ગોવિંદા આલા રે….

Published by

on

જો બોયેગા વો હી પાયેગા, તેરા કિયા આગે આયેગા, સુખ દુઃખ હૈ ક્યા ફલ કર્મો કા, જૈસી કરની વૈસી ભરની…

આ ગીત રવિવારે ૨૧ ડિસેમ્બરે જેનો જન્મદિવસ છે તે ગોવિંદાને બરાબર લાગુ પડે છે. ત્યારે તો આ ‘વિરાર કા છોરા’ અને તેનો પરિવાર વારંવાર ફેંકાઈ જઈને પાછો ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે. ત્યારે હજુ ગોવિંદાનો જન્મ પણ થયો નહોતો જ્યારે તેના પિતા અરુણકુમાર આહુજા ‘મધર ઇન્ડિયા’ની પહેલી આવૃત્તિ કહી શકાય તેવી મહેબૂબ ખાનની ‘ઔરત’માં રાજેન્દ્રકુમારવાળા રોલમાં ચમક્યા હતા. અરુણકુમાર આહુજાનું ગાડું સારી રીતે ગબડતું હતું ત્યાં એમને નિર્માતા બનવાનું સૂજ્યું…

૧૯૫૦ના દાયકામાં નિર્માતા બનનાર અરુણકુમારે જે ફિલ્મો બનાવી તે ચાલી નહીં અને તેમને ભારે ખોટ ગઈ. કાર્ટર રોડ પર ભવ્ય બંગલામાં રહેનાર અરુણકુમારે એ બંગલો છોડીને કે કદાચ વેચીને છેક વિરાર જેવા સામાન્ય લોકોના કહેવાતા વિસ્તારમાં આવીને રહેવાની ફરજ પડી. ગોવિંદાએ ભલે આ સમય જોયો નહોતો પણ તેણે આ વિશે ઘણું સાંભળ્યું હશે. કદાચ એટલે જ તેણે તેના પરિવારને ફરી એ દામદમામ સાહ્યબીવાળી જિંદગી ફરી આપવાની મનોમન પ્રતિજ્ઞા લીધી.

૨૧ ડિસેમ્બર, ૧૯૬૭ના રોજ જન્મેલા ગોવિંદા જ્યારે મોટો થયો ત્યારે તેણે મિથુન ચક્રવર્તીની ફિલ્મ ‘ડિસ્કો ડાન્સર’ જોઈ. તેને પણ સારા ડાન્સર બનવાની ધગશ થઈ. રોજ કલાકોના કલાકો આકરી મહેનત તે ડાન્સ શીખવા અને તેના અભ્યાસ પાછળ કરતો. એ વખતે તો સીડી કે યૂટ્યૂબ હતા નહીં, પણ ગોવિંદાએ પોતાનો પ્રચાર કરવા પોતાના ડાન્સની વીએચએસ કહેતાં, વિડિયો કેસેટ બનાવડાવી અને તેનો પ્રચાર-પ્રસાર કર્યો. થોડા જ સમયમાં એક જાહેરખબર પણ મળી અને તેના મામા આનંદસિંહ જે ઋષિકેશ મુખરજી જેવા દિગ્ગજ દિગ્દર્શકના સહાયક હતા તેમણે તેને લઈને ફિલ્મ બનાવી ‘તનબદન’. આ ફિલ્મમાં તેની હિરોઇન હતી એક સમયની બાળ કલાકાર, બાદમાં ‘મેરી જંગ’માં જાવેદ જાફરી સામે ચમકનાર, પછી દક્ષિણ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ કરનાર, પછી રાજકારણમાં પણ ઝંપલાવનાર અભિનેત્રી ખુશ્બુ. એ ફિલ્મ જોકે, સારું થયું પહેલાં રિલીઝ ન થઈ. પહેલી રિલીઝ થઈ ‘ઇલઝામ’.

