Posted in gujarat guardian, national

મોદીએ હાથ ધર્યું છે જરીપુરાણા કાયદાઓને ઉખાડી ફેંકવાનું ભગીરથ કાર્ય

ભારત એ વિચિત્રતાઓથી ભરપૂર દેશ છે. અહીં વિવિધ જાતિ-સંપ્રદાયો વસે છે. તો આદિવાસીઓ પણ વસે છે અને અહીં દરેકના અલગ-અલગ નીતિનિયમો છે, પરંતુ વ્યવસ્થા જાળવવા દરેક માટે કાયદા જરૂરી છે. અત્યારે જે શાસનમાં છે તે ભાજપે વર્ષો પહેલાં સમાન નાગરિક સંહિતાનું ગાણું ગાયું હતું પરંતુ ૧૯૯૮માં એકલા હાથે સત્તા મળે તેમ નહોતી એટલે સાથી પક્ષોના દબાણ હેઠળ, કાશ્મીરમાંથી કલમ ૩૭૦, રામમંદિર નિર્માણ ઉપરાંત આ સમાન નાગરિક સંહિતાના મુદ્દા પડતા મૂક્યા હતા. એ વાતને હવે ઘણા વાયરા વાઈ ગયા છે અને હવે ભાજપની એકલા હાથે સરકાર છે, એટલે હવે ધારે તો તે આ સમાન નાગરિક સંહિતાને લાવી શકે, જેથી શાહબાનોને જેવો અન્યાય થયો તેવો ન થાય. (શાહબાનો કેસ ઘણો ચર્ચાસ્પદ હતો અને જાણીતો પણ હતો, તેથી તેના વિશે વધુ ઉલ્લેખ ટાળીએ છીએ). જોકે ભાજપ સરકારે મે, ૨૦૧૪માં સત્તામાં આવી કે તરત એક સારું કામ હાથ ધર્યું છે અને તે છે બ્રિટીશ સમયથી અથવા તે પછીથી ચાલ્યા આવતા અસંગત કાયદાઓને હટાવવાનું.

કેવા વિચિત્ર કાયદાઓ છે! તેની યાદી બનાવવા બેસીએ તો પાનાંનાં પાનાં ભરાઈ જાય. પણ કેટલાક પર અછડતી નજર:

(૧) જો તમે ૨.૪૩ મિલીમીટરથી ૩.૫૨ મિમી સુધીનો તાંબાનો તાર ધરાવતા હો તો તે ગેરકાનૂની છે અને સત્તાધીશો ધારે તો તમને જેલમાં પૂરી શકે છે!

(૨) વર્જિનિયા તમાકુના ઉત્પાદન અને તેની હરાજી પર કિલોગ્રામે માત્ર ૧ પૈસા એક્સાઇઝ ડ્યુટી ચુકવવી પડે!

(૩) કેદીઓનું વિનિમય અધિનિયમ, ૧૯૪૮ હવે પ્રાસંગિક જ નથી કારણ કે તે ૧ ઑગસ્ટ, ૧૯૪૮ ના રોજ કે તે પહેલાં જેમને હિરાસતમાં લેવામાં આવ્યા છે તેવા કેદીઓ માટે જ લાગુ પડે છે, પણ આપણા ડફોળ રાજકારણીઓને આ કાયદો નાબુદ કરવાનું સૂજ્યું જ નહીં.

(૪) ૧૯૭૫માં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીનો ચૂંટણીમાં વિજય ગેરકાયદે ઠરાવતો ચુકાદો અલ્લાહાબાદ વડી અદાલતે આપ્યો તે પછી કટોકટી લદાઈ અને એવો કાયદો રચાયો કે વડા પ્રધાન કે લોકસભાના અધ્યક્ષની ચૂંટણી વિશે વિવાદ હોય તો તે માટે વિશેષ પ્રક્રિયાને અનુસરવી પડે.

