Posted in national, sikka nee beejee baaju

મોદી કાળની સંસદ : નો હ્યુમર, ઓન્લી બિઝનેસ?

૧૨ ઓગસ્ટ, ૨૦૧૪નો દિવસ હતો. એ દિવસે નવા નવા વડા પ્રધાન બનેલા નરેન્દ્ર મોદીએ સંસદમાં બોલતા કહેલું કે સંસદમાં રમૂજ અને હાસ્ય જાણે અલોપ થતું જાય છે. સાંસદોને કદાચ બીક છે કે મિડિયા તેને કઈ રીતે ચલાવશે. મોદીની વાત સાચી પણ હતી. મિડિયા કઈ બાબતને કેવી રીતે પકડી લે તે કહેવાય નહીં. આ સ્મૃતિ ઈરાનીનો કિસ્સો જ લઈ લો ને. મિડિયાએ એટલો હોબાળો કર્યો પરંતુ એ જ મિડિયા પોતે જ્યોતિષીઓને પકડી પકડીને ફલાણી ફલાણી વ્યક્તિનું ભવિષ્ય કેવું છે તે અચૂક પૂછે છે, ટીવી ચેનલો પર જ્યોતિષીઓને ખાસ ટાઇમ સ્લોટ ફાળવાય છે. ગુજરાતી ટીવી ચેનલોમાં તો નીચે સ્ક્રોલિંગમાં, છાપામાં જેમ ક્લાસિફાઇડ આવે તેમ, તમારી પત્ની તમારા કહ્યામાં ન હોય તો વશીભૂત કરો, તેવી જાહેરખબરો પણ મૂકતા અચકાતા નથી. જોકે ચેનલોના માલિકો પૈકી કેટલાની પત્ની તેમના કહ્યામાં છે તે જોવું પડે.

જોક્સ એપાર્ટ. મોદીએ રમૂજની વાત કરી, કારણ કે મોદી પોતે પણ જોક કરી જાણે છે. તેમના ભાષણોમાં રમૂજનું તત્ત્વ હોય છે. તેઓ મિમિક્રી કરીને પણ, દેશી ગુજરાતીમાં જેને ‘પટ્ટી ઉતારી’ અથવા ‘ફિલમ ઉતારી’ કહેવાય તે કરતા હોય છે, ચાહે રાહુલ ગાંધી હોય કે કેજરીવાલ.

આપણે સાંસદોની ફિલમ નથી ઉતારવી, પરંતુ કેટલાક વખાણ કરવા છે, મોદીને જે ગમે છે તે રમૂજની વાત કરવી છે, અને સાથે સાથે નરેન્દ્ર મોદીનું પહેલું સત્ર સંસદમાં હતું, તે કેટલું સારું હતું કે ખરાબ, તે મોદીના શાસનના છ મહિના પૂરા થયા છે ત્યારે તેના લેખાજોખા કરવા છે અને સાથે સંસદીય પ્રક્રિયાઓમાં કેટલાક સુધારા જરૂરી છે તેની વાત પણ કરવી છે.

પહેલાં લેખાજોખાથી શરૂઆત કરીએ. એમ કહેવાય છે કે સંસદનું પહેલું જે સત્ર હતું તે વિતેલાં દસ વર્ષમાં સૌથી સારું, ફળદાયી સત્ર હતું! છેલ્લાં દસ વર્ષમાં સરકાર અને વિરોધપક્ષો વચ્ચે અને ઘણી વાર તો સરકારના સાથી પક્ષો તેમજ સરકાર વચ્ચે પણ એટલું ઘર્ષણ રહેતું કે વારંવાર ગૃહ મોકૂફી કરવી પડતી હતી. ક્યારેક સરકાર વિપક્ષોના સાંસદોની ચર્ચાની માગણી ફગાવે તો ક્યારેક સાથી પક્ષોના સાંસદો, જે મોટા ભાગે પ્રાદેશિક પક્ષો હતા, તેમના પ્રદેશની માગણીઓ માટે ગૃહની કામગીરી ખોરવી નાખતા. વળી, કૌભાંડો એટલાં બહાર આવ્યાં કે તેના પર વિપક્ષોને સત્ર ખોરવવાનું સારું બહાનું મળી રહેતું. એમાંય આદર્શ અને કોમનવેલ્થ કૌભાંડ બહાર આવ્યું તે પછી તો કૌભાંડોની હારમાળા બહાર આવવા લાગી, અને સત્રમાં કામગીરી ઘટવા લાગી.

