ધારણા પ્રમાણે જ ‘એઆઈબી’ શો સામે એફઆઈઆર થઈ અને સત્તાવાર રીતે વિડિયો હટાવી લેવાયો. સત્તાવાર એટલે કે યૂટ્યૂબની અન્ય ચેનલો પર આ વિડિયો છે જ. તેના પક્ષમાં અને વિપક્ષમાં ઘણી દલીલ-ટ્વીટ થયા છે. આવું કંઈક બને એટલે મોરલ પોલિસિંગની ટીકા કરનારા વધી જાય છે. અને દલીલ કરાય છે કે બળાત્કાર, કાળા નાણા, સંસદમાં ગાળાગાળી થાય તેનો વાંધો નહીં, પરંતુ આવી ક્રિએટિવ બાબતો સામે વાંધો નહીં.

એમાં ના નહીં કે વરલીમાં યોજાયેલા આ શોમાં ક્રિએટિવિટી હતી અને અમુક શાલીન જોક પણ હતી, પરંતુ હદ બહારની અશ્લીલતા હતી. નવાઈની વાત એ હતી કે તેમાં કરણ જોહરે તેનાં માતા હીરુ જોહર હાજર હતાં અને અત્યંત છિછરી હરકતો કરી, છિછરા જોક કહ્યા. કરણ જોહરે દુર્યોધનને પણ પાછળ રાખી દીધો. (કરણ જોહર એક સારો નિર્માતા, નિર્દેશક અને રિયાલિટી શોનો સારો એન્કર છે, સારો ડાન્સર છે, એ રીતે તેના પ્રત્યે ભરપૂર માન છે પરંતુ તેણે જે રીતે સજાતીયતાને અને આ શોને ઉત્તેજન આડકતરી રીતે પણ આપ્યું છે તે ટીકાપાત્ર છે જ). મહાભારતના યુદ્ધ પહેલાં પુત્રને શક્તિશાળી બનાવવા દુર્યોધનને ગાંધારીએ કહેલું કે તું મારી સામે નગ્ન થઈને આવજે. હું ત્યારે મારી પટ્ટી આંખ પરથી ઉતારીશ. આંધળા પતિ માટે થઈને દેખતા હોવા છતાં ગાંધારીએ આંખ પર પટ્ટી બાંધી દીધી હતી. તેથી તેમની આંખોમાં તેજ હતું. પરંતુ શ્રી કૃષ્ણએ દુર્યોધનને સમજાવ્યું કે તું તારી માતા સમક્ષ નગ્ન જઈશ? અને દુર્યોધન સમજી ગયો. જાંઘ પર વસ્ત્ર પહેરીને ગયો. આથી દુર્યોધનના બીજા બધા ભાગો વજ્ર જેવા થઈ ગયા. પરંતુ જાંઘ બાકી રહી ગઈ. કરણ જોહરે તો તેની માતા સમક્ષ જ આ બધું બોલ્યું – કર્યું.

શોમાં અર્જુન કપૂરે પણ તેના વડીલ કાકા સંજય કપૂરની હાજરીમાં અણછાજતી ચેષ્ટાઓ કરી. આલિયા ભટ્ટની પટ્ટી તેની માતા સોની રાઝદાનની હાજરીમાં અને બહેન શાહીન ભટ્ટની હાજરીમાં ઉતરી. તો આલિયાની મોટી બહેન શાહીન ભટ્ટની હાજરીમાં તેના પ્રેમી રોહન જોશી, જે એઆઈબીનો સભ્ય છે, તેની ફિલમ ઉતારાઈ.

