અંતે ધારણા મુજબ જ અટલબિહારી વાજપેયીને ભારતરત્ન એવોર્ડ અપાયો. આ બાબતમાં મોદી સરકારે જરાય વિલંબ ન દાખવ્યો.  જોકે જેમ મોટા ભાગના નેતાઓએ કહ્યું તેમ, અટલજીને એવોર્ડ મેળવવામાં તો વિલંબ થયો જ છે. ગયા વર્ષે સચીન તેંડુલકરને તેની વિદાય વખતે તાત્કાલિક જ ભારતરત્ન આપી દેવામાં આવ્યો અને એમ કહેવાય છે કે રાહુલ ગાંધી તેની પાછળનું મુખ્ય પરિબળ હતા.

ગયા વર્ષે યાદ હોય તો, નવેમ્બર આસપાસ નરેન્દ્ર મોદીનો પ્રચાર વીજળી વેગે ચાલતો હતો, કૉંગ્રેસ બધી રીતે બેકફૂટ પર હતી. કૌભાંડોની એબીસીડી ગણાવીને મોદી એક પછી એક શહેરમાં પ્રચાર કરી રહ્યા હતા. એવામાં સચીન તેંડુલકરની ક્રિકેટમાંથી વિદાય નક્કી થઈ. અલબત્ત, એ પણ કહેવું જોઈએ કે, એ વિદાય પરાણે હતી કેમ કે સચીનનું ફોર્મ જોતાં જો તેણે જાતે નિવૃત્તિ જાહેર ન કરી હોત તો તેને વિદાય કરવામાં આવ્યો હોત. ગયા વર્ષના સપ્ટેમ્બરમાં જ એવી વાત ચાલી હતી કે સચીનને નિવૃત્તિ લઈ લેવાનું કહી દેવામાં આવ્યું છે. જોકે, એ અહેવાલને સત્તાવાર રીતે બૉર્ડે નકારી કાઢ્યો હતો. આમ, નિવૃત્તિ પહેલાંની છેલ્લી ટેસ્ટ વખતે ટીવી ચેનલોએ પણ સચીન-સચીન કરી નાખ્યું હતું. એવા વખતે કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને માસ્ટરસ્ટ્રોક રમવાનું સૂજ્યું.

જે દિવસે સચીનની રમતનો છેલ્લો દિવસ હતો તે જ દિવસે તેને ભારતરત્ન એવોર્ડની જાહેરાત કરી દેવાઈ. એ મહિનાઓમાં સચીન કરતાં હોકીના જાદુગર ધ્યાનચંદ, વાજપેયીને ભારતરત્ન અપાવો જોઈએ તેવી માગણી થઈ રહી હતી, પરંતુ છેલ્લી ઘડીએ સચીનને ભારતરત્ન જાહેર કરી દેવાયો. સચીનની સાથે વૈજ્ઞાનિક સીએન રાવનું નામ પણ જાહેર કરાયું હતું, જેથી એકતરફી અને રાજકારણસભર નિર્ણય ન લાગે.

અત્યાર સુધી દેશમાં કૉંગ્રેસની સરકારો વધુ રહી છે. અને ભારતરત્નની બાબતમાં પણ કમનસીબે રાજકારણ વધુ રમાયું છે. સરદાર વલ્લભભાઈ પટેલ જે ભારતના શિલ્પી ગણાવાય છે, તેમને તેમના મૃત્યુના ચાર દાયકા પછી ભારતરત્ન અપાયો અને તે વખતે પણ શુદ્ધ ગાંધી (ઇન્દિરા ગાંધીવાળા ગાંધી, મોહનદાસ કરમચંદ ગાંધીવાળા ગાંધી નહીં)- નહેરુ કુટુંબના કે તેના તરફી વડા પ્રધાન નહોતા, પરંતુ પી.વી. નરસિંહરાવ વડા પ્રધાન હતા ત્યારે આ સર્વોચ્ચ સન્માન અપાયું હતું.

ડૉ.  બાબાસાહેબ આંબેડકર અને જયપ્રકાશ નારાયણને ભારતરત્ન તેમના મૃત્યુના દાયકાઓ પછી જ અપાયો એટલું જ નહીં, પરંતુ જ્યારે તેમને એવોર્ડ અપાયો ત્યારે બિનકૉંગ્રેસી સરકારો હતી. આંબેડકર તો આપણા બંધારણના ઘડવૈયા કહેવાય છે જ્યારે જયપ્રકાશ નારાયણે જો આંદોલન ન કર્યું હોત તો કદાચ ઇન્દિરા ગાંધી સરમુખત્યાર બની બેઠા હોત અને ઈરાક, સિરિયા, પાકિસ્તાન જેવા દેશોની જેમ વિપક્ષના નેતાઓ જેલમાં જ હોત.