(૫) હવે આ કાયદો કેટલો અસંગત છે તે જુઓ. ૧૮૭૯માં ઘોડેસવારી કાયદો રચાયો. તેમાં ઘોડા પર કંઈ પણ લઈ જવું હોય તો પરવાનો કઢાવવો પડે! હવે બગીચા કે પર્યટનસ્થળ આસપાસ ઘોડા સવારી કરવા મળે તે સિવાય ક્યાંય ઘોડેસવારી કે ઘોડાગાડી જોવા નથી મળતી, પણ કાયદો એમ ને એમ છે.

(૬) ભારતીય મોટર વાહન ધારા, ૧૯૧૪ હેઠળ દક્ષિણ આંધ્રપ્રદેશમાં ઇન્સ્પેક્ટરના દાંત બ્રશ કરેલા હોવા જ જોઈએ અને જો તેની છાતી વચ્ચે હાડકું દેખાતું હોય, નોક નીઝ એટલે કે જ્યારે ઘૂંટણ ભેગા હોય ત્યારે પગ જુદા પડતા હોય, સપાટ પંજા હોય અને પગનો અંગૂઠો નીચે તરફ વળેલો જ રહેતો હોય તો આવો ઇન્સ્પેક્ટર ગેરલાયક ઠરી શકે.

(૭) સદીઓ જૂના કાયદા પ્રમાણે, ગંગા નદીમાં મુસાફરોને બેસાડીને લઈ જતી હોડીઓ પર બે આનાથી વધારે ટોલ ટૅક્સ લઈ ન શકાય.

(૮) રખડવાના કાયદા પ્રમાણે, જો કોઈ ફાટેલા કપડાંમાં ફરતું હોય તો તેની ધરપકડ કરી શકાય. આ નિયમ પ્રમાણે તો આજના યુવાનો-યુવતીઓ, અભિનેતા-અભિનેત્રી કે ભિખારીઓને ચોક્કસ જેલમાં પુરી શકાય કેમ કે જીન્સ ફાટેલું હોય તો તે ફેશન છે.

(૯) પૂર્વ પંજાબના કૃષિ પાળીતા પ્રાણી, રોગ અને હાનિકારક નીંદણ કાયદા મુજબ, જો તીડનો હુમલો થાય તેમ જણાતું હોય તો પુરુષોએ ફરજિયાત ઢોલ વગાડવા જ પડે.

(૧૦) ૧૮૯૪ના લેપર્સ એક્ટ મુજબ અત્યંત ગરીબ હોય તેવા રક્તપીતિયા એટલે કે લેપરને અલગ રાખવામાં આવે તેવી જોગવાઈ છે. એ તો ઠીક, પણ કાયદા હેઠળ, સ્થાનિક પોલીસ અદિકારી કોઈ જાતના વૉરંટ વગર આવી વ્યક્તિની ધરપકડ પણ કરી શકે!

(૧૧) સલમાન ખાન કાળિયારના શિકાર માટે અદાલતના પગથિયાં ઘસે છે, પરંતુ જો તમે હાથીને મારો તો તમે માત્ર રૂ. ૫૦૦નો દંડ ભરીને છટકી શકો.

(૧૨) જો હોટલનો એટેન્ડન્ટ તમને પાણીનો ગ્લાસ આપવા નકારે તો તમે તેની ધરપકડ કરાવી શકો અને આ ‘અપરાધ’ માટે તેની પાસેથી રૂ. ૨૦ વસુલાવી શકો.

(૧૩) કોલકાતાના હાવડા ઉપનગરમાં જો તમે ફોજદારી ગુનો કરો તો દેશના બીજા કોઈ ભાગમાં ગુના કરો તો જે સજા મળે તેનાથી ઓછી સજા અહીં મળી શકે.

(૧૪) કોઈ પણ આંદોલન તો ઠીક, પરંતુ કોઈને મળવા પણ રોકવા હોય તો આ કાયદો શ્રેષ્ઠ ગણાય. ૧૯૧૧ના સરકાર સામે બળવાના કાયદા મુજબ જો સ્થાનિક પોલીસ અધિકારીઓને લાગે કે એક ચોક્કસ વિસ્તારમાં લોકોની સભાથી આંદોલન થાય તેમ છે તો તેઓ તેના પર પ્રતિબંધ મૂકી શકે.

