international, sikka nee beejee baaju, spirituality

વાઇબ્રન્ટ ઉત્સવમાં છવાઈ જનાર ભૂતાન સૌથી સુખી દેશ કેમ છે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામાન્ય રીતે વાઇબ્રન્ટ ગુજરાત જેવા કાર્યક્રમોમાં છવાઈ જતા હોય છે. આ વખતે તેઓ વડા પ્રધાન તરીકે તેમાં ભાગ લઈ રહ્યા હતા. તેથી તેમનું છવાઈ જવું સ્વાભાવિક હતું અને તેમ બન્યું પણ ખરું, પરંતુ તેમના સિવાય બીજા એક વ્યક્તિ છવાઈ ગયા તો તે ભૂતાનના વડા પ્રધાન શેરિંગ તોબ્ગે. એવું શું તેઓ બોલ્યા કે દર્શકોની સૌથી વધુ તાળીઓ તેઓ મેળવી ગયા?

ભૂતાને વિશ્વના સૌથી નાના દેશ પૈકીના આ  વડા પ્રધાને જે પ્રવચન આપ્યું તેથી તેમાં હાજર એક ઉદ્યોગપતિએ તો ત્યાં સુધી કહી દીધું કે આ તો વાઇબ્રન્ટ ભૂતાન કાર્યક્રમ બની ગયો! તોગ્બેએ બહુ નિખાલસતાથી કહ્યું કે અન્ય દેશો સાથેની સ્પર્ધા તો દૂરની વાત છે, પણ અમારા દેશનો જીડીપી (સકળ ઘરેલુ ઉત્પાદન) આ રૂમમાં હાજર ધનાઢ્ય ઉદ્યોગપતિઓની અંગત સંપત્તિ કરતાં પણ ઓછો છે. અને વાત સાચી હતી. ભૂતાનનો જીડીપી માત્ર (૨,૪૯૮.૩૯ અમેરિકી ડોલર છે : સ્રોત – વિશ્વ બૅંક) છે જે ત્યાં હાજર રિલાયન્સના અધ્યક્ષ મૂકેશ અંબાણી, અદાણી ગ્રૂપના ગૌતમ અદાણી, અદી ગોદરેજ આ બધાની સંપત્તિનો એક ટુકડો માત્ર ગણાય. આની પછી જે વાત તોગ્બેએ કહી તે વાંચો: “જોકે મને પરવા છે ગ્રોસ નેશનલ હેપીનેસ અંકની જે જીડીપી કરતાં ઘણો વધુ છે. તોગ્બેએ ઉદ્યોગોને આમંત્રણ આપ્યું તો ખરું પરંતુ પર્યાવરણની જાળવણીની શરતે.”

આ બહુ મહત્ત્વની વાત કહી તોગ્બેએ. અત્યારે લગભગ આખો સંસાર ભૌતિક સુખ પાછળ ગાંડો બન્યો છે. લોકોને અઢળક સંપત્તિ આ જન્મારે જ કમાઈ લેવી છે. અને ભૌતિક સુખની ઈચ્છાઓ પર કોઈ લગામ જ નથી. લગામ મૂકવા જાય તો જાહેરખબરોનો મારો તમામ માધ્યમોથી (ટીવી, ફિલ્મ, રેડિયો, છાપાં, ચોપાનિયાં, હૉર્ડિંગ…) એટલો છે અને એમાં વળી, પડોશીઓની દેખાદેખીથી તો ક્યાંક ૦ ટકા વ્યાજ પર મળતી લૉનના કારણએ, ન જોઈતી વસ્તુ ખરીદવામાં આવી રહી છે. અલ્ટો આવે તો શિફ્ટ લેવાની ઈચ્છા થાય છે અને શિફ્ટ ખરીદાય તો પછી બીએમડબ્લ્યુ…લોકો કબૂલે છે કે પહેલાં કરિયાણાની દુકાનમાં ખરીદી કરવા જતાં તો બધી વસ્તુ દૃશ્યમાન નહોતી. કોઈ સ્કીમ નહોતી. એટલે પહેલેથી લિસ્ટ બનાવીને જ જતાં. કરિયાણાવાળા ઘરે સામાન આપી જતા. આજે? આજે એક તો મોલમાં જવાનું. બધી વસ્તુઓ જાણે કહેતી હોય કે અમને ખરીદી લો. સસ્તુ અને એક પર એક ફ્રી જેવી સ્કીમ હોય તેના કારણે વણજોઈતી ચીજોની ખરીદી થવા લાગી છે. આ તો ખાલી કરિયાણાની વાત જ થઈ. ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસની તો વાત જ નથી. અને આ બધા ચક્કર પૂરા કરવા નોકરી કે ધંધા ૧૦-૧૨ કલાક કરવાના. પરિણામે ભૌતિક સુખ પ્રાપ્ત કરવા જતાં માનસિક સુખ અને પારિવારિક સુખનું બલિદાન દેવામાં આવે છે. તેમાંથી જાગે છે પરિવારમાં પતિ-પત્ની વચ્ચે, પિતા-સંતાનો વચ્ચે, માતા-સંતાનો વચ્ચે ઝઘડા. ટ્રાફિકમાં સહેજ કોઈ ચૂક કરે અથવા પોતાનાથી ચૂક થઈ જાય તો પણ આંખો દેખાડી ઝઘડવા લાગે છે. નોકરીની અંદર કે ધંધામાં બધા એકબીજા પર બૂમબરાડા પાડતા હોય છે. ટ્રેન જો મોડી પડે તો મુંબઈના દિવા સ્ટેશનની જેમ લોકો પથ્થરમારા સહિતની હિંસા પર ઉતરી આવે છે. ભૂતાનમાં આવું નથી. ગ્રોસ નેશનલ હેપ્પીનેસની રીતે ભૂતાનને કેમ સૌથી સુખી દેશ ગણાવાય છે તે વિચારવા અને જાણવા જેવું છે.