આ શોમાં જનનાંગો, વિકૃત વાતો એટલી હદે થઈ કે ખરેખર શરમજનક કહેવાય. જોકે ફિલ્મ ઉદ્યોગમાં વિકૃતિની હવે નવાઈ નથી રહી. શાહરુખ ખાન અને સૈફ અલી ખાને એવોર્ડ સમારંભોમાં આવી વિકૃતિઓ હાસ્યની રીતે રજૂ કરી જ છે. વિદ્યા બાલનની ‘ડર્ટી પિક્ચર’ આવી એ સાલે એવોર્ડ સમારંભોમાં શાહરુખ ખાને હદ વટાવી દેતી રજૂઆત કરી હતી. ફિલ્મોદ્યોગમાં છેલ્લા દાયકાથી ફિલ્મો જે રીતની બની રહી છે તેમાં મોટાભાગની ફિલ્મોને ક્યાં તો યુએ અથવા એ સર્ટિફિકેટ મળેલું હોય છે. પણ તેના ટ્રેલર અથવા પ્રોમોને સર્ટિફિકેટ અપાતા હશે કે કેમ તે ખબર નથી, પરંતુ તેની જાહેરખબરો ટીવી પર આવે છે. અને બાળકો પણ તેને જોતા હોય છે. શું હવે ફિલ્મોદ્યોગમાં મોટા ભાગના ફિલ્મ સર્જકો પાસે આવી વિકૃતિ બતાવવા સિવાય કંઈ રહ્યું જ નથી? કોણે કેટલાં ચુંબનો આપ્યા અને કોના કેટલાં, કેટલી હદ સુધીનાં ઉત્તેજક અંતરંગ દૃશ્યો છે તેના પર જ ફિલ્મનું વેચાણ થશે? દરેક ઉદ્યોગની એક સામાજિક જવાબદારી હોય છે તેને કૉર્પોરેટ ભાષામાં કૉર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) કહે છે અને ગયા વર્ષે યુપીએ સરકારે કંપની કાયદામાં સુધારો કરીને સીએસઆર ફરજિયાત બનાવી દીધી છે. હવે જ્યારે ફિલ્મોદ્યોગનું કૉર્પોરેટાઇઝેશન થયું છે ત્યારે શું તેની કોઈ સીએસઆર નથી? વ્હી. શાંતારામ, ગુરુ દત્ત, બી. આર. ચોપરા, રાજશ્રી જેવા અનેક ફિલ્મ સર્જકો થઈ ગયા જેમણે સામાજિક રીતે ચેતના જાગે તેવી ફિલ્મો બનાવી. સમાજ પ્રત્યેના પોતાના કર્તવ્યને બરાબર સમજ્યું. સૂરજ બડજાત્યા પણ (‘મૈં પ્રેમ કી દીવાની હૂં’ને બાદ કરતા) આ જ માર્ગે ચાલે છે. પરંતુ આજના ઘણા ફિલ્મ સર્જકો માત્ર સેક્સ અને હિંસા પર જ ફિલ્મ બનાવે છે. અરે! પૌરાણિક વિષય કથાની ફિલ્મોમાંય અંતરંગ પળોનાં દૃશ્યો ઘૂસાડાય છે. ફિલ્મોમાં બેફામ ગાળો બોલાય છે.

આ વિષય પર જ્યારે ચર્ચા નીકળે ત્યારે ‘તે આમ કરે છે તો અમે કેમ ન કરીએ’ જેવી બાલિશ દલીલો થાય છે. ઇન્ટરનેટ પર બધું જ પ્રાપ્ય છે. તે બાળકો નહીં જોતા હોય તેવી દલીલ કરે છે. ઇન્ટરનેટવાળા ટીવી પર દોષારોપણ કરે છે કે ટીવી પર એમ ટીવી-વી ટીવી અને ફેશન ટીવી જેવી ચેનલો છે જ ને. તો ટીવીવાળા ફિલ્મોદ્યોગ પર દોષનો ટોપલો ઢોળે છે. આમ, આખું વિષચક્ર ચાલતું રહે છે. આ તો એના જેવું થયું કે એલોપથીવાળાં નશાના સિરપ કે અન્ય પ્રતિબંધિત દવાઓ પ્રિસ્ક્રાઇબ કરે ને આયુર્વેદ પર દોષનો ટોપલો ઢોળે અને આયુર્વેદવાળા યુનાનીનો હવાલો આપે. ભાજપવાળા એમ કહે કે કૉંગ્રેસમાં આ બધું થાય જ છે ને અને કૉંગ્રેસવાળા અન્ય પક્ષોની વાત કરે. ઇન્ટરનેટની અમુક વેબસાઇટોને માતાપિતા પ્રતિબંધિત કરી શકે છે, એ જ રીતે ટીવી પર ચાઇલ્ડ લોક આવે જ છે, પરંતુ ફિલ્મોના ટ્રેલર તો ન્યૂઝ ચેનલો પર પણ આવે ને સિરિયલોમાં પણ પોતાની ફિલ્મના પ્રમોશન માટે કલાકારો ટપકી પડે. જોકે આપણે વાત એઆઈબીની કરી રહ્યા છીએ.