એ ફિલ્મમાં તેની ડાન્સ ટેલન્ટના તો વખાણ થયા જ, સાથે ફિલ્મ પણ સારી એવી હિટ નિવડી. ફિલ્મનાં ગીતો ‘આઇ એમ એ સ્ટ્રીટ ડાન્સર’, ‘પહેલે પહેલે પ્યાર કી’, ‘મૈં આયા તેરે લિયે’, ‘દુનિયા કી ઐસી કી તૈસી’,  ૧૯૮૬થી ગોવિંદાનો દાયકો શરૂ થયો. તે પછી તેની ‘લવ ૮૬’ આવી તે પણ સારી એવી ચાલી. એ સમયમાં અમિતાભની પડતી શરૂ થઈ રહી હતી. તો બીજી બાજુ અભિનેતા તરીકે અનિલ કપૂર એંગ્રી યંગ મેન તરીકે ઊભરી રહ્યો હતો અને ત્રીજી બાજુ, અમિતાભના સમકાલીન અથવા પૂર્વકાલીન અભિનેતાઓ જેવા કે રાજકુમાર, શશી કપૂર, ધર્મેન્દ્ર, શત્રુઘ્નસિંહા, જિતેન્દ્ર, વિનોદ ખન્નાના સિક્કા ચાલી રહ્યા હતા. ગોવિંદાના સદ્નસીબે એ વખતે મલ્ટિસ્ટારર ફિલ્મો બહુ બનતી. એમાં આ બધા કલાકારોના પડછાયામાં રહીને ગોવિંદાને પણ પોતાની પ્રતિભા બતાવવાની તક મળતી રહી. ગોવિંદાએ આ દિગ્ગજ કલાકારો સાથે કોઈક વાર એક્શન તો કોઈક વાર પારિવારિક અને સામાજિક વાર્તાવાળી ફિલ્મોમાં કામ કરીને સફળતાનો જે હિસ્સો પોતાને મળ્યો તે લેવા લાગ્યો. તેણે આ રીતે જિતેન્દ્ર, રેખાની ‘સદા સુહાગન’, ધર્મેન્દ્ર સાથે ‘દાદાગીરી’, શશી કપૂર- ઋષિ કપૂર-જિતેન્દ્ર-જયા પ્રદાની ‘સિંદૂર’, ધર્મેન્દ્ર સાથે ‘મીટ જાયેંગે મીટાનેવાલે’, રાજકુમાર સાથે ‘મરતે દમ તક’, જિતેન્દ્ર-શત્રુઘ્નસિંહા સાથે ‘ખુદગર્ઝ’ કરી. ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે આ બધી ફિલ્મોમાં ગોવિંદાના ભાગે સારાં ગીતો અને સારાં દૃશ્યો પણ આવ્યા છે, જેમ કે ‘સિંદૂર’માં ‘ચલો ચલો ચલે દૂર કહીં’, ‘નામ સારે મુઝે ભૂલ જાને લગે, વક્ત બેવક્ત તુમ યાદ આને લગે’, તો ‘ખુદગર્ઝ’માં ‘મે સે મીના સે ના સાકી સે’ ગીત આવ્યું. અત્યાર સુધી મોટા માથાંના પડછાયામાં દબાઈ જતા ગોવિંદાને એકલ હીરો તરીકે હવે તક મળવાની હતી ‘દરિયા દિલ’થી.

જોકે, કાદરખાનને ન્યાય આપવા માટે કહેવું જોઈએ કે ‘દરિયા દિલ’ અને તે પછી આવેલી ‘જૈસી કરની વૈસી ભરની’માં સાચા હીરો તેઓ હતા. પરંતુ ગોવિંદાને ફાયદો એ થયો કે આ બંને ફિલ્મોમાં તેને બીજા કોઈ કહેવાતા મોટા હીરોના પડછાયામાં દબાઈને કામ કરવાનું આવ્યું નહીં. જોકે એનો અર્થ એ નથી કે તેણે મોટા સ્ટાર સાથેની ફિલ્મો કરવાનું છોડી દીધું. ૧૯૮૮માં ‘દરિયા દિલ’ સાથે જ ગોવિંદાની સંપૂર્ણ સોલો હીરો (એટલે કે કાદરખાનની જેવા અભિનેતા પણ જેમાં બાજી ન મારી જાય તેવી) ફિલ્મ તેના ભાઈએ જ દિગ્દર્શિત કરી, ફિલ્મનું નામ હતું ‘હત્યા’. ફિલ્મની વાર્તા આવી હતી. ગોવિંદાની બહેનનો દીકરો તેની માતા એટલે કે ગોવિંદાની બહેનની હત્યાનો સાક્ષી બને છે. ગુંડાઓ તેને મારવા પાછળ પડે છે, પરંતુ એ નાનકડો છોકરો ગોવિંદાને મળી આવે છે. આ છોકરો મૂંગો છે. આથી ગોવિંદાને તેને બચાવવા અને હત્યારાઓને ઓળખવામાં ભારે મુશ્કેલી થાય છે.