ભૂતાન તરફ લોકોની નજર પડતી નથી. મોટા ભાગના ગુજરાતીઓની નજર ભોગવાદી અમેરિકા કે અન્ય યુરોપીય દેશો તરફ જ હોય છે. આવા દેશોના પણ ભોગવિલાસના વધુ સમાચાર આપણી સમક્ષ આવતા હોય છે. એટલે અમેરિકાની સારી બાજુ- શિસ્ત, કાયદાપાલન, સ્વચ્છતા, શિક્ષણ, ખેલકૂદમાં અગ્રતા, વિજ્ઞાન-સંશોધનમાં અગ્રેસર, ગ્રાહકોને પૂરી પડાતી સારી સેવા..આ બધાં પાસાં તરફ આપણું ધ્યાન જતું નથી. પરિણામે ધીમે ધીમે આપણે ત્યાં લોકોની રીતભાત અમેરિકાની નેગેટિવ બાજુઓ જેવી થતી જાય છે. લોકો હવે ‘દેવમ્ કૃત્વા ઘી પીબેત’માં માનતા થઈ રહ્યા છે. પૈસાની બચત પહેલાં જે થતી હતી તેમાં મોટો ઘટાડો આવ્યો છે. સરકાર પણ નાની બચત યોજનાઓમાં બહુ વ્યાજ આપતી નથી. પરિણામે અનેક લોકો શેરબજાર કે પ્રોપર્ટી માર્કેટ તરફ નાછુટકે વળી રહ્યા છે. કપડાં-લતાની રીતે અમેરિકા અને આપણે ત્યાં હવે બહુ ફરક રહ્યો નથી. અને સાંસ્કૃતિક રીતે પણ આપણે બહુ ઝડપથી અમેરિકા જેવા બનતા જઈએ છીએ, પરંતુ ભૂતાનની વાત જુદી છે. ભૂતાન હજુ તેની પરંપરાઓને-તેની સંસ્કૃતિને જાળવીને બેઠું છે. તે જ કદાચ તેના લોકો સુખી હોવાનું એક કારણ છે.

ઇતિહાસકારો માને છે કે ભૂતાન એ સંસ્કૃત શબ્દ ‘ભોત’ + ‘અંત’ એટલે કે ‘તિબેટના અંત’ પરથી નામ પડ્યું.  ૧૭મી સદી સુધી ભૂતાનમાં સંપ્રદાયો વચ્ચે ઝઘડા ચાલતા રહ્યા હતા. ઇતિહાસ મુજબ, પહેલા ઝાબડ્રંગ રિન્પોચે નામની પદવી ધરાવતા લામા નગાવાંગ નામગ્યાલએ ભૂતાનને એક કર્યું અને તેની ઓળખ ઊભી કરી હોવાનું કહેવાય છે. ૨૦મી સદીમાં ભૂતાને ભારત સાથેના સંબંધો વિકસાવ્યા.ભૂતાનની વસતિ જુઓ તો ગુજરાત કરતાંય ઓછી છે. ગુજરાતની સાડા છ કરોડની વસતિ સામે ભૂતાનની વસતિ સાડા સાત લાખ છે. ભૂતાન હિમાલયનો પ્રદેશ છે. ત્યાં મુખ્ય ધર્મ વજ્રયાન બૌદ્ધ છે. તેને સરકાર આશ્રય પણ આપે છે.

