Posted in film, national

‘હૈદર’ના કથા લેખક બશરત પીર યાસીન મલિક કરતાં ઓછા અલગતાવાદી નથી!

અગાઉ કહ્યું તેમ, વિશાલ ભારદ્વાજની ફિલ્મ, જેને ‘દેશદ્રોહી’ ફિલ્મ કરતાં ઓછું કોઈ બિરુદ આપી શકાય તેમ નથી, તેના લેખક બશરત પીર છે. (આ પણ વાંચો : ફિલ્મ હૈદર અને અલ્પમતિઓ : કુમતિ નિવાર સુમતિ કે સંગી!) તે પોતાને કાશ્મીરી તો ગણાવે છે, પણ કયા દેશના વાસી? તેવા પ્રશ્નના જવાબમાં કહે છે, તે વિવાદની વાત છે. હવે જમ્મુ અને કાશ્મીરની જ કોઈ વ્યક્તિ બહાર જઈને, અમેરિકાના સમાચારપત્રમાં એવું કહે કે તેની રાષ્ટ્રીયતા વિવાદનો વિષય છે તો વિદેશીઓ, ખાસ કરીને, અમેરિકા અને બ્રિટનને તો ફાવતું જડે ને? એ દૃષ્ટિએ બશરત પીરને જમ્મુ-કાશ્મીરના અલગતાવાદીઓ યાસીન મલિક, મીરવાઈઝ ઉમર ફારુક, સૈયદ અલી શાહ ગિલાની વગેરે કરતાં સહેજ પણ ઓછા દરજ્જાના આંકી ન શકાય અને ભલે પીર લેખક રહ્યા, પણ તેમની સામે એવું જ વર્તન સરકારે કરવું જોઈએ જેવું યાસીન મલિક વગેરે સામે કરવામાં આવે છે. પણ નવા નવા પૂજારી થયા હોય તો પૂજા વધુ વખત કરે, તેમ કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બની તે પછી શરૂઆતમાં ૩૭૦મી કલમ દૂર કરવાનો રાગ આલાપવામાં તો આવ્યો પણ પછી બધું ભૂલી ગઈ છે. જો એમ ન હોત તો ‘હૈદર’ ફિલ્મ રિલીઝ જ ન થવા દેત.

બશરત પીરની વાત પર પાછા ફરીએ તો, પીર એક લેખક છે અને અમેરિકાના ન્યૂ યોર્કમાં રહે છે. તેમણે ‘કર્ફ્યૂડ નાઇટ’ નામનું પુસ્તક કાશ્મીરના સંદર્ભમાં લખ્યું છે. તેમનો દાવો છે કે કાશ્મીરીઓના સંઘર્ષનો આ આંખે દેખ્યો ચિતાર છે.  અગાઉ મેં “કૈલાસ સત્યાર્થી માટે હરખાવા જેવું નથી : નોબેલ પાછળના છળકપટ” શીર્ષકવાળી પોસ્ટમાં લખ્યું હતું કે અમેરિકા, બ્રિટન આણિ મંડળી, ત્રીજા વિશ્વના ગણાતા દેશોમાંથી એવા લોકોને જ તેમના આધિપત્યવાળા પુરસ્કારો આપે છે, જે તેમના દેશ વિરોધી હોય. આ રીતે, બશરત પીરના પુસ્તક ‘કર્ફ્યૂડ નાઇટ’ને ક્રોસવર્ડનું ઈનામ મળ્યું છે અને અંગ્રેજી વિદેશી અખબારો ‘ધ ઇકોનોમિસ્ટ’ અને ‘ધ ન્યૂયોર્કર’એ તેને બુક ઑફ યર ગણાવી હતી.

