૧૫ ઓગસ્ટ, ૨૦૧૪. નરેન્દ્ર મોદી તેમનું વડા પ્રધાન તરીકે પહેલું સંબોધન કરી રહ્યા હતા. રાજકીય વિશ્લેષકોને ધારણા હતી કે તેઓ કંઈક ઢગલાબંધ યોજનાઓની જાહેરાતો કરશે, પરંતુ રાજકીય વિશ્લેષકોને ખોટા પાડવાની ટેવવાળા મોદીએ તો ઉલટું આયોજન પંચ સમેટવાની વાત કરી, લોકોને આંચકો આપી દીધો!

મોદી અમેરિકા-ઑસ્ટ્રેલિયામાં ગયા ત્યારે તેમણે વાત કરી કે અગાઉની સરકારો કાયદા ઘડતી હતી, પરંતુ મને કાયદા રદ્દ કરવામાં મજા આવે છે.” (જુઓ, ‘ગુજરાત ગાર્ડિયન’, તા. ૧૦ ડિસેમ્બર, ૨૦૧૪, મિડ વીક પૂર્તિ, વિશેષ કૉલમ ‘જરીપુરાણા વિચિત્ર કાયદાઓ નાબુદ થશે?) લાલ કિલ્લા પરથી સામાન્ય રીતે ઢગલાબંધ જાહેરાતો થતી હોય છે અને તે પછી ઘણી વાર ભૂલી જવાતી હોય છે અથવા તેના અમલમાં વિલંબ થતો હોય છે, પરંતુ મોદી જેનું નામ. ખ્રિસ્તીઓના નવા વર્ષ ૨૦૧૫ના પ્રારંભે જ ૨ જાન્યુઆરીએ સત્તાવાર જાહેરાત થઈ કે આયોજન પંચની જગ્યા હવે નેશનલ ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (ટૂંકું નામ- નીતિ) લેશે. આમ, હવે આયોજન પંચને નીતિ આયોગ તરીકે ઓળખી શકાશે.

તેમની આ જાહેરાત સામે કૉંગ્રેસનો વિરોધ સ્વાભાવિક જ આવી ગયો. કેમ કે, આયોજન પંચને દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુનું મહત્ત્વાકાક્ષી પગલું માનવામાં આવે છે અને ઘણા લોકો આયોજન પંચના અંતને નહેરુ યુગના અંત તરીકે જુએ છે. પણ હકીકતે આયોજન પંચ નહેરુની નહીં, નેતાજી સુભાષચંદ્ર બોઝની વિચારની ઉપજ હતી!

૧૯૩૮માં કૉંગ્રેસ પ્રમુખ સુભાષચંદ્ર બોઝે આર્થિક આયોજનની શરૂઆત કરી હતી અને તે પછી મેઘનાદ શહાએ રાષ્ટ્રીય આયોજન સમિતિ રચી હતી. બ્રિટિશ શાસકોએ આયોજન બોર્ડની સ્થાપના કરી હતી જે ૧૯૪૪થી ૧૯૪૬ સુધી ચાલ્યું હતું.  ૧૯૪૪માં ઉદ્યોગપતિઓ અને અર્થશાસ્ત્રીઓએ મળીને વિકાસ યોજનાઓ ઘડી હતી.

દેશ આઝાદ થયો ત્યારે બ્રિટિશરોએ તેને લૂંટાય તેટલો મહત્તમ લૂંટી લીધો હોવાના કારણે આપણી પાસે સંસાધનોની તંગી હતી. આવા સમયે ૧૫ માર્ચ, ૧૯૫૦એ નહેરુની સરકારે આયોજન પંચની સ્થાપના કરી. આયોજન પંચના અધ્યક્ષ વડા પ્રધાનને બનાવાયા. આયોજન પંચે પંચવર્ષીય યોજનાઓ ઘડવાનું અને તેને અમલમાં મૂકવાનું શરૂ કર્યું.