ભૂતાનનૂં ચલણ નગુલ્ત્રુમ (ngultrum) છે જેની કિંમત ભારતીય રૂપિયા આધારિત છે. ભૂતાનનું અર્થતંત્ર ભલે વિશ્વનાં સૌથી નાનાં અર્થતંત્રો પૈકીનું એક હોય, પણ તાજેતરનાં વર્ષોમાં તેનો વિકાસ બહુ ઝડપથી થઈ રહ્યો છે. ૨૦૦૭ના આંકડા મુજબ, ભૂતાન વિશ્વમાં બીજા ક્રમનું સૌથી ઝડપથી વિકસી રહેલું અર્થતંત્ર છે. ભૂતાનનું અર્થતંત્ર મુખ્યત્વે કૃષિ, વન્ય સંપત્તિ, પ્રવાસન અને ભારતને જળવિદ્યુતના વેચાણ પર નિર્ભર છે. ૫૫.૪ ટકા વસતિની આજીવિકા કૃષિ પર આધારિત છે. આ ઉપરાંત હસ્તકળા, વણાટ કામ અને ધાર્મિક કળા જેવા ઉદ્યોગો પણ છે.

ભૌગોલિક મર્યાદા પુષ્કળ છે. રોડ અને અન્ય આંતરમાળખું બનાવવું મુશ્કેલ અને ખર્ચાળ છે. દરિયો નથી પરિણામે વેપાર પર મોટી અસર પડે છે. અરે! ભૂતાનમાં રેલવે પણ નથી. (જોકે હવે ભારત તેને રેલવે સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યું છે). ૧૯૯૦ના દાયકામાં ભૂતાને લ્હોત્શંપા નામના વંશીય લોકોને (જેઓ સમગ્ર વસતિનો એક પંચમાંશ ભાગ હતા)ને કાઢી મૂક્યા કે તેમને દેશ છોડવાની ફરજ પાડી. કારણ? આ લઘુમતી પ્રજા તેમની માગણીઓ અને સરકારમાં વધુ પ્રતિનિધિત્વ માટે બહુ બળુકી બની રહી હતી. અસંતુષ્ટ લ્હોત્શંપાઓની ધરપકડ કરવામાં આવી, તેમને દેશમાંથી તગેડી મુકવામાં આવ્યા અને તેમની સંપત્તિ પણ જપ્ત કરાઈ. (આપણે ત્યાં આવું થવાની કલ્પના પણ થઈ શકે?) એક લાખથી વધુ આ લ્હોત્શંપા અત્યારે આશ્રયવિહોણા છે.

ભૂતાન એ ભારત અને ચીન વચ્ચે આવેલું છે તેમ છતાં આનંદની વાત છે કે તે રાજકીય-સાંસ્કૃતિક રીતે મોટા ભાગે ભારતની પાંખમાં જ રહ્યું છે. ૧૯૪૯માં ભારત-ભૂતાન વચ્ચે સંધિ થયેલી જે મુજબ, ભારત ભૂતાનની વિદેશી બાબતોમાં પણ દખલ દઈ શકતું હતું. જોકે, ૨૦૦૭માં આ સંધિને રદ્દ કરતી બીજી સંધિ થઈ. તે મુજબ, ભૂતાન પોતાના વિદેશી સંબંધો જાતે નક્કી કરશે. ભૂતાનમાં રોયલ આર્મી છે જેના સૈનિકોને ભારતીય લશ્કર તાલીમ આપે છે. ભારત અને ભૂતાનના નાગરિકોને એકબીજાને ત્યાં આવવા-જવા પાસપોર્ટ કે વિઝા લેવા પડતા નથી. ભૂતાનમાં ત્યાંના ચલણ ઉપરાંત આપણો રૂપિયો પણ સ્વીકાર્ય છે. ભારત અને ભૂતાને ૨૦૦૮માં મુક્ત વ્યાપાર સંધિ કરેલી છે.

ભૂતાનને ચીન સાથે વિધિવત્ રાજદ્વારી સંબંધો નથી, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં બંને દેશોના નેતાઓની મુલાકાતો વધી છે. બંને વચ્ચે પહેલી દ્વિપક્ષીય સમજૂતી ૧૯૯૮માં થઈ હતી. ભૂતાને ચીનના આશ્રિત પ્રદેશો મકાઉ અને હોંગ કોંગમાં કોન્સ્યુલેટ પણ ખોલી છે. ભારતની જેમ ભૂતાનની સરહદ પણ ચીનને અડીને છે અને વાયડું ચીન ભૂતાનને પણ અવારનવાર કનડે છે. પરંતુ ભારત પોતાની સરહદો બાબતે ચીન સામે તડનો જવાબ ફડથી નથી આપી શકતું ત્યાં ભૂતાનની બાબતમાં કેવી રીતે બોલે? (દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચે વિવાદમાં અમેરિકા દક્ષિણ કોરિયાની પડખે ઊભું રહે છે તેમ ભારત કરી શકતું નથી એ પણ વાસ્તવિકતા છે.) આમ છતાં મોટા ભાગે ભૂતાન શાંતિમય પ્રદેશ રહ્યું છે. કુદરતે ભૂતાનમાં છૂટા હાથે સૌંદર્ય વેર્યું છે. ત્યાં બંગાળના જાણીતા વાઘ, રીંછ, લાલ પાંડાથી માંડીને વિવિધ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. વન્ય સંપત્તિને ભૂતાને સારી રીતે જાળવી છે.

