gujarat guardian, national

આ મહાનુભાવો ૨૦૧૪ના વર્ષમાં છવાયેલા રહ્યા

૨૦૧૪નું વર્ષ સમાચારોથી ભરપૂર રહ્યું. આ વર્ષમાં અનેક વિવાદો જોવા મળ્યા તો અનેક હકારાત્મક ઘટનાઓ પણ બની. સત્તાપલટો થયો અને આશાવાદ પણ જાગ્યો. દેશવિદેશ બંનેમાં જેણે હકારાત્મક અને નકારાત્મક બંને રીતે સમાચાર સર્જ્યા હોય તેવા ઘણા લોકો છે, પરંતુ આપણે અહીં માત્ર દેશની જ વાત કરીશું. આ વર્ષે નરેન્દ્ર મોદી, અમિત શાહ, વિશાલ સિક્કા, અક્ષર પટેલ જેવા અનેક ગુજરાતી અથવા ગુજરાત સાથે વર્ષો સુધી જોડાયેલા લોકોએ ગુજરાતને પ્રતિષ્ઠા અપાવી છે તેનાથી આપણને ચોક્કસ ગૌરવ થાય.

નરેન્દ્ર મોદી

૨૦૧૪નું વર્ષ નિ:શંક રીતે નરેન્દ્ર મોદીનું હતું. એકલા હાથે તેમણે સભાઓ ગજવી. ચૂંટણી પરિણામ આવ્યું ને મોદી વડા પ્રધાન બની ગયા તે પણ ભાજપની એકલા હાથે બહુમતીથી!. તેમણે શપથવિધિ વખતે જ પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ સહિત સાર્ક દેશોના વડાઓને આમંત્રણ આપીને અને પછી તેમની સાથે મંત્રણાઓ કરીને પહેલા જ દડે છગ્ગો લગાવી દીધો. તે પછી તો ભૂતાનની યાત્રા, નેપાળની યાત્રા, અમેરિકા અને તેમાં મેડિસન સ્ક્વેર ખાતે ભાષણ, ઓબામા સાથે ઘનિષ્ઠતા, જાપાન યાત્રા, તેમાં પાછું ડ્રમ વગાડવું, ચીનના પ્રમુખને ભારત બોલાવીને તેમને સાબરમતી રિવર ફ્રંટ, સાબરમતી આશ્રમની સહેલ કરાવવી, મ્યાનમારની મુલાકાત, જી-૨૦ દેશોની શિખર પરિષદમાં હાજરી, ઑસ્ટ્રેલિયામાં સંસદને સંબોધન, સાર્ક દેશોની મંત્રણા, સ્વચ્છતા અભિયાન, જન ધન યોજના..અને આ બધાની વચ્ચે,અનોખી રીતે લાલ કિલ્લા પરથી સંબોધન…

મોદી બાબુ આવતા વર્ષે પણ છવાયેલા રહેવાના છે કેમ કે જાન્યુઆરીથી જ વાઇબ્રન્ટ, પ્રવાસી ભારતીય દિવસના કાર્યક્રમો ચાલુ થવાના છે.

એન.શ્રીનિવાસન

જેને અનેક વખતે સર્વોચ્ચ અદાલત તરફથી ઠપકારવામાં આવ્યા હોય તેમ છતાં જે ભારતીય ક્રિકેટ બૉર્ડના પ્રમુખ બનવા થનગને તેવી વ્યક્તિને શું કહેવાય? એન. શ્રીનિવાસન! અનેક વખત ખોટા પડી ચુકેલા, આઈપીએલ ફિક્સિંગ કૌભાંડ પ્રત્યે જેણે આંખ આડા કાન કરેલા કહેવાય છે તે શ્રીનિવાસન, તેમના જમાઈ મયપ્પન અને ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીની કથિત સંડોવણીના કારણે આખું વર્ષ ચર્ચામાં રહ્યા.

અમિત શાહ

ગુજરાત રાજ્યના ગૃહ પ્રધાન તરીકે ફરજ બજાવી ચુકેલા અમિત શાહ પર નરેન્દ્ર મોદીએ વિશ્વાસ મૂકી લોકસભા માટે સૌથી મહત્ત્વના રાજ્ય ઉત્તર પ્રદેશની જવાબદારી તેમને સોંપી. અને અમિત શાહે ૮૦માંથી ૭૧ બેઠક પર ભાજપને વિજય અપાવ્યો. તેના ફળસ્વરૂપે તેમને ભાજપના પ્રમુખ બનાવી દેવાયા. તેમના પ્રમુખ બન્યા પછી હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર આવી.

