આપણે ભારતીયો, અંગ્રેજોની માનસિક ગુલામીમાં એટલા બંધાઈ ગયા છીએ કે તેમની અંગ્રેજી ભાષા, તેમની સંસ્કૃતિ (અથવા કહો કે વિકૃતિ), તેમના ધોળા રંગ, વગેરે બાબતોથી અંજાઈ જઈએ છીએ. આપણને અમેરિકા જ સારું લાગે છે. કેટલાક ગુજરાતી ‘કટારઘસુ’ તો પોતાના મોટા ભાગના લેખમાં પોતે અમેરિકા જઈને શું-શું કરી આવ્યા એ લખે અને પોતાને અમેરિકાની સરકાર કે ફલાણી મોટી સંસ્થા (જેનું નામ પણ ભૂજિયો અમેેરિકનભાઈ પણ કદાચ જાણતો ન હોય)એ આમંત્રણ આપ્યું તો આપણે ગયા (પછી ભલેને પોતાના કાવડિયે ગયા હોય) એવું ઘસડી નાખે. અમેેરિકામાં ‘બધી’ વાતે છૂટો દોર છે એ એમને ગમતું હોય છે. તો ભાઈ, એક કામ કરોને, તમે કાયમ માટે અમેરિકા જ સ્થાયી થઈ જાવ ને? અહીં ગુજરાતમાં શું કામ પડ્યા પાથર્યા રહો છો? કારણ એ જ હોય કે તેઓ જે માને છે કે તેમને બહુ બધા લોકો વાંચે છે તે પછી એમને અમેેરિકામાં વાંચે કોણ?

ચાલો, આપણે વાત અંગ્રેજોની માનસિક ગુલામીની કરવી છે. અને અત્યારે આ માનસિકતાના કારણે જ દેશમાં કૈલાસ સત્યાર્થીને નોબલ મળ્યું તેનો જયજયકાર થાય છે. રાતોરાત કૈલાસ સત્યાર્થીના ભાવ ઊંચકાઈ ગયા છે. અત્યાર સુધી કોઈ મિડિયા એની છિંકણીય લેતું નહોતું, ને હવે એના ઇન્ટરવ્યૂ લેવાય છે અને એણે કયું મહાન કામ કર્યું તે બતાવાય છે.

કૈલાસ સત્યાર્થીનું કામ મહાન હશે, તેમણે બાળકો માટે ઘણું કર્યું છે એની ના નહીં, પરંતુ વાત નોબલ પુરસ્કાર પાછળના ઈરાદાઓની છે. નોબલ અને ઓસ્કાર જેવા એવોર્ડ એ પાશ્ચાત્ય જગત એટલે કે અમેરિકા, બ્રિટન વગેરે મૂળ અંગ્રેજોના વર્ચસ્વવાળા છે. એ લોકોએ આ એવોર્ડનું મહત્ત્વ એટલું બધું પ્રસ્થાપિત કરી દીધું છે (અને એનું કારણ મોટા ભાગનાં પ્રસાર માધ્યમો તેમના હાથમાં છે) કે એ એવોર્ડ મળે એટલે જંગ જીત્યાનો અહેસાસ થાય. પરંતુ હકીકત એ છે કે આ એવોર્ડ પાછળ અમેરિકા વગેરે દેશોના ચોક્કસ (બદ) ઈરાદા હોય છે.  તેઓ ભારત-પાકિસ્તાન જેવા ત્રીજા વિશ્વના ગણાતા દેશોમાંથી કોઈને આવા એવોર્ડ આપે કે મિસ ઇન્ડિયા, મિસ યુનિવર્સ બનાવે તે પાછળ કાં તો એ દેશને કે તેના શાસકને નીચા દેખાડવાનો હેતુ હોય ક્યાં તો એ દેશમાં બજાર ઊભું કરવાનો ઈરાદો હોય.

જેમ કે ૯૦ના દાયકામાં ઉપરાઉપરી ઐશ્વર્યા રાય, સુસ્મિતા સેન, લારા દત્તા, પ્રિયંકા ચોપરા, દિયા મિર્ઝા વગેરેને મિસ વર્લ્ડ, મિસ યુનિવર્સ, મિસ એશિયા પેસિફિક, મિસ અર્થ વગેરે ખિતાબોની છૂટા હાથે લહાણી કરાઈ. ત્યાં સુધીમાં ભારતમાં સૌંદર્ય પ્રસાધનોનું ખાસ બજાર નહોતું. લોકો વાળ પણ શિકાકાઈ સાબુથી ધોતા હતા. કંડિશનર તો શું શેમ્પૂય નહોતા લેતા. અને નહાવાના સાબુનો ઉપયોગ ખાસ નહોતો. દાંત ઉજળા કરવા દાતણ ઘણા ઘરમાં વપરાતાં. અેનાથી ઘણા નાના નાના લોકોની રોજગારી પણ ચાલતી. પણ હવે તો ટૂથપેસ્ટેય અલગ-અલગ  હેતુ માટે અલગ-અલગ આવે છે. હવે તો આગળ વધીને પર્ફ્યૂમનું માર્કેટ ઊભું કરી નાખ્યું છે. અને આવા બધાં પ્રસાધનોની જે જાહેરખબર બતાવાય છે તે એવી હોય છે કે તેની જાણેઅજાણે આપણા લોકોના મન પર અસર થતી હોય છે, પરિણામે રહેનસહેન, ખાણીપીણી, વિચાર-આચાર બધું છેલ્લા દાયકામાં જેટલું બદલાયું છે તેટલું બદલાતા અગાઉ વર્ષોના વર્ષો નીકળી ગયાં હતાં.

