂંટણી પંચના કહેવાથી પોલીસે કાર્યવાહી કરી તેમને પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં લઈ ગયા તો એવી વાત ફેલાઈ ગઈ કે નરેન્દ્ર મોદીની સરકારે તેમને પકડી લીધા છે. સાંજે દિલ્હીમાં ભાજપના કાર્યાલય બહાર આમ આદમી પક્ષના કાર્યકરો વિરોધ પ્રદર્શન માટે ભેગા થયા ને વિરોધ પ્રદર્શન હિંસામાં પરિણમ્યું. અત્યાર સુધી અહિંસક રહેલા આમ આદમી પક્ષનું હિંસક સ્વરૂપ બહાર આવ્યું. ત્રીજી તરફ, આમ આદમી પક્ષના સ્થાપક સભ્યો હતા તેમાં અસંતોષ બહાર આવવા લાગ્યો. વિનોદકુમાર બિન્ની નામના એક નેતાએ પક્ષમાં અરવિંદ કેજરીવાલ સામે અવાજ ઉઠાવ્યો ત્યારે કેજરીવાલે કહ્યું કે બિન્નીને લોકસભાની ટિકિટ જોઈએ છે અને એવું નક્કી કર્યું છે કે કોઈ વર્તમાન ધારાસભ્યને લોકસભાની ટિકિટ આપવી નહીં. બીજી તરફ, કેજરીવાલે પોતે અને તેના પક્ષના અનેક ધારાસભ્યોને લોકસભાની ટિકિટ આપી. જેનાથી લોકોને લાગ્યું કે કેજરીવાલ ખોટું બોલતા હતા. વળી, બિનસાંપ્રદાયિકતાના નામે તેમણે મુસ્લિમ ધર્મગુરુઓનો ટેકો પણ લીધો. તો ત્રીજી તરફ, અરવિંદ કેજરીવાલે નરેન્દ્ર મોદી સામે વારાણસીમાં લડવાની જાહેરાત કરી. પરંતુ સામે પક્ષે સોનિયા ગાંધી સામે રાયબરેલીમાં એક પણ ઉમેદવાર ઊભો ન રાખ્યો. (શાઝિયા ઇલમી અને બાદમાં ફખરુદ્દીને ઉમેદવારી કરવાનું ટાળી દીધું). રાહુલ ગાંધી સામે કુમાર વિશ્વાસ ઊભા રહ્યા, પણ તેના સમર્થનમાં પ્રચાર કરવા કેજરીવાલ અને તેમના સાથીઓ છેક છેલ્લે ગયા. આનાથી પણ એવી છાપ ઊભી થઈ કે કેજરીવાલનો પક્ષ કોંગ્રેસ સામેનો રોષ ઓછો કરવા અને એક રીતે ભાજપના મત કાપવા માટે છે. કેજરીવાલે વાત પણ એવી કરી કે આ ચૂંટણીમાં લોકો કોઈને સ્પષ્ટ બહુમતી નહીં આપે અને ત્રિશંકુ સંસદ બનશે. આનાથી એ છાપ દૃઢ બની કે કેજરીવાલ ભાજપને રોકવા અને આડકતરી રીતે કોંગ્રેસને મદદ કરવા માગે છે.

