ફિલ્મ હૈદર અને અલ્પમતિઓ : કુમતિ નિવાર સુમતિ કે સંગી!

Published by

on

હિન્દી ફિલ્મ જગતનો કદાચ આ સૌથી ખરાબ દાયકો ચાલી રહ્યો છે? આવો પ્રશ્ન હમણાં હમણાં આવેલી અનેક ફિલ્મોના કારણે થાય, પરંતુ હવે જે માર્કેટિંગ પદ્ધતિ આવી ગઈ છે, દરેક સિરિયલ, દરેક રિયાલિટી શોમાં જઈને માર્કેટિંગ કરવું, દરેક નાના-મોટાં શહેરમાં જઈને ગુણગાન ગાવા, અને સિરિયલના કલાકારો, રિયાલિટી શોના હિસ્સેદારો દરેક નવી ફિલ્મના દરેક કલાકારને જોઈને તેનાથી પોતે ખૂબ જ પ્રભાવિત થઈ ગયા છે તેવું દેખાડે ત્યારે એમ જ લાગે કે આ કલાકારો આગળ સંજીવકુમાર, અમિતાભ બચ્ચન, નસીરુદ્દીન શાહ, ઓમ પુરી, દિલીપકુમાર, મધુબાલા, નરગીસ વૈજયંતિમાલાથી માંડીને માધુરી દીક્ષિત સુધીના લોકો તો બગલબચ્ચું જ છે! અને રિયાલિટી શોમાં તો પાછા ભાડૂતી દર્શકો આ બધા કલાકારો આવે ત્યારે દર વખતે જે કૃત્રિમ ચીચીયારીઓ પાડતા હોય, સીટીઓ વગાડતા હોય તેને જોઈને અહોભાવ જાગે અને આપણને અપરાધની ભાવના થાય કે આ બધા કલાકારો એટલા બધા મહાન છે એમ?

પરંતુ આ બધા ઉપરાંત એક જાતિ છે – ફિલ્મ સમીક્ષકની જાતિ. એમાં કેટલાક ફરજના ભાગે આ કામ કરતા હોય છે, તેમાંના કેટલાક ફિલ્મ મફતમાં જોઈને પછી સમીક્ષા આપે અને તેમાં વણલખ્યો શિરસ્તો એવો કે યશ ચોપરાના ફરજંદ આદિત્ય ચોપરાની નિર્માણ કરેલી ફિલ્મ હોય, કરણ જોહરની ફિલ્મ હોય કે પછી શાહરુખ ખાનની ફિલ્મ એટલે એમાં ચાર સ્ટાર આપી જ દેવાના. તો આપણે ત્યાં ગુજરાતમાં કેટલાક ‘કલમઘસુ’ઓ પોતાની જાતને બે વેંત ઊંચા બતાડવા વિશાલ ભારદ્વાજ કે ઋતુપર્ણો ઘોષની ફિલ્મો કે પછી એમ. એફ. હુસૈનના ભદ્દાં ચિત્રોના વખાણ કરવા જ તેમની કલમ સે.મી.ના ભાવે નહીં, કિલોમીટરના ભાવે ઘસડી નાખે છે.

વિશાલ ભારદ્વાજ એક સંગીતકાર તરીકે ઉત્તમ એમાં ના નહીં, (જોકે, ‘હૈદર’માં તો એ આશા પણ ઠગારી નીવડી હોય તેવું લાગે છે) પરંતુ નિર્દેશક તરીકે કેટલા ઉત્તમ (બેસ્ટ), વધુ સારા (બેટર) અથવા માત્ર સારા (ગુડ)? આ પ્રશ્ન થાય. શેક્સપિયરની રચનાઓ પરથી હિન્દીમાં ફિલ્મો બનાવવા હાલી નીકળેલા આ સર્જનકારની, મારા મતે તો, પ્રતિભા વેડફાય છે. એના કરતાં તેમણે સંગીતકાર તરીકે ‘માચીસ’ કે પછી ‘સત્યા’ જેવું ઉત્કૃષ્ટ સંગીત આપવા પ્રયાસ કરવો જોઈએ. વ્યક્તિ તરીકે એકદમ સૌજન્યશીલ અને શાંત લાગતા વિશાલ ભારદ્વાજ ફિલ્મમાં ઠાંસીઠાંસીને વિકૃતિ અને ગાળો બતાવે છે. આમ જુઓ તો એમની ફિલ્મો કમાણીની દૃષ્ટિએ એટલી સફળ નથી નિવડી, પરંતુ ગુજરાતીમાં જેઓ પોતાને બૌદ્ધિક અને બે વેંત ઊંચા દર્શાવવાનો પ્રયાસ કરે છે તેવા એક વર્ગને પોતાના આ પ્રયાસમાં વિશાલ ભારદ્વાજ હાજિર સો હથિયાર લાગે છે.