નોબેલ પુરસ્કાર આમ તો, અંગ્રેજોના મળતિયા દેશો, અમેરિકા, જાપાન, કોરિયા, ફ્રાન્સ, સ્વીડન, વગેરેને જ અપાય છે, પરંતુ આ દેશોના જે કેટલાક સ્વાર્થ સાધવાના હોય તે માટે આ મંડળી સિવાયના દેશોના લોકોને પણ નોબેલના ટુકડા ફેંકવામાં આવે છે. જેમ કે, ચીનના લિઉ શિયાબાઓને ૨૦૧૦નો નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આની પાછળ લિઉ શિયાબાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ કરી તેની (ચીનની  સરકારની નજરમાં) દેશદ્રોહી પ્રવૃત્તિને વેગ આપવાનો ઈરાદો હતો. અમેરિકાને ચીન આંખમાં કણાની જેમ ખૂંચે છે. એટલે ચીનમાં કોઈ વિદ્રોહી પ્રવૃત્તિ કરે તો તે અ્મેરિકાનું માનીતું બની જ જાય.

૨૦૦૯ની સાલમાં નોબેલ શાંતિ પુરસ્કાર અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાને મળ્યો હતો. હવે ઓબામા હજુ નવેમ્બર ૨૦૦૮માં સત્તારૂઢ થયા હતા ને એમણે એવો કંઈ મોટો મીર નહોતો માર્યો, છતાં તેમને ૨૦૦૯નો નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો.  આપણા ઘણા વૈજ્ઞાનિકોને લાયકાત હોવા છતાંં નોબેલ ધરાહાર નહોતો અપાયો. અરે, મહાત્મા ગાંધીને ક્યાં અપાયો હતો? પણ હા, રવીન્દ્રનાથ (બંગાળમાં વને બદલે બ બોલાય ને લખાય છે, એટલે એ રીતે, રબીન્દ્રનાથ) ટાગોરને ૧૯૧૩નો નોબેલ પુરસ્કાર મળ્યો હતો. ટાગોરને અંગ્રેજો તરફી માનવામાં આવતા હતા. આપણે જે આજે રાષ્ટ્રગીત તરીકે ગાઈએ છીએ તે ‘જન ગણ મન’ હકીકતે રવીન્દ્રનાથ ટાગોરે બ્રિટનના રાજા જ્યોર્જ પંચમ અને રાણી જે ભારતની મુલાકાતે આવવાના હતા, તેમની ચમચાગીરીમાં લખ્યું હતું, અને અંગ્રેજોના પીઠ્ઠુ જેવા કોંગ્રેસીઓના કારણે વંદેમાતરમ્ ની જગ્યાએ આ ગીત કમનસીબે આપણા રાષ્ટ્રગીત તરીકે રહી ગયું. (નરેન્દ્ર મોદી જો ખરેખર ભારતને ક્રાંતિકારી રીતે ધરમૂળથી બદલવા માગતા હોય તો આ રાષ્ટ્રગીત બદલવું જોઈએ.) રવીન્દ્રનાથ ટાગોરની સાહિત્યકાર તરીકે મહત્તા ઓછી આંકવાનો જરા પણ હેતુ નથી. તેમણે સાહિત્ય ક્ષેત્રે ઉત્તમોત્તમ પ્રદાન કર્યું જ છે, પરંતુ વાત નોબેલ પાછળના બદઈરાદાની છે.

નોબેલ આપવું જ હતું તો ભારતીય વૈજ્ઞાનિકો ઘણા દાવેદાર હતા. સૌ પહેલાં તો જગદીશચંદ્ર બોઝ જ દાવેદાર હતા. તેમણે ૧૮૯૫માં વાયરલેસ સિગ્નલિંગ બતાવ્યા હતા. (આજે આપણે જે વાયરલેસ ઉપકરણો વાપરીએ છીએ તે એક રીતે તેમની જ દેન કહેવાય.) તો પણ જગદીશચંદ્ર બોઝને ઈનામ ન મળ્યું. ૧૯૭૮માં નોબેલ પુરસ્કાર જીતનાર સર નેવિલ મોટ્ટે કહેલું કે બોઝે ‘એન’ અને ‘પી’ પ્રકારના સેમી કંડક્ટરો ઘણા વહેલાં શોધી નાખ્યાં હતાં. પણ વાયરલેસ કમ્યૂનિકેશન માટે નોબેલ ૧૯૦૯માં ગુજલીમો માર્કોનીને મળ્યું!