આ જ રીતે મોરારજી દેસાઈને ૧૯૯૧માં ભારતરત્ન આપવામાં આવ્યો. તેઓ  વડા પ્રધાન પદેથી ઉતર્યા તેના બાર વર્ષ પછી તેમનું સન્માન થયું. મોરારજી દેસાઈ અનેક રીતે ભારતરત્નને લાયક હતા. તેમની સેવાઓ વડા પ્રધાન પહેલાં અને વડા પ્રધાન તરીકેની જાણીતી છે. તેમના શાસનકાળમાં ચીજો સોંઘી થઈ હતી, જે તે પછી કોઈ સરકાર વખતે થયું નથી. ઉપરાંત પાકિસ્તાન સાથેના સંબંધો સુધર્યા હતા. તે વખતે દૂરદર્શન અને આકાશવાણી બે જ હતા જે સરકાર હેઠળ હતા. તેને સ્વાયત્ત કરવાની દિશામાં સારી પહેલ થઈ હતી. પરંતુ તેમને ૧૯૯૦માં આપણા શત્રુદેશ પાકિસ્તાન તરફથી ત્યાંનો સર્વોચ્ચ એવોર્ડ નિશાન-એ-પાકિસ્તાન મળ્યો તે પછી સરકારે ભારતરત્ન આપવાનું નક્કી કર્યું.

આની સામે રાજીવ ગાંધીને તેમની હત્યાના કેટલાંક અઠવાડિયાં માંડ વિત્યાં હતાં, ત્યાં ભારતરત્ન જાહેર કરી દેવાયો. રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા પછી તેમણે આપેલી સેવાઓ જાણીતી છે, જેમાં કમ્પ્યૂટર યુગની શરૂઆત થઈ અને ટેલિકોમ ક્ષેત્રે પણ ક્રાંતિ થઈ, પરંતુ બૉફોર્સ કાંડ પણ એટલું જ ચગ્યું હતું. જોકે રાજીવ ગાંધી ઇન્દિરા ગાંધીના મૃત્યુને પગલે વડા પ્રધાન બની ગયા હતા. પરંતુ તે પહેલાં તેમણે ખાસ નોંધપાત્ર સેવાઓ આપી હોવાનું જાણમાં નથી. તો રાજીવનાં માતા ઇન્દિરા ગાંધીને અને નાના જવાહરલાલ નહેરુને ભારતરત્ન તો તેમના જીવતા જ આપી દેવાયો હતો! અલબત્ત, એમાં કોઈ ના નથી કે નહેરુ અને ઇન્દિરા ગાંધીની લાયકાત ભારતરત્ન માટે હતી જ પરંતુ તેઓ સત્તામાં હોય ને પોતે જ પોતાને ભારતરત્ન આપે તે કેવું?

ઉલ્લેખનીય છે કે અટલબિહારી વાજપેયી વડા પ્રધાન હતા ત્યારે તેમના સાથી મંત્રીઓએ તેમના માટે ભારતરત્નની ભલામણ કરી હતી, પરંતુ વાજપેયીએ સ્પષ્ટ નનૈયો ભણી દીધો હતો કે ના, આવું જરા પણ ન થઈ શકે. દલા તરવાડીની જેમ પોતે જ પોતાને ભારતરત્ન આપી દે તે કેવું કહેવાય? આમ તો, ભારતરત્નનું નામ સત્તાવાર રીતે રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરાય છે, પરંતુ આપણે ત્યાં રાષ્ટ્રપતિ લગભગ કઠપૂતળી જેવા હોય છે અને કોને આ એવોર્ડ આપવો તે સરકાર જ નક્કી કરતી હોય છે.

