Posted in Uncategorized

દેવિકા રાણી ભાગ્યાં ને અશોકકુમારનો ભાગ્યોદય થયો!

ashok kumar

આજે મહાન ગાયક, અભિનેતા, સંગીતકાર અને નિર્દેશક કિશોરકુમારની પુણ્યતિથિ છે. કરુણ યોગાનુયોગ જુઓ. આજે જ તેમના ગુરુ બંધુ અને હિન્દી ફિલ્મોના પ્રથમ સુપરસ્ટાર, એન્ટી હીરો (ફિલ્મ ‘કિસ્મત’ જેણે સૌથી વધુ લાંબો સમય એક જ થિયેટરમાં ચાલવાનો રેકોર્ડ કરેલો) અશોકકુમારનો જન્મદિન છે. કિશોરકુમારને તો બધા યાદ કરે છે પણ અશોકકુમારને?
અશોકકુમાર ન હોત તો કિશોરકુમાર પણ ન હોત. અશોકકુમાર પહેલા સુપરસ્ટાર હતા જેમણે ટીવી જાહેરખબર (પાનપરાગ)માં કામ કરવાનું સ્વીકારેલું. એટલું જ નહીં પહેલા ટીવી સૂત્રધાર પણ હતા. આજે જે રીતે શૈલેષ લોઢા તારક મહેતા તરીકે સૂત્રધારનું કામ કરે છે તેમ ‘હમલોગ’ ટીવી સિરિયલના અંતે દાદામુની તરીકે ઓળખાતા અશોકકુમાર આવતા. તેમની છનપકૈયા છનપકૈયા સ્ટાઇલની આજે પણ મિમિક્રી આર્ટિસ્ટો નકલ કરે છે. બી.આર.ચોપરાની ‘બહાદૂરશાહ ઝફર’માં પણ તેમણે બાદશાહની ભૂમિકા કરી હતી.
અશોકકુમારનું કુટુંબ સંપૂર્ણ ફિલ્મી એટલે કે ફિલ્મો સાથે સંકળાયેલું કુટુંબ જ કહી શકાય. બહેન સતી દેવી મુખર્જી કુટુંબના શશધર મુખર્જીને પરણેલાં. શશધર મુખર્જી શરૂઆતમાં બોમ્બે ટૉકિઝ સાથે સંકળાયેલા પણ બાદમાં તેમણે અશોકકુમાર સાથે ફિલ્મીસ્તાન સ્ટુડિયો સ્થાપ્યો હતો. શશધરે અશોકકુમારને હીરો તરીકે લઈને ત્રણ ફિલ્મ બનાવી- ‘બંધન’, ‘કંગન’ અને ‘ઝૂલા’.  તેમનાં ચાર દીકરા. રોનો મુખર્જી, જોય મુખર્જી, દેબ મુખર્જી અને શોમુ મુખર્જી. તેમાંથી જોય મુખર્જી અને તેમનો દીકરો સુજોય મુખર્જી અભિનેતા હતા. દેબુ મુખર્જી પણ અભિનેતા હતા. શોમુ મુખર્જી તનુજાને પરણ્યાં જેના થકી ૯૦ના દાયકાની સુપરસ્ટાર કાજોલ જન્મી. કાજોલનો પતિ એટલે અભિનેતા અજય દેવગન. કાજોલની બહેન તનીષા પણ ચર્ચાસ્પદ નામ તો છે જ. શશધરના મોટા ભાઈ રવીન્દ્રમોહન મુખર્જીના દીકરા રામ મુખર્જીની દીકરી એટલે રાની મુખર્જી અને છેલ્લા દરજ્જા મુજબ શ્રીમતી આદિત્ય ચોપરા! શશધરના બે ભાઈઓ સુબોધ મુખર્જી અને પ્રબોધ મુખર્જી પણ ફિલ્મ નિર્દેશક હતા. દેબ મુખર્જીનો દીકરો અયાન મુખર્જી એટલે રણબીર કપૂરને લઇને ‘યે જવાની હૈ દીવાની’ નામની હિટ ફિલ્મ આપનાર નિર્દેશક. આમ, અશોકકુમાર ગાંગુલીના કુટુંબના ભાણિયાઓ આજે પણ છવાયેલા છે તેમ કહીએ તો ખોટું નથી!
અશોકકુમારના પોતાના કુટુંબની વાત કરીએ તો, તેમના નાના ભાઈ કિશોરકુમારની તો ઉપર વાત કરી જ છે. બીજા ભાઈ અનુપકુમાર પણ અચ્છા કોમેડિયન હતા પરંતુ બે ભાઈઓની પ્રતિભા વચ્ચે દબાઈ ગયા. અભિનેતા અને કોમેડિયન દેવેન વર્મા તેમના જમાઈ થાય. કોમેડિયન અભિનેત્રી સ્વ. પ્રીતિ ગાંગુલી અશોકકુમારની દીકરી છે. ફિલ્મ ‘રેડી’માં સલમાન ખાનની મા બનનાર અને ‘ઉત્સવ’ ફિલ્મમાં શેખર સુમનની પત્ની બનનાર અભિનેત્રી અનુરાધા પટેલ અશોકકુમારની દોહિત્રી થાય. અનુરાધા પટેલ પાછી ‘સત્તે પે સત્તા’ના એક ભાઈની ભૂમિકા કરનાર અને નીના ગુપ્તાની સિરિયલ ‘સાંસ’માં મુખ્ય ભૂમિકા કરનાર કંવલજીતસિંહને પરણી છે.