ભારતીય મતદાતા

નિઃશંક ભારતીય મતદાતા સમાચારસર્જક છે જ. આ વર્ષે તેણે બધાની ધારણા ઊંધી પાડીને ભાજપને એકલા હાથે બહુમતી આપી દીધી. ૧૯૮૪ પછી કોઈ પણ એક પક્ષની સરકારને ક્યારેય બહુમતી નહોતી મળી. તો જમ્મુ-કાશ્મીર અને ઝારખંડમાં ત્રાસવાદીઓ-માઓવાદીઓની ધમકી અને હિંસાની પરવા કર્યા વગર તેણે હિંમતપૂર્વક મતદાન કર્યું. દિલ્હીમાં કેજરીવાલની તરફેણમાં મત આપનાર મતદાતાઓએ લોકસભામાં નરેન્દ્ર મોદી તરફી મતદાન કર્યું તે મતદાતાનું ડહાપણ જ બતાવે છે.

ડૉ. કે. રાધાકૃષ્ણન

ઇસરોના વડા ડો. કોપ્પીલ્લિલ રાધાકૃષ્ણન માટે  વર્ષ ૨૦૧૪નું વર્ષ એક નવી ઊંચાઈથી શરૂ થયું અને પૂરું પણ એક નવી ઊંચાઈ સાથે થયું. જાન્યુઆરીમાં તેમને દેશનું સૌથી ત્રીજું મોટું નાગરિક સન્માન પદ્મ ભૂષણ મળ્યું. આ જ મહિને ઇસરોએ ક્રાયોજેનિક ટૅક્નૉલૉજી બનાવીને દુનિયાને બતાવી દીધું કે મહાસત્તાઓ તેની મદદ ન કરે તો પણ તે પોતાની રીતે ટૅક્નૉલૉજી બનાવી શકે છે. તે પછી જીએસએલવી માર્ક-ત્રણની સફળતા આવી. તે ભારતનું સૌથી મોટું રોકેડ છે અને તેનાથી માનવીને પણ અંતરિક્ષમાં મોકલી શકાય છે.

કૈલાસ સત્યાર્થી

કોઈ ભારતીયને વિદેશના ટોચના પુરસ્કાર મળે તે વાતમાં માલ નહોતો. ગાંધીજી, વાજપેયી વગેરેએ શાંતિ માટે ઘણું સરસ યોગદાન આપ્યું હતું તો પણ તેમને નોબલથી વંચિત રાખવામાં આવ્યા હતા. લગાન સહિતની સારી ભારતીય ફિલ્મોને ઓસ્કાર ન અપાયા. આવામાં આ વર્ષે કૈલાસ સત્યાર્થીને નોબલ આપવાની જાહેરાત કરીને ભારતીયોને સુખદ આશ્ચર્ય આપ્યું છે. કૈલાસ સત્યાર્થીએ બાળ શ્રમિકો માટે બચપન બચાઓ આંદોલન સફળતાપૂર્વક ચલાવ્યું છે.

વિશાલ સિક્કા

સૉફ્ટવેર બનાવતી કંપની એસએપી ખાતે પૂર્વ ટૅક્નૉલૉજી ઑફિસર અને એક્ઝિક્યુટિવ બૉર્ડના સભ્ય વિશાલ સિક્કાના નામની જાહેરાત નારાયણમૂર્તિની કંપની તરીકે જાણીતી ઇન્ફોસિસના મુખ્ય કાર્યકારી અધિકારી તેમજ મેનેજિંગ ડિરેક્ટર તરીકે થઈ. સિક્કા વડોદરામાં છ વર્ષથી લઈને લગભગ ૨૨-૨૩ વર્ષના થયા ત્યાં સુધી રહ્યા અને અભ્યાસ કર્યો.

રોહિત શર્મા

ઑગસ્ટ પછી ઈજાના કારણે રમતથી બહાર રહેલા રોહિત શર્માએ કોલકાતાના ઇડન ગાર્ડનમાં શ્રીલંકા સામે ૨૬૪ રનનો જે રેકોર્ડ દાવ ખેલ્યો તે વર્ષો સુધી લોકો ભૂલી નહીં શકે. ૧૭૩ બોલમાં મારેલા ૨૬૪ રનમાં ૩૩ ચોગ્ગા અને નવ છગ્ગા હતા. તેણે વીરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ તો તોડ્યો જ પરંતુ બે વન-ડેમાં બે બેવડી સદી ફટકારનાર તે પહેલો બૅટ્સમેન બની ગયો છે.