પરંતુ જ્યારે ‘હૈદર’ જેવી ફિલ્મમાં સૂંડલામોંઢે વખાણ થાય ત્યારે આ અલ્પમતિઓ પર શંકા જાય કે ભગવાને તેમને ખરેખર મતિ આપી હતી? અને મતિ આપી હતી તો તે સુમતિ હતી? તેમણે ખરેખર તો હનુમાનચાલીસા કરવા જોઈએ (કુમતિ નિવાર સુમતિ કે સંગી).

હકીકતે હવે એવું થઈ ગયું છે કે ફિલ્મના નિર્માતા કે તેના પ્રચાર કરનારાઓ પ્રચાર કરતી વખતે જે લાઇન ચલાવે એ જ લાઇન આવા અલ્પમતિઓ પકડી લે છે, જેમ કે આઈબીએન સેવન નામની હિન્દી ન્યૂઝ ચેનલ પર રાજીવ મસંદે વિશાલ ભારદ્વાજનો ઇન્ટરવ્યૂ લીધો ત્યારે અને તે પછી ઘણી વાર વિશાલ ભારદ્વાજે આ ફિલ્મની લાઇન પકડેલી કે અત્યાર સુધી આપણે કાશ્મીરને બહારથી જોયું છે પરંતુ આ ફિલ્મ કાશ્મીરની અંદર રહેલા લોકોની દૃષ્ટિએ બનાવેલી છે. વિશાલભાઈ, કાશ્મીરની અંદર માત્ર મુસ્લિમો જ નથી રહેતા, ત્યાંથી તગેડી મૂકેલા પંડિતોની દૃષ્ટિએ પણ એક વાર ફિલ્મ તો બનાવો. અને હદ તો ત્યારે થાય કે કાશ્મીરમાં ભારતીય સેના (કાશ્મીરમાં રહેતા મોટા ભાગના લોકો પોતાને ભારતથી અલગ ગણે છે એટલે કેન્દ્ર સરકારની વાત આવે તો એમ કહે કે ભારત સરકાર, એમ, સેનાની વાત આવે તો કહે કે ભારતની સેના.)ના કથિત અત્યાચારોના લીધે ત્યાંના લોકો ત્રાસવાદી બને છે! (સેનાને ત્યાં રાખવાની જરૂર શા માટે પડી? એ પ્રશ્ન પણ થવો જોઈએ અને એ પ્રશ્ન પણ થવો જોઈએ કે પાકિસ્તાનમાંથી આવતા ત્રાસવાદીઓને અંદરથી કોણ સમર્થન આપતું હતું?) વાહ! અત્યાચારોના લીધે જ જો ત્રાસવાદી બનતા હોત તો પાકિસ્તાનમાંના હિન્દુઓ, શીખો કે ખ્રિસ્તીઓ કેમ ત્રાસવાદી ન બન્યા? ભારતમાં કાશ્મીરી પંડિતો કેમ ત્રાસવાદી ન બન્યા? અને માઇન્ડ વેલ, આ ફિલ્મ ‘હૈદર’ એવા સમયે આવી છે જ્યારે હમણાં જ કાશ્મીરે પૂરની ભયંકર આફત જોઈ છે અને તેનાથી થયેલા વિનાશમાંથી ઉગરવા તે કોશિશ કરી રહ્યું છે અને એટલું જ નહીં, એ જ કાશ્મીરમાં ભારતીય સેના, જેના અત્યાચારોની વાત વિશાલ ભારદ્વાજ કરે છે (અને તેને ગુજરાતી અલ્પમતિઓ અનુમોદન આપે છે) તેણે અનેક લોકોને પૂરમાં પોતાના જાનની પરવા કર્યા વગર બચાવીને માનવતાનાં શ્રેષ્ઠ ઉદાહરણો પૂરાં પાડ્યાં છે. કેટલીક તસવીરો તેના બોલતા પુરાવા છે. આવા જડસુઓ પાછા સેનાના અત્યાચારોને લંબાવીને મણિપુર, આસામ જેવાં પૂર્વોત્તર રાજ્યો તરફ લઈ જાય. અરે ભાઈ, પૂર્વોત્તર રાજ્યોની સમસ્યા અલગ છે. ત્યાંથી કોઈ જાતિને હાંકી કઢાઈ નથી. ત્યાં કોઈ પંથ (રિલિજિયન)નો મામલો નથી જ્યારે કાશ્મીરમાં તો પંથના આધારે જિનોસાઇડ એટલે કે નરસંહાર ચાલી રહ્યો છે અને તે પણ દુશ્મન દેશના કાવતરા મુજબ! એટલે કાશ્મીરના લોકો પણ પૂરમાં કામગીરીને લીધે કદાચ માંડ સેના પ્રત્યે કુણૂં વલણ ધરાવતા થયા હશે (અને શેષ ભારતના લોકોને તો સેના પ્રત્યે કુણૂં વલણ જ નહીં, ભરપૂર માન છે, પણ તેમનોય દૃષ્ટિકોણ બદલવાનું ભયંકર કાવતરું લાગે છે) ત્યાં આવી ‘હૈદર’ જેવી ફિલ્મ આવે એટલે સેના અને કેન્દ્ર સરકારના કર્યા કારવ્યા પર ફ્લડના પાણી ફરી વળે!