પહેલી પંચવર્ષીય યોજના ૧૯૫૧માં આવી હતી. તેમાં યોગ્ય જ રીતે કૃષિના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો.  પરંતુ દર પાંચ વર્ષે  પંચવર્ષીય યોજના આવી જ હોય તેવું બન્યું નથી. ૧૯૬૫માં ભારત-પાકિસ્તાનના યુદ્ધના કારણે પંચવર્ષીય યોજના પર બ્રેક લાગી. સતત બે વર્ષ દુષ્કાળ, મોંઘવારી, રૂપિયાની ઘટતી જતી કિંમત, સંસાધનોમાં અછતના કારણે આયોજન ખોરવાઈ ગયું. ૧૯૬૬થી ૧૯૬૯ વચ્ચે ત્રણ વાર્ષિક યોજનાઓ  બની. ૧૯૬૯થી પંચવર્ષીય યોજના ફરી શરૂ થઈ. ૧૯૯૦માં રાજકીય પ્રવાહી સ્થિતિના કારણે આઠમી પંચવર્ષીય યોજના શરૂ ન થઈ શકી. ૧૯૯૦ અને ૧૯૯૧ના વર્ષમાં ફરી વાર્ષિક યોજનાઓ આવી. આઠમી યોજના છેવટે ૧૯૯૨માં શરૂ કરાઈ. પહેલી આઠ પંચવર્ષીય યોજનામાં જાહેર સાહસોમાં મોટા પાયે મૂડીરોકાણ પર ભાર હતો. ૧૯૯૭માં નવમી યોજના પછી સ્થિતિ બદલાઈ હતી. જાહેર સાહસો પર મહત્ત્વ ઘટ્યું.

એ સાચું કે શરૂઆતનાં વર્ષોમાં આવેલી પંચવર્ષીય યોજનાથી દેશનો વિકાસ થયો. પરંતુ છેલ્લાં ઘણાં વર્ષોથી આયોજન પંચ વિવાદમાં આવી ગયું હતું. ૨૦૧૧માં આયોજન પંચે ગરીબીની કરેલી વ્યાખ્યાથી વિવાદ થયો હતો. શહેરમાં રોજના માત્ર રૂ.૩૨ કમાતા પરિવારને ગરીબી રેખાની નીચે જીવતો પરિવાર (બીપીએલ) ન કહેવાય તેવી ગરીબીની મજાક ઉડાવતી વ્યાખ્યા કરીને અનેક ગરીબોને મળતા લાભ બંધ કરવાનો ઈરાદો હતો જેની ખૂબ જ ટીકા થઈ. તેના સમર્થનમાં કૉગ્રેસના નેતા રાજ બબ્બર, રશીદ મસૂદ અને કૉંગ્રેસના સાથી પક્ષ એનસીના નેતા ફારૂક અબ્દુલ્લાએ નિવેદનો આપ્યા કે  જમવાનું તો (અનુક્રમે) રૂ. ૧૨, પાંચ અને એકમાં પણ મળી રહે! આયોજન પંચનો બીજો વિવાદ એ થયો કે એક તરફ તે ગરીબોની મજાક ઉડાવતું હતું તો બીજી તરફ રૂ. ૩૫ લાખના ખર્ચે માત્ર બે ટોઇલેટને ખાલી રિનોવેટ કરાવતું હતું! આ માટે પણ તેની પુષ્કળ ટીકા થઈ. આયોજન પંચ અને નાણા મંત્રાલય વચ્ચેનો ટકરાવ પણ જાણીતો છે કેમ કે આયોજન પંચનું વિકાસ કરવાનું ધ્યેય હોય છે અને વિકાસ માટે પૈસા તો જોઈએ જ. પરંતુ નાણાં મંત્રાલયને તો કેમ ઓછામાં ઓછા પૈસા વપરાય તે જોવાનું હોય છે.

જૂન, ૨૦૧૩માં નરેન્દ્ર મોદી જેઓ ત્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા, આયોજન પંચના રૂમ નં. ૧૨૨માં આવ્યા હતા અને તેમણે શિક્ષણ અધિકાર (આરટીઈ) જેવા કાયદાનો વિરોધ કર્યો હતો કારણકે તેનાથી રાજ્યોની જવાબદારી (લાયેબિલિટી) વધતી હતી. તેનાથી રાજ્યોના પોતાનાં જે પ્રાધાન્યવાળાં વિકાસકાર્યો હોય તેને નુકસાન થતું હતું. મોદીની આ ટીપ્પણીનો પડઘો અનેક મુખ્યમંત્રીઓ વર્ષોથી પાડતા આવ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મોદીએ અને કેન્દ્ર સરકારની વિરુદ્ધ હોય તેવાં અન્ય રાજ્યોએ આયોજન પંચના સાવકા વ્યવહારનો અનુભવ કર્યો હતો. મોદીએ આયોજન પંચના અન્યાય અને ઉપેક્ષાભર્યા વ્યવહારની ફરિયાદ અને ટીકા કરી હતી. કદાચ આ વિચારમાંથી જ આયોજન પંચને નાબૂદ કરવાનું મોદીને સૂજ્યું હશે તેવું આપણને માનવાનું મન થાય, પરંતુ આ વિચાર મોદીનો જ નથી, મનમોહનસિંહ જે પોતે આયોજન પંચના એક સમયે ઉપાધ્યક્ષ હતા અને પછી વડા પ્રધાનની રૂએ અધ્યક્ષ તરીકે દસ વર્ષ રહ્યા તેઓ પણ આયોજન પંચની ભૂમિકાથી સંતુષ્ટ નહોતા!