(૧૪) ચર્ચ ઑફ સ્કોટલેન્ડ કિર્ક સેશન્સ ઍક્ટ, ૧૮૯૯ મુજબ, ભારતમાં ચર્ચ ઑફ સ્કોટલેન્ડની જેટલી ઇમારતો હોય તેના પર સ્કોટિશ ચર્ચ કૉર્ટની સત્તા લાગે.

(૧૫) વિદેશ દ્વારા ભરતી કાયદા, ૧૮૭૪ મુજબ, એ તમામ ભારતીયો જેમને વિદેશમાં કામ કરવું છે, તેમને ફટકો પડી શકે. આ કાયદાથી સરકારને સત્તા મળે છે કે તે કોઈ વિદેશ દ્વારા ભારતીયોની ભરતી ન કરી શકે.

(૧૬) નાટક કાયદા, ૧૮૭૬ મુજબ, જે નાટક બદનક્ષીવાળા કે રાજદ્રોહની લાગણી ભડકાવે તેવાં હોય તેના પર નિયંત્રણ મૂકી શકાય. અંગ્રેજોએ આ કાયદો સ્વતંત્રતાની લડાઈને દબાવવા કર્યો હતો કેમ કે નાટક પણ લડાઈનું એક મોટું માધ્યમ હતું.

(૧૭) બાળ શ્રમ કાયદા, ૧૯૩૩ મુજબ, બાળ શ્રમ પર પ્રતિબંધ હોવો જોઈએ. સારી વાત છે, પણ આ કાયદામાં આગળ એવી જોગવાઈ છે કે જો બાળકોને સારી એવી રોજી મળતી હોય તો વાંધો નહીં, તેઓ કામ કરી શકે. આ છટકબારીનો કેટલા લોકો લાભ લઈ શકે? ૨૦૧૪માં બાળ શ્રમ કાયદામાં જે સુધારા સૂચવાયા હતા તે બાળ શ્રમના તમામ પ્રકાર પર પ્રતિબંધ મૂકે છે, પણ ઉપરોક્ત ૧૯૩૩નો કાયદો જ તેનો વિરોધાભાસી છે.

(૧૮) બેંગાલુરુ લગ્ન કાયદેસર કરવાનો અધિનિયમ, ૧૯૩૬ પણ તદ્દન ફાલતુ છે. આ અધિનિયમ બેંગાલુરુ (ત્યારના બેંગ્લોર)ના દક્ષિણભાગમાં વૉલ્ટર જેમ્સ મેકડોનાલ્ડ રેડવૂડ જેવું લાંબુંલચક નામ ધરાવતા એક પાદરી જે લગ્ન કરાવે તેને વિધિવત રૂપ આપવા માટે જ ઘડાયો હતો.

(૧૯) એક ૨૦૦ વર્ષ જૂનો કાયદો તો મગજને ચકરાવી દેશે. તે પ્રમાણે બ્રિટનના રાજા કે રાણી (હાલ રાણી છે)ને એવો અધિકાર મળી જાય છે કે તે ભારતમાં અદાલત દ્વારા જે કંઈ નિર્ણય લેવાય તે તમામની સમીક્ષા કરી શકે! એ તો સારું છે કે બ્રિટને ફરી ચંચુપાત કરવાની હિંમત નથી કરી, પણ અત્યાર સુધીની કૉંગ્રેસ સરકારો, જનતા સરકાર, જનતા દળ સરકાર, સંયુક્ત મોરચા સરકાર અને અટલ બિહારી વાજપેયીની સરકારે આ કાયદો યથાવત્ રહેવા દીધો તે ગંભીર ભૂલ ન ગણાય?