ત્રીજી તરફ, ભાજપમાં પણ સ્થિતિ એવી હતી કે ૨૦૦૪માં એનડીએની સરકાર વિદાય લેતી હતી તે વખતે તેના લોકો આત્મવિશ્વાસમાં રહ્યા ને સરકાર ન બની. ૨૦૦૯માં વૃદ્ધ અડવાણીના નેતૃત્વમાં ચૂંટણી લડાઈ પરંતુ ત્યાં સુધી અડવાણીની છાપ નબળી પડી હતી કેમ કે તેમનું પાકિસ્તાનના નેતા મોહમ્મદ અલી ઝીણાની કથિત પ્રશંસાનું નિવેદન આવ્યું હતું. આથી એવું લાગ્યું કે મુસ્લિમોને ખુશ કરવા માટે તેમણે તેમની કટ્ટર હિન્દુવાદી નીતિ છોડી દીધી છે. વળી, તેમનો મુખ્ય મુદ્દો કાળા નાણાંનો હતો. લોકોને કાળા નાણાં કરતા ભ્રષ્ટાચાર અને મોંઘવારી દૂર થાય તેમાં વધુ રસ હતો. વળી, કેન્દ્રમાં ભાજપના નેતાઓની કોંગ્રેસના નેતાઓ સાથે મિલીભગત હોય તેવું અનેક બાબતે ચિત્ર ઉપસ્યું હતું. કોઈ નેતા ખુલ્લેઆમ આક્રમક બનીને કોંગ્રેસ સામે પ્રચાર નહોતા કરતા. પરંતુ ૨૦૧૨માં ત્રીજી વાર નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભામાં વિજય મેળવ્યો, તે પછી પક્ષની અંદર અને બહાર (રામદેવ જેવા લોકો દ્વારા) એ માગ બુલંદ બની કે હવે તો બસ, મોદીને જ ભાજપના વડા પ્રધાન પદના નેતા બનાવો. ભાજપે આખરે આ વાત સ્વીકારી. પછી તો મોદી આખા ભારતને ખુંદી વળ્યા. જે પ્રદેશોમાં ભાજપ નબળો હતો જેમ કે, કેરળ, અરુણાચલ પ્રદેશ, આસામ…તેમાં પણ તેમણે રેલી કરી. અને એક એક દિવસમાં ત્રણ ત્રણ રેલી કરી. ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ પર તેમની તરફેણમાં તેમની ટીમે સંદેશાઓ વહેતા કર્યા. અને માત્ર કોંગ્રેસના કુશાસન સામે તેમણે પ્રચાર ન કર્યો, પરંતુ કહ્યું કે આ આશાની ચૂંટણી છે. તમે મારું ગુજરાતનું શાસન જુઓ. ગુજરાતનો વિકાસ જુઓ. બીજી તરફ, કોંગ્રેસે રાહુલ ગાંધીને મુખ્ય પ્રચારક બનાવ્યા. પરંતુ તેમને વડા પ્રધાનના ઉમેદવાર જાહેર ન કર્યા. તો ત્રીજો ચહેરો હતા અરવિંદ કેજરીવાલ. દિલ્હી વિધાનસભામાં મળેલી સફળતા ને જોતાં તેમને લાગ્યું કે લોકસભામાં પણ સફળતા મળશે. પરંતુ તે માટે તેમણે અનેક સમાધાનો કર્યા. ખાસ તો, પક્ષની અંદર અમુક સમર્પિત અને કાર્યનિષ્ઠ અને શરૂઆતથી તેમની સાથે સંકળાયેલા નેતાઓ-કાર્યકર્તાને  બાજુએ હડસેલી, રાતોરાત જાવેદ જાફરી, ગુલ પનાગ, જેવા કલાકારોને ટિકિટ આપી. ચોથી તરફ, નીતીશકુમાર, લાલુપ્રસાદ યાદવ, જયલલિતા, ડાબેરીઓ, મમતા બેનરજી, મુલાયમસિંહ યાદવ, નવીન પટનાયક પાસે લોકોને આશા હતી કે તેઓ ત્રીજો મોરચો રચશે અને ૧૯૯૬ની જેમ ફરીથી ત્રીજા મોરચાની સરકાર બનશે, પરંતુ જયલલિતાએ માત્ર ડાબેરીઓ સાથે મોરચો બનાવ્યો જે અમુક દિવસો જ ચાલ્યો. આ સિવાય કોઈ પક્ષો વચ્ચે સમાધાન ન થયું. વળી, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપના સંગઠને આ ક્ષેત્રીય પક્ષોના રાજ્યોમાં કુશળ વ્યૂહરચના બનાવી એવા ઉમેદવારો પસંદ કર્યા જે જીતી શકે. વળી, મોદીએ ઉત્તર પ્રદેશ અને બિહારને મુખ્ય લક્ષ્ય બનાવ્યું કેમ કે ઉત્તર પ્રદેશમાં લોકસભાની સૌથી વધુ ૮૦ બેઠકો છે તો બિહારમાં ૪૦ બેઠકો હતી. આમ, ૧૨૦ બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો પરિણામોમાં બહુ મોટો ફરક પડે. વળી આ બંને રાજ્યોમાં ભાજપનું સંગઠન તો વિસ્તરેલું હતું, માત્ર તેને ઉત્સાહિત અને સક્રિય કરવાનું હતું. મોદીએ ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં રેલી કરી. ઉત્તર પ્રદેશ, બિહારથી અનેક યુવાનો રોજગારી માટે ગુજરાત આવતા હતા અને તેમણે ગુજરાતનો વિકાસ જોયેલો. એટલે ઉત્તર પ્રદેશના યુવાનોને તેઓ એમ કહે કે તમારે રોજગારી માટે ગુજરાત શા માટે જવું પડે? ઉત્તર પ્રદેશનો જ કેમ વિકાસ ન થાય?