એક તબક્કો તો એવો આવેલો, અણ્ણા હઝારે અને અરવિંદ કેજરીવાલના આંદોલનને લીધે કે સંસદીય પ્રણાલિ પરથી વિશ્વાસ જ ઉઠી જાય. સંસદમાં સર્વસંમતિથી લોકપાલ અંગે ઠરાવ પસાર થાય અને પછી લોકપાલના મુદ્દે ઈરાદાપૂર્વક છેલ્લા દિવસે ચર્ચા થાય અને છેલ્લી ઘડીઓમાં જ યુપીએ સરકારના સાથી પક્ષ, લાલુપ્રસાદ યાદવના રાજદના એક નેતા રાજનીતિપ્રસાદ ઊભા થઈને લોકપાલનો ખરડો ફાડી નાખે, હોહા થાય ને, વિપક્ષની સત્ર લંબાવવાની માગણી છતાં, રાજ્યસભાના અધ્યક્ષ હમીદ અન્સારી, જે આપણા ઉપરાષ્ટ્રપતિ પણ ગણાય છે, તે સંસદનું સત્ર મોકૂફ રાખી દે, તેલંગણા મુદ્દે આંધ્રપ્રદેશના એક સાંસદ એલ. રાજગોપાલ સંસદમાં મરચાનો પાવડર છાંટે…આ બધું બધા સાંસદો પરથી માન ઉતરી જાય તેવું હતું.

પરંતુ નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા અને સંસદીય પ્રણાલિથી ઓછા માહિતગાર હોવા છતાં (પ્રત્યક્ષ રૂપે ભાગ ન લીધો હોવાથી, બાકી ૧૯૯૯થી ૨૦૦૩ સુધી તેઓ કેન્દ્રીય સ્તરે, ભાજપના પ્રવક્તા હતા, એટલે બધી ખબર તો હોય જ.) પહેલું સત્ર સુમેળે ચાલ્યું એટલું જ નહીં, એમ કહી શકાય કે વિતેલાં દાયકામાં સૌથી સારું સત્ર એ હતું.

એ સત્રમાં એવી તે શું વિશિષ્ટતા હતી?

લોકસભા અને રાજ્યસભા બંને એ સત્રમાં તમામ નિર્ધારિત સમય મુજબ મળ્યાં. લોકસભા સમયના ૧૦૪ ટકા ચાલી, તો રાજ્યસભા ૧૦૬ ટકા. લોકસભામાં કામગીરી ઓછી ખોરવાઈ, તેના પ્રમાણમાં રાજ્યસભામાં કામગીરી વધુ ખોરવાઈ. જોકે રાજ્યસભાએ અનેક દિવસ મોડે સુધી કામ કરીને એ ખોરવાયેલી કામગીરીના સમયને સરભર કરી નાખ્યો.

૧૬મી લોકસભાના પ્રથમ અંદાજપત્રીય સત્રમાં સંસદે કેન્દ્રીય અને રેલવે બજેટની ચર્ચા કરી. રાષ્ટ્રીય સ્તરે ન્યાયાધીશોની નિમણૂંક માટે પંચ રચવા અંગેના ખરડા સહિત અનેક ખરડા પસાર કર્યા. લોકસભામાં ચોમાસુ, મોંઘવારી, એન્સેફેલાઇટિસ, મહિલા અને બાળકો પર અત્યાચારો, કોમી હિંસા આ બધા મુદ્દે ચર્ચા થઈ.