મનમોહને કહ્યું હતું કે, “આ નવા વિશ્વમાં આયોજન પંચની શું ભૂમિકા હોવી ઘટે તે કરવાની જરૂર છે.” આયોજન પંચના પૂર્વ સભ્ય અરુણ માયરાએ તેમના પુસ્તક “રિડિઝાઇનિંગ એરોપ્લેન વ્હાઇલ ફ્લાઇંગ : રિફોર્મિંગ ઇન્સ્ટિટ્યૂશન”માં લખ્યું છે કે (આજથી છ વર્ષ, યાદ રાખો છ વર્ષ પહેલાં) વર્ષ ૨૦૦૯માં મનમોહને તેમને કહ્યું હતું કે આયોજન પંચનું કલેવર બદલવાની જરૂર છે. આ જ વાત એનડીએ સરકારના પૂર્વ પ્રધાન અરુણ શૌરીએ પણ થોડા દિવસો પહેલાં કરી હતી.

માયરાને પૂર્વ વરિષ્ઠ બ્યુરોક્રેટ્સ, ઉદ્યોગપતિઓ સહિત દેશના ૨૦ સન્માનનીય નાગરિકોને મળીને તેમનો અભિપ્રાય લેવાનું કહેવાયું હતું.  “આયોજન પંચ દેશમાં ઉપયોગી ભૂમિકા ભજવે છે કે કેમ” તેવા સવાલના જવાબમાં તમામ ૨૦ જણાનો જવાબ હતો : “ના.”

તો પૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમે આયોજન પંચને “ખૂબ જ મોટું, ઢીલું, અને હિલચાલ કરવામાં અક્ષમ” ગણાવ્યું હતું. આયોજન પંચને નાબૂદ કરવાનો વિચાર ભાજપમાં પણ અત્યારનો નથી. ભાજપ સાથે સંકળાયેલા એક અર્થશાસ્ત્રીએ તો ૨૦ વર્ષ પહેલાં (૧૯૯૪માં) એક સામયિકમાં લેખ લખ્યો હતો કે આયોજન પંચનું ફિંડલું વાળી દેવું જોઈએ અને તેની જગ્યાએ મોલ બનાવી દેવો જોઈએ!

આયોજન પંચ હેઠળ ઇન્ડિપેન્ડન્ટ ઇવેલ્યુએશન ઑફિસ (આઈઇઓ)ની સ્થાપના ફેબ્રુઆરી ૨૦૧૪માં કરવામાં આવી હતી. તે આયોજન પંચથી અલગ હોવાની કહેવાતી હતી, પરંતુ તેના અધ્યક્ષ આયોજન પંચના નાયબ અધ્યક્ષ જ હતા તો અલગ કેવી રીતે થઈ? તેનો હેતુ સરકારની ફ્લેગશિપ યોજનાઓ પર નજર રાખવાનું અને તેનું મૂલ્યાંકન કરવાનું હતું. આ આઈઇઓએ જ આયોજન પંચ નાબૂદ કરવા ભલામણ કરી છે. તેનો અર્થ એ જ થયો ને કે આયોજન પંચ પોતે જ પોતાને નાબૂદ કરવાનું ઈચ્છતું હતું?

જ્યારે આયોજન પંચ બનાવવામાં આવ્યું ત્યારે તે સમયની જરૂરિયાત હતી. એ જમાનો કેન્દ્રીકરણનો હતો. નહેરુ સામ્યવાદી વિચારસરણીથી પ્રભાવિત હતા. (જોકે ગાંધીજી કેન્દ્રીકરણના વિરોધી હતા. તેઓ સત્તાના વિકેન્દ્રીકરણના હિમાયતી હતા) સોવિયેત સંઘમાં કેન્દ્રીકરણ હતું. એ સમયે ભારતમાં કેન્દ્ર અને મોટા ભાગનાં રાજ્યોમાં કૉંગ્રેસ સત્તામાં હતી. અને મોવડીમંડળ એટલે કે નહેરુ-ઇન્દિરા ગાંધી જે કહેતા તે પડ્યો બોલ ઝીલાતો. એટલે આયોજન પંચ સારી રીતે કામ કરી શક્યું હોય તેમ માની શકાય.