આમ મોદી પ્રચારમાં કોંગ્રેસના કુશાસન સામે મુદ્દા ઉઠાવતા રહ્યા અને વિકાસના સપનાં પણ દેખાડતા રહ્યા. વળી, કોંગ્રેસે તેમને જે કંઈ કહ્યું તેનો તેમણે સદુપયોગ કર્યો. કોંગ્રેસના મણિશંકર અય્યરે તેમને ચાવાળા કહ્યા તો તેમણે ચાય પે ચર્ચા જેવા કાર્યક્રમો ઘડી લોકો સાથે સંવાદ કર્યો. ટેકનોલોજીનો પણ બખૂબી ઉપયોગ કર્યો. વિશ્વમાં પહેલી વાર કોઈ નેતાએ થ્રીડી ટેક્નોલોજી દ્વારા અનેક સ્થળોએ સભા સંબોધી. સામે પક્ષે કોંગ્રેસ અને સાથી પક્ષોએ મોદીને ૨૦૦૨નાં રમખાણો, જેમાં તેમને સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા નિર્દોષ ઠરાવાયા હતા (સીબીઆઈએ કસૂરવાર ન માન્યા તે સામેની અરજી સર્વોચ્ચે ફગાવી દીધી હતી) છતાં મોદીને નપુંસક, કસાઈ, હત્યારા, રાવણ, હિટલર જેવી કેટલીય ખરાબ ઉપમાઓ અપાઈ. આ બધાનું સરવાળે પરિણામ એ આવ્યું કે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી. ૧૯૮૪માં જ  કોંગ્રેસને આટલી સ્પષ્ટ બહુમતી મળી હતી. અને તે વખતે તો કારણ એ હતું કે લોકલાડીલા નેતા અને વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા થઈ હતી. તે પછી તો બધાએ એવું સ્વીકારી લીધેલું કે હવે તો મોરચા સરકારનો જ યુગ છે. ૧૯૮૯માં વી.પી.સિંહના નેતૃત્વમાં જનતા દળની સરકાર આવી તો તેને ભાજપ અને ડાબેરીઓનો બહારથી ટેકો હતો. ૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા થઈ તોય કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી નહોતી મળેલી અને તેની લઘુમતી સરકાર બનેલી. એ અલગ વાત છે કે પછી ઝારખંડ મુક્તિ મોરચાના સાંસદોએ નરસિંહરાવ સરકારને ટેકો આપ્યો ત્યારે આ સાંસદોને ખરીદાયાની વાત પણ બહાર આવેલી. ૧૯૯૬માં ભાજપ સૌથી મોટો પક્ષ બનેલો પરંતુ તેને કોઈનો ટેકો ન સાંપડતાં સૌથી નાના પક્ષ જનતા દળના દેવેગોવડાના નેતૃત્વમાં ખીચડી સરકાર બની. પણ કોંગ્રેસના પ્રમુખ સીતારામ કેસરીના ઈશારે દેવેગોવડાને બદલી દેવાયેલા. અને ઇન્દ્રકુમાર ગુજરાલને વડા પ્રધાન બનાવાયા હતા. ૧૯૯૮ અને ૧૯૯૯માં એનડીએની સરકાર બની હતી, પરંતુ ૨૦૦૪ સુધીમાં તો લોકો આ સરકારથી કંટાળી ગયા કેમ કે સાથી પક્ષોના દબાણ હેઠળ વાજપેયીને વારંવાર સમાધાનો કરવા પડ્યા હતા. પરંતુ ૨૦૦૪ અને ૨૦૦૯માં તો કોંગ્રેસની યુપીએ સરકારો આવી તો પરિસ્થિતિ વધુ ને વધુ વણસતી ગઈ. ૨૦૦૯ પછી તો પોલિસી પેરાલિસિસના પણ આક્ષેપો થયા કેમ કે કોઈ મંત્રી કોઈનું ગાંઠતા જ નહોતા. મનમોહનસિંહ બોલતા ઓછું અને તેમનું ખાસ ઉપજતું પણ નહોતું. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું જ ચાલતું એ વાત તો હવે મનમોહનસિંહના પૂર્વ મિડિયા સલાહકાર સંજય બારુ, પૂર્વ કોલ સચિવ પી.સી. પારેખ, આયોજન પંચના સભ્ય અરુણ માયરાના અલગ-અલગ પુસ્તકો મારફતે બહાર આવી ગઈ છે. ટૂંકમાં, મોરચા સરકારનો જ યુગ બધાએ સ્વીકારી લીધેલો. અને એક યા બીજા પ્રકારે કોંગ્રેસના હાથમાં જ સત્તા રહેતી, પરંતુ ‘સબકા માલિક એક’ જેમાં સ બરાબર સમાજવાદી પક્ષ, બ બરાબર બહુજન સમાજવાદી પક્ષ અને કા મતલબ કોંગ્રેસ (હિન્દીમાં કોંગ્રેસને કાંગ્રેસ કહે છે) છે, તેમ કહીને નરેન્દ્ર મોદી લોકોના મનમાં એ ઠસાવવામાં સફળ રહ્યા કે કોંગ્રેસ કે ભાજપ સિવાયના કોઈ પક્ષને મત દેશો તોય અંતે સરકાર તો કોંગ્રેસની જ બનવાની. એટલે જ પહેલી વાર ભાજપને ભવ્ય બહુમતી મળી. જોકે તેના મોરચા એનડીએને ૩૩૫ બેઠકો મળી છે. અને ભાજપે-મોદીએ એવી વાત પણ કરી છે કે ભલે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હોય, તે એનડીએના ઘટક પક્ષોને સાથે રાખીને ચાલશે. હવે પડકાર મોદી સામે છે કે તેમણે વિકાસના, પીવાના પાણીના, સારી સડકોના, સારા શિક્ષણના, રોજગારીનાં જે રૂપાળાં સપનાં બતાવ્યા છે તે પૂરા કરવા પડશે, નહીં તો જેમ, ૨૦૦૪ પછી અટલ બિહારી વાજપેયી સરકારને લોકોએ ફંકી દીધી હતી તેમ આ સરકારને પણ ફેંકી દેશે, કેમ કે લોકો કોંગ્રેસ કે અન્ય પક્ષો પાસે આશા રાખતા જ નથી. તેમને ખબર છે કે કોંગ્રેસ ભ્રષ્ટ છે, નકામી છે, પણ જે આશા બતાવે છે તેમની પાસેથી લોકોને ટૂંક સમયમાં પરિણામ જોઈએ છે. તેમની પાસે બહુ આશા રાખે છે. એટલે જ લોકોએ કેજરીવાલને પણ બહુ જલદી ફેંકી દીધા છે.