સ્વિસના ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઑફ નેચર મુજબ, વન્ય સંપત્તિને જાળવવાનાં પગલાં સક્રિય રીતે લેવા માટે ભૂતાન એક આદર્શ છે. તેની જીવવિવિધતાને જાળવવા માટે ભૂતાન જે રીતે કટિબદ્ધ છે તે માટે તેની વિશ્વના અનેક દેશોએ પ્રશંસા કરી છે. જમીનનો ઓછામાં ઓછો ૬૦ ટકા ભાગ વન માટે જાળવવાનો ભૂતાનનો નિર્ણય આજે પણ અડીખમ છે. તેમાં ૪૦ ટકા ભાગ નેશનલ પાર્ક, રિઝર્વ અને અન્ય સુરક્ષિત વિસ્તારો તરીકે જળવાયો છે.

ભૂતાનના લોકો કેમ સુખી છે? તેનું એક આ ઉપરોક્ત કારણ થયું. કુદરતી જીવન. બીજું કારણ જોઈએ. મોટા ભાગે ત્યાં ટેલિવિઝન, ઇન્ટરનેટ અને પાશ્ચાત્ય કપડાં પર પ્રતિબંધ રહ્યો છે, જે ૧૯૯૯માં ઉઠાવાયો. ભૂતાનમાં ખ્રિસ્તી અને બીજા ધર્મોના પ્રચાર-ઉત્તેજનને મંજૂરી નથી. ત્યાં બૌદ્ધ સિવાય કોઈ મિશનરી પ્રવેશી શકતા નથી. પ્લાસ્ટિક બેગ, તમાકુ, જેવી ચીજો પર સમૂળગો પ્રતિબંધ છે. આમ, બીજા પંથો-સંપ્રદાયો ભૂતાનમાં પગપેસારો કરી શક્યા નથી. આમ, એક રીતે વિશ્વથી એકલું અટૂલું લાગતું (જોકે ભારત સાથે ઘરોબો છે) ભૂતાન માટે આ એકલતા આશીર્વાદ રૂપ બની છે. હજારો વર્ષ જૂની પરંપરાઓ અને સંસ્કૃતિ ત્યાં જળવાઈ છે. ઇન્ટરનેટ, ટેલિવિઝન અને વૈશ્વિકરણનાં અન્ય પાસાં ચોક્કસ લાભદાયક છે, પરંતુ તેના લાભ કરતાં નુકસાન આપણે ત્યાં વધુ જોવા મળે છે તેવું ભૂતાનમાં થઈ શક્યું નથી. ૨૦૦૮થી ભૂતાનમાં રાજાશાહીમાંથી લોકશાહી તરફ પગરણ થઈ ચુક્યા છે.

આજે જે ગ્રોસ નેશનલ હેપ્પીનેસ શબ્દ છે તે છેક ૧૯૭૨માં ભૂતાને વહેતો મૂક્યો છે. અને સુખના માપદંડ આરોગ્ય, માનસિક સુખાકારી, સમયનો ઉપયોગ, શિક્ષણ, સાંસ્કૃતિ વિવિધતા, સુશાસન, આર્થિક વૈવિધ્ય અને જીવન ધોરણો છે. (હિન્દુ શાસ્ત્રો મુજબ આ જ માપદંડ છે)

આજે ભારતને વિશ્વગુરુ બનાવવાનાં સપનાં દેખાડાય છે પરંતુ તેમાં પણ ક્યાંક ને ક્યાંક સંસ્કૃતિ, પર્યાવરણનો ભોગ તો લેવાય જ છે, ભૌતિક સુખો, ટૅક્નૉલૉજીને જરૂર કરતાં વધુ પ્રાધાન્ય મળી રહ્યું હોય તેમ લાગે છે. જો ખરા અર્થમાં વિશ્વગુરુ બનવું હોય તો ભૂતાનમાંથી માત્ર ભારતે જ નહીં, અન્ય દેશોએ પણ શીખવા જેવું છે.

(આ લેખ ‘મુંબઈ સમાચાર’ની રવિ પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૧૮/૧/૧૫ના રોજ છપાયો)

Advertisements

1 thought on “વાઇબ્રન્ટ ઉત્સવમાં છવાઈ જનાર ભૂતાન સૌથી સુખી દેશ કેમ છે?”

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s