છેલ્લા કેટલાક દિવસોમાં એક સંદેશો સોશિયલ મિડિયામાં બહુ ફર્યો. બૅંકની હડતાળનો. ૨૧થી ૨૪ તારીખે બૅંકો હડતાળ પર જવાની હતી. (જોકે એ મોકૂફ રહ્યું.) આના લીધે લોકોમાં ચર્ચા પણ સારી ચાલી કે બૅંકોએ સારો મોકો ગોઠવી નાખ્યો. ૨૧થી ૨૪ હડતાળ. ૨૫મીએ રવિવારની રજા. ૨૬મીએ જાહેર રજા. આમ, છ દિવસની સળંગ રજા મળી જાય. છાપામાં આના માટે મિનિ વેકેશન શબ્દ યોજાતો હોય છે. બૅંકોના કર્મચારીઓને ભલે આ વખતે મિની વેકેશન ન મળ્યું પરંતુ તેમને અને કેન્દ્ર-રાજ્ય સરકારના કર્મચારીઓને ત્રણ દિવસનો લાભ તો મળ્યો જ. કેટલીક સરકારી ઑફિસોમાં બીજા અને ચોથા શનિવારે રજા હોય છે. તો કેટલીક ઑફિસોમાં શનિવારે અડધો દિવસ હોય છે. એટલે શનિ-રવિ અને સોમ એમ ત્રણ દિવસની રજા મળી ગઈ.

ખાનગી કર્મચારીઓ એવા સુખી નથી હોતા. જોકે આઇટી કંપનીઓમાં શનિ-રવિની રજા હોય છે. પાંચ દિવસનું સપ્તાહ હોવું જોઈએ કે નહીં તેની ચર્ચા અવારનવાર ચાલ્યા કરે છે, પરંતુ મોટા ભાગે આપણે ત્યાં છ દિવસનું જ સપ્તાહ હોય છે. રવિવારે બધાને રજા હોય છે. જોકે પત્રકારોની વાત કરીએ તો તેઓ આવા નસીબદાર નથી. આમ તો ચોવીસ કલાક કામ કરવાની તૈયારી સાથે જ પત્રકારની હવે નોકરી થઈ ગઈ છે, પરંતુ હવે પત્રકારો ઘરે ઓછો અને બહાર રિપોર્ટિંગ કે ડેસ્ક કામ માટે ઑફિસમાં વધુ સમય ગાળે છે. એક જોક છે ને કે: એક પત્રકાર વિશે એક ભાઈએ પૂછ્યું કે તેઓ અહીં જ રહે છે? રહે છે તો વધુ ઑફિસમાં પરંતુ ક્યારેક ક્યારેક અહીં આવી જાય છે. પત્રકારોની સાપ્તાહિક રજા (ઑફ) રવિવાર સિવાય જ મોટા ભાગે હોય છે. વળી, તેમાં બીજા કોઈ સાથી પત્રકાર ન આવ્યા તો તેમની સાપ્તાહિક રજા રદ્દ થઈ જાય તેવું બને. પત્રકારે દિવાળીના દિવસે પણ કામ કરવું પડે છે. એમાંય ઇલેક્ટ્રોનિક મિડિયા અને ડિજિટલ મિડિયાના પત્રકારને તો ૩૬૫ દિવસની નોકરી થઈ ગઈ છે. નર્સ જેવું જ ગણી લો.

છાપામાં કે મિડિયાના અન્ય પ્રકારોમાં એક જ દિવસે બધાને રજા આવે તેવું ઓછું બને છે. એટલે આવતી કાલ જેવી રજા આવી જાય તો બધા ખુશ ખુશ હોય છે. છાપાં હોય કે અન્ય કોઈ ખાનગી ઑફિસ, ૨૬મી જાન્યુ. જેવી રજાના આગલા દિવસે આખો સ્ટાફ મૂડમાં હોય છે. તેમનામાં કામ વહેલું પતાવી દેવાનો ઉત્સાહ જોવા મળે છે. જે લોકો રોજ ધીમે ધીમે કામ કરતા હોય તેઓ પણ રજાના આગલા દિવસે ઝપાટો બોલાવે. એમાંય બેસતા વર્ષના આગલા દિવસે એટલે કે દિવાળીના દિવસે તો મૂડ જોવા જેવો હોય છે. દિવાળીના દિવસે જો વહેલું છાપું પૂરું ન કરાય (એટલે કે પ્રિન્ટિંગમાં મોકલવા તૈયાર ન કરાય) તો અમદાવાદના ફેરિયાઓ તો હાથ પણ ન લગાવે. એ એક જ દિવસ પત્રકારો તેમના નિર્ધારિત સમય કરતાં કાયદેસર વહેલા જઈ શકે છે! એ હિસાબે બપોર કે સાંજના છાપાના પત્રકારો નસીબદાર છે. બપોર કે સાંજનું છાપું રવિવારે બહાર પડતું નથી. આથી તેમને બધાને એક સમાન દિવસે અને તેય રવિવારે રજા મળી જાય! પત્રકાર તરીકે ઘણી વાર તોફાની વિચાર આવી જતો કે માનો કે સવારના છાપામાં રવિવારે રજા રખાય તો શું ખાટુંમોળું થઈ જાય? સોમવારના છાપામાં અમસ્તુંય જગ્યા વધુ હોય છે. જાણે સમાચારસર્જકો પણ રવિવારે રજા પર હોય તેમ તે દિવસે ખાસ સમાચાર હોતા નથી. તો સોમવારનું સવારનું છાપું ન આવે તો? જોક હવે નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ જેવા લોકો રવિવારે જ રેલીઓ કે અન્ય એવા કાર્યક્રમો રાખે છે કે રવિવાર હવે શુષ્ક નથી રહેતો. જેના પરિણામે સોમવારનું છાપું પ્રમાણમાં વધુ રસપ્રદ બનવા લાગ્યું છે.