જોકે અત્યારે ચાલી રહેલા શિયાળુ સત્રમાં પાછું કાળાં નાણાં મુદ્દે બે દિવસ ધમાલ રહી પરંતુ આ લખાય છે ત્યારે ત્રીજા દિવસે કામગીરી સારી ચાલી છે. લોકસભામાં દિલ્હી સ્પેશિયલ પોલીસ સ્થાપના ખરડો પસાર થઈ શક્યો છે અને સીબીઆઈના વડાની નિમણૂક કઈ રીતે કરવી તેનો ખરડો પણ પસાર થયો છે.

જ્યારે જ્યારે કામગીરી ખોરવાય છે ત્યારે દેશને કેટલું નુકસાન થાય છે તે જાણો છો? સંસદની એક મિનિટ રૂ. ૨.૫ લાખમાં પડે છે. ના, કોના બાપની દિવાળી, જેવો આ મનઘંડત આંકડો નથી. આ સરકારે પોતે કહેલો છે. ૭ સપ્ટેમ્બર, ૨૦૧૨ના રોજ જ્યારે સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષ બહુ ઉધામા મચાવતો હતો ત્યારે સરકારે કહેલું કે તમે સંસદની જે કામગીરી ખોરવો છો તેમાં દેશને એક મિનિટના રૂ. ૨.૫ લાખ લેખે નુકસાન થાય છે. આવું હોય ત્યારે કહેવાનું મન થાય કે તો પછી આખા દેશને દોરવતા અને આખા દેશને સુધારવા નીકળતા, આ હેડમાસ્તરો જેવા સાંસદો પોતે સંસદની કામગીરી કેમ બરાબર થવા દેતા નથી. સંસદની પોતાની જ પ્રક્રિયામાં કેટલા સુધારા જરૂરી છે?

મોટાભાગના લોકો અધ્યક્ષ દ્વારા આકરી શિસ્તની વાત કરે છે. એ જરૂરી પણ છે. હકીકતે બે પ્રિસાઇડિંગ ઑફિસરોને તોફાની સભ્યોને બહાર મોકલવા કે સસ્પેન્ડ કરવાની સત્તા છે અને આ બાબતે સર્વ પક્ષ સંમત છે. પરંતુ જેમ બાળકો, તેમ સાંસદો, માત્ર ડંડાના જોરે સીધા ચાલે તેવા નથી. તેમાં જે પાયામાં કેટલીક ઉણપો રહેલી છે તે પૂરી કરવી પડે. દા.ત. કામગીરી ખોરવવાનું મોટા ભાગનું કારણ અને સૌથી મોટું કારણ ચર્ચા માટે એજન્ડા નક્કી કરવા અને ચર્ચા થાય તો તેના પર મતદાન કરાવવું કે નહીં તે અંગે સરકાર અને વિપક્ષ વચ્ચે સમજૂતીનો અભાવ છે. છેલ્લા એક દાયકામાં સંસદની કામગીરી સતત ખોરવાઈ તેનું કારણ આ જ હતું. ક્યાં તો સરકાર વિરોધ પક્ષોની ચર્ચાની માગણી સ્વીકારે નહીં, જો માગણી સ્વીકારે તો તેના પર મતદાન કરાવવું કે નહીં, તેના પર મડાગાંઠ થાય. અથવા તો ઉપર કહ્યું તેમ, જ્યારે સરકાર પોતે ભીંસમાં હોય અને મતદાનમાં કે અન્ય કોઈ રીતે ફસાયેલી હોય ત્યારે તેના સાથી પક્ષોના સભ્યો જ વિરોધ કરીને કામગીરી ખોરવી નાખે.