સત્યેન્દ્રનાથ બોઝે સૌથી નાના કણ પર સંશોધન પત્ર મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇનસ્ટાઇનને મોકલ્યો હતો. આઇનસ્ટાઇને પણ તેને અનુમોદન આપ્યું. આ પત્ર ૧૯૨૪માં ઝિત્સ્ક્રિફ્ટ ડેર ફિઝિક નામની જર્નલમાં પ્રસિદ્ધ થયો. તેનાથી નવા બોઝ-આઇનસ્ટાઇન સ્ટેટિસ્ટિક્સનો ઉદ્ભવ થયો. અને અત્યંત પ્રાથમિક અથવા સૂક્ષ્મ કણને બોઝોન નામ મળ્યું. ત્યાર પછી જે ત્રણ નોબેલ પુરસ્કાર મળ્યા તે સત્યેન્દ્રનાથ બોઝના સંશોધનના આધારે કરેલા કામ પર મળ્યા હતા. અરે! ૨૦૧૩માં નોબેલ પુરસ્કાર હિગ્ઝ બોઝોન કણની થિયરીના જનકોને મળ્યો પણ આ બોઝોન કણમાંં પ્રદાન તો સત્યેન્દ્રનાથ બોઝનું હતું, પણ કમનસીબે ભારતની સરકારેય આ બાબતે કોઈ વિરોધ ન કર્યો.  (એ વખતના આપણા વડા પ્રધાન મનમોહનસિંહ પોતે જ બ્રિટનમાં જઈને બ્રિટિશરોના ભારત પરના શાસનના વખાણ કરી આવતા હોય તેના પરથી જ સમજી શકાય કે ભારતને મળેલા ૯૯ ટકા વડા પ્રધાનો અંગ્રેજોના માનસિક ગુલામ જ હતા, એટલે આવા વિરોધની અપેક્ષા તેમની પાસે વધુ પડતી કહેવાય.)

પંજાબમાં જન્મેેલા નરેન્દ્રસિંહ કપનીને ફાધર ઓફ ફાઇબર ઓપ્ટિક્સ કહેવાય છે. પરંતુ વીજળીના પ્રસાર માટે ફાઇબરના ઉપયોગ બદલ નોબેલ ઈનામ ચાર્લ્સ કાઓને મળ્યું. જેને બહુ માનની નજરે જોવાય છે તેવા ફોર્બ્સ મેગેઝિને પણ ૨૦મી સદીના અપ્રસિદ્ધ નાયક (Unsung heroes of 20th century) નામના લેખમાં કપનીનો ઉલ્લેખ કર્યો છે.

ઓસ્કારની વાત કરીએ તો, આપણી સારી સારી ફિલ્મોને ઓસ્કાર મળતો નથી પણ ડેની બોયલેની ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’ જે આપણી કોઈ ચીલાચાલુ મસાલા ફિલ્મથી ચડિયાતી નહોતી તેને ઓસ્કાર મળ્યા. અરે! તેમાં સંગીત સાવ ચીલાચાલુ કક્ષાનું હતું (અને એ.આર. રહેમાને અગાઉ અનેક ફિલ્મોમાં તેના કરતાં સારું સંગીત આપેલું )તો પણ રહેમાનને (વાંચો: (૧) રહેમાનને ઓસ્કર…કહેને કો જશ્ન એ બહારા હૈ, (૨) માન ન માન, તૂ મેરા રહેમાન) ઓસ્કાર આપવામાં આવ્યો. ગુલઝારને પણ મળ્યો. (ફિલ્મફેર એવોર્ડ અને અન્ય એવોર્ડ પણ એવા જ છે.)

અત્યારે કૈલાસ સત્યાર્થીને જે પુરસ્કાર મળ્યો તેની પાછળ પણ ક્યાંક હેતુ એવો જ છે કે ભારતમાં બાળમજૂરી કેટલી બધી છે તે દુનિયાને દેખાડવું . પાકિસ્તાનમાં પણ મલાલા યુસૂફ ઝાઈને લોકો બળવાખોર તરીકે જ જુએ છે. એટલે એ સમજી લેવું જોઈએ કે નોબેલ પાછળના ઈરાદા નોબલ નથી. અને હા, હવે નરેન્દ્ર મોદી વડા પ્રધાન તરીકે આવ્યા છે, જે કોઈ પણ પ્રસંગ ભવ્યાતિભવ્ય યોજી શકે તેવી ત્રેવડ ધરાવે છે, તો શા માટે ભારત જ તેના નોબલ અને ઓસ્કાર ચાલુ ન કરે?

2 thoughts on “કૈલાસ સત્યાર્થી માટે હરખાવા જેવું નથી : નોબેલ પાછળના છળકપટ

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.