જેમ અમેરિકા, બ્રિટન આણિ મંડળી દેશ વિરોધી લોકોને પુરસ્કાર આપે છે, તેમ તેમના જે પ્રસાર માધ્યમો, જેમ કે સમાચારપત્રો, ટીવી સમાચાર ચેનલો, ઇન્ટરનેટ સમાચાર વેબસાઇટ વગેરે હોય તેમાં આવા દેશવિરોધી પત્રકારો જ મોટા ભાગે રાખતા હોય છે. એ રીતે બશરત પીર ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’માં ‘ઇન્ડિયા ઇન્ક’ નામનો બ્લોગ લખે છે. આ બ્લોગમાં એક પોસ્ટ છે “બીઇંગ મુસ્લિમ અંડર નરેન્દ્ર મોદી”. એમાં પહેલાં તો તેમણે (ખોટું) લખી નાખ્યું કે મોદીએ ક્યારેય ૨૦૦૨ના રમખાણ પીડિત મુસ્લિમોની મુલાકાત લીધી નહોતી. પરંતુ પછી સૌથી નીચે ફૂટનોટ જેવો ‘સુધારો’ લખી નાખ્યો કે હા, તેમણે એક વાર મુલાકાત લીધી હતી. ખરેખર તો આ સુધારો તેમણે લેખમાં જ કરી નીચે તેની વિગત લખી નાખવાની જરૂર હતી, પરંતુ તેમણે ઈરાદાપૂર્વક પેલી લીટી કે મોદીએ ક્યારેય મુલાકાત લીધી નથી, તે રહેવા દીધી છે. બશરત પીર મુસ્લિમ છે અને તેઓ મુસ્લિમની જ કથાવ્યથા રજૂ કરવામાં માને છે. આપણા છદ્મ સેક્યુલરો પણ આવું જ કરતા હોય છે, તેઓ જન્મે તો હિન્દુ હોય છે, પરંતુ તેમની દૃષ્ટિએ જો કોઈ લઘુમતી આ દેશની અંદર પીડિત હોય તો તે માત્ર મુસ્લિમ જ છે (અને જો તેમ હોય તો તે શા માટે અને કેટલાક મુસ્લિમો શા માટે હિન્દુ વિરોધ છોડી શકતા નથી તેનાં કારણોમાં પડતાં નથી). બશરત પીરને પણ ગોધરાકાંડના જે રામભક્તોને વિના વાંક સળગાવી દેવાયા હતા અને તે પણ એક કાવતરાના ભાગરૂપે, તેમના પરિવારોની વ્યથા જાણવાની ફૂરસદ મળી નથી. અને માઇન્ડ વેલ, તેઓ આ ક્યાં લખે છે? ન્યૂ યોર્ક ટાઇમ્સ જેવા અમેરિકન મીડિયામાં!

હવે બશરત પીરે વોલસ્ટ્રીટ જર્નલને આપેલા ઇન્ટરવ્યૂની વાત.

આ ઇન્ટરવ્યૂ સુભદીપ સિરકારે લીધો છે અને તે પણ છદ્મ સેક્યુલર હશે જ તેમ માનવાનું મન થાય છે. તેમણે પહેલું જ વાક્ય પ્રસ્તાવનામાં લખ્યું છે કે બશરત પીરને હંમેશાં લાગતું આવ્યું છે કે ‘ભારતીય શાસન’ (આ શબ્દો નોંધવા જેવા છે) હેઠળ જીવતા કાશ્મીરીઓની વાત પણ પેલેસ્ટિનિયનો, બોસ્નિયનો અને કુર્દો જેવી છે. એટલે બશરત પીર કાશ્મીરના પ્રશ્નને પેલેસ્ટાઇનના પ્રશ્ન સાથે સરખાવે છે તે નોંધવું રહ્યું! સુભદીપ સરકાર આગળ વધે છે અને યાદ રહે, આ શબ્દો સુભદીપના છે. તેઓ કાશ્મીર વિશે લખતા કાશ્મીરમાં ઘૂસતા પાકિસ્તાનના ત્રાસવાદીઓ, ત્યાંથી યાતનાપૂર્વક ખદેડી દેવાયેલા કાશ્મીરી પંડિતો અને પાકિસ્તાનના ત્રાસવાદીઓને મળતો સ્થાનિક ટેકો આ બધું નોંધતા નથી, પરંતુ એવું લખે છે કે છેલ્લા બે મહિનામાં (એટલે કે જૂન, ૨૦૧૦થી જુલાઈ, ૨૦૧૦) ૫૦ લોકો મરી ગયા છે. બશરત પીર ન્યૂયોર્કની ઓપન સોસાયટી ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયેલા છે. આ સંસ્થા પણ સરકારી નીતિ, માનવ અધિકારોના હનન, વગેરે બાબતે કામ કરે છે.