વિચારો, જે કાશ્મીરમાં પૂર વખતે ભારતીય સેનાએ ઉત્તમ કામ કર્યું (સેના માત્ર મારવાનું કામ જ નથી કરતી, જે લોકો તેના પર પથ્થરમારો કરતા હતા, તે જ લોકોને બચાવવાનું કામ કોઈ જાતના પૂર્વગ્રહ વગર કરે છે તે બતાવી આપ્યું) તે જ કાશ્મીરમાં પૂર ઓસરી જાય એટલે …છેક સિરિયા અને ઈરાકમાં ઈસ્લામવાદી રાષ્ટ્ર બનાવવા માગતા ત્રાસવાદી સંગઠન આઈએસઆઈએસના ઝંડા ફરકવા માંડે! એટલે કે ત્યાંના લોકો કાં તો નગુણા છે અથવા તો વિદેશી- પાકિસ્તાનના હાથો બને છે. ખરેખર તો ફિલ્મ ભારતીય સેના પર બનવી જોઈએ ને લેખો ભારતીય સેના પર લખાવા જોઈએ, તેણે કાશ્મીરમાં જે પ્રશંસનીય ભૂમિકા ભજવી તેને આવરીને, પણ અલ્પમતિઓને એ સૂજે તો ને!

આમ જુઓ તો ‘હૈદર’ એ એ.કે.એન્ટોનીના એ નિવેદનથી સહેજ પણ ઉતરતી નથી જેમાં એન્ટોનીએ કાશ્મીરમાં હુમલો કરવા આવેલા પાકિસ્તાની સૈનિકો માટે કહેલું કે એ કંઈ પાકિસ્તાની સૈનિકો નહોતા, તેમણે માત્ર પાકિસ્તાની સૈનિકોનો ગણવેશ પહેરેલો. એન્ટોનીના આ નિવેદનથી પાકિસ્તાનમાં બધાને મજા પડી ગઈ હતી. એમ, ‘હૈદર’થી પણ વિદેશીઓને મજા પડી ગઈ છે. બ્રિટનના ‘ધ ગાર્ડિયન’ નામના અખબારમાં જૈસન બુર્કેએ લખ્યું છે કે ‘હૈદર’માં ભારતીય સેનાને કેમ્પોમાં યાતના આપતા અને ભારતીય અધિકારીઓ દ્વારા માનવાધિકારોનું હનન કરતા બતાવાયા છે. ભારતનાં અંગ્રેજી માધ્યમો પણ પોતાની નિરપેક્ષતા અથવા તટસ્થતા બતાવવા ‘અમન કી આશા’ અને એવા કાર્યક્રમો કરતા રહે છે તેમને ‘હૈદર’ ન ગમે તો જ નવાઈ. દેશ ભલે ખાડામાં જાય, પણ આવાં માધ્યમો પાકિસ્તાન અને અમેરિકા-બ્રિટન તરફે પોતાની કૃતજ્ઞતા સાબિત કરવાનો એકેય મોકો છોડતા નથી. અત્યાર સુધી પ્રાદેશિક માધ્યમોએ હંમેશાં દેશ અને દેશતરફી બાબતોને સર્વોચ્ચ ક્રમે રાખી હતી, પરંતુ વિદેશમાં મળતા લાભો લેવા હવે કેટલાક, મેં અગાઉ કહ્યું તેમ, ‘કલમઘસુઓ’ ‘હૈદર’ ફિલ્મના સૂંડલામોંઢે વખાણ કરે છે, તે કમનસીબ બાબત જ ગણાય.