અંગ્રેજોના કાળથી, આગુ સે ચલી આતી હૈ, પરંપરાની જેમ, આ બધું ચાલતું આવે છે. અન્ય દેશોની લોકશાહીમાં સીધા, સરળ ને સટ નિયમો બનાવાયા છે જેથી ચર્ચા માટે કયા મુદ્દા હાથ ધરાવા જોઈએ ને કયા નહીં અને મતદાન થવું જોઈએ કે નહીં. જેમ કે યુકેની સંસદમાં વિરોધ પક્ષો દ્વારા સૂચિ માટે મૂકાય તે બાબતો માટે કેટલાક ખાસ દિવસ જ નિર્ધારિત રખાયા છે. અથવા તો જો ૪૦ સાંસદો માગણી કરે કે ચર્ચા માટે અમુક બાબત હાથ ધરવામાં આવે તો તેમ કરવામાં આવે છે.

ભારતમાં, સૂચિબદ્ધ કરવા માટે ઓછામાં ઓછા એકથી ત્રણ સાંસદોની સહી જરૂરી છે. પરંતુ તે પછી શું? તેના માટે કોઈ મજબૂત નિયમ નથી. તે ચર્ચા માટે હાથ ધરવી કે નહીં તે અધ્યક્ષની વિવેકબુદ્ધિ પર આધારિત છે. જો બહુમતી સાંસદોએ તે માટે સહી કરી હોય તો પણ તમામ પક્ષોની કાર્ય સલાહ સમિતિ (બિઝનેસ એડવાઇઝરી કમિટી)માં તેના પર સર્વસંમતિ થાય છે કે કેમ તે જોવામાં આવે છે!

જેના પર અધ્યક્ષની વિવેકબુદ્ધિ જોવામાં નથી આવતી તેવી એક માત્ર બાબત છે અવિશ્વાસનો પ્રસ્તાવ. તેના માટે ઓછામાં ઓછા ૫૦ સાંસદોની સહી જરૂરી છે. જોકે આ અવિશ્વાસનો પ્રસ્તાવ છાશવારે લાવવામાં નથી આવતો, કેમ કે, અંતે તો સરકાર અને વિપક્ષ વચ્ચે કેટલીક બાબતોમાં ગાંધી-વૈદ (મોદી પહેલાંની મનમોહન સરકારના અર્થમાં કહીએ તો ગાંધી-સ્વરાજનું) સહિયારું હોય છે. વળી, જૂની યુપીએ સરકાર તો બહુમતી કેવી રીતે મેળવી લેવી તે સારી રીતે જાણતી હતી (૨૦૦૮માં આપણે ન્યૂક્લિયર ડીલ વખતે જોયેલું છે.) એટલે તો સરકાર વિપક્ષોને અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા ટોણો મારી શકતી હતી અને આ રીતે કોઈ ચર્ચા માટે ધરાસાર ના પાડી દેતી હતી.

એટલે જ અધ્યક્ષની વિવેકબુદ્ધિ કે સર્વસંમતિનું તૂત છોડીને કેટલાક સરળ અને બાધ્ય એવા નિયમો બનાવવાની જરૂર છે. વળી, સાંસદોની હાજરી અંગે તો કોઈ નિયમો જ નથી. સચીન તેંડુલકર, લતા મંગેશકર જેવી મહાન વિભૂતિઓ પણ સંસદમાં હાજરી અંગે ટીકાપાત્ર થયેલી છે. તેમને એ વિચારથી નિમવામાં આવે છે કે તેઓ તેમના ક્ષેત્રની વાતને સારી રીતે રજૂ કરી શકશે. પરંતુ જેમના માથે એક સમયે દેશનું નેતૃત્વ કરવા કૉંગ્રેસે જવાબદારી આપી હતી અને નરેન્દ્ર મોદીના વાવાઝોડામાં, જે વડા પ્રધાન થતા બચી ગયા તે કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પોતે કેટલા હાજર રહે છે? વિખ્યાત સામયિક ઇન્ડિયા ટૂડે અને બે એનજીઓ સતર્ક નાગરિક સંગઠન અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફૉર્મ્સે કરેલા એક સર્વેક્ષણમાં રાહુલ ગાંધી સાંસદોના કરાયેલા વિશ્લેષણમાં નીચેથી સત્તરમા ક્રમે આવતા હતા, અને તેમની હાજરી માત્ર ૪૩ ટકા જ નોંધાઈ હતી. જ્યારે સરકાર કે વિપક્ષ ભીંસમાં આવે નહીં, અને ફરજિયાત હાજરી માટેનો વ્હિપ જાહેર ન થાય તેવા સંજોગોને બાદ કરતાં કેટલા સાંસદો રોજેરોજ હાજર જ રહે છે?