રજત શર્મા

ઇન્ડિયા ટીવીના તંત્રી રજત શર્મા ‘આપ કી અદાલત’ માટે વધુ જાણીતા છે. તેમણે આ કાર્યક્રમ પૂરા થયાના ૨૧ વર્ષ નિમિત્તે કાર્યક્રમ યોજીને જે કરી બતાવ્યું તે કદાચ કોઈ કરી શકે નહીં. કોઈ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન બંને હાજર રહે, ઉપરાંત બોલિવૂડની હસ્તીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહે તેવું ભાગ્યે જ બને. વળી, તેમાં સલમાન, આમિર અને શાહરુખ પહેલી વાર સ્ટેજ પર સાથે આવ્યા. તેમાં સલમાન અને આમિરને શાહરુખ સાથે વિવાદ હતો. આમ, આ ત્રણેય પણ આ રીતે સમાચારસર્જક બન્યા.

અર્પિતા ખાન

અર્પિતા જો સુપરસ્ટાર સલમાન ખાનની બહેન ન હોત તો તેનાં લગ્ન કદાચ આટલી ધૂમધામથી, ભવ્ય રીતે ન થયાં હોત. અર્પિતા સલમાન ખાનની સગી બહેન નહોતી. વળી, મુસ્લિમ પરિવારમાં આ હિન્દુ દીકરી હતી અને તેનાં લગ્ન પણ એક હિન્દુ સાથે જ થયા. આમ, સલમાન ખાન અને તેના પરિવારે બહુ સારો ચીલો પાડ્યો. અર્પિતાની ઈચ્છા મુજબ હૈદરાબાદમાં શાનદાર રીતે તેનાં લગ્ન યોજાયા. રજત શર્માના કાર્યક્રમમાં તો સલમાન, આમિર અને શાહરુખ ત્રણેય એક સાથે જાહેરમાં દેખાયા હતા જ્યારે તે પહેલાં અર્પિતાના લગ્નમાં સલમાન અને શાહરુખ સાથે આવી ચુક્યા હતા.

કે. ચંદ્રશેખરરાવ

ચાર દાયકાનું સપનું આ વર્ષની ૨ જૂને પૂરું થયું તેનાથી હૈદરાબાદ અને તેલંગણા આખામાં દિવાળી જેવું વાતાવરણ સર્જાઈ ગયું હતું. તેલંગણા ભારતનું ૨૯મું રાજ્ય બની ગયું. તેલંગણા રાષ્ટ્ર સમિતિ અને તેના વડા કે. ચંદ્રશેખર રાવની લડત અંતે સફળ થઈ. ચૂંટણીમાં સ્વાભાવિક જ ટીઆરસીને બહુમતી મળી અને કેસીઆર તરીકે જાણીતા રાવને તેલંગણાના પહેલા મુખ્ય પ્રધાન બનવાનું સૌભાગ્ય મળ્યું.

જયલલિતા

૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં જેમનું સપનું દેશના વડા પ્રધાન થવાનું હતું તે જયલલિતા માટે નસીબનું ચક્ર એવું ફર્યું કે તેઓ તમિલનાડુનાં મુખ્યપ્રધાન ન રહ્યાં અને ભવિષ્યમાં ચૂંટણી પણ નહીં લડી શકે. અમ્મા કેન્ટીન અને અમ્મા સિમેન્ટ યોજનાઓથી સારી લોકપ્રિયતા મેળવનાર તમિલનાડુનાં મુખ્યપ્રધાન જયલલિતા સામે સપ્ટેમ્બરમાં ૧૮ વર્ષ જૂના અપ્રમાણસર સંપત્તિના કેસમાં ચુકાદો આવ્યો અને તેઓ દોષી ઠર્યા. કર્ણાટકની વડી અદાલતે તેમની સામે ચુકાદો આપતાં તેમણે મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું. તેઓ ધારાસભ્ય તરીકે પણ ગેરલાયક ઠર્યાં. તેમના ચાહકોમાં તેમના માટે શોક વ્યાપી ગયો અને કેટલાકે તો આપઘાત પણ કર્યા.

સ્મૃતિ ઈરાની

નરેન્દ્ર મોદીએ જેમને નાની બહેન કહ્યાં હતાં અને દેશ આખાયે જેને તુલસી તરીકે પસંદ કર્યાં હતાં તે સ્મૃતિ ઈરાની વિવાદનો વિષય બની ગયા. તેમને મોદીએ માનવ સંસાધન પ્રધાન બનાવ્યા. તેઓ દેશના સૌથી યુવાન એચઆરડી મંત્રી બન્યા. તેઓ ૧૨ ધોરણ પાસ હોવાનો વિવાદ બહાર આવતા તેમણે યેલ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર હોવાનું કહ્યું. જોકે બાદમાં તે માત્ર છ દિવસનો પ્રસંગ જ નીકળ્યો જેમાં તમામ ક્ષેત્રના લોકોને સન્માનવામાં આવ્યા હતા. કેન્દ્રીય વિદ્યાલયોમાં ત્રીજી ભાષા તરીકે જર્મનીના સ્થાને સંસ્કૃત દાખલ કરવાના મુદ્દે તો અદાલતે પણ તેમના મંત્રાલયને ઠપકો આપ્યો, તો રાજસ્થાનમાં એક જ્યોતિષીએ તેમનો વિજય થશે તેમ આગાહી કરતાં તેમનો આભાર માનવા ગયા તેમાં પણ વિવાદ થઈ ગયો.