કિશોરકુમારનું અવસાન પોતાના જન્મદિને થયા બાદ અશોકકુમારે ક્યારેય પોતાનો જન્મદિન ઉજવ્યો નહોતો. પણ અશોકકુમાર અશોકકુમાર ન બન્યા હોત જો હિન્દી ફિલ્મોનાં પ્રારંભિક હિરોઇન દેવિકા રાણી ભાગ્યાં ન હોત!
હકીકતે બોમ્બે ટોકિઝવાળા હિમાંશુ રાય ‘જીવનનૈયા’ નામની ફિલ્મ બનાવી રહ્યા હતા. હીરો હતો નઝમ ઉલ હસન. તે હિમાંશુ રાયની પત્ની અને ફિલ્મની હિરોઇન દેવિકા રાણીને ભગાડી ગયો! બંને જણા કોઈક રીતે પાછાં ફર્યા તો ખીજાયેલા હિમાંશુ રાયે પત્નીને તો માફ કરી દીધી (એ સમયે આ બહુ મોટી વાત ગણાય.) પણ હીરોને તગેડી મૂક્યો. અને પછી તેમની નજર લેબોરેટરી આસિસ્ટન્ટ અશોકકુમાર પર પડી. અશોકકુમાર ખરેખર તો દિગ્દર્શક બનવા આવેલા અને બની ગયા અભિનેતા! આ રીતે શરૂ થઈ અશોકકુમારની છ દાયકા જેટલી સુદીર્ઘ ચાલનારી અભિનય કારકિર્દી! (‘જીવનનૈયા’માં એક ગીત હતું ‘કોઈ હમદમ ના રહા’ જે ગીત અશોકકુમારે ગાયેલું અને હિન્દી ફિલ્મોદ્યોગના પહેલાં મહિલા સંગીતકાર સરસ્વતીદેવીએ રચેલું…જોકે બાદમાં કિશોરકુમારે ‘ઝૂમરૂ’ ફિલ્મમાં તે ગાયું અને તેના પર ફિલ્માવાયું પણ ખરું, જે વધુ જાણીતું બન્યું.) સૌથી પહેલી સસ્પેન્સ કમ હોરર ફિલ્મ મહલનું નિર્માણ પણ અશોકકુમારે કર્યું હતું. તેમાં તેમણે મધુબાલા સાથે કામ કર્યું જે પછી તેમના નાનાભાઈ કિશોરકુમારની પત્ની બની. આ ફિલ્મે લતા મંગેશકરને પણ પ્રસિદ્ધ બનાવી દીધાં…’આયેગા આનેવાલા’ ગીતથી!
અત્યારે તરુણોને હનીસિંહના રૅપ (જે ખરેખર તો બળાત્કાર જેવા જ હોય છે) ગીતો પસંદ પડે છે પણ સૌથી પહેલું રૅપ ગીત અશોકકુમારે ‘આશીર્વાદ’ ફિલ્મમાં ગાયેલું…’રેલગાડી’. અને તે પણ કોઈ જાતની ટૅક્નિકલ સહાય વગર!
અશોકકુમારે સમય વર્તે ચરિત્ર ભૂમિકાઓ સ્વીકારી લીધી. પણ ‘જ્વેલ થીફ’માં તેમની વિલનની ભૂમિકા કોઈ ભૂલી શકે તેમ નથી. કોઈને ખ્યાલ પણ ન આવે કે વિલન અશોકકુમાર હશે તેવો અદ્ભુત અભિનય તેમણે કર્યો હતો. બિમલ રોયની ‘પરિણીતા’, ‘બંદિની’ જેવી ફિલ્મોમાં અશોકકુમારે કામ કર્યું હતું. હકીકતે જ્યારે બોમ્બે ટોકિઝનો સૂર્ય આથમી રહ્યો હતો ત્યારે અશોકકુમારે જ બિમલ રોયને તેમની ફિલ્મ ‘પરિણીતા’નું નિર્દેશન કરવા કહેલું. બધા જાણે છે તેમ ‘પરિણીતા’ એ સરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા પર આધારિત ફિલ્મ છે જેની આ જ નામવાળી રિમેક તાજા ભૂતકાળમાં આવી ગઈ, જેના માટે વિદ્યા બાલનની ખૂબ જ પ્રશંસા થઈ હતી.
કેટલા લોકો જાણતા હશે કે અશોકકુમાર એક સારા ચિત્રકાર અને હોમિયોપેથીના અચ્છા જાણકાર પણ હતા? ૯૦ વર્ષ જેટલું લાંબુ જીવનાર અશોકકુમાર ૨૦૦૧માં હૃદય બંધ પડી જતાં અવસાન પામ્યા.

Advertisements

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s