સુભદીપ સરકારે ઇ-મેઇલ દ્વારા લીધેલા ઇન્ટરવ્યૂમાં બશરત પીર કહે છે કે, લડત (પીર તેના માટે મિલિટન્સી શબ્દ વાપરે છે, ટેરરિઝમ નહીં, મિલિટન્સી એટલે આક્રમક લડત થાય, જ્યારે ટેરરિઝમ એટલે ત્રાસવાદ.) એ તો ભારત સરકારે કાશ્મીરની સ્વાયત્તતા નાબૂદ કરી, અને લોકશાહી પણ નાબૂદ કરી તેનો રાજકીય જવાબ છે. વાહ! હકીકતે, તો જમ્મુ-કાશ્મીરમાં લોકશાહી ઢબે, ત્રાસવાદીઓની ધમકી છતાં ચૂંટણી થાય છે, તે બશરત પીર સિફતપૂર્વક ભૂલી જાય છે અને પોતાનો તર્ક આગળ વધારતા કહે છે, કાશ્મીરીઓ એટલે જ આઝાદીની માગણી કરે છે! પથ્થરમારો એટલા માટે થાય છે કે કાશ્મીરમાં વધુ પડતું સૈન્યકરણ કરી નાખવામાં આવ્યું છે અને સેનાના દળો દ્વારા માનવ અધિકારોના સતત ચાલુ રહેતા હનનની તે પ્રતિક્રિયા છે. (આ જ બશરત પીર, ‘બીઇંગ મુસ્લિમ અંડર નરેન્દ્ર મોદી’માં નરેન્દ્ર મોદીની ટીકા કરે છે કે તેમણે અનુગોધરાકાંડ એટલે કે સાબરમતી એક્સપ્રેસના ડબ્બાને સળગાવી દેવાયા બાદ ફાટી નીકળેલાં રમખાણોને એક્શનનું રિએક્શન ગણાવ્યું હતું, પરંતુ બશરત પીર કાશ્મીરીઓની વાત કરતી વખતે પોતે આ જ દલીલ ટાંકે છે.)

તેઓ ખુલ્લેઆમ સ્વીકારે છે કે કાશ્મીરના જે યુવાનો પથ્થરમારો કરે છે તે પેલેસ્ટાઇનના ઇન્તિફાદા નામના સંગઠનથી પ્રભાવિત છે.