આપણે ત્યાં ભારતરત્ન માટેની માગણી તો ઘણા બધા લોકો કરતા હોય છે, તેમાં ઘણા આ એવોર્ડ માટે લાયક નથી પણ હોતા. દલિતવાદી બસપ નેતા કાંશીરામ, ગાયક મોહમ્મદ રફી, હોકીના ખેલાડી ધ્યાનચંદ, વિજ્ઞાની વિક્રમ સારાભાઈ, શાયર મિર્ઝા ગાલિબ, ઓડિશાના નેતા બીજુ પટનાયક, આંધ્રપ્રદેશના પહેલા બિન કૉંગ્રેસી મુખ્યમંત્રી એન.ટી. રામારાવ,  કૉંગ્રેસના પૂર્વ નેતા અને વડા પ્રધાન સ્વ. નરસિંહરાવ સહિતના માટે ભારતરત્નની માગણી થઈ છે. ભારતરત્નનો વિવાદ પણ થયો છે. ભારતરત્ન વિજેતા ગાયિકા લતા મંગેશકરે ૨૦૧૪ની ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બનવા જોઈએ તેવું જાહેરમાં નિવેદન કર્યું ત્યારે મુંબઈ કૉંગ્રસના પ્રમુખ જનાર્દન ચંદુરકરે તેમની પાસેથી ભારતરત્ન પાછો લઈ લેવા નિવેદન ઠપકારી દીધું હતું, તો આ જ રીતે ભાજપના નેતા નરેન્દ્ર મોદીની ટીકા બદલ એ જ અરસામાં ભાજપના નેતા ચંદન મિત્રાએ પણ અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન પાસેથી ભારતરત્ન પાછો લેવા કહ્યું હતું. આ બંને નિવેદનોના વિવાદ થયા હતા અને પ્રશ્ન થયો હતો કે શું ભારતરત્ન એવોર્ડ દેશસેવા બદલ અપાય છે કે કોઈ પક્ષની સેવા માટે? આ એવોર્ડ ભારતનો છે, તે કોઈ પક્ષની અંગત જાગીર નથી.

સચીનને જ્યારે એવોર્ડ અપાયો ત્યારે તેનો વિવાદ અને ટીકા બંને થયા હતા. બિહારના પૂર્વ મુખ્યપ્રધાન નીતીશકુમારના પક્ષ જનતા દળ યુનાઇટેડના એક નેતાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે સચીને એવી કઈ મોટી ધાડ મારી છે? તે ક્યાં મફતમાં રમે છે? તે તો ભારેખમ પૈસા લઈને રમે છે. એમાં કઈ મોટી દેશસેવા તેણે કરી?

આમ જુઓ તો વાત સાચી પણ છે, પરંતુ સચીને અનેક રેકોર્ડ બનાવ્યા ને દેશનું નામ ગજવ્યું. અનેક વાર વિજયી ઇનિંગ્સ રમીને ભારતને વિજય અપાવ્યો. સચીનનો પ્રવેશ ક્રિકેટમાં એવા સમયે થયો હતો જ્યારે ભારત વિશ્વકપ તો જીતી ચૂક્યું હતું પરંતુ તે પછી મોટા ભાગે હાર જ પામી રહ્યું હતું. પાકિસ્તાન સામે માનસિક રીતે તે હારી જતું હતું. સચીને તેનું મજબૂત મનોબળ બતાવીને અનેક સારા સારા બોલરોને ભૂ પીતા કરી દીધા હતા. જોકે, હોકીના જાદુગર ધ્યાનચંદ પણ અનેક ગણી વધારે રીતે ભારત દેશના સર્વોચ્ચ સન્માનને લાયક છે. તેમણે ન માત્ર આ રમતમાં ભારતને વિજયી બનાવ્યું, પરંતુ એક અલગ રીતે પણ દેશસેવા કરી.

કિસ્સો એવો છે કે, ૧૯૩૬માં જર્મનીના બર્લિનમાં ઓલિમ્પિકની ફાઇનલ હતી. ધ્યાનચંદ સહિતની ભારતીય ટીમે જર્મનીને ૮-૧ જેવી પ્રભુત્વવાળી રમતથી હરાવી દીધું. એ મેચ જોવા જર્મનીના પ્રમુખ એડોલ્ફ હિટલર પણ આવ્યા હતા. હિટલર ભારતની જીત અને જર્મનીની હારથી ધૂંઆપૂંઆ થઈ ગયા. તેમણે સુવર્ણચંદ્રક આપવાના હતા, પરંતુ હારના કારણે તેઓ સ્ટેડિયમમાંથી નીકળી ગયા.

બીજા દિવસે ધ્યાનચંદને હિટલરે મળવાનું કહેણ મોકલ્યું. જ્યારે ધ્યાનચંદને આ સંદેશો મળ્યો ત્યારે તેઓ ચિંતામાં પડી ગયા. તેમણે હિટલર વિશેની વાતો સાંભળી હતી. તે દિવસે ન તો તેમને જમવાનું ભાવ્યું કે ન તો ઊંઘ આવી.

તે પછી ધ્યાનચંદ તેમને મળવા ગયા. હિટલરે તેમને પૂછ્યું કે તેઓ શું કરે છે, ધ્યાનચંદે કહ્યું કે તેઓ ભારતીય સેનામાં સૈનિક છે. હિટલરે ધ્યાનચંદને જર્મન સેનામાં વધુ ઊંચું પદ આપવા લાલચ આપતાં જર્મનીમાં વસવાટ કરવા કહ્યું. ધ્યાનચંદે સ્પષ્ટ ના પાડી દીધી.

