Posted in religion

સત્ય નાડેલાની વાત સાચી છે, પણ માનવી અઘરી છે

માઇક્રોસોફ્ટના ભારતીય મૂળના સીઇઓ સત્ય નાડેલાને કોઈએ એવું પૂછ્યું કે કામકાજી મહિલાઓને પગારવધારો માગવામાં ખચકાટ થાય છે (જોકે આ સવાલ જ ખોટો છે, આવું થતું નથી હોતું, મોટા ભાગની કામકાજી મહિલાઓ સ્માર્ટ જ હોય છે, ઓછામાં ઓછું, પગારવધારો માગવા પૂરતું તો ખરું જ.) તો નાડેલાએ ભારતીય તત્ત્વજ્ઞાન મુજબ કહ્યું કે તેમને વધારો માગવાની જરૂર જ નથી. તેમણે શ્રેષ્ઠ કર્મ કરવાની જરૂર છે. 

બસ, આ વાતે નાડેલા સામે ફેસબુક, ટ્વિટર સહિતના સોશિયલ મિડિયા પર “મહિલા તરફીઓ”નો ગોકીરો ચાલુ થઈ ગયો. નાડેલાએ કર્મના સિદ્ધાંતની વાત કરી છે. હિન્દુ તત્ત્વજ્ઞાન અથવા તો કહો કે ગીતા મુજબ, તમે સારાં કર્મ કર્યા હશે તો તમને સારું ફળ મળશે જ અને ખરાબ કર્મ કર્યાં હશે તો ખરાબ ફળ મળશે.  અત્યારે તમિલનાડુનાં પૂર્વ મુખ્યમંત્રી જયલલિતા જેલમાં છે અને તેમને જેલમાં દિવાળી ઉજવવી પડશે. હવે જયલલિતાએ તો તાજેતરમાં અમ્મા કેન્ટીન એવી યોજનાઓ ચાલુ કરી હતી અને લોકો રૂ.૫ માં ભરપેટ જમી શકે તેવી વ્યવસ્થા કરી હતી. તેમણે રાજ્યમાં સસ્તી સિમેન્ટ  ઉપલબ્ધ કરાવવાની યોજના પણ જાહેર કરી હતી. તો પછી પ્રશ્ન એ થાય કે તેમનાં સારાં કર્મ છતાં તેમને જેલમાં કેમ જવું પડ્યું? એક જવાબ તો એ હોઈ શકે કે તેમણે આવક કરતાં વધુ સપંત્તિ જે-તે સમયે એકઠી કરી હતી. આમ, આ એક ખરાબ કર્મ થયું. બીજો જવાબ એ પણ હોઈ શકે કે કાંચીના શંકરાચાર્ય શ્રી જયેન્દ્ર સરસ્વતીની એક હત્યાના કેસમાં જયલલિતાએ ૨૦૦૪ની બરાબર દિવાળીના દિવસે જ ધરપકડ કરેલી અને ત્યારે જયલલિતા સામે ખૂબ જ વિરોધ થયો હતો કે હિન્દુ ધર્મના સર્વોચ્ચ સંતની ધરપકડ હિન્દુ ધર્મના સર્વોચ્ચ તહેવાર દિવાળીના જ દિવસે કેમ કરી? બીજા કોઈ ધર્મના ધર્મગુરુની તેમના સર્વોચ્ચ તહેવારના દિવસે ધરપકડ કરી જુઓ, ખબર પડે. એ કેસમાં શંકરાચાર્ય શ્રી જયેન્દ્ર સરસ્વતી તો નિર્દોષ સાબિત થયા. કર્મના સિદ્ધાંત પ્રમાણે જુઓ તો જયલલિતાએ એક નિર્દોષ વ્યક્તિને જેલમાં દિવાળી ઉજવવાની ફરજ પાડી તે કર્મના પરિણામ રૂપે જયલલિતાને હવે ૧૦ વર્ષ પછી જેલમાં જ દિવાળી ઉજવવી પડશે.

જોકે અત્યારે સ્માર્ટ ફોનનો યુગ છે. તર્ક સાથે જે સમજાવો તે જ સમજાય. માટે કર્મના સિદ્ધાંત સમજાવવા અઘરા છે. વળી, બરકત વીરાણી ‘બેફામ’નો શે’ર છે ને,

ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,

કે સારા હોય છે એની દશા સારી નથી હોતી

આમ, અત્યારે જે સારા લોકો છે તેમને આપણે ખરાબ હાલતમાં જોઈએ ત્યારે એમ થાય કે તેણે તો કોઈ ખરાબ કર્મ કર્યું નથી તો પછી તેની દશા ખરાબ કેમ? અને કૌભાંડિયા રાજકારણીઓ, દાઉદ જેવા ગુંડાઓને ખરાબ કર્મ છતાં જલસા કરતા જોઈએ તો એમ થાય કે આવા લોકોને જ જલસા હોય છે. એટલે સત્ય નાડેલાની વાત માનવી મુશ્કેલ છે. કર્મનો સિદ્ધાંત સમજવો અશક્ય નથી, અઘરો તો છે જ. સત્ય નાડેલા કહે છે કે તમારે પગાર વધારો માગવો જ ન પડે. બસ, સારું કર્મ કરો. પણ જે લોકો નોકરિયાત છે તેમને ખબર છે કે માગ્યા વિના મા પીરસતી નથી. જે ચમચાગીરી કરે છે તેવા લોકો ઓછું કામ કરે તોય તેમનો પગાર વધુ વધે જ્યારે દિલ દઈને, નિષ્ઠાથી કામ કરતા હોય તેવા લોકો માગે તોય તેમનો પગાર રાબેતા મુજબ, ૮-૧૦ ટકા જ વધે.

પણ કર્મનો સિદ્ધાંત માત્ર એક જન્મમાં જ લાગુ નથી પડતો. એ તો જન્મ- જન્માંતરથી લાગુ પડે છે. ઘણી વાર એવું બને કે ગયા જન્મના કર્મનું ફળ આ જન્મમાં ભોગવવું પડે, પછી એ સારું હોય કે ખરાબ. આજકાલ ઘણા રિયાલિટી શોમાં જોઈએ છીએ કે પાંચ-છ વર્ષનાં બાળક ઉત્તમ ગાતા કે નૃત્ય કરતા હોય છે કે અન્ય ખૂબીઓ ધરાવતા હોય છે. આપણને એમ થાય કે તેમનામાં આ ખૂબી આ ઉંંમરમાં ક્યાંથી આવી? પણ તેમની ગયા જન્મની ઉપાસના, સાધના કે તાલીમ હોય જેના કારણે આ જન્મમાં તેઓ આ પ્રકારની આવડત પહેલેથી જ ધરાવતા હોય તેવું બને. કર્મનો સિદ્ધાંત સમજવા માટે હીરાભાઈ ઠક્કરનું પુસ્તક “કર્મનો સિદ્ધાંત” વાંચવું જોઈએ અથવા એક નાનપણમાં પુસ્તકશ્રેણી વાંચેલી, જેનું નામ લગભગ “ચંદ્રકાંત” હતું, તે વાંચવાં જોઈએ.

(આ પણ વાંચો : મહિલા દિન નિમિત્તે : સ્ત્રીઓની ફરિયાદો અને પુરુષના જવાબ!)

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s