જેમને છાપાનું બંધાણ થઈ ગયું છે (અમુકને તો એવું બંધાણ હોય છે કે છાપું ન વાંચે તો હાજત ન લાગે.) તેમને છાપાવાળાની રજા બહુ કઠે. જે દિવસે છાપું ન આવ્યું હોય તે દિવસ સૂનોસૂનો લાગે. એક વાચક તરીકે મનેય આવો અનુભવ થયો છે પરંતુ પત્રકાર તરીકે રજા વેલકમ બ્રેક છે.  ખાનગી નોકરીમાં ૧૫ દિવસની રજા, અરે એક અઠવાડિયાની રજા મળવી બહુ મુશ્કેલ હોય છે. જે લોકો રજા નથી લેતા તેમના વિશે તેમના સાથી કર્મચારીઓમાં માન્યતા પ્રવર્તતી હોય છે કે તેઓ પોતાનો સબસ્ટિટ્યૂટ ઊભો કરવા નથી માગતા એટલે રજા લેતા નથી. પરંતુ જે લોકો રજા લે છે તેમના વિશે બે પ્રકારની વાતો થાય છે. ૧. તેઓ એવા કુશળ નેતા છે જે તેમના પછીની બીજી હરોળ તૈયાર કરવામાં માને છે. અથવા ૨. તેઓ ઘરે અથવા ઑફિસની બહારથી પણ ઑફિસનું કામકાજ મેનેજ કરી શકે છે. એટલે કે તેઓ રજા પર હોય ત્યારે પણ અંકુશ તો પોતાના હાથમાં જ રાખે છે.

સામાન્ય રીતે આપણી એવી માન્યતા છે કે ભારતમાં ઘણી બધી રજાઓ મળે છે. વિકાસશીલ દેશોની દૃષ્ટિએ આ આંકડો સાચો છે, પરંતુ સમગ્ર વિશ્વની વાત કરીએ તો આવું નથી. ભારતમાં કુલ મળીને ૨૬ રજા જ આખા વર્ષ દરમિયાન મળે છે અને તે પણ સરકારી કર્મચારીઓને. બીજા દેશોની વાત કરીએ તો સૌથી ઓછી રજા કેનેડામાં મળે છે. ત્યાં ૧૫ દિવસની જ કુલ રજા છે. તે પછી ચીન આવે છે જ્યાં ૧૬ દિવસની કુલ રજા હોય છે. તાઈવાનમાં ૧૯, થાઇલેન્ડમાં ૨૪, અમેરિકામાં ૨૫, અને જાપાનમાં ૨૬ દિવસની કુલ રજા છે. આમ, ભારત અને જાપાનમાં રજાના દિવસો સરખા છે. જોકે ઔદ્યોગિક અને આર્થિક રીતે જાપાન આપણાથી આગળ છે તે વાત સ્વીકારવી પડે. રજાની વાત આગળ ચલાવીએ તો, નેધરલેન્ડ-દક્ષિણ કોરિયામાં ૨૭/૨૮, સ્વિત્ઝર્લેન્ડ-જર્મની-ફ્રાન્સ-આર્જેન્ટિનામાં ૨૯, ન્યૂઝીલેન્ડમાં ૩૧, બ્રાઝિલમાં ૩૫, સ્વીડન-ઇટાલીમાં ૩૬ રજા, અને સૌથી વધુ રજા રશિયામાં ૪૦ છે. ભારત અને જાપાન જેવો જ તફાવત જર્મની અને ફ્રાન્સ/ગ્રીસમાં છે. બંનેમાં રજા સરખી પરંતુ એકનું અર્થતંત્ર ફૂલગુલાબી અને બીજાનું મંદીવાળું. આ જ રીતે ગ્રીસમાં તો માત્ર બે અઠવાડિયાની જ પગાર સાથેની રજા મળે છે. તેમ છતાં ગ્રીસનું અર્થતંત્ર પણ મંદીમાં ચાલે છે. પોર્ટુગલે તાજેતરમાં કરકસરના ભાગરૂપે તેની ચાર રાષ્ટ્રીય રજા રદ્દ કરી નાખી હતી.