ગોવિંદાના સમયમાં બપ્પી લહેરી જેવા સંગીતકારનો સિક્કો ચાલતો હતો, તેથી ‘ઇલ્ઝામ’થી માંડીને ૧૯૯૨માં આવેલી ‘આંખે’ ફિલ્મ સુધી બપ્પીના ડિસ્કો અને ખાસ પ્રકારનાં ગીતોનો લાભ તેને મળ્યો. તો બીજી બાજુ, રાજેશ રોશનનું કામ તેના ભાઈ સિવાયની ફિલ્મોમાં સારું ચાલતું હતું, તેથી ‘ખુદગર્ઝ’, ‘દરિયા દિલ’ અને ‘જૈસી કરની વૈસી ભરની’માં સારાં ગીતો ગોવિંદાના ભાગે આવ્યા. ‘દરિયાદિલ’નું ‘વો કહેતે હૈ હમ સે અભી ઉંમર નહીં હૈ પ્યાર કી’ ગીત તો પ્રેમીપંખીડાઓ અને તે સિવાયના લોકોમાં સારું એવું લોકપ્રિય બન્યું હતું.  એ જ રીતે આ ‘હત્યા’માં ગોવિંદાને ‘મૈં પ્યાર કા પૂજારી’ ગીત મળ્યું. યેશુદાસનો અવાજ પણ તેને મળ્યો ‘ઝિંદગી મહક જાતી હૈ..આરારો’ ગીતમાં. તો ‘તેરી પાયલ મેરે ગીત’માં વિતેલા જમાનાના સુપરહિટ સંગીતકાર નૌશાદના સંગીતનો પણ તેને લાભ મળ્યો. એ વખતે ઉગી રહેલા સંગીતકાર આનંદ-મિલિન્દે ૯૦ના દાયકામાં ગોવિંદાની અનેક ફિલ્મો જેમ કે ‘મહાસંગ્રામ’થી માંડીને ‘સ્વર્ગ’, ‘રાજાબાબુ’, ‘હીરો નં વન’ વગેરે ફિલ્મોમાં સંગીત આપ્યું.

આમ તો પહેલી ફિલ્મ ‘તાકતવર’ ગણાય, પણ સફળતાની દૃષ્ટિએ જોઈએ તો, ‘સ્વર્ગ’થી ગોવિંદાનો દિગ્દર્શક ડેવિડ ધવન સાથે નાતો બંધાયો. એ જોડી આગળ જતાં ધૂમ મચાવવાની હતી. એની વાત કરીએ તે પહેલાં એ ઉલ્લેખ પણ કરવો જોઈએ કે ‘ઇઝ્ઝતદાર’માં દિલીપકુમાર, ‘મહાસંગ્રામ’માં વિનોદ ખન્ના અને ‘હમ’માં અમિતાભ બચ્ચન જેવા મહારથીઓની છત્રછાયામાં પણ ગોવિંદાએ તેની ચમક સારી બતાવી. ‘મહાસંગ્રામ’માં તેને ભાગે ‘એક દિન કૉલેજ ગયા થા’, તો ‘હમ’માં ‘કાગઝ કલમ દવાત લા’, ‘સનમ મેરે સનમ’ જેવાં હિટ ગીતો મળ્યાં. ગોવિંદાએ દક્ષિણના સુપરસ્ટાર અને હિન્દી ફિલ્મોમાં પણ આગવી છાપ છોડી ગયેલા (ખાસ કરીને સિગરેટ ઉલાળીને સીધી મોઢામાં ઝીલી લેવાની) રજનીકાંત સાથે નિષ્ફળ ‘ગૈરકાનૂની’ ફિલ્મ કરી, પણ આ ફિલ્મમાં તે રજનીકાંતની છત્રછાયામાં નહોતો, તેની સમકક્ષ હતો.

૯૦નો દાયકો શરૂ થયો ને નવા હીરો આમિર ખાન, સલમાન ખાન, શાહરુખ ખાન, અક્ષયકુમાર ને અજય દેવગન અમિતાભની ખાલી દેખાતી જગ્યામાં પગ મૂકવા ભારે સ્પર્ધા કરી રહ્યા હતા. પણ અમિતાભે તો અદૃશ્ય રીતે પોતાનો પગ એ જગ્યામાં મૂકી રાખ્યો હતો એટલે તે સ્થાન કોઈ ભરી શક્યું નહીં, પણ આ જે નામ કહ્યાં તે બધા હીરો ધીમે ધીમે  લોકોના દિલમાં રાજ કરવા લાગ્યા હતા. એવામાં ‘સ્વર્ગ’ પછી ગોવિંદાએ ડેવિડ ધવન સાથે વધુ એક હિટ ફિલ્મ ૧૯૯૨માં આપી… ‘શોલા ઔર શબનમ’ અને શરૂ થયો કોમેડી ફિલ્મોનો સિલસિલો.