જોકે આ દેશ હજુ પણ સાવચેત-સજાગ છે. હજુ ય અલ્પમતિઓની સામે ‘બહુમતી’ વર્ગને નીરક્ષીરની ખબર પડે જ છે એટલે ટ્વિટર પર #BoycottHaider હેશટેગ સાથે ૭૫ હજારથી પણ વધુ ટ્વિટ થયાં. તો અલ્પમતિઓએ #HaiderTrueCinema સાથે ૪૫ હજાર ટ્વિટ કર્યાં.

આ ફિલ્મનો વિરોધ કરવાનું બીજું કારણ જમ્મુ-કાશ્મીરના લોકો પાસે છે અને તે એ છે કે કાશ્મીર ખીણના માર્તંડ મંદિરને આ ફિલ્મમાં ‘શૈતાનની ગુફા’ તરીકે બતાવવામાં આવ્યું છે.

વળી, આ ફિલ્મ દેશનાં હિતો વિરોધી લાગી એટલે તો અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયે બુધવારે એટલે કે ૧૪ ઑક્ટોબરે સેન્સર બૉર્ડ અને ફિલ્મના નિર્માતાને નોટિસ ફટકારી. (હાઇ કૉર્ટમાં કોઈ અરજી સ્વીકારાય તેમાં કંઈ તથ્ય હોય તો જ, નહીં તો આવી કેટલીય અરજીઓને ફગાવી દેવામાં આવે છે.) જોકે મૂળ પ્રશ્ન એ થવો જોઈએ કે સેન્સર બૉર્ડે ભારત વિરોધી આ ફિલ્મને મંજૂરી જ કેમ આપી? આ ફિલ્મને બનાવવાના નાણાં વિશાલ ભારદ્વાજ પાસે ક્યાંથી આવ્યા? લાગે છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સેન્સર બૉર્ડમાં પણ ‘સફાઈ અભિયાન’ કરવાની જરૂર છે.

‘હૈદર’ વિશે આ લેખ પણ વાંચવા જેવો છે :

An open letter to Vishal Bhardwaj on #Haider

(http://haiderflawed.blogspot.in/)

(આગામી પોસ્ટમાં વાંચો : ‘હૈદર’ના કથા લેખક બશરત પીર પોતાને ભારતના કે પાકિસ્તાનના નથી માનતા, આવા લેખકની ફિલ્મ ‘હૈદર’ જેવી ન હોય તો કેવી હોય?)

2 responses to “ફિલ્મ હૈદર અને અલ્પમતિઓ : કુમતિ નિવાર સુમતિ કે સંગી!”

  1. ketan mandaliya Avatar

    Good article boss
    like to read and saved in hard disk
    best wishes.
    Some other articles have been noticed.
    again wishing best …….carry on boss. regards
    ketan

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.