અક્ષર પટેલ

નડિયાદના ડાબોડી સ્પિનર અક્ષર પટેલનો બાંગ્લાદેશ સામેની ટીમમાં સમાવેશ આ વર્ષની મહત્ત્વની ઘટનાઓ પૈકીની એક હતી. આમ તો તે ઓલરાઉન્ડર છે. તે ડાબોડી બૅટ્સમેન છે. તે આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ વતી ૨૦૧૩માં રમી ચુક્યો છે. તે પછી ૨૦૧૪માં કિંગ્સ ઇલેવન પંજાબ વતી પણ રમ્યો હતો. ૧૫ જૂન,૨૦૧૪માં તેણે પોતાની વન-ડે કારકિર્દીની શરૂઆત બાંગ્લાદેશ સામે કરી. બાદમાં તે વેસ્ટ ઇન્ડિઝ સામે પણ રમ્યો.

રણજીત સિંહા

સીબીઆઈના આ ડિરેક્ટર તેમની વિદાયના છેલ્લા વર્ષમાં પણ વિવાદોમાં રહ્યા. ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડની તપાસથી દૂર રહેવા તેમને સર્વોચ્ચ ન્યાયાલયે જણાવી દીધું. તો આસામના ગુવાહાટીમાં યોજાયેલી પોલીસ વડાઓની પરિષદ દરમિયાન પહેલા દિવસે ગૃહ પ્રધાન રાજનાથ સિંહ અને  બીજા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવચન દરમિયાન તેઓ ઉંઘતા ઝડપાયા.

રામપાલ

સ્વઘોષિત સંત રામપાલની આર્ય સમાજના એક અનુયાયીની હત્યામાં ધરપકડ કરવા માટે હરિયાણા પોલીસને કાર્યવાહી માટે લગભગ યુદ્ધ જેવા વાતાવરણનો સામનો કરવો પડ્યો. પહેલાં તો તે ધરપકડ જ ટાળતો હતો અને બાદમાં પોતાના સમર્થકો દ્વારા તેણે યુદ્ધ જેવું વાતાવરણ સમર્જી દીધું. તેના આશ્રમમાંથી ઘણી વાંધાજનક સામગ્રીઓ મળી આવી હતી.

અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના સ્થાપક એવા અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં સામાન્ય માનવીઓ માટે ખૂબ જ આશાઓ સર્જી હતી, પરંતુ દિલ્હીમાં કૉંગ્રેસને હરાવીને ‘આપ’ સૌથી બીજા નંબરનો પક્ષ બન્યો. કેજરીવાલે મુખ્યપ્રધાન શીલા દીક્ષિતને હાર આપી, તે પછી તે જ કૉંગ્રેસના ટેકાથી સરકાર બનાવી. ફેબ્રુઆરીમાં અચાનક જ રાજીનામું આપીને લોકસભા ચૂંટણીમાં ઝંપલાવવા નિર્ણય ગુજરાતમાં આવીને મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર્યા, તેમનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા પ્રયાસ કર્યો, પરંતુ ચૂંટણી પંચે તેમને ખાલી થોડા કલાક પૂરતા અટકાયતમાં લીધા ત્યાં તેમણે નરેન્દ્ર મોદીના ઈશારે  પોલીસે કાર્યવાહી કરી હોવાની વાત ચગાવી. પરિણામે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપની ઑફિસે ગયા અને પથ્થરમારો કર્યો, ખુરશીઓ ફેંકી, લખનઉમાં પણ ‘આપ’ના લોકોએ હિંસા કરી. તે પછી કેજરીવાલ નરેન્દ્ર મોદી સામે બનારસમાંથી લોકસભા ચૂંટણીમાં ઊભા રહ્યા, પરંતુ કાશ્મીરના મુદ્દે ‘આપ’નું રાષ્ટ્રદ્રોહી કહી શકાય તેવું વલણ,  તેના મંત્રીઓના વિવાદો વગેરેના કારણે લોકસભા ચૂંટણીમાં રકાસ થયો અને તે પછી પક્ષની અંદર કેજરીવાલ સામે  જ વિખવાદો થયા અને ઘણા સભ્યો પક્ષ છોડી જતા રહ્યા.

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની બુધવારની પૂર્તિમાં તા.૩૧ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ છપાયેલો લેખ)

Advertisements

2 thoughts on “આ મહાનુભાવો ૨૦૧૪ના વર્ષમાં છવાયેલા રહ્યા”

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s