વળી, નરેન્દ્ર મોદી સરકારે જેમ કર્મચારીઓ માટે ફરજિયાત સવારે ૯ વાગે આવી જવાનો તેવો નિયમ કર્યો, જે સારી વાત પણ છે, પરંતુ સાંસદો માટે આ નિયમ કોણ કરશે? સાંસદોએ પૂર્ણ સમય હાજર રહેવું તેવો નિયમ તો હોવો જોઈએ ને. વળી, મનમોહન સરકારના વખતથી જ સંસદના સત્રના દિવસો ઓછા થતા ગયા છે અને નરેન્દ્ર મોદી પોતે પણ ગુજરાતના મુખ્યપ્રધાન હતા એ વખતે ગુજરાત વિધાનસભાના સત્રના દિવસો ઘટાડીને સાવ ઓછા કરી નાખ્યા છે. જોકે મોદીના ‘વિકાસ’ના વાવાઝોડામાં હઝારે-કેજરીવાલની સંસદીય પ્રણાલિમાં સુધારાની (જે એક સમયે ભાજપ પણ ઉઠાવતો હતો) વાત કોરાણે રહી ગઈ છે.

છેલ્લે, હાસ્યેન સમાપયેતની જેમ સંસદમાં થતી કેટલીક રમૂજોની વાત. જેથી આખો લેખ ગંભીર ન બને અને હાસ્ય સાથે આપણે પૂરું કરીએ. સંસદમાં રમૂજોની છોળ ઉડતી રહે છે અને તે ઘણી વાર ઊંચી હોય છે તો ઘણી સહજ હોય છે.

એક વખત એક સભ્યએ આચાર્ય કૃપલાણીનું ધ્યાન દોર્યું કે તેઓ કૉંગ્રેસની જે ટીકા કરે છે તેનાથી તેમની પત્ની પણ આકર્ષાઈ છે. (આચાર્ય કૃપલાણીની પત્ની સુચિત્રા કૃપલાણી પોતે કૉંગ્રેસમાં હતાં.) રમૂજમાં હાજરજવાબી એવા આચાર્યએ વળતી સિક્સર ફટકારી: “આ તમામ વર્ષોમાં હું માનતો હતો કે કોંગ્રેસીઓ માત્ર મૂર્ખાઓ જ છે. મને ખબર નથી કે તેઓ ગેંગસ્ટર પણ છે જે બીજાની પત્નીઓ સાથે ભાગી જાય છે.’ આખા ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

જ્યારે ડૉ. રામમનોહર લોહિયા વિનંતી કરી રહ્યા હતા કે રશિયાના સરમુખત્યાર સ્ટાલીનની પુત્રી શ્વેતલાના એક ભારતીય બ્રજેશસિંહને પરણી હોવાથી તેને ભારતમાં આશરો આપવામાં આવે, ત્યારે સુંદર સાંસદ તારકેશ્વરી સિંહાએ વચ્ચે દખલ દેતાં ટીપ્પણી કરી કે ડૉ. લોહિયા કઈ રીતે લગ્નની ભાવના સમજી શકે, જ્યારે તેમણે પોતે જ લગ્ન નથી કર્યાં? ત્યારે ડૉ. લોહિયાએ વળતો ઘા મારતા કહેલું: “તારકેશ્વરી, તમે મને ક્યારે કોઈ તક આપી જ છે?” (આજની આ ઘટના હોય તો મિડિયા ચડી બેસે કે ડૉ. લોહિયાએ એક મહિલાની ગરીમાનું અપમાન કર્યું વગેરે વગેરે.)