જ્યારે બશરત પીરને ત્યાંની રાજ્ય સરકાર જે ઓમર અબ્દુલ્લાના નેશનલ કૉન્ફરન્સ અને કૉંગ્રેસની મિશ્ર સરકાર છે, તેના વિશે પૂછવામાં આવે છે ત્યારે તે આ સરકારને તો અક્ષમ ગણાવે જ છે, પણ મુફ્તિ મોહમ્મદ સૈયદનો પક્ષ પીડીપી જ્યારે વિરોધ પક્ષમાં હોય છે ત્યારે જ માનવ અધિકારોના ભંગની વાત કરે છે, તેમ બશરત પીર કહે છે, એટલું જ નહીં, તેમને તો અલગતાવાદીઓ- સૈયદ અલી શાહ ગિલાની અને મીરવાઇઝ ઉમર ફારુકમાં પણ ખામી દેખાય છે. તો પછી કોણ બરાબર છે? પાકિસ્તાન અને તેના સમર્થિત ત્રાસવાદીઓ? વળી, આગળ, પીર એમ કહે છે કે, ત્યાં જે હડતાળો અને વિરોધ થાય છે તે આપમેળે આયોજિત અને સ્વયંભૂ હોય છે. બધાને ખબર છે કે કાશ્મીરનો મોટો વર્ગ પાકિસ્તાનીઓને પસંદ નથી કરતો અને તે હડતાળો વગર શાંતિથી જીવવામાં માને છે અને જે આંદોલનો કે વિરોધ થાય છે તે પાકિસ્તાનના ઈશારે થાય છે, પણ પીર તેને સ્વયંભૂ ગણાવી પાકિસ્તાનનો બચાવ કરે છે.

જ્યારે ભારતીય મુસ્લિમો અને કાશ્મીરીઓ વચ્ચે સરખામણીની વાત પૂછવામાં આવે છે ત્યારે બશરત પીર કહે છે કે કાશ્મીરીઓ ભારતના શાસનને પસંદ નથી કરતા અને તેઓ આઝાદ થવા માગે છે (પીરને પૂછવું જોઈએ કે તો પછી લોકશાહી ઢબે, ત્રાસવાદીઓની ધમકી છતાં જે લોકો હિંમતપૂર્વક મત આપવા બહાર નીકળે છે તે કોણ છે?) જ્યારે ભારતીય મુસ્લિમો તો અન્યાયોનો સામનો કરે છે, તેઓ ભારતના વિભાજનનો વારસો (લિગેસી) એટલે કે તેનાં પરિણામો ભોગવે છે. આમ, પીરનું કહેવું એમ છે કે ભારતના મુસ્લિમો સાથે અન્યાય થાય છે, પરંતુ પીર ભૂલી જાય છે કે અહીં ઝાકિર હુસૈન રાષ્ટ્રપતિ બની શકે છે, મોહમ્મદ હામીદ અન્સારી ઉપરાષ્ટ્રપતિ બની શકે છે, ખેલ જગત હોય કે કલા જગત, કે પછી અન્ય કોઈ ક્ષેત્ર, તેમાં મુસ્લિમો આગળ આવેલા જ છે અને તેઓ ટોચના સ્થાને બિરાજેલા છે અથવા બિરાજે છે. બશરત પીરને જાવેદ અખ્તરનો આ ઇન્ટરવ્યૂ દેખાડવો જોઈએ (http://www.youtube.com/watch?v=qK8S254AUS8) જેમાં જાવેદ અખ્તર પાકિસ્તાની ટીવી ચેનલના રિપોર્ટર સમક્ષ છાતી ઠોકીને કહે છે કે ભારતમાં કોઈ પણ ઈસ્લામી દેશ કરતાં મુસ્લિમો વધુ ધાર્મિક સ્વાયત્તતા ભોગવે છે.

અને છેલ્લા પ્રશ્નમાં આ ભાઈ- બશરત પીરનું સત્ય છતું થાય છે. અને તે એ કે આ ભાઈ અમેરિકા વગેરે જગ્યાએ તો ભારતના પાસપોર્ટ પર જાય છે, પરંતુ સાથે-સાથે એમ કહે છે કે “એ તો મજબૂરી છે. એનાથી કંઈ હું ભારતીય નથી થઈ જતો. મારી રાષ્ટ્રીયતા તો વિવાદિત છે. હું તો મારી જાતને માત્ર કાશ્મીરી જ માનું છું.”

વિશાલ ભારદ્વાજે બશરત પીરની કથા પરથી ‘હૈદર’ બનાવીને તેમની ફિલ્મ કારકિર્દીની સૌથી મોટી ભૂલ, બ્લંડર કર્યું હોય તેમ તમને નથી લાગતું?

Advertisements

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s