એઆઈબીએ યૂટ્યૂબનો ફાયદો ઉઠાવ્યો. પોતાની ક્રિએટિવિટીને વ્યક્ત કરવા સોશિયલ મિડિયા સારું માધ્યમ છે. એમાંય યૂટ્યૂબ વગેરેને ભારતના કાયદા લાગુ પડતા નથી, એટલે એમાં જે ધારો તે મૂકી શકાય. જોકે સરકાર ધારે તો તેના અમુક વિડિયોને પ્રતિબંધિત કરી શકે પરંતુ આપણી સરકારો ઉદાર છે. એઆઈબીએ અત્યાર સુધી બાવનેક વિડિયો મૂક્યા અને તેમાં વપરાતી ભાષા ઘણી ગંદી હતી, પરંતુ ક્રિએટિવિટી સારી હતી. ગયા વર્ષે તેનો કેજરીવાલ પરનો વિડિયો ઘણો લોકપ્રિય થયો હતો. તો એક અંગ્રેજી અખબારનો દીપિકા પદુકોણેના ક્લિવેજ સંબંધી વિવાદ થયો તે સંદર્ભમાં તે અંગ્રેજી અખબારની બરાબર પટ્ટી ઉતારાઈ હતી કે છાપામાં કેટલા ફોટા ક્લિવેજના મૂકાય છે, તેની વેબસાઇટને કેટલી સોફ્ટ પોર્ન જેવી બનાવી દેવાઈ છે. અને અમને પત્રકારોને રસ પડે તેવી વાત એ હતી કે તેમાં બહુ સારી રીતે બતાવાયું કે આજે માર્કેટિંગ એડિટિંગ વિભાગ પર કેટલું હાવી થઈ ગયું છે.

એઆઈબીની ક્રિએટિવિટીને પ્રણામ, અને સાથે એ પણ સ્વીકાર્યું કે નવા યુવાનો અત્યંત ક્રિએટિવ છે, પરંતુ ક્રિએટિવિટી સાચી અને સારી રીતે નીકળે તો સારું રહે. તે જો વિકૃત રીતે નીકળે તો તે ખતરનાક બની જાય. એઆઈબીના બધા વિડિયો તો નથી જોયા પણ જેટલા જોયા તેમાં આ ડિસેમ્બરવાળો રણવીરસિંહ, અર્જુન કપૂર અને કરણ જોહરવાળો વિડિયો સૌથી વલ્ગર હતો. સોનાક્ષી સિંહા, જેણે હજુ ખાસ અંગ પ્રદર્શન નથી કર્યું અને તેના પિતા શત્રુઘ્નસિંહાનો ડર પણ છે, તે આ શોમાં હાજર રહી અને પોતાના અર્જુન કપૂર સાથેના જોક તેણે માણ્યા તે જોઈને નવાઈ લાગી. અત્યારની અભિનેત્રીઓમાં સોનાક્ષી સુંદર છે, તેની ફિલ્મો જોવી ગમે છે, તેના ડાન્સ સારા હોય છે, પણ તે આ શોમાં હાજર રહી?! આઘાત તો ચોક્કસ લાગે. વળી, આ જ સોનાક્ષી સિંહાએ વાયડી અને નોનસેન્સ આઇટમ કમાલ આર ખાનની ટ્વીટ બાબતે મહિલાઓના સન્માનની વાત કરી હતી! કમાલ આર ખાને જાતે ટ્વિટર સૌથી સેક્સી અભિનેત્રીઓ અંગે લોકોના અભિપ્રાય પૂછ્યા હતા, તેમાં તેણે નિતંબની વાત કરી હતી અને સોનાક્ષી સિંહા બાબતે પણ લોકોનો મત પૂછ્યો હતો. જોકે બાદમાં તેણે સોનાક્ષીનું નામ કાઢી નાખેલું, તેમ છતાં સોનાક્ષી સિંહાએ ટ્વીટ કરીને જ કેઆરકેને મહિલાઓના સન્માનની વાત યાદ અપાવી હતી.

આ જ રીતે અંગ્રેજી અખબારના વિવાદ વખતે દીપિકા પદુકોણેએ પણ મહિલાની ગરીમાની દુહાઈ આપી હતી, અને તે આ શોમાં તેના અને રણવીરસિંહના ભદ્દા જોક માણી રહી હતી. સૌથી હદ તો એ વાતની થઈ કે એઆઈબીના એક સભ્ય આશીષ શક્યાના કાળા હોવા વિશે એકથી વધુ લોકોએ અને એકથી વધુ મજાક કરી. યાદ છે ને ૨૦૧૪માં દિલ્હીમાં જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર હતી ત્યારે મધરાતે પાડેલા દરોડામાં સોમનાથ ભારતીના એક સમર્થકે યુગાન્ડાની મહિલાઓએ ‘એન’ શબ્દ વાપર્યો તો હોહા થઈ ગઈ હતી. અમેરિકા જેવો દેશ હોય અને એઆઈબી સામે ફરિયાદ થાય તો શક્યાની મજાક ઉડાવનારા નિશ્ચિત રીતે જેલભેગા થઈ ગયા હોત!