એ પછીના વર્ષે આ જોડી ફરી ત્રાટકી અને ‘આંખે’ ૧૯૯૩ના વર્ષની સુપરહિટ ફિલ્મ સાબિત થઈ. પછી તો આ જોડીએ ‘રાજાબાબુ’, ‘કુલી નં. વન’, ‘સાજન ચલે સસુરાલ’, ‘બનારસી બાબુ’, ‘દીવાના મસ્તાના’, ‘હીરો નં. વન’, ‘હસીના માન જાયેગી’, ‘જોડી નં. વન’, ‘એક ઔર એક ગ્યારહ’ કરી. આ પૈકી છેલ્લી ત્રણમાં ગોવિંદા અને સંજય દત્તે ‘ટુ મચ’ ધમાલ મચાવી હતી. ગોવિંદાએ અનેક ફિલ્મોમાં સંજય દત્ત, કાદરખાન અને શક્તિ કપૂર સાથે કામ કર્યું. તેની જોડી અભિનેત્રી નીલમ સાથે પણ ખાસી ચાલી. તે પછી કિમી કાટકર, કરિશ્મા કપૂર, જુહી ચાવલા, માધુરી દીક્ષિત અને રવીના ટંડન સાથે તેણે જોડી જમાવી હતી. જોકે તેનું નામ રાની મુખરજી સાથે જોડાયું અને એમ પણ કહેવાતું હતું કે તેઓ પતિ-પત્નીની જેમ રહેતાં હતાં. જોકે રાની મુખરજીએ પછી શાહરુખ ખાન સાથે કામ કરવા માંડીને પોતાનો રસ્તો અલગ કરી નાખ્યો હતો.

ગોવિંદાએ મોટા સ્ટાર સાથે કામ કરીને તેમની સ્ટાઇલ અપનાવી હતી જેમ કે સફેદ કપડાં, સફેદ બૂટ,  ગળામાં મફલર વગેરે રાજકુમાર-જિતેન્દ્રની સ્ટાઇલ હતી. તો ચશ્મા લટકતા રાખવાની સ્ટાઇલ રાજેશ ખન્નામાંથી અપનાવી હતી. ગોવિંદાનો ઇતિહાસ આમ તો બહુ મોટો છે, પણ હવે ગાડી થોડી ઝડપી ભગાવીશું, કેમ કે સ્થાનસંકોચની મર્યાદા નડે છે. બાકી, કહેવા જેવું તો ઘણું છે.

૧૯૯૮ આવતા સુધીમાં ગોવિંદાએ કોમેડી ફિલ્મમાં પોતાની સર્વોપરિતા એટલી સ્થાપિત કરી દીધી કે ‘બડે મિયાં છોટે મિયાં’માં એમ કહેવાવા લાગ્યું કે અમિતાભને ગોવિંદાએ પાછો તાર્યો અથવા તો અમિતાભ પર ગોવિંદા છવાઈ જાય છે. અને ગોવિંદાનું જોઈને અનિલ કપૂર (દીવાના મસ્તાના),  અક્ષયકુમાર (મિ. એન્ડ મિસીસ ખિલાડી), અજય દેવગન તેમજ આમિર ખાન (ઇશ્ક), શાહરુખ ખાન (ડુપ્લીકેટ), સલમાન ખાન (જુડવા) કોમેડી કરવા લાગ્યા હતા. ગોવિંદાની કારકિર્દી પર ૨૦૦૦ની સાલ આવતા આવતા બ્રેક લાગવા લાગી. તેની કેટલીક કોમેડી ફિલ્મો ચાલી નહીં, તો અમિતાભ બચ્ચન સામે ટીવી પડદે પડીને તેણે ‘જીતો છપ્પર ફાડ કે’ નામનો ગેમ શો એન્કર તરીકે કર્યો. આ શોના પહેલા એપિસોડના ટીઆરપી અમિતાભના ‘કૌન બનેગા કરોડપતિ’ કરતાં પણ વધુ હતી! જોકે એ શો બાદમાં ખાસ ચાલ્યો નહીં. ૨૦૦૪માં ગોવિંદાને અમિતાભ જેવી જ કુમતિ સૂજી ને ભાઈ રાજકારણમાં ઝંપલાવ્યું. અમિતાભે ૮મી લોકસભાની ચૂંટણીમાં એચ. એન. બહુગુણાને હરાવેલા તો ગોવિંદાએ ઉત્તર મુંબઈની લોકસભા બેઠક પરથી તત્કાલીન કેન્દ્રીય મંત્રી રામ નાઈકને હરાવ્યા હતા. ગોવિંદા ધારત તો રાજકારણમાં સફળ કારકિર્દી બનાવી શકત, પરંતુ તે સંસદમાં સતત ગેરહાજર રહેતો. વળી, પોતાના મતવિસ્તાર પ્રત્યે પણ ધ્યાન નહોતો આપતો. ૨૦૦૫માં આવેલા મુંબઈના ભારે પૂર વખતે તો તેણે સાવ ઉદાસીનતા અથવા બેદરકારી દાખવી. પરંતુ ૨૦૦૯ની ચૂંટણીમાં તેને ટિકિટનો ઈનકાર થાય કે તે હારી જાય તેવી સ્થિતિ પહેલાં જ તેણે ૨૦૦૮માં રાજકારણ છોડી દીધું.