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

6 thoughts on “ભાજપનો ભવ્ય વિજય કેમ થયો?

  1. આભાર મયૂરભાઈ કે તમે મારી દરેક પોસ્ટ આટલી ધ્યાનથી વાંચો છો, એટલું જ નહીં, જૂની પોસ્ટ પણ તમને યાદ છે.

   1. હા, હું તમારો બ્લોગને નિયમિત વાંચુ છુ. પણ હવે એ જોવાનું રહેશે કે શ્રી નરેન્દ્રભાઈ મોદીને જંગી લીડથી જીત પણ મળી ગઈ છે. પણ તે શપથ લીધા પછી સૌપ્રથમ કયુ કામ કરશે તેના પર બધાનું ધ્યાન છે. અને હવે ડિપ્લોમેસી ગેઇમ તો તેમણે ક્યારની ચાલુ કરી દીધી છે!!! 😉

 1. ખુબ જ સુંદર વિશ્લેષણાત્મક પોસ્ટ .

  Sidetalk : કોઈ પોસ્ટ’ની નાની લિંક આપવા માટે જયારે આપ પોસ્ટ બનાવી રહ્યા હોઈએ , તે જ જગ્યા’એ ટાઈટલ’ની નીચે ” Get Shortlink ” ઓપ્શન આપેલ હોય છે , ત્યાંથી તમને નાનકડી અને નાજુકલી પોસ્ટ-લિંક મળી જશે 🙂

 2. Really great summary. I appriciate your writings.
  One more reason is left and which is most powerfull.
  UPA government oppressed great saints like Asaramji Bapu, Baba Ramdev, Sadhvi Prgyasingh, etc.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s