વાજપેયીને ભારતરત્ન મળ્યો છે તે યથાર્થ જ છે. તેમણે વડા પ્રધાન બન્યા પહેલાં જ દેશની સેવા અનેક તબક્કે અનેક રીતે કરી હતી. તેઓ વિરોધીઓની પ્રશંસા કરવાનું પણ ચૂકતા નહીં. બાંગ્લાદેશની રચના વખતે ભારતે કરેલી સહાય બાબતે ઇન્દિરા ગાંધીની તેમણે પ્રશંસા કરી હતી. (જોકે દુર્ગા સાથે ઇન્દિરાને તેમણે સરખાવ્યાં નહોતાં. આ અંગેની ચોખવટ તેમણે ‘આપ કી અદાલત’ કાર્યક્રમમાં કરી હતી). નરસિંહરાવ વડા પ્રધાન હતા ત્યારે તેમણે વાજપેયીને યુનોમાં મોકલ્યા હતા. અને યુનોમાં જઈને વાજપેયી પાકિસ્તાનના છક્કા છૂટી જાય તેવું ભાષણ કરી આવેલા. કટોકટી વખતે પણ વાજપેયીએ પ્રશંસનીય લડત આપી હતી અને જનસંઘને જનતા પક્ષમાં ભેળવી દઈ મજબૂત સરકાર મળે તે માટે પ્રયાસો કર્યા હતા. વી. પી. સિંહની મોરચા સરકાર લાંબુ ચાલી નહીં. તે પછી ચંદ્રશેખરની સરકાર પણ પોતાનો કાર્યકાળ પૂરો કરી શકી નહી. જનતા દળના દેવેગોવડા અને આઈ. કે. ગુજરાલ બંને પોતાની મુદ્દત પૂરી કરી શક્યા નહીં.

આમ જોઈએ તો કોઈ બિનકૉંગ્રેસી સરકારના વડા પ્રધાન પાંચ વર્ષની મુદ્દત પૂરી કરી શક્યા નહોતા. પરંતુ વાજપેયીએ ૨૮ જેટલા નાના-મોટા પક્ષોને સાથે લઈને પોતાની સરકાર સફળ રીતે પૂરી કરી હતી.

તેમના સમયમાં પોખરણમાં પરમાણુ પરીક્ષણ થયા તેની અમેરિકી જાસૂસી સંસ્થા સીઆઈએને ગંધ સુદ્ધાં આવી નહોતી. પરમાણુ પરીક્ષણ તો કરી નાખ્યા, પરંતુ તે પછી અમેરિકા અને જાપાન સહિતના દેશોએ આર્થિક પ્રતિબંધો લાદી દીધા. આમ છતાં વાજપેયીએ હિંમત હાર્યા વગર સરકાર ચલાવી અને આર્થિક પ્રતિબંધોની ઐસી કી તૈસી કરી દીધી. તેમણે બતાવી દીધું કે અમેરિકા અને જાપાન જેવા દેશોની આપણને જેટલી જરૂર છે તે કરતાં તેમને આપણી જરૂર વધારે છે. અને આપણો જીડીપી આઠ ટકાએ લાવી દીધો. તેમની નેશનલ હાઇવે ડેવલપમેન્ટની યોજના પણ સારી હતી. પરંતુ તે પછીની યુપીએ સરકારે તે પ્રોજેક્ટ લટકાવી દીધો. સ્વયં યુપીએ સરકારે સર્વોચ્ચ અદાલતમાં આ વાત સ્વીકારી છે કે વાજપેયીની એનડીએ સરકારમાં હાઇવેનું કામ ખૂબ જ સારું થયું છે. આ જ રીતે નદીઓને જોડવાની તેમની યોજના પણ સારી હતી, જે પણ પછી લટકાવી દેવામાં આવી. જોકે ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એ નર્મદાનું પાણી લાવીને સાબરમતીને લગભગ બારેય મહિના બે કાંઠે વહેતી રાખી.

વાજપેયી સરકાર ચલાવતા ત્યારે ક્યારેય પોતાના વિચાર થોપતા નહોતા. તેઓ બધાનું સાંભળતા અને પછી નિર્ણય લેતા. આથી જ જ્યારે તેમને ભારતરત્નની જાહેરાત થઈ ત્યારે બધા જ રાજકીય પક્ષોમાંથી તેને આવકાર મળ્યો છે.

((ગુજરાત ગાર્ડિયન વર્તમાનપત્રની બુધવારની પૂર્તિમાં વિશેષ કૉલમમાં તા.૩૧ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ છપાયેલો લેખ))

 

 

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.