આમ, યુરોપમાં અમેરિકા કરતાં સરેરાશ ૧૦ દિવસની વધુ રજા છે. વોશિંગ્ટન ડીસીના સેન્ટર ફોર ઇકોનોમિક એન્ડ પોલિસી રિસર્ચ મુજબ, અમેરિકા વિશ્વનો એક માત્ર ઔદ્યોગિકરણવાળો દેશ છે જેમાં રોજગારદાતાઓને પગાર સાથે રજા આપવાનું કોઈ કાયદાકીય બંધન નથી. યુરોપીય સંઘના દેશોમાં વારંવાર આવતી રજાઓ એ કામદારના જીવનનો અતૂટ ભાગ ગણાય છે. યુરોપમાં ઑગસ્ટ એ વેકેશનનો સમય છે. ગરમીથી ત્રાસીને તેઓ રજા પર જતા રહે છે. સ્પેન, જર્મની વગેરે દેશોમાં દુકાનોના શટર પડી જાય છે અને લગભગ કર્ફ્યૂ જેવું વાતાવરણ હોય છે. ગુજરાતમાં દિવાળીથી લાભપાંચમ સુધી બધી દુકાનોના શટર પડેલા હોય છે. હવે જોકે રેસ્ટોરન્ટમાં મારવાડી વગેરે બહારના રસોઈયા અને વેઇટર આવતા, તેઓ આ રજાઓમાં પણ ખુલ્લા જોવા મળે છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમનો મહિમા છે. શાળાઓ તેમજ દુકાનોમાં આ દિવસો દરમિયાન કોઈ માણસ પણ ન જોવા મળે. રજા અને બ્રેકની વાત નીકળી જ છે તો રાજકોટની એક રસપ્રદ વાત કરી લઈએ. અહીં તમને એકથી ચાર જેવા બપોરના સમયમાં દુકાન કે ઑફિસમાં કોઈ જોવા ન મળે તેમ કહેવાય છે. અમદાવાદમાં મકરસંક્રાંતિ અને તે પછીના દિવસ, જેને વાસી ઉત્તરાયણ કહે છે, આ બે દિવસ બધું બંધ હોય છે. મહારાષ્ટ્રની તો આપણને ખબર છે જ કે અહીં ગણેશચતુર્થી અને ગણેશવિસર્જન અથવા તો અનંતચતુર્દશીનો મહિમા વધુ છે. આ ઉપરાંત ચૈત્ર સુદ એકમ-ગુડી પડવાનું પણ વધુ મહાત્મ્ય છે.

રજા અને પ્રોડક્ટિવિટીને કેવો સંબંધ છે? વ્યસ્ત પ્રમાણ કે સમપ્રમાણ? બે પ્રકારના મંતવ્ય છે અને તે બંનેને આપણે આંકડા-સંદર્ભ સાથે જ રજૂ કરીશું. તેમાંથી શું તારણ કાઢવું તે વાચક પોતે નક્કી કરે.

અમેરિકામાં ૧૪ દિવસના ઑફ દર વર્ષે મળે છે. તેમાંથી કામદારો માત્ર ૧૨ જ ભોગવે છે. અમેરિકામાં ફરજિયાત વેકેશન ટાઇમ નથી. અમેરિકા વિકાસશીલ દેશોમાં સૌથી બીજા ક્રમનો ઉત્પાદક દેશ છે તેમ વોલસ્ટ્રીટ જર્નલનું કહેવું છે.

ઑર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કૉઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ મુજબ, બેલ્જિયમ અને નેધરલેન્ડમાં અનુક્રમે ૩૦ દિવસ અને ૨૮ દિવસના ફરજિયાત વેકેશન દિવસો છે. તેઓ અમેરિકા કરતાં ૨ ટકા વધુ ઉત્પાદક છે. ટૅક્સ હેવન ગણાતા લક્ઝમબર્ગમાં ૩૨ દિવસનું વાર્ષિક વેકેશન એલાઉન્સ મળે છે, તેની જીડીપી વિશ્વમાં કતાર પછી બીજા ક્રમે છે!

(‘મુંબઈ સમાચાર’ની રવિ પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૨૫ જાન્યુઆરીના રોજ આ લેખ છપાયો)

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.