ગોવિંદાએ ૨૦૦૬માં પ્રિયદર્શનની અક્ષયકુમાર સ્ટારર ફિલ્મ ‘ભાગમ્ ભાગ’થી ધમાકેદાર પુનરાગમન કર્યું. આ ફિલ્મ વખતે એવો સમય હતો કે અક્ષયકુમાર મોટો સ્ટાર બની ચુક્યો હતો એટલે ગોવિંદાને તેની છત્રછાયામાં કામ કરવું પડ્યું, પરંતુ જેટલું પણ કામ આવ્યું તે તેણે બખૂબી નિભાવ્યું. ડેવિડ ધવનની ‘પાર્ટનર’ ફિલ્મમાં પણ એવું જ બન્યું. સલમાન ખાન મોટો સ્ટાર  બની ચુક્યો હતો. જોકે આ ફિલ્મ તેને સલમાનની દોસ્તીના કારણે મળી હોવાનું પણ કહેવાય છે. ગોવિંદાએ માત્ર કોમેડી જ કરી છે તેવું નથી. એન. ચંદ્રાની ‘શિકારી’માં તે વિલન બન્યો હતો. તો ‘નયા દિન નયી રાત’માં જેમ સંજીવકુમારે નવ રોલ કર્યા હતા તેમ ગોવિંદાએ ‘હદ કર દી આપને’માં તેણે સાત રોલ કર્યા હતા. તેમાં તે રાજુ, રાજુનો પિતા, માતા, બહેન, ભાઈ, રાજુના દાદા અને દાદી બનેલો.  આ વર્ષે ગોવિંદાએ ‘કિલ દિલ’માં ફરી સાબિત કર્યું છે કે હીરો તરીકે તે હજુ પણ દમદાર છે. આ ફિલ્મમાં તેને અક્ષયકુમાર કે સલમાનના સ્ટારડમ હેઠળ કામ કરવું પડ્યું નથી.

ગોવિંદાનો પરિવાર પણ ફિલ્મ- ટીવીમાં સક્રિય છે. ગોવિંદાનો ભાણેજ વિનય આનંદ ‘આમદની અઠન્ની ખર્ચા રૂપૈયા’ જેવી ફિલ્મમાં દેખાયો હતો. તેણે બહુ સફળતા મેળવી નથી. પરંતુ બીજા ભાણેજ કૃષ્ણ અભિષેકે તો ‘કોમેડી સર્કસ’ દ્વારા ટીવી પડદે અને ‘બોલ બચ્ચન’, ‘એન્ટરટેઇનમેન્ટ’ જેવી ફિલ્મો દ્વારા સાબિત કર્યું છે કે કોમેડી અને ડાન્સમાં તે તેના મામા જેવો જ છે. ગોવિંદાની ભાણેજ રાગિની ખન્ના પણ ટીવી પડદાની જાણીતી અભિનેત્રી અને એન્કર બની ચૂકી છે. જોકે ગોવિંદાની દીકરી નર્મદા આહૂજા ઘણા સમયથી ફિલ્મમાં આવું આવું કરે છે, પરંતુ તેનો ઉદય હજુ થઈ શક્યો નથી. ગોવિંદા પોતે સારો ગાયક છે અને તેણે ફિલ્મોમાં એક-બે ગીત પણ ગાયા છે, જેમાં ‘મેરી પેન્ટ ભી સેક્સી’ ગીતનો સમાવેશ થાય છે. તેણે ગયા વર્ષના અંતમાં પોતાનું આલબમ ‘ગોરી તેરે નૈના’ રિલીઝ કરેલું.

(ગુજરાત ગાર્ડિયન દૈનિકમાં તા.૧૯/૧૨/૧૪ના રોજ છપાયો)

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.