એક વાર વજનદાર પીલૂ મોદી, જે ગુજરાતની ગોધરા બેઠક પરથી ચોથી લોકસભામાં ચૂંટાયેલા, તેમના પર લોકસભાના અધ્યક્ષના અપમાનનો આક્ષેપ થયો કેમ કે તેઓ બોલતા હતા ત્યારે તેમની પીઠ અધ્યક્ષ તરફ હતી. મોદીએ તેમના બચાવમાં કહેલું: “સાહેબ, મારે ન તો આગળનો ભાગ છે ન તો પાછળનો. હું તો ગોળમટોળ છું.”

જોકે કૉંગ્રેસે છેલ્લે છેલ્લે જોહુકમી બતાવવા માંડેલી પરંતુ જેમની ૧૨૫મી જન્મજયંતિ હાલમાં મનાવાઈ રહી છે તે ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુના વખતમાં સાવ એવું નહોતું. એક વખત સંસદમાં એક ખરડા પર ચર્ચા ચાલતી હતી. તેમાં નહેરુએ સ્વતંત્ર પાર્ટીના સી. રાજાગોપાલચારીએ રજૂ કરેલો એક સુધારો ફગાવી દેતાં કહ્યું કે “મારી બાજુએ બહુમતી છે.” (આઈ હેવ ધ મેજોરિટી ઓન માય સાઇડ). રાજગોપાલાચારી ઉર્ફે રાજાજીએ વળતો જવાબ ફટકાર્યો, “પણ તર્ક મારી બાજુએ છે.” (આઈ હેવ લોજિક ઓન માય સાઇડ). અને બહુમતી નહેરુના પક્ષે હોવા છતાં તર્ક એટલે કે લોજિક જીત્યું અને ખરડામાં સુધારો કરવામાં આવ્યો. મનમોહન અને મોદીના સમયમાં આવું શક્ય છે?

અટલ બિહારી વાજપેયીના વખતમાં જોકે, અલગ વાતાવરણ હતું. વાત ૧૯૯૬ની છે. પ્રમોદ મહાજન તેમની રમૂજો માટે જાણીતા હતા. તેમણે એક વાર લાલકૃષ્ણ અડવાણીના સંદર્ભમાં કહેલું કે તેઓ સંસદમાં ત્યારે આવ્યા છે જ્યારે તેઓ કોર્ટમાંથી નિર્દોષ જાહેર થયા છે. તો તમે કહો છો કે લો વિલ ટેક ઇટ્સ ઑવ્ન કૉર્સ (કાયદો કાયદાનું કામ કરશે). તમે રેસકૉર્સ (વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનનું સરનામું)માં બેઠા છો અને તેમને અલગ કૉર્સમાં મોકલો છો તે કેમ ચાલે? દેવેગોવડાની સંયુક્ત મોરચા સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ અંગે બોલતા તેમણે કૉંગ્રેસના વરિષ્ઠ સાંસદ (હવે સ્વ.) પ્રિયરંજનદાસ મુન્શી અંગે ઉલ્લેખ કર્યો અને પછી કહ્યું કે કદાચ તેઓ અત્યારે ગૃહમાં નથી ત્યારે કોઈએ કહ્યું, ‘સો રહે હૈં’ ત્યારે પ્રમોદ મહાજને કહ્યું, ‘ઈસ સદન મેં કોઈ સોતા નહીં હૈ, સબ ચિંતન કરતે હૈં’ અને સાંસદો ખડખડાટ હસી પડેલા.