આજે પરિસ્થિતિ અલગ છે. છેલ્લાં ૧૫-૨૦ વર્ષથી રાજ્યોમાં અલગ-અલગ પક્ષોની સરકાર હોય છે. તેથી કેન્દ્રીકરણ માફક આવે તેમ નથી. વળી, પક્ષો વચ્ચે સંવાદિતા પણ ઘટી છે. ખુન્નસ વધ્યું છે. તેથી પણ આયોજન પંચની યોજનાઓ તેમજ રૂપિયાની ફાળવણી મુદ્દે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે ટકરાવ વધ્યો હતો. કેન્દ્રની યુપીએ સરકાર સામે વિપક્ષી સરકારો પ્રત્યે અન્યાયની ફરિયાદ અનેક વિપક્ષોની હતી. આમ, આયોજન પંચ સામે સરમુખત્યાર જેવા વ્યવહારનો આક્ષેપ હતો. જોકે, અર્થશાસ્ત્રી બીરેક ડેબ્રોય કહે છે કે “ત્રીજી પંચવર્ષીય યોજના (વર્ષ ૧૯૬૧-૬૬)થી જ આયોજનમાં આયોજન પંચની કેન્દ્રીયકૃત ભૂમિકા ઘટી હતી.” બીજા કેટલાક લોકોનું માનવું છે કે રાષ્ટ્રીય વિકાસ પરિષદ (નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ- એનડીસી) પણ કેન્દ્ર-રાજ્યો વચ્ચે સમન્વયનું કામ કરતી હતી.

આયોજન પંચ અને નવા નીતિ આયોગ વચ્ચે મુખ્ય તફાવત શું હશે? આયોજન પંચમાં એક જ વ્યક્તિનું જ ચાલતું: નાયબ અધ્યક્ષ (આમ તો  અધ્યક્ષ વડાપ્રધાન કહેવાય)નું. મોન્ટેકસિંહ અહલુવાલિયા હતા, (જોકે ખરી સત્તા સોનિયા ગાંધીના હાથમાં હતા તે બધા જાણે છે). નીતિ આયોગમાં નાયબ અધ્યક્ષની જગ્યાએ સીઈઓ હશે, અને નાયબ અધ્યક્ષ હશે. એશિયન ડેવલપમેન્ટ બૅન્કના પૂર્વ મુખ્ય અર્થશાસ્ત્રી અરવિંદ પનગારિયા પહેલા નાયબ અધ્યક્ષ જાહેર થયા છે. પાંચ સભ્યોની થિંક ટેંકના વડા તરીકે કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ નિમાનાર હોવાનું કહેવાય છે.

એમ કહેવાય છે કે નીતિ આયોગ અંકુશની ચાબુકના બદલે ઉદ્દીપક તરીકે કામ કરશે અને રાજ્યો તેમજ કેન્દ્ર સાથે મળીને આર્થિક નીતિઓ અને વિકાસની યોજનાઓ પર ચર્ચા કરશે. આયોજન ગ્રામ્ય સ્તરનું હશે. સીઇઓ અને ઉપાધ્યક્ષની સાથે ગર્વનિંગ કાઉન્સિલ હશે જેમાં મુખ્યમંત્રીઓ અને લેફ્ટ. ગવર્નર હશે. કેન્દ્રીય મંત્રીઓ પણ તેમાં હશે. આ ઉપરાંત પૂર્ણકાલીન અને અંશકાલીન સભ્યો હશે.  વડા પ્રધાન દ્વારા વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો અને વિશેષજ્ઞોને આમંત્રણ અપાશે. બે સભ્યો યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓમાંથી હશે.

મોટા તફાવત એ છે કે રાજ્યોનું વધુ સંભળાશે. અગાઉ આયોજન પંચ યોજના ઘડતું હતું અને રાજ્યોને તેનો અમલ કરવા કહેતું હતું. (જો તેઓ સંમત થાય તો જ અમલ થતો તે જુદી વાત છે) હવે રાજ્યો પોતે જ યોજના ઘડવામાં સક્રિય ભૂમિકા ભજવશે.

આમ, આયોજન પંચ નાબૂદ કરવાનું પગલું બરાબર છે. તેનાથી સમવાયતંત્ર મજબૂત થશે, તેમ મનાય છે. જો ખરેખર આમ થાય તો આયોજન પંચ નાબુદ કરીને નરેન્દ્ર મોદીને મોટા ક્રાંતિકારી સુધારા કરવાનો યશ મળશે.

(પ્રસ્તુત લેખ ગુજરાત ગાર્ડિયન દૈનિકની બુધવાર પૂર્તિની વિશેષ કૉલમમાં તા.૭/૧/૧૫ના રોજ છપાયો.)

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.