આ શોમાં હાજર નહીં રહેલાઓને પણ બક્ષવામાં આવ્યા નહોતા. પરિણીતી ચોપરાએ પહેલાં તેમાં હાજર રહેવા હા પાડી હતી પરંતુ તે ન આવી એટલે તેની પણ ભદ્દી મજાક ઉડાવાઈ હતી. આ ઉપરાંત નિર્માતા-દિગ્દર્શક આદિત્ય ચોપરા, રાહુલ ગાંધી, સ્મૃતિ ઈરાની, આયેશા ટકિયા,નરેન્દ્ર મોદી આ બધા હાજર નહોતા પરંતુ તેમને ખૂબ જ ખરાબ રીતે મજાકને પાત્ર બનાવાયાં. ફરીદા જલાલની તો એટલી ખરાબ મજાક કરાઈ કે ફરીદા તેનાથી ભારે ગુસ્સે થઈ ગયા હોવાનું બહાર આવ્યું છે. જોકે તેમણે કોઈ કાનૂની માર્ગ અપનાવ્યો નથી. બીજું તો ઠીક, પણ ધર્મોને પણ બક્ષવામાં નથી આવ્યા. ભગવાન ગણેશની ઉપમા આપીને એક સભ્યની મજાક કરાઈ (જોકે ગણેશજીનું ચોખ્ખું નામ લેવાયું નહોતું, પણ વિસર્જનની વાત એ પ્રત્યે ઈશારો જ હતો, કેમ કે બધા જાણે છે કે મુંબઈમાં ગણેશજીનું વિસર્જન ધામધૂમથી થાય છે) કેથોલિક સંપ્રદાય અને જીસસને પણ બક્ષવામાં આવ્યા નહોતા.

આ માત્ર તોછડાઈ નહોતી પરંતુ હદ બહારની અશ્લીલતા હતી. મનસે અને એનસીપી હવે આ શોનો વિરોધ કરી રહ્યા છે. એનસીપીના કથિત વિરોધના કારણે આ શોની સભ્ય અદિતિ મિત્તલનો એક રેસ્ટોરન્ટે શો રદ્દ પણ કર્યો. એઆઈબીનો જ કેમ વિરોધ થયો? સોની ટીવી પર કોમેડી સર્કસ આવતું તેનો વિરોધ પણ થવો જોઈતો હતો. તેમાં દ્વિઅર્થી જોક આવતી. જોકે તેની સામે કદાચ વિરોધ એટલે નહીં થયો કેમ કે તેનું કન્ટેન્ટ એઆઈબી જેટલું અશ્લીલ નહોતું. વળી, કોમેડી સર્કસની ક્રિએટિવિટી પણ જબરદસ્ત હતી. વર્ષો અગાઉ નીના ગુપ્તાએ ‘કૌન બનેગા કરોડપતિ’ની સામે ‘કમઝોર કડી કૌન’ શો કર્યો હતો જેમાં નીના ગુપ્તા સ્પર્ધકોનું ભયંકર અપમાન કરતી હતી. તે વખતે પણ તે શો પચ્યો નહોતો અને ટૂંક સમયમાં જ સંકેલી લેવો પડ્યો હતો. તેની સામે ‘કૌન બનેગા કરોડપતિ’ શો લાંબો ચાલ્યો. કેબીસીમાંય એક સિઝનમાં શાહરુખ ખાન આવી ગયો, પણ તે તમામ સ્પર્ધકોને ભેટવાનો આગ્રહ રાખતો હતો. પણ એક પ્રાધ્યાપિકાએ તેને તેમ કરવાનો ઇનકાર કરી તેનું સજ્જડ અપમાન કર્યું હતું. તરત જ તે પછીની સિઝનમાં અમિતાભનું પુનરાગમન થઈ ગયું હતું.

આ જ રીતે વચ્ચેના સમયમાં એવી શૃંખલા ચાલી કે મ્યૂઝિક અને ડાન્સના ટીવી શોમાં અનુ મલિક, હિમેશ રેશમિયા, ઇસ્માઇલ દરબાર જેવા જજ સ્પર્ધકો સાથે બહુ જ તોછડાઈ અને કઠોરતાથી વર્તતા હતા. તેનો પણ વિરોધ ભરપૂર થયો. હવે ફરીથી બધા જ જજો સારી રીતે વર્તતા થઈ ગયા છે. ભારતીય સમાજમાં આ બધું ન ચાલે.

એઆઈબીનો વિરોધ વાજબી જ છે. કારણકે જો તેને અહીં રોકવામાં નહીં આવે તો દિગ્દર્શક અશોક પંડિતે ટ્વીટ કર્યું તેમ આ વિકૃતિ કેટલી આગળ વધશે તેની કલ્પના મુશ્કેલ છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે ગમે તે ન ચલાવી શકાય.

(‘મુંબઈ સમાચાર’ની રવિવારની પૂર્તિ ઉત્સવમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૮/૨/૧૫ના રોજ આ લેખ છપાયો.)

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.