એ વખતે ભારતની સરકારની જે સ્થિતિ હતી તે અંગે સાચી રમૂજ કરતા તેમણે કહ્યું કે : “એક વાર અમે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ લઈને ચીન ગયા હતા. આજકાલ ચીનમાં લોકશાહી વિશે જાણવાની ઉત્સુકતા વધી છે. ત્યાં કોઈકે અમને પૂછ્યું કે તમારે ત્યાં લોકશાહી કેવી ચાલે છે? મેં તેમને જવાબ આપ્યો : આઈ એમ પ્રમોદ મહાજન, એમપી ઑફ લોકસભા. હું લોકસભાના સૌથી મોટા પક્ષનો સભ્ય છું. એન્ડ આઈ એમ ઇન ઑપોઝિશન. પેલા ભાઈ તેમને આશ્ચર્યથી જોવા લાગ્યા કે તમે સૌથી મોટા એક પક્ષ છો અને છતાં વિપક્ષમાં બેઠા છો? પછી અમે ચિંતામન પાણીગ્રહીનો પરિચય આપ્યો અને કહ્યું કે તેઓ બીજા સૌથી મોટા એક (સિંગલ) પક્ષના છે. તેઓ બહાર બેઠા છે અને સરકારને સમર્થન આપે છે. બીજા એક સાંસદનો પરિચય આપતા તેમણે કહ્યું કે તેઓ ત્રીજા સૌથી મોટા એક પક્ષના સભ્ય છે. તેમનો પક્ષ સરકાર જે મોરચાની છે તે મોરચામાં તો છે, પણ સરકારમાં નથી. ત્યાર પછી રમાકાંત ખલપ નામના સાંસદનો પરિચય આપતા કહ્યું કે તેઓ તેમના પક્ષના એક માત્ર ચૂંટાયેલા સાંસદ છે અને તેઓ સરકારમાં છે!

આ જ પ્રસ્તાવ પર બોલતા સુષ્મા સ્વરાજે પણ ટીખળ કરેલી કે શરદ પવાર શરદ પવારની ભૂમિકા નથી ભજવતા, પણ લલિતા પવારની ભૂમિકા ભજવે છે! સાંસદો હસી પડ્યા હતા. સુષ્માએ તેમના ભાષણની શરૂઆતમાં જ કહ્યું (એ વખતે ભાજપની સરકાર ૧૩ દિવસ જ ચાલેલી અને કોઈ બીજા પક્ષોનો ટેકો ન મળતાં, અટલ બિહારી વાજપેયીએ રાજીનામું આપી દીધું હતું) કે ત્રેતામાં મંથરાએ રામને શાસનથી વંચિત રાખેલા, દ્વાપરમાં ધર્મરાજ યુદ્ધિષ્ઠરને શકુનિની ધૃત ચાલોએ શાસનથી વેગળા રાખેલા. ત્યારે અત્યારે તો અમારી સામે કેટલી મંથરા અને કેટલા શકુનિઓ છે. એ વખતે હો હા થઈ ને કોઈએ બે-ત્રણ વાર એવી ટીપ્પણી કરી કે દ્રોપદી કોણ છે? આવી ટીપ્પણી છતાં સુષ્મા સ્વરાજે કોઈ વાંધો ન લેતાં પોતાનું ભાષણ આગળ ધપાવેલું.

આ બધાં ઉદાહરણો પછી વર્તમાન સંજોગોમાં આપણે તો એમ કહી શકીએ કે હે સાંસદો, તમે સંસદમાં ગંભીર જ રહો તેવું અમે ઈચ્છતા નથી, ભલે રમૂજોની છોળો ઉડાડો, પરંતુ કામ કરો.

(મુંબઈ સમાચારની રવિ પૂર્તિ ‘ઉત્સવ’માં તા.૭/૧૨/૧૪ના રોજ ‘સિક્કાની બીજી બાજુ’ કોલમમાં છપાયેલો લેખ)

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s