એવું નથી કે આ માટે સાવ પ્રયત્નો જ નથી થયા. આપણે ત્યાં નિયમ છે કે કંઈ પણ થાય એટલે પંચ નિમી દેવાના. એમ કાયદા પંચ અથવા લૉ કમિશન તો અત્યાર સુધી કેટલાંય રચાઈ ગયાં. બ્રિટીશ રાજમાં જ એની શરૂઆત થઈ ગઈ હતી. ભારત આઝાદ થયા પછી અત્યાર સુધીમાં આ વીસમું કાયદા પંચ છે. પણ એમાં જે લોકો નિમાયા તેમણે પોતાની કામગીરી કરી હશે અથવા નહીં કરી હોય, તે અંગે કંઈ કરવાનું કોઈને સૂજ્યું જ નહીં. અને કહેવા ખાતર કહેવું પડે કે ૨૦૦૧થી આ પ્રક્રિયા શરૂ થઈ હતી કે કયા કાયદાને ઉખાડીને ફેંકી દેવા જેવા છે, પણ કદાચ એનો જશ નરેન્દ્ર મોદીને મળવાનો હશે.

નરેન્દ્ર મોદીએ સત્તામાં આવતાંવેંત પહેલું કામ આરંભ્યું આવા સદીઓ જૂના, સડી ગયેલા, ફેંકી દેવા જેવા, બ્રિટીશ રાજના કે તે પછીના, પણ અસંગત કાયદાઓને દૂર કરવાનું ‘ભગીરથ’ કાર્ય આરંભવાનું. અમેરિકા કે ઑસ્ટ્રેલિયા, જ્યાં પણ ગયા ત્યાં મોદીએ આ વાત કરી છે કે પાછલી યુપીએ સરકાર કાયદા બનાવતી હતી જ્યારે હું કાયદાઓને દૂર કરું છું.

મોદી સરકારને લોકસભામાં આમ તો બહુમતી છે એટલે વાંધો નહીં, પણ રાજ્યસભામાં ડખા છે, પણ જો બધું સમુંસૂતરું પાર પડશે તો સંસદના આ શિયાળુ સત્રમાં લગભગ આવા ૭૨ કાયદાને ફાડીને ફેંકી દેવાશે.

૨૦મા કાયદા પંચના ગત સપ્ટેમ્બર, ૨૦૧૪માં પ્રસિદ્ધ  અહેવાલ મુજબ, ૨૬૧ આવા કાયદાઓને ઓળખાયા છે, પણ પહેલાં રવિશંકર પ્રસાદ અને હવે સદાનંદ ગોવડાના નેતૃત્વ હેઠળ કાયદા મંત્રાલયે ૭૨ કાયદાઓને તારવ્યા છે. ગત ઑગસ્ટ મહિનામાં લોકસભામાં આ અંગેનો ખરડો- પાછા ખેંચવા અને સુધારા કરવાનો ખરડો, ૨૦૧૪ રજૂ કરી દેવાયો છે, જે આ જરીપુરાણા કાયદાઓને દૂર કરશે અથવા તેમાં સુધારો કરસે, પરંતુ આ ખરડા પર ચર્ચા અને મતદાન થવાનું બાકી છે. એમાં વળી, સાધ્વી નિરંજના જ્યોતિનાં નિવેદને ભડકો કરી દીધો છે અને આ લખાય છે ત્યાં સુધી સંસદનાં બંને ગૃહોમાં વડા પ્રધાન મોદીની અપીલ છતાં વિપક્ષો શાંત પડ્યા નથી, તેમને સાધ્વીનાં રાજીનામાંથી ઓછું કંઈ ખપતું નથી.

(ગુજરાત ગાર્ડિયન વર્તમાનપત્રની બુધવારની પૂર્તિમાં વિશેષ કૉલમમાં તા.૧૦/૧૨/૧૪ના રોજ છપાયો)

Author:

A journalist who loves his country most than any other thing. I am ever learning man. Reading, writing , Hindi films, television, music and learning new things are my